Search This Blog

08/08/2014

'મિસ્ટર ઍક્સ ઈન બૉમ્બે'

મિ. ઈન બૉમ્બે
ફિલ્મ : 'મિસ્ટર ઍક્સ ઈન બૉમ્બે' ('૬૪)
નિર્માતા : ઠક્કર ફિલ્મ્સ
દિગ્દર્શક : શાંતિલાલ સોની
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતો : આનંદ બક્ષી - અસદ ભોપાલી
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : પ્રકાશ (અમદાવાદ)

કલાકારો : કિશોર કુમાર, કુમકુમ, મદન પુરી, જીવનકલા, લીલા મીશ્રા, રણધીર, પોલસન, કેસરી, ભલ્લા, મોહન ચોટી, ટુનટુન અને મુન્શી મુનક્કા.



ગીત
૧. ચલી રે ચલી રે ગોરી, પનીયા ભરન કો.... લતા-કિશોર
૨. ખૂબસુરત હસિના, જાનેજા જાનેમન.... લતા-કિશોર
૩. મેરે મેહબૂબ કયામત હોગી, આજ રૂસ્વા.... કિશોર કુમાર
૪. એ રૂક જા, રૂક જા રોકતા હૈ યે દીવાના.... કિશોર કુમાર
૫. યે રંગે-મહેફીલ, યે જશ્ને-બહારા, ઐસે મેં.... લતા મંગેશકર
૬. મેરે મેહબૂબ કયામત હોગી, નામ નીકલેગા.... કિશોર કુમાર
ફક્ત ગીત નં. ૫ અસદ ભોપાલીએ લખ્યું છે, બાકીના આનંદ બક્ષીના.
- ચલી રે ચલી રે ગોરી પનીયા ભરન કો.. મેરે મેહબૂબ કયામત હોગી... ખુબસુરત હસિના, જાનેજા જાનેમન...
- આ ફિલ્મમાં તો '૬૪-ની સાલનું મુંબઈ જોવા મળે છે, મુંબઈના દ્રશ્યો ઝડપવાને બદલે દિગ્દર્શકે મોટા ભાગનું મુંબઈ બૅક-પ્રોજેક્શનથી બતાવ્યું છે, અર્થાત્ હીરો-હીરોઇન સ્ટુડિયોમાં ઊભેલી કારમાં બેઠેલા હોય ને એમની પાછળ મોટા સ્ક્રીન પર, અગાઉથી ઝડપી રાખેલા દ્રષ્યો દેખાય, જેથી આપણને લાગે કે, કાર દોડી રહી છે.

તમે ધારો તો મારા ઉપર દયા લાવી શકો છો, દયા કરી શકવાની વાત નથી. આ કૉલમમાં જુની ફિલ્મો વિશે લખવામાં દર સપ્તાહે એક ફિલ્મ જોવી પડે, આપણા બ્લૅક-એન્ડ-વ્હાઈટ જમાનાની અને તે પણ ફિલ્મની મૂળ અવધિ તો ૧૪, ૧૬ કે ૧૮-૧૯ રીલ્સની હોય, પણ મને એક એક ફિલ્મ જોતા ૧૦-૧૨ કલાક થાય. ફિલ્મ જોતા ડાયરી લઈને બેસવાનું, યોગ્ય (અને ખાસ તો અયોગ્ય) ચીજો નોંધતા જવાનું, ક્યાંક 'પૉઝ' કરીને જે તે દ્રશ્ય વિશે વિચારવાનું (યસ... હવે તો હું પણ વિચારીને લખું છું!!!) તો ક્યારેક રીવાઈન્ડ કરીને પાછળ જવાનું ને રેફરન્સ મુજબ ફરી એ દ્રશ્ય કે ગીત જોવાના. હું ૧૯૫૨-માં જન્મ્યો અને '૫૮-માં વ્હી.શાંતારામની ફિલ્મ 'નવરંગ' આવી, એ હું રહેતો તે અમદાવાદના ગાંધી રોડ પરની ખત્રી પોળની સામેની લાઈનમાં થોડીક આગળ, એટલે રોજ 'નવરંગ'ના ફોટા જોવા જઈએ (જે ફ્રીમાં જોવા મળતા) એટલે એ સિનેમા યાદ રહી ગયું છે, પણ '૫૯ પહેલાની ફિલ્મો કયા થીયેટરમાં આવી હતી, તેની માહિતી તમારા જેવા કોઈ વડિલ અથવા તો એ જમાનામાં કૃષ્ણ ટૉકીઝના કારભારી શ્રી અરૂણકુમાર રાવલ સાહેબ જે આજે ૯૮-વર્ષના છે અને છતાંય, ૧૯૪૦-ના દાયકામાં ય કઈ ફિલ્મ કયા થીયેટરમાં આવી હતી, તે એક પળ પણ વેડફ્યા વિના કહી શકે છે, એ જણાવે.

હવે મારા ઉપર પેલી દયા ખાવાવાળી વાત કે, કૉલમ ચલાવવા માટે એટલી ભંગાર ફિલ્મો જોવી પડે છે કે, ભલે હમણાં હું ગાન્ડો થઈ ગયો નથી (થોડીઘણી અસર હશે ખરી!) પણ ભવિષ્યમાં ગૅરન્ટી સાથે ગુજરાતની સાડા પાંચ કરોડની જનતાને એક શુધ્ધ ગાન્ડો ભેટ આપવાની યોજના છે. ફિલ્મ જોતા જોતા ગાન્ડા થઈ જવાય એવી અનેક ફિલ્મો પૈકી હમણાં જોઈ, તે 'મિસ્ટર ઍક્સ ઈન બોમ્બે'. તમે ઉચ્ચ કક્ષાના પણ પાગલ હો, તો પણ એ નક્કી ન કરી શકો કે, કઈ ફિલ્મ વધારે ફાલતુ હતી! છતાં, એવી ફિલ્મો વિશે લખવાનું ગમે છે એટલા માટે કે, ભલે ફિલ્મ બેકાર હોય, પણ એનું કંઈક તો મનભાવન હોય જ, જે આજ સુધી એ ફિલ્મની યાદ અપાવે રાખે. કાં તો ફિલ્મના સ્ટાર્સ આપણા સહુના ફૅવરિટ હોય ને કાં તો દિલડોલ સંગીત.

બસ. 'મિસ્ટર ઍક્સ ઈન બોમ્બે'નું ય આવું જ છે. મને કિશોર તો ખૂબ ગમે અને એના નખરા ભલે બુધ્ધિ વગરના હોય, છતાં એ મારો લાડકો તો ખરો. જીવો ત્યાં બળી જાય કે, આટલો સારો ઍક્ટર હોવા છતાં કોઈપણ દિગ્દર્શક કે સંવાદ લેખકને એની પાસેથી કામ લેતા ન આવડયું ને આખેઆખો કિશોર વેડફી નાંખ્યો. સારી ફિલ્મો બનાવનારા દિગ્દર્શકોમાં ય કૉમેડીની સૂઝ તો નહિવત હતી, ઋષિકેશ મુકર્જી કે રાજ કપૂરને બાદ કરતા. હાસ્યને એટલે જ સર્વોત્તમ સાહિત્ય કહે છે કે, કવિતા, નવલકથા, ટુંકી વાર્તા, વિવેચન કે માહિતી લેખો લખનારા દેશમાં જ નહિ, દુનિયામાં ય લાખો પડયા છે, જ્યારે હાસ્યનું લખનારા (જેને હાસ્યલેખક કહી શકાય એવા) લેખકો તો આખા ભારતમાં ય પૂરા દસ નથી.

એ હિસાબે. કિશોર કુમારની આ ફિલ્મ 'મિ. ઍક્સ ઈન બોમ્બે'માં કિશોર પાસેથી દિગ્દર્શક શાંતિલાલ સોની જેવાઓનું તો શું ગજું? યસ. એ વાત બાકાયદા જુદી છે કે, ફિલ્મમાં કશું ન હોય, છતાં કિશોર પોતાની ખૂબીઓ અને બેવકૂફીઓથી થોડું ઘણું ય હસાવતો ખરો.

આપણને એ જમાનાની ફિલ્મો જોવાની મઝા એના રેફરન્સોમાં આવે. જૂનું કંઈક ને કંઈક યાદ આવતું રહે. સાવ નાની વાત : આ ફિલ્મના એક દ્રશ્યમાં 'મરફી'નું રેડિયોગ્રામમાં રેડિયો ઉપરાંત રૅકર્ડ્સ વગાડવાની ય સગવડ હતી. મોટા ઘરોમાં તો એ સ્ટેટસ સિમ્બૉલ ગણાતું. અમદાવાદના રીલિફ રોડ પર વીજળી ઘરની બરોબર બાજુમાં એક 'નિરોઝ' નામની રેસ્ટરાં હતી, જેમાં કદાચ ગુજરાતનું પહેલું રૅકોર્ડ-ચેઈન્જર મૂકાયુ હતું. ૨૫-પૈસાનો સિક્કો નાંખો એટલે એમાં ગોઠવેલી કોઈ ૫૦-૧૦૦ રૅકર્ડ્સમાંથી તમે પસંદ કરેલી રેકર્ડ આપમેળે બહાર આવીને પ્લૅયર ઉપર ગોઠવાઈ જાય ને ગ્રામોફોન જેવી પિન એની ઉપર આપમેળે મૂકાય અને ગીત વાગો.

આ ફિલ્મમાં તો '૬૪-ની સાલનું મુંબઈ જોવા મળે છે, પણ ફિલ્મનું નામ મુંબઈ સાથે જોડાયેલું હોવા છતાં મુંબઈના દ્રશ્યો ઝડપવાને બદલે દિગ્દર્શકે મોટા ભાગનું મુંબઈ બૅક-પ્રોજેક્શનથી બતાવ્યું છે, અર્થાત્ હીરો-હીરોઇન સ્ટુડિયોમાં ઊભેલી કારમાં બેઠેલા હોય ને એમની પાછળ મોટા સ્ક્રીન પર, અગાઉથી ઝડપી રાખેલા દ્રષ્યો દેખાય, જેથી આપણને લાગે કે, કાર દોડી રહી છે. આવી નૉસ્ટેલ્જીક વેલ્યૂને કારણે આપણા જમાનાના દર્શકોને આજે ય આવી ફિલ્મો જોવી સાવ ફોગટમાં ન પડે. ફિલ્મની ડોબા જેવી વાર્તા કંઈક આવી છે :

કિશોર કુમાર અડધું ચસકી ગયેલો કવિ અને ગરીબ નાયક છે. એની માં લીલા મીશ્રા સાથે રહે છે. બીજી બાજુ કુમકુમ વૈભવી લાઈફ-સ્ટાઈલ સાથે રહેતી એના વિજ્ઞાનિક પિતા રણધીરની દીકરી છે. પ્રોફેસર અવનવી શોધ કરવા સંશોદનો કરતો રહે છે, એમાં એની દવાની સફળતાનો પ્રયોગ એના સ્ટાફ-મૅમ્બર મનોહર ઉપર કરવા જતા મનોહર ગૂજરી જાય છે. પ્રોફેસરનો નાલાયક આસિસ્ટન્ટ મદન પુરી પ્રોફેસરને બચાવી લેવાની અને લાશ વગે કરી દેવાની ઑફર કરી બાપ-દીકરીને બ્લેક-મેઈલ કરે છે, જેથી મિસ્ટર ઍક્સની માફક અદ્રશ્ય થઈ જવાની દવા એને મળી જાય. કિશોરના પ્રેમમાં પડેલી કુમકુમ મદન પુરીથી પીછો છોડાવવા વલખાં મારે છે, પણ અચાનક એ દવા કિશોર પી જતા કિશોર અદ્રશ્ય થઈ જાય છે. કુમકુમ અને બાકીનાઓ એને મરેલો સમજી બેસે છે, પણ અદ્રશ્ય રહીને કિશોર કુમકુમની જેમ પ્રેક્ષકોને અડપલાં કરતો રહે છે અને છેવટે મદન પુરીને સીધો કરીને કુમકુમ સાથે 'પીવાની' તો ખબર નથી, પણ ખાય છે અને રાજ કરે છે.

કિશોર માટે તો ફિલ્મે-ફિલ્મે ઘણું લખ્યું છે, આપણે પણ સરપ્રાઈઝ પૅક તરીકે આ ફિલ્મની હીરોઈન કુમકુમ વિશે જાણવું ઈન્ટરેસ્ટિંગ છે. મૂળ મુસ્લિમ ખાનદાનની આ હીરોઈનનું સાચું નામ 'ઝેબુન્નિસા' બિહારના હુસેનાબાદની છે. ધાંયધાંય કરતું એનું દેસી રૂપ બેશક મારકણું હતું. એ રૂપથી અંજાઈને મેહબૂબ ખાને એને પત્ની બનાવવાની પૂરી અજમાયશ કરી ને એને ફિલ્મ 'મધર ઈન્ડિયા' પછી 'સન ઑફ ઈન્ડિયા'ની તો હીરોઈન બનાવી. એના સૅક્સી-લૂક્સથી પ્રભાવિત થનારાઓમાં એક 'રામાયણ' ટીવી સીરિયલવાળા રામાનંદ સાગર પણ હતા. રામાનંદ સાગરે પણ માત્ર વચનો આપવાને બદલે એની કરિયર બનાવવા ઘણું બધું ખર્ચી નાંખ્યું. એમની ફિલ્મોમાં કુમકુમ હોય જ, પણ સાઈડ-હીરોઈન તરીકે અને પછી તો કુમી ફક્ત સાઈડમાં જ ચાલે એવી રહી હોવા છતાં સાગરે ખાબોચીયાં જેવી એક ફિલ્મ 'જલતે બદન'માં એને કિરણ કુમાર સામે હીરોઈન બનાવી. પછી તો એ કોકની સાથે પરણી પણ ખરી... આજકાલ એ ક્યાં છે, તેની બહુ ઓછાને ખબર છે. અન્યાયો સહન કરવામાં કુમકુમનો કોઈ સાની નથી. સરખામણી કરવાનું કોઈ કહેતું નથી, પણ હૅલન જુદા જૉનરની ડાન્સર હતી, જેમાં ક્લાસિકલથી માંડીને ક્લબ-ડાન્સ પણ આવે, જ્યારે કુમકુમે જે જૉનર પકડયું હતું, ફૂટપાથ પરના ડાન્સ-સૉગ્સનું, તેમાં તો અફ કોર્સ કુમકુમ સરીખી બીજી એકેય નહિ. ફાલતુ ભાષામાં કહીએ તો એ મવાલીછાપ ડાન્સીઝનું ય એક મહત્ત્વ હતું કે, કુમકુમે કરેલા ડાન્સના સ્ટૅપ્સ સામાન્ય ચાહકો પણ અજમાવી શકે. એનો અર્થ એ પણ નહિ કે ક્લાસિકલમાં કુમકુમનો સંદર્ભ ન અપાય. ફીલ્મ 'કોહીનૂર'માં 'મધુબન મેં રાધિકા નાચે રે...'ના રેફરન્સ નીકળે, ત્યારે મુહમ્મદ રફી, નૌશાદ, શકીલ બદાયૂની અને દિલીપ કુમારે કેવી કેવી મેહનતો કરી હતી, એની વાતો લખાય, પણ ફિલ્મ ઉદ્યોગના આ એકમાત્ર રાગ હમીર પર આધારિત રચના ઉપર કુમકુમે ડાન્સ કેવો લાજવાબ કર્યો હતો, તેનો ઉલ્લેખ કેટલા કરે છે? 'દગા દગા વઇવઇ..' કે નૌશાદનું ભૈરવી 'દિયા ના બુઝે રી આજ હમારા..' જેવા ગીતોમાં કુમકુમને ડાન્સ કરતી જોવી, એ કલેક્શનનો મામલો છે.

મદન પુરીને અમરીશ પુરીના ભાઈ તરીકે ઓળખવો પડે, એ કમનસીબી છે, પણ બહુ ઓછાને ખબર હશે કે, મદન પુરી મહાન ગાયક કુંદનલાલ સાયગલના સગા કાકાનો પુત્ર હતો. મદનથી ય મોટો ચમન પુરી પણ ફિલ્મોમાં હતો, પણ સૌથી નાનો ભાઈ હરિશ પુરી ફિલ્મોમાં આવ્યો નહતો. મદન પુરી મુંબઈના વરલી-સી ફૅસ પર ગાયક મૂકેશના મકાનની નજીક વીનસ ફ્લેટ્સમાં રહેતો હતો. ચેહરો બહુ કદરૂપો હોવાનો ફિલ્મોમાં એને ફાયદો થયો કે, ખૂંખાર લાગવા માટે એને વધારાના મૅઇક-અપની જરૂર નહોતી પડતી.

પણ ફિલ્મ 'મિ. એક્સ ઈન બોમ્બે'ના અસલી મોરલાઓ તો સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલ હતા. એક એક ગીત ઉપર ડોલવું જ પડે. લક્ષ્મી-પ્યારેની સિધ્ધિ એ વાત ઉપર છે કે, '૬૦-ના દશકમાં એ લોકો સ્વંતત્ર સંગીતકારો તરીકે આવ્યા ત્યારે મોટા બૅનરની ફિલ્મો તો જાવા દિયો, નામવર હીરોની ફિલ્મો ય એમને મળી નહિ છતાં ય, દરેકમાં સંગીત તો 'સરગમ', 'મિલન' કે 'સત્યમ સુંદરમ'ના લેવલનું જ. નહિ તો આ ફિલ્મો કોણે બનાવી હતી ને એમના હીરોલોગ કોણ હતા તે યાદ કરી જુઓ, 'દોસ્તી', 'પારસમણી', 'છૈલા બાબુ', 'આયા તૂફાન', 'સત્યવાન સાવિત્રી', 'સંત જ્ઞાાનેશ્વર', 'હરિશચંદ્ર તારામતિ', 'શ્રીમાન ફન્ટુશ', 'લૂટેરા', 'હમ સબ ઉસ્તાદ હૈ', 'બૉક્સર', 'સૌ સાલ બાદ', 'નાગ મંદિર', 'મેરે લાલ', 'લાડલા', 'દિલ્લગી', 'ડાકુ મંગલસિંઘ', 'છોટા ભાઈ' અને 'આસરા'. આમાંની એકેય ફિલ્મ કોઈ મોટા પ્રોડક્શને બનાવી હોય કે એકેયમાં મોટો હીરો હોય તો બોલો. છતાં, આમાંની કોઈપણ ફિલ્મના ગીતો તમે સાંભળ્યા તો છે જ ને? બસ. પહેલી વાર મોટા બેનર અને મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મ 'આયે દિન બહાર કે' મળ્યું ને છવાઈ ગયા આ ભાયડાઓ. એના ગીતો તો ખૂબસુરત ખરા જ પણ પછી આવેલી તમામ ફિલ્મોમાંથી કોઈ ફ્લૉપ મ્યુઝિકવાળી નહિ. 'તકદીર', 'શાગીર્દ', 'પથ્થર કે સનમ', 'નાઈટ ઈન લંડન', 'મિલન', 'ફર્ઝ' વગેરે વગેરે... પણ આ વગેરે લખવામાં લાંબા થઈ જવાય એવું છે કેમ કે વર્લ્ડ-રેકોર્ડ બનાવ્યો આ બન્નેએ... બધું મળીને ૬૫૩-ફિલ્મોમાં સંગીત આપીને... અને જે ભૂલ આર.ડી. બર્મને કરી, એ જ આ બન્નેએ કરી... એક એક વર્ષમાં ૨૫-૩૦ ફિલ્મોનું સંગીત બનાવીને. છેલ્લે તો એક ય માં ઠેકાણા ન રહ્યા ને ભયાનક નિષ્ફળતાને પગલે લક્ષ્મીકાંત અનહદ દારૂના રવાડે ચઢી ગયો ને મૃત્યુ પામ્યો.

આ બન્નેએ ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે, તેમના સંગીત ઉપર શંકર-જયકિશનનો સીધો પડછાયો હતો. આમે ય ફિલ્મી સંગીતમાં વૉયલિનનો જથ્થામાં ઉપયોગ આ બન્ને જોડીઓ ઉપરાંત રાજેશ રોશને જ કર્યો છે. માંડ ગળે ઉતરે એવી વાત છે કે, લતા મંગેશકર અને મુહમ્મદ રફીએ તો સૌથી વધુ ગીતો આ સંગીતકારો માટે જ ગાયા છે, પણ કિશોર કુમારના ગીતો ય આર.ડી. બર્મન કરતા લક્ષ્મી-પ્યારેના વધી જાય છે. યોગાનુયોગ પણ કેવો થયો કે, મુહમ્મદ રફીએ પણ લતાની જેમ આ બન્ને સંગીતકારો માટે પિતાતુલ્ય ફાળો આપ્યો હતો, પણ રફીના આ બન્ને માટેના પહેલા ગીત 'તેરે પ્યારને મુઝે ગમ દિયા, તેરે ગમ કી ઉમ્ર દરાજ હો' (ફિલ્મ 'છૈલા બાબુ') અને રફીએ ગાયેલું છેલ્લું ગીત 'તુ કહીં આસપાસ હૈ દોસ્ત' પણ આ બન્નેના બેટન હેઠળ જ!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ બે જ સંગીતકારો એવા હતા, જેમના રોલ નક્કી હતા. પ્યારેલાલે એક પણ ગીતની ધૂન બનાવી નથી. એ કામ માત્ર લક્ષ્મીકાંત કરતો. પ્યારેલાલનું કામ ઍરેન્જરનું હતું. મતલબ લક્ષ્મીએ બનાવેલી ધૂન મુજબ, કયા વાદકોને બોલાવવા, એમને ગીતના શબ્દો સહિત સ્વરાંકનો લખી આપવા, રીહર્સલો કરાવવા કે રેકોર્ડિંગ વખતે કયા વાદકને કોની બાજુમાં બેસાડવા સુધીના કામો એ કરતો. આ એક જ જોડી છે, જેમની વચ્ચે ક્યારેય ઝઘડો કે વિવાદ થયો નથી. બન્ને અન્ય સંગીતકારોનો પણ લિહાજ કરતા હતા. ફિલ્મ 'દોસ્તી'ના તમામ ગીતોમાં માઉથ ઑર્ગન રાહુલદેવ બર્મને વગાડયું છે, તો ફિલ્મ 'લાજવંતી'ના આશા ભોંસલેના, 'કોઈ આયા ધડકન કહેતી હૈ...' પછી આશા ફરીથી ''કોઈ આયા...'' કે તરત મૅન્ડોલીનનો પીસ વાગે છે, તે લક્ષ્મીકાંતે પોતે વગાડયો છે.

અમારા કાઠીયાવાડની ભાષામાં કહીએ તો 'દોથાં ભરી ભરીને' ફિલ્મ 'મિસ્ટર ઍક્સ ઈન બોમ્બે'ના સંગીતકારો લક્ષ્મીકાંત-પ્યારેલાલની ભરપેટ પ્રશંસા કરવી જોઈએ.

(સીડી સૌજન્ય : ભરત દવે-સુરત)

1 comment:

pranita majmudar said...

જૂની ફિલ્મો વિષે તમે જે માહિતી આપો છો, તે ઘણી રસપ્રદ છે. ખાસ કરીને તે ફિલ્મો નું સંગીત જ યાદગાર છે. તે જમાના માં થીયેટરો નું મૂલ્ય ઘણું હતું। આજ ની જેમ બધું આસાની થી મળતું ન હતું। ઘર માં પણ કડકાઈ હોવાને કારણે ફિલ્મી મેગેઝીન જોવા પણ નહોતા મળતા। તે જમાંનાના 'જી' , પિક્ચર પોસ્ટ , માધુરી યાદ આવે છે. જૂની ફિલ્મો ની માહિતી આપવા તમારે મહેનત કરાવી પડે છે, પણ તમારી મહેનત લેખે લાગે છે.

આભાર।