Search This Blog

23/07/2014

ચમત્કારો આજે પણ બને છે

સંતો કહે છે, 'આપણે અહીંના કર્યા અહીં જ ભોગવવા પડે છે. ઉપર સ્વર્ગ-નર્ક જેવું કાંઈ હોતું નથી.' (આ મહાન સંતશ્રી એટલે ''સંતશ્રી અશોકજી દવેજી'' સમજવાનું. (સમજ પૂરી)
ગયા સપ્તાહે મેં કોઈ પાપો તો કર્યા હશે ને... કે બાથરૂમમાંથી મારી સાસુ જીવતી બહાર આવી ગઈ. 

આપણને ખુન્નસો તો એવા ચઢે કે, નવું મકાન લઈએ એમાં બાથરૂમો જ નહિ રખાવવાના... સીધો કાટમાળનો એક વિભાગ હોય, જેમાંથી એ લોકો લાશો બહાર કાઢતા હોય છે. બાથરૂમો રખાઈએ, તો પેલી મહીં ઘુસે ને ? કાટમાળમાં ઘુસે તો આપણને બેનીફિટ ઓફ ડાઉટ પણ મળે કે, જમાઈ બિચારાને શું ખબર હોય... એની સાસુ કાટમાળ વચ્ચેથી જ નીકળી હતી, બોલો !

હું દાઢી કરતો હતો (પોતાની), ત્યારે વાઈફે કીધું, ''કવ છું. આ મમ્મી આઇવા છે, તો હાલો ને એમને ક્લબમાં લિ જાઇએ. મોમને સ્વિમિંગનો બવ સોખ છે ને તીયાં શરશ મજાનો સ્વિમિંગ-પૂલ પણ છે.''

''હા, પણ બાથરૂમવાળો આઇડિયો ફેઈલ ગયો. તારી માં તો સ્વિમિંગ પૂલમાંથી ય હેમખેમ બહાર નીકળી જાય એવી છે... બે આંખની જરી શરમે ય નહિ !''

''હવે ગાન્ડા કાઢો મા... ! આ રવિવારે ક્લબ જાસું... ઓકે ?''

ઘણા ઘેલહાગરા જમાઇઓ જોયા છે, કે સાસુ નદીમાં ડૂબતી હોય તો પોતાનું શર્ટ ફંગોળીને, ''હે ય... બધા આઘા જાઓ...'' કહીને નદીમાં છલાંગ મારશે. સાસુને બચાવી લેશે. મારવાડી શાકનો થેલો લઈને દાદરા ચઢતો હોય, એમ આવડો આ સાસુને ખભે લટકાવીને નદીનો ઢાળ ચઢે. આવા ઉત્સાહો લાશ બહાર કાઢવામાં વપરાય... જીવતી સાસુમાં વેડફી ન નંખાય... સુઉં કિયો છો ?

વિશ્વના તમામ જમાઇઓ રાજા વિક્રમ જેવા હોય છે ને તમામ સાસુઓ વેતાળ જેવી હોય છે. કામ પતી ગયા પછી કાચી સેકન્ડમાં ઝાડ ઉપર લટકી જાય... જીવતી ! પાછી એને ઉતારવાની આપણે જ હોય. નદી હોય કે બાથરૂમ, સાસુ માટે એક વાર ''ડૂબ્યા-પીસ-ડૂબ્યા''ના ધોરણે 'ચલો, કરો કંકુના...' કરી નાંખવાના હોય ! આદર્શ જમાઇઓ આપણા કેસો ય બગાડે. એ બચાવી લાવે, એટલે ડુબતા પહેલા વાઇફ આપણને હોમવર્ક આપી દે, ''જો મમ્મીને સ્વિમિંગ-પૂલમાં કાંઈ થીયું છે, તો મારા જેવી કોઈ ભૂંડી નહિ... !'' આવા જમાઈઓએ કેમ જાણે સાસુઓ જોઈ જ ના હોય, એવા આજ્ઞાંકીત રહે છે. સાલી જે નદી આપણાવાળી સાસુને હેમખેમ બહાર કાઢે, એ નદી પવિત્ર શેની કહેવાય ? એની પૂજાઓ શેની કરવાની હોય ? આ તો એક વાત થાય છે !

યાદ હોય તો હિંદી ફિલ્મોમાં પર્વતોની ધાર ઉપર લટકતી હીરોઈનને હીરો બચાવી લાવતો હોય છે. સાલી એકે ય ફિલ્મમાં સાસુને લટકતી જોઈ ? અને ગૉડ પ્રોમિસ... મારાવાળી આવો એક ચાન્સ આપે તો તેલવાળા હાથ કરીને બચાવવા જઉં... જાણું છું કે, તેલના ભાવો ટીંચર જેવા છે, પણ આવી કોઈ તક મળતી હોય, તો પછી હું પૈસા સામે જોતો નથી.

આખું ભોંયરૂં (સેલર) રેનોવેટ થતું હોય, એ અદાથી મારી સાસુ મેઇક-અપ કરવા અરીસાની સામે બેસી જાય છે... યસ, રોજ ! સાલું, સ્વિમિંગ-પૂલોમાં જવા માટે મેઇક-અપો શેના હોય ? પૂરો મેઈક-અપ થઈ ગયા પછી, સ્માઈલ સાથે, અમેરિકન-ડાયમન્ડની વીંટીવાળો હાથ કાનને અડાડીને ગુનગુનાવતી હોય, ''પ્રેમનગર મેં બનાઉંગી ઘર મૈં, તજ કે સબ સંસાર... હોઓઓઓ !'' તારી ભલી થાય ચમની... લોકોને ભાડાના મકાન મળતા નથી ને તારે આ ઉમરે ડોહાને પડતા મૂકીને પ્રેમનગરમાં ઘરો બાંધવા છે ? જો કે, આમ જતી હોય તો ખોટું શું, એમ સમજીને મારો સસુરજી ય બોલે એવો નહતો... ક્યાંક નવા મકાનના પેપર્સ ક્લિયર ન નીકળ્યા ને પેલી વિચાર બદલે તો ? આમાં બહુ ચાન્સો લેવાય જ નહિ. સસરો સ્માર્ટ હતો... એના જમાઈ જેવો લાચાર, બેબસ, મજબુર... ને નિસહાય ન હતો. (આ ચારે ય શબ્દોનો અર્થ એક જ થાય, એની મને ય ખબર છે, પણ આ તો... જરા બોલવામાં વજન પડે ને !)

ક્લબમાં આ લોકોને દસેક ફૂટ પાછળ રાખીને હું આગળ ચાલતો હતો. સાથે ચાલીએ તો સમાજ સમજે કે, આ ભ'ઈ કોઈ અપંગ શાળાના માસ્તર-બાસ્તર હશે ને અપંગોને ક્લબ-બ્લબ બતાવવા આયા લાગે છે ! પણ વાઇફનો ઉત્સાહ મ્હાતો નહતો.

''મોમ... તને ખૂબ મજા આવશે. ધિયાન રાખજે, બસ. આ લે, અટાણથી જ ચાર-પાંચ ગ્લાશ પાણી પી જા... સ્વિમિંગ-પૂલમાં પઈડાં પછી તું પાણી બવ પી જાય છે... !''

ક્લબના મહિલા સ્ટાફવાળા કહેતા હતા કે, તમારી સાસુ તો શોવર લે છે કે સન્યાસ લે છે, એ સમજ પડતી નથી. માથે ટુવાલ બાંધ્યા પછી ફૂવારા નીચે નહાવા માંડયા. અમે પૂછ્યું તો કહે, 'પડોસન'માં સાયરા બાનુ ય આવો જ ટુવાલ વીંટાળીને 'ભાઈ બત્તુર... ભાઈ બત્તુર.' ગાય છે. સાહેબ, એ તો શોવર-રૂમને સ્વિમિંગ-પૂલ સમજી બેઠા'તા... કહે કે, ''આંઈ ડાઈવ મારવાના બોર્ડું નથી ?'' સાહેબ, અમારે તો જગન્નાથજીનો રથ બહાર કાઢવાનો હોય, એમ આ બહેનને બહાર કાઢ્યા છે.

ડોસીની ઉંમર તો પિચ્ચોતેરની છે, પણ બન્ને સાથળો ઉપર રોટલીના કણેક ચોંટાડીને આવી હોય, એવી કરચલીઓ સાથે સ્વિમિંગ-કોસ્ચ્યૂમ પહેરીને શોવર લઈને બહાર આવી. હોજના પાણીથી ભીંજાયેલા ટાઈલ્સ ઉપર ચાલતી વખતે બરફ ઉપર કોઈ પેન્ગ્વિન પક્ષી ચાલતું હોય, એવો ભાસ ઊભો થતો હતો. તડકા સામે અરીસો ધરો ને ચારે બાજુ રીફલેકશન્સ પડે, એમ એના ભીના સાથળો ઉપરથી તડકો પરાવર્તીત થઈને ભીંતો ઉપર અથડાતો હતો, એ ઉપરથી એની ટોટલ સાઇઝનો તમને અણસારો આવતો હશે. સ્વિમિંગ માટે સજ્જ થઈને એ બહાર પડી. ગેરેજને તાળું માર્યું હોય, એવો માથે અંબોડો બાંધી, કાનમાં પાણી ન જાય, એવી માથે કેપ પહેરી હતી. આંખો ઉપર સ્વિમિંગના બ્લ્યુ-બ્લ્યુ ગોગલ્સ ચઢાવ્યા હતા.

તમારામાંથી જેણે ગયા બુધવારનો લેખ વાંચ્યો હશે એમાં મેં ચોખ્ખી વેદના વ્યક્ત કરી હતી કે, મારી સાસુને તો ઘરમાં ય બહાર કઢાય એવી નથી... કાઢી જવાની હોય, ત્યારની વાત જુદી છે ! આ બતાવે છે કે, ગયા અઠવાડીયે બોલેલું હું આ અઠવાડીયે ફરી જતો નથી.

હોજમાં અગાઉથી પડેલી સ્ત્રીઓ એટલું જ સમજી કે, આ તાકો પાણીમાં પડશે તો બધું પાણી ચૂસી લેશે ને આપણે ખાલી હોજમાં નીચેની લાદી ઉપર હાથ-પગ હલાવતા બાબા રામદેવવાળા યોગ કરતા હોઇશું.

માતાજી પાણીમાં પડયા. સર્વપ્રથમ દ્રષ્ય મુજબ તો, પાણીના ગ્લાસમાં કોથમીરનું નાનકડું પત્તું તરતું હોય, એમ સાસુ નહાતી હતી. આખા શરીર-સૌષ્ઠવ પૈકી કેવળ એનું મોંઢુ પાણીની બહાર ઊંચુ થયેલું દેખાતું હતું. સાથે મારી વાઇફ પણ હોવાથી એ બન્ને હોજમાં જે રસ્તેથી નીકળ્યા હોય, ત્યાંનો ટ્રાફિક ખાલી થઈ જતો હતો. શરીરે માં-દીકરી જગ્યા રોકે છે, એટલે હું જાણતો હતો કે, હોજમાં પાણી વધારે ભરાવવું પડે. છલકાઈને બન્ને પાણી ઉપર તો આવતા રહે ! આપણી જવાબદારી એકને જ બચાવવાની હોય ! ગામ આખાના કોન્ટ્રેક્ટ્સ ન રાખ્યા હોય.

સાસુજી આમ પાછા સ્વિમિંગ શીખેલા. કહે છે કે, સસુરજી આમને પકડીને સ્વિમિંગ શીખવતા હતા, એમાં આમનું વજન ન ઝીલાવાથી સસુરજી ઘટનાસ્થળે જ ખૂબ પાણી પી ગયેલા ને થોડી ક્ષણોમાં તો એમનું બોડી શ્વાસ લીધા વિના તરવા માંડેલું. એ પછી એમને શ્વાસ લેવાની જરૂર પડી નહોતી. પણ ફાયદો એ થયો કે, સાસુને તરતા આવડી ગયું. કહે છે ને કે, ભગવાન એક દુઃખની સામે બીજા હજાર સુખો આલી દે છે. આ તો એક વાત થાય છે.

''અસોક... મોમને ઉપરથી ડાઇવું મારવી છે. જાવા દઉં ?'' વાઇફ મને પૂછવા આવી. આમાં તો હું એક મિનિટે બગાડતો હોઈશ ? પણ હું ખોટું સમજ્યો હતો. સાસુજીને તો સ્વિમિંગ-પૂલમાં ડાઈવ મારવી હતી ને હું સમજ્યો કે, અમારા ફલેટની અગાશીએથી ડાઇવ મારવા માંગે છે.

આટલા ઊંચા ડાઈવિંગ-બોર્ડ ઉપર ચઢ્યા પછી ધ્યાન એ રાખવાનું હોય છે કે, પાણી બોર્ડની એક જ બાજુ હોય... પાછળની બાજુ નહિ. પાછળની બાજુ પડીએ તો કોરા ટાઈલ્સ ઉપર ભમ્મ થઈ જવાય. પછી નહાવાનું પોતાને નહિ... ઘરવાળાઓને આવે. હું એમ નહાવા તૈયાર હતો, પણ એ 'મારી' સાસુ હોવા છતાં અક્કલવાળી નીકળી. પાછળને બદલે આગળ હોજમાં જ પડી. લેન્ડિંગ તો કમનસીબે બરોબર થયું હતું પણ એ પાણી બહુ પી ગઈ. શ્વાસ પણ લઈ ન શકે, એમ સપાટી ઉપર આવીને ''ઉંહા... ઊંહા'' કરતી રહી. વાઇફ નજીકના જ કોઈ પ્રદેશમાં તરતી હતી. એણે ભારે ફફડાટ સાથે મને બૂમ મારી, ''એએએએએ... જોઈ સુઉં રિયા છો... ઊભા થાઓ ને પાણીમાં ઠેકડો મારીને મમ્મીને બચાવી લિયો... હડી કાઢો, બાપા.''

હાથમાં આવેલું સુખ પળવારમાં જતું રહ્યું.

હું પહોંચ્યો. ગભરાટ અને થાકને કારણે એ ઝાઝું બોલી શકે એમ નહોતી છતાં સિક્સર મારી. મને કહે, ''મને ડિમ્પલ કાપડીયા ધારી લિયો... બહુ આકરૂં નહિ લાગે.''

સિક્સર

સરકારને સૂચન : ચીરી નાંખે એવા ટેક્સ ધાર્મિક સંસ્થાઓ ઉપર લગાવો... રેલ્વેના ભાડાવધારાની ય જરૂર નહિ પડે. લોકો પોતાના ધર્મ માટે કરોડો ખર્ચે છે, દેશ માટે રૂપિયો ય નહિ !

No comments: