Search This Blog

08/08/2014

'મિસ્ટર ઍક્સ ઈન બૉમ્બે'

મિ. ઈન બૉમ્બે
ફિલ્મ : 'મિસ્ટર ઍક્સ ઈન બૉમ્બે' ('૬૪)
નિર્માતા : ઠક્કર ફિલ્મ્સ
દિગ્દર્શક : શાંતિલાલ સોની
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતો : આનંદ બક્ષી - અસદ ભોપાલી
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)

કલાકારો : કિશોર કુમાર, કુમકુમ, મદન પુરી, જીવનકલા, લીલા મીશ્રા, રણધીર, પોલસન, કેસરી, ભલ્લા, મોહન ચોટી, ટુનટુન અને મુન્શી મુનક્કા.



ગીત
૧. ચલી રે ચલી રે ગોરી, પનીયા ભરન કો.... લતા-કિશોર
૨. ખૂબસુરત હસિના, જાનેજા જાનેમન.... લતા-કિશોર
૩. મેરે મેહબૂબ કયામત હોગી, આજ રૂસ્વા.... કિશોર કુમાર
૪. એ રૂક જા, રૂક જા રોકતા હૈ યે દીવાના.... કિશોર કુમાર
૫. યે રંગે-મહેફીલ, યે જશ્ને-બહારા, ઐસે મેં.... લતા મંગેશકર
૬. મેરે મેહબૂબ કયામત હોગી, નામ નીકલેગા.... કિશોર કુમાર
ફક્ત ગીત નં. ૫ અસદ ભોપાલીએ લખ્યું છે, બાકીના આનંદ બક્ષીના.
- ચલી રે ચલી રે ગોરી પનીયા ભરન કો.. મેરે મેહબૂબ કયામત હોગી... ખુબસુરત હસિના, જાનેજા જાનેમન...
- આ ફિલ્મમાં તો '૬૪-ની સાલનું મુંબઈ જોવા મળે છે, મુંબઈના દ્રશ્યો ઝડપવાને બદલે દિગ્દર્શકે મોટા ભાગનું મુંબઈ બૅક-પ્રોજેક્શનથી બતાવ્યું છે, અર્થાત્ હીરો-હીરોઇન સ્ટુડિયોમાં ઊભેલી કારમાં બેઠેલા હોય ને એમની પાછળ મોટા સ્ક્રીન પર, અગાઉથી ઝડપી રાખેલા દ્રષ્યો દેખાય, જેથી આપણને લાગે કે, કાર દોડી રહી છે.

તમે ધારો તો મારા ઉપર દયા લાવી શકો છો, દયા કરી શકવાની વાત નથી. આ કૉલમમાં જુની ફિલ્મો વિશે લખવામાં દર સપ્તાહે એક ફિલ્મ જોવી પડે, આપણા બ્લૅક-એન્ડ-વ્હાઈટ જમાનાની અને તે પણ ફિલ્મની મૂળ અવધિ તો ૧૪, ૧૬ કે ૧૮-૧૯ રીલ્સની હોય, પણ મને એક એક ફિલ્મ જોતા ૧૦-૧૨ કલાક થાય. ફિલ્મ જોતા ડાયરી લઈને બેસવાનું, યોગ્ય (અને ખાસ તો અયોગ્ય) ચીજો નોંધતા જવાનું, ક્યાંક 'પૉઝ' કરીને જે તે દ્રશ્ય વિશે વિચારવાનું (યસ... હવે તો હું પણ વિચારીને લખું છું!!!) તો ક્યારેક રીવાઈન્ડ કરીને પાછળ જવાનું ને રેફરન્સ મુજબ ફરી એ દ્રશ્ય કે ગીત જોવાના. હું ૧૯૫૨-માં જન્મ્યો અને '૫૮-માં વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગ' આવી, એ હું રહેતો તે અમદાવાદના ગાંધી રોડ પરની ખત્રી પોળની સામેની લાઈનમાં થોડીક આગળ, એટલે રોજ 'નવરંગ'ના ફોટા જોવા જઈએ (જે ફ્રીમાં જોવા મળતા) એટલે એ સિનેમા યાદ રહી ગયું છે, પણ '૫૯ પહેલાની ફિલ્મો કયા થીયેટરમાં આવી હતી, તેની માહિતી તમારા જેવા કોઈ વડિલ અથવા તો એ જમાનામાં કૃષ્ણ ટૉકીઝના કારભારી શ્રી અરૂણકુમાર રાવલ સાહેબ જે આજે ૯૮-વર્ષના છે અને છતાંય, ૧૯૪૦-ના દાયકામાં ય કઈ ફિલ્મ કયા થીયેટરમાં આવી હતી, તે એક પળ પણ વેડફ્યા વિના કહી શકે છે, એ જણાવે.

હવે મારા ઉપર પેલી દયા ખાવાવાળી વાત કે, કૉલમ ચલાવવા માટે એટલી ભંગાર ફિલ્મો જોવી પડે છે કે, ભલે હમણાં હું ગાન્ડો થઈ ગયો નથી (થોડીઘણી અસર હશે ખરી!) પણ ભવિષ્યમાં ગૅરન્ટી સાથે ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને એક શુધ્ધ ગાન્ડો ભેટ આપવાની યોજના છે. ફિલ્મ જોતા જોતા ગાન્ડા થઈ જવાય એવી અનેક ફિલ્મો પૈકી હમણાં જોઈ, તે 'મિસ્ટર ઍક્સ ઈન બોમ્બે'. તમે ઉચ્ચ કક્ષાના પણ પાગલ હો, તો પણ એ નક્કી ન કરી શકો કે, કઈ ફિલ્મ વધારે ફાલતુ હતી! છતાં, એવી ફિલ્મો વિશે લખવાનું ગમે છે એટલા માટે કે, ભલે ફિલ્મ બેકાર હોય, પણ એનું કંઈક તો મનભાવન હોય જ, જે આજ સુધી એ ફિલ્મની યાદ અપાવે રાખે. કાં તો ફિલ્મના સ્ટાર્સ આપણા સહુના ફૅવરિટ હોય ને કાં તો દિલડોલ સંગીત.

બસ. 'મિસ્ટર ઍક્સ ઈન બોમ્બે'નું ય આવું જ છે. મને કિશોર તો ખૂબ ગમે અને એના નખરા ભલે બુધ્ધિ વગરના હોય, છતાં એ મારો લાડકો તો ખરો. જીવો ત્યાં બળી જાય કે, આટલો સારો ઍક્ટર હોવા છતાં કોઈપણ દિગ્દર્શક કે સંવાદ લેખકને એની પાસેથી કામ લેતા ન આવડયું ને આખેઆખો કિશોર વેડફી નાંખ્યો. સારી ફિલ્મો બનાવનારા દિગ્દર્શકોમાં ય કૉમેડીની સૂઝ તો નહિવત હતી, ઋષિકેશ મુકર્જી કે રાજ કપૂરને બાદ કરતા. હાસ્યને એટલે જ સર્વોત્તમ સાહિત્ય કહે છે કે, કવિતા, નવલકથા, ટુંકી વાર્તા, વિવેચન કે માહિતી લેખો લખનારા દેશમાં જ નહિ, દુનિયામાં ય લાખો પડયા છે, જ્યારે હાસ્યનું લખનારા (જેને હાસ્યલેખક કહી શકાય એવા) લેખકો તો આખા ભારતમાં ય પૂરા દસ નથી.

એ હિસાબે. કિશોર કુમારની આ ફિલ્મ 'મિ. ઍક્સ ઈન બોમ્બે'માં કિશોર પાસેથી દિગ્દર્શક શાંતિલાલ સોની જેવાઓનું તો શું ગજું? યસ. એ વાત બાકાયદા જુદી છે કે, ફિલ્મમાં કશું ન હોય, છતાં કિશોર પોતાની ખૂબીઓ અને બેવકૂફીઓથી થોડું ઘણું ય હસાવતો ખરો.

આપણને એ જમાનાની ફિલ્મો જોવાની મઝા એના રેફરન્સોમાં આવે. જૂનું કંઈક ને કંઈક યાદ આવતું રહે. સાવ નાની વાત : આ ફિલ્મના એક દ્રશ્યમાં 'મરફી'નું રેડિયોગ્રામમાં રેડિયો ઉપરાંત રૅકર્ડ્સ વગાડવાની ય સગવડ હતી. મોટા ઘરોમાં તો એ સ્ટેટસ સિમ્બૉલ ગણાતું. અમદાવાદના રીલિફ રોડ પર વીજળી ઘરની બરોબર બાજુમાં એક 'નિરોઝ' નામની રેસ્ટરાં હતી, જેમાં કદાચ ગુજરાતનું પહેલું રૅકોર્ડ-ચેઈન્જર મૂકાયુ હતું. ૨૫-પૈસાનો સિક્કો નાંખો એટલે એમાં ગોઠવેલી કોઈ ૫૦-૧૦૦ રૅકર્ડ્સમાંથી તમે પસંદ કરેલી રેકર્ડ આપમેળે બહાર આવીને પ્લૅયર ઉપર ગોઠવાઈ જાય ને ગ્રામોફોન જેવી પિન એની ઉપર આપમેળે મૂકાય અને ગીત વાગો.

આ ફિલ્મમાં તો '૬૪-ની સાલનું મુંબઈ જોવા મળે છે, પણ ફિલ્મનું નામ મુંબઈ સાથે જોડાયેલું હોવા છતાં મુંબઈના દ્રશ્યો ઝડપવાને બદલે દિગ્દર્શકે મોટા ભાગનું મુંબઈ બૅક-પ્રોજેક્શનથી બતાવ્યું છે, અર્થાત્ હીરો-હીરોઇન સ્ટુડિયોમાં ઊભેલી કારમાં બેઠેલા હોય ને એમની પાછળ મોટા સ્ક્રીન પર, અગાઉથી ઝડપી રાખેલા દ્રષ્યો દેખાય, જેથી આપણને લાગે કે, કાર દોડી રહી છે. આવી નૉસ્ટેલ્જીક વેલ્યૂને કારણે આપણા જમાનાના દર્શકોને આજે ય આવી ફિલ્મો જોવી સાવ ફોગટમાં ન પડે. ફિલ્મની ડોબા જેવી વાર્તા કંઈક આવી છે :

કિશોર કુમાર અડધું ચસકી ગયેલો કવિ અને ગરીબ નાયક છે. એની માં લીલા મીશ્રા સાથે રહે છે. બીજી બાજુ કુમકુમ વૈભવી લાઈફ-સ્ટાઈલ સાથે રહેતી એના વિજ્ઞાનિક પિતા રણધીરની દીકરી છે. પ્રોફેસર અવનવી શોધ કરવા સંશોદનો કરતો રહે છે, એમાં એની દવાની સફળતાનો પ્રયોગ એના સ્ટાફ-મૅમ્બર મનોહર ઉપર કરવા જતા મનોહર ગૂજરી જાય છે. પ્રોફેસરનો નાલાયક આસિસ્ટન્ટ મદન પુરી પ્રોફેસરને બચાવી લેવાની અને લાશ વગે કરી દેવાની ઑફર કરી બાપ-દીકરીને બ્લેક-મેઈલ કરે છે, જેથી મિસ્ટર ઍક્સની માફક અદ્રશ્ય થઈ જવાની દવા એને મળી જાય. કિશોરના પ્રેમમાં પડેલી કુમકુમ મદન પુરીથી પીછો છોડાવવા વલખાં મારે છે, પણ અચાનક એ દવા કિશોર પી જતા કિશોર અદ્રશ્ય થઈ જાય છે. કુમકુમ અને બાકીનાઓ એને મરેલો સમજી બેસે છે, પણ અદ્રશ્ય રહીને કિશોર કુમકુમની જેમ પ્રેક્ષકોને અડપલાં કરતો રહે છે અને છેવટે મદન પુરીને સીધો કરીને કુમકુમ સાથે 'પીવાની' તો ખબર નથી, પણ ખાય છે અને રાજ કરે છે.

કિશોર માટે તો ફિલ્મે-ફિલ્મે ઘણું લખ્યું છે, આપણે પણ સરપ્રાઈઝ પૅક તરીકે આ ફિલ્મની હીરોઈન કુમકુમ વિશે જાણવું ઈન્ટરેસ્ટિંગ છે. મૂળ મુસ્લિમ ખાનદાનની આ હીરોઈનનું સાચું નામ 'ઝેબુન્નિસા' બિહારના હુસેનાબાદની છે. ધાંયધાંય કરતું એનું દેસી રૂપ બેશક મારકણું હતું. એ રૂપથી અંજાઈને મેહબૂબ ખાને એને પત્ની બનાવવાની પૂરી અજમાયશ કરી ને એને ફિલ્મ 'મધર ઈન્ડિયા' પછી 'સન ઑફ ઈન્ડિયા'ની તો હીરોઈન બનાવી. એના સૅક્સી-લૂક્સથી પ્રભાવિત થનારાઓમાં એક 'રામાયણ' ટીવી સીરિયલવાળા રામાનંદ સાગર પણ હતા. રામાનંદ સાગરે પણ માત્ર વચનો આપવાને બદલે એની કરિયર બનાવવા ઘણું બધું ખર્ચી નાંખ્યું. એમની ફિલ્મોમાં કુમકુમ હોય જ, પણ સાઈડ-હીરોઈન તરીકે અને પછી તો કુમી ફક્ત સાઈડમાં જ ચાલે એવી રહી હોવા છતાં સાગરે ખાબોચીયાં જેવી એક ફિલ્મ 'જલતે બદન'માં એને કિરણ કુમાર સામે હીરોઈન બનાવી. પછી તો એ કોકની સાથે પરણી પણ ખરી... આજકાલ એ ક્યાં છે, તેની બહુ ઓછાને ખબર છે. અન્યાયો સહન કરવામાં કુમકુમનો કોઈ સાની નથી. સરખામણી કરવાનું કોઈ કહેતું નથી, પણ હૅલન જુદા જૉનરની ડાન્સર હતી, જેમાં ક્લાસિકલથી માંડીને ક્લબ-ડાન્સ પણ આવે, જ્યારે કુમકુમે જે જૉનર પકડયું હતું, ફૂટપાથ પરના ડાન્સ-સૉગ્સનું, તેમાં તો અફ કોર્સ કુમકુમ સરીખી બીજી એકેય નહિ. ફાલતુ ભાષામાં કહીએ તો એ મવાલીછાપ ડાન્સીઝનું ય એક મહત્ત્વ હતું કે, કુમકુમે કરેલા ડાન્સના સ્ટૅપ્સ સામાન્ય ચાહકો પણ અજમાવી શકે. એનો અર્થ એ પણ નહિ કે ક્લાસિકલમાં કુમકુમનો સંદર્ભ ન અપાય. ફીલ્મ 'કોહીનૂર'માં 'મધુબન મેં રાધિકા નાચે રે...'ના રેફરન્સ નીકળે, ત્યારે મુહમ્મદ રફી, નૌશાદ, શકીલ બદાયૂની અને દિલીપ કુમારે કેવી કેવી મેહનતો કરી હતી, એની વાતો લખાય, પણ ફિલ્મ ઉદ્યોગના આ એકમાત્ર રાગ હમીર પર આધારિત રચના ઉપર કુમકુમે ડાન્સ કેવો લાજવાબ કર્યો હતો, તેનો ઉલ્લેખ કેટલા કરે છે? 'દગા દગા વઇવઇ..' કે નૌશાદનું ભૈરવી 'દિયા ના બુઝે રી આજ હમારા..' જેવા ગીતોમાં કુમકુમને ડાન્સ કરતી જોવી, એ કલેક્શનનો મામલો છે.

મદન પુરીને અમરીશ પુરીના ભાઈ તરીકે ઓળખવો પડે, એ કમનસીબી છે, પણ બહુ ઓછાને ખબર હશે કે, મદન પુરી મહાન ગાયક કુંદનલાલ સાયગલના સગા કાકાનો પુત્ર હતો. મદનથી ય મોટો ચમન પુરી પણ ફિલ્મોમાં હતો, પણ સૌથી નાનો ભાઈ હરિશ પુરી ફિલ્મોમાં આવ્યો નહતો. મદન પુરી મુંબઈના વરલી-સી ફૅસ પર ગાયક મૂકેશના મકાનની નજીક વીનસ ફ્લેટ્સમાં રહેતો હતો. ચેહરો બહુ કદરૂપો હોવાનો ફિલ્મોમાં એને ફાયદો થયો કે, ખૂંખાર લાગવા માટે એને વધારાના મૅઇક-અપની જરૂર નહોતી પડતી.

પણ ફિલ્મ 'મિ. એક્સ ઈન બોમ્બે'ના અસલી મોરલાઓ તો સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. એક એક ગીત ઉપર ડોલવું જ પડે. લક્ષ્મી-પ્યારેની સિધ્ધિ એ વાત ઉપર છે કે, '૬૦-ના દશકમાં એ લોકો સ્વંતત્ર સંગીતકારો તરીકે આવ્યા ત્યારે મોટા બૅનરની ફિલ્મો તો જાવા દિયો, નામવર હીરોની ફિલ્મો ય એમને મળી નહિ છતાં ય, દરેકમાં સંગીત તો 'સરગમ', 'મિલન' કે 'સત્યમ સુંદરમ'ના લેવલનું જ. નહિ તો આ ફિલ્મો કોણે બનાવી હતી ને એમના હીરોલોગ કોણ હતા તે યાદ કરી જુઓ, 'દોસ્તી', 'પારસમણી', 'છૈલા બાબુ', 'આયા તૂફાન', 'સત્યવાન સાવિત્રી', 'સંત જ્ઞાાનેશ્વર', 'હરિશચંદ્ર તારામતિ', 'શ્રીમાન ફન્ટુશ', 'લૂટેરા', 'હમ સબ ઉસ્તાદ હૈ', 'બૉક્સર', 'સૌ સાલ બાદ', 'નાગ મંદિર', 'મેરે લાલ', 'લાડલા', 'દિલ્લગી', 'ડાકુ મંગલસિંઘ', 'છોટા ભાઈ' અને 'આસરા'. આમાંની એકેય ફિલ્મ કોઈ મોટા પ્રોડક્શને બનાવી હોય કે એકેયમાં મોટો હીરો હોય તો બોલો. છતાં, આમાંની કોઈપણ ફિલ્મના ગીતો તમે સાંભળ્યા તો છે જ ને? બસ. પહેલી વાર મોટા બેનર અને મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મ 'આયે દિન બહાર કે' મળ્યું ને છવાઈ ગયા આ ભાયડાઓ. એના ગીતો તો ખૂબસુરત ખરા જ પણ પછી આવેલી તમામ ફિલ્મોમાંથી કોઈ ફ્લૉપ મ્યુઝિકવાળી નહિ. 'તકદીર', 'શાગીર્દ', 'પથ્થર કે સનમ', 'નાઈટ ઈન લંડન', 'મિલન', 'ફર્ઝ' વગેરે વગેરે... પણ આ વગેરે લખવામાં લાંબા થઈ જવાય એવું છે કેમ કે વર્લ્ડ-રેકોર્ડ બનાવ્યો આ બન્નેએ... બધું મળીને ૬૫૩-ફિલ્મોમાં સંગીત આપીને... અને જે ભૂલ આર.ડી. બર્મને કરી, એ જ આ બન્નેએ કરી... એક એક વર્ષમાં ૨૫-૩૦ ફિલ્મોનું સંગીત બનાવીને. છેલ્લે તો એક ય માં ઠેકાણા ન રહ્યા ને ભયાનક નિષ્ફળતાને પગલે લક્ષ્મીકાંત અનહદ દારૂના રવાડે ચઢી ગયો ને મૃત્યુ પામ્યો.

આ બન્નેએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે, તેમના સંગીત ઉપર શંકર-જયકિશનનો સીધો પડછાયો હતો. આમે ય ફિલ્મી સંગીતમાં વૉયલિનનો જથ્થામાં ઉપયોગ આ બન્ને જોડીઓ ઉપરાંત રાજેશ રોશને જ કર્યો છે. માંડ ગળે ઉતરે એવી વાત છે કે, લતા મંગેશકર અને મુહમ્મદ રફીએ તો સૌથી વધુ ગીતો આ સંગીતકારો માટે જ ગાયા છે, પણ કિશોર કુમારના ગીતો ય આર.ડી. બર્મન કરતા લક્ષ્મી-પ્યારેના વધી જાય છે. યોગાનુયોગ પણ કેવો થયો કે, મુહમ્મદ રફીએ પણ લતાની જેમ આ બન્ને સંગીતકારો માટે પિતાતુલ્ય ફાળો આપ્યો હતો, પણ રફીના આ બન્ને માટેના પહેલા ગીત 'તેરે પ્યારને મુઝે ગમ દિયા, તેરે ગમ કી ઉમ્ર દરાજ હો' (ફિલ્મ 'છૈલા બાબુ') અને રફીએ ગાયેલું છેલ્લું ગીત 'તુ કહીં આસપાસ હૈ દોસ્ત' પણ આ બન્નેના બેટન હેઠળ જ!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ બે જ સંગીતકારો એવા હતા, જેમના રોલ નક્કી હતા. પ્યારેલાલે એક પણ ગીતની ધૂન બનાવી નથી. એ કામ માત્ર લક્ષ્મીકાંત કરતો. પ્યારેલાલનું કામ ઍરેન્જરનું હતું. મતલબ લક્ષ્મીએ બનાવેલી ધૂન મુજબ, કયા વાદકોને બોલાવવા, એમને ગીતના શબ્દો સહિત સ્વરાંકનો લખી આપવા, રીહર્સલો કરાવવા કે રેકોર્ડિંગ વખતે કયા વાદકને કોની બાજુમાં બેસાડવા સુધીના કામો એ કરતો. આ એક જ જોડી છે, જેમની વચ્ચે ક્યારેય ઝઘડો કે વિવાદ થયો નથી. બન્ને અન્ય સંગીતકારોનો પણ લિહાજ કરતા હતા. ફિલ્મ 'દોસ્તી'ના તમામ ગીતોમાં માઉથ ઑર્ગન રાહુલદેવ બર્મને વગાડયું છે, તો ફિલ્મ 'લાજવંતી'ના આશા ભોંસલેના, 'કોઈ આયા ધડકન કહેતી હૈ...' પછી આશા ફરીથી ''કોઈ આયા...'' કે તરત મૅન્ડોલીનનો પીસ વાગે છે, તે લક્ષ્મીકાંતે પોતે વગાડયો છે.

અમારા કાઠીયાવાડની ભાષામાં કહીએ તો 'દોથાં ભરી ભરીને' ફિલ્મ 'મિસ્ટર ઍક્સ ઈન બોમ્બે'ના સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલની ભરપેટ પ્રશંસા કરવી જોઈએ.

(સીડી સૌજન્ય : ભરત દવે-સુરત)

06/08/2014

પ્રેમપત્રો ગયા ક્યાં ?

હું લેખક ખરો, પણ મને કદી પ્રેમપત્ર લખતા આવડયું નથી. લખ્યા તો બહુ હોય, જેને ને તેને લખ્યા હોય ને વાદળી સ્યાહીથી લખ્યા હોય છતાં દરેકનો અંજામ હાસ્યાસ્પદ આવતો. બધીઓ હસી પડતી ને, ''તું તો બહુ હસાવે છે, અશોક. એક કામ કર ને, ભાઇ... મારે સુરૂને એક લવ-લૅટર લખવો છે, એ લખી આપીશ ?''

તારી ભલી થાય ચમની.... મેં તારા માટે લખ્યો હતો, એ તને હસાવવા માટે નહિ... મારા પ્રેમમાં પડવા માટે હતો. હવે જા... આ લૅટર તારી બા ને આલી આય...! કમ-સે-કમ એનામાં તો બુધ્ધિ અને પ્રેમ ભારોભાર હશે ?

પણ આવી તો બધીઓના આખેઆખા ખાનદાનો ફૅઇલ ગયા હોય પ્રેમપત્રો સમજવામાં !

એ વખતે ફૂલ ચીતરેલા તૈયાર કોરા લવ-લૅટર નહોતા મળતા. ફૂલો આપણે ચીતરવા પડતા. એક ટપકું કરીને, એને અડાડીને બે-ચાર પાંદડીઓ ચીતરવાની. બાજુમાં 'દિલ' ચીતરવાનું. ભણવાની નૉટબુકમાંથી સ્ટૅપ્લર મારેલા વચ્ચેના બે કોરાં પાનાં ખેંચી કાઢવાના અને લિટીવાળા કાગળ ઉપર, ''પ્રિય ગોદાવરી...'' લખવાનું. (પત્રમાં આગળ જતા, 'ગોદાવરી'નું સીધું 'ગોદુ' થઇ ગયું હોય ! પ્રેમ અને લાઇફમાંથી 'વરી'ને કાઢી નાંખવાની... !) પાનકોર નાકે હાથમાં થેલી પકડીને અત્તરની શીશીઓ વેચવાવાળા ઊભા હોય, એ લઈને રૂમાલ પર બે ટીપાં નાંખીને રૂમાલ પત્ર ઉપર ઘસી નાંખવાનો, એટલે પેલી પત્ર ખોલે ત્યારે એને બસ...ખુશ્બુ ખુશ્બુ મળી જાય. એ અફ કૉર્સ, એવું સમજવાની હોય કે, આ તો અશોકના શ્વાસની ખુશ્બુ છે, કારણ કે, પત્ર નીચે આપણે એવી માહિતી આપી હોય કે, તારી યાદ આવતા જ મારા શ્વાસમાંથી સુગંધો છૂટવા માંડે છે. ઉનાળામાં પ્રેમોમાં બહુ સાચવવું પડે કારણ કે, ગડી વાળેલો પ્રેમપત્ર ખિસ્સામાં મૂક્યો હોય ને ખિસ્સું પરસેવાવાળું હોય. કવર ખોલતાં જ ડાર્લિંગના મોંઢા ઉપર કોક મરી ગયાના હાવભાવ આવે. ચોમાસામાં તો એથી ય મોટી તકલીફ. ગોદાવરીના 'ગો' ઉપર વરસાદનું ટીપું પડયું હોય તે 'ગો' પછીનો 'દુઉઉઉઉઉઉઉઉ' લંબાઇને બહુ લાંબે પહોંચ્યો હોય. 'ગો' ભૂંસાઇ ગયો હોય. નૉટબૂકના કાગળ ઉપર વરસાદના ટીપાંને કારણે આખા પત્ર ઉપર વાદળી લિસોટા પડયા હોય. ભીની પ્રેમિકા સારી લાગે, પત્ર નહિ. એ ખોલવા જાય ત્યારે ચોંટેલા પાપડના બે પડ ઉખાડવાના હોય, એટલી ધીરજ ધરવી પડે, પણ આજકાલની પ્રેમિકાઓમાં એટલી ધીરજ ને આવડત હોય ? બહુ મજૂરી કરવા છતાં ન ખૂલે, એટલે કેમ જાણે એના બાપાએ તો આવા હજારો પત્રો ખોલી નાંખ્યા હોય, એમ એના ફાધર પાસે આપણો લૅટર ખોલાવવા જાય ડોબી !

''ક્યા ગધેડાએ આ લૅટર લખ્યો છે, ગોદાવરી ?'' તાડૂકે સાલો !

મારા ફોઇએ મારૂં મૂળ નામ 'ઇચ્છાશંકર' પાડયું હતું, પણ ઘરમાં બધાને આટલું લાંબુ નામ બોલતા મ્હોંમાંથી થૂંક ઊડતું, એટલે ટુંકું નામ 'અશોક' પાડી દીધું... (કહેવાય છે કે, આખા વિશ્વમાં એ પછી આટલું સુંદર નામ બીજા કોઇનું પડયું નથી... આ તો એક વાત થાય છે !)

પણ મારૂં એકે ય લક્ષણ કે નામ 'ગધેડો' તો બંધ બેસતું આવતું જ નહોતું, છતાં ભાવિ સસરો મારા માટે આવું નામ શોધી લાવ્યો હતો, એ મને ન ગમ્યું. પણ યુધ્ધ પૂર્વે નાનામોટા ઘા તો હરએક યોધ્ધાએ ઝીલવા પડે છે, એ શું હું નહતો જાણતો ? મારે ગોદુ સાથે પરણવું હતું, એના બાપ સાથે નહિ. ગોદુ પણ મારી પ્રેમિકા હોવા છતાં સ્માર્ટ નીકળી. મારી જેમ ફાધરને ય ઉલ્લુ બનાવવા ઉપર એનો હાથ સારો બેસી ગયેલો, એટલે તરત કહી દીધું, ''પિતાજી...(એ જમાનામાં 'ડૅડ ને ફૅડ''' નહોતું બોલાતું.) આ લૅટર તો સવિતાનો છે. એને આપવા માટે મને મહેશચંદ્રએ આપ્યો હતો.''

''તો એમ બોલ ને... નહિ તો આવો સરસ લૅટર લખનાર જ મારો જમાઇ થઇ શકે. કેવા રળીયામણા અક્ષરો છે ! ભાષા ઉપર કેવો કન્ટ્રોલ છે ? નક્કી કોઇ ઊંચા ખાનદાનનો આ હૅન્ડસમ પુત્ર હોવો જોઈએ...!''

''તો પિતાજી...તમે તો એને 'ગધેડો'--''

''અરે, મેં મારી જાતને ગધેડો કીધો હતો, દીકરા...આવો અણમોલ જમાઇ શોધી ન શકે, એ બાપ ગધેડો જ કહેવાય ને ?''

''ઓહ પિતાજી...એમ વાત છે ? મને એમ કે---પિતાજી, આ લૅટર તો ચંદુકાકાના અશોકે મને લખ્યો છે... સવિતાના મહેશીયાએ નહિ !''

બસ. ગોદુના રાક્ષસ બાપને જે કઢાવવું હતું, તે કઢાવી લીધું. એ પછીની સાંજે મારા ગાલ ઉપર છ ટાંકા, પગે બે અને હાથે ચાર ફ્રૅક્ચર, એક આંખનો ડોળો મહીં ઘુસી ગયેલો ને બીજો, તવા ઉપર ઑમલૅટ વચ્ચે ફોદો ફુલી ગયો હોય એવો બહાર ઉપસી આવ્યો હતો. યારદોસ્તો તો, મને કલાકમાં કાઢી જવાના હોય, એટલા ઉમંગ અને તૈયારી સાથે મારી ખબર કાઢવા આવતા હતા. હું ખસું, તો ગોદાવરી માટે એમનો રસ્તો સાફ થાય ! મુંબઇના યુવાન શાયર મૂકેશ જોશી જેવાએ લખી પણ નાંખ્યું,

કાલે કોઇ ડાળ તૂટી છે ચાલ ઝાડની ખબર કાઢવા,
એક કૂહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ઇન ફૅક્ટ, એ જમાનામાં મારે મારા પોતાના કરતા બીજાઓને પ્રેમપત્રો લખી આપવાના બહુ આવતા. મારા પર્સનલ તો ભાગ્યે જ કોઇ દસ-બાર છોકરીઓ માટે હોય... (આપણે ખાસ કોઇ ઓળખીતી-પારખીતી હોય, એમાં જ પડવાનું. કોઇ એકલદોકલ નિઃસહાય અબળામાં નહિ ! સાલી બધીઓના બાપ તો તગડા જ હોય!) થઉ-થઉ કરતા થઇ ન શકેલો મારો એક સસરો સાયકલ દોડાવવામાં માસ્ટર હતો. એને ખબર પડી કે, હું એની છોકરી સાથે થપ્પો રમું છું, એટલે કાંકરીયા તળાવ પાસે મારી પાછળ સાયકલ લઇને દોડયો...આઇ મીન, સાયકલ પર બેસીને ! કાંકરીયું તો કેવડું મોટું છે, તમે જાણો છો. બીજે કે ત્રીજે આંટે સાઇડમાં સાયકલ પાર્ક કરીને હું એક લીલા રંગના બાંકડે બેસી ગયો ને ડોહો ફરતો રહ્યો.

મને યાદ છે, મારા બેઠા પછી સસુરજીએ કાંકરીયાના બીજાં ત્રણ ચક્કર માર્યા હતા. એને ઝનૂન એટલું જ કે, અસોકીયાએ મારા કરતા ય વધુ ફાસ્ટ સાયકલ ભગાવી છે. આજે તો એને ટપી જ જવો છે.

મારો એક પ્રેમપત્ર ખોટી છોકરીના હાથમાં આવી ગયેલો. એ સાલી તોતડું બોલતી હતી. કોઇ પણ 'સ'નો ઉચ્ચાર એ 'ત' કરતી ને મને 'અતોક' કહેતી. હું ભવિષ્યમાં હાસ્યલેખક થવાના સપના સજાવીને બેઠેલો ને આવડી આ મને કહે, ''અતોક... નટરાજમાં તતી કપૂર અને રાખીનું 'તર્મિલી' આયું છે. ચલ, જોવા જઇએ.'' મેં ના પાડી કે, મારા ફાધર-મધર ઘરે એકલા હોય.... મારાથી ન અવાય.'' તો મને કહે, ''એ તો મારા તાતુ અને તતરા કહેવાય. એમને લઇને 'તર્મિલી' જોવા જઇએ.''

તાલી... આવી ભંગારના પીતની... તૉરી તૉરી હોં.... આઇ મીન, સૉરી હોં, સાલી આવી ભંગારના પીસની વાઇફો ભેગી કરીને મારે ખાડીયામાં સરઘસ કાઢવું છે, તે આ તોતડીને પસંદ કરૂં ? સમાજને આશ્ચર્ય થશે કે, આટલો સ્માર્ટ યુવાન આવી તોતડીમાં ભરાઇ કેમ ગયો ? ઈન ફૅક્ટ, હું છેતરાઇ ગયેલો એના લવ-લૅટરોથી. અને તોતડાઓ લખવામાં ક્યારેય તોતડાતા હોતા નથી, એમાં આપણા જેવા ભોળવાઇ ન જાય ? (જવાબ : જરૂર ભોળવાઇ જાય : જવાબ પૂરો)

એ જમાનામાં મોટી મુશ્કેલી લખેલો પ્રેમપત્ર સનમને હાથોહાથ આપવાની થતી. આજના જેવા 'એસએમએસ' કે 'વૉટ્સઍપ' થોડા હતા ? આજે તો કેવી સગવડો કે, જેને 'વૉટ્સઍપ'માં પ્રેમની ઑફર મોકલી હોય તે ભૂલમાં બીજી ૧૦-૧૫ને જતી રહે ને સાલી પંદરે-પંદરની હા આવે ! અમારા વખતમાં એકનો એક લૅટર બે જણીઓને મોકલવો હોય તો બહુ બહુ તો કાગળની નીચે વાદળી રંગનો લિસ્સો કાર્બન-પૅપર મૂકતા, પણ સાયન્સ એટલું આગળ નહોતું વધ્યું કે, ઑર્ડર મુજબનો માલ જથ્થામાં બનાવી શકાય. ત્રણ કૉપી તો હદ થઇ ગઇ, ભા'આય....! ને ત્રીજી ઝાંખી કૉપી, જેને રદબાતલ કરવાની હોય, એને મોકલાય. મારી કૉલેજની એક સનમને બહુ ધાર્મિક ધોરણો જાળવીને પ્રારંભમાં જ 'જે શી ક્રષ્ણ' લખતો ને ડાર્લિંગ-ફાર્લિંગ પછી. એમાં ધ્યાન રહ્યું નહિ ને, કોકને વારાપ્રમાણે 'જય જીનેન્દ્ર' લખી નાંખ્યું, એમાં એ ભડકી, ''હું ચુસ્ત વૈષ્ણવ ને મને જય જીનેન્દ્ર...?'' મંદિરના ઓટલે જ એણે મને કાયમ માટે 'જે સી ક્રસ્ણ' કહી દીધું. હું માનું છું કે, પ્રેમમાં ધર્મ નહિ આવવો જોઇએ. લગ્ન કરીને આપણે ૮-૧૦ બાળકોના માં-બાપ થવાનું હોય... ગીરનારની તળેટીમાં લંગોટ પહેરીને બેસવાનું નથી હોતું ! સુઉં કિયો છો ?

પણ લખેલો લવ-લૅટર ચોક્કસ છોકરીને આપવામાં હજારો મુશ્કેલીઓ આવતી. આપણી દોડ પાકી નહિ, એટલે હું તો દરેક પ્રેમિકાનો પત્ર મારા કોઇ દોસ્ત દ્વારા જ મોકલાવતો.... એમાં મારા સાત ફ્રૅન્ડ્સના લગ્ન થઈ ગયેલા....! સાલી આજે એ બધીઓને મારે 'ભાભી' કહેવી પડે છે.

સિક્સર

કોઇને પૂછવા જેવા સવાલો...જો તમને જવાબો આવડતા હોય તો...!
(૧) હાઇ-વે પરના માઈલસ્ટોન શહેરના કયા ભાગથી અંતર બતાવે છે ?
(૨) અમદાવાદનું અસલી નામ શું હતું?
(૩) દેવ આનંદના ત્રણ ભાઈઓના નામ શું હતા ?

03/08/2014

ઍનકાઉન્ટર : 03-08-2014

* બેશરમ હોવું, એ ખૂબ શરમજનક કહેવાય. સુઉં કિયો છો?
- એ તો જે હોય, એને ખબર પડે!
(રમેશ સુતરીયા 'ટ્રોવા', મુંબઇ)

* તમને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિમણૂંક કરે, એ પૉસિબલ છે. શું ઇચ્છા છે?
- હું ૩૬ વર્ષથી પરણેલો છું. સલાહો લઇ લઇને ટીચાઇ ગયો છું. મારી સલાહો તો ઘરમાં ય કોઇ માનતું નથી. વડાપ્રધાન વાઇફ વગરના છે. એમને સલાહોની જરૂર ન પડે... આપણને પડે!
(ડૉ. ક્રિશ્ના-ડૉ. વિશુ ટીલ્વા, નગર પિપલીયા-રાજકોટ)

* જૂની ક્લાસિક ફિલ્મોની રીમૅક બનાવનારાઓ આપણા જૂના કલાકાર કસબીઓનું અપમાન નથી કરતા?
- એમનું ચાલે તો પોતાના ડોહા-ડોહીઓની ય રીમૅક બનાવે! આપણે વચમાં નહિ પડવાનું!
(જયેશ અંતાણી, ભાવનગર)

* નળમાંથી પાણી ઉકળતું આવે છે. શું કરવું?
- નહાવાનું ઉનાળો પતે પછી રાખજો.
(હેતુ ટેલર, હિમતનગર)

* આવતા જન્મે તમને બોલીવૂડના મહાન કલાકાર બનવા મળે, તો કયા કલાકારનો પુનર્જન્મ લેશો?
- બસ. ધી ગ્રેટ અશોક કુમાર આવતા જન્મે 'અશોક દવે' બને.
(ધનેશ મિસ્ત્રી, નડિયાદ)

* ન્યૂયૉર્કની પ્રાયમરી સ્કૂલોમાં સંસ્કૃત ફરજીયાત છે, એ વાત સાચી?
- ત્યાં તો ભણવું ય ફરજીયાત નથી... આપણી જેમ!
(નટુભાઇ ચૌહાણ, રાજકોટ)

* આ વખતે ડિમ્પલજીની બર્થ-ડે ઉપર શું ગીફટ આપશો?
- આપણે તો 'અલ્ટિમેટ' ગિફ્ટ જ આપવાની હોય ને?
(સમીર શાહ, શિકા-ધનસુરા અને જયમીન ઠક્કર, અમદાવાદ)

* બળાત્કારો કરવામાં યુ.પી. બેફામ ને એનાથી ય બેફામ અખીલેશ-મુલાયમના નિવેદનો. આ લોકો શું સમજતા હશે?
- ઈશ્વર ન કરે ને એમની પોતાની વાઇફ-દીકરી ઉપર બળાત્કાર થાય તો ય નિવેદનો તો આ જ રહેવાના... હઓ!
(સપના મેહતા, અમદાવાદ)

* મારે પણ હાસ્યલેખક બનવું છે, શું કરવું?
- જીવનમાંથી ઇર્ષા કાઢી નાંખો.
(મેહુલ સોની, રણમલપુર-ધ્રાંગધ્રા)

* આપની કૉલમમાં મધુબાલા વિશે આપના વિચારો જાણ્યા. આપ પણ એને ચાહો છો?
- જબાન સંભાલો, ચંદુ... 'મધુભાભી' લખો.
(ચંદ્રકાંત બગડીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* મારે તમને મળવું છે. સરનામું આપશો?
- ક્યા કરોગે, મેરી દર્દભરી દાસ્તાન સુન કે..? મુઝે મેરે હાલ પે છોડ દો.... હોઓઓઓઓ!
(લવ પટેલ, વિસનગર)

* હવે તમે ઈ-મૅઈલ શરૂ કર્યા. શું પોસ્ટખાતા તરફથી મળતું કમિશન બંધ થઇ ગયું?
- રોજ રાત્રે ઈસબગુલના બે ફાકડા મારીને સૂઇ જજો.
(જગજીવન ગોહિલ, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'ના જવાબો આપવાની તમે તાલીમ લીધી હતી કે વાઈફે બધું શીખવાડયું?
- પરણેલાની આવી મશ્કરી ન કરાય, ભાઇ!
(પ્રિયાંક જાની, ગાંધીનગર)

* અમેરિકામાં ઓબામા સાથે ડિનર લીધું?
- જાતનો બા'મણ છું. જે બોલાવે એના ઘેર ઓડકારો ખઇ આવવાના. ઓબામા કે કોઇની બામાં ભોજન અંગે પક્ષપાતી નથી.
(જયમીન ઠક્કર, અમદાવાદ)

* દાદુ, એવું નથી લાગતું કે, રાજકારણીઓ પાસેથી કામ કઢાવવું, એટલે અજગર પાસે ચાકરી કરાવવી?
- ધેટ્સ ફાઇન, પણ રાજકારણી પાસે તમે કિંગ કોબ્રાની છાપ પાડો, તો અબઘડી કામ થઇ જાય!
(કિશોર મકવાણા, ગોંડલ)

* મનોજ બાજપાઇની જેમ ટીવી પર તમે ઍનકાઉન્ટર કરો તો?
- મને ગોળી કયા હપ્તામાં વાગવાની છે, એ જોયા પછી જવાબ આપું.
(નિશિથ પંચોલી, મુંબઇ)

* માણસ મરે ત્યારે કેમ કોઇ કૅક કાપતું નથી?
- મરી ગયા પછી કાપાકાપી ના સારી લાગે.
(રાકેશ રાઠોડ, કૂકરવાડા-જૂનાગઢ)

* ફૂટબૉલ માટે આપનો ઈન્ટરેસ્ટ કેટલો?
- બસ. આવતો વર્લ્ડ-કપ સ્પૉન્સર કરવાનો વિચાર છે.
(માલા દેસાઇ, સુરત)

* જન્મ અને મરણથી છુટકારો કેવી રીતે પામી શકાય?
- જન્મની તો બહુ ખબર નથી, બાકી મરણના મામલે તો એક વાર મરો પછી કંઇ કહેવાય!
(ધર્મદીપ ડૉડીયા, અમદાવાદ)

* કોઇ પણ સ્ટોરીની શરૂઆત, ''એક ગરીબ બ્રાહ્મણ હતો...''થી કેમ થાય છે?
- કારણ કે, અંતમાં, '...અને ખાધું, પીધું ને 'રાજ' કર્યું' લખી શકાય માટે.
(સિધ્ધિ જોશી, પોરબંદર)

* નેતાઓના દેહો જ કેમ પંચમહાભૂતોમાં વિલીન થતા હોય છે?
- માણસો તો એમને સંઘરે નહિ...!
(મોહિત મર્થક, રાજકોટ)

* આજના શિક્ષકો વિશે આપનો શો અભિપ્રાય છે?
- મા-બાપ જેટલો જ આદર શિક્ષકોનો કરવો જોઇએ.
(રાજેશ ભાવસાર, સુરત)

* માણસ પાસે બધું છે, છતાં દર વખતે કંઇક 'ઍકસ્ટ્રા'ની લાલચ કેમ રાખે છે?
- કારણ કે, ઘણાના હાથમાં ફક્ત ઍક્સ્ટ્રા જ આવે છે... 'બધું' બીજા લઇ જાય છે.
(પલક ગોસ્વામી, મહેસાણા)

* 'કભી ખુશી, કભી ગમ' એટલે શું?
- કભી કરણ, કભી જોહર.
(કિશન પાડવી, મોરંબા)

* 'આયે હો મેરી ઝિંદગી મેં, તુમ બહાર બન કે...'
- મારાથી કોઇ ભૂલબૂલ થઇ ગઇ છે?
(દીપ દવે, અમદાવાદ)

* આલીયા ભટ્ટ વિજય માલીયાના છોકરા સાથે લગ્ન કરે, તો 'આલીયા-માલીયા' કહેવાય કે નહિ?
- વગર લગ્ન કરે, બન્ને બાપ-દીકરો અત્યારે 'આલીયા-માલીયા'ના નામે ઓળખાય છે.
(મન ઠૂમ્મર, સુરત)

01/08/2014

'નર્તકી'(૬૩'')

ફિલ્મ : 'નર્તકી'(૬૩'')
નિર્માતા : ફિલ્મ ભારતી (મુંબઈ)
દિગ્દર્શક : નીતિન બૉઝ
સંગીત : રવિ
ગીતકાર : શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : એલ.એન. (અમદાવાદ)
કલાકારો : નંદા, સુનિલ દત્ત, પ્રીતિબાલા (ઝેબ રહેમાન), ઓમ પ્રકાશ, ચંદ્રિમા ભાદુરી, પોલસન, નાના પળશીકર, આગા, સુરેખા પંડિત, અરૂણા ઈરાની, મોની ચૅટર્જી, કુસુમ ઠાકુર, સુજાતા.


ગીત
૧. તુમને આંખોં સે પી હો તો, મૈં ક્યા કરૂં ?.... આશા ભોંસલે
૨. હમ તુમસે મુહબ્બત કર બૈઠે, અબ દિલ સે ભૂલાના... મહેન્દ્ર કપૂર
૩. જીંદગી કી ઉલઝનોં કો ભૂલકર, આજ મસ્તી મેં.... આશા ભોંસલે
૪. પૂછો કોઇ સવાલ બચ્ચોં... રફી, ઉષા મંગેશકર, ઉષા ખન્ના, કમલ બારોટ
૫. આજ દુનિયા બડી સુહાની હૈ, કૈસી રંગીન જીંદગાની.... આશા ભોંસલે
૬. જીંદગી કે સફર મેં અકેલે થે હમ, મિલ ગયે તુમ તો.... મુહમ્મદ રફી
૭. ઇન્સાન મુહબ્બત મેં કુછ કામ તો કર જાયે.... આશા ભોંસલે
૮. અગર કોઇ હમ કો સહારા ન દેગા.... ઉષા મંગેશકર

કોઇ મૂઢમાર મારતું હોય, એવી ફિલ્મો મારે દર અઠવાડિયે જોવાની, એમાં મહાન દિગ્દર્શક નીતિન બૉઝનું નામ ડીવીડી પર વાંચ્યું, એટલે આંખ મીંચીને ફિલ્મ 'નર્તકી' લઇ લીધી.... આઇ મીન, એની ડીવીડી લઇ લીધી. હીરો-હીરોઇન પણ જોવા ગમે એવા મજ્જાના હતા, એટલે નુકસાન ઝાઝું થવાનું નહોતું.

ન થયું. થોડું થયું. અર્થાત્ ફિલ્મ સારી નીકળી ને બીજી વખત અર્થાત, એટલે એટલી બધી સારી ય નહિ. પણ '૫૦ કે '૬૦ના દાયકાઓમાં જે ફિલ્મો બનતી, તેના પ્રમાણમાં આ ફિલ્મ જરા ગમે એવી હતી. દિગ્દર્શન નીતિન બાબુનું હોય, એટલે ફિલ્મ ફાલતુ તો ન હોય. દિલીપ કુમારની 'ગંગા જમુના', 'દિદાર,' 'મિલન' (નૌકા ડૂબી), ઉપરાંત સાયગલ, પંકજ મલિકની ઘણી ફિલ્મોના એ ડાયરેક્ટર હતા. ચંડીદાસ, ધરતી માતા, પ્રેસિડૅન્ટ, દુશ્મન, કપાલ કુંડલા...પણ હિંદી ફિલ્મો બનાવનારા નીતિન બાબુને ખાસ યાદ રાખશે, ફિલ્મી સંગીતમાં 'પ્લૅબૅક-સિન્ગિન્ગ'ની શરૂઆત કરાવવા બદલ. પહેલા બંગાળીમાં 'ભાગ્યચક્ર'ને નામે એમણે જ બનાવેલી હિંદી ફિલ્મ 'ધૂપછાંવ'માં રાયચંદ બોરાલના સંગીતમાં મન્ના ડે ના કાકાબાબુ કૃષ્ણચંદ્ર ડે, અનિલ બિશ્વાસના બહેન પારૂલ ઘોષ (ગુન ગુન ગુન ગુન બોલે ભંવરવા, હમારી ગલીયા મેં...) અને સુપ્રભા સરકારે ગાયેલા ગીતથી ભારતીય ફિલ્મોમાં પ્લૅબૅક સિંગિન્ગિની શરૂઆત થઈ.

આ વાતની પાછી બહુ ઓછાને ખબર હોય કે, ધી ગ્રેટ સત્યજીત રે નીતિન બાબુના ભત્રીજા થાય અને અશોક કુમારની ફિલ્મ 'મશાલ'માં સત્યજીત નીતિન બાબુના આસિસ્ટન્ટ હતા.

આમ તો હિંદી અને બંગાળી ફિલ્મોના રૅકૉર્ડિંગમાં જ નહિ, ડબિંગમાં પણ પહેલી શરૂઆત કરનાર સીનેમેટોગ્રાફર મુકુલ બૉઝ નીતિન બાબુના સગા ભાઇ થાય, પણ આ ફિલ્મ 'નર્તકી'માં બાબુજીએ કૅમેરા મરાઠી માણુસ નાના પોન્કશેને સોંપ્યો છે અને મસ્તમધુરૂં કામ થયું છે, યસ...બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફોટોગ્રાફીમાં પણ !

ફિલ્મનું નામ 'નર્તકી' વાંચીને એ શબ્દને ઊંધો કરવાનું મન થાય, પણ આપણે આટલા વર્ષોથી હિંદી ફિલ્મો જોઇ હોય, એટલે સ્ટોરી ધારી લેવાય કે, હીરોઇન નર્તકી એટલે કે તવાયફ હશે ને અચાનક આદર્શવાદી હીરો એના મુજરામાં ભરાઇ પડયો હશે. પેલાને ગામમાં કોઇ મળતું નહિ હોય, એટલે આની પાસે રાખડી બંધાવવાને બદલે લગ્નની ગાંઠો મારવા હાલી નીકળ્યો હશે. તવાયફની 'મૌસી' એને છટકવા નહિ દેતી હોય, વચમાં પાછું, હીરો કેટલો મોટો ત્યાગ આપે છે, એ બતાવવા એક સાઇડ-હીરોઇનને ઉપાડી લાવવાની, જે હીરોને ખૂબ ચાહતી હોય ને હીરો એનામાં 'ભરાઉ-ભરાઉ' થતો પણ હોય, પણ ભરાય નહિ ને છેવટે થોડી-ઘણી મારામારી, થોડા ઘણા આપઘાતના નિષ્ફળ પ્રયાસો અને છેલ્લે 'બોલ મારી અંબે....જય જય અંબે'ના નારા સાથે ગોળધાણા ખાઇને છુટા પડવાનું.

સાલા જબરા ઉલ્લુ બનતા'તા આપણે. બાપાનું રાજ ચાલે છે, તે કોઇ તવાયફ-વેશ્યાને પૈણીને ધેર લાવવાનો આપણે વિચાર પણ કરીએ? પણ એકે ય અપવાદ વગર તમામ ફિલ્મી તવાયફો ''જાલીમ જમાનાનો શિકાર'' બની હોય ને આપણો હીરો આવા જમાના સામે લડીને પેલીને પોતાના ઘેર બેહાડીને જંપે!

આ ફિલ્મ વળી નીતિન બાબુની છે, એટલે વેશ્યાને થોડી-ઘણી છુટછાટો આપી છે. સુનિલ દત્ત ગરીબ પ્રોફેસર ને નંદા તવાયફ, એટલે કે નર્તકી. સુનિલને જોઇને મોહી પડવાની સાથે સાથે બહેન નંદા આ માસ્તર પાસે અક્ષરજ્ઞાાન પ્રાપ્ત કરવાના કલાસ ભરે છે. સુનિલ પાછો આપણી નંદુને કોઠામાંથી છોડાવવાની તો કોઇ પેરવી કરતો નથી, તો શું કરે છે અને કેમ પેરવીઓ નથી કરતો, એ તો વાર્તાલેખકના પિતા જાણે. આપણી ગુજરાતી ફિલ્મોની ઍક્સ બંગાળી ઍક્ટ્રેસ રીટા ભાદુરીની મમ્મી ચંદ્રિમા ભાદુરી ''મૌસી'' છે...એને બે ઘડી એમે ય ન થાય કે, નંદાને નથી નાચગાના કરવા, તો એને જવા દઇએ. ઉપરથી પેલીને ગંગા મૈયામાં ઝંપલાવવું પડે, એવી ઉશ્કેરી મૂકે છે. આ બાજુ નંદા ય કોઇ ઓછીની નથી. આપઘાતના પ્રયાસોમાંથી ગૅરન્ટીપૂર્વક બચી જવા ઉપર એનો હાથ સારો બેસી ગયો હોય છે, એટલે તઇણ કલાકની ફિલમમાં નંદુ જ્યારે નવરી પડે, ત્યારે એકાદો આપઘાત કરતી આવે છે, કારણ કે, કોણ પાછળથી એને પકડી લઇને, ''યે ક્યા કર રહી હોઓઓઓ ?''નો ઘાંટો પાડીને બચાવી જ લેવાનું છે, એની એની પાસે સૉલ્લિડ માહિતી અને ખાત્રી હોય છે. આવાઓને તો પડવા જ દેવા જોઇએ. હીરાઓ નથી કરવા દેતા, ત્યારે એની સાથે પરણવાના દહાડા આવે છે ને ?

બીજું તમે કાંઇ માર્ક કર્યું ? ભારતભરની હીરોઇનો અડધી રાત્રે આપઘાત કરવા કોઇ પહાડની ટોચ પર જાય ને ઍક્ઝૅટ એ જ સ્થળે ઍક્ઝૅક્ટ ટાઇમસર હીરો પહોંચી જાય ! તારી ભલી થાય ચમના, તું એ તો ઓલીને પૂછ કે, અમને અડધી રાત્રે રીક્ષા મળતી નથી ને તને ઠેઠ પહાડના ટોપકા સુધી જવા માટે કઇ બસ મળી ? વળી, મોટા ભાગના હીરાઓ આંધળામૂવા હોય છે. પેલી પર્વતની ધાર ઉપરથી કાચી સૅકન્ડમાં ભૂસકો જ મારવાની છે, એ હીરો જુએ છે, છતાં પૂછે છે, ''યે ક્યા કર રહી હો...?'' અલ્યા ધોબી, તને દેખાતું નથી કે પેલી શું કરે છે ? આટલી ડૅન્જરસ જગ્યાએ શું આંબલી-પિપળી, થપ્પો ને આઇસ-પાઇસ રમવા આઇ હશે ? બે ધોલ મારીને સીધી ઘેર લઈ આવવાની હોય, જેથી પોલીસના લફરા-બફરા ન થાય ! આ તો એક વાત થાય છે.

જોવાની ખૂબી અને કૉમેડી એ છે કે, ઝૂંપડામાં રહેતો સુનિલ દત્ત પ્રોફેસર હોવા છતાં અડધી રાત્રે નવરો બેઠો વાંસળી વગાડે છે, એ વખતે એનાથી ઘણે દૂર કોઠામાં નંદાનો મુજરો સંભળાય છે. સાલી કઇ ફૅક્ટરીમાં કાન બનાવડાવ્યા હશે કે, આટલે દૂરનું પેલીના અડોસી-પડોસી કે પોલીસ-બોલીસને ના સંભળાય ને આને એકલાને સંભળાય. પાછો ઘરમાં એ ફાનસ અને પ્રાયમસ વાપરે છે. હે વાચકો, ભારતની એકે ય ફિલ્મના એક પણ દ્રષ્યમાં તમે લાઇટનો ગોળો કે ટયુબલાઇટ જોઇ ? એકે ય ફિલ્મમાં જોઇ ? ને છતાં ય, રામ જાણે કઇ ટૉરૅન્ટ કંપનીમાંથી વીજળીનો પુરવઠો આવતો હશે, તેની ગતામત પડતી નથી. નવાઇ નહિ, આઘાત નીતિન બાબુના નામે એ વાતનો લાગે કે, સુનિલના ઘેર ટીફિન આપવા આવેલી નંદા ટીફિન દરવાજાની ડાબી બાજુ મૂકે છે ને જતી વખતે ઑટોમૅટિકલી, એ જ ટીફિન જમણી બાજુ આવી જાય છે. હીરો બાહોશ હોય તો તપાસ તો કરવી જોઇએ ને કે, ટીફિનની આ ખસડાખસડીમાં ભાજપ કે કૉગ્રેસનો હાથ તો નથી ને ?

ઓર તો ઓર...કોક ખૂણાથી મધુબાલા જેવી લાગતી પ્રીતિબાલા ઉર્ફે ઝેબ રહેમાન પિયાનો વગાડતી હોય છે, ત્યારે કલૉઝ-અપમાં પિયાનો વગાડતો હાથ પુરૂષનો ભરચક રૂંવાટીવાળો અને તગડો છે. આખો શૉટ બતાવે, ત્યારે ઝેબ રહેમાન આખી દેખાય. નીતિન બાબુ ય કૉલેજ નહિ ગયા હોય, કારણ કે કૉલેજના સ્ટૂડૅન્ટ્સ બધા ૩૫-૪૦ની ઉંમરવાળાઓ છે. મારા પૈસા તો વસૂલ મુહમ્મદ રફીના વર્ષોથી ખોવાયેલા ગીત, ''જીંદગી કે સફર મેં અકેલે થે હમ, મિલ ગયે તુમ તો...'' રફી સાહેબે થેલો ભરીને બદામ ખાઇને ગાયું હોય એવું લાગે છે. આમે ય, રફી પાસેથી ઉત્તમ કામ લેનારાઓમાં ચિત્રગુપ્ત કરતા ય સંગીતકાર રવિનું નામ ઊંચું ખરૂં. જામનગરના ચંદુભાઈ બારદાનવાલાએ મોકલાવેલી સીડીઓ મુજબ તો આ બન્નેની જોડીએ અઢળક ગીતો બતાવ્યા છે. '૬૦-નો દાયકો રવિથી છવાયેલો રહ્યો. સરસ મજાના સ્ટ્રાઇક-રૅટ સાથે રવિએ આ દશકની મોટા ભાગની ફિલ્મોમાં ઉત્તમોત્તમ સંગીત આપ્યું છે, છતાં દુઃખ એ વાતનું મારી જેમ ભેગાભેગું તમે ય કરજો કે, હિંદી ફિલ્મોના મહાન સંગીતકારોનું લીસ્ટ તમારી પાસે જ બોલાવીએ તો વાત, શંકર-જયકિશન, નૌશાદ, ઓપી નૈયર, મદન મોહન કે સચિનદેવ બર્મનમાં પતી જાય. ઇવન તમારા જ લિસ્ટના પહેલા પાંચ સંગીતકારોમાં સલિલ ચૌધરી, રોશન, રવિ, ખય્યામ, ચિત્રગુપ્ત, શ્રીનાથ ત્રિપાઠી કે ઇવન હેમંત કુમાર કેમ ન આવે ? ધી ગ્રેટ અનિલ બિશ્વાસ, સી. રામચંદ્ર, સજ્જાદ મીયાં, જયદેવ કે વિનોદ સુધી બધાની પહોંચ ન હોય, એ સમજી શકાય પણ રવિએ તો ઉત્તમ કામ આપ્યું છે. આ તો ફક્ત વાત જ થાય છે, પણ લચ્છીરામ તમર જેવા સંગીતકારે પણ બે-ચાર ફિલ્મો છતાં કેવા દિલડોલ ગીતો બનાવ્યા હતા, ''સબ જવાં, સબ હંસિ, કોઇ તુમ સા નહિ,'' 'તૂ શોખ કલી મૈં મસ્ત પવન...' 'અય દિલ મચલ મચલ કે યૂં, રોતા હૈ ઝાર ઝાર ક્યા, અપના ચમન ઉજડ ગયા, આયેગી અબ બહાર ક્યા ?' (બધા ગીતો ફિલ્મ 'મૈં સુહાગન હૂં'ના.)

ઓકે. રવિ તો એકલો સંગીતકાર હતો, પણ હિંદી ફિલ્મોમાં એવા ય કિસ્સા બન્યા છે કે, '૪૦-ના દાયકામાં આવેલી ફિલ્મ 'ઇન્દ્રસભા'માં ૬૯ ગીતો હતા, તો '૬૦-ના દશકમાં મધુબાલાના ફાધર અતાઉલ્લાખાને ઉતારેલી ફિલ્મ 'પઠાણ'માં ગીતો આઠ હતા ને સંગીતકારો ૯. એક ફિલ્મના સંગીત માટે ૯-સંગીતકારો માનવામાં આવે ? માનજો જ, કારણ કે, તલત મેહમુદના બે અદભુત ગીતો 'આજા કે બુલાતે હૈ તુઝે અશ્ક હમારે' અને 'ચાંદ મેરા બાદલોં મેં ખો ગયા...' આ ફિલ્મના હતા. એક આખી ફિલ્મમાં અડધેથી બદલાઇને બીજા સંગીતકાઆર આવ્યા હોય એવા તો ઘણા દાખલા છે.

આ ફિલ્મનો હીરો સુનિલ દત્ત છે. કૉગ્રેસમાં હોવા છતાં બહુ અચ્છો માણસ હતો. પેલી ચોકડી ભા.ભૂ...પ્રદીપ કુમાર, મનોજ કુમાર કે વિશ્વજીત કરતા તો લાખ દરજ્જે સારો કે, આની પાસે ઍક્ટિંગ અને ઍક્સપ્રેશન્સ તો ખરા. અવાજ અને હાઇટ-બૉડી અને તદ્દન દેસી હૅર-સ્ટાઇલ હોવા છતાં જોવો ગમતો. આ એક જ હીરો એવો હતો કે, એ જમાનાની મોટા ભાગની ટોચની હીરોઇનો સાથે એની એવી પૅર બનતી કે, આપણને એ જ પૅર બેસ્ટ લાગે. યાદ કરો, સુનિલ-નૂતન, સુનિલ-વહિદા, સુનિલ-આશા પારેખ, સુનિલ-વૈજ્યંતિ માલા, સુનિલ-નંદા, સુનિલ-મીના કુમારી, સુનિલ-સાધના, સુનિલ-માલા સિન્હા, સુનિલ-સાયરા બાનુ....અરે, સુનિલ દત્ત સાથે તો શકીલા, લીલા નાયડૂ કે બી.સરોજાદેવી પણ ખરી. એક માત્ર ગીતા બાલી સાથે એની કોઇ ફિલ્મ યાદ નથી આવતી.

માન આ પંજાબી માટે એટલા માટે વધારે થાય કે, એ સમયના કે આજના એકે ય હીરો લંપટવેડાં કર્યા વિના રહી શક્યા નથી. કોઇ હીરોઇન સાથે લફરૂં તો સામાન્ય વાત ગણીએ, પણ રાજ-દિલીપ-દેવથી માંડીને આજનો કોઇ હીરો કોરોધાકોડ નથી, જે પોતાની હીરોઇન તો ઠીક, ડાન્સ-ગીતમાં હીરો-હીરોઇનની પાછળ નાચતી એકસ્ટ્રા છોકરીઓને ય કોઇએ છોડી હોય ! એ દ્રષ્ટિએ સુનિલ દત્ત કૅરેક્ટરનો ખૂબ ચોખ્ખો હતો.

નંદાને હમણાં આપણે ગૂમાવી, પણ એ ય કેવી પવિત્ર સ્ત્રી હતી ? જોઇ જુઓ જરા કે, કેવા કેવા હૅન્ડસમ હીરોઝ સાથે એણે કામ કર્યું હતું, એમાંથી એકે ય ના હાથમાં એ ન આવી ? ના. એકે ય ના હાથમાં નંદા નથી આવી. હરકોઇ કબુલ કરશે કે, નંદાનું રૂપ નજર સૅક્સી બનાવે એવું નહિ, પવિત્ર બનાવે એવું દૈવી હતું. એને જોઇને ખરાબ ભાવો ન આવે, નૂતનની જેમ. યસ. આ ફિલ્મની સાઇડ-હીરોઇન પ્રીતિબાલા એટલે કે ઝેબ રહેમાનનો નાનો પણ મૂલ્યવાન જમાનો હતો. માલા સિન્હા ધર્મેન્દ્રને સંભાળવવા ''ગૈરોં પે કરમ, અપનોં પે સિતમ, અય જાને વફા, યે જુલ્મ ન કર'' એ ફિલ્મ 'આંખે'ના ગીતમાં આ 'ગૈર' એટલેએ ઝેબ રહેમાન. મૂળ એ કેદાર શર્માની શોધ, જેમણે એનું નામ 'પ્રીતિબાલા' રાખ્યું હતું, પણ કેદારનો હાથ છુટયો, એટલે બહેને અસલી નામ 'ઝેબ રહેમાન' રાખ્યું હતું. મધુબાલાને થોડી થોડી મળતી આવતી બીજી હીરોઇન 'સોના' હતી, જેને ડૉન હાજી મસ્તાન એટલે પરણ્યો કે, મધુબાલામાં એ નિષ્ફળ ગયો હતો. ધરમ-રાખીની ફિલ્મ 'જીવન-મૃત્યુ'માં લતાએ ગાયેલ મુજરો, 'જમાને મેં અજી ઐસે કઇ નાદાન હોતે હૈ...' આ ઝેબી ઉપર ફિલ્માયું હતું.

ફિલ્મમાં નાના પળશીકર, ઓમ પ્રકાશ અને આગા પણ ફિલ્મને ઊંચી બનાવી શક્યા નથી. યસ, સાઉથના ડાન્સ-ડાયરૅક્ટર બી.સોહનલાલે નંદા જેવી આમ તો, નૉન-ડાન્સર પાસે ઘણા અઘરા સ્ટેપ્સવાળા નૃત્યો બખૂબી કરાવ્યા છે, એ જોવાનો લહાવો ખરો.

30/07/2014

અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા...

આજની આપણી સ્ટોરી સત્યઘટના પર આધારિત છે.

તે એમાં થયું'તું એવું કે, હમણાં લગ્નસરા પતી, એમાં એક જૈન પરિવારની જાનમાં હું શામેલ હતો. વૉલ્વો બસમાં જાન રાજકોટથી અમદાવાદ પાછી આવી રહી હતી. લગ્ન કર્યા, એ બન્ને સિવાય બધા ધૂમધામ મસ્તીમાં હતા. અંતકડી, જૉક્સ અને ફિલ્મી ગીતોની રમઝટ સાથે બસ ચકચૂર હતી.

રાજકોટ છોડે કલાકેક થયો હશે. તમને અનુભવ હશે કે, હાઇ-વે પર જતી સઘળી બસો રસ્તામાં ક્યાંક 'ચોક્કસ કારણોસર' ઊભી રાખવાની રીક્વૅસ્ટ કરવામાં આવે છે, એ રીક્વૅસ્ટો થઇ અને બસ ઊભી રહી. આવી રીકવેસ્ટ કરનારા બધાઓના મોંઢા અને શરીર તરડાઇ ગયા હતા. 'घर से चले थे हम तो ख़ुशी की तलाशमें, ग़म राह में खड़े थे वो ही साथ हो लिये…… '

આ ચોક્કસ કારણોસર બસ ઊભી રખાવનારા છેલ્લા કલાકથી રિબાતા હશે, પણ કહી શકતા નહોતા. ના કહેવાય, ના સહેવાય-વાળા તબક્કાઓ હરકોઇના જીવનમાં આવતા હોય છે, પણ સંતો કહે છે, કહી દેનારાઓ પાછળથી સુખી થઇ ગયા છે. પેલું શું કે, મનમાં ને મનમાં ઘૂંટાવવું, એના કરતા બધું કહી દેવું સારૂં. પણ આપણા આ કૅસમાં તનમાં ને તનમાં ઘુંટાવાનું હતું. સુખ અને શાંતિની ગૅરન્ટી બેશક, પણ એ તો ગઢ જીતાય પછી. ત્યાં સુધીની ડગર બહુ વસમી હોય છે. ડ્રાયવરે એમની રીક્વૅસ્ટ મંજૂર કરી દીધા પછી ચાલુ બસે એ લોકો દરવાજા પાસે જઇને ઊભા રહી ગયા. નીચું વળી વળીને જોયે રાખે કે, ડ્રાયવર ગાડી ક્યાં ઊભી રાખે છે ! એક જણ તો પાછળ ઊભેલા બીજા અકળાયેલા સામે ગીન્નાયો પણ ખરો કે, 'मुझे न हाथ लगाओ, के मर चूका हूं मैं..... मै कौन हूं, मै कहां हूं, मुझे ये होश नहि......होओओओ'

 એ વખતના એના શરીરના આકાર કે વળાંકો ઉપરથી એના વ્યક્તિત્વનું મૂલ્યાંકન ન થાય. શક્ય છે, એ સારો માણસ હોય, પણ અત્યારે સંજોગોનો શિકાર બન્યો છે, માટે કેડેથી વાંકો વળી ગયો છે.

બસ ઊભી રહી. બે-ત્રણ યુગપુરૂષો ઉતર્યા એની સાથે, 'તમે લઇ ગયા ને અમે રહી ગયા'ના ધોરણે સકળ સંઘને આમંત્રણ હોય, એમ બીજા ય જોડાયા. 'हरियाला सावन ढोल बजाता आया, धिन तक तक मन का मोर नाचता आया...' ના નાદ સાથે, મંદિરના પ્રાંગણમાં જાત્રાળુઓની બસ ઊભી રહે ને હરિભક્તો અગમનિગમના માર્ગે હાલી નીકળે, એમ અમારા જાનૈયાઓ જે પગવગું પડે, એવા ખેતરોના માર્ગે નીકળી પડયા. કહે છે કે, આમાં ખુલ્લાં ખેતરો કામમાં ન આવે, ઝાડવાળા ખેતરો જોઇએ. વરરાજાના ફાધર આમ પાછા સંયમી માણસ. આવા બધામાં નૉર્મલી પડે નહિ, પણ એમના પત્નીને પગે વા હોવાથી, બરફ ઉપર પૅન્ગ્વિન ચાલતું હોય, એમ એને જતી જોઇને હૃદયમાંથી આહ નીકળી ગઈ, 'वो देखो मुझसे रुठकर, मेरी जान जा रही है' એટલે, સાયકલની પાછળ દોરીવાળું કાગળીયું લટકતું લટકતું ઘસડાય, એમ કાકા ય વાઇફની વાંહે વાંહે ઉપડયા.

વરરાજો અત્યાર સુધી આખેઆખો કોરોધાકોડ રહ્યો હતો...હવે નહિ રહ્યો હોય, એટલે એણે એક હાથમાં નારીયેળ ને બીજા હાથમાં બૉતલ ઉપાડી, છત્રપતિ શિવાજી દૂરથી રાયગઢના કિલ્લા તરફ જોતા હોય, એમ દૂર મંઝિલ તરફ દ્રષ્ટિ કરી. અન્ય કરતા એને દૂરનો પ્રવાસ ખેડવો પડે એમ હતો.

ધાર્મિકોને ખબર હશે કે, ઘણી જ્ઞાતિઓમાં રિવાજ હોય છે કે, જાન ઘર સુધી પાછી ન આવે, ત્યાં સુધી હાથમાંનું નારીયેળ હેઠું ન મૂકાય. કોઇને પકડાઇ દેવાનો તો સવાલ જ નથી, પણ આને તો બસમાં સતત નારીયેળ પકડી રાખીને બેઠા રહેવાથી હાથમાં ખાલી ચઢી ગઇ તો ય, ધાર્મિક કારણોસર નારીયેળ બાજુની સીટ ઉપર મૂકીને જતું ન રહેવાય. અમથા ય આવી ગરમીમાં બંધ ગળાના જોધપુરી કોટ સાથે વરરાજો અકળાયો તો હતો અને આવા પ્રવાસે જવામાં જોધપુરી પહેરીને ન જવાય...બા ખીજાય, એટલે કાઢ્યો ને અકળામણને કારણે કોટનો ડૂચો કરીને સીટ ઉપર ઝીંક્યો. પણ બા જ ખીજાણા. ''અટાણે તો આ પે'રીને જ જીયાં જાવું હોય, તીયાં જાવાનું....વરરાજો છું કે કોણ છું ?...અને આમ જરા ઓરો આવ....આ માથે સાફો પે'રીને હું બેસવાની છું ? લે હાલ, ઇ ય પે'રી લે.''

ઇમરજન્સી એ કદની હતી કે, બા ની વાહિયાત દલિલો સામે જીભાજોડીમાં પડાય, એવો અત્યારે સમો નહતો. બાને કેવી રીતે સજાવવા કે, જે યજ્ઞો કરવા વરારાજો જઇ રહ્યો છે, તે પૂર્ણ કરતા આ જોધપુરો કે સાફો કે નારીયેળ કેવા વિઘ્નો ઊભા કરવાના છે! હા, તે બોલો 'જય જિનેન્દ્ર' કે આપણામાં તલવાર પકડવાની હોતી નથી.

રૅલ્વેના પ્લૅટફૉર્મ પર છાપાંનું બંડલ ઝીંકાય, એમ વરારાજો બસમાંથી ઠેક્યો. એ જે 'મિશન ઇમ્પૉસિબલ' ઉપર જતો હતો, તે બાજુ કહે છે કે, સમય બહુ કિંમતી હોય છે. 'નહિ નફો, નહિ નુકસાન'ના ધોરણે સીધી રાહ પકડી લેવાની હોય છે.
વરરાજાને જતો જોઇ અણવર (બૅસ્ટમૅન) હળવળ્યો.

'હે તને જાતા જોઇ પનઘટની વાટે...' અણવરનું મન પણ મોહી ગયું હશે, એટલે સાથ આપવો તો જન્મભર નહિ તો 'બસ'ભર આપવો, એમ વરરાજાને જાતા જોઇ, અણવરે પણ શરીરથી અકળાઇને તૂટક તૂટક શબ્દોમાં કહ્યું, ''ચલે જાના, જરા ઠહેરો, કિસી કા દમ નીકલતા હૈ...''

અલબત્ત, વિશ્વનો એક આ જ પ્રવાસ એવો છે કે, ગમે તેવી દોસ્તી હોય, આમાં સાથે ન જવાય. બન્ને પોતપોતાના વૃક્ષની તલાશમાં ખેતર ઢૂંઢવા નીકળી પડયા. બસની બારીના સળીયા પકડીને, દૂરસુદૂર નીકળી પડેલા પોતાના તાજા ગોરધનને જોઇને નવવધૂ શંકા-કુશંકાના ઘેરામાં હતી, 'जाना था हमसे दूर, बहाने बना लिये, अब हमसे कितनी दूर ठिकाने बना लिए…. हो ओ ओ ओ ओ .... એ બિચારીએ બારીના સળીયા ઉપર વાગે નહિ, એમ ૩-૪ વાર માથું પછાડયું ને પછી આસમાનમાં જોઇને મનમાં લલકાર્યું, ''अय चांद जहां वो जायें, तु भी साथ चले जाना, कैसे है कहां हैं वो, हर रात खबर लाना......'' કેમ જાણે પેલો જંગલમાં ચાતુર્માસ કરવા નીકળ્યો હોય...! કોઇ પંખો ચાલુ કરો....!

ખેતરોની લીલીછમ હરિયાળીમાં સહુ પોતપોતાના રંગે રંગાયેલા હતા. ખેતરોની છાતી ઉપરે ય ઠંડકો થઇ. ' 'मेरे देश की धरती सोना ऊगले, ऊगले हीरे-मोती, मेरे देश की धरती.... સહુએ પોતપોતાના યજ્ઞો પૂર્ણ કરી લીધા હતા. હાઇ-વે પર ડૂંગળીની ટ્રક લૂંટાઇ હોય ને ગ્રામ્યજનો લૂંટીને હસતા મોંઢે પાછા ફરતા હોય એમ, હરકોઇના ચેહરા ઉપર પ્રસન્નતા ભાવો હતા. કંઇક કરી બતાવ્યાનો એમને સંતોષ હતો. સાચો વીરપુરૂષ કદી પોતાની યશગાથાઓ ગાઇ સંભળાવતો નથી, એમ અહીં પણ બબ્બે-તત્તણ જણા એકબીજા સાથે, ''મોદીનું શું લાગે છે ?''થી માંડીને ''આપણા ઘરે સત્યનારાયણની કથા રાખીએ તો આ સાલી સની લિયોની આવે ખરી ?'' જેવા ધાર્મિક વિષયો ઉપર ગૂફ્તગૂ કરતા પાછા આવતા હતા.

સહુ કોઇ વાપસ ગુફા ભેગું થઇ ગયું, પણ વરરાજો પાછો ન આવ્યો. આપ તો જાણો છો, એનું કામ આ બધા કરતા વિરાટ હતું. પણ બસમાં કોઇનું ધ્યાન ન રહ્યું ને ડ્રાયવરે, ''સબ સલામત'' સમજીને બસ ઉપાડી દીધી. આ તરફ, વરરાજાએ ચેહરા ઉપર બડી શાતા સાથે યજ્ઞા પૂરો કર્યો અને સ્માઇલ સાથે ઊભો થયો. હવે રાહત હતી. જે વૃક્ષ નીચે એને જ્ઞાન લાધ્યું હતું, એ વૃક્ષની સામે એણે અમીભરી દ્રષ્ટિએ જોયું, એ ધરતીને નિરખી, પંખીઓનો કલશોર સાંભળ્યો ને આસમાન તરફ જોયું...એ જાણે કહેતું ન હોય, ''अपनी कहानी छोड जा, कुछ तो निशानी छोड जा, मौसम बीता जाय, मौसम बीता जाय....होओओओ'

પણ હવે નજર પડી તો હાઇ-વે પર પોતાની બસ ઊભેલી દેખાતી નહોતી. પેટમાં ફાળ પડી. તાત્કાલિક બીજીવાર જવું પડે, એવી ચૂંક આવી ગઇ. હાથમાં નારીયેળ સાથે વરરાજો જીવસટોસટે દોડયો. મૂંઝાઇ જાય માણસ આમાં તો...એટલે કોઇ સાંભળનારૂં નહોતું, છતાં બૂમો પાડતો દોડતો હતો, ''ઊભા રહો...ઊભા રહો...હું બાકી છું......''

હાઇ-વે ની ધાર પર પહોંચીને ધૂળો ઉડાડતી બસ એ જોતો રહ્યો, અમારી બસ બે-ત્રણ કી.મી. જ માંડ ગઇ હશે ને કોકનું ધ્યાન પડયું કે, 'कारवां गूझर गया, गुबार देखते रहे...વરરાજો તો રહી ગયો છે.

મને આજે ય એ દ્રષ્ય યાદ આવે છે તો, 'ફૂઉઉઉઉ...' કરીને હસી પડું છું કે, અમે બસ રીવર્સમાં દોડાવી ને બધા પાછલી બારીમાંથી, હાથમાં નારીયેળ પકડીને દોડતા આવતા વરરાજાને જોતા હતા.

સિક્સર

- સર-જી, બેકાર છું. ક્યાંક નોકરી અપાવો તો આભાર.
- આટલી લટકતી ફાંદ સાથે તો એક જ ડીપાર્ટમૅન્ટમાં નોકરી મળી શકે....પોલીસ ખાતામાં !

27/07/2014

ઍનકાઉન્ટર : 27-07-2014

* જો પુરૂષને તેનો પગાર અને સ્ત્રીને તેની ઉંમર ન પૂછાતી હોય, તો સ્ટુડૅન્ટ્સને તેમના પરસૅન્ટીજીસ (ટકા) પણ શું કામ પૂછવા જોઇએ?
- ન જ પૂછાય. આ ત્રણે ય તબક્કાઓમાં જ્યારે બધું છુપાવવાના દહાડા આવ્યા હોય, ત્યારે ન જ પૂછાય!
(રોહન ભાવસાર, સુરત)

* મોદી વડાપ્રધાન બને તો મણીશંકર ઐયરે રાજનીતિમાંથી સન્યાસ લઇ લેવાનું કહ્યું હતું... શું થયું?
- એકલા મણીભ'ઇ જ નહિ... એકે ય કોંગ્રેસીનું હવે નામ પણ ટીવીમાં આવે છે? વો દિન તો ગયે...!
(ભરત પ્રજાપતિ, આણંદ)

* 'ઍનકાઉન્ટર'માં વૅકેશન ખરું?
- વૅકેશન વિદ્યાર્થીઓ અને માસ્તરો માટે હોય... વૉચમૅન માટે નહિ!
(ઝરણા ગજેન્દ્ર પટેલ, અમદાવાદ)

* 'તારક મેહતા કા ઊલટા ચશ્મા', તો અશોક દવે કા...?
- જીવદયા નેત્રપ્રભા.
(સિધ્ધાર્થ છાયા, અમદાવાદ)

* દરેક સફળ પુરૂષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, તો નરેન્દ્ર મોદીની પાછળ?
- સોનિયા ગાંધીનો.
(સુદેશ માખેચા, અમદાવાદ)

* ઉમા ભારતીએ સોનિયા ગાંધીના ભણતરની ડિગ્રી વિશે સવાલ કર્યો છે. સ્મૃતિ ઈરાની માટે કેમ ચૂપ છે?
- આમાં તો આપણાથી ખુદ ઉમા ભારતીના ભણતર વિશે ય કાંઇ બોલાય એવું નથી... છ ચોપડી!
(શૈલેષ મોરલીધર, અમદાવાદ)

* મહિલા સશક્તિકરણને નામે પુરૂષનું અશક્તિકરણ થઇ રહ્યું છે... સુઉં કિયો છો?
- પુરૂષો માટે ચ્યવનપ્રાશ ઉપલબ્ધ છે.
(રાજ દોમડિયા, ધોરાજી)

* તમે અમેરિકાના કોઇ ન્યુસપૅપરમાં 'અનકાઉન્ટર' કૉલમ શરૂ કરો ખરા?
- 'ગુજરાત સમાચાર'ની સરખામણીમાં 'ન્યૂયૉર્ક ટાઇમ્સ' મને નાનું પડે!
(હર્ષવદન પુરોહિત, વણથલી)

* 'ઍનકાઉન્ટર'માં વહેલો નંબર લાવવા માટે શું કરવું જોઇએ?
- રાજકારણને લગતા સવાલો ન પૂછવા.
(દિવ્યા મેહતા, અમદાવાદ)

* અમેરિકા જઇને ગરમીથી બચવાનો તમે તો ઉપાય ગોઠવી લીધો... હવે વરસાદ નથી, તો શું કરશો?
- આ બે મહિના હું 'ઍનકાઉન્ટર' ચેરાપુંજી જઇને લખવાનો છું.
(નૂતન ભટ્ટ, સુરત)

* હવે તો ઍમ્બેસેડર પણ બંધ થઇ ગઇ... અડવાણીનું ક્યારે?
- ભ'ઇ બહુ ઊંચે ઊડવા માંગતા હતા... ને બહુ હાસ્યાસ્પદ હાલતમાં આવી ગયા.
(કલ્પેશ પટેલ, વાપી)

* 'પાવલી લઇને પાવાગઢ ગઇ'તી...' આટલી મોંઘવારીમાં બેનને પાવલી પરવડે, એ વાત મોટી નથી?
- અહીં 'પાવલી' એના ગોરધન માટે કહેવાયું છે.
(યશોધન દવે, મોરબી)

* આમ તો, અમેરિકાવાળા ગુજરાતીઓને વિસા આપતા નથી... તમને કેવી રીતે મળી ગયા?
- એ લોકોને મારી મૂછો બહુ ગમી ગઇ'તી.
(શિવાંગ/હાર્દી દવે, મોરબી)

* તમને ઈન્ટરનૅટ આવડે છે, એ બતાવવા પોસ્ટકાર્ડને બદલે ઈ-મેઈલ શરૂ કર્યા?
- આપણા બે યનું સરખું છે... તમારે નામની આગળ 'ડૉકટર' લખવું પડે છે.
(ડૉ. કે.કે. દેસાઇ,સુરત)

* પત્ની ઉનાળામાં પિયર જાય તો ઉનાળો ય ઠંડો લાગે... સુઉં કિયો છો?
- હા, પણ પાછી આવે ત્યારે ચોમાસું ય 'બારમા-તેરમા' જેવું લાગે.
(અલ્પેશ ત્રિવેદી, અમદાવાદ)

* તમે બીજાના ઍનકાઉન્ટરો કરો છો. કોક 'દિ તમારૂં ય થઇ જશે તો?
- બજારમાં ધોળા હાડલા મળે જ છે!
(દિવ્યેશ વાંઝા, નડિયાદ)

* શું બધા બ્રાહ્મણો ઈન્ટેલિજન્ટ હોય છે?
- હા. કેટલાક ભણીગણીને ઈન્ટેલિજન્ટ બને છે... કેટલાક જન્મથી જ સ્માર્ટ હોય છે. બોલો, જય મહાદેવ.
(ધનરાજ પરગરા, અમદાવાદ)

* મહાન સમ્રાટ અશોકે શિલાલેખો લખાવ્યા ને તમે હાસ્યલેખકો લખો છો. શું ફરક?
- મેં પણ 'શીલા' લેખો લખ્યા છે.... એ જમાનામાં શીલાડી બહુ ગમતી!
(મહાવીર રામાનૂજ, જોરાવરનગર)

* દવે સાહેબ, તમે આમ જોવામાં તો સ્માર્ટ લાગો છો...
- સીધેસીધું કહી દો ને કે, હું હાસ્યલેખકો જેવો નથી લાગતો!
(ડૉ. અશ્વિન કાકડીયા, સુરત)

* શું પ્રેમ કરવો ગૂન્હો છે?
- એનો બાપ અને ભાઇ પહેલવાનો ન હોય તો કોઇ ગૂન્હો નથી.
(અલ્પેશ ધડૂક, સુરત)

* અમેરિકાના ન્યુજર્સીની ઈન્ડિયન સ્ટ્રીટ્સમાં તમને અમદાવાદના માણેક ચૉક જેવું લાગ્યું હશે...
- હા. ત્યાં તો ઈંગ્લિશ ગાળો ય ગુજરાતીમાં બોલતા'તા, બોલો!
(નીરવ શાહ, ન્યુજર્સી-અમેરિકા)

* ગુજરાતીઓ આજકાલ આનંદમાં કેમ દેખાય છે?
- એનો તો આખા દેશને પ્રોબ્લેમ છે.
(વિક્રમ પંચોલી, રાજકોટ)

* માતા દેવીસ્વરૂપ, વહુ લક્ષ્મીસ્વરૂપ, સ્ત્રી શક્તિસ્વરૂપ... તો પિતા, પુત્ર કે પતિ?
- ધૂળજીસ્વરૂપ.
(જાગૃતિ ત્રિવેદી, ભાવનગર)

* જો ડિમ્પલને વિસા મળે, તો તમે સાથે આવશો?
- હા, પણ આ બાજુ મારી વાઇફ અને પેલી બાજુ અક્ષય કુમાર સાથે આવે તો અમેરિકન મીડિયાને મારે જવાબ શું આપવો?
(કૃષ્ણકાંત એચ. દેસાઇ, હેમડેન-યુએસએ)

* તમારી સાથે પ્રેમમાં પડવા શું કરવું જોઇએ?
- બસ... મારી વાઇફની મંજૂરી લઇ લેવાની.
(શિલ્પા જૂ. પટેલ, સુરત)

25/07/2014

હનીમૂન ('૭૩)

ફિલ્મ : હનીમૂન ('૭૩)
નિર્માતા : રાજશ્રી પ્રોડકશન્સ
દિગ્દર્શક : હિરેન નાગ
સંગીત : ઉષા ખન્ના
ગીતકાર : યોગેશ
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ,૧૩૫ મિનિટ્સ
થીયેટર : એલ.એન. (અમદાવાદ)



કલાકારો : લીના ચંદાવરકર, અનિલ ધવન, નાઝિમા, સુરેશ ચટવાલ, ઉત્પલ દત્ત, શ્યામા, લીલા મીશ્રા, આગા, સુંદર, મુકરી, સુલોચના (સીનિયર), પરવિન પોલ, શમ્મી, પૂર્ણિમા, ઉમા ધવન, મધુપ શર્મા, તરૂણ ઘોષ, શૈલ ચતુર્વેદી, પરદેસી અને શ્રીરામ શાસ્ત્રી.

ગીતો

૧. જીવન હૈ એક સપના, મધુર સુહાના સપના - આશા-કિશોર
૨. મેરે પ્યાસે મન કી બહાર, કબ સે થા તુમ્હારા - આશા-કિશોર
૩. દિન હૈ યેબહાર કે, ફૂલ ચૂન લે પ્યાર કે - મુહમ્મદ રફી
૪. દો દિલ મિલે, ગુલો ગુન્ચે ખીલે, મેરે યાર - આશા-કિશોર

હીરો અનિલ ધવન હોય ને હીરોઇન લીના ચંદાવરકર હોય... બાકીની પાર્ટીમાં ય કોઈ ઢંગધડા ન હોય, છતાં આવી ફિલ્મ વિશે લખવાનું મન થાય તો એક માત્ર એ ફિલ્મના બૅનર માટે. રાજશ્રી પ્રોડકશન્સની તો તમામ ફિલ્મો આલા હતી. એ લોકોની ખૂબી બે પ્રકારની રહી છે. એક તો, છાપેલા કાટલા જેવા સ્થાપિત હીરો-હીરોઇન કદી નહિ લેવાના ને બીજું, સંગીતમાં પણ જામી પડેલા જમાઈ રાજોને તો કદી નહિ. એમની ફિલ્મોમાં સંગીત આપ્યા પછી એ લોકો જામે એ બને, જેમ કે લક્ષ્મીકાંત-પ્યારેલાલ (ફિલ્મ દોસ્તી) કે રવિન્દ્ર જૈન. પણ મોટી મહત્ત્વની વાત એમની વિષય પસંદગીમાં હતી અને તે એક જ રહેતી, સામાજીક ફિલ્મો જ બનાવવાની. નોર્મલી, તો સ્ટારકાસ્ટ કે મશહૂર સંગીતકારો વિનાની હિંદી ફિલ્મો ચાલે નહિ, પણ રાજશ્રીવાળાની ફિલ્મોની યાદી જૂઓ :

આરતી, દોસ્તી, તકદીર, જીવનમૃત્યુ, ઉપહાર, પિયા કા ઘર, સૌદાગર, ગીત ગાતા ચલ, તપસ્યા, ચિત્તચોર, દૂલ્હન વો હી, જો પિયા મન ભાયે, અખીયોં કે ઝરોખોં સે, સુનયના, મૈને પ્યાર કિયા, હમ આપકે હૈ કોન, હમ સાથ સાથ હૈ... આ બધાની વચમાં નહિ નહિ તો ય બીજી ૧૦-૧૫ ફિલ્મો ઉતારી પણ બધી ફલોપ ગઇ પણ રાજશ્રીએ સામાજીક ફિલ્મોનો ઢાંચો ન છોડયો. યસ. રાજશ્રીની આ યાત્રામાં ક્રેડિટ એમને આપવી પડે, એવા અનેક સફળ (અને નિષ્ફળ પણ) હીરો-હીરોઇનો કે સંગીતકારોનું લિસ્ટ લાંબુ છે.

ખુદ આ જ ફિલ્મ 'હનીમૂન'માં એ વખતે પણ સાવ ભૂલાઈ ગયેલી સંગીતકાર ઉષા ખન્નાને રાજશ્રીએ ચાન્સ આપ્યો અને ઉષા ખન્નાએ તરત સાબિત કરી આપ્યું કે, લોકો એને અમથે અમથી ભૂલી નથી ગયા. આવો ચાન્સ મળવા છતાં ઉષાબેને કાંઈ શકોરૂં ય ન ભાંગ્યું.

અને બાકી વાત ફિલ્મની કરવાની હોય તો, ફિલ્મ એના પ્રારંભથી મોટી આશાઓ જગવે અને છેવટે આ મોટું ભોપાળું ! વિષય કેવો સુંદર હતો કે, નવપરિણિત યુગલ (અનિલ ધવન અને લીના ચંદાવરકર) હનીમૂન માટે ઉત્તર પ્રદેશના હિલ સ્ટેશન રાનીખેત જાય છે. ત્યાં લીનાની ખાસ દોસ્ત નાઝિમા અચાનક મળી જાય છે. બન્નેના લગ્નો એક જ દિવસે થયા હતા, તેનું કારણ એ પણ હતું કે, બન્ને લગ્ન પહેલા અન્ય યુવકોના પ્રેમમાં હતા, પણ પુરૂષો બદમાશ હોય છે, એવી બેહૂદી ધારણાથી બન્ને સખીઓ પોતાની પ્રેમીઓને છોડી દે છે. રાનીખેત ગયા પછી બન્નેને ખબર પડે છે કે, એમના જૂના પ્રેમીઓ એમનો પીછો કરતા કરતા અહીં આવી પહોંચ્યા હોય છે. હકીકતમાં આ વાર્તામાં ક્રોસ-એન્ટ્રી થઇ છે. લીનાનો જૂનો પ્રેમી સુરેશ ચટવાલ અને નાઝિમાનો જૂનો પ્રેમી અનિલ ધવન બન્નેને પણ આ ક્રોસ-એન્ટ્રીની ખબર ન હોવાથી, પોતાનો ભાંડો ફૂટી જશે, એ બીકમાં બન્ને હીરાઓ આ સખીઓને ફોન પર બ્લેક-મેઇલ કરે છે, જેનાથી બચવા પોતાના શહેરના ફાલતુ વકીલ ઉત્પલ દત્ત અને તેની પત્ની શ્યામા, જે રાનીખેત આવ્યા છે, તેમની આ ચારે ય જણાઓ એકબીજાથી છૂપાવીને કાયદાકીય સલાહ લે છે, પણ વકીલ પત્ની શ્યામાની સલાહથી હનીમૂન એટલે કે, ફિલ્મનો અંત, નાટકીય ઢબે હર્ષોલ્લાસનો આવે છે.

ફિલ્મ '૭૦ના દશકની છે. જૂની ફિલ્મોની આ જ તો લિજ્જત છે કે, આપણા ભરચક જમાનાની ફિલ્મો જોવાથી ઘણું બધું યાદ આવે. આજે કોઈ બેલબોટમ પેન્ટ યાદ પણ કરતું નથી. ઇસ્ટ આફ્રિકાના કિટેન્ગે શર્ટ્સ તો બહુ ચાલ્યા હતા. કાન પાસે લાંબા સાઇડ-બર્ન્સ (કે સાઈડ લોક્સ કે આપણી ભાષામાં થોભીયા રાખવાનો)નો એ જમાનો હતો. ગોગલ્સ પહેરીને બહાર નીકળ્યા, એટલે શું ય જાણે વટ પડતો હશે, એમ માનીને ગબલાંઓ ગોગલ્સ કાઢે નહિ, કોઈ પણ અપવાદ વગર હીરોઇનો માથે સ્વિચ કે નકલી વાળનાઆ મોટા અંબોડા પહેરે. કાનપાસે બનાવટી લટો રાખે. પહાડ કે અન્ય આઉટડોર શૂટિંગ વખતે વાળ ફરફરફર ઊડે નહિ, માટે હીરો પણ વાળમાં હેર-સ્પ્રે લગાવે, એનું જોઇને આપણી પોળના જયેશ, રમેશ અને રાજેશે ય ઉપડયા હોય, એમાં જુઓ નજારો... સરખું આવડે નહિ, એમાં માથે ગુંદરના લોંદા ચોંટયા હોય એવું લાગે. એ વખતે હજી પેલી કેસેટો શોધાઈ નહોતી, એટલે ખભે ટ્રાન્સિસ્ટર રેડિયો લટકાવીને બહાર ફરવું, સ્ટેટસ ગણાતું. આ ફિલ્મમાં ય અનિલ ધવન હનીમૂન ઉપર ખભે લીનાને બદલે ટ્રાન્સિસ્ટર લટકાવીને રાનીખેત જાય છે. બહુ ઓછાને ખબર હશે કે, લીના ચંદાવરકર જ નહિ, ઇવન હેમા માલિનીએ આખી જીંદગી માથે વિગ પહેરીને ફિલ્મો કરી છે. એમના પોતાના વાળ જુઓ તો તમે એમને હીરોઇન માનો પણ નહિ. ફિલ્મની હીરોઇન લીના ચંદાવરકર કર્ણાટકના ધારવાડમાં એક આર્મી ઓફિસરને ત્યાં ૨૯મી ઓગસ્ટ, ૧૯૫૦ના રોજ જન્મી હતી. એ તો બધાને ખબર છે કે, ગોવાના માજી મુખ્યમંત્રી શશીકલા બાંદોડકરના ભાઈ સિધ્ધાર્થ સાથે લીનાના પહેલા લગ્ન થયા, એના થોડા જ વખતમાં, અજાણતામાં બંદૂકની ગોળી છૂટી જવાની સિધ્ધાર્થનું મૃત્યુ થયું હતું. લીનાએ તે પછી કિશોર કુમાર સાથે પરણવું હતું, પણ કિશોર અગાઉ ત્રણ વખત પરણી ચૂક્યો હોવાથી લીનાના પરિવારે સાફ ના પાડી દીધી, પણ લીના મક્કમ રહેવાથી એ લગ્ન થયા અને લીના બીજી વખત વિધવા બની. હાલમાં લીના કિશોરના અને પોતાના બન્ને પુત્રો સાથે જુહુમાં રહે છે. ફિલ્મ 'ચેતના'થી મશહૂર થયેલો અનિલ ધવન મુંબઇના 'નિભાના એપાર્ટમેન્ટ'માં આજે પણ વર્ષોથી રહે છે. આ જ બિલ્ડિંગમાં અગાઉ એના પડોશીઓ હતા, રેખા, વિનોદ મહેરા, પ્રેમ ચોપરા અને નવિન નિશ્ચલ, જે અનિલનો અચ્છો દોસ્ત હતો. નવિન અને તેની વાઇફ નીલિમા વચ્ચે વર્ષોથી જૂના ઝગડા ચાલતા હતા ને અનિલ અને તેની પત્નીએ બન્નેને છોડાવવા અનેક વખત જતા હતા. પછી તો પડોશીના ઘેર રોજ સવારે ચા-પાણી પીવા જાઓ, એમ અનિલ ઝગડા છોડાવવા જતો, કોઈ ફાયદો ન થયો અને નવિન-નીલિમા છૂટા પડી ગયા. નવિન ગુજરી ગયો અને નિલિમા ક્રિશ્ચિયન થઇ ગઇ. અનિલ એટલે ગોવિંદાને લઇને અનેક કોમેડી ફિલ્મો બનાવનાર નિર્માતા-દિગ્દર્શક ડેવિડ ધવનનો ભાઈ. આજનો એકટર વરૂણ ધવન ડેવિડનો દીકરો થાય. એમ કહેવાય છે કે, નવિને તો સમાધાનની તમામ બારીઓ ખુલ્લી રાખી હતી, પણ નીલિમા સ્વભાવની તોખાર હતી.

અનિલ ધવન એક એકટર તરીકે ભા.ભૂ., પ્રદીપ કુમાર, મનોજ કુમાર કે એ લેવલના તમામ હીરોથી કોઈ ચઢે એવો નહતો. બહુ નબળો એકટર, પણ એક વાતનો યશ આપવો પડે કે, એનો જમાનો એ હદનો ચાલતો હતો કે, અમિતાભ બચ્ચન અનિલ ધવન સાથે સેકન્ડ લીડમાં કામ કરતો ને ફિલ્મનો મૂળ હીરો અનિલ હોય. એ કરોડપતિ તરીકે ઇમ્પ્રેશન પાડી ન શકે, એ દ્રષ્ટિએ અમોલ પાલેકર પહેલા ભારતના મધ્યમવર્ગના માણસનું પ્રતિનિધિત્વ અનિલ કરતો હતો. અમોલની માફક ફાઇટિંગ-બાઈટિંગમાં ય એ ન ચાલે, એટલે એકશન ફિલ્મો શરૂ થઈ, એમાં અનિલ પણ ઘરભેગો થઇ ગયો. પૂણેની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટયૂટમાં અનિલ ધવન, શત્રુઘ્ન સિન્હા અને જયા ભાદુરી એક જ ક્લાસમાં હતા, ત્યારથી ત્રણેની દોસ્તી કાયમી થઇ ગઈ. મુંબઇમાં મારા ભાઈ હિમાંશુરોય દવે સાથે એલિફન્ટાની ગુફાઓ જોવા ગેટ વે ઓફ ઇન્ડિયાથી બોટમાં બેઠો, ત્યારે આનંદ સાથે ચોંકી જવાયું કે, એ જ બોટમાં વિલન મદનપુરી અને કોઈ નવી એક્ટ્રેસ 'રશ્મિ' છે. યોગાનુયોગ, આ એક માત્ર ફિલ્મ રશ્મિએ આખી લાઈફમાં કરી હતી. રશ્મિ અનિલ ધવનની વાઈફ છે. ઉત્પલ દત્ત-જેને આપણે ચાહીએ છીએ, એ સ્તરે હજી સુધી પહોંચ્યા નહોતા, એટલે આ ફિલ્મના ટાઈટલ્સમાં પણ એમનું નામ જુનિયર આર્ટિસ્ટો સાથે મૂકવામાં આવ્યુંછે. રોલ પણ અત્યંત ફાલતુ છે.ફિલ્મમાં રોલની દ્રષ્ટિએ શ્યામાને સારૂં કામ મળ્યું છે કે, ફિલ્મનો અંત તેના ઉપાયથી આવે છે.

શ્યામાનું સાચું નામ ખુર્શિદ અખ્તર છે. આજે ૭૯ વર્ષની થયેલી શ્યામાનો એક જમાનો હતો. એ હીરોઇન પણ બની અને વેમ્પ પણ, દેવ આનંદની ફિલ્મ સંસ્થા 'નવકેતન'ના કાયમી સીનેમેટોગ્રાફર સ્વ.ફલી મિસ્ત્રીની એ પત્નીથાય. એમને ત્રણ પુત્રો થયા, પણ પોતાનું ચરીત્ર જાળવવામાં શ્યામાને આ જાલીમ જમાનાનો કોઈ સાથ ન મળ્યો, એમાં પુત્રો સાથે અનેક તકરારો થતી. વચમાં તો એવા સમાચાર હતા કે, પુત્રોએ શ્યામાને કાઢી મૂકી હોવાથી મુંબઇમાં આજે એ એકાકી જીવન જીવે છે. 'ખંડહર બતા રહા હૈ, ઇમારત બુલંદ થી...' જેવો હાલ શ્યામાનો છે. નહિ તો ગુરૂદત્તની ફિલ્મ 'આરપાર', 'બરસાત કી રાત', 'તરાના', 'સાવન ભાંદો', 'દિલ દિયા દર્દ લિયા,' 'મિલન' અને રાજ કપૂરવાળી 'શારદા'માં તો એને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો 'ફિલ્મફેર એવોર્ડ' પણ મળ્યોહતો.બધાને યાદ કે ખબર ન હોય, પણ શ્યામાની એક ફિલ્મ 'દો બહેને'માં એણે ડબલ રોલ કર્યો હતો ને લતા મંગેશકરનુંઅદ્ભૂત ગીત, 'સૈંયા પ્યારા હૈ અપના મિલન...' શ્યામા ઉપર ફિલ્માયું હતું. હિંદી ફિલ્મોની પર્મેનેન્ટ 'બહેન' નાઝિમા બહેન બની બનીને જ હોલવાઈ ગઈ. નહિ તો ભલે બહેન તો બહેન, પણ એ રોલમાં એની મોનોપોલી થઇ ગઇ હતી.

રાજેન્દ્ર કુમાર-સાધનાની ફિલ્મ 'આરઝૂ'માં દર્શકોને એ ગમી હતી. 'અયકાશ કિસી દીવાને કો, હમ સે ભી મુહબ્બત હો જાયે' એ ફિલ્મ 'આયે દિન બહાર કૈ'નું ગીત પરદા પર નાઝિમાએ ગાયું હતું. ચેહરો તો બેશક સુંદર હતો, પણ બાકીનું શરીર ટૂંકુ આવ્યું, એમાં બહેન માર ખાઈ ગયા. છોકરીઓને એના લાંબા વાળને કારણે ગમતી. એક્ચ્યૂઅલી, ફિલ્મોમાં એ બાળકલાકાર તરીકે આવી હતી, ફિલ્મ 'પતિતા'માં. એ પછી 'બિરાજ બહુ', 'દેવદાસ' અને રાજ કપૂરના 'અબ દિલ્લી દૂર નહિ'ના ટાઈટલ્સમાં એનું નામ 'બેબી ચાંદ' તરીકે હતું. આ જ ફિલ્મમાં અમજદ ખાને બાળ તો નહિ, પણ કિશોર કલાકારનો રોલ પહેલી વાર કર્યો હતો. વાર્તામાં થોડી મહેનત વધુ કરી હોત, તો ફિલ્મ ઉત્તમ બની શકી હોત...પણ ન બની.

(સીડી સૌજન્ય : પ્રદીપ નાયક-સૂરત)

23/07/2014

ચમત્કારો આજે પણ બને છે

સંતો કહે છે, 'આપણે અહીંના કર્યા અહીં જ ભોગવવા પડે છે. ઉપર સ્વર્ગ-નર્ક જેવું કાંઈ હોતું નથી.' (આ મહાન સંતશ્રી એટલે ''સંતશ્રી અશોકજી દવેજી'' સમજવાનું. (સમજ પૂરી)
ગયા સપ્તાહે મેં કોઈ પાપો તો કર્યા હશે ને... કે બાથરૂમમાંથી મારી સાસુ જીવતી બહાર આવી ગઈ. 

આપણને ખુન્નસો તો એવા ચઢે કે, નવું મકાન લઈએ એમાં બાથરૂમો જ નહિ રખાવવાના... સીધો કાટમાળનો એક વિભાગ હોય, જેમાંથી એ લોકો લાશો બહાર કાઢતા હોય છે. બાથરૂમો રખાઈએ, તો પેલી મહીં ઘુસે ને ? કાટમાળમાં ઘુસે તો આપણને બેનીફિટ ઓફ ડાઉટ પણ મળે કે, જમાઈ બિચારાને શું ખબર હોય... એની સાસુ કાટમાળ વચ્ચેથી જ નીકળી હતી, બોલો !

હું દાઢી કરતો હતો (પોતાની), ત્યારે વાઈફે કીધું, ''કવ છું. આ મમ્મી આઇવા છે, તો હાલો ને એમને ક્લબમાં લિ જાઇએ. મોમને સ્વિમિંગનો બવ સોખ છે ને તીયાં શરશ મજાનો સ્વિમિંગ-પૂલ પણ છે.''

''હા, પણ બાથરૂમવાળો આઇડિયો ફેઈલ ગયો. તારી માં તો સ્વિમિંગ પૂલમાંથી ય હેમખેમ બહાર નીકળી જાય એવી છે... બે આંખની જરી શરમે ય નહિ !''

''હવે ગાન્ડા કાઢો મા... ! આ રવિવારે ક્લબ જાસું... ઓકે ?''

ઘણા ઘેલહાગરા જમાઇઓ જોયા છે, કે સાસુ નદીમાં ડૂબતી હોય તો પોતાનું શર્ટ ફંગોળીને, ''હે ય... બધા આઘા જાઓ...'' કહીને નદીમાં છલાંગ મારશે. સાસુને બચાવી લેશે. મારવાડી શાકનો થેલો લઈને દાદરા ચઢતો હોય, એમ આવડો આ સાસુને ખભે લટકાવીને નદીનો ઢાળ ચઢે. આવા ઉત્સાહો લાશ બહાર કાઢવામાં વપરાય... જીવતી સાસુમાં વેડફી ન નંખાય... સુઉં કિયો છો ?

વિશ્વના તમામ જમાઇઓ રાજા વિક્રમ જેવા હોય છે ને તમામ સાસુઓ વેતાળ જેવી હોય છે. કામ પતી ગયા પછી કાચી સેકન્ડમાં ઝાડ ઉપર લટકી જાય... જીવતી ! પાછી એને ઉતારવાની આપણે જ હોય. નદી હોય કે બાથરૂમ, સાસુ માટે એક વાર ''ડૂબ્યા-પીસ-ડૂબ્યા''ના ધોરણે 'ચલો, કરો કંકુના...' કરી નાંખવાના હોય ! આદર્શ જમાઇઓ આપણા કેસો ય બગાડે. એ બચાવી લાવે, એટલે ડુબતા પહેલા વાઇફ આપણને હોમવર્ક આપી દે, ''જો મમ્મીને સ્વિમિંગ-પૂલમાં કાંઈ થીયું છે, તો મારા જેવી કોઈ ભૂંડી નહિ... !'' આવા જમાઈઓએ કેમ જાણે સાસુઓ જોઈ જ ના હોય, એવા આજ્ઞાંકીત રહે છે. સાલી જે નદી આપણાવાળી સાસુને હેમખેમ બહાર કાઢે, એ નદી પવિત્ર શેની કહેવાય ? એની પૂજાઓ શેની કરવાની હોય ? આ તો એક વાત થાય છે !

યાદ હોય તો હિંદી ફિલ્મોમાં પર્વતોની ધાર ઉપર લટકતી હીરોઈનને હીરો બચાવી લાવતો હોય છે. સાલી એકે ય ફિલ્મમાં સાસુને લટકતી જોઈ ? અને ગૉડ પ્રોમિસ... મારાવાળી આવો એક ચાન્સ આપે તો તેલવાળા હાથ કરીને બચાવવા જઉં... જાણું છું કે, તેલના ભાવો ટીંચર જેવા છે, પણ આવી કોઈ તક મળતી હોય, તો પછી હું પૈસા સામે જોતો નથી.

આખું ભોંયરૂં (સેલર) રેનોવેટ થતું હોય, એ અદાથી મારી સાસુ મેઇક-અપ કરવા અરીસાની સામે બેસી જાય છે... યસ, રોજ ! સાલું, સ્વિમિંગ-પૂલોમાં જવા માટે મેઇક-અપો શેના હોય ? પૂરો મેઈક-અપ થઈ ગયા પછી, સ્માઈલ સાથે, અમેરિકન-ડાયમન્ડની વીંટીવાળો હાથ કાનને અડાડીને ગુનગુનાવતી હોય, ''પ્રેમનગર મેં બનાઉંગી ઘર મૈં, તજ કે સબ સંસાર... હોઓઓઓ !'' તારી ભલી થાય ચમની... લોકોને ભાડાના મકાન મળતા નથી ને તારે આ ઉમરે ડોહાને પડતા મૂકીને પ્રેમનગરમાં ઘરો બાંધવા છે ? જો કે, આમ જતી હોય તો ખોટું શું, એમ સમજીને મારો સસુરજી ય બોલે એવો નહતો... ક્યાંક નવા મકાનના પેપર્સ ક્લિયર ન નીકળ્યા ને પેલી વિચાર બદલે તો ? આમાં બહુ ચાન્સો લેવાય જ નહિ. સસરો સ્માર્ટ હતો... એના જમાઈ જેવો લાચાર, બેબસ, મજબુર... ને નિસહાય ન હતો. (આ ચારે ય શબ્દોનો અર્થ એક જ થાય, એની મને ય ખબર છે, પણ આ તો... જરા બોલવામાં વજન પડે ને !)

ક્લબમાં આ લોકોને દસેક ફૂટ પાછળ રાખીને હું આગળ ચાલતો હતો. સાથે ચાલીએ તો સમાજ સમજે કે, આ ભ'ઈ કોઈ અપંગ શાળાના માસ્તર-બાસ્તર હશે ને અપંગોને ક્લબ-બ્લબ બતાવવા આયા લાગે છે ! પણ વાઇફનો ઉત્સાહ મ્હાતો નહતો.

''મોમ... તને ખૂબ મજા આવશે. ધિયાન રાખજે, બસ. આ લે, અટાણથી જ ચાર-પાંચ ગ્લાશ પાણી પી જા... સ્વિમિંગ-પૂલમાં પઈડાં પછી તું પાણી બવ પી જાય છે... !''

ક્લબના મહિલા સ્ટાફવાળા કહેતા હતા કે, તમારી સાસુ તો શોવર લે છે કે સન્યાસ લે છે, એ સમજ પડતી નથી. માથે ટુવાલ બાંધ્યા પછી ફૂવારા નીચે નહાવા માંડયા. અમે પૂછ્યું તો કહે, 'પડોસન'માં સાયરા બાનુ ય આવો જ ટુવાલ વીંટાળીને 'ભાઈ બત્તુર... ભાઈ બત્તુર.' ગાય છે. સાહેબ, એ તો શોવર-રૂમને સ્વિમિંગ-પૂલ સમજી બેઠા'તા... કહે કે, ''આંઈ ડાઈવ મારવાના બોર્ડું નથી ?'' સાહેબ, અમારે તો જગન્નાથજીનો રથ બહાર કાઢવાનો હોય, એમ આ બહેનને બહાર કાઢ્યા છે.

ડોસીની ઉંમર તો પિચ્ચોતેરની છે, પણ બન્ને સાથળો ઉપર રોટલીના કણેક ચોંટાડીને આવી હોય, એવી કરચલીઓ સાથે સ્વિમિંગ-કોસ્ચ્યૂમ પહેરીને શોવર લઈને બહાર આવી. હોજના પાણીથી ભીંજાયેલા ટાઈલ્સ ઉપર ચાલતી વખતે બરફ ઉપર કોઈ પેન્ગ્વિન પક્ષી ચાલતું હોય, એવો ભાસ ઊભો થતો હતો. તડકા સામે અરીસો ધરો ને ચારે બાજુ રીફલેકશન્સ પડે, એમ એના ભીના સાથળો ઉપરથી તડકો પરાવર્તીત થઈને ભીંતો ઉપર અથડાતો હતો, એ ઉપરથી એની ટોટલ સાઇઝનો તમને અણસારો આવતો હશે. સ્વિમિંગ માટે સજ્જ થઈને એ બહાર પડી. ગેરેજને તાળું માર્યું હોય, એવો માથે અંબોડો બાંધી, કાનમાં પાણી ન જાય, એવી માથે કેપ પહેરી હતી. આંખો ઉપર સ્વિમિંગના બ્લ્યુ-બ્લ્યુ ગોગલ્સ ચઢાવ્યા હતા.

તમારામાંથી જેણે ગયા બુધવારનો લેખ વાંચ્યો હશે એમાં મેં ચોખ્ખી વેદના વ્યક્ત કરી હતી કે, મારી સાસુને તો ઘરમાં ય બહાર કઢાય એવી નથી... કાઢી જવાની હોય, ત્યારની વાત જુદી છે ! આ બતાવે છે કે, ગયા અઠવાડીયે બોલેલું હું આ અઠવાડીયે ફરી જતો નથી.

હોજમાં અગાઉથી પડેલી સ્ત્રીઓ એટલું જ સમજી કે, આ તાકો પાણીમાં પડશે તો બધું પાણી ચૂસી લેશે ને આપણે ખાલી હોજમાં નીચેની લાદી ઉપર હાથ-પગ હલાવતા બાબા રામદેવવાળા યોગ કરતા હોઇશું.

માતાજી પાણીમાં પડયા. સર્વપ્રથમ દ્રષ્ય મુજબ તો, પાણીના ગ્લાસમાં કોથમીરનું નાનકડું પત્તું તરતું હોય, એમ સાસુ નહાતી હતી. આખા શરીર-સૌષ્ઠવ પૈકી કેવળ એનું મોંઢુ પાણીની બહાર ઊંચુ થયેલું દેખાતું હતું. સાથે મારી વાઇફ પણ હોવાથી એ બન્ને હોજમાં જે રસ્તેથી નીકળ્યા હોય, ત્યાંનો ટ્રાફિક ખાલી થઈ જતો હતો. શરીરે માં-દીકરી જગ્યા રોકે છે, એટલે હું જાણતો હતો કે, હોજમાં પાણી વધારે ભરાવવું પડે. છલકાઈને બન્ને પાણી ઉપર તો આવતા રહે ! આપણી જવાબદારી એકને જ બચાવવાની હોય ! ગામ આખાના કોન્ટ્રેક્ટ્સ ન રાખ્યા હોય.

સાસુજી આમ પાછા સ્વિમિંગ શીખેલા. કહે છે કે, સસુરજી આમને પકડીને સ્વિમિંગ શીખવતા હતા, એમાં આમનું વજન ન ઝીલાવાથી સસુરજી ઘટનાસ્થળે જ ખૂબ પાણી પી ગયેલા ને થોડી ક્ષણોમાં તો એમનું બોડી શ્વાસ લીધા વિના તરવા માંડેલું. એ પછી એમને શ્વાસ લેવાની જરૂર પડી નહોતી. પણ ફાયદો એ થયો કે, સાસુને તરતા આવડી ગયું. કહે છે ને કે, ભગવાન એક દુઃખની સામે બીજા હજાર સુખો આલી દે છે. આ તો એક વાત થાય છે.

''અસોક... મોમને ઉપરથી ડાઇવું મારવી છે. જાવા દઉં ?'' વાઇફ મને પૂછવા આવી. આમાં તો હું એક મિનિટે બગાડતો હોઈશ ? પણ હું ખોટું સમજ્યો હતો. સાસુજીને તો સ્વિમિંગ-પૂલમાં ડાઈવ મારવી હતી ને હું સમજ્યો કે, અમારા ફલેટની અગાશીએથી ડાઇવ મારવા માંગે છે.

આટલા ઊંચા ડાઈવિંગ-બોર્ડ ઉપર ચઢ્યા પછી ધ્યાન એ રાખવાનું હોય છે કે, પાણી બોર્ડની એક જ બાજુ હોય... પાછળની બાજુ નહિ. પાછળની બાજુ પડીએ તો કોરા ટાઈલ્સ ઉપર ભમ્મ થઈ જવાય. પછી નહાવાનું પોતાને નહિ... ઘરવાળાઓને આવે. હું એમ નહાવા તૈયાર હતો, પણ એ 'મારી' સાસુ હોવા છતાં અક્કલવાળી નીકળી. પાછળને બદલે આગળ હોજમાં જ પડી. લેન્ડિંગ તો કમનસીબે બરોબર થયું હતું પણ એ પાણી બહુ પી ગઈ. શ્વાસ પણ લઈ ન શકે, એમ સપાટી ઉપર આવીને ''ઉંહા... ઊંહા'' કરતી રહી. વાઇફ નજીકના જ કોઈ પ્રદેશમાં તરતી હતી. એણે ભારે ફફડાટ સાથે મને બૂમ મારી, ''એએએએએ... જોઈ સુઉં રિયા છો... ઊભા થાઓ ને પાણીમાં ઠેકડો મારીને મમ્મીને બચાવી લિયો... હડી કાઢો, બાપા.''

હાથમાં આવેલું સુખ પળવારમાં જતું રહ્યું.

હું પહોંચ્યો. ગભરાટ અને થાકને કારણે એ ઝાઝું બોલી શકે એમ નહોતી છતાં સિક્સર મારી. મને કહે, ''મને ડિમ્પલ કાપડીયા ધારી લિયો... બહુ આકરૂં નહિ લાગે.''

સિક્સર

સરકારને સૂચન : ચીરી નાંખે એવા ટેક્સ ધાર્મિક સંસ્થાઓ ઉપર લગાવો... રેલ્વેના ભાડાવધારાની ય જરૂર નહિ પડે. લોકો પોતાના ધર્મ માટે કરોડો ખર્ચે છે, દેશ માટે રૂપિયો ય નહિ !

20/07/2014

ઍનકાઉન્ટર : 20-07-2014

* તમારા મતે, દાંપત્યજીવન દરમ્યાન કેટલા સંતાનો હોવા જોઇએ?
- દાંપત્યજીવન દરમ્યાન તો.... બસ, બે જ!
(તુષાર જેઠવા, સાવરકુંડલા)

* મ.મો. ગયા ને ન.મો. આવ્યા... શું લાગે છે, હવે 'અચ્છે દિન આયેંગે?'
- એની ''અમો''ને ખબર નથી.
(મહેંક જોશી, જૂનાગઢ)

* મારે તમારી કાર ફૅમિલી સાથે ખરીદવી છે. કેટલામાં પડશે?
- હમ અમીર જરૂર હૈ.... બિકાઉ નહિ!
(ધારા જોશી, અમદાવાદ)

* વરસાદ ક્યારે આવશે?
- વરસાદ અને ધૂળજીનું કાંઇ નક્કી નહિ.
(ઉમેશ નાવડિયા, જલિલા-જી. અમદાવાદ)

* શું અમે 'વૉટ્સઍપ'માં સવાલ પૂછી શકીએ?
- 'વૉટ્સઍપ' એસ.ટી.ના કોઇ બસ સ્ટેન્ડની પૂછપરછની બારીનું નામ છે?
(રાજેન્દ્ર આચાર્ય, સુરેન્દ્રનગર)

* અમે સવાલ પૂછવા તમારા ઘરે આવીએ, તો તમે જવાબ દેવા અમારા ઘરે આવશો?
- અમે લૅડીઝ દરજીકામ નથી કરતા... કે માપ ઘરે આપી જાઓ ને માલ ઘરે આપવા આવીએ.
(રેખા ગઢીયા, રાજકોટ)

* વડનગર, વડોદરા, વારાણસી અને વડાપ્રધાન... હવે?
- વિચારવાનું.
(વિજયાબેન જોશી, અમદાવાદ)

* બરાક ઓબામા આજકાલ શું વિચારતા હશે?
- તમે તો બરાક ઓબામાને અમેરિકાના પ્રેસિડેન્ટ માની બેઠા છો!
(સંજય ગઢવી, પૂનાગામ)

* 'પરિવર્તન સંસારનો નિયમ છે'. તમારામાં આવેલા પરિવર્તન બદલ અભિનંદન.
- યુ મીન... મારાથી એવી કઇ ભૂલ થઇ ગઇ?
(રેણુ દેવનાણી, અમદાવાદ)

* હવે કૉંગ્રેસ અને 'આપ'નું શું થશે?
- અમદાવાદમાં ચાની એક લારીવાળાએ આ બન્ને નામો ''અડધી ચા''ના રાખ્યા છે... ''અલ્યા, બે અડધી કૉંગ્રેસ લાવજે ને..!''
(જીજ્ઞોશ રામાવત, ભાવનગર)

* હૂમાયુ અકબર કે બાપ કા ક્યા થા?
- તમારા હાથમાં 'ઝગમગ' પૂર્તિ આવી ગઇ લાગે છે!
(સ્મિત આચાર્ય, અમદાવાદ)

* તમારા ઘરે આવીને સવાલ પૂછવાની પ્રથા ક્યારે શરૂ કરશો?
- બસ, સવાલદીઠ કેટલા લેવા, એ નક્કી કરી લઇએ ત્યારે.
(હરેશ વોરા, જેતપુર)

* તમારો અને મારો આધાર કોણ?
- જયેશભાઇનો વાંક શું હતો?
(ભાવના જયેશ, ભાવનગર)

* ડર કોનો વધારે લાગે? તમારા પત્નીથી કે સાસુથી?
- જો ડર ગયા... સમજો મર ગયા...! હું તો મરી ગયેલો છું.
(અજય કોટડીયા, ગોંડલ)

* તમે ફૅસબૂક પર છો?
- જી ના. હું કોઇપણ બૂક પર નથી.
(ખુશી સોલંકી, અમદાવાદ)

* રાહુલ બાબાએ હવે લગ્ન કરીને કોઇ કામધંધે ચઢી જવું ન જોઇએ? સુઉં કિયો છો?
- હા, પણ એમને બીજા કોઇ કામધંધા હોય કે નહિ?
(સંજય ગોહેલ, જામ ખંભાળીયા)

* ચૂંટણીના પરિણામો જોઇને હવે ખાત્રી થઇ કે, તમારી આગાહી સો-ટકા સાચી પડી, સુઉં કિયો છો?
- આ વખતે તો નાનું છોકરૂં ય જાણતું હતું કે, શું થવાનું છે. હું તો મોટું છોકરૂં છું.
(કિરીટ ગોસાઇ, ખેરવા-મહેસાણા)

* 'મોદી વડાપ્રધાન બનશે, તો હું દેશ છોડી દઇશ', એવું ઘણા મોટા માથાઓએ કીધું હતું, શું થયું?
- દેશનું તો તમે સમજ્યા હતા... અમે તો દુનિયા સમજ્યા હતા...!
(ઘનશ્યામસિંહ સોલંકી, ગાંધીનગર)

* 'એનકાઉન્ટર' ચોથા ભાગના પાનામાં જ આવે છે. આખા પાનામાં કરી દો તો તમારો પગાર ચાર ગણો વધી જાય!
- જે મળે છે, એ ય બંધ થઇ જાય!
(મૂકેશ કે. શાહ, અમદાવાદ)

* 'બુધવારની બપોરે' વાંચીને ખડખડાટ હસતો'તો, એમાં પડોસીઓ કાંઇક જુદું સમજ્યા?
- હું લખતો હોઉં, ત્યારે ય પડોસીઓ એવું જ કંઇક સમજે છે.
(અશોક પટેલ, ચરાડા-ગાંધીનગર)

* અમેરિકાથી શું શીખીને આવ્યા?
- એ જ કે, દુનિયાના તમામ દેશોમાં ભારતથી ચઢે, એવો બીજો કોઇ દેશ નથી.
(રહેમાન બોગલ, ગોધરા)

* મહેશ ભટ્ટમાં બુધ્ધિ કેટલી બાકી હશે?
- સર્જક તરીકે ૧૦૦ ટકા... વ્યક્તિ તરીકે... સૉરી!
(મધુકર મેહતા, વિસનગર)

* ભગવદ-ગીતામાં 'સંભવામિ યુગે યુગે'નું વચન પૂરૂં થતું હોય એવું લાગે છે કે નહિ?
- બહુ દાયકાઓ રાહ જોઇને આપણે વખાણો કર્યા છે... હજી એ વખાણ સિધ્ધ કરવાનો સમય કૃષ્ણને આપો.
(ડૉ. રસિકલાલ સી. શાહ, અમદાવાદ)

* તમારી જન્મતારીખ તો ચાર વર્ષે આવે. શું તમારા પત્ની શુભેચ્છા આપવા ચાર-ચાર વર્ષ રાહ જુએ છે?
- ના. બાકીના ત્રણ વર્ષોમાં અન્યને પણ ચાન્સ મળે ને?
(મનિષ રામાવત, મીઠાપુર)