Search This Blog

16/09/2015

પ્રામાણિકતાથી કહો. તમે તમારા પુત્ર/ પુત્રીથી ડરો છો ?

આ લેખનું ટાઇટલ વાંચી લીધા પછી જવાબ મને નથી આપવાનો... મનમાં જ સમસમી જઈને પોતાને આપવાનો છે. આ ક્યાં કોઈને બહાર ખબર પડવાની છે, એટલે બીજો જવાબે ય મનમાં આપવાનો છે કે, પિતા તરીકે તમે સફળ થયા છો ખરાં ? દીકરા કે દીકરી ઉપર તમારો સાચ્ચે જ કોઈ પ્રભાવ છે ખરો કે... બોલાય એવું નથી ? યસ. મારા/ તમારા જમાના સુધી આપણા ફાધર કે મધરના દુઃખતા પગ દબાવી આપવાની ઘરમાં પરંપરા હતી. આજે કયા માઇના લાલની તાકાત છે કે, પોતાના સંતાનોને કહી શકે... 'કહી શકે'નહિ, સોરી... રીક્વેેેસ્ટ કરી શકે, 'બેટા આજે બહુ થાકી ગયો છું.. જરા દસ મિનિટ મારા પગ દબાવી આપીશ ?'

અને માની પણ લઈએ કે, તમે એક મર્દ બાપ છો અને આવી 'રીક્વેસ્ટ' કરવાની 'હિમ્મત' પણ કરી લીધી... તો ય જવાબમાં કોઈ ખાત્રી છે ખરી કે, તમારો એ લાડકો કે લાડકી તમારા પગ દબાવી આપશે ?

'પગ દબાવી આપવા' એ તો પ્રતિકાત્મક છે. મૂળ મુદ્દો 'હવે' ઘરમાં તમારું કેટલું ઉપજે છે, એનો છે. હજી હમણાં થોડા જ સમય પહેલાં તમે કોઈ મોટી ઇન્ડસ્ટ્રીના માલિક હતા, ગાંધીનગરમાં સર્વોચ્ચ ૫- ૬ પોસ્ટ કહી શકાય, એવી દબદબાભરી નોકરી કરતા હતા કે પતિ- પત્નીએ જાન રેડી દઈને રૂપિયે- રૂપિયો બચાવીને દીકરા/ દીકરીને (હવે કરોડ સુધી જાય, એટલા પૈસા એના ભણતર પાછળ ખર્ચીને) ડોક્ટર જેવી સર્વોત્તમ ડીગ્રીઓ અપાવી.

પણ એના બદલામાં અત્યારે આ ક્ષણે તમે તમારા ઘરના કયા રૂમમાં બેઠા છો ? દીકરો તમારી પાસે આવીને રોજ કેટલીવાર બેસે છે અથવા તો એની વાઇફ તમને કેટલું 'બોલવા' દે છે... ખાસ તો, હવે તમે ગ્રાન્ડપા બન્યા છો તો પૌત્ર- પૌત્રીઓને 'સાચવવા' કે 'રમાડવા'માં કેટલો સમય આપો છો ? તમારા માટે પોતા- પોતીને રમાડવા નકરી લાગણી છે, પણ બાળકોનો 'કૅર ટેકર'નો કેટલો બધો ખર્ચો તમે બચાવો છો ? અમેરિકા ઘરડા મા-બાપને બોલાવનારા દીકરા- દીકરીઓ માટે અહીં બધા માનથી જુએ છે કે, ત્યાં ગયા પછી ય મા-બાપને ભૂલ્યો નથી. એ કોને ખબર છે કે, ત્યાં બાળકોને સાચવનાર 'કેર-ટેકર'ના ખર્ચા કરતા ડોહા- ડોહીને બોલાવી લેવા ઘણું કિફાયત ભાવે પડે છે !

ઇન ફેક્ટ, આપણને 'બાપ' બનતા આવડયું નહોતું, એ સ્વીકારવું પડે. કયો જાણે મોટો મીર મારી લીધો હોય એમ પહેલું સંતાન થયું, એવું દુનિયામાં બીજા બધાને તો સંતાનને બદલે ઢેખાળા કે કાંકરા નીકળતા હશે, એવા ઉલ્લાસમાં ગેલમાં આવી જઈએ છીએ કે, ''સાલું... બાળકો તો તો બધાને થાય છે... પણ આપણા જેવું તો વૈજયંતિ માલા, સોનિયા ગાંધી કે ઐશ્વર્યા રાયને પણ ન થાય. સાહેબ, તમે એનું નાક જુઓ...એના વાંકડીયા વાળ જુઓ... ને ઇશ્વરના સોગંદ... અવા સ્માઇલો તો ભગવાન કૃષ્ણ જન્મ્યા ત્યારે શરૂ નહોતા થયા.. ઓહ !'' કેમ જાણે બીજાના ઘરમાં તો બાળકોને બદલે છોલેલા નારીયેળો ઉતરતા હશે !

બસ. આવું અંજાવાનું શરૂ થયંુ, એમાં આપણા જ દીકરા/ દીકરીથી રોજેરોજ એવા ઇમ્પ્રેસ થતા રહ્યા કે, એમને પ્રેમ, પ્રેમ અને પ્રેમ સિવાય બાકીનું બધું આપવાનું ભૂલી ગયા. અને એની તમામ હરકતો અને હઠો પૂરી કરવાની. ભલે બાળક છે, છતાં ય એની બધી બદતમીઝીઓને આપણે 'ભારત રત્ન' આપવા માંડયા. લાડ ગમે તેટલા લડાવો, પણ તમારા એક અવાજમાં એ ચૂપ થઈ જાય, એવો પ્રભાવ પાડતા તમને ન આવડયો, કારણ કે એના આંસુઓ તમારાથી જોઈ શકાતા નહોતા... આજે તમારા આંસુઓ જોવાની કોઈને ફૂરસત નથી. સ્કૂલ કોલેજમાં આવી ગયા પછી એના યાર-દોસ્તો સાથે તમારો ઉલ્લેખ 'હાળો ડોહો સિગારેટ પીવાની ના પાડે છે...' એ ઢબથી કરે છે. પિતા માટે શબ્દ 'ડોહો' ? એ જમાના તો ભૂલી જવાના કે દીકરો/ દીકરી કોઈ સારા કામે જતા હોય તો મા-બાપનો ચરણસ્પર્શ કરીને જાય !

બસ. એના કોલેજમાં પહોંચતા સુધીમાં તો પાણી માથાથી ઉપર જતું રહ્યું હોય છે, જસ્ટ બીકોઝ... તમને બાપ બનતા નહોતું આવડયું. બાપ બનતા એટલે નહોતું આવડયું કે તમને એક હસબન્ડ બનતા ય આવડયું. કાં તો તમારું ચારિત્ર્ય બહુ સારું હતું ને કાં તો બીજી કોઈ તમારી સામુ ય જુએ એમ નહોતી, એ સાચી માહિતીને કારણે જે મળી એ તમારા માટે કેટરીના કૈફ કે પ્રિયંકા ચોપરા બની ગઈ. ન જોવાનું જોવા મળ્યું એટલે તમે પોતે કેવા સરસ, હેન્ડસમ, સ્માર્ટ કે ધંધે ધાપે પરફેક્ટ સફળ છો, એ બધું ભૂલીને પેલીના રૂપમાં જ ગાંડા થઈ ગયા. 'મળ્યું કે મળશે ?'ના ખૌફને કારણે તમે પોતે સમર્થ હોવા છતાં, તમારી 'કેટરીના'થી એ હદે દબાતા ગયા કે, અત્યારે આ વાંચતી વખતે મનમાં સ્વીકારતા ય શરમ આવે કે, 'સાલી વાત તો સાચી છે હું પોતે ય ક્યાં કમ હતો, કે પેલી જેમ કહેતી ગઈ, એ બધું જ હું કરતો રહ્યો.'

સુરક્ષા તો એ વાતમાં હોત, જો તમે એક ગોરધન તરીકે તમારું થોડું ય ગૌરવ જાળવ્યું હોત ! પેલીને તો લગ્નની પહેલી રાતથી જ ખબર પડી ગઈ હતી કે, ભ'ઈ, મારી પાછળ બહુ વધુ પડતા આસક્ત છે. એને હાથમાં રાખવાનો એક જ ઉપાય... જ્યારે કોઈ કામ કઢાવવું હોય, ત્યારે બે-ચાર દિવસ એને 'આઘો' રાખવાનો... એમાં તો ભિખારીની માફક પગે પડતો આવશે.'

...અને દીકરીની વાત આવે છે, ત્યારે કોઈ સંસ્કાર- બંસ્કાર કામમાં નથી આવતા. વાત સદીઓ પહેલાની હોય કે આજે ઈ.સ. ૨૦૧૫ની સાલ હોય... કોઈ મા પોતાની દીકરીને એવી સાચી સલાહ નથી આપતી કે, 'એ ઘરમાં ગયા પછી તારા માટે અમે બન્ને તો પછી.... પહેલા તારા માટે તારા ગોરધન જેટલું જ માન- સન્માન તારા સાસુ- સસરાનું રાખજે.' તારા વરને એના મા-બાપથી જુદા પાડવાનું પાપ ન કરતી.

એમાં ય, તમે સ્ત્રી હશો તો જાણતા હશો કે, સાચું કેટલું બોલો છો ! સાસરે ગયેલી દીકરીને કોઈ પ્રોબ્લેમ થાય એટલે ફોન સીધો મમ્મીને કરે. જગતમાં સ્ત્રી જ નહિ, કોઈ પુરુષ પણ પેદા થયો નથી, જેને એકે ય વાતમાં 'પોતાનો' નાનકડો વાંકે ય લાગ્યો હોય ! (આ વાંચતા મનને પૂછી જુઓ, આજ સુધી તમે કેટલી ભૂલો કબૂલી કે માફી માગી ! નહિ માંગી હોય એનો અર્થ તો કેવો સુંદર થાય કે વિશ્વમાં એકમાત્ર તમે જ એવા છો, જેનો કદી વાંક જ ન હોઈ શકે. કૉન્ગ્રેટ્સ... ડીયર !) અર્થાત્ દીકરી પોતાના સાસરીયાના ત્રાસની વાત કરે, એ કદી ખોટી હોય જ નહિ.. તો પછી સાચી પણ ન હોઈ શકે ને ? પપ્પાનું તો આમે ય કંઈ ઉપજતું ન હોય અને મમ્મીમાં બહુ લાંબી હોય નહિ એટલે દીકરીને જે સલાહ આપે, એ સાસુને સીધી કરવાની હોય, તો દીકરી વધુ મરવાની છે, યાદ એટલું જ રાખવાનું છે કે, દીકરી એના સાસરિયાની વાત કરતી હશે, એમાં પોતાની ભૂલ- મુર્ખામી કે ગૂન્હાની તો તમને ય ગંધ નહિ આવવા દે. કોઈને પોતાની ભૂલ લાગતી નથી ને લાગે તો કોઈ કબૂલ કરતું નથી.

... પણ, દીકરીની, એના સાસરિયાઓ માટેની ફરિયાદ તદ્દન- ઇશ્વરના સોગંદ સાચી હોય તો શું ? તો ય શું ? તો ય તમે કાંઈ કરી શકવાના નથી. દાઉદ ઇબ્રાહીમ જેવા પચ્ચીસ ડોનને ખિસ્સામાં રાખી શકે એવો 'ગૉડફાધર' (મારિયો પુઝોની નૉવેલ) એના ગરમ અને ગુસ્સેલ દીકરાઓને સલાહ આપે છે, ''બેટા તારો બાપ એટલો શક્તિશાળી છે કે, અમેરિકાનો પ્રેસિડેન્ટ પણ અહીં માથું નમાવે છે... પણ વાત જ્યાં જમાઈની આવે ત્યાં તમારો આ પાવરફૂલ બાપ પણ જમાઈની સામે ગરીબ ગાય બનીને હાથ જોડીને ઊભો રહી જાય છે.'' ''દીકરી પરણાવી, એ જ દિવસથી 'લાચારી' શું, એની બધી ખબર પડી જાય છે. અસલના જમાનામાં ઘરે દીકરી અવતરે, ત્યારે બધા મોઢાં એમને એમ મચકોડતા નહોતા. જગતમાં આ સમસ્યાનો હજી સુધી તો કોઈ ઉકેલ શોધાયો નથી... દીકરીને સમય સાચવીને બધું સહન કરે રાખવા સિવાય !''

અને દીકરી તાકાતવાળી હોય તો બંડ પોકારી બતાવે... સાસરૂં તો ઠીક, ગોરધનને ય ગુમાવવાની ગણત્રી સાથે !

પાછા મૂળ વિષય પર આવીએ તો, ઘરમાં ય આપણને બાપ બનતા નથી આવડયું ને રોજ સાંજે- સવારે ગાર્ડનમાં આપણા જેવા બીજા અભાગીયા ડોહાઓની સાથે બેસવું પડે છે. દીકરાના પગ પકડીને એટલો આભાર કે હજી સુધી તો તમને વૃદ્ધાશ્રમમાં હડસેલી મૂક્યા નથી. એના દોસ્તો ઘેર આવે ત્યારે સમજીને આપણે ડોહા- ડોહીએ અંદર ગૅરેજ જેવા આપેલા રૂમમાં જતા રહેવાનું ને બધા જાય પછી જ બહાર આવવાનું. ઘરમાં તમે હવે એક ચીજવસ્તુ બની ગયા છો.

તો આવી સમસ્યાનો કોઈ ઉપાય ખરો ?

ખરો. એ ઉપાય તો સદીઓ પુરાણો હતો કે, નિવૃત્ત થયા પછી દીકરાના હાથમાં બધું જ આપી ન દો. એને ય, તમારી સામે ઝૂકવું પડે એવી સત્તા અને સંપત્તિ તમારી પાસે રાખી મૂકો, જે તમારા અવસાન પછી જ એ લોકોને મળે. તો વહુએ સીધી ચાલશે ને દીકરો ય !

પણ એ બધું નહોતા કરી શક્યા ને આજે ફક્ત લાચારીથી ઘરમાં પડયા રહીએ છીએ. એક જમાનામાં વૈભવ જોયો હતો ને દીકરાને આપ્યો પણ હતો, પણ આજે હડધૂતિની જાહોજલાલી ભોગવીએ છીએ, તો આજે કોઈ ઉપાય ખરો... સ્વામાનથી જીવવાનો ?

ચોક્કસ ખરો. રૂપિયાના ખર્ચ વગરનો ખરો. જો અજમાવી શકો તો !

જુઓ. હવે જેટલા કાઢ્યા છે, એટલા કાઢવાના નથી. દીકરો પહેલા ય તમારો નહતો થયો, તો આજે ક્યાંથી થવાનો છે ? અર્થાત્, બાકીની જે કાંઈ જિંદગી બચી છે, એ ધૂમધામ આનંદથી કાઢી નાખો. ભારતમાં રહેતા કોઈ પણ બ્રાહ્મણ, જૈન, વૈષ્ણવ કે દલિત જેટલો જ હું ઇશ્વરના અસ્તિત્વમાં માનુ છું અને એની શક્તિઓનો સ્વીકાર કરું છું. પણ હવે મારે ઇશ્વરનું નહિ, આનંદનું કામ છે, મનને મોજમાં રાખવાનું કામ છે. ઇશ્વર- ઇશ્વર જિંદગીભર કર્યું. હવે એને મૂકો તડકે અને માત્ર તમને આનંદ મળે, શાંતિ- સુકુન મળે, એ જ કામો કરો. એ જ ચીજો જુઓ એ જ વિચારો કરો, જેમાં તમે પ્રફુલ્લિત રહી શકો. હવે તબક્કો આવ્યો છે કે, સ્વયં પરમેશ્વરે ય તમારૂં કંઈ બગાડી/ સુધારી શકે એમ નથી. હોત તો આજે તમારી આ દશા હોત ? હવે તો દરેક આનંદ તમારે ખરીદવો પડે. પરમિટ મળતી હોય તો થોડો ઘણો છાંટો પાણી કરી લેવામાં તમે આવતી કાલના મંગળ પ્રભાતે હરિચરણમા પહોંચી જવાના નથી. તમે ઇચ્છો તો ય, એ 'શક્તિ'માં નથી કે, આ ઉંમરે કોઈના પ્રેમમાં પડી શકો, પણ સુંદર દ્રષ્યો જોઈને તો રાજી થવાય ને ? થોડું ઘણું કામ પૂરતું કમ્પ્યુટર આવડતું હોય, તો આખો દિવસ નીકલી જાય, એવી ગમ્મતો પડેલી છે. પોસાતું હોય તો વર્લ્ડ-ટુર નહિ તો આબુ- અંબાજી જવાનું રાખો.

બસ. ઘરમાં ને ઘરમાં પડી રહેવાની બુરી આદત બદલો. ઘરમાં કોઈના વાંક વગરે ય તમે બધાને નડવાના છો. (તમારો સ્વભાવ અમે કાંઈ બહુ સારો ધારી લીધો નથી...! જય અંબે...) જ્યાં સુધી પગ ચાલે છે, ત્યાં સુધી બને એટલું ફરો, નહિ તો જિંદગીના આખરી દિવસોમાં પલંગ ઉપર પડયા પડયા છત સામે મૃત્યુ સુધી જોયે રાખવું સહેલું નથી. છત જેવો બોરિંગ કલર બીજો એકે ય નથી!

સિક્સર

- એક મિનિટ કાઢીને તમારા પગના નખ જોઈ લો. કપાયેલાં છે ? ડોક્ટરો કહે છે કે, પગના અંગૂઠામાં વાંકો વળીને ઘૂસી ગયેલા નખના ઓપરશન જેવું પીડાદાયક બીજું એકે ય ઓપરેશન નથી.

- ભાઈ સા'બ... અંગૂઠા કરતા નખ કાપવા વધુ સહેલા પડશે.

No comments: