Search This Blog

28/12/2014

ઍનકાઉન્ટર : 28-12-2014

૧. મને ડિમ્પલ કાપડીયા સાથે પ્રેમ થઈ ગયો છે... શું કરું?
- તોપખાનામાં નામ નોંધાવી આવો.
(રાજેશ પંડયા, ગાંધીનગર)

૨. તમારે 'ઍનકાઉન્ટર'માં કોઈ સવાલ પૂછવાનો થાય તો કેવો પૂછો?
- સારો.
(નેહલ શાહ, હિમ્મતનગર)

૩. તમે કોઈ બરાક ઓબામા નામના માણસને ઓળખો છો?
- અફ કૉર્સ... ઈ.સ. ૧૯૩૨-માં મહાત્મા ગાંધી સાથે મારો ફોટો કોઈ આ નામના ભાઈએ પાડયો હતો ખરો!
(ગોલ્ડી વિરાણી, સુરત)

૪. તમે અમેરિકામાં પંખો ચાલુ કરતા હતા?
- બીજાનું ઘરનું કશું ચાલુ કરવાનું હોય તો, પંખા તો ક્યા ચીજ હૈ... હું તો મારા નામનું એમને ત્યાં ખાતું ય ચાલુ કરી દઉં છું.
(પ્રિયા દવે, મેહસાણા)

૫. મારે આખી દુનિયાનો પ્રવાસ કરવો છે. શરૂઆત ક્યાંથી કરું?
- હમણાં ઘરના રસોડામાં બે મહિના ગોળગોળ ચક્કર મારે રાખો... આખી દુનિયામાં પહેલું એ યાદ આવશે.
(શશીકાંત દેસાલે, સુરત)

૬. સવાલો ઈ-મેઈલમાં શરૂ કર્યા પછી જરા અઘરું થઈ ગયું છે, નહિ?
- હા. કાયમ દેખાતા ઘણા નામો કાયમ માટે ઊડી ગયા!
(સુધીર ભટ્ટ, ભાવનગર)

૭. નસીબ આગળ પાંદડાને બદલે આખું ઝાડ આવે તો?
- ખાતર બદલાવો.
(અબ્દુલકાદિર ભારમલ, ભાવનગર)

૮. 'ઍનકાઉન્ટર'નો અનુવાદ કરી નામ ગુજરાતીમાં રાખી ન શકાય?
- તમારી અટકનો 'શાહ' શબ્દ અરબી ભાષાનો છે... કરો ગુજરાતીમાં અનુવાદ!
(સચિન શાહ, વડોદરા)

૯. આજના જમાનામાં માણસ એવો ને એવો રહ્યો છે ને ફોન 'સ્માર્ટ' થઈ ગયા છે... સુઉં કિયો છો?
- ફોન કોઇ સ્માર્ટ માણસે બનાવ્યો હોવો જોઇએ... !
(રીશભ મોદી, વડોદરા)

૧૦. 'હૂડહૂડ' વાવાઝોડું... તમારી દ્રષ્ટિએ?
- ચલ... હઇડ-હઇડ!
(રવિ ઠક્કર, પોરબંદર)

૧૧. પાકિસ્તાનનું ય ઍનકાઉન્ટર કરી નાંખો, એટલે બલા ટળે!
- એ લોકો નિયમ મુજબ નામ, સરનામું અને મોબાઈલ નંબર લખીને સવાલ મોકલશે, તો નિયમ મુજબ જવાબ આપીશું!
(જીજ્ઞોશ ભાટીયા, મેઘરજ)

૧૨. તમારી ય પાસે કોઈ સવાલનો જવાબ ન હોય એવું બને છે ખરું?
- રોજ બને છે... જ્યારે કોઈ લેણદાર પૂછે છે, ''હવે પાછા ક્યારે આપો છો?''
(ધર્મેશ ખોખર, અમદાવાદ)

૧૩. પોતે ઝેર પીને બીજાને અમૃત આપતા ભગવાન શંકર જેવા બીજા કેમ મહાન નથી હોતા?
- આજકાલ ઝેરોના ભાવો સાંભળ્યા છે? પોસાય એવા નથી.
(ભૂમિ બી. પરમાર, અમદાવાદ)

૧૪. ચા અને વાઇફમાં શું સમાનતા છે?
- ચા બીજાના ઘરની ય પીવાય...!
(રમેશ કેરીયા, અમદાવાદ)

૧૫. સ્ત્રીઓને બદલે પ્રિયતમા સાથે લિવ-ઈન-રીલેશનથી કામ ચાલતું હોય તો સારું નહિ?
- તમારી પ્રિયતમા 'સ્ત્રી' નહિ હોય ને? ઝીંકે રાખો.
(રાજેશ શાહ, મુંબઈ)

૧૬. ભારતને અમેરિકા જેવી સ્વચ્છતા લાવતા કેટલા વર્ષો લાગશે?
- એમ નહિ...? અમેરિકાને ભારત જેવું બનાવવું હોય તો આપણા દસ-પંદર માણસોને જ અમેરિકા મોકલવાની જરૂર છે.
(રવિ સોંદાગર, ભાવનગર)

૧૭. મારે ય તમારી જેમ જવાબ આપતા શીખવું છે. કોઈ ઉપાય?
- પરણી જાઓ.
(ગૌતમ દવે, સુરત)

૧૮. મને વગર વ્યાજે થોડા રૂપિયા ઉધાર આપશો? દિવાળી સુધીમાં ચૂકવી દઈશ!
- મારી નકલ મારો છો?
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

૧૯. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે શું માનો છો?
- 'હું હિંદુ છું', એવું કહેતા શરમ અનુભવતો નથી, એ સંઘ.
(હિતેશ મહેતા, ધંધૂકા)

૨૦. આજકાલ 'જો બકા...' બોલવાની ફેશન વધી ગઈ છે... શું માનો છો?
- કોઈને બકો બનાવીને કોઈ સ્ટુપિડ આવી વાત કરે છે.
(મયૂર જે. મેહતા, વડોદરા)

૨૧. બાબા રામદેવ આજકાલ દેખાતા નથી...!
- એક વાતે એ માણસ મને ગમે છે. કમસેકમ દેશનો એ એકમાત્ર બાવો છે, જે આપણા ભારત દેશની તો વાત કરે છે. બાકીના એકે ય સંત દેશને તો ગણકારતો ય નથી.
(દેવેન્દ્ર જાની, પેથાપુર)

૨૨. અગાઉ પુરૂષના ધોતીયામાં પગ દેખાતો, તો ય સ્ત્રીઓ અશિષ્ટતાનો વિરોધ કરતી. હવે કેમ નથી કરતી?
- જે કરતી'તી, એ બધીઓ આજે ૮૦-૯૦ વર્ષની થઈ ગઈ!
(મધુકર પી. માંકડ, જામનગર)

૨૩. ગુજરાતમાં ઍન્જીનીયરોની વધતી જતી સંખ્યા વિશે સુઉં કિયો છો?
- એ બધાને ફળદ્રુપ માં-બાપો મળ્યા કહેવાય.
(નિકુંજ અંતાલા, ગોંડલ)

૨૪. તમને કેવા વાચકો ઉપર ગુસ્સો આવે છે?
- જેમના સવાલો સારા હોવા છતાં 'ઍનકાઉન્ટર'માં છપાતા નથી, એવા અભણ વાચકો ઉપર.... કે આટઆટલું કહેવા છતાં સવાલ સાથે પોતાના નામ-સરનામા-મોબાઈલની વિગતો લખતા નથી... હસવું નથી આવતું... બેવકૂફોથી બચી જવાનો આનંદ આવે છે.
(અમિતા જોશી, અમદાવાદ)

૨૫. નવું મૂડીરોકાણ અમદાવાદમાં કરાય કે સુરતમાં?
- જૂનીવાળીને ખબર પડે એમ ન હોય તો ઝૂમરીતલૈયામાં ય કરાય!
(નીલ વીરડીયા, સુરત)

No comments: