Search This Blog

27/12/2014

'ગુનાહોં કા દેવતા' ('૬૭)

- ચાહા થા બનૂં પ્યાર કી રાહોં કા દેવતા..

ફિલ્મ : 'ગુનાહોં કા દેવતા' ('૬૭)
નિર્માતા-દિગ્દર્શક : દેવી શર્મા
સંગીત : શંકર-જયકિશન
ગીતકારો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઇમ : ૧૭-રીલ્સ- ૧૫૪ મિનિટ્સ
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : રાજશ્રી, જીતેન્દ્ર, મેહમુદ, અરૂણા ઇરાની, જીવન, જાનકી દાસ, લીલા ચીટણીસ, અસિત સેન, સુજાતા, બૅબી ફરિદા, માસ્ટર શાહિદ, રણધીર, એસ.કે.પ્રેમ અને ટુનટુન.



ગીતો
૧. મૈં મરને ચલા હૂં, અય હુસ્ન તેરી ખાતિર... મુહમ્મદ રફી
૨. હમકો તો બર્બાદ કિયા હૈ, ઔર કિસે બર્બાદ કરોગી.... મુહમ્મદ રફી
૩. હમકો તો બર્બાદ કિયા હૈ, ઔર કિસે બર્બાદ કરોગે.... શારદા
૪. તીર આંખો સે જીગર કે પાર કર દો યાર તુમ, જાન લેલો... મૂકેશ
૫. ચાહા થા બનૂં પ્યાર કી રાહોં કા દેવતા, મુઝકો બના... મૂકેશ
૬. રામ કરે કહીં નૈના ન ઉલઝે, નૈના જો ઉલઝે... લતા મંગેશકર
૭. મેહફીલ મેં શમા ચમકી, પરવાને ચલે આયે .... રફી- મન્ના ડે
(ફક્ત ગીત નં.૫ જ શૈલેન્દ્રનું.... બાકીના હસરત જયપુરીએ લખેલા છે.)

ઘરમાં વઘારેલો ભાત બગડયો હોય અને ન બગડયો હોય તો બગડવાની રાહ જોયા પછી એ વઘારેલો ભાત અહીંથી મુંબઇ કૂરીયર કરીને જીતેન્દ્રના ઘેર મોકલાવી દેવો જોઇએ. આખો નહિ તો એ પહેલી ચમચી તો ખાશે ને...? કાફી છે. એ બાઇટ લીધા પછી જેવું એનું મોઢું થશે, એ આપણા બધાનું થયું છે. (હું એકલો કહું, 'ગુનાહોં કા દેવતા' જોયા પછી એમાં બધા આવી ગયા !) ફિલ્મ ફાલતું નીકળી, એમાં ગુસ્સો કરીને આટલા મોંઘા ભાવનો વઘારેલો ભાત (પ્લસ-કૂરીયરનો ચાર્જ) વેડફી ન નંખાય ! પણ ૧૫૦-થી વધુ ફિલ્મોમાં કામ કરી ગયા પછી આજે કરિયરની સમાપ્તિ વખતે જતુ આપણને કેવા મામુ બનાવે છે કે, ''મારી કરિયરમાં મને 'ગૂનાહોં કા દેવતા' ખૂબ ગમી હતી...!'

તારી ભલી થાય ચમના... અત્યાર સુધી ડાઉટ તારી છોકરી (એકતા કપૂર)ના ટેસ્ટ ઉપર જ હતો... અહી તો આખું ખાનદાન કૉપી-પૅસ્ટ કરીને ગુજરાતી ફિલ્મોમાં ભરાઇ દેવું જોઇએ... તારો દીકરો તુષાર કપૂર તો જો કે, 'આમ આદમી પાર્ટી'માં ય ચાલે એવો નથી !... કૉગ્રેસવાળા સામેથી બોલાવશે !

હવે તો હું એકલો શું કામ ભરાઉં...? ફિલ્મની વાર્તાના અંશો તમને કહીશ જ !

જીતેન્દ્ર વિધવા માં (લીલા ચીટણીસ...આ રોતલને મેં એકે ય ફિલ્મમાં સધવા જોઇ જ નથી... બધી ફિલ્મોમાં વિધવા થઇને જ ફરતી હોય છે ! દરેક ફિલ્મે હસબન્ડને ઊડાડવાના આવા શોખો શું રાખવાના હોય !) સાથે મોટી હવેલીમાં રહેતો હોવા છતાં જુગાર- શરાબ સિવાય બીજું કોઇ પૂણ્યનું કામ કરતો નથી. આખી ફિલ્મમાં બસ, એકવાર જીતુ ખિસ્સાકાતરૂ જાનકીદાસને પકડીને મારે છે, પછી એક ય વખત એને કોઇ ગૂન્હો કરતો બતાવાયો નથી. એ દેવતાસ્વરૂપ પણ કોઇ કામ કરતો નથી, એટલે જ આ જ નામ 'ગૂનાહોં કા દેવતા' પરથી પ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ.ધર્મવીર ભારતીએ લખેલી નવલકથાના નામ સાથે આ ફિલ્મને કોઇ લેવા-દેવા નથી, એવું ટાઇટલ્સમાં લખવું પડયું છે. બીજી બાજુ મામા-મામી (એસ.કે.પ્રેમ અને ટુનટુન) સાથે રહેતી અનાથ રાજશ્રી શહેરમાં ગુંડાગર્દી કરતી ફરે છે, એમાં જીતુ ઝડપાઇ જાય છે, પણ એ જીતુને મચક આપતી નથી. લાઇનમાં બીજા બે ઉમેદવારો પણ છે, મેહમુદ અને જીવન (જેને અમારા ખાડીયામાં કાયમ 'જીવણ'ના નામે જ બોલાવાતો !) જીવનની દાનત ફક્ત રાજશ્રી ઉપર જ નહિ, જીતેન્દ્રની હવેલી ઉપરે ય છે અને ઇચ્છે છે કે, જીતુ જુગારમાં બધું હારી જઇને રૂ.૨૦૦/-માં હવેલી આપી દે. રાજશ્રીમાં ફૅઇલ ગયેલો મેહમુદ સીધી અરૂણા ઇરાનીની ફ્લાઇટ પકડી લે છે. આ બાજુ મામા- મામી રાજશ્રીને જીવન પાસે વેચી દેવા માંગે છે, પણ એમ વેચાય તો ફિલમ પૂરી કેવી રીતે થાય ? જીવન અધિરો થઇ જાય છે, પણ એ એની પર્સનલ-તવાયફ (એક જમાનાની મશહૂર અને ખૂબસૂરત ડાન્સર) સુજાતાને ગમતું નથી. ન જ ગમે ને ? આ જમાનામાં એક ભવમાં કાંઇ બે ભવ થોડા થાય છે ? મૂળ વાતે જીતુ દારૂ-જુગાર ઉપર ચઢી ગયો હોવાથી રાજશ્રી એને પસંદ કરતી નથી, એટલે એ પાછો એના રવાડે ચઢી જાય છે. પછી તો ફિલ્મ પૂરી કેવી રીતે થાય છે, એ બધું જાણવાથી શરીર પર ચર્મરોગ થઇ જાય... કારણ કે, દરેક વાતે વાર્તામાં તમને કાંઇ ખબર ન પડે (વાર્તાલેખકને પડી હોય તો આપણને પડે ને ?) એટલે થોડી થોડીવારે તમે માથું પતે પછી હાથ ખંજવાળવા માંડો. એના કરતા સીધું કહી દઉં કે, ''... પછી તો, ખાધું, પીધું ને રાજ કર્યું !''

યસ. પૂરી ફિલ્મમાં એક આશ્વાસન મોટું છે. મેહમુદની સ્થૂળ તો સ્થૂળ પણ કૉમેડી ખડખડાટ હસાવે છે ખરી. મેં આ જ કૉલમમાં બે-ત્રણ વખત લખ્યું છે કે, અભિનયને લાગે વળગે છે ત્યાં સુધી મેહમુદ અન્ય કૉમેડિયનો તો ઠીક, રાજ-દિલીપ અને દેવ આનંદની બરોબરીએ ઊભો રહી શકે એવો હતો. એની પાસે મોટી આવડત વિવિધતાની હતી. સમજો ને, દરેક ફિલ્મે એ જુદી જુદી બોલીમાં બોલતો. એકની એક સ્ટાઇલ ન હોય. જોવાની ખૂબી એ છે કે, પેલા ત્રણેય મહાન સ્ટાર્સ ભાગ્યે જ પોતાની ફિલ્મોમાં મેહમૂદને આવવા દીધો છે. બાકીના મોટા ભાગના હીરોલોગથી એ વધારે પૈસા લેતો. એમાં શમ્મી કપૂર સિવાય બધા જ હીરાઓ આવી ગયા. ધર્મેન્દ્ર, વિશ્વજીત, શશી કપૂર, મનોજ કુમાર... યસ, ઇવન સુનિલ દત્ત પણ !

અગાઉની ફિલ્મ 'ફર્ઝ' વખતે મેં આ 'ગૂનાહો કા દેવતા'ની ડીવીડી મારી પાસે નથી, એમ લખ્યું હતું. તેના તુરંત જવાબમાં ધોરાજીના આપણા સન્માન્નીય પૂર્વ સાંસદ સભ્ય શ્રી અરવિંદ પટેલે મને ડીવીડી મોકલી આપી. એમના વિશે જાણવું એટલા માટે જરૂરી છે કે જૂની હિંદી ફિલ્મો અને તેના સંગીત વિશેની જાણકારીમાં એ અમારા સહુના વંદનીય ગુરૂ ગણાય છે, મુંબઇના શ્રી નારણભાઇ મૂલાણીની જેમ આ બાજુ, હવે તો 'લિમ્કા બૂક ઑફ રૅકૉર્ડ્સ' (અને શક્ય છે, વર્લ્ડ-રૅકૉર્ડ...!)માં સ્થાન આવે એવું ભાવનગરમાં જૂની ફિલ્મોના ગીતોની દર મહિને આખા શહેરને વિના મૂલ્યે જાહોજલાલી કરાવતા શ્રી રાજેશ વૈષ્ણવ અને તેમના સાથીઓએ પણ મને આ ડીવીડી મોકલી આપી. (મારી નાંખ્યા ચંપકભ'ઇને... મારે બે વખત આ ફિલ્મ જોવી પડશે ?... કોઇ પેલો વઘારેલો ભાત જીતેન્દ્રને બદલે મને મોકલાવજો... હું ખ'ઇ જઇશ !) (પછી તો વાચકોનો પ્રેમ ફૂંફાડા મારવા લાગ્યો. આજ સુધી એકલી 'ગૂનાહોં કા દેવતા'ની જે ૨૪૩ ડીવીડીઓ મળી છે!)

જો કે, કૂવામાં હતું તો હવાડામાં ય આવ્યું. મેહમુદ ઉપરાંત બીજો, ત્રીજો અને ચોથો આનંદ શંકર-જયકિશન, ફિલ્મના ખુબસુરત સૅટ્સ અને નયનરમ્ય ફોટોગ્રાફીએ આપ્યો છે. ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશના નાહન શહેરમાં થયું છે. વચ્ચે વચ્ચે જોધપુર અને કાશ્મિરનું ડાલ સરોવર પણ આવી જાય. ફિલ્મ 'ફર્ઝ' વિશેના લેખમાં આપણે વાત થઇ હતી તેમ, નિર્માતા દેવી શર્મા પાસે ફિલ્મ બનાવવાના પૈસા પૂરા પાડતા નહોતા ને જીતેન્દ્રએ પોતાના પૈસા જવા દઇને શંકર-જયકિશનને વિનંતી કરી હતી. મુંબઇના ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક શ્રી અમર સોલંકી (ડૅની)ના કહેવા મુજબ રાજશ્રીના પૈસા પણ જીતુએ ચૂકવ્યા હતા. પણ એ જે કોઇ ખેંચ પડી હોય, દેવી શર્માએ ફિલ્મના પ્રોડક્શનમાં કોઇ કચાશ રાખી નથી. ખૂબ મોંઘા લાગે એવા સુંદર સૅટ્સ બન્યા છે, પછી એ તવાયફના કોઠાનો સૅટ હોય, જુગારની ક્લબ, જીવનનો કે જીતેન્દ્રના બંગલાના સૅટ્સ હોય, કામ બધું વૈભવી થયું છે.

સાલ સડસઠની હતી, મતલબ, મહાન સંગીતકારો શંકર-જયકિશનના વળતા પાણી શરૂ થઇ ગયા હતા. શંકરના જીવનમાં શારદાના પ્રવેશ પહેલા ય આ બન્ને સંગીતકારોને એકબીજા સાથે ખાસ કાંઇ બનતું નહોતું, પણ સંગીતની ગુણવત્તામાં ક્યાંય કૉમ્પ્રોમાઇઝ નહિ. ઇવન, ફિલ્મ 'ગૂનાહોં કા દેવતા'ના ગીતો ય એ ટચ નહોતો આપી શક્યા જે શંકર-જયકિશનના નામે લખાયો હતો... તો પણ અમારા જમાનામાં આ ફિલ્મના તમામ ગીતો રેડિયો પર પૂરજોશ વાગતા હતા.

જેમને કારણે ગુજરાતમાં હિંદી ફિલ્મ ગીતોના સ્ટેજ શો થવા લાગ્યા, તે વડીલ સંગીતકાર શ્રી અંબરીશ પરીખના શોમાં શંકર-જયકિશનની સદૈવ બોલબાલા હોય. માલતી લાંગે પાસે દર્શકો ફિલ્મ 'નગીના'નું 'તુને હાય મેરે જખ્મે-જીગર કો છુ લિયા...' અવશ્ય ગવડાવે. આજે તો ગલીએ ગલીએ સ્ટેજ પર ઓરકેસ્ટ્રાવાળા મળી આવે છે, પણ એ જમાનામાં ('૬૦ના દાયકામાં) શ્રી. સુધીર અને શ્રી શરદ ખાંડેકરને સ્ટેજ શોના પાયોનીયર કહેવા પડે. ખૂબ મહેનતનું કામ થતું. સંગીતની દેવી સરસ્વતીનો આભાર કે, આજે પણ જૂના હિંદી ફિલ્મી ગીતોની એકલા અમદાવાદમાં જ આઠ-દસ ક્લબો ચાલે છે ને બધી ભરચક હોય છે. પણ અહી શંકર-જયકિશન ભાગ્યે જ કરતા, એવી કમાલ એ પણ કરી છે કે, મૂકેશ, રફી અને મન્ના ડે, ત્રણેને સરસ ગીતો આપ્યા છે.

નવાઇ ચોક્કસ લાગે કે, લતા મંગેશકર અને શારદાએ એક જ ફિલ્મમાં ગાયું હોય, એવા કિસ્સા બહુ ઓછા છે. શૈલેન્દ્ર '૬૬ની સાલમાં ગૂજરી ગયા, એ હિસાબે 'ચાહા થા બનું પ્યાર કી રાહોં કા દેવતા...' એ ટાઇટલ-સોંગને બાદ કરતા બાકીના ગીતો હસરત જયપુરીએ લખ્યા છે. હિસાબ સીધો હતો કે, શંકર-જયકિશનની ફિલ્મોમાં શૈલેન્દ્રએ લખેલા ગીતો શંકર જ બનાવે અને હસરતના ગીતો જયકિશન. મતલબ, અહી એવું બન્યું હશે કે, હસરતે શંકર માટે (ખાસ તો શારદાવાળું) 'હમકો તો બર્બાદ કિયા હૈ...' લખ્યું હોય.

ફિલ્મમાં મેહમુદ સિવાયની પણ કૉમેડી છે. ફાઇટ-માસ્ટર અઝીમભાઇએ દિગ્દર્શિત કરેલી મારામારીઓ હીરો ગુંડાઓને મારવા કે ગલીપચી કરવા પૂરી કરે છે, તે ઝટ સમજાતું નથી. એમાં ય, જીતુ ગુંડાને ફેંટ મારે ત્યારે કપડા ઉપર ડાઘા (પોતાના કપડાં ઉપર... ગુંડાના નહિ !) તેનું પૂરતું ધ્યાન રાખે છે. એક સાથે પચ્ચીસ ગુંડાઓને જીતુ એકલો ફટકારે છે, એમાં તો બધા ગુંડાઓને વારાફરતી માર ખાવાની કૂપનો આપી દીધી હોય, એમ બધા લાઇનબધ્ધ આવે છે.

આજે બીજું હસવું ય આવી શકે, એ જમાનાની હીરોઇનો અને પરિણામે પૂરા દેશમાં બહુ ઉપડેલી છોકરીઓની હૅર-સ્ટાઇલ આજે હસાવી દે, જેમાં કપાળની વચ્ચેથી એક એક ઇંચની બે પટ્ટીઓ કાન સુધી લટકાવીને માથું ઊભું ઓળવાનું ને પાછળ ચોટલો કે અંબોડો અથવા અંબોડામાંથી ય નીકળતો એક ઍકસ્ટ્રા ચોટલો. જગ્યા બચતી નહી હોય નહિ તો, છેલા ચોટલાના છેડે વધુ એક અંબોડો લટકતો હોત !

ફિલ્મ 'થ્રી ઇડિયટ્સ'માં આર.માધવનની મૉમ બનતી ફરીદા અહી બાળકલાકાર તરીકે માસ્ટર શાહિદની સાથે છે. શાહિદને તમે ફિલ્મ 'લવ ઇન ટોક્યો'માં બૅબી ફરીદાને 'રામ ઓર શ્યામ'માં જોઇ છે. આ એક ન સમજાય એવી વાત છે. એ જમાનામાં ઘેર ઘેર લોકપ્રિય થયેલા તમામ બાળ-કલાકારો મોટા થઇને ફિલ્મોમાં આવી જ ન શક્યા અથવા આજ સુધી ક્યાં ગૂમ થઇ ગયા, તેની કોઇને જાણ નથી. ડૅઝી-હની ઇરાની, માસ્ટર બબલૂ, શાહિદ, 'મધર ઇન્ડિયા'માં નાનો સુનિલ દત્ત બનતો સાજીદ, તબસ્સુમ, નાઝ, સારિકા, મેહમુદ જૂનિયર, બૅબી પિન્કી... કોઇ કરતા કોઇ આગળ ન આવ્યું. એ બધામાંથી એક માત્ર આપણી ગુજરાતણ અરૂણા ઇરાની એકલી સફળ થઇ, જે ફિલ્મ 'ગંગા-જમના'માં ઇન્સાફ કી ડગર પે, બચ્ચોં દિખાઓ ચલ કે...' ગીતમાં તરત ઓળખાઇ જાય, એવી દેખાય છે.

ફિલ્મની હીરોઇન રાજશ્રી વિશે આપણે જ ઘણું લખ્યું છે. આવી આંખો માટે આપણે ત્યાં એક જ શબ્દ વપરાય છે, 'માંજરી' આંખો. શબ્દ ખોટો નથી, પણ રાજ કપૂરની જેમ રાજશ્રીની આંખો ભૂરી નહોતી, 'હૅઝલ' હતી, એટલે લાલાશ પડતી બ્રાઉન અથવા લીલાશ પડતી બ્રાઊન આંખો. રાજશ્રી ભારત આવે જાય છે અને માનશો... હજી એટલી જ સુંદર દેખાય છે.

No comments: