Search This Blog

19/09/2015

'મહેલોં કે ખ્વાબ' ('૬૦)

કિશોરકુમાર સાથે પ્રદીપકુમાર...? ટુલીપના ફૂલ સાથે તેલનું પૂમડું...??

ફિલ્મ : 'મહેલોં કે ખ્વાબ' ('૬૦)
નિર્માતા : મધુબાલા
દિગ્દર્શક : મુહાફિઝ હૈદર
સંગીત : એસ. મોહિંદર
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી
કલાકારો : મધુબાલા, કિશોરકુમાર, પ્રદીપકુમાર, ચંચલ, પ્રાણ, કે.એન. સિંઘ, સુલોચના ચેટર્જી, લીલા ચીટણીસ, રામ અવતાર, ખટાના, બાલમ, રાશિદ ખાન, પરવિન પૉલ, હારૂન રવિકાંત, ઉમા દત્ત, સતીષ બત્રા, અનુપ શર્મા, કક્કુ અને ઓમપ્રકાશ.

ગીતો
૧. ઈસ દુનિયા મેં સબ સે અચ્છી ચીજ હૈ ક્યા ? આશા-ગીતા દત્ત
૨. યે હૈ જીવન કી રેલ, છક પક છક પક કિશોરકુમાર
૩. ગર તુમ બુરા ન માનો તો મૈં તુમ સે પ્યાર કરું આશા-સુબિર સેન
૪. પિયો પિયો, નજર પિલાતી હૈ જીયો જીયો આશા ભોંસલે
૫. કમલા, રઝીયા યા મીસ મેરી, યા હો કિશોર-આશા-મહેન્દ્ર કપૂર
૬. લો જી બુઝ ગઈ બીજલી પ્યાર કી કિશોર કુમાર
૭. અય જાને જીગર, ઘુટઘુટ કે અગર રાતેં હો બશર કિશોર-આશા
ગીત ૧, ૨, ૩ : રાજા મેંહદીઅલીખાન : ૪, ૫, ૬ આનંદ બક્ષી અને ૭ રાહિલ ગોરખપુરી

મધુબાલા એવું નામ હતું કે એના મૃત્યુના આજે ૪૫ વર્ષ પછી ય એને કંઈ થઈ જાય તો છાતી આપણી ફાટી પડે ! એને તો 'કંઈ' થઈ ગયું હોવાના સમાચારે ય સાંભળવા ન ગમે. (જન્મ તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૩૩-દિલ્હી (વેલેન્ટાઈન્સ ડે) અને મૃત્યુ તા. ૨૩ ફેબુ્રઆરી, ૧૯૬૯-મુંબઈ) મને દરેક વાચક માટે આજે ય માન છે કે, બધા જ મધુને અદબપૂર્વક 'મધુભાભી' કહીને બોલાવે છે...! આમ તો એનું સાચું નામ 'મુમતાઝજહાન બેગમ' હતું. મુમતાઝમાંથી એને 'મધુબાલા' નામ આપનાર નિર્માતા-નિર્દેષક કેદાર શર્મા હતા. ઘણા માને છે કે, ન્યુ થીયેટર્સની માલકીન દેવિકા રાણીએ આ નામ આપ્યું હતું. આપણે એ મામલામાં પડવું નથી. તમે બધા એને 'મધુભાભી' કહો છો, એ બરોબર છે. જય અંબે. પણ એ આ ફિલ્મ હતી, જેના શૂટિંગ વખતે એને અચાનક ચક્કર આવ્યા. પડી ગઈ. લોહીની ઊલટી થઈ. હૉસ્પિટલમાં દાખલ કરી પછી ખબર પડી કે એના હૃદયમાં કદી ન પૂરાય એવું કાણું જન્મથી હતું, જે એને બહુ વર્ષો જીવવા નહિ દે. આને પરિણામે, ફિલ્મના અનેક દ્રષ્યો મધુની બહેન ચંચલે એને બદલે આપ્યા છે. શૂટિંગ પૂરું કરવા આ રસ્તો બધા દિગ્દર્શકોને અપનાવવો પડતો હોય છે, કે કોઈ કલાકાર ચાલુ શૂટિંગે ગૂજરી જાય કે ફિલ્મ છોડીને જતો રહે, તો એના ડમીને દૂરના દ્રષ્યોમાં ઊભો રાખીને શૂટિંગ આટોપી લેવાય છે.

મધુબાલાનું ધગધગતું રૂપ એની આસમાની ઊંચાઈઓવાળી એક્ટિંગને ખાઈ ગયું. અભિનેત્રી તરીકે (હિરોઈન તો ખરી જ) એ ચોક્કસપણે નરગીસ, નૂતન કે વૈજ્યંતિમાલાની બરોબરીમાં ઊભી રહી શકે, પણ છોકરી માર ખાઈ ગઈ, એના પિતા અતાઉલ્લાહખાનની આવડત વગરની હુંશિયારીઓથી. પૈસાની લાલચે ડોહાએ આડેધડ અને ફાલતુ ફિલ્મો ય સાઈન કરાવે રાખી. નોબત ત્યાં સુધી આવી કે, એનું રૂપ અને અભિનય એક બાજુએ રહ્યો, પણ ફિલ્મો એવી ફ્લોપ જતી કે, મુંબઈના નિર્માતાઓ અને ઈવન, પ્રેક્ષકોમાં ય મધુબાલાની છાપ 'બોક્સ-ઓફિસ પોઈઝન'ની પડી ગઈ. એની ફિલ્મોમાં કાગડા ઊડતા હોય !

અફ કૉર્સ, આ ફિલ્મો 'મહેલોં કે ખ્વાબ'ની સ્ટારકાસ્ટ જલ્દી ગળે ઉતરે એવી લાગતી તો નથી. દિલીપકુમાર અને પ્રેમનાથથી છુટા પડયા પછી મધુબાલાનું ચક્કર એક સાથે પ્રદીપકુમાર, કિશોરકુમાર અને ભારત ભૂષણ સાથે ચાલતું હતું. શુદ્ધ ચરિત્રના મામલે મધુની જેમ આ ત્રણમાંથી એકેય સીધા નહોતા ને એ ત્રણેય જાણતા હતા કે, મધુ આપણને ત્રણેયને મામુ બનાવે છે. ત્રણેએ મધુપિતા અતાઉલ્લાહખાન પાસે ઓફિશીયલી માંગા નાખ્યા હતા. અતાઉલ્લાહને બસ, એક જ ધૂન ચઢી ગઈ હતી કે, મ્યુનિ.ના વર્ગ-૪ના કર્મચારી સાથે મધુને પરણાવીશ, પણ દિલીપકુમારને તો હરગીઝ નજીક નહિ આવવા દઉં. પેલી જીવલેણ બિમારીના ઓપરેશન માટે લંડન જતા પહેલા અતાઉલ્લાહે કિશોરને પૂછી પણ જોયું, ''તું જાણે છે, એ કદાચ પાછી ન પણ આવે... છતાં તારે એની સાથે લગ્ન કરવા હોય તો ઈસ્લામ કબુલી લે. મધુ તારી છે.'' ને કિશોર મુસલમાન બની ગયો. ફ્લાઈટ ઉપડતા પહેલા કિશોરે અતાઉલ્લાહને કીધેલી એક વાત બહુ ઢીલો પાડતી ગઈ, ''મારે મધુના શરીર સાથે નહિ, આત્મા સાથે લગ્ન કરવાના છે. એ પાછી ન આવે, તો પણ કહેવાશે તો મિસીસ કિશોરકુમાર...!'' એ વાત જુદી છે કે, કિશોરે નામનો જ ઈસ્લામ કબુલ કર્યો હતો, બાકી મધુ સાથેના લગ્ન પછી ય એ ચુસ્ત હિન્દુ બ્રાહ્મણ જ રહ્યો હતો.

એટલે નવાઈ નહિ, આંચકો લાગે કે મધુબાલા તો ઠીક છે. અતાઉલ્લાહે મધુના બંને પ્રેમીઓને એક જ ફિલ્મમાં ભેગા કયા ઈરાદાથી કર્યા હશે ? એ ત્રણેની બાઓ ય ખીજાઈ નહિ હોય ? ફિલ્મમાં સાથે એની બહેન ચંચલ પણ છે. મધુને કોઈ ૭-૮ બહેનો હતી ને બધી હિન્દુઓને પરણી. એકાદ અપવાદ બનતા સુધી છે. જોકે ફિલ્મના પોસ્ટરોમાં ઓમપ્રકાશ કે પ્રાણ છે... પ્રદીપકુમારને નીગ્લેક્ટ કરવામાં આવ્યો છે. મધુબાલાએ એના ફાધરની સાથે 'મધુબાલા પિક્ચર્સ (પ્રા) લિ.,'ના નામથી કંપની શરૂ કરી હતી અને ત્રણ ફિલ્મો ઉતારી હતી. પહેલી '૫૫-માં ફિલ્મ 'નાતા'. એમાં ય સંગીતકાર આ જ (એસ. મોહિંદર) રાખીને હીરો તરીકે રોતડા અભિ ભટ્ટાચાર્યને લીધો હતો. 'ઈસ બેવફા જહાં કા, દસ્તુર હૈ પુરાના...' ઉપરાંત લતાના મુહમ્મદ રફી વગેરે સાથે મળીને આઠેક ગીતો હતા, પણ સરદારજી કોઈ ધૂમ મચાવી શક્યા નહિ, છતાંય આ ફિલ્મમાં એમને રીપિટ કર્યા. કોઈ દમ નહિ. હા, ગીતો એવા સામાન્ય પણ નથી, પણ રેડિયો સીલોન કે વિવિધ ભારતીમાં ગીતો વગાડવા માટે 'ખાસ' શું કરવું જોઈએ, એની ખબર હોવા છતાં અતોઉલ્લો પઠ્ઠો જ નીકળ્યો. એટલે 'નાતા' અને આજની ફિલ્મ 'મહેલોં કે ખ્વાબ'ના ગીતો સારા હોવા છતાં ખુદ આપણે ય સાંભળ્યા નથી.

મધુબાલાએ પ્રોડયુસ કરેલી ત્રીજી ફિલ્મનો તો વર્લ્ડ-રેકોર્ડ છે. આ એક જ ફિલ્મ 'પઠાણ'માં ૯-સંગીતકારો ને સાત ગીતો ! ફકીર મુહમ્મદ, જીમ્મી, અસર, (લાલા અસર સત્તારમાંના એક) શમ્ભુ, દત્તરાજ, રાજભૂષણ, ડેવિડ, શ્યામબાબુ અને બ્રીજભૂષણ (જેની સાથે મધુબાલાની બહેને પરણીને હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો.) આ બધો ગરબડગોટાળો આપણને કાંઈ ખબર પડે એવો નથી કે, આ ફિલ્મ 'પઠાણ મા હિરોઈન તો આપણી મુમતાઝને લીધી હતી, પણ હીરો તરીકે મધુબાલાના ભૂ.પૂ. પ્રેમી (એટલે કે ભૂતપૂર્વ પ્રેમી) પ્રેમનાથને લીધો હતો.

કિશોરકુમાર માટે આપણને આપણી ઉપર દયા આવે કે, એક તો એ બહુ ઓછી ફિલ્મોમાં ગાતો અને એમાંય થોડાક અપવાદોને બાદ કરતા કોઈ સંગીતકાર એની પાસે એવું કામ લઈ ન શક્યો જે ચિરંજીવ રહે. સરદાર મોહિંદરસિંઘે (અટક 'સરના') આમ તો, ફિલ્મ 'શીરીં-ફરહાદ'માં લતા મંગેશકર પાસે ગવડાવેલું. 'ગૂઝરા હુઆ ઝમાના, આતા નહિ દુબારા, હાફીઝ ખુદા તુમ્હારા' (જે ગીત રસ્તામાં સાંભળીને ઝૂમી ઉઠેલી મધુબાલા એટલી હદે ખુશ થઈ ગઈ કે, ગાડી સીધી એસ. મોહિંદરના ઘરે લેવડાવી અને ત્યાં જ પોતાની ફિલ્મ 'નાતા'નું સંગીત આપી દીધું. એસ. મોહિંદરે રાજ કપૂર માટે મુહમ્મદ રફી પાસે પ્લેબેક અપાવીને ફિલ્મ 'પાપી'માં ગવડાવેલું 'તેરા કામ હૈ જલના પરવાને, ચાહે શમ્મા જલે યા ના જલે' સિવાય મૂકેશના ય ફક્ત પાગલ ચાહકોએ જ સાંભળ્યા હોય એવા સારા ખૂબ પ્રિય બે ગીતો ફિલ્મ 'જય ભવાની'માં ગવડાવ્યા હતા. એક સોલો, 'યહાઁ રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે' અને લતા સાથેનું ડયુએટ, 'શમા સે કોઈ કહે દે, કે તેરે રહેતે રહેતે, અંધેરા હો રહા...' (ફિલ્મના ગુજરાતી ક્રિશ્ચિયન હીરો મનહર દેસાઈ ઉપર આ ગીતો ફિલ્માયા હતા.) યસ. રહી પાસે કિશોરકુમાર જેવું યોડેલિંગ આ એસ. મોહિંદરે જ ફિલ્મ 'રીપોર્ટર રાજુ'ના 'ગુસ્સા ફુઝુલ હૈ...' ગીતમાં કરાવ્યું હતું, જે ફીરોઝ ખાન ઉપર ફિલ્માયું હતું. પણ આ ફિલ્મમાં પણ કિશોર હાજરાહુજુર હોવા છતાં સરદારજી એકેય ગીત મશહૂર બનાવી ન શક્યા. અહીં ટ્રેનના એક દ્રષ્યમાં કિશોર સાયગલ/પંકજ મલિકે ગાયેલું 'છુપો ના, છુપો ના છુપો ના, ઓ પ્યારી સજનીયા...' ગુનગુનાવે છે, એ સાંભળ્યા પછી વાત ગળે ઉતરી જાય કે, કિશોરની મીઠાશ કોઈથી કમ નહોતી.

આમ જોવા જઈએ તો મધુની સાથે એના પ્રેમીઓને જ ખુદ અતાઉલ્લાહે હીરો બનાવ્યા, એમ દિલીપકુમાર માટે પ્લેબેક હરદમ મુહમ્મદ રફીનું જ હોય, છતાં ફિલ્મ 'સંગીના'માં રફીને બદલે કિશોરને પોતાના પ્લેબેકમાં લીધો, એનાથી લિસોટો મોટો પડેલો જોવા મળ્યો. પોતાની પ્રેમિકાને પરણી જનાર કિશોર સાથે દિલીપને આમ તો બોલવાના ય સંબંધો નહોતા, પણ કોક વાતે રફી-દિલીપને આડું પડયું, એમાં રફી ઊભા ઊભા જ્વલિત થઈ જાય, એવું દિલીપે કર્યું અને પ્લેબેક કિશોરનું લીધું. એક વખત રફીનો ખરાબ સમય શરૂ થયો, એટલે દગો બધાએ કરવા માંડયો. નહિ તો આટલો વહેલો હાર્ટ-એટેક આવવા જેટલી એમની ઉંમર નહોતી. છેલ્લા દિવસોમાં ઘણી તાણો અનુભવી હશે. ગૂજર્યા ત્યારે ફક્ત ૫૬-વર્ષના હતા. યસ. બધાના ગળામાં તો વાત નહિ ઉતરે, પણ રફી સાહેબ અને કિશોરકુમાર વચ્ચે દુશ્મનોએ ઝગડો કરાવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ બંને વચ્ચે બંને ગૂજર્યા ત્યાં સુધી કોઈ નાનકડી વાતનું ય દુઃખ કે વેરઝેર નહોતા. રફી ગૂજરી ગયા, ત્યારે નજરે જોનારાઓ એટલે સુધી કહે છે કે, રડયા તો બધા હતા... પણ સાચું રડનારા બે જ દેખાતા હતા, એક શમ્મી કપૂર અને બીજો કિશોરકુમાર.

સરપ્રાઈઝીંગલી નહિ, શોકિંગલી... ફિલ્મના ટાઈટલ્સમાં ગાયકોમાં આશા ભોંસલે, ગીતા દત્ત અને સુબિર સેનના નામો છે, પણ કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂરના નામો જ નથી !

ફિલ્મનો દિગ્દર્શક મુહાફિઝ હૈદર આપણા માટે તો નવો હતો. સંવાદો ય એણે લખ્યાં છે. ફિલ્મની શરૂઆત મુંબઈના કમાલ સ્ટુડિયોમાં વાસ્તવિક શૂટિંગથી થાય છે. સ્ટુડિયોનું રોજબરોજનું વાતાવરણ કેવું નિરસ હોય છે અને ફિલ્મી દુનિયાની ચમકદમકથી હીરો-હિરોઈન બનવા આવેલાઓને લીલા ચીટણીસ જાણે પોતાની જ સ્ટોરી કહેતી હોય, એવી સલાહ મધુબાલા અને ચંચલને આપે છે. લીલાબાઈ આ જ સ્ટુડિયોમાં ઘરડી નોકરાણી છે. એ બંને બહેનોને ફિલ્મોથી દૂર રહેવાની સલાહ આપે છે... એક જમાનામાં આ જ સ્ટુડિયોમાં એક હિરોઈન તરીકે એનો દબદબો હતો ને આજે ધિક્કારથી સ્ટુડિયોનો મેનેજર એને, ''એ ય બુઢીયા... ચલ દૂર હટ...!''ની બૂમ પાડીને ધૂત્કારી કાઢે છે. પ્રાણ એ જમાનામાં ચારે બાજુથી જામ્યો હતો. સમજો ને, લગભગ દરેક ચોથી ફિલ્મમાં એ હોય જ. મને એની ચાલ અને પરફેક્ટ સ્ટિચિંગના કપડાં ખૂબ ગમતા. પ્રદીપકુમાર કરતા સારા કપડાં પ્રાણ પહેરતો. આપણે દર વખતે પ્રદીપકુમાર, ભારત ભૂષણ કે વિશ્વજીત અને મનોજકુમારો જેવાને એક્ટર તરીકે સહેજ પણ પસંદ નથી કરતા, પણ પર્સનલ લાઈફમાં એ લોકો ઘણા દેખાવડા અને ખૂબસુરત પર્સનાલિટીવાળા હતા. પ્રદીપકુમારના લમણાં ઉપર સરસ મજાના ખૂણીયા પડતા. આ લોકોને જૂના 'ફિલ્મફેર'ના અંકોમાં રંગીન ફોટાઓમાં જુઓ તો અંજાઈ જવાય એવી પર્સનાલિટી પડતી... બસ, એક્ટિંગમાં ધોધમાર માર ખાઈ ગયા.

અહીં ચોકડી ઊંધી પાડવામાં આવી છે. કિશોરની સાથે હિરોઈન મધુબાલા હોવી જોઈએ, એને બદલે એની સગી બહેન ચંચલને લીધી છે, તો મધુબાલાની સામે હીરો પ્રદીપકુમાર છે.

ઓકે. એ સમયની ઓલમોસ્ટ તમામ ફિલ્મો વાહિયાત હતી, એમ આ પણ હતી છતાંય, કિશોરને કારણે ફિલ્મ જોવી ગમે રાખે છે. વચમાં વચમાં તો ખડખડાટ હસવું ય આવી જાય છે. ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદ ઓમપ્રકાશને ખૌફનાક વાર્તા સંભળાવીને ડરાવે છે, એનો મૂળ સર્જક કિશોર છે. એ આ ફિલ્મની શરૂઆતના ટ્રેન દ્રષ્યમાં પેલા 'તીસરી મંઝિલ'વાળા જાડીયા રામવતારને એવી જ મિમિક્રીવાળી વાર્તા કહીને ડરાવે છે.

બાકી આ ફિલ્મની વાર્તા કહેતા મને જ નહિ, કોઈને આવડે તેમ નથી. આને જો વાર્તા કહેવાતી હોય તો મોહનચોટીને અમિતાભ બચ્ચન કહેવાય. છતાં, વાર્તાના અંશો કહેવાનો હું પ્રયત્ન કરું છું. મને સાચવી લેવો. મધુબાલા અને ચંચલ ગરીબ ઘરની છોકરીઓ મુંબઈના કમાલ સ્ટુડિયોમાં એકસ્ટ્રા તરીકે કામ કરે છે, પણ સપના હિરોઈન બનવાના જુએ છે. ક્યાંકથી એ લોકોને રૃા. ૧૫ હજાર મળી જાય છે. એટલે લહેર કરવા ટ્રેનમાં પઠાણકોટ જાય છે, પણ તે પહેલા મારવાડી સેઠ (ખટાના)ની દુકાનમાંથી કિંમતી ઝવેરાત ચોરી લે છે. ટ્રેનમાં કિશોર મળી જતા ચંચલ એના પ્રેમમાં પડી જાય છે, પણ પ્રાણ અને કે.એન. સિંઘ પણ ટ્રેનમાં છે. ગઠીયો પ્રાણ ઘરેણાવાળી એ બેગ ચોરવાના વલખાં મારે છે ને છુપો પોલીસ ઈન્સ્પેક્ટર વોચ રાખે છે. આ બધા પઠાણકોટમાં ઓમપ્રકાશની હોટેલમાં ઉતરે છે. મધુને કોક સેઠના ડ્રાઈવર પ્રદીપકુમાર સાથે પ્રેમ થઈ જાય છે. (આમાંનું કશું હજી મારા ગળે ઉતરતું નથી... તમારે ઉતર્યું હોય તો, કમ-સે-કમ એક ગુજરાતી ફિલ્મ બનાવવા જેટલા બુદ્ધિમાન તો તમે કહેવાઓ. બસ, પછી વાર્તા પૂરી કરતા પહેલા ચારેય પ્રેમીઓને પૈણાવવા તો પડે ને ?

16/09/2015

પ્રામાણિકતાથી કહો. તમે તમારા પુત્ર/ પુત્રીથી ડરો છો ?

આ લેખનું ટાઇટલ વાંચી લીધા પછી જવાબ મને નથી આપવાનો... મનમાં જ સમસમી જઈને પોતાને આપવાનો છે. આ ક્યાં કોઈને બહાર ખબર પડવાની છે, એટલે બીજો જવાબે ય મનમાં આપવાનો છે કે, પિતા તરીકે તમે સફળ થયા છો ખરાં ? દીકરા કે દીકરી ઉપર તમારો સાચ્ચે જ કોઈ પ્રભાવ છે ખરો કે... બોલાય એવું નથી ? યસ. મારા/ તમારા જમાના સુધી આપણા ફાધર કે મધરના દુઃખતા પગ દબાવી આપવાની ઘરમાં પરંપરા હતી. આજે કયા માઇના લાલની તાકાત છે કે, પોતાના સંતાનોને કહી શકે... 'કહી શકે'નહિ, સોરી... રીક્વેેેસ્ટ કરી શકે, 'બેટા આજે બહુ થાકી ગયો છું.. જરા દસ મિનિટ મારા પગ દબાવી આપીશ ?'

અને માની પણ લઈએ કે, તમે એક મર્દ બાપ છો અને આવી 'રીક્વેસ્ટ' કરવાની 'હિમ્મત' પણ કરી લીધી... તો ય જવાબમાં કોઈ ખાત્રી છે ખરી કે, તમારો એ લાડકો કે લાડકી તમારા પગ દબાવી આપશે ?

'પગ દબાવી આપવા' એ તો પ્રતિકાત્મક છે. મૂળ મુદ્દો 'હવે' ઘરમાં તમારું કેટલું ઉપજે છે, એનો છે. હજી હમણાં થોડા જ સમય પહેલાં તમે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીના માલિક હતા, ગાંધીનગરમાં સર્વોચ્ચ ૫- ૬ પોસ્ટ કહી શકાય, એવી દબદબાભરી નોકરી કરતા હતા કે પતિ- પત્નીએ જાન રેડી દઈને રૂપિયે- રૂપિયો બચાવીને દીકરા/ દીકરીને (હવે કરોડ સુધી જાય, એટલા પૈસા એના ભણતર પાછળ ખર્ચીને) ડોક્ટર જેવી સર્વોત્તમ ડીગ્રીઓ અપાવી.

પણ એના બદલામાં અત્યારે આ ક્ષણે તમે તમારા ઘરના કયા રૂમમાં બેઠા છો ? દીકરો તમારી પાસે આવીને રોજ કેટલીવાર બેસે છે અથવા તો એની વાઇફ તમને કેટલું 'બોલવા' દે છે... ખાસ તો, હવે તમે ગ્રાન્ડપા બન્યા છો તો પૌત્ર- પૌત્રીઓને 'સાચવવા' કે 'રમાડવા'માં કેટલો સમય આપો છો ? તમારા માટે પોતા- પોતીને રમાડવા નકરી લાગણી છે, પણ બાળકોનો 'કૅર ટેકર'નો કેટલો બધો ખર્ચો તમે બચાવો છો ? અમેરિકા ઘરડા મા-બાપને બોલાવનારા દીકરા- દીકરીઓ માટે અહીં બધા માનથી જુએ છે કે, ત્યાં ગયા પછી ય મા-બાપને ભૂલ્યો નથી. એ કોને ખબર છે કે, ત્યાં બાળકોને સાચવનાર 'કેર-ટેકર'ના ખર્ચા કરતા ડોહા- ડોહીને બોલાવી લેવા ઘણું કિફાયત ભાવે પડે છે !

ઇન ફેક્ટ, આપણને 'બાપ' બનતા આવડયું નહોતું, એ સ્વીકારવું પડે. કયો જાણે મોટો મીર મારી લીધો હોય એમ પહેલું સંતાન થયું, એવું દુનિયામાં બીજા બધાને તો સંતાનને બદલે ઢેખાળા કે કાંકરા નીકળતા હશે, એવા ઉલ્લાસમાં ગેલમાં આવી જઈએ છીએ કે, ''સાલું... બાળકો તો તો બધાને થાય છે... પણ આપણા જેવું તો વૈજયંતિ માલા, સોનિયા ગાંધી કે ઐશ્વર્યા રાયને પણ ન થાય. સાહેબ, તમે એનું નાક જુઓ...એના વાંકડીયા વાળ જુઓ... ને ઇશ્વરના સોગંદ... અવા સ્માઇલો તો ભગવાન કૃષ્ણ જન્મ્યા ત્યારે શરૂ નહોતા થયા.. ઓહ !'' કેમ જાણે બીજાના ઘરમાં તો બાળકોને બદલે છોલેલા નારીયેળો ઉતરતા હશે !

બસ. આવું અંજાવાનું શરૂ થયંુ, એમાં આપણા જ દીકરા/ દીકરીથી રોજેરોજ એવા ઇમ્પ્રેસ થતા રહ્યા કે, એમને પ્રેમ, પ્રેમ અને પ્રેમ સિવાય બાકીનું બધું આપવાનું ભૂલી ગયા. અને એની તમામ હરકતો અને હઠો પૂરી કરવાની. ભલે બાળક છે, છતાં ય એની બધી બદતમીઝીઓને આપણે 'ભારત રત્ન' આપવા માંડયા. લાડ ગમે તેટલા લડાવો, પણ તમારા એક અવાજમાં એ ચૂપ થઈ જાય, એવો પ્રભાવ પાડતા તમને ન આવડયો, કારણ કે એના આંસુઓ તમારાથી જોઈ શકાતા નહોતા... આજે તમારા આંસુઓ જોવાની કોઈને ફૂરસત નથી. સ્કૂલ કોલેજમાં આવી ગયા પછી એના યાર-દોસ્તો સાથે તમારો ઉલ્લેખ 'હાળો ડોહો સિગારેટ પીવાની ના પાડે છે...' એ ઢબથી કરે છે. પિતા માટે શબ્દ 'ડોહો' ? એ જમાના તો ભૂલી જવાના કે દીકરો/ દીકરી કોઈ સારા કામે જતા હોય તો મા-બાપનો ચરણસ્પર્શ કરીને જાય !

બસ. એના કોલેજમાં પહોંચતા સુધીમાં તો પાણી માથાથી ઉપર જતું રહ્યું હોય છે, જસ્ટ બીકોઝ... તમને બાપ બનતા નહોતું આવડયું. બાપ બનતા એટલે નહોતું આવડયું કે તમને એક હસબન્ડ બનતા ય આવડયું. કાં તો તમારું ચારિત્ર્ય બહુ સારું હતું ને કાં તો બીજી કોઈ તમારી સામુ ય જુએ એમ નહોતી, એ સાચી માહિતીને કારણે જે મળી એ તમારા માટે કેટરીના કૈફ કે પ્રિયંકા ચોપરા બની ગઈ. ન જોવાનું જોવા મળ્યું એટલે તમે પોતે કેવા સરસ, હેન્ડસમ, સ્માર્ટ કે ધંધે ધાપે પરફેક્ટ સફળ છો, એ બધું ભૂલીને પેલીના રૂપમાં જ ગાંડા થઈ ગયા. 'મળ્યું કે મળશે ?'ના ખૌફને કારણે તમે પોતે સમર્થ હોવા છતાં, તમારી 'કેટરીના'થી એ હદે દબાતા ગયા કે, અત્યારે આ વાંચતી વખતે મનમાં સ્વીકારતા ય શરમ આવે કે, 'સાલી વાત તો સાચી છે હું પોતે ય ક્યાં કમ હતો, કે પેલી જેમ કહેતી ગઈ, એ બધું જ હું કરતો રહ્યો.'

સુરક્ષા તો એ વાતમાં હોત, જો તમે એક ગોરધન તરીકે તમારું થોડું ય ગૌરવ જાળવ્યું હોત ! પેલીને તો લગ્નની પહેલી રાતથી જ ખબર પડી ગઈ હતી કે, ભ'ઈ, મારી પાછળ બહુ વધુ પડતા આસક્ત છે. એને હાથમાં રાખવાનો એક જ ઉપાય... જ્યારે કોઈ કામ કઢાવવું હોય, ત્યારે બે-ચાર દિવસ એને 'આઘો' રાખવાનો... એમાં તો ભિખારીની માફક પગે પડતો આવશે.'

...અને દીકરીની વાત આવે છે, ત્યારે કોઈ સંસ્કાર- બંસ્કાર કામમાં નથી આવતા. વાત સદીઓ પહેલાની હોય કે આજે ઈ.સ. ૨૦૧૫ની સાલ હોય... કોઈ મા પોતાની દીકરીને એવી સાચી સલાહ નથી આપતી કે, 'એ ઘરમાં ગયા પછી તારા માટે અમે બન્ને તો પછી.... પહેલા તારા માટે તારા ગોરધન જેટલું જ માન- સન્માન તારા સાસુ- સસરાનું રાખજે.' તારા વરને એના મા-બાપથી જુદા પાડવાનું પાપ ન કરતી.

એમાં ય, તમે સ્ત્રી હશો તો જાણતા હશો કે, સાચું કેટલું બોલો છો ! સાસરે ગયેલી દીકરીને કોઈ પ્રોબ્લેમ થાય એટલે ફોન સીધો મમ્મીને કરે. જગતમાં સ્ત્રી જ નહિ, કોઈ પુરુષ પણ પેદા થયો નથી, જેને એકે ય વાતમાં 'પોતાનો' નાનકડો વાંકે ય લાગ્યો હોય ! (આ વાંચતા મનને પૂછી જુઓ, આજ સુધી તમે કેટલી ભૂલો કબૂલી કે માફી માગી ! નહિ માંગી હોય એનો અર્થ તો કેવો સુંદર થાય કે વિશ્વમાં એકમાત્ર તમે જ એવા છો, જેનો કદી વાંક જ ન હોઈ શકે. કૉન્ગ્રેટ્સ... ડીયર !) અર્થાત્ દીકરી પોતાના સાસરીયાના ત્રાસની વાત કરે, એ કદી ખોટી હોય જ નહિ.. તો પછી સાચી પણ ન હોઈ શકે ને ? પપ્પાનું તો આમે ય કંઈ ઉપજતું ન હોય અને મમ્મીમાં બહુ લાંબી હોય નહિ એટલે દીકરીને જે સલાહ આપે, એ સાસુને સીધી કરવાની હોય, તો દીકરી વધુ મરવાની છે, યાદ એટલું જ રાખવાનું છે કે, દીકરી એના સાસરિયાની વાત કરતી હશે, એમાં પોતાની ભૂલ- મુર્ખામી કે ગૂન્હાની તો તમને ય ગંધ નહિ આવવા દે. કોઈને પોતાની ભૂલ લાગતી નથી ને લાગે તો કોઈ કબૂલ કરતું નથી.

... પણ, દીકરીની, એના સાસરિયાઓ માટેની ફરિયાદ તદ્દન- ઇશ્વરના સોગંદ સાચી હોય તો શું ? તો ય શું ? તો ય તમે કાંઈ કરી શકવાના નથી. દાઉદ ઇબ્રાહીમ જેવા પચ્ચીસ ડોનને ખિસ્સામાં રાખી શકે એવો 'ગૉડફાધર' (મારિયો પુઝોની નૉવેલ) એના ગરમ અને ગુસ્સેલ દીકરાઓને સલાહ આપે છે, ''બેટા તારો બાપ એટલો શક્તિશાળી છે કે, અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ અહીં માથું નમાવે છે... પણ વાત જ્યાં જમાઈની આવે ત્યાં તમારો આ પાવરફૂલ બાપ પણ જમાઈની સામે ગરીબ ગાય બનીને હાથ જોડીને ઊભો રહી જાય છે.'' ''દીકરી પરણાવી, એ જ દિવસથી 'લાચારી' શું, એની બધી ખબર પડી જાય છે. અસલના જમાનામાં ઘરે દીકરી અવતરે, ત્યારે બધા મોઢાં એમને એમ મચકોડતા નહોતા. જગતમાં આ સમસ્યાનો હજી સુધી તો કોઈ ઉકેલ શોધાયો નથી... દીકરીને સમય સાચવીને બધું સહન કરે રાખવા સિવાય !''

અને દીકરી તાકાતવાળી હોય તો બંડ પોકારી બતાવે... સાસરૂં તો ઠીક, ગોરધનને ય ગુમાવવાની ગણત્રી સાથે !

પાછા મૂળ વિષય પર આવીએ તો, ઘરમાં ય આપણને બાપ બનતા નથી આવડયું ને રોજ સાંજે- સવારે ગાર્ડનમાં આપણા જેવા બીજા અભાગીયા ડોહાઓની સાથે બેસવું પડે છે. દીકરાના પગ પકડીને એટલો આભાર કે હજી સુધી તો તમને વૃદ્ધાશ્રમમાં હડસેલી મૂક્યા નથી. એના દોસ્તો ઘેર આવે ત્યારે સમજીને આપણે ડોહા- ડોહીએ અંદર ગૅરેજ જેવા આપેલા રૂમમાં જતા રહેવાનું ને બધા જાય પછી જ બહાર આવવાનું. ઘરમાં તમે હવે એક ચીજવસ્તુ બની ગયા છો.

તો આવી સમસ્યાનો કોઈ ઉપાય ખરો ?

ખરો. એ ઉપાય તો સદીઓ પુરાણો હતો કે, નિવૃત્ત થયા પછી દીકરાના હાથમાં બધું જ આપી ન દો. એને ય, તમારી સામે ઝૂકવું પડે એવી સત્તા અને સંપત્તિ તમારી પાસે રાખી મૂકો, જે તમારા અવસાન પછી જ એ લોકોને મળે. તો વહુએ સીધી ચાલશે ને દીકરો ય !

પણ એ બધું નહોતા કરી શક્યા ને આજે ફક્ત લાચારીથી ઘરમાં પડયા રહીએ છીએ. એક જમાનામાં વૈભવ જોયો હતો ને દીકરાને આપ્યો પણ હતો, પણ આજે હડધૂતિની જાહોજલાલી ભોગવીએ છીએ, તો આજે કોઈ ઉપાય ખરો... સ્વામાનથી જીવવાનો ?

ચોક્કસ ખરો. રૂપિયાના ખર્ચ વગરનો ખરો. જો અજમાવી શકો તો !

જુઓ. હવે જેટલા કાઢ્યા છે, એટલા કાઢવાના નથી. દીકરો પહેલા ય તમારો નહતો થયો, તો આજે ક્યાંથી થવાનો છે ? અર્થાત્, બાકીની જે કાંઈ જિંદગી બચી છે, એ ધૂમધામ આનંદથી કાઢી નાખો. ભારતમાં રહેતા કોઈ પણ બ્રાહ્મણ, જૈન, વૈષ્ણવ કે દલિત જેટલો જ હું ઇશ્વરના અસ્તિત્વમાં માનુ છું અને એની શક્તિઓનો સ્વીકાર કરું છું. પણ હવે મારે ઇશ્વરનું નહિ, આનંદનું કામ છે, મનને મોજમાં રાખવાનું કામ છે. ઇશ્વર- ઇશ્વર જિંદગીભર કર્યું. હવે એને મૂકો તડકે અને માત્ર તમને આનંદ મળે, શાંતિ- સુકુન મળે, એ જ કામો કરો. એ જ ચીજો જુઓ એ જ વિચારો કરો, જેમાં તમે પ્રફુલ્લિત રહી શકો. હવે તબક્કો આવ્યો છે કે, સ્વયં પરમેશ્વરે ય તમારૂં કંઈ બગાડી/ સુધારી શકે એમ નથી. હોત તો આજે તમારી આ દશા હોત ? હવે તો દરેક આનંદ તમારે ખરીદવો પડે. પરમિટ મળતી હોય તો થોડો ઘણો છાંટો પાણી કરી લેવામાં તમે આવતી કાલના મંગળ પ્રભાતે હરિચરણમા પહોંચી જવાના નથી. તમે ઇચ્છો તો ય, એ 'શક્તિ'માં નથી કે, આ ઉંમરે કોઈના પ્રેમમાં પડી શકો, પણ સુંદર દ્રષ્યો જોઈને તો રાજી થવાય ને ? થોડું ઘણું કામ પૂરતું કમ્પ્યુટર આવડતું હોય, તો આખો દિવસ નીકલી જાય, એવી ગમ્મતો પડેલી છે. પોસાતું હોય તો વર્લ્ડ-ટુર નહિ તો આબુ- અંબાજી જવાનું રાખો.

બસ. ઘરમાં ને ઘરમાં પડી રહેવાની બુરી આદત બદલો. ઘરમાં કોઈના વાંક વગરે ય તમે બધાને નડવાના છો. (તમારો સ્વભાવ અમે કાંઈ બહુ સારો ધારી લીધો નથી...! જય અંબે...) જ્યાં સુધી પગ ચાલે છે, ત્યાં સુધી બને એટલું ફરો, નહિ તો જિંદગીના આખરી દિવસોમાં પલંગ ઉપર પડયા પડયા છત સામે મૃત્યુ સુધી જોયે રાખવું સહેલું નથી. છત જેવો બોરિંગ કલર બીજો એકે ય નથી!

સિક્સર

- એક મિનિટ કાઢીને તમારા પગના નખ જોઈ લો. કપાયેલાં છે ? ડોક્ટરો કહે છે કે, પગના અંગૂઠામાં વાંકો વળીને ઘૂસી ગયેલા નખના ઓપરશન જેવું પીડાદાયક બીજું એકે ય ઓપરેશન નથી.

- ભાઈ સા'બ... અંગૂઠા કરતા નખ કાપવા વધુ સહેલા પડશે.

13/09/2015

એન્કાઉન્ટર : 13-09-2015

* આપની નજરે હિંદીની પાંચ શ્રેષ્ઠ ફિલ્મો અને શ્રેષ્ઠ અભિનેતાઓ કયા?
- મુગલ-એ-આઝમ, મધર ઈન્ડિયા, જાગતે રહો, ફિર સુબહ હોગી અને જ્વૅલ થીફ, અભિનેતા/ત્રીઓ : અશોક કુમાર, અમિતાભ બચ્ચન, નસીરૂદ્દીન શાહ, ઉત્પલ દત્ત અને અમોલ પાલેકર... નૂતન, મીના કુમારી, નંદા, તનુજા અને અનુષ્કા શર્મા. (આ મત અભિનયને ધોરણે આપ્યો છે.)
(બલવંત ગોટાવાલા, ડાકોર)

* તમે અનામતની ફેવરમાં છો?
- ૧૦૦-ટકા! ભારતની એકેય જાતિ-જ્ઞાતિ અનામતથી બાકાત રહેવી ન જોઈએ. ભિખારી બનવામાં વળી શરમ શેની... હવે?
(દિવ્યા પરેશ શાહ, સુરત)

* ભારત અને અમેરિકા વચ્ચે શેનો તફાવત છે?
- 'અંતરનો.'
(અફઝલ સુમરા, ભાવનગર)

* અમેરિકાના 'નાસા'માં વધારે સંખ્યા તો ભારતીય વૈજ્ઞાનિકોની છે. એ લોકો ભારતમાં કેમ રહેતા નથી?
- ત્યાં રહેવું પડે છે ને અહીં 'પડયા' રહેવું પડે છે.
(નિલેશ ચિત્રોડા, ભાવનગર)

* મોદી અને ડૉ. મનમોહનસિંઘ વચ્ચે શું તફાવત?
- ઉંમરનો.
(કુલજીત/હિતેશ્રી પટેલ, ભુજ)

* આપ પંખો ચાલુ કરવાના રૂ. ૫,૦૦૦/- આપો છો. બંધ કરવાનું શું આપો છો?
- અમારામાં આપવાનું કાંઈ ન હોય... બધું લેવાનું જ હોય!
(સુનિલ વોરા, મુંબઇ)

* આપણા ભારત દેશમાં સંસ્કૃત ભાષા કેમ નાબૂદ થતી જાય છે?
- દસેક વર્ષ જવા દો... ગુજરાતી ય જવા ઉપર જ છે.
(યામિન બેનર્જી, સુત્રાપાડા)

* 'મન કી બાત'માં મોદીની જગ્યાએ તમને બેસાડે તો કેવું ફીલ કરો?
- આપણને ફક્ત 'ધન કી બાત'માં રસ છે... તનમનમાં નહિ!
(ડૉ. નૃપેશ ગુપ્તા, સુરત)

* 'કપિલના કૉમેડી શૉ'માં સિધ્ધુનું શું મહત્ત્વ છે?
- થેન્ક ગૉડ... 'એનકાઉન્ટર'ના જવાબે-જવાબે તમારે એને જોવો પડતો નથી.
(ધિમંત ભાવસાર, બડોલી)

* તમારાં પત્ની ભવોભવ તમને જ પતિ તરીકે માંગે, તો કેવું ફીલ કરો?
- એવું થાય તો ભવોભવ ભોગવવાનું એને છે... ગમે તેવો માલ ઉપાડી લાવવાની ભૂલ એ બીજી વાર ન કરે!
(હર્ષદ વ્યાસ, નવી મુંબઈ)

* નયનસુખનો લાભ મળે, છતાં બા ખીજાય નહિ, એવો કોઈ રસ્તો ખરો?
- આવું કરવામાં તમારામાં બાઓ ખીજાય ને અમારામાં વાઈફો બહુ ખીજાય... ઘણા બધાની!
(લલિતચંદ્ર મેહતા, અમદાવાદ)

* અમારા ગામના લોકોને તમારા લેખો વાંચતા કરી દેવા છે.
- મને લાગે છે, એટલું અક્ષરજ્ઞાન તો હશે જ..!
(સંદીપ શેઠ, થાનગઢ)

* કુદરતી આપત્તિમાં બચી ગયેલાઓ કહેતા હોય છે, 'ભગવાને બચાવ્યા', તો મૃત્યુ પામેલાઓ શું કહેતા ગયા હશે?
- ''મરવા દે ને...!''
(અશોક પટેલ, ડાભલા-વિજાપુર)

* તમે લગ્ન બાદના 'અફેર'માં માનો છો?
- મારા એકલાના માનવાથી શું થાય?
(લક્ષ્મણ શિયાલ, ગારીયાધાર)

* લગ્ન વખતે વરરાજાને ઘોડા ઉપર જ કેમ બેસાડાય છે?
- ત્યાં બેસવાનું જ ફાવે... સૂતા સૂતા વરઘોડો ન કઢાય!
(મનોજ ભાડજા, મોરબી)

* મુહમ્મદ રફીને 'ભારત રત્ન' અપાવવા માટે અપીલ કરવી પડે, એ આપણી કરૂણતા કહેવાય કે નહિ?
- એ સમજી લો કે, એમને આ એવોર્ડ નહિ અપાવનારના હાથ ઘણા લાંબા છે.
(રોહિત બૂચ, વડોદરા)

* ટીવી-સીરિયલોમાં સૌથી વધુ હેન્ડસમ હોય છે, એનું નામ 'કરણ' કેમ હોય છે?
- હા... એમાં કેટલાક 'કરણ જોહરો' ય હોય છે!
(નેહા મેહતા, નાલાસોપારા-મુંબઈ)

* 'એન્કાઉન્ટર' વગરની રવિ પૂર્તિ અનાથ બાળકની જેમ કેમ લાગે છે?
- ગૂડ જોક!
(વિવેક કિશોર, ગેડીયા, નિકોલ)

* મેં તમને જોયા નથી, પણ તમારા જવાબો ઉપરથી એવું લાગે છે કે, તમારી ઉંમર ૫૫-ની આસપાસ હશે...
- કોઈના માટે આવું ખરાબ ના બોલીએ, ભ'ઈ!
(દેવાંગ જોશી, નડિયાદ)

* વાઇફ સાથે હોય ત્યારે બીજાની વાઇફને જોવી કે નહિ?
- મને ડાઉટ હતો જ કે, તમે ૮૦-વર્ષના પડોસી સાથે કેમ આટલો સુંવાળો સંબંધ રાખો છો!
(હિતેશ દવે, રાજકોટ)

* તમારી શુક્રવાની 'ફિલ્મ ઈન્ડિયા' કૉલમમાં હજી સુધી ડિમ્પલ કાપડીયાની કોઈ ફિલ્મ વિશે કેમ નથી લખ્યું?
- ઘરના ને ઘરના માટે શું લખવું?
(કૌશિક એસ. શાહ, ભાવનગર)

* મને આપણા દેશનું તંત્ર 'અંધેર નગરી ને ગંડુ રાજા' જેવું લાગે છે... તમને?
- આપણે ભારતીય છીએ. જે દેશનું ખાતા હોઈએ, એનું ખોદતા નથી.
(દીપ્તિ ચેતન દવે, અમદાવાદ)

* મારા કેટલાય સવાલોના તમે જવાબ નથી આપ્યા. મતલબ કે, તમે અઘરા સવાલોથી દૂર ભાગો છો!
- મેં તમને કદી બોકડા બનાવ્યા?
(અબ્દુલ કરીમ બોકડા, ગોધરા)

* તમારા આટલા લાંબા સફળ લગ્નજીવનનું રહસ્ય શું છે?
- મારી સીતા 'અશોક વાટિકા'માં રહે છે, એ!
(રામ ઓડેદરા, પોરબંદર)

* 'આપકે પાંવ દેખેં... બહોત હસિન હૈ...' એવું તમારે ટ્રેનમાં કોઈને કહેવાનું થયું છે ખરું?
- બેસવાની જગ્યા મેળવવા એક વાર એક પોલીસવાળાને કીધું'તું ખરું ?
(નવિન મોકરીયા,રાજકોટ)

* માણસ પોતાની ભૂલ ઉપર ખુશ થતો હોય તો તમે એને શું કહેશો?
- અશોક દવે.
(દીપક આશરા, ગાંધીનગર)

* ટીવી પર આવતી છેતરામણી જાહેર ખબરો બંધ કેમ નથી થતી?
- આપણે ટીવી બંધ નથી કરતા માટે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જુનાગઢ)

11/09/2015

'બરસાત કી રાત' ('૬૦)

ફિલ્મ : 'બરસાત કી રાત' ('૬૦)
નિર્માતા : આર. ચંદ્રા
દિગ્દર્શક : પ્યારેલાલ સંતોષી
સંગીત : રોશન
ગીતકાર : સાહિર લુધિયાનવી
રનિંગ ટાઈમ : ૧૪ - રીલ્સ : ૧૪૨ મિનિટ્સ
થીયેટર : ખબર નથી.
કલાકારો : મધુબાલા, ભારત ભૂષણ, શ્યામા, ચંદ્રશેખર, કે. એન. સિંઘ, રત્ના ભૂષણ, પીસ કંવલ, એસ. કે. પ્રેમ, મુમતાઝ બેગમ, બાલમ, ખુર્શિદ બાવરા, મિર્ઝા મુશર્રફ, એમ. એ. લતીફ, નઝીર કાશ્મિરી, રવિકાંત નાગપાલ, રાશિદ ખાન અને પરવિન પૉલ.




ગીતો
૧. જીંદગીભર નહિ ભૂલેગી વો બરસાત કી રાત.... મુહમ્મદ રફી
૨. મૈંને શાયદ તુમ્હેં, પહેલે ભી કહીં દેખા હૈ ..... મુહમ્મદ રફી
૩. માયૂસ તો હૂં વાદે પે તેરે, કુછ આસ નહિ કુછ.... મુહમ્મદ રફી
૪. ગરજત બરસત સાવન આયો રે, લાયો ન.... સુમન- કમલ બારોટ
૫. મુઝે મિલ ગયા બહાના તેરી દીદ કા, કૈસી ખુશી...લતા મંગેશકર
૬. નિગાહેં નાઝ કે મારોં કા હાલ કયા.....આશા, સુધા, શંકર - શંભુ.
૭. જી ચાહતા હૈ ચૂમ લૂં.....આશા, સુધા,બન્દે હસન, બલબીર
૮. ના તો કારવાં કી તલાશ હૈ....રફી, મન્ના ડે, બાતીશ,
૯.જીંદગીભર નહિ ભૂલેગી વો બરસાત કી રાત.....

લતા- રફી મુહમ્મદ રફીના મોટા ભાગના ચાહકો એ બૂમો પાડે છે કે, રફી સાહેબના મોટા ભાગના ઝન્નાટ ગીતો પરદા ઉપર ભારત ભૂષણ લઇ ગયો છે. થોડા ઘણા બાકી હતા, તે પ્રદીપ કુમાર, શેખર કે વિશ્વજીત જેવા લઇ ગયા. ભા.ભૂ. એટલે કે ભારત ભૂષણ પોતે અલબત્ત સંગીતનો પ્રખર વિદ્વાન હતો. આપણને સહુને વિમાન ઉડાડવાની જટલી સમજ પડે, એટલી ય એને એકટિંગની સમજ પડતી નહોતી, પણ શાસ્ત્રીત સંગીતમાં એ ફક્ત ગાતો- વગાડતો નહતો, બાકી સૂઝ પૂરેપૂરી હતી. ભા.ભૂ.ને નામે ફિલ્મો ચાલી કે ફિલ્મી સંગીતને નામે એ ચાલ્યો, એ વિવાદનો કોઈ અર્થ નથી, છતાં રફી સાહેબના ચાહકો ઈચ્છે તો ખરા કે, એમના પ્રિય ગાયકનું પ્લેબેક શમ્મી, શશી, દિલીપ કે દેવ આનંદને મળે. પણ રફીના સર્વોત્તમ ગીતોની યાદી કાઢવા બેસો, તો મને- તમને જરા વધુ પડતા ગમતા મોટા ભાગના ગીતો રફીએ ભારત ભૂષણ માટે ગાયા છે.

.... ને એમાં બહુ નવાઈ પણ નથી. તમે એને ગમે તેવો હીરો માનો, પણ ફિલ્મો એની હાઉસફૂલ ચાલતી- ખાસ તો સંગીતને કારણે. એ પોતે ય ફિલ્મોનું નિર્માણ કરતો. નૌશાદની બૈજુ બાવરાને પરાશ્ત કરવા સંગીતકાર અનિલ બિશ્વાસ સામે ચાલીને ભા.ભૂ. પાસે દોડી ગયા, જેથી શાસ્ત્રીય રાગો ઉપર આધારિત બૈજુ...ની સમકક્ષ ફિલ્મ બનાવી શકાય. અને અનિલ દા નું અફ કૉર્સ, આ ક્ષેત્રે નામ મોટું હતું એટલે ભા.ભૂ. માની પણ ગયો. પણ એ જમાનો આઉટરાઈટ શંકર-જયકિશનનો ચાલતો હતો. એ વર્ષોમાં ફિલ્મ કોઈ પણ બનાવે, હીરો કે સંગીતકાર કોઈ પણ હોય, મનમાની કહો કે દાદાગીરી ફક્ત વિતરકો (ડિસ્ટ્રિબ્યુટર્સ)ની ચાલતી. વિતરકો એટલે ઝોન પ્રમાણે- જેમ કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આવેલા તમામ સિનેમાઘરોમાં કઈ ફિલ્મ કેટલા સપ્તાહ માટે બૂક કરવી અથવા તો ફિલ્મને એકે ય થીયેટરમાં રીલિઝ કરવી કે નહિ, એ બધા હક્કો અને નિર્ણયો વિતરકોના હાથમાં. રાજ કપૂર જેવાને પણ ફિલ્મ 'સંગમ'ની રીલિઝ માટે વિતરકો પાસે શબ્દાર્થ મુજબ, સર ઝૂકાવીને વિનંતીઓ કરવી પડતી હતી.

એ હિસાબે, 'બસંત બહાર'નું સંગીત જૂનાં અને હવે ખખડી ગયેલા અનિલ બિશ્વાસને નહિ, એક માત્ર શંકર-જયકિશનને જ આપવાની હઠ બધા વિતરકોએ કરી ને સાવ ક-મને ભા.ભૂ. એ ઝૂકવું પડયું. ભા. ભૂ.ની હઠ તો નૌશાદને જ બૂક કરવાની હતી. કમાલ આ બન્ને સંગીતકારોએ કેવા ઊંચા ગજાંની બતાવી, એ તો હવે ઈતિહાસ છે.

'બસંત બહાર'ના સંગીતની જેમ હજી બીજા ૪-૫ હજાર વર્ષો સુધી યાદ રહી જાય એવી આજની ફિલ્મ 'બરસાત કી રાત' પણ એણે બનાવેલી- એના ભાઈ આર. ચંદ્રાને નામે. ભારતના એકે ય શહેરમાં પૂરા સાત દિવસ નહિ ચાલેલી ફિલ્મ 'નઈ ઉમ્ર કી નઇ ફસ્લ' ભા.ભૂ.એ બનાવેલી, પણ રોશનના સંગીત અને ગીતકાર નીરજના ગીતોને કારણે ફિલ્મનું સંગીત અમર થઈ ગયું. ઈવન, મૂકેશનું ય યાદ છે ને ? 'દેખતી હી રહો આજ દર્પન્ન તુમ, પ્યાર કા યે મહુરત નીકલ જાયેગા....'

ભા.ભૂ. ને હન્ડસમ કહીએ તો વિવાદ થઈ શકે, પણ એ અફ કૉર્સ હન્ડસમ હતો. '૬૦- ના દાયકા સુધી. 'બૈજુ બાવરા' યાદ હશે, એ સહમત થશે કે, સરસ લાગતો હતો. પછી પતન શરૂ તો કેવું થયું કે, સાવ રૂમ-રસોડાની જીંદગીમાં આવી ગયો અને છેલ્લે છેલ્લે તો રોજના રૂ. ૧૦૦/- લેખે ફિલ્મોના પાર્ટી દ્રષ્યોમા ઍકસ્ટ્રા તરીકે આવવા માડયો.... ને નસીબ જુઓ ! છેલ્લે જતા જતા ય કેવો મધુરો લિસોટો મારતો ગયો ? ફિલ્મ 'પ્યાર કા મૌસમ'માં આર. ડી. બર્મને જે ગીત કિશોર પાસે હીરો શશી કપૂર માટે ગવડાવ્યું, એ જ 'તુમ બિન જાઉં કહાં, કે દુનિયા મૈં આ કે...' મુહમ્મદ રફીના કંઠે ભા.ભૂ. પાસે ગવડાવ્યું... ને કિશોર કરતા એ વધુ હિટ નિવડયુ, એવું બન્ને સાઈડથી માનનારાઓ આજે ય લોહીયાળ વિવાદો ઉપર ચઢી જાય છે.

રાજ કપૂરે આર. કે. સ્ટુડિયોનો સિમ્બૉલ, નરગીસ રાજ કપૂરના હાથમાં ઢળેલી છે ને રાજના હાથમાં વૉયલિન પકડેલી છે, એવો બનાવ્યો. અહીં ભારત ભૂષણે પોતાની ફિલ્મ કપનીનું નામ 'વિશ્વભારતી ફિલ્મ્સ' રાખીને સિમ્બૉલમાં ભારતના મહાપ્રતાપી રાજા ભરત નાનપણમાં ખૂંખાર સિંહનું જડબું ખોલાવીને કહે છે, ''મારે તારા દાંત ગણવા છે'', એ સિમ્બોલ કયા મેળનો રાખ્યો હશે, તે કોઈ જાણતું નથી. પોતાનું નામ ભારત પરથી ફિલ્મસંસ્થા 'વિશ્વભારતી અને સિમ્બોલમાં મહાપ્રતાપી રાજા ભરત ! ભા.ભૂ.ની પર્સનાલિટી જોયા પછી સિંહનું જડબું તો જાવા દિયો, ચોમાસામાં ભેજવાળું થઇ ગયેલું લાકડાનું ડ્રૉઅર ખોલી શકે તો ય બહુ થયું ભા'આ...ય!

ફિલ્મ 'બરસાત કી રાત' બનાવવાનો ભા.ભૂ.નો મુખ્ય હેતુ તો પોતાની પ્રાણપ્યારી પ્રેમિકા મધુબાલા સાથ પ્રેમ વધુ મજબુત કરવાનો હતો. બન્ને 'ફાગુન'માંય જામ્યા હતા. એને ખબર નહોતી કે મધુ ભા.ભૂ.ની પૅરેલલ પ્રદીપ કુમારને ય દિલ દઈ બેઠી છે. પરણેલો પ્રદીપ માલા સિન્હાને બહુ શ્રધ્ધાથી લટકાવતો હતો. માલુને પાક્કી ખબર પડી ત્યારે કલકત્તા પ્રદીપના ઘેર જઈને બધાની હાજરીમાં થપ્પડો મારી આવી હતી. મધુએ બબ્બેની જોડીઓમાં જ પ્રેમ કર્યો છે, પછી એ પ્રેમનાથ અને દિલીપ કુમાર હોય કે, દિલીપ અને કિશોર કુમાર હોય ! એક જમાનામાં મીના કુમારીના પતિદેવ કમાલ અમરોહી અભિનેત્રી વિદ્યાસિંહાના પિતા અને એ જમાનાના દિગ્દર્શક મોહન સિંહા ઉપરાંત સાથે ય 'ઘર-ઘર' રમવાના સંબંધો વિકસ્યા હતા, પણ જોડીમાં કોઈ ત્રીજું નહિ મળ્યું હોય, એટલે કમાલને એમના ગામ અમરોહા ભેગા થઈ જવું પડયું.

જોડીઓ તો આ ફિલ્મ 'બરસાત કી રાત'માં ય મૂઝાઈ જવાય એવી છે. ભા.ભૂ. મધુબાલને પ્રેમ કરે છે, તો શ્યામા ભા.ભૂ.ને ! બીજી બાજુ, મધુબાલાનું ગોઠવાય છે. 'ના તો કારવાં કી તલાશ હૈ...' કવ્વાલીમાં છાતીએ અનેક મડલો ભરાવીને ભા.ભૂ.ની સામે મન્ના ડેના પ્લેબકમાં ગાતો કલાકાર બાલમ અને બીજો તોફાની લાગતો કવ્વાલ આ ખુર્શિદ બાવરો છે. 'ગરજત બરસત સાવન આયો રે, લાયો ન સંગ મેં, હમરે બિછડે બલમવા' ગીત ટાઈટલ્સમાં વાપરી નાખવામાં આવ્યું છે. જે ફિલ્મના પરદા ઉપર શ્યામા અને રત્ના ભૂષણ ઉપર ફિલ્માયું છે. શ્યામાના અબ્બા હુઝુર (પપ્પા)નો રોલ કરનાર ચરીત્ર અભિનેતા એસ.કે.પ્રેમ છે. ફિલ્મના એક દ્રષ્ય માટે આ ફિલ્મના સંગીતકાર રોશન પોતે ય દેખાયા છે. ભા.ભૂ. હૈદ્રાબાદ જવા માટે ટ્રેનમાં નીકળે છે, તે પહેલા એના શ્યામાના ઘરમાંથી એક ફૅમિલી બહાર નીકળે છે, એમાં માથે ટાલ ને લમણે વાળવાળા રોશન છે. ફિલ્મના સાઈડ હીરો ચંદ્રશેખરનો ય એક જમાનો હતો. એકટિંગને નામે મોટું મીંડુ હોવાને કારણે એ ચાલ્યો નહિ. લુહારનો રોલ એમ.એ. લતીફને અપાયો છે, જે ફિલ્મ 'કાલાપાની'માં દેવ આનંદનો જેલમાં રહેતો પિતા બને છે.

હવે બધાને એ યાદ રહ્યું ન હોય કે, એક જમાનામાં હૈદ્રાબાદનું 'ડેક્કન' કરી નાંખ્યું અને પછી મુંબઈમાં શોહરત 'ભાઈલોગ'ની વધવા માંડી, એટલે 'ડેક્કન'નું 'ઢક્કન' કરી નાંખ્યું. (યાદ કરો, ફિલ્મ 'રંગીલા'માં આમિર ખાન એના ફૂટપાથછાપ દોસ્ત પકીયાને પૂછે છે, ''કૌન... વો ઢક્કન- કવીન ?'') મધુબાલાની સખી બનતી સુંદર અભિનેત્રી પીસ કંવલ છે. સાચ્ચે જ બડી ખુબસુરત હતી, પણ દસ-બાર ફિલ્મો પછી એ ચાલી કેમ નહિ, એ કોઈ જાણતું નથી.

મધુબાલાએ કદી હૅરસ્ટાઈલ ઉપર ધ્યાન જ આપ્યું નથી. બે ચોટલાં હોય, એ પણ ચૂંથાયેલા. 'અમર' કે 'કાલાપાની' જેવી ફિલ્મોમાં એનો કિરદાર શહેરી શિક્ષિત યુવતીનો હતો, ત્યારે સીધોસાદો અંબોડો. હકીકતમાં મધુ જ નહિ, એ જમાનાની ઑલમોસ્ટ બધી અભિનેત્રીઓ માથે જેવા હોય, એવા જ વાળ લઈને પરદા ઉપર આવતી. ચિત્રવિચિત્ર અને મગજમાં ય ન ઉતરે એવી હૅરસ્ટાઈલો '૬૦-ના દશક પછી શરૂ થઈ, જ્યારે ફિલ્મો રંગીન બનવા લાગી. વાળમાં હૅર-સ્પ્રે આવ્યું. સ્વિચ આવી, બૅક-કૉમ્બિંગ આવ્યું ને બનાવટી સ્પાયરલ ગૂંચળા જેવા લટીયાં આવ્યા. હજી કંઈ બાકી રહી જતું હોય એમ ગુજરાતી '૭'ના આંકડા જેવી લટો કપાળ ઉપર ફરકવા માંડી. રાજ કપૂર પોતે કેવો ભૂંડો લાગતો, આવી બનાવટી લટોથી, છતાં રાજેન્દ્ર કુમારો અને વિશ્વજીતો ય આવી લટો રાખવા માંડેલા.

થૅન્ક ગૉડ નહિ, થૅન્ક પરવિન બાબી કે, એના આવ્યા પછી છુટા વાળની ફશન શરૂ થઈ. માથાની બનાવટી વિગ બંધ થઈ. એક તબક્કો તો એવો આવ્યો કે, કપાળ ઉપર ફરકવા માંડી.

એક તબક્કો તો એવો આવ્યો કે, કપાળ ઉપર લટકતા ઝુલ્ફાને દર બીજી મિનિટે હીરોઈનો ચાર આંગળા ભરાવીને માથા ઉપર નાંખતી ને એની અસર દેશભરની યુવતીઓ ઉપર પડી.

પણ મધુબાલા કદાચ એક જ એકટ્રેસ એવી હતી, જેને વાળના સૌંદર્યની જરૂરત નહોતી. એનો ચેહરો જ વેચાતો અને ભારત દેશ માટે ફખ્રની વાત એ છે કે, અમેરિકાથી બહાર પડતા વિશ્વપ્રસિધ્ધ મૅગેઝિન 'લાઈફ'ના ફોટોગ્રાફરે ખાસ ઈન્ડિયા આવીને મધુબાલાના અનેક અને અનોખા બ્લૅક-અન્ડ-વ્હાઈટ ફોટા પ્રસિધ્ધ કર્યા. આજકાલ 'વૉટ્સ-એપ'માં ય એ ફોટા ધૂમ મચાવી રહ્યા છે. ફિલ્મ ચોક્કસપણે સરળ બની છે. રેહાનાવાળા પી.એલ. સતોષીનું દિગ્દર્શન છે. મુસ્લિમ બૅકગ્રાઉન્ડ પર બનેલી. આ ફિલ્મમાં મધુબાલા અને ભા.ભૂ. પ્રેમીઓ છે. પોલીસ ઈન્સપેકટર ચંદ્રશેખર ભા.ભૂ.નો દોસ્ત ખરો, પણ ફરજ પહેલી એટલે શાયરીના રવાડે ચઢેલા ભા.ભૂ.ને કોઈ કામધંધો કરવાની સલાહ આપે છે. (હજી આજે ય ઘણા મને પૂછે છે, ''આ 'બુધવારની બપોરે-ફપોરે' તો ઠીક છે.... પણ કમાવા માટે શું કરો છો ?'') મધુના ફાધર-મધર કે.એન. સિંઘ અને મુમતાઝ બેગમ મધુનો રિશ્તો લખનૌ કરી બેઠા હોય છે, એટલે સિંઘસાહેબ ભા.ભૂ.ને લાત મારીને કાઢી મૂકે છે. મધુ-ભા.ભૂ. બન્ને ભાગી જાય છે, પણ 'સિંઘ ઈઝ ઑલવેયઝ કિંગ' હોવાને કારણે બન્નેને પકડી પાડે છે ને મધુને લખનૌ લઈ જવામાં આવે છે, જ્યાં એના નિકાહ નક્કી થવાના છે. વચમાં શ્યામા પોતાની અરજીઓ કરી જુએ છે, પણ કંઈ વળતું નથી. આ બાજુ, મધુનો થવાવાળો પતિ સામે ચાલીને સિંઘને કહી દે છે કે, મધુ તો ભા.ભૂ.ની છે... મારાથી એને હાથે ય ન અડાડાય... ને પેલા બન્ને પ્રેમીઓ એક થાય છે.

બાકી ફિલ્મનો અસલી મજો તો રોશન ધી ગ્રેટના બેનમૂન સંગીતને કારણે આવી જાય છે. ભારતીય ફિલ્મોનો જો કોઈ સૌથી ઓછો 'અન્ડરરેટેડ' સંગીતકાર હોય, તો એ રોશન છે. કોઈ મહાન પાંચ સંગીતકારોના તમારે પણ નામ દેવાના હોય તો, તમને ય આઘાત લાગશે કે, એમાં રોશનનું નામ તમે મૂક્યું જ નથી. લતા, રફી કે મૂકેશનો સર્વોત્તમ પૈકીનો માલ રોશનની ફૅકટરીમાંથી આવ્યો છે, છતાં બિચારો ૫૦- જ વર્ષની ઉંમરે ગૂજરી ગયો અને પોતાની પબ્લિસીટી કરતા ન આવડી, એમાં આ રાગ યમનના મહારથી સંગીતકારને યાદ કરવા માટે આજે પણ એના પૌત્ર ઋત્વિક રોશનથી આજની પેઢીને ઓળખાણ આપવી પડે છે. લતા મંગેશકર એનું મહત્વ કેટલું ઊંચું આંકતી હતી, તેનો ચોખ્ખો પુરાવો એ વાત પરથી મળે છે કે, લતાએ પોતે બનાવવા મૂકેલી ફિલ્મ 'ભૈરવી' (જે પછી બની નહિ) તેનું સંગીત રાગ ભૈરવીના શહેનશાહો શંકર-જયકિશન કે નૌશાદને બદલે રોશનને આપવાનું નક્કી કર્યું હતું. રોશનના સંગીતની પહેલેથી એક ખૂબી રહી છે કે, ઑરકેસ્ટ્રાનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને વધુને વધુ મેલડીવાળા ગીતો સર્જવા. વાંસળી એનું પ્રિય વાદ્ય. સ્થાયી અને અંતરા-બન્નેમાં અલગ અલગ રિધમ વાપરવાની શરૂઆત કરનારાઓમાં રોશનનું નામ આગળ આવે. (દા.ત. ફિલ્મ 'બાવર નૈને'નું રફી-આશાનું, 'મુહબ્બત કે મારોં કા હાલ...' ફિલ્મ 'હમલોગ'ના બે ગીતો, 'ગાયે ચલા જા, ગાયે ચલા જા....'અને 'બૉગી બૉગી બૉગી, યોયોયોયો....'- શમશાદ- દુરાણી) બાંસુરીની જેમ રોશનને સારંગી બહુ પ્રિય હતી, પણ જેનો ભાગ્યે જ ઉપયોગ કર્યો છે તે પિયાનોમાં એક કમાલ એવી કરી બતાવી કે, રાજ-નરગીસની ફિલ્મ 'અનહોની'માં વરરાજા (તલત મેહમુદ) કરતા અણવર (પિયાનો) વધુ ફૅમસ થયો... 'મૈં દિલ હું એક અરમાન ભરા, તુ આ કે ઈસે પેહચાન જરા...'કવ્વાલીમાં હજી આજે ય રોશનથી ઉપર અન્ય કોઈ સંગીતકારનું નામ નથી. આ ફિલ્મની જેમ 'તાજમહલ', 'બાબર' કે 'દિલ હી તો હૈ' જેવી તો અનેક ફિલ્મોમાં એની કવ્વાલીઓ અપરાજીત રહી. બીજું નામ ઈકબાલ કુરેશીનું ચોક્કસ આવે. પણ પછી બીજા ખાસ કોઈ નહિ. રોશને મોટા ભાગે તો સાહિર લુધિયાનવી સાથે જ કામ કર્યું છે. યાદ કરો, 'તખ્ત કયા ચીઝ હૈ ઔર લાલ-ઓ-જવાહર ક્યા હૈ, ઈશ્કવાલે તો ખુદાઈ ભી લૂટા દેતે હૈ...'

ફિલ્મ 'આરતી'નું એ ગીત તો જરા જુદી રીતે યાદ કરવા જેવું છે. લતા પાસે ફાસ્ટ રિધમમાં લાવણી જેવું 'તોહે બહર બહર તો હે ક્યા સમઝાયે..' પછી સ્થાયીમાં રિધમ જ ધીમી થતી નથી.. ગીતનો આખો સ્કેલ જુદો થઈ જાય છે. બહુ ઓછાના ધ્યાન પર આવ્યું હશે કે, આ ગીતમાં એક સાથે અનેક સિતારો વગાડવામાં આવી છે. (વાચકોને ગોટે ચઢાવી દેવાનો એક સવાલ : આટલી મહાન ગાયિકા હોવા છતાં લતા મંગેશકરે કવ્વાલીઓ કેમ નથી ગાઈ ? અને ગાઈ હોય તો કઈ કઈ....? ) ('જેમ કે', 'તેરી મહેફીલ મેં કિસ્મત આઝમાકર, હમ ભી દેખેંગે'....) બીજું, આપણે જેમને ખૂબ મોટો અન્યાય કરી ચૂક્યા છીએ, તે કવ્વાલીના શહેનશાહો શંકર-શંભુની કવ્વાલીની કોઈ સીડી પણ મળતી નથી. અદભુત તાનો અને મૂર્કીઓ મારતા આ બન્ને કવ્વાલો ગુમનામીમાં જ ખોવાઈ ગયા.

યસ. રફીના ચાહકો ખુશ તો થઈ જાય પણ કરીં કાંઈ ન શકે એમના એક અલભ્ય ગીતનો ટુકડો મેળવવા માટે, જેની રેકૉર્ડ બહાર નથી પડી, પણ ફિલ્મ 'દિલ હી તો હૈ'માં મૂકેશના 'ભૂલે સે મુહબ્બત કર બૈઠા...'ના જ ઢાળ ઉપર રફીનું કે મીટરલેસ સોલો ફિલ્મના સાઉન્ડટ્રેક પર સાંભળવા મળે છે. 'ક્યા ગમ જો અંધેરી હૈ રાતેં, એક શમ્મે તમન્ના સાથ તો હૈ, કુછ ઓર સહારા હો કે ન હો, હાથોં મેં તુમ્હારા હાથ તો હૈ....' (આ ગીત 'ભૂલે સે મુહબ્બત..'ના ઢાળમાં ગાઈ જુઓ એટલે રફીનો એ ટુકડો તમે વગર સાંભળે ગાઈ બતાવેલો ગણાશે.) બાકી તો રફીના ત્રણે સોલો 'જીંદગીભર નહિ ભૂલેગી', 'મૈંને શાયદ તુમ્હેં, પહેલે ભી કહીં દેખા હૈ' અને 'માયૂસ તો હું વાદે પે તેરે....' રાત્રે બાલ્કનીમાં અંધારૂં કરીને આરામખુરશીમાં લંબાવીને સાંભળવા જેવા છે.

એ જ રીતે લખનૌની સ્કૂલમાં રોશનની સાથે મેટ્રીક સુધી એક જ કલાસમાં સાથે ભણતા ગાયક મૂકેશની કરિયર બનાવવામાં શંકર-જયકિશન કરતા રોશનનો ફાળો વધુ મોટો ! 'અપની નઝર સે ઉનકી નઝર તક, એક ઝમાના એક ફસાના...' સુઉં કિયો છો ?

અંગત રીતે, મારા માટે લતા મંગેશકર અન મુહમ્મદ રફી બન્ને એક સરખા લાડકા છે, ઓછુવત્તું કોઈ નહિ. ઉપરાંત, આ કૉલમમાં અનેકવાર લખાઈ ચૂક્યું છે કે, જે એકલ ગીત (સોલો) કોઈ પુરૂષ ગાયકે ગાયું હોય, એ પછી લતા, આશા કે ગીતા દત્તે ગાયું હોય, એનું અસ્તિત્વ પણ ન દેખાય,એ રીતે તમામે તમામ ફીમેલ-ગીતો ચાલ્યા જ નહી. (જેમ કે, 'એહસાન તેરા હોગા મુઝ પર..' અથવા 'મેરે મેહબૂબ તુઝે, મેરી મુહબ્બત કી કસમ...') આવા સેંકડો ગીતો છતાં અપવાદરૂપે એક પણ ગીતમાં ફીમેલ-વૉઈસ ચાલ્યો જ નથી, ત્યારે (ફરીથી આ મારો અંગત મત છે કે) રોશનલાલનું એક આ ગીત 'જીંદગીભર નહિ ભૂલેગી વો બરસાત કી રાત...'માં દસે દિશાઓથી લતા મંગેશકરવાળું વધુ મીઠડું બન્યું છે. સાહિરે એના એ જ શબ્દો ઠોકવાને બદલે નવા અંતરાઓ લખ્યા છે ને રોશને લત્તા પાસે ગવડાવ્યું પણ જરા 'હટ કે' છે.

યસ. આ ફિલ્મ ચોક્કસપણે જોવા જેવી બની છે.

09/09/2015

પોલીસથી આપણી આટલી ફાટે છે કેમ ?

''અસોક... તીયાં પોલીસવારો ઊભ્ભો લાગે છે...'' બાજુમાં બેઠેલી વાઈફે દૂરથી ચાર રસ્તે ઊભેલા ટ્રાફિક પોલીસને જોઈને મને ચેતવ્યો.

''તે આપણે ક્યાં કોઈનું ખૂન કરીને ભાગી રહ્યા છીએ, તે તું આટલી ગભરાઈ ગઈ ?''

એ કાંઈ બોલી તો ન શકી, પણ હતી એનાથીય વધુ નજીક મારી પાસે આવતી રહી, ''હાય બ્બા... આપણે કાંય નો કયરૂં હોય ને તો ય પોલીસવારાને જોઈએ,એટલે ગભરાઈ તો જવાય જ!''

''તો પછી... કાંઈ કરી બતાવીએ...! જોઈએ તો ખરા, કાંઈક કર્યા પછી પોલીસની બીકો લાગે છે કે નહિ ?''

''સુઉં તમે ય તી બધ્ધું મજાકુંમાં જ કાઢો છો...! કોક દિ...''

ત્યાં જ સિગ્નલ ગ્રીન થયું ને મેં ગાડી સ્ટાર્ટ કરી ને સામે છેડે ઊભેલા પોલીસે અમને રોક્યા.

હવે તો હું ય ગભરાયો. પોલીસની આ જ ખૂબી છે. તમે કાંઈ ન કર્યું હોય, તો ય ગભરાવું તો પડે જ ! કયા ગુન્હા હેઠળ ગભરાવાનું છે, એ બધું પછી નક્કી થાય. મેં ગાડી સાઈડમાં લીધી, એટલે બહુ વિનયપૂર્વક મારી પાસે આવ્યો. એના શરીરમાં ફક્ત જોવા જેવો જ નહિ, 'દેખાય એવો' પણ એક જ મુખ્ય ભાગ હતો - એની ૫૬''ની છાતી સોરી... ૫૬''નું પેટ.

''સાહેબ, લાયસન્સ આપશો ?''

''સોરી, તમારું લાયસન્સ મારી પાસે નથી... કેમ એવો ડાઉટ...''

''હું તમારું ડ્રાઈવિંગ-લાયસન્સ માગું છું...''

વાઈફ થથરી રહી હતી. હમણાં પાટીદાર-અનામત આંદોલન વખતે પોલીસોએ લોકોને ઘરમાં જઈ જઈને માર્યા હતા, એવું એણે સાંભળ્યું હતું, પણ ગાડીમાં ઘૂસી ઘૂસીને કોઈને માર્યા હોય, એવું તો મેંય નહોતું સાંભળ્યું.

''હવે મારશે'' વાળો ફફડાટ શરૂ થશે !

આમ આપણે બહાદુર પણ પોલીસ પાસે નહિ. એટલે છાતીમાં થડકારો થવા માંડયો અને ગભરાહટમાં લાયસન્સને બદલે અમારા ધોબીનું બિલ આપી દીધું. એ હાથમાં લઈ મુસ્કુરાયો ને પૂછ્યું, ''ધોલાઈનો બહુ શોખ છે, સાહેબ ?''

બસ. મારી શંકા સાચી પડી. હવે આ રાક્ષસ મારી ધોલાઈ ઉપર ઉતરી આવવાનો.

''સાહેબ...લો. આ તો ધોબીનું બિલ છે. હું લાય...''

''અરે ઈન્સ્પેક્ટર સાહેબ...'' મેં વાઈફને વર્ષો પહેલાં શીખવાડી રાખ્યું હતું કે,કોઈ બી પોલીસવાળાને જમાદાર કે હવાલદાર નહિ કહેવાનું... 'ઈન્સ્પેક્ટર'કહેવાનું, તો એ ખુશ થાય. ભારતના કોઈ પણ કોન્સ્ટેબલનું પહેલું સપનું ઈન્સ્પેક્ટર થવા સુધીનું હોય છે. એથી આગળ તો એય જાણતો હોય છે કે,વધાવાનું નથી. ''આ મારા હસબન્ડ બહુ મોટા લેખક છે, ઇનસ્પેક્ટર સાહેબ.''

''બેન, હું એમની મજબુરીઓ વિશે નથી પૂછતો... લાયસન્સ માંગુ છું.''

''પણ... શેને માટે ? અમારો ગુન્હો શું ?'' વાઈફે નવેસરથી ગભરાવાનું શરૂ કર્યું.

''સાહેબ ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા હતા...''

હું હજી કોઈ બહાનું કાઢવા જઉં, એ પહેલા વાઈફે કહેવા માંડયું, ''અરે સાહેબ... તમારી કોઈ ભૂલ થાય છે. એ મોબાઈલ પર વાતો નહોતા કરતા... અમે બંને તો વિડીયો-ગેમ રમતા'તા...! આ તો મેં કુ'... રેડ-સિગ્નલ હતું, તે મેં કુ' ... 'સ્ક્રેબલ' રમીએ... તમારા વાઈફ રમે છે, સર-જી ?''

પહેલા ઈન્સ્પેક્ટર, પછી સાહેબ અને હવે સર-જી કહેવાનો થોડો ફાયદો તો થયો. મને ગાડીમાં ઘુસીને મારવાને બદલે પ્રેમપૂર્વક બહાર બોલાવ્યો. ''નીચે ઉતરશો, સાહેબ...?''

હવે ફાટી... આ તો નીચે ઉતારીને ધોવા માંગે છે. સાલું, બધા જોશે તો સમાજમાં કેવું ખરાબ લાગશે ? વળી, આપણને તો એવો કોઈ અનુભવ જ નહિ. આજ સુધી મેં પોલીસવાળાના હાથનો માર જ ખાધો નથી, પણ એટલી ખબર કે, એ લોકો સાલા એવી રીતે મારે કે, લોહી-બોહી ના નીકળે, પણ આપણે બે-ત્રણ મહિના સુધી વિડીયો-ગેમ રમવાને કાબિલ ન રહીએ. ગાડી તો દૂરની વાત છે... આપણે બાથરૂમનું ગીઝરેય ન ચલાવી શકીએ. આમ પાછા આપણે કાયદો જાણીએ કે, એમ કાંઈ ચાલુ કારે મોબાઈલ વાપરવામાં એ લોકો મારામારી ઉપર ન આવી જાય, પણ એ પીધેલો નહિ હોય, એની શું ખાતરી ?પછી યાદ આવ્યું કે, મુંબઈ હોય તો વાત જુદી છે. ગુજરાતમાં કોઈ પોલીસવાળો 'ચાલુ ડયુટીએ' નથી પીતો...!

''સર-જી, જે કાંઈ પૂછવું હોય તે અંદર આવીને પૂછી લો ને... મને બહાર બોલાવવાની શી જરૂરત છે ?'' એવું હું મનમાં બોલ્યો હતો, બાકી દરવાજો ખોલીને બહાર જ આવી ગયો. મને ખોટા અભિમાનો નહિ.

લાયસન્સ જોવા ઉપરાંત એણે અન્ય પૂછપરછો પણ વિનયપૂર્વક કરી.

''ખેર, પર્સનલી તમે જે કોઈ હો સાહેબ... પણ દેખાવ ઉપરથી તો ભણેલા-ગણેલા લાગો છો... ચાલુ ગાડીએ મોબાઈલ વાપરવો, એ બહુ મોટો ગુન્હો બને છે, એ તો જાણતા હશો ને ?''

અચાનક વાઈફે બૂમ મારીને મને એનો મોબાઈલ આપ્યો, ''અસોક... લિયો લિયો... મેં પરમાર સાહેબને ફોન લગાઈડો છે... સાહેબ, પરમાર સાહેબને તો આપ ઓળખતા જ હશો... અમારા વિસ્તારના સુપરીન્ટેન્ડેન્ટ સાહેબ છે... લિયો,આપ જ વાત કરો...''

મેં ગુસ્સે થઈને છતાં બોલ્યા વિના ફોન સ્વિચ-ઓફ કરી નાંખ્યો ને એની સામે (જાહેરમાં) પહેલી વાર આંખો કાઢી (ખાનગીમાં એકેય વાર નહિ !) ચૂપ રહેવાનું કીધું.

''તમારા જેવા ભણેલા અને સારા ઘરના માણસો જ કાયદાનું પાલન નહિ કરે,તો બીજા પાસેથી પોલીસ શું અપેક્ષા રાખે ?'' મારૂં નામ-સરનામું નોંધી, સારો એવો દંડ ફટકારીને જવા દીધા.

''દાદુ... તમને તો કાંઈ પોલીસે પકડયા-બકડયા'તા ને, કાંઈ ?''

''અઅઅઅ... હેં ? કોણે કીધું ? ... આઈ મીન, એવું તો કાંઈ...''

''અરે કોણે કીધું, શું ? મારી વાઈફે કીધું ત્યારે ખબર પડી કે, ગઈ કાલે એ લોકોની કિટ્ટી-પાર્ટીમાં ભાભી- આઈ મીન, તમારા વાઈફે તમારી મસ્ત મિમિક્રી કરી બતાવી હતી કે, પોલીસે ઊભા રાખ્યા પછી તમે કેવા ફફડતા'તા... હાહાહાહા... વાહ દાદુ... ભાભી તો કહેતા'તા કે, તમારી તો જીભે ય તોતડાવા માંડી હતી - પોલીસને જોઈને ! '' જે વાત ઘરમાં ને ઘરમાં જ નહિ, ગાડીમાં ને ગાડીમાં જ રાખવાની હતી, તે આવી આ આખા ગામમાં જઈને કહી આવી હતી અને એ ય ફખ્ર સાથે !''

''અરે બોસ... એક્ઝેક્ટ કયા ચાર રસ્તે તમને પકડેલા ? તમારી ગાડીની દિશા કઈ હતી ?... આઈ મીન, પૂર્વથી પશ્ચિમ એટલે કે, રોડ ઉપર સીધેસીધા જતા'તા ને... ? ન જ જવાય... અમારા વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ તો... ગાડી તમારે થોડી આડી ચલાવવી પડે ! બાય ધ વે, ભાભી તમારી લેફ્ટમાં બેઠા હતા કે રાઈટમાં ?''

''લેફ્ટમાં...! રાઈટમાં-ગાડીની બહાર તો ખુરશી મુકાવીને એને બેસાડાય નહિ ને !'' મેં જરા ગીન્નાઈને કીધું.

''પાપા, કોઈ પરમાર સાહેબનો ફોન હતો. તમને પોલીસ સ્ટેશને બોલાયા છે... કંઈ નારાજ હોય એવું લાગ્યું. કહેતા'તા કે, એક તો ગુન્હો કરો અને ઉપરથી આવા કામ માટે મારૂં નામ વટાવી ખાઓ છો ?''

''અસોક... હવે પાણીડાં મૂકો કે, જીવસું, તીયાં સુધી ચાલુ ગાડીએ કોઈ 'દિ મોબાઈલું નંઈ વાપરીએ...'' વાઈફે દુ:ખી કંઠે કીધું.

''કેમ ? મોબાઈલને બદલે ચાલુ ગાડીએ ઈસ્ત્રી વાપરવી છે ?''

''ના... આપણા કાપડીયાકાકાનું આખું ફેમિલી ગાડીમાં મહુડીથી આવતું'તું... ગાડી સ્વેતાભાભી હલાવતા'તા, તે મેં 'કુ... લાય મોબાઈલ કરૂં... કઈરો, એમાં ભાભીનું ધિયાન નો રિયું ને આખું ફેમિલી હાઈ-વે પર ઝાડ હારે ભટકાણું, સ્વેતાભાભીના સરીર ઉપર છ ફેક્ચરૂં થીયાં ને બાકીના બધાને એકએક-બબ્બે તો હાચા...! ઈ તો કિયો કે બધાં બચી ગીયા... પણ આજથી ચાલુ ગાડીએ કોઈ'દિ મોબાઈલું નંઈ વાપરીએ...''

સિક્સર
આપણી માનસિકતા અને રાષ્ટ્રીયતા તો જુઓ... ૨૨ વર્ષે આપણી ક્રિકેટ ટીમ શ્રીલંકામાં ટેસ્ટ-સીરિઝ જીતીને આવી છે, એનો જશ્ન મનાવવા કરતા આપણને ઈંદ્રાણીમાં વધુ રસ પડે છે...!

06/09/2015

ઍનકાઉન્ટર : 06/09/2015

* જ્યાં વોટબેન્કને બાજુ પર રાખીને સામાજીક, આર્થિક અને રાજકીય ન્યાય મળે, એવી ભારતમાં કોઈ જગ્યા ખરી ?
- અનાથાશ્રમ.
(યોગેશ કડાચા, અમદાવાદ)

* લગ્નની વિધિ કરાવતો કર્મકાંડી બ્રાહ્મણ પોતે કુંવારો રહે, એનો શો ઉપાય ?
- સલૂન ખોલીને બેઠા એટલે પોતાનું હેર કટિંગ પણ જાતે કરવાની જીદ ન પકડાય.
(હિરેન જોશી, અમદાવાદ)

* 'અચ્છે દિન' હતા પણ નહિ ને આવશે પણ નહિ. સુઉં કિયો છો ?
- થોભો. હમણાં પટેલોના અચ્છે દિન આવી રહ્યા છે, આપણા ય આવશે.
(ખુશ્બૂ જોશીઠાકૂર, વડોદરા)

* સંબંધો ખરાબ હોય, એને 'આડા' સંબંધો કેમ કહેવાય ?
- બધા જ આડા સંબંધો ખરાબ હોઈ શકે... બધા ખરાબ સંબંધો આડા ન હોય !
(ધીમંત ભાવસાર, બડોલી-ઈડર)

* 'આઝાદી કો લાયે થે હમ દુલ્હન બનાકર, કુછ કમીનોં ને ઉસે કોઠે પર બીઠા દિયા...' આ શે'ર કોણે લખ્યો છે ?
- મ્યુનિ. કોઠામાં તપાસ કરો.
(અરવિંદ આર. શાહ, મુંબઈ)

* 'બુધવારની બપોરે' વાંચતા એકલા એકલા હસવું આવી જાય છે. પતિ કહે છે, આમ એકલું ન હસાય... !
- આ હિસાબે, એમને હ્યૂમરમાં સમજણ પડતી લાગે છે !
(અફરોઝ આર. મીરાણી, મહુવા)

* પેકિંગમાં માલ ઓછો ને હવા વધારે ભરેલી હોય છે, કોઈ નિરાકરણ ?
- મારા લગ્નમાં ય એવું જ થયેલું, બેન !
(મોના મીરાણી, મહુવા)

* ડિમ્પલ અને તેના પતિ વચ્ચે બીજી સ્ત્રીને લાવવામાં તમારો ફાળો ખરો ?
- મતલબ... લોકોને હવે સની દેવલની જેમ મારી ઉપરે ય ડાઉટ પડવા માંડયો !
(જયેશ એમ. સંઘવી, અમદાવાદ)

* કોઈને તમે આંગળી આપો ને એ હાથ પકડી લે તો શું થાય ?
-ગલીપચી.
(પિયુષ પ્રજાપતિ, ગીરગઢડા)

* શાંતિ જોઈએ છે. શું કરવું ?
-મમ્મી-પાપાના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લો.
(કલ્પના એમ. જરૂ, જૂનાગઢ)

* મારૂં મન મોર બની થનગાટ કરે... તમારૂં ?
-મારૂં તો સલામત છે.
(બ્રિજેશ ગાંગાણી, સુરત)

* વેકેશન ચાલુ છે. ટાઈમપાસ માટે શું કરવું ?
-દર પંદર મિનિટે ઝાડ ઉપર ચઢીને ઉતરી જવું.
(યશ દહીમા, કોડિનાર)

* હજી ગરમી પડે છે. ચાલુ પંખો રાખવો કે એસી ?
-ઘરના આવા ખાનગી સવાલો ય જાહેરમાં પૂછશો ?
(સ્મિત પટેલ, રાજકોટ)

* ઘણા માણસો ઊંટ પર બેઠા હોય તો ય કૂતરૂં કરડી જાય છે. તમારે કેમનું છે ?
-ઓહ... મને એમ કે, તમે વેટરીનરી (ઢોરોના) ડૉક્ટર હશો !
(ડૉ. સમીર ચૌહાણ, નસવાડી)

* 'શ્રી' કે 'માનનીય' જેવા ક્યા સંબોધનથી તમને સવાલ પૂછું તો મને જવાબ મળે ?
-બસ, ગાળ ન બોલતા.
(કમલેશ બી. શુકલ, અમદાવાદ)

* તમારા જેવા હાસ્યલેખકો સાવ ઓછા કેમ હોય છે ?
-You can not improve perfection.
(જયેશ અંતાણી, ભાવનગર)

* 'વેચવાની છે, મફતમાં લાગણી...' ને તો ય લોકો ભાવ કસે છે...
-તમે લાયા હશો ય મફતમાં ને... ? હવે ફરિયાદ શેની ?
(પંકજ પઢીયાર, લાઠી)

* ઘણા વિચિત્ર સવાલોના તમે સ્માર્ટ જવાબો કેવી રીતે આપી શકો છો ?
-લગ્નને ખાલી ૩૮-વર્ષો જ થયા.
(મૌલિકા દોશી, અમદાવાદ)

* અમેરિકામાં અનેક ગુજરાતીઓની હત્યા થાય છે. કોઈ ઉપાય ?
-આપણાથી ગુજરાતીઓને બદલે બીજા કોઈને મારવાની અપીલ તો ન કરાય ને?
(ટ્વિન્કલ પઢીયાર, આણંદ)

* આટલી બધી થપાટો ખાવા છતાં માણસ ઈશ્વરના અસ્તિત્વને કેમ સ્વીકારતો નથી ?
-થપાટો ખાધા પછી શું કામ સ્વીકારે ?
(દયાળજી લાખાણી, પોરબંદર)

* જો તમે ભૂલથી પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરી ગયા હો, તો પહેલું કામ ક્યું કરો ?
-જે અહીં ફૂટપાથ પર ઊભા રહીને કરવું પડે છે.
(ડૉ. કિશોર રાઠોડ, જેતપુર)

* ફિલ્મોમાં બતાવવામાં આવતા નેતાઓ અને વાસ્તવિક નેતાઓ વચ્ચે શું ફરક હોય છે ?
-ફિલ્મોમાં તો કામ પતી ગયા પછી એ લોકો માણસ બની જાય છે.
(વિહાજી ચૌહાણ, જેતડા-થરાદ)

* હમણાંથી મોદી સાહેબ વિશે તમારો અભિપ્રાય બદલાયો લાગે છે ?
-હા... પેટ-બેટ વધ્યું હોય એવું તો લાગે છે !
(સોયેબુસેન ગઢીયા, રાજકોટ)

* તમારે ૩-૪ પત્નીઓ તો હશે જ ને?
-એક આદર્શ ભારતીય પુરૂષ ઘરમાં ફક્ત એક જ પત્નીને ચાહે છે.
(કેયૂર પાંચાણી, સણાલીયા-અમરેલી)

* ફોટામાં તમે ૬૩-ના હોવાનું કહો છો, પણ દેખાવમાં ૩૬-ના લાગો છો. આ સદાબહાર યુવાનીનું રહસ્ય ?
-મારી જન્મ તારીખ... ૨૯ ફેબ્રુઆરી.
(દીપ્તિ કે. રાવલ, આણંદ)

* તમારા જવાબોમાં દેશભક્તિની વાતો આવે છે, ત્યારે ખુશ થઉં છું. આવી હાકલ નરેન્દ્ર મોદી કરે તો ?
-તો પછી મારે નવરા બેસી રહેવાનું ?
(અશરફ પાંડોર, સુરત)

* શું તમે સાચ્ચે જ અક્ષયકુમારની સાસુને પ્રેમ કરો છો ?
-ના. રીહર્સલો કરૂં છું.
(દીપક શાહ, મુંબઈ)

* શું નરેન્દ્ર મોદીની ખોટ આનંદીબેન પૂરી કરી શક્યા છે ?
-ના. હાઈટ-બોડીમાં હજી બેન ઘણા પાછળ છે.
(પરેશ દવે, રાજકોટ)

05/09/2015

‘કિસી સે ના કહેના’ (’૮૩)

ફિલ્મ : ‘કિસી સે ના કહેના’ (’૮૩) 
નિર્માતા : જયવંત પઠારે 
દિગ્દર્શક : ઋષિકેષ મુકર્જી 
સંગીત : બપ્પી લાહિરી 
ગીતો : યોગેશ ગોડ 
રનિંગ ટાઇમ : ૧૪ – રીલ્સ : ૨ કલાક ૧૦ મિનિટ 
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકરો : ઉત્પલ દત્ત, દીપ્તિ નવલ, ફારૂક શેખ, સઇદ જાફરી, એસ. એન. બૅનર્જી, લલિતા કુમારી, આશા શર્મા, કેતકી દવે, નીલુ અરોરા, બબલી, કનુ રૉય, કમલાકર દાતે, બલદેવ મેહતા, ગીરિશ ગોસાવી, અમોલ સેન, સમ્રાટ કપૂર, રાજનાથ, હરિશ મગન, યુનુસ પરવેઝ, દેવેન વર્મા.

ગીતો : 
૧. ઢુંઢો જશોદા ચાહુ ઔર..... આશા ભોંસલે 
૨. કિસી સે ના કહેના..... આશા ભોંસલે 
૩. ફૂલોં તુમ્હેં પતા હૈ મન ક્યું..... આશા ભોંસલે 
૪. કાહે ઝટકે ઇતને મારે..... આશા ભોંસલે – બપ્પી 
૫. તુમ જબ સે જીવનમેં ખુશ્બૂ..... આશા ભોંસલે

આ કૉલમમાં આપણે જીદ્દીની જેમ ફક્ત ’૭૦ – સુધીની હિંદી ફિલ્મોને જ વળગી રહ્યા છીએ, પણ વાત ઋષિકેષ મુકર્જીની ફિલ્મોની આવે, તો એમણે ઇ.સ. ૨૦૫૬–માં ય કોઇ ફિલ્મ ઉતારી હશે, તો ય એને માટે હું લખવાનો. એમ તો વચમાં આપણે ‘ડોર’ જેવી ક્લાસિક સુંદર ફિલ્મને પણ અપવાદરૂપે અહીં લઇ આવ્યા હતા, પણ ઋષિ દા ની તો કોઇ પણ ફિલ્મ જુઓ, એટલે મન મગન–મગન થઇ જાય. એ વાત જુદી છે કે એમની ફિલ્મો ઓછા બજેટમાં બનતી હોવાથી, જોઇએ એવી પબ્લિસિટી થઇ ન શકતી, એટલે આવી ક્લાસિક કૉમેડી ‘કિસી સે ના કહેના’ પણ... પૉસિબલ છે, તમારે જોયા વિનાની રહી ગઇ હોય...! 

.... અને એવી જોયા વિનાની રહી ગઇ હોય તો છેવટે પડોસીના છોકરાને પણ ડીવીડીવાળાની દુકાને એના રિક્ષાના ખર્ચે મોકલી, તાબડતોબ આ સીડી મંગાવી લેજો. (ઋષિ દા ની ફિલ્મો જોતા આવડી ગઇ હોય તો એટલી કૉમેડી તો તમને ય આવડી જાય કે, ફિલ્મ ભલે આપણે જોઇએ.... ડીવીડીના પૈસા પડોસી ખર્ચે...! આ તો એક વાત થાય છે. 

હું જે કાંઇ હાસ્ય લખું છું, તેના વિષયો લાઇફમાંથી લઉં છું, ફૅન્ટસી કે રાજકારણ–ભ્રષ્ટાચાર ન હોય. સ્વાભાવિક છે, દર વખતે નવો વિષણ શોધતા હવા નીકળી જાય. ઋષિ દા ની ફિલ્મોનો એ જ મંત્ર હતો. એમની ફિલ્મોના વિષયો લાઇફમાંથી લેવાતા. જે બનવું સંભવ જ નથી, એવી (જેને ઇંગ્લિશમાં, Larger than life કહે છે) ‘બાહુબલિ’ કે ‘બજરંગી ભાઇજાન’ પ્રકારની ફિલ્મો એમના ઘરાણામાં ન આવે. બાપ–દિકરી સોફામાં બાજુબાજુમાં બેસીને ઋષિ દા ની ફિલ્મો જોતા ખડખડાટ હસતા હોય ને વચમાં આંખો છલકાઇ જાય, એવું રોતા પણ હોય! વેદના સાથેનું હાસ્ય અત્યંત મૂલ્યવાન હોય છે, પણ દરેક વખતે એવા ઊંચા આદર્શો રાખવાની જરૂર હોતી નથી. દીકરી સાથે બેસીને જોઇ શકાય, એવી કૉમેડી ફિલ્મો તમને ધોધમાર હસાવે અને ક્લાસિક પણ લાગે... પણ દર વખતે હસતાં હસતાં રોવું આવી જાય, એવી ફિલ્મો બનાવવાની કે જોવાની જરૂર નથી. એકલું હસવું આવે રાખે, એ બહુ છે! થૅન્કસ ટુ ઋષિ દા, બાસુ ચૅટર્જી કે એવા બીજા માંડ બે–ચાર દિગ્દર્શકોએ આ કામ કર્યું છે. ઘણી વાર અમે લેખકો ઓછી આવડતને કારણે એકના એક ઘીસાપીટા શબ્દો વાપરીએ છીએ, કારણ કે એને બદલે બીજું શું લખીએ, એ સરખું આવડતું નથી. પરિણામે, ‘‘ઉત્પલ દત્ત જેવો બીજો કોઇ કૉમૅડિયન નહિ થાય.’’ ‘અશોક કુમાર કે અમિતાભ બચ્ચનથી વધુ સારો ઍક્ટર નહિ થાય... હૅલન કે વૈજ્યંતિ જેવી બીજી કોઇ ડાન્સર નહિ થાય. વખાણ કરવા માટે અમારી પાસે શબ્દો અને આવડત ખૂટી ગયા હોય, ત્યારે આવું સામાન્ય કક્ષાનું બધા જ લખતા હોય છે, જેમાં વખાણ માટે સુપરલૅટીવ – ડિગ્રી જ વાપરવાની જેમ કે, ‘ચાંદ સી મેહબૂબા હો... ’ 

એમ, ઉત્પલ દત્ત આખા દેશનો સૌથી વધુ લાડકો કૉમેડિયન હતો, એ પણ ઑવર – સ્ટૅટમૅન્ટ છે. એ કૉમેડિયન નહિ, ‘ઍક્ટર’ હતો.... અને પરફૅક્ટ ઍક્ટર હતો. ખલનાયકીની છાંટ સાથે ફિલ્મ ‘આનંદ આશ્રમ’ જેવી કૉમેડી હોય કે, આજની ફિલ્મ ‘કીસી સે ના કહેના’ જેવી આઉટરાઇટ નિર્દોષ કૉમેડી હોય. ઉત્પલ દા કોઇને ન ગમતા હોય કે ઓછા ગમતા હોય, એવું હજી સુધી તો સાંભળ્યું નથી. ચેહરાના અચાનક બદલાતા અનઅપેક્ષિત હાવભાવ અને અવાજમાં સ્વાભાવિકતા સાથે અણધાર્યા બદલાવોને કારણે ઉત્પલ દા અન્ય કોઇ પણ કલાકારોથી વ્હેંત ઊંચા તો હતા જ. એ ક્યારે શું કરશે ને શું બોલી નાંખશે, એ કાંઇ કહેવાય નહિ, પણ એ જે કાંઇ કરે, એ ફિલ્મની વાર્તામાં પ્રેક્ષકોને ગૅલમાં લાવી દેનારી ઘટના હોય. ઋષિકેષ મુકર્જી સાથે તો એમણે જેટલી ફિલ્મો કરી, એ આપણે જીવીશું ત્યાં સુધી તો ઘેરબેઠા જોવાય એટલી વખતે જોયે રાખીશું, એનો કંટાળો ક્યારે ય નહિ આવે. યાદ છે ને, ‘ગોલમાલ’ કે ‘રંગબિરંગી’ ? 

આ ફિલ્મ ‘કિસી સે ના કહેના’ આઉટરાઇટ કૉમેડી છે. ફિલ્મ દ્વારા કોઇ મોટો બોધ આપવાની કડાકૂટમાં મુકર્જી પડ્યા નથી. અહીં એ પોતે એક હોંશિયાર પુત્ર (ફારૂક શેખ)ના સાધનસંપન્ન વિધૂર પિતા છે. આમ તો પોતે એમ. એ. વિથ ઇંગ્લિશ થયેલા છે. પણ ક્યાંક મનમાં ઘુસી ગયું હતું કે, આજકાલની ઇંગ્લિશ ભણેલી છોકરીઓ ફૂલફટાક થઇને ફરે છે, એ ‘ઘર કી બહુ’ બનવાને લાયક હોતી નથી. એમને ભટકાય છે ય એવી જ કન્યાઓ, જે બિલકુલ વૅસ્ટર્ન – કલ્ચરની હોય, જે પુત્ર ફારૂક માટે શોધવા નીકળ્યા હોય છે. આ બાજુ, અનાયાસ ફારૂક ડૉક્ટર થયેલી ફૉરેન – રિટર્ન્ડ ડૉ. મોલા શર્મા (દીપ્તિ નવલ)ના પ્રેમમાં પડે છે. પિતાનો સ્વભાવ જાણ્યા પછી એ બન્નેની હિમ્મત નથી ચાલતી લગ્ન કરવાની, પણ ઉત્પલ દત્તના રોજ મળનારા દોસ્ત સઇદ જાફરી ફારૂકના ય દોસ્ત છે. એની સલાહ મુજબ, સુશિક્ષિત હોવા છતાં દીપ્તિ નવલ તેના વિધુર મામા સાથે નાનકડા ગામની અભણ કન્યા બની જાય છે ને ધ્યાન રાખે છે, ભૂલમાં ઇંગ્લિશનો ‘એ’ પણ ના બોલાઇ જાય. આ છુપાછુપી અને દોડધામ ઉપરાંત વચ્ચે વચ્ચે ફિલ્મમાં આવી જતા દેવેન વર્માને કારણે પૂરી ફિલ્મનું વાતાવરણ ખડખડાટ હાસ્યનું રહે છે. અસલી ભાંડો ફૂટી જતા ઉત્પલ દત્ત નારાજ તો થાય છે, પણ આઠ મહિનાથી ઘરમાં રહેતી ‘વહુ’ ‘દીકરી’ સાબિત થતી રહી હોવાથી દત્ત બાપુ ગુસ્સો થૂંકી નાંખી ફિલ્મનો સરળ અંત લાવે છે. ઋષિ દા ની પ્રારંભથી જ ટીમ લગભગ એકની એક રહી છે, એમાં એમના કૅમેરા મૅન હરદમ જયવંત પાઠારે જ હોય, જે આ ફિલ્મના નિર્માતા છે. શક્ય છે, એમને પૈસેટકે મદદ કરવા આ ફિલ્મ ઉતરી હોય. દાદાની ઑલમોસ્ટ તમામ ફિલ્મોમાં હીરોના ઘેર રસોઇયાનું પાત્ર તો હોય જ... એકાદ – બે માઇનોર અપવાદને બાદ કરતા ઋષિ દા એ રસોઇયા વિના ચલાવ્યું નથી. જોવાની ખૂબી એ છે કે, એકે ય ફિલ્મમાં એમના રસોઇયાનો કિરદાર ફિલ્મ સાથે ભાગ્યે જ સુસંગત હોય. એ ન હોય તો ય ચાલે, સિવાય કે ખન્ના – બચ્ચનની ફિલ્મ ‘આનંદ’નો રસોઇયો દેવકિશન. જો કે, આ ફિલ્મમાં એને બદલીને એના જેવા જ દેખાતા ગીરિશ ગોસાવીને લઇ આવ્યા છે. ફિલ્મ ‘પ્રોફેસર’ કે ‘તીન દેવીયા’ની સ્વ. હીરોઇન કલ્પનાના પહેલા લગ્ન તૂટી ગયા પછી ફરીવાર એવી જ તોડફોડ કરવા બીજા લગ્ન જેની સાથે કર્યા, તે જૂના બુઢ્ઢા ફિલ્મ લેખક સચિન ભૌમિકે આ ફિલ્મનો સ્ક્રીન–પ્લે મસ્ત લખ્યો છે ને ડૉ. રાહી માસુમ રઝાના સંવાદોમાં અનેકવાર ચમત્કૃતિ દેખાણી છે. એક જમાનાની ફાલતુ હીરોઇન પાર્વતિ ખાનના સસુરજી થાય. 

ફિલ્મનો હીરો ફારૂક શેખ આપણા વડોદરા પાસેના કોક નાનકડા ગામનો હતો. અલબત્ત, હિંદી ફિલ્મોમાં નામ કમાયેલા બાકીના તમામ ગુજરાતી કલાકારોએ ક્યારે પણ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કે કબુલાત કરી નથી.... ઑન ધ કોન્ટ્રારી, શરમ અનુભવતા હોય, એમ પોતાનું ગુજરાતીપણું છુપાવ્યું છે. એ જમાનામાં ‘કિસી સે ના કહેના’ જેવી પૅરેલાલ સિનેમાઓ બહુ ઉપડી હતી, એમાં ફારૂકનો ફાળો ખરો. મૂળ તો એ ચાર્ટર્ડ –ઍકાઉન્ટન્ટ થયો હતો અને રૂપા જૈન નામની ગુજરાતી છોકરીને મુસ્લિમ બનાવીને પરણ્યો હતો. એ લગ્ન બહુ ચાલ્યા કે નહિ, એની તો ખબર નથી પણ દીપ્તિ નવલ સાથેના એના પર્મૅનન્ટ રોમાન્સની વાતો મુંબઇના સ્ટુડિયે – સ્ટુડિયે જાણીતી હતી. દીપ્તિ પણ ‘રાજનિતી’, ‘ગંગાજલ’ કે ‘અપહરણ’ જેવી સનસનાટીભરી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક પ્રકાશ ઝા ને પરણી હતી. પણ આ લોકોમાં તો લગ્નો ચાઇનીઝ પ્રોડક્ટ જેવા હોય, ‘ચલે તો ચાંદ તક, નહિ તો શામ તક!’ 

યસ. ફારૂક શેખ આવી બધી પૅરેલલ સિનેમાઓ કર્યા પછી અચાનક ગાયબ થઇ ગયો હતો ને ઇ.સ. ૨૦૦૮માં પાછો આવ્યો. એની તો લગભગ હર એક ફિલ્મ સારી હતી, તેમ છતાં એના જીવનની સૌથી છેલ્લી ફિલ્મ ‘ક્લબ ૬૦’ જેવી અદ્ભુત ફિલ્મ તમે પણ ન જોઇ હોય તો પેલા પડોસીના છોકરાને દોડાવીને ‘ક્લબ ૬૦’ પણ મંગાવી લેજો... બધા પડોસીના છોકરાઓને તમારા જેવા પડોસી વારંવાર નથી મળતા... સુઉં કિયો છો? ફારૂક ૨૫ માર્ચ, ૧૯૪૮ના રોજ જન્મ્યો અને દુબાઇમાં ૨૭ ડીસેમ્બર, ૨૦૧૩–માં ગુજરી ગયો. 

ફિલ્મમાં ખૂબ જરૂરી કિરદાર કરનાર સઇદ જાફરી ભારતનો એક માત્ર ઍક્ટર એવો હતો જેણે હિંદી કરતા હૉલીવૂડની ઇંગ્લિશ ફિલ્મોમાં વધુ કામ કર્યું છે. યસ, એકે ય ઇંગ્લિશ ફિલ્મમાં એણે હીરો તો દૂરની વાત છે, પણ ઘણો મહત્ત્વ નો રોલ કર્યો, એ અપવાદરૂપ જ છે. ફિલ્મ ‘જ્હૉની મેરા નામ’માં પ્રેમનાથ ધોળિયાઓ પાસે પોતાના નામની સાથે પોતે નકલી OBE (Order of the British Empire) હોવાની ઓળખ આપે છે. એ ખિતાબ જાફરીએ બ્રિટિશ નાટકોમાં પોતાના અનોખા પ્રદાન બદલ મેળવ્યો હતો. સઇદે જૅમ્સ બૉન્ડ (શૉન કોનેરી અને પિયર્સ બ્રોસ્નન) ઉપરાંત માઇકલ કૅઇન જેવા દિગ્ગજો સાથે કામ કર્યું છે. સર રિચર્ડ ઍટનબરોનો એ નજીકનો દોસ્ત હતો. ડિમ્પલ કાપડીયા – રિશી કપૂર – કમલ હાસનની ફિલ્મ ‘સાગર’માં રિશીની નાની કે દાદી બનતી મધુર જાફરી સાથે સઇદના તલ્લાક ’૬૫ – ની સાલમાં થઇ ગયા હતા. વૅસ્ટર્ન – કૂકિંગમાં મધુરનું નામ હતું. 

મૂળ ગુજરાતી દેવેન વર્મા આખી ફિલ્મમાં નિયમિત વચ્ચે વચ્ચે આવતો રહે છે ને અપેક્ષા મુજબનું ખૂબ હસાવતો રહે છે. અશોક કુમારની દિકરીને પરણેલો દેવેન છેલ્લે છેલ્લે પૂનામાં સ્થાયી થયો હતો, જ્યાં એનું થોડાક વર્ષો પહેલા જ અવસાન થયું. મને યાદ છે, કોઇ ’૬૬ કે ’૬૭ની સાલમાં અમદાવાદના પોલીસ – સ્ટૅડિયમમાં રાજ કપૂરે ‘શંકર – જયકિશન નાઇટ’નું ભવ્ય આયોજન કર્યું હતું, એમાં દેવેન વર્માની ‘મધુમાલતી મસાલે મેં’નામની ખૂબ હસાવતી સ્કીટ એકલે હાથે (....... સોરી, એકલે મોંઢે) રજૂ કર્યા પછી, એ જમાનાના હીરોલોગના અવાજની પરફૅક્ટ મિમિક્રી પણ કરી હતી. 

યસ. આ ફિલ્મમાં સાવ નાનકડા રોલમાં મુંબઇના ગુજરાતી તખ્તાની મશહૂર હીરોઇન કેતકી દવે પણ કૅમિયો રોલમાં આવી ગઇ છે. ‘બીજાના ઘરમાં બિલ્લી થઇને રહેવા કરતા પોતાના ઘરમાં સિંહણ થઇને કેમ ન રહેવું’ના ધોરણે જ કદાચ કેતકીએ હિંદી ફિલ્મોમાં ફાલતુ રોલ કરવાને બદલે ગુજરાતી તખ્તા ઉપર હીરોઇન–ઑરિઍન્ટેડ અનેક કિરદારો અસરકારક કર્યા છે. 

યસ. ઋષિ દા ની ફિલ્મોમાં ભાગ્યે જ બને છે તેમ, ફિલ્મના ગીતોને ફિલ્મના પ્રવાહ કે વાર્તા સાથે કોઇ લેવાદેવા જ ન હોય. એમની ફિલ્મોના ગીતો તો વાર્તાને આગળ વધારનાર હોય, પણ અહીં કઇ કમાણી ઉપર સંગીત ભારતની ફિલ્મોના સર્વકાલીન મહાચોર સંગીતકાર બપ્પી લાહિરીને સોંપ્યું હશે, તે ચર્ચા કે વિવાદનો નહિ, મારામારીનો વિષય બની જાય એમ છે. ૫ – ૬માંથી એકે ય ગીતમાં કાંઇ ઠેકાણાં નહિ. ’૬૬ સુધી તો ફિલ્મી સંગીત માતા સરસ્વતીની કક્ષાનું ચાલતું હતું, પણ બપ્પી લાહિરી જેવા નવા તમામ સંગીતકારો આપણા કાનના આંગણામાં એક સાથે વોમિટ કરી ગયા, પછી ફિલ્મી ગીતોની મમ્મીઓના લગ્નો થઇ ગયા! આશા ભોંસલેએ પણ લતાથી સંખ્યામાં બને એટલી ઝડપથી આગળ નીકળી જવા માટે જે મળ્યા એ બધા ગીતો ફેણવા માંડ્યા હતા, તેનો તપાવેલો નમૂનો, એટલે એણે આ ફિલ્મમાં ગાયેલા ગીતો. અન્ય સંગીતકારોની જેમ બપ્પી લાહિરી ય વિદેશી ધૂનોની ચોરીઓ કરી કરીને જ નામ ને દામ કમાયો છે... ફરક એટલો કે, પોતે ફિલ્મે ફિલ્મે ધૂનોની આટલી જંગી ચોરીઓ કરી છે, સરેઆમ પકડાયો છે, છતાં એ વાતનો રંજ તો બાજુએ રહ્યો.... એને તો ગૌરવ થતું. મને યાદ છે, એની ઍટલીસ્ટ એક ધૂન ઉપર હું ફિદા થઇ ગયેલો કે, આખી કરિયરમાં બપ્પીએ કમ–સે–કમ એક ગીત તો સુંદર બનાવ્યું. ફિલ્મ ‘આંગન કી કલી’માં લતા–ભૂપેન્દ્રએ ગાયેલું ‘સૈંયા બિના ઘર સુના સુના, સૈંયા બિના ઘર સુના....’ તો એમાં ય મારે ભોંઠા પડવાનું આવ્યું. ખબર પડી કે, આ તો ઉસ્તાદ બડે ગુલામઅલીખાં સાહેબની સુવિખ્યાત ઠૂમરીની સીધી ઉઠાંતરી છે. બપ્પી લાહિરી છાતી પર આજે ય સ્ત્રીઓ કરતાં વધુ ઘરેણાં પહેરે છે. કાંડા અને આંગળીઓ ઉપર પણ ખરાં. એ જોઇને આપણા ‘જાની’ રાજકુમારે એક વખત ધારદાર ટીખળ કરી હતી, ‘‘મૅડમ... આપ ફિલ્મોમેં કામ ક્યું નહિ કરતી...?’’

02/09/2015

આપણા ઘરમાં આઈસ ક્રીમો ટકતા કેમ નથી?

વર્ષો તો નહિ, પણ દસકાઓ પહેલા અમદાવાદમાં ગાડીઓની જેમ ફ્રીજ (રેફ્રીજરેટર) પણ ગણ્યાગાંઠયા કોઈ ૪૦-૫૦ ફેમિલીઓ પાસે જ હતા. હું જન્મ્યો-સૉરી, પરણ્યો ત્યારથી જ 'ઈમ્પોર્ટેડ' સાસરું વાપરું છું. મારા સાળાઓ મારી સાથે એમની બૉન પૈણાવવા લંડનથી ઈન્ડિયા આવ્યા હતા, ત્યારે મને ઠંડો રાખવા, સ્ટીમર-માર્ગે એક ફ્રીજ લેતા આવ્યા હતા. અમે લોકોએ હજી સુધી તો ફ્રીજ જોયું નહોતું. ''વાહ, લોખંડના કબાટ તો ફોરેનના જ, હોં...!'' એવો આનંદ મેં ફ્રીજ ઉપર પ્રેમાળ હાથ પંપાળીને વ્યક્ત કર્યો, ત્યારે પૂરી વિનમ્રતાથી સાલેરામોએ સમજાવ્યો હતો કે, ''અસોક કુમાર, આ કબાટ નથ્થી... રેફ્રીજરેટર છે. આમાં મૂકેલી ચીજો ઠંડી રિયે. ઉનાળામાં કળશીયો (લોટો) ભરીને પાણી મૂકો, તો ઇ બરફ થઇ જાશે... (લોટો નહિ, પાણી). શાકભાજી પણ અઠવાડીયા સુધી તાજાં (!) રિયે.''

ખૈર, આઈસક્રીમ તો એ દિવસોમાં લક્ઝરી હતો. બહુ મળતો ય નહિ અને પોષાતો ય નહિ. માંડ ૩-૪ જાતના આઈસ્ક્રીમો મળતા. વેનીલા, કસાટા અને ચોકબાર. સામાન્ય ક્વૉલિટીવાળા કાજુ, કેસર ને પિસ્તા-ફિસ્તા જેવા આઈસક્રીમો નાનકડી દુકાનોવાળા રાખતા.

સાળાઓ પાછા જતા રહ્યા પછી અમને કોઈને ફ્રીજ વાપરતા આવડે નહિ. બગડી ગયું. અહીં કોણ રીપેર કરનાર મળે? છેવટે, બુઢ્ઢો અને ખખડી ગયેલો સેનાપતિ, યુધ્ધ દરમ્યાન જેનાથી હજારો દુશ્મનોનાં માથાં વાઢી નાંખ્યા હોય, એ પોતાની રક્તભીની તલવાર-હવે કોઈ કામની રહી ન હોય, એટલે વંડીમાં બેઠો બેઠો તલવારથી બરડો ખંજવાળતો હોય, એમ કંટાળીને અમે લોકોએ પણ ફ્રીજમાં નોટબુકો, પેન્સિલો, નેપકીનો, ખીલ્લી-હથોડીઓ, ઉંદર મારવાની દવા અને સૌથી નીચેના ખાનામાં બૂટ-ચપ્પલો મૂકવા માંડયા. સંપત્તિનો વ્યય, એ સદ્બુધ્ધિનો વ્યય છે, એની અમને ખબર.

પછી તો આજે ઘેરઘેર ફ્રીજ આવી ગયા.

મને સંતોષ થાય એવી એમાં એક જ વાત છે, આપણી ૭૦-ટકા ગુજરાતણોને ફ્રીજ વાપરતા હજી આવડતું નથી કે, એમાં શું અને કેટલું મૂકાય? આડેધડ એમાં એટલું બધું ભર્યું હોય કે, ડીપફ્રીજમાંથી આઈસક્રીમ તો ઉપરનું છાપરું ફાડીને કાઢવો પડે. દવાથી માંડીને જે હાથમાં આવ્યું, એ નાંખો ફ્રીજમાં! એ લોકો ફ્રીજ ભરી રહ્યા છે કે મકાનનું ધાબું, એનો ઝટ ખ્યાલ ન આવે. દૂધ ડીપ ફ્રીજમાં મુકાઈ ગયું હોય, એટલે કોઈ આવે 'ને ચા મૂકવી હોય તો હથોડીથી પહેલા તો દૂધને તોડવું પડે. એના ઝીણા ટુકડા કરીને 'ક્રશર'માં વલોવ્યા પછી ચા બનાવવા માટે ગેસ પર મૂકાય. મારા ઘેર ગિફ્ટમાં (હું સહેજ પણ માંદો ન હોવાં છતાં) કોઈએ એક ડઝન લીલાં નારીયેળ મોકલ્યા હતા... પછી શું? બધા ફ્રીજમાં મૂકી દીધાં. એમાં પહેલેથી મૂકેલું બધું કાઢીને મારા શર્ટ-પેન્ટવાળા કબાટમાં મૂકવું પડયું... આજે ય ઘરની બહાર નીકળું છું, તો પાટલૂનમાંથી ફૂદીનાની લીલી ચટણીની સુગંધ આવે છે, શર્ટના ખિસ્સામાંથી તૂરીયું લટકતું દેખાય અને શર્ટ ઉપર વિવિધ ચાટ-મસાલાઓ કોતરાવ્યા હોય, એવું જોનારને લાગે.

પણ હવે તો અમે ય સુધર્યા છીએ. જે ચીજો ફ્રીજમાં મૂકાતી હોય, એ જ મૂકીએ છીએ. (અજીતસિંહે રાંધેજામાં એક પડોસીના ઘરનું પાણી વધુ ઠંડુ (Chilled) કરવા ફ્રીજમાં ભરેલું માટલું મૂકાવ્યું હતું... એ લોકો માન્યા ય ખરા કે, 'હવે પાણી વધારે ઠંડું થાય છે!'

અમારે ફ્રીજ કરતા ડીપ-ફ્રીજ વધુ મોટું આવે, એવું ફ્રીજ જોઈતું હતું. ઘરમાં આઈસક્રીમ પાછળ બધા લાલુ-લાલુ! બધાના બૉડીઓ લોહી કરતા આઈસ ક્રીમોથી વધુ તગડાં બન્યા છે. હૉસ્પિટલમાં અમને વેનિલા કે ચૉકબાર ચઢાવવો પડે. ('વેન્ટીલેટર' નહિ, 'વેનિલેટર'!) અમારૂં ફ્રીજ ખોલો, તો ઠંડુ પાણી કદાચ ન ય મળે. એ જમાનો હતો, જ્યારે અમે લંચ-ડિનરમાં ડ્રિન્ક્સને બદલે આઈસ ક્રીમો લેતા. (ડ્રિન્ક્સ એટલે સોફ્ટ-ડ્રિન્ક્સ નહિ, ભાઇ... થોડી આબરૂ રહેવા દો! અમે તમને, સોફ્ટ-ડ્રિન્ક્સ લઈએ, એવા ગામડીયા લાગીએ છીએ?) સવારે ઉઠીને દાંત ઉપર ટુથપેસ્ટને બદલે અંજીરનો આઈસક્રીમ ઘસવાનું તો અમારા પડોસીઓને ય પ્રેક્ટીસો પછી આવડી ગયું છે. હિંદી ફિલ્મોમાં જેટલા ગીતોમાં ગંગાજળ, શરાબ કે આંસુઓની ધારા જેવા શબ્દપ્રયોગો આવે છે, ત્યાં અમે 'આઈસ ક્રીમ' જેવા મધુરા શબ્દો બદલી નાંખીએ છીએ. 'યે રાસ્બૅરી નહિ, મેરે દિલ કી ઝુબાન હૈ...' 'કેસર-પિસ્તા ચીજ હી ઐસી હૈ, ન છોડી જાય... હોઓઓઓ', 'તુ પિસ્તા કી મૌજ મૈં, મૅન્ગો કા ધારા, હો રહેગા મિલન...'

ગુજરાતીઓ તો બધા જ, પણ ૯૦-ટકા આઈસ ક્રીમ શૉપવાળા ય Almondનો ઉચ્ચાર 'આલમન્ડ' કે 'ઑલમન્ડ' કરે છે. સાચો ઉચ્ચાર 'ઓમન્ડ' છે. 'લ' સાયલન્ટ! Raspberryના ઉચ્ચારમાં ય p બોલવાનો આવતો નથી.)

ઘરમાં આઈસ ક્રીમનો શોખ એ હદનો કે, જે કોઈ બહારથી આવે, એ આઈસ ક્રીમનો મુઠ્ઠો તો ભરે જ! ફ્લૅવર સાથે અમારે કોઈ લેવાદેવા નહિ... એ આઈસ ક્રીમ હોવો જોઈએ. કોઈ આવે ત્યારે સોપારી કે હિંગની ફ્લેવરવાળો આઈસ ક્રીમે ય ઘરમાં પડયો ન હોય... આ તો એક વાત થાય છે. બા પોતે ય મંડયા હોય, પછી શેના ખીજાય? હવે તો કોઈના ઘેર જ જઈએ, એટલે આઈસક્રીમ 'મસ્ટ' થઈ ગયો છે. ચા-કૉફી મૂકવા હાડકાં હલાવવા પડે, પણ 'ચા-કૉફી લેશો કે ઠંડુ...?' એ ફક્ત ઔપચારિક પૂછવા માટેનો જ પ્રશ્ન હોય છે. તમે જવાબ આપો એ પહેલા પૂછાઈ જાય, ''ઠંડામાં (કોઈ જ્યુસ નહિ પૂછે... એ જરી મોંઘો પડે ને બનાવવો પડે!) કોક, પેપ્સી કે સ્પ્રાઈટ...?''

એનો ય જવાબ આપો એ પહેલા ભારે ઉમળકાથી એની દીકરીને કહેશે, ''એ મીનુ, એક કામ કર ને! બહુ મસ્ત 'બ્લેક-કરન્ટ' આવ્યો છે... એ અન્કલ-આન્ટી માટે લાય... શું સાલાઓ આઈસ્ક્રીમો બનાવે છે?'' પછી બ્લેક, ભૂરો કે પીળો, તમને 'કરન્ટ' જ મળે!

અફ કોર્સ, એમાં આપણને બે ફાયદા છે. એક તો એમના હાથનું બનાવેલું કાંઇ ખાવું ન પડે ને બીજું....ગયા મહિને આપણે આવ્યા હતા ને બહુ તાણો કરી હતી, છતાં આપણે ના પાડવામાં સફળ રહ્યા હતા, એ જૂની ખાંડવી અને ચાયનીઝ સમોસા તો ખાવા ન પડે... સુઉં કિયો છો?

આઈસ ક્રીમનો પોતાનો ય એક ગુણધર્મ છે. સૉરી... એક નહિ બે! એક તો એ કે, એ કોઈને ભાવતો ન હોય, એવું ન બને. ખાઈ-ખાઈને ધરાઈ ગયાનો ડોળ કરનારા બહુ મળે, ને કાં તો તમાકુ-ફમાકુવાળા મોંઢા ચીતરીને બેઠા હોય, એટલે ના પાડે. અને બીજું, ગોટા-ભજીયાની જેમ આઈસ ક્રીમો અડધો પડતો મૂકનાર કોઈ માઈનો લાલ પેદા થયો નથી. ભારતના સૌથી વધુ ધનવાન એક મશહૂર સ્વર્ગસ્થ ઉદ્યોગપતિને મેં સગી આંખે, વાડકી નમાવીને મહીં રહી ગયેલું છેલ્લું ટીપું ચમચીમાં લઈને ખાતા જોયા છે. હું ય એવું જ કરું છું... આમ કરવાથી કદાચ, ભારતનો નહિ તો અમારા અમદાવાદના નારણપુરાનો સૌથી ધનવાન હું બની શકું. અમે કૉલેજમાં હતા, ત્યારે નવી નવી ફેશન શરૂ થઈ હતી, રેસ્ટરાંમાં કોકા કોલા કે ફૅન્ટા મંગાવીને બધા જુએ એમ ઑલમોસ્ટ અડધી છોડી દેવાની... પૂરી નહિ પી જવાની. ઇરાદો એટલો જ કે, 'અમે આ બધું બહુ જોયું છે... અમારા માટે આ કાંઇ નવું નથી.'

જગતમાં આઈસ ક્રીમ એક જ ચીજ એવી છે જે ચમચી વિના ખાઈ શકાતી નથી. (આઈસ ક્રીમો પીવાય નહિ!) સ્ટિક પણ ચમચીનું જ કામ કરે છે. આ એની સ્વાયત્તતા નથી, પરાવલંબન છે, છતાં ખુમારી કેવી કે, દુનિયાની તમામ ચીજો કરતાં લાડથી ખવાય છે એ!

હું જે કોઈ થોડાઘણા વિદેશોમાં ગયો છું, ત્યાં પહેલું કામ ત્યાંનો આઈસ ક્રીમ ખાવાનું કરું છું. (પૈસા આપણે કાઢવાના હોય ત્યારે અમદાવાદ પાછા આવીને ધાણાની દાળનું પચ્ચા પૈસાવાળું પાઉચ ખરીદવાની ય હિમ્મત ન ચાલે. એટલા મોંઘા ત્યાંના આઈસ ક્રીમો હોય!) પણ એક વાતનું ગૌરવ બેશક થાય છે કે, અમદાવાદ જેવા આઈસ ક્રીમો દુનિયાના કોઈ દેશમાં મળતા નથી. પ્રતાપ દૂધનો નહિ, અમદાવાદની ગાયમાતાઓનો હશે કે, પ્લાસ્ટિકના પાઉચ, ગંદો એંઠવાડ કે સિગારેટોના ઠૂંઠા ચાવી જવા છતાં આ ગાયમાતાઓ દૂધ તો અમૃત જેવું મીઠડું આપે છે.

ગુજરાત જેવી ગાયો કે આઇસ્ક્રીમો જ નહિ, માણસો ય આખા ભારતમાં થતા નથી... સુઉં કિયો છો, સરજી ?

સિક્સર

ગુજરાતનું સૌથી લાંબા નામવાળું એક જ શહેર છે, સુરેન્દ્રનગર... બીજું કોઈ હોય તો બતાવો, સર-જી!