Search This Blog

24/06/2015

શિક્ષક કભી સાધારણ નહિ હોતા...

ચાણક્યનું એક વાક્ય મને જીવનભર સ્પર્શી ગયું છે કે, 'શિક્ષક કભી સાધારણ નહિ હોતા'. મને તો આ કથન રીતસર લાગુ પડે છે. મારે હાસ્યલેખક તો બનવું જ નહોતું, શિક્ષક બનવું હતું. ન બની શક્યો, એટલે ખબર પડી કે, 'શિક્ષક કભી આલતુ-ફાલતુ નહિ બન સક્તા'. હું ભાગ્યવાન છું કે મને સ્કૂલ અને શિક્ષકો એવા મળ્યા કે, હું સહેજમાં આલતુ-ફાલતુ બનતો રહી ગયો અને આજે હાસ્ય લેખક બની ગયો! આજે જે કાંઈ છું, એમાં મારા શિક્ષકોનો મોટો હાથ અને પગ પણ છે (ઘણીવાર પાછળના હિસ્સામાં સાહેબની લાતો ખાધી છે...!) આમ તો અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને મારવાની હૉબી કોઈ શિક્ષકને નહોતી, છતાં વાત આપણાં લક્ષણની નીકળે, પછી કોઈને કાંઈ કહેવાય છે ? અલબત્ત, સાહેબો બધા મને એકને નહિ, પૂરી સ્કૂલના વિદ્યાર્થીઓને ગમતા.

પણ સ્કૂલ છોડયાના આજે ૪૭ વર્ષ પછી હજી એ શિક્ષકો કે સ્કૂલ ભૂલાયા નથી. આજે તો ત્યાં સ્કૂલ પણ નથી અને શિક્ષકો કેટલા હયાત છે, એની ય ખબર નથી. ખાડિયામાં સારંગપુર તળીયાની પોળને નાકે આજે ય એ મકાન તરછોડાયેલા દાદાજીની જેમ ઊભું છે. અમારી એ સાધના વિનય મંદિર અમારા સહુને માટે મંદિર જ હતું (વિનય-બીનય આવ્યો કે નહિ, એની તો અમારી વાઈફોને ય ખબર નથી) એ સાહેબો તો હયાત હશે ત્યારે ય અમારામાંથી એકે ય વિદ્યાર્થી યાદ ન હોય,પણ અમને એ સહુ યાદ છે :

પ્રિ. રતિભાઈ પટેલ
સ્વભાવે કે દેખાવે, બિલકુલ દાદામોની એટલે કે અશોકકુમાર જેવા લાગે. હસી પણ એ જ રીતે પડે. એમને તો ફરજના ભાગરૂપે ય અશોક કુમાર લાગવું અને બનવું પડે એમ હતું. ક્લાસમાં અમે બધા કિશોર કુમારો કે અનુપ કુમારો જેવા હતા. એમની પર્સનાલિટી જ એવી કે, કદી ગુસ્સે ન થાય છતાં ઘેર ગયા પછી ય એમની બીકો લાગતી રહે.

સૂર્યકાંતભાઈ
આખું નામ સૂર્યકાંત કાળીદાસ પટેલ હોવાને કારણે ખાનગીમાં અમે લોકો એમને 'સૂકા પટેલ' કહેતા. આ ઉપનામ એમણે સાર્થક પણ કરી બતાવેલું, એકદમ સૂકલકડી જેવું શરીર આજીવન જાળવી રાખીને ! વિદ્યાર્થીઓને એ ખૂબ વહાલા. એમ કહીએ અમે કે, 'સૂર્યકાંતભાઈને સાધના હાઈસ્કૂલમાં નોકરી ન મળી હોત, તો અમેરિકાના 'નાસા'માં એ વૈજ્ઞાનિક હોત, એવું સુંદર સાયન્સ અમને ભણાવે. એમનો એક જ પ્રોબ્લેમ સાયન્સ ભણાવવામાં જ્યારે ક્યાંય 'ઢગલો' શબ્દ આવે, એટલે એમની પિન ચોંટી જાય. એમને ઢગલો શબ્દ યાદ જ ન આવે. બકનળી અને કસનળીની વાતમાં ઉદાહરણ આપતા કહે, 'જુઓ, તમે શાકમાર્કેટમાં બટાકા લેવા ગયા હો અને શાકવાળો બટાકાનો... બટાકાનો.... પેલું શું કહેવાય, બટાકાનો...?'' એટલું કહીને બન્ને હાથો વડે કાલ્પનિક ત્રિકોણ બનાવીને ઢગલો યાદ કરવાની કોશિષ કરે. અમે જાણતા હોઈએ કે એ બટાકાના ઢગલાની વાત કરવા માંગે છે, પણ અમે જાણી જોઇને એમને ઊંધે પાટે ચઢાવીએ, 'બટાકાનો થેલો' સાહેબ ? એ અકળાય, 'અરે ના ના... પેલો શું કહેવાય ?' અમે 'કોથળો, ખટારો, પૂળો... જેવા શબ્દો યાદ અપાવીએ એમાં ખીજાય, 'અરે બકનળીમાં પૂળો ક્યાંથી આવ્યો ? પૂળો તો ઘાસનો હોય, પણ આપણે પેલો શું કહેવાય...?' પિન હજી ચોંટેલી જ હોય, પછી સમજીને એ પોતે જ વાત પડતી મૂકી દે. પણ પીરિઅડ પૂરો થવા આવે ત્યારે ગુરૂત્વાકર્ષણનો સિધ્ધાંત સમજાવતા 'ન્યૂટન ઝાડ નીચે બેઠો'તો ત્યાં... 'ઢગલો... ઢગલોઓઓઓ...' અચાનક યાદ આવી જાય, એમાં તો ચેહરા ઉપર ખુશી ખુશી સાથે બૂમ પાડી ઉઠે, 'ઢગલો...'

કેશુભાઈ
કેશુભાઈ આખી સ્કૂલના હીરો હતા. શિક્ષક હોવા છતાં સાયકલ પર આવે ને તો ય ધર્મેન્દ્ર ઘોડા ઉપર બેઠો હોય એવું લાગે. એ અમને ગણિત શીખવતા. ગણિત તો આમે ય કાંઈ બધાનો માનિતો સબ્જેક્ટ ન હોય, છતાં કેશુભાઈ બધાને ગમતા, યસ. એ ખીજાય તો ય ગમતા. મારા હાથમાં એક વાર ફૂટપટ્ટી ચોડી દીધી ને મારું પડી ગયેલું મોઢું જોઇને એકદમ પાસે આવ્યા. લાગણીથી મારી હથેળી પંપાળતા પંપાળતા કહે, 'હજી બે ફૂટપટ્ટીઓ બાકી રહી... તું આ ત્રીજી વખત હોમવર્ક કરી લાવ્યો નથી.' સાલી બીજી બે વખત ક્યારે પડશે, એની લ્હાયમાં ન લ્હાયમાં પછી તો હું બબ્બે વખત એકનું એક હોમવર્ક કરીને જવા માંડયો.

ગ્લોરીયાબેન-નિમુબેન-સુધાબેન
ચેહરો સુંદર, હાઈટ સામાન્ય, પણ વાળ લાંબા અને સાડી કડક કડક તો એવી પહેરે કે ખભે પડતા ફોલમાં એક કરચલી ન દેખાય. એ ભાગ્યે જ હસતા, છતાં ચહેરા પરની કડકાઈએ અમને સહુને જીવનભર ભૂગોળ શીખવી દીધી. નિમુબેન અમને ઇંગ્લિશ ગ્રામ્રર ભણાવતા. સુધાબેનની માફક એ પણ સ્કૂલના ટ્રસ્ટી જસુબેનના સગા બેન થાય, એની અમને કદી ય ખબર પડી નથી. અર્થાત્ નોકરીમાં સગપણ બેમાંથી એકે ય બહેનો વચ્ચે ન લાવે. સુધાબેન પણ ગ્લોરીયાબેન જેવા કડક ખરા. મોઢું એવું ગોળમટોળ કે પૃથ્વી ગોળ કેવી હશે, એ પરીક્ષા આપતી વખતે અમે એમનું મોઢું યાદ કરતા.

પ્રહલાદભાઈ
પગથી માથા સુધી પુરા પટેલ હોવાને કારણે ઉચ્ચારોમાં અક્ષરે અક્ષરે પટેલપણું છલકાય. સ્વભાવના કડક નહિ. પણ ચહેરો કડક હોવાને કારણે સ્કૂલ છૂટવા પછી અમારી પોળને નાકે દૂરથી આવતા દેખાય તો ય બી કોઈ દુકાનને ઓટલે ચડી જઈએ. પણ એ અમારી વ્યર્થ સમજણ હતી. 'મેહતો મારે ય નહિ ને ભણાવે ય નહિ' એ બ્રાન્ડના એ શિક્ષક ન હોવાને કારણે કદી ગુસ્સે થયા ન હોવા છતાં, આ લેખ લખતી વખતે ય પાછળ જોઇ લઉં છું કે, 'પ્રહલાદભ'ઇ પાછળ ઊભા તો નહિ હોય ને ?'

પુરૂષોત્તમભાઈ
કોઈ ફેકટરીમાં બનાવવા આપ્યું હોય એવું સરસ મજાનું ગોળમટોળ શરીર, ખાદીની ટોપી, ઝભ્ભો અને ધોતીયું અને સદા ય હસતો ચેહરો. કોઈ એક જ વિષય નહિ, પુરા શિક્ષણના એ સ્વામી હતા. ક્લાસો છોડવાની કે આજની ભાષામાં 'બન્ક' કરવાની તો ફેશન એ જમાનામાં શરૂ થઇ નહોતી, છતાં 'પશાકાકા'ને નામે ઓળખાતા આ શિક્ષકશ્રીના પીરિયડની અમે રાહ જોઇએ. ઓહ યસ. ધોતીયું પહેરતા હોવા છતાં, પગના બે ઠૂમકા મારીને સાયકલ પર એવી આસાનીથી ચઢી જતા, જાણે 'ચેતક' ઉપર રાણા પ્રતાપ અસવાર થયા હોય.

ભગુભાઇ
બી.ટી.શાહને નામે બહુ લાડકા બનેલા ભગુભાઇ બધા માસ્તરોમાં સૌથી વધુ 'વૅલ-ડ્રેસ્ડ' હતા. રિવરફ્રન્ટ જેવું મોટું કપાળ આખરે તો કચ્છના રણમાં ફેરવાઇ ગયું હતું. પતલા-પતલા બોડી ઉપર એ બ્લેઝર પહેરીને સ્કૂલે આવે, ત્યારે ખબર પડતી કે બ્લેઝર પાછળ એક બોડી પણ ઉભું છે. ભગુભાઇ ચશ્મા કાળા પહેરે એટલે ૪૨-વિદ્યાર્થીઓના ક્લાસમાં કોની સામે જુએ છે, એની ખબર ન પડે, માટે એમના કોઇ પ્રયત્ન વગર આખી સ્કૂલમાં શિસ્ત જળવાઇ રહેતી !

અંબુભાઈ
અંબુભાઈને ભણાવવા ઉપરાંત રસમધુર વાર્તાઓ કહેવા ઉપર સારો હાથ અને ગળુ બેસી ગયા હતા. અમે ક્યારેક તો જીદ ઉપર ચઢી જઇએ કે, 'વાર્તા કહો જ'. પણ એ જાહોજલાલી તો ક્યારેક ફ્રી-પીરિઅડમાં જ મળતી. એ શિક્ષક ન બન્યા હોત તો હિંદી ફિલ્મના દિગ્દર્શક બન્યા હોત. એટલી સરળતાથી વાર્તા સમજાવે. કહે છે ને કે, 'વાત એકની એક હોય... કહેવા કહેવાની ય એક સ્ટાઇલ હોય છે, એ સ્ટાઇલ અમારા અંબુભાઈને હસ્તગત કે હોઠગત હતી.'

જયેન્દ્રભાઇ 
એટલા ભલા કે હમણાં રડી પડશે, એવું લાગણીભર્યું એમનું મોઢું. ઓછું અને ધીમું બોલે પણ અમને બધાને એ ગમે બહુ. ખીજાવાની કે વાંક હોય તો ય એમનાથી ડરવાની તો કોઈ શક્યતા જ નહિ. એ હંમેશા સાયકલ ઊભી રાખીને (ક્લાસમાં નહિ... સ્કૂલ છૂટયા પછીની વાત થાય છે !) વાતો કરવા ઊભા હોય. ત્યારે રણે ચઢતો રાજપુત બે ઘડી ઘોડાની પીઠ થપથપાવે એમ જયેન્દ્રભાઈ બરોબર બે વખત સાયકલની સીટને થપથપાવે. અલબત્ત, જયેન્દ્રભાઈ તો રણે ચઢ્યા હોત, તો ત્યાં ય સિપાહીઓને યુધ્ધભૂમિ ઉપર ઇતિહાસ ભણાવત, એવા શિક્ષણપ્રેમી.

રાજાસુબા
એ જમાનામાં ખાદીનો ઝભ્ભો કાનની નીચે સુધીના બટનવાળો આવતો. રાજાસુબા સાહેબનો એ કાયમી યુનિફોર્મ. ગોરા ચહેરા ઉપર કાળી ફ્રેમના ચશ્મા અને તમામ વિદ્યાર્થીઓમાં સહુથી વધુ વહાલા આ સાહેબ હતા. હસાવે-બસાવે નહિ, પણ ભણાવવાની ઢબ એવી કે, આજે અમે લોકો સોનિયા ગાંધી કરતાં સારૂં હિંદી બોલી શકીએ છીએ તો એ પ્રતાપ રાજાસુબા સાહેબનો.

મહેન્દ્રભાઈ
અમારા ચિત્રશિક્ષક. એ પોતે ય અનોખા કલાકાર હતા. ચિત્રકામમાં તો આ 'યોર્સ ટ્રૂલી'નો નંબર જ પહેલો આવે, એટલે હું એમનો જરા લાડકો વિદ્યાર્થી ખરો. ફ્રી-હેન્ડ, કુદરતી દ્રષ્ય, પૅન્સિલ-સ્કેચ કે પદાર્થ ચિત્રમાં એમની ભણાવવાની માસ્ટરી. એક વાર, ચાલુ ક્લાસે મેં જ એમનું ચિત્ર બનાવ્યું, જેને ચિત્ર દોરવા જતા દોરાઈ ગયેલું કાર્ટુન કહી શકાય, એ જોઇને મારા ઉપર ખીજાવાને બદલે ખુશ થયા કે 'તારો હાથ સારો ચાલે છે. (એ વખતે એમનો હાથ સારો ચાલે નહિ, એવી બીક ખરી !)... મેહનત કરીશ તો આગળ આવીશ.' એમના આશિર્વાદ સાચા પડયા. છાપા-મૅગેઝીનોની દુનિયામાં મારો પહેલો પ્રવેશ કાર્ટુનિસ્ટ તરીકે, બીજો ફોટોગ્રાફર તરીકે અને છેવટે... ઓહ, હોનીને તો કોણ ટાળી શક્યું છે ?'

સિક્સર
અમદાવાદમાં છત્રી ખોલવી પડે, એવો વરસાદ ક્યારે પડશે ?

No comments: