Search This Blog

05/12/2014

ફર્ઝ ('૬૭)

ફિલ્મ : ફર્ઝ ('૬૭)
નિર્માતા : સુંદરલાલ નાહટા- ધૂન્ડી (મદ્રાસ)
દિગ્દર્શક : રવિ નગાઇચ
સંગીતકાર : લક્ષ્મીકાંત- પ્યારેલાલ
ગીતકાર : આનંદ બખ્શી
રનિંગ ટાઇમ : ૧૭૫ મિનિટ્સ-૧૭ રીલ્સ
થીયેટર : લાઇટ હાઉસ

કલાકારો : જીતેન્દ્ર, બબિતા, સજ્જન, ડેવિડ, આગા, મુકરી, મોહન ચોટી, અરૂણા ઇરાની, મનોહર દીપક, રાજમાલા, સૅમ્સન, પ્રકાશ થાપા, પ્રેમકુમાર, કંચન


ગીત
૧. મસ્ત બહારો કા મૈં આશિક મેં જો ચાહે યાર કરૂં................મુહમ્મદ રફી
૨. બાર બાર દિન યે આયે, બાર બાર દિલ યે ગાયે................  રફી - કોરસ
૩. તુમસે ઓ હસિના કભી મુહબ્બત ન મૈને કરની થી સુમન................- રફી
૪. દેખો દેખો જી, સોચો જી, કુછ સમજોજી, બાગોં મેં................  લતા મંગેશકર
૫. આ... યહાં દેખનેવાલા, સુનનેવાલા કોઈ નહિ હૈ................  આશા ભોંસલે
૬. હમ તો તેરે આશિક હૈ, સદીયોં પુરાને, ચાહે તુ માને................  લતા- મુકેશ

નકલ કરવામાં તો આપણા ભાઈઓને કોણ પહોંચી વળે એમ આજે ય છે ? ૧૯૬૨-થી (ડૉ.નો) શરૂ થયેલી જેમ્સ બોન્ડની ઇંગ્લિશ ફિલ્મનો પ્રભાવ દુનિયાની બીજી કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર પડયો કે ન પડયો, આપણી મુંબઈ- નગરીની ફિલ્મોવાળા તો ભ'ઇ ન્યાલ થઈ ગયા જેમ્સ બોન્ડ ઉપરથી ચોરી કરીને બનાવેલી ફિલ્મો બનાવીને ! અસલી જેમ્સ બોન્ડનો કોડ નંબર ૦૦૭ હતો, તો આપણા જીતુભ'ઇને ઍજન્ટ ૧૧૬ બનાવી દેવાયા... ને એમાં ય, એનું ફિલ્મમાં નામ, 'ગોપાલકૃષ્ણ પાન્ડે.' ભારતના દર્શકોએ પેટો ભરી ભરીને આ પહેલી જેમ્સ બોન્ડ (!) ફિલમ ભરપેટ માણી અને ઠેર ઠેર રજત કે સુવર્ણ જયંતિઓ થઈ. એ જમાના પૂરતું એમાં કાંઈ ખોટું ય નહોતું. વર્ષોથી લોકો રાજેન્દ્રકુમાર છાપની પેમલા- પેમલીની રોતડી ફિલ્મો જોઈને કંટાળ્યા હતા, તે એટલે સુધી કે નડિયાદનો કોઈ રાજુ સીધેસીધો મહેમદાવાદની મંગળા સાથે પરણી જાય તો કોઈ મજો નહતો આવતો... મા-બાપો તરત હા પાડી દે, વિલન વચમાં પથરાં નાંખે કે સાંજના સમયે હીરોઇન ચોધાર આંસુએ માથે ઓઢીને મંદિરમાં કરુણ ગીત ન ગાય ત્યાં સુધી લગ્ન કરવાનો કોઈ ટેસડો જ ન પડે.

બસ. કંટાળેલા પ્રેક્ષકોને 'ફર્ઝ' ટાઇપની શરૂ થયેલી ફિલ્મોએ તરવરાટમાં લાવી દીધા. અમદાવાદના બહુ ફાલતુ થીયેટર લાઇટ હાઉસ જેવામાં ય ફિલ્મ 'ફર્ઝે' ૫૨ અઠવાડિયા પૂરા કર્યા, એ જ અરસામાં લાઇટ હાઉસથી માંડ અડધા કિ.મી. દૂર રૂપમ ટોકિઝમાં મનોજકુમારની ફિલ્મ 'ઉપકાર' બાવન વિક્સ- પુરા કરવાની તૈયારીમાં હતી. પણ લાઇટ હાઉસની પાછળ અડીને પડેલી પ્રકાશ ટોકિઝમાં આ જ જીતુભ'ઇની ઘણી સારી ફિલ્મ 'ગુન્હાઓં કા દેવતા'માં કાગડા ઊડતા હતા. હજી હમણાં પંદરેક દિવસ પહેલા જીતુએ પોતાને ગમેલી પોતાની સર્વોત્તમ ફિલ્મ 'ફર્ઝ' નહિ, 'ગુન્હાઓ કા દેવતા'ને ગણાવી છે. એ બહુ ચાલી નહિ, એ જુદી વાત છે.

આ ફિલ્મ હિટ જશે, એવી અપેક્ષા અને ઉતારનારા કે જોનારાઓમાંથી કોઈએ ક્યારેય રાખી નહોતી ને છતાં દશે દિશાઓમાં આ ફિલ્મ 'ફર્ઝ'નો જયજયકાર થવા લાગ્યો. એટલે 'લક' લૂંટી લેવાના ધખારામાં એ પછી આવેલી બે ફિલ્મો 'કિંમત' અને 'રક્ષા'માં જાસૂસ હીરોના નામ ગોપાલકૃષ્ણ પાન્ડે રાખવામાં આવ્યું હતું. જે આ નામ 'ફર્ઝ'માં જીતેન્દ્રનું હતું. મૂળ તો આ ફિલ્મના હીરો તરીકે ફિરોઝખાન નક્કી થઈ ગયો હતો, પણ બીજી ફિલ્મોમાં વ્યસ્ત હોવાના કારણે ચાન્સ જીતુભ'ઇને મળી ગયો. જીતુ પહેલેથી જ કરોડપતિ બાપનો દીકરો હતો અને કોઈપણ ભોગે એને હીરો બનવું હતું. વ્હી. શાંતારામે એને 'ગીત ગાયા પથ્થરો ને'માં ગીત જેવો નહિ, પથ્થર જેવો રોલ આપ્યો, પણ સાદી સેન્ડવીચે ય હોટલ તાજમહાલમાંથી આવી રહી હતી, એ ધોરણે એ ફિલ્મ જીતુ માટે લેન્ડમાર્ક બની ગઈ. પણ પેલી આગલી વાત હાથમાંથી છટકી રહી છે, 'ગુન્હાઓ કા દેવતા'વાળી... જીતુને એ ફિલ્મ મળી જાય તો બેડો પાર થઈ જાય. હીરોઇન રાજશ્રી અને સંગીતકારો શંકર- જયકિશન હતા, એટલે હીરો તરીકે ફેઇલ પણ જઉં, તો ય ફિલ્મ તો ચાલવાની.. આપણું નામ થવાનું ! જીતુ ય બિઝનેસમેનનો દીકરો હતો (અસલી નામ 'રવિ કપૂર') કોઈ પણ ભોગે નિર્માતા દેવી શર્માની આ ફિલ્મ હાથમાંથી જવા દેવા માંગતો નહતો. પણ નસીબના હાથમાં ય દસની નોટ પકડાવવી પડે એમ હતું. દેવી શર્માનું બજેટ ખૂટી પડયું. શંકર- જયકિશનની ચારે કોર બોલબાલા હતી ને પોતાનો ચાર્જ એક રૂપિયો ય ઓછો કરવા માંગતા નહોતા. જીતુભ'ઇ તરત પહોંચી ગયા શંકરના કૈલાસધામમાં ! અર્થ એવો નહિ કે, જીતુભ'ઇ 'કૈલાસવાસી' થઈ ગયા, પણ એ બન્ને સંગીતકારોને જીતુએ પોતાને આ ફિલ્મમાં કામ કરવાની પૂરી રકમ હાથમાં પકડાવી દીધી... 'ખૂટે તો બીજા માંગજો' કહીને !

ફિર ક્યા ? બાત બન ગઈ ! ફિલ્મ શરૂ થઈ અને ઠીક ઠીક ચાલી ય ખરી. જીતુને હીરો તરીકે સફળતા ખૂબ સારી મળી. ફિલ્મનું સંગીત તો બહુ ન જામ્યું, ને રાજશ્રી જેવી (એ જમાના પ્રમાણે) સેક્સી ગણાતી હીરોઇન કરતા ય ફિલ્મ લોકોને ગમી, બે જણના કારણે... જીતેન્દ્ર અને મેહમુદ ! આ ફિલ્મની મેહમુદની કૉમેડી હું યાદ કરૂં છું તો અત્યારે ય ખડખડાટ હસવું આવે છે. કમનસીબે, એની સીડી મળતી નથી, એટલે રાહ જોઈને બેઠો છું.

આ ફિલ્મના નિર્માતા દેવી શર્માને તમે વધારે ઓળખો એની ફિલ્મ 'ગંગા કી લહેરેં'થી. 'આન'વાળા મેહબૂબખાન અને 'રામાયણ' ટી.વી. સીરિયલવાળા રામાનંદ સાગરની જેમ એ પણ ડાન્સર- અભિનેત્રી કુમકુમમાં બરોબર ભેરવાયા હતા. એ તો કુમકુમનો વળી ઉદાર સ્વભાવ કે, આંગણે આવેલા કોઈ માંગણને નિરાશ ન કરે.

'જાની' રાજકુમારની નકલમાં અક્કલ નહિ વાપરનારાઓમાં બે હીરલાઓ મુખ્ય હતા, જીતેન્દ્ર અને વિશ્વજીત. બન્ને રાજકુમારની અદાઓથી મોહિત થઈને પોતાની બધી ફિલ્મોમાં સફેદ ચુસ્ત પેન્ટ નીચે સફેદ બુટમોજાં પહેરવા માંડયા, પણ એમાં ય વિશ્વજીતે તો હદ પણ કરી નાંખી... દુનિયાને એમ જણાવીને કે, આવી સ્ટાઇલ શરૂ કરનાર એ હતો... ! તારી ભલી થાય ચમના... રાજકુમાર તો ગળે મફલરે ય વીંટાળતો હતો, એ તારી કમર ઉપર બાંધે તો ય કોઈના ગળે ના ઉતરે... !

હિંદી ફિલ્મોમાં એક માત્ર બબિતા એવી હીરોઇન હતી, જેણે પોતાની હરએક ફિલ્મમાં એક્ટિંગ બતાવવી જ પડી નથી. ફિલ્મે ફિલ્મે બસ, હસે રાખવાનું. આખી કરિયરમાં એની જેટલી કોઈ ફિલ્મો આવી, એમાંથી એની ઉપર ગૌરવ થાય એવી તો એકે ય ફિલ્મ નહિ. એ પાછી, કરિશ્મા અને કરીના કપૂરની બા થાય... બા એટલે મૉમ, યૂ નો ! 'મેરે મહેબુબ'વાળી સાધનાની એ ફર્સ્ટ કઝિન (એટલે સગા કાકાની દિકરી) થાય. એ દેખાવડી ખૂબ હતી, એની ના નહિ... કમ-સે-કમ, કરીના કપૂર મારે જેવાને દીઠ્ઠે ગમતી નથી, એવી સાવ ફાલતુ બબિતા નહિ !

અરૂણા ઇરાની હજી નવી નવી સાઇડ હીરોઇન બની હતી, એટલે જીતુ સાથે ખુલ્લા મેદાનમાં 'મસ્ત બહારો કા મેં આશિક, મૈં જો ચાહે યાર કરૂં...' જેવા આનંદ બખ્શીના વાહિયાત ગીત ઉપર ભાઈ જીતુ સાથે ઉછળકૂદનું ગીત ગાવા સિવાય એને કાંઈ કરવાનું નહોતું, પણ એ પહેલેથી જ સુંદર હતી એટલે એક ગીત તો એક ગીત પૂરતા લોકો એને જોવા ખાસ ફિલ્મ જોવા જતા, એ હજી યાદ છે. આગા તો ઠીક અધરવાઇઝ, હંમેશા ખૂણામાં જ રહેલા મૂળ અમરાવતી- મહારાષ્ટ્રના મોહન ચોટીને સારો રોલ મળ્યો હતો. એ જમાનામાં આપણી ઉંમર પ્રમાણે એને અપાયેલો તકીયા- કલામ 'વન્ડર પે થન્ડર' અમારા જેવા સ્કૂલીયા- ચાહકોમાં બહુ ચાલ્યો હતો. કોમેડી તો મુકરી ય મજાની કરે છે આ ફિલ્મમાં. મજાની એટલે કોઇ ક્લાસિક નહિ, પણ આપણને ફિલ્મ 'શરાબી'ના 'મૂછે હો તો નથ્થુલાલ જૈસી'ની જેમ એ ગમે ખરો ! ફિલ્મ 'મધર ઇન્ડિયા'ના નરગિસના ખભે હળવાળા ખૂબ જાણીતા પોસ્ટરની ય અહીં જીતુભ'ઇ પાસે નકલ કરાવી છે. એક હાથ આસમાનમાં ને બીજો પાછળ.

ફિલ્મના દિગ્દર્શક રવિ નગાઇચ મૂળ તો કેમેરાના જાદુગર હતા. મદ્રાસની ફિલ્મોમાં એમની બોલબાલા હતી. નંદા- રાજેશ ખન્નાવાળી 'ધ ટ્રેન'માં ય કેમેરા એમનો ચાલ્યો હતો. એમનું ફ્રેમિંગ કંઈક નવું હતું. પછી બહુ ચાલ્યા નહિ, એ જુદી વાત છે.

ફિલ્મની વાર્તા કંઇક આવી હતી.

સીક્રેટ ઍજન્ટ ૧૧૬ ગોપાલને એનો બોસ ડૅવિડ કામ સોપે છે, એના જેવા જ બીજા સીક્રેટ એજન્ટ અમરનાથ (પ્રકાશ થાપા)ના માફીયાઓએ કરેલા ખૂનની તપાસ કરવાનું. હવે, દુનિયાભરના બોન્ડોની કુંડળીમાં શુક્ર કંઈક વધારે પડતો પાવરફૂલ હોવાથી આપણો દેસી બોન્ડ પણ સબ્જી લેવા મોકલ્યો હોય તો સબ્જીવાળી સાથે ય પ્રેમમાં પડતો આવે. પેલી 'તપાસ'વાળું કામ વચમાં સમય મળે તો કરતો રહે. અહીં એને એવો સમય મળે છે. સીક્રેટ સર્વિસના હત્યા થયેલા પ્રકાશ થાપાની બહેન (કંચના- જેને તમે 'તીન બહુરાનીયાં'ની એક બહુરાની તરીકે જોઈ છે.)ને ફિલ્મનો વિલન અને માફિયા દામોદર (સજ્જન), જે પાછો હીરોઇન બબિતાનો બાપ બને છે..! પછી તો આવો જ ઘાણ ઉતરે ને?) ઉશ્કેરતો આવે છે કે, તારી પાછળ ગુંડાઓ પડી ગયા છે. એ જ લોકોએ તારા ભાઈનું ખૂન કર્યું છે. જીતેન્દ્ર બિચારો પોતાની ફરજના ભાગરૂપે આ કમલા (કંચન)ને મળવા જાય છે, ને કંચુની સ્કૂલમાં એવું ભણાવ્યું હોય છે કે, કોઈની પાસે કામ કઢાવવું હોય તો એને ઘેર બોલાવીને ખૂબ સેક્સી ડાન્સ કરવો ને ટાઇમ બચતો હોય તો એક ગીત પણ ગાવું એટલે જીતુને લલચાવવા 'આ યહાં દેખનેવાલા, સુનનેવાલા કોઈ નહિ હૈ.' ગીત ગાય છે. ગીતના શબ્દો ઉપરથી આપણા ઉપર એવી છાપ પડે છે કે, આ બહેન બહેરા- મૂંગાની શાળાના સંચાલિકા હશે. પણ ગીત પૂરું થયા પછી માસુમ જીતેન્દ્ર પેલીને સમજાવે છે કે, હું તો સારો માણસ છું ને તારા ભાઈના કાતિલને શોધવામાં મદદ કરવા આવ્યો છું, પણ એમ કાંઈ પેલી માને ? નથી માનતી એટલે મૂડમાં આવવા જીતુ બબિતાને બાગમાં લઈ જઈને એક ગીત ગાય છે, 'હમ તો તેરે આશિક હૈ, સદીયોં પુરાને, ચાહે તુ માને, ચાહે ન માને...' આપણી બબુ વળી ભોળી એટલે તરત માની જાય છે કે, સો- બસ્સો વર્ષ પહેલાનો મારો આશિક આ જ હશે, પણ આટલા ઘરડા આશિકની એક વાત બબલી નથી માનતી કે, 'તારા ફાધર જ માફિયા ડોન છે.' બન્ને વચ્ચે લોચા પડે છે.

દરમ્યાનમાં આપણને એ ખબર પડે છે કે, સજ્જન નામ ધરાવવા છતાં કાળા કામો કરતો આ સજ્જન પણ કોઈ મોટા ડોનના હાથનું રમકડું છે. પણ એમ કાંઈ જીતુ કોઈને છોડે ? ત્રણ કલાકમાં તો ફિલ્મ પૂરી કરવાની હોય, એટલે ટાઇમનો પાક્કો જીતુ ત્રીજો કલાક પૂરો થાય એ પહેલાં વિલનોને પૂરા કરી નાખે છે, જેની સજારૂપે બબિતાને પરણવું પડે છે.

જીતેન્દ્રના પિતા અમરનાથ કપૂરને અમૃતસરમાં જ્વેલરીનો બિઝનેસ હતો, એમાં એક દિવસ વ્હી. શાંતારામ પાસે એ જ્વેલરી બતાવવા ગયો, એમાં ફિલ્મ 'નવરંગ'માં એને એક દરબારીનો રોલ મળી ગયો. બીજી ફિલ્મ 'સેહરા'માં જીતુને પ્રમોશન મળ્યું અને હીરોઇન સંધ્યાના ડુપ્લિકેટ તરીકે સ્ત્રીના કપડા પહેરીને ઊંટ પર બેસીને ભાગવાનું હતું. વ્હી શાંતારામમાં બિઝનૅસની આવડત ખરી, એટલે એમણે એમની નવી ફિલ્મ 'ગીત ગાયા પથ્થરો'ને માં પેલા ઊંટને બદલે જીતેન્દ્રને હીરો બનાવ્યો ને તો ય ફિલ્મ ખૂબ સફળ થઈ. બહેન હેમા માલિનીએ એની અધિકૃત બાયોગ્રાફીમાં સ્પષ્ટ કબૂલ કર્યું છે કે, એ અને જીતુ સહેજમાં પરણતા પરણતા રહી ગયા હતા. આમાં કોણ બચી ગયું, એ એણે લખ્યું નથી.

'તુમ સે ઓ હસિના મુહબ્બત ન મૈને કરની થી..'ગીતમાં રફીની સાથે સુમન છે. લક્ષ્મીકાંત- પ્યારેલાલ અને મુહમ્મદ રફી તો સગા ભાઈઓ સમાન હતા. પણ લક્ષ્મી- પ્યારેએ સુમન કલ્યાણપુરને લીધી હોય, એ ઘટના મોટી નહિ, ઘણી મોટી કહેવાય. બન્ને સંગીતકારો પૂર્ણપણે લતા મંગેશકરના વફાદાર હતા. આનંદ બક્ષીએ રાબેતા મુજબ આ ફિલ્મના તમામ ગીતો લખવામાં પોતાના બાલમંદિરના ધો.-૪ને યાદ કર્યું હશે કારણ કે એ સ્ટાન્ડર્ડથી તો આગળ જઈ શક્યા નહિ. જીતેન્દ્રએ આ નૃત્યગીતમાં વિશ્વના મહાન જાદુગર શ્રી કે. લાલ (જુનિયર) જાદુગરની મદદ લીધી હોવી જોઈએ કારણ કે, ચાલુ ગીતે એનો આખો શૂટ અને શૂઝ બન્ને પલભરમાં બદલાઈ જાય છે. આવી કલા તો હસુભાઈ જ કરી શકે. આ ગીત પછીના એક દ્રષ્યમાં સુંદર મજાની કોમેડી જોવા મળી. હોટેલમાં જીતેન્દ્રને મારવા આવેલા ગુંડાઓની ધોલાઈ ત્યાંના ગ્રાહકો કરે છે, એમાં ફ્રીજના આકારની એક મહિલા ગુંડાને મારતા મારતા થાકી ન જાય, એ માટે એનો ગોરધન હાથમાં પંખો લઈને પેલીને પવન નાંખે રાખે છે...! લોરેલ- હાર્ડીથી શરૂ થયેલી અને ટોની કર્ટિસ- જેક લૅમનની ફિલ્મ 'ધ ગ્રેટ રેસ'થી મશહૂર થયેલી કૅક અને ક્રીમની ફેંકાફેંકી પછી તો લગભગ બધી હિંદી ફિલ્મોમાં રીપિટ થવા માંડી હતી.

આ ફિલ્મની દોમદોમ સફળતામાં મેજર શૅર લક્ષ્મી- પ્યારેના બેનમૂન સંગીતનો પણ છે. એક એક ગીત વાંચી જુઓ... જમાવટ કરી દીધી હતી એ વર્ષોમા ! શમ્મી કપૂરને કારણે પોતાની ગાયકીમાં 'તોફાન' પણ ઉમેરનાર મુહમ્મદ રફી જીતેન્દ્રને પરફેક્ટ માફક આવી ગયા હતા ને 'મસ્ત બહારો કા મૈ આશિક...' બ્રાન્ડના ગીતો પછી તો જીતુની આવનારી લગભગ બધી ફિલ્મોમાં લેવાયા. બર્મન દાદાની જેમ લક્ષ્મી-પ્યારે પણ દરેક અંતરા પછી અલગ ધૂન આપતા હતા. આ ફિલ્મનું બર્થ-ડે સોંગ, 'બારબાર દિન યે આયે...' આજની કોઈ પણ બર્થ-ડે પાર્ટીમાં અચૂક ગવાય છે. આ ફિલ્મમાં ૧૦૦૦-થી વધુ તમિલ ફિલ્મોમાં કામ કોમેડિયન તરીકે કામ કરી ચૂકેલા નાગેશ (આખું નામ, 'નાગેશ્વરન સેઇયૂર ક્રુષ્ણા ગુન્ડુરાવ')ની ''મેરા કમરા કિધર હૈ ?'' એ શરાબીની સિચ્યુએશન ખૂબ હસાવનારી છે. નાગેશે કબૂલ કર્યું હતું કે, એ હોલીવુડના હીરો- કોમેડિયન જેરી લૂઈસના પડછાયામાં જ કૉમેડી કરે છે. ફિલ્મ 'ગોલ્ડ ફિંગર'માં પોલાદની કેપ ઉપર બોન્ડ ઉપર ફેંકતા ઑડજોબનું દ્રષ્ય અહીં બેઠું લેવાયું છે. ખૂબ શક્તિશાળી ગુંડાને જીતેન્દ્ર હાથોથી મારી શકે એમ નથી, તેથી વીજળીના સ્વિચ-બોર્ડ પાસે લઈ જઈને ગુંડા પાસે એની ઉપર પ્રહાર કરાવે છે, ને પેલો પતી જાય છે. ફિલ્મનો અસલી 'બોસ' સાઉથનો રાજનાલા કાલેશ્વર રાવ 'સુપ્રિમો'ના રોલમાં છે, જ્યારે મશહુર ડાન્સર મધુમતિનો પતિ મનોહર દીપક મૂળ તો 'ડાન્સ માસ્ટર'છે, પણ અહીં સુપ્રિમોના ગુંડા તરીકે છે.

'ફર્ઝ'ને એક લેન્ડમાર્ક ફિલ્મ તરીકે જરૂર લેવાય. એના પછી જ દેશમાં બોન્ડ છાપ ફિલ્મોનો યુગ શરૂ થયો... ને આજ સુધી ચાલુ છે.

No comments: