Search This Blog

09/09/2015

પોલીસથી આપણી આટલી ફાટે છે કેમ ?

''અસોક... તીયાં પોલીસવારો ઊભ્ભો લાગે છે...'' બાજુમાં બેઠેલી વાઈફે દૂરથી ચાર રસ્તે ઊભેલા ટ્રાફિક પોલીસને જોઈને મને ચેતવ્યો.

''તે આપણે ક્યાં કોઈનું ખૂન કરીને ભાગી રહ્યા છીએ, તે તું આટલી ગભરાઈ ગઈ ?''

એ કાંઈ બોલી તો ન શકી, પણ હતી એનાથીય વધુ નજીક મારી પાસે આવતી રહી, ''હાય બ્બા... આપણે કાંય નો કયરૂં હોય ને તો ય પોલીસવારાને જોઈએ,એટલે ગભરાઈ તો જવાય જ!''

''તો પછી... કાંઈ કરી બતાવીએ...! જોઈએ તો ખરા, કાંઈક કર્યા પછી પોલીસની બીકો લાગે છે કે નહિ ?''

''સુઉં તમે ય તી બધ્ધું મજાકુંમાં જ કાઢો છો...! કોક દિ...''

ત્યાં જ સિગ્નલ ગ્રીન થયું ને મેં ગાડી સ્ટાર્ટ કરી ને સામે છેડે ઊભેલા પોલીસે અમને રોક્યા.

હવે તો હું ય ગભરાયો. પોલીસની આ જ ખૂબી છે. તમે કાંઈ ન કર્યું હોય, તો ય ગભરાવું તો પડે જ ! કયા ગુન્હા હેઠળ ગભરાવાનું છે, એ બધું પછી નક્કી થાય. મેં ગાડી સાઈડમાં લીધી, એટલે બહુ વિનયપૂર્વક મારી પાસે આવ્યો. એના શરીરમાં ફક્ત જોવા જેવો જ નહિ, 'દેખાય એવો' પણ એક જ મુખ્ય ભાગ હતો - એની ૫૬''ની છાતી સોરી... ૫૬''નું પેટ.

''સાહેબ, લાયસન્સ આપશો ?''

''સોરી, તમારું લાયસન્સ મારી પાસે નથી... કેમ એવો ડાઉટ...''

''હું તમારું ડ્રાઈવિંગ-લાયસન્સ માગું છું...''

વાઈફ થથરી રહી હતી. હમણાં પાટીદાર-અનામત આંદોલન વખતે પોલીસોએ લોકોને ઘરમાં જઈ જઈને માર્યા હતા, એવું એણે સાંભળ્યું હતું, પણ ગાડીમાં ઘૂસી ઘૂસીને કોઈને માર્યા હોય, એવું તો મેંય નહોતું સાંભળ્યું.

''હવે મારશે'' વાળો ફફડાટ શરૂ થશે !

આમ આપણે બહાદુર પણ પોલીસ પાસે નહિ. એટલે છાતીમાં થડકારો થવા માંડયો અને ગભરાહટમાં લાયસન્સને બદલે અમારા ધોબીનું બિલ આપી દીધું. એ હાથમાં લઈ મુસ્કુરાયો ને પૂછ્યું, ''ધોલાઈનો બહુ શોખ છે, સાહેબ ?''

બસ. મારી શંકા સાચી પડી. હવે આ રાક્ષસ મારી ધોલાઈ ઉપર ઉતરી આવવાનો.

''સાહેબ...લો. આ તો ધોબીનું બિલ છે. હું લાય...''

''અરે ઈન્સ્પેક્ટર સાહેબ...'' મેં વાઈફને વર્ષો પહેલાં શીખવાડી રાખ્યું હતું કે,કોઈ બી પોલીસવાળાને જમાદાર કે હવાલદાર નહિ કહેવાનું... 'ઈન્સ્પેક્ટર'કહેવાનું, તો એ ખુશ થાય. ભારતના કોઈ પણ કોન્સ્ટેબલનું પહેલું સપનું ઈન્સ્પેક્ટર થવા સુધીનું હોય છે. એથી આગળ તો એય જાણતો હોય છે કે,વધાવાનું નથી. ''આ મારા હસબન્ડ બહુ મોટા લેખક છે, ઇનસ્પેક્ટર સાહેબ.''

''બેન, હું એમની મજબુરીઓ વિશે નથી પૂછતો... લાયસન્સ માંગુ છું.''

''પણ... શેને માટે ? અમારો ગુન્હો શું ?'' વાઈફે નવેસરથી ગભરાવાનું શરૂ કર્યું.

''સાહેબ ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા હતા...''

હું હજી કોઈ બહાનું કાઢવા જઉં, એ પહેલા વાઈફે કહેવા માંડયું, ''અરે સાહેબ... તમારી કોઈ ભૂલ થાય છે. એ મોબાઈલ પર વાતો નહોતા કરતા... અમે બંને તો વિડીયો-ગેમ રમતા'તા...! આ તો મેં કુ'... રેડ-સિગ્નલ હતું, તે મેં કુ' ... 'સ્ક્રેબલ' રમીએ... તમારા વાઈફ રમે છે, સર-જી ?''

પહેલા ઈન્સ્પેક્ટર, પછી સાહેબ અને હવે સર-જી કહેવાનો થોડો ફાયદો તો થયો. મને ગાડીમાં ઘુસીને મારવાને બદલે પ્રેમપૂર્વક બહાર બોલાવ્યો. ''નીચે ઉતરશો, સાહેબ...?''

હવે ફાટી... આ તો નીચે ઉતારીને ધોવા માંગે છે. સાલું, બધા જોશે તો સમાજમાં કેવું ખરાબ લાગશે ? વળી, આપણને તો એવો કોઈ અનુભવ જ નહિ. આજ સુધી મેં પોલીસવાળાના હાથનો માર જ ખાધો નથી, પણ એટલી ખબર કે, એ લોકો સાલા એવી રીતે મારે કે, લોહી-બોહી ના નીકળે, પણ આપણે બે-ત્રણ મહિના સુધી વિડીયો-ગેમ રમવાને કાબિલ ન રહીએ. ગાડી તો દૂરની વાત છે... આપણે બાથરૂમનું ગીઝરેય ન ચલાવી શકીએ. આમ પાછા આપણે કાયદો જાણીએ કે, એમ કાંઈ ચાલુ કારે મોબાઈલ વાપરવામાં એ લોકો મારામારી ઉપર ન આવી જાય, પણ એ પીધેલો નહિ હોય, એની શું ખાતરી ?પછી યાદ આવ્યું કે, મુંબઈ હોય તો વાત જુદી છે. ગુજરાતમાં કોઈ પોલીસવાળો 'ચાલુ ડયુટીએ' નથી પીતો...!

''સર-જી, જે કાંઈ પૂછવું હોય તે અંદર આવીને પૂછી લો ને... મને બહાર બોલાવવાની શી જરૂરત છે ?'' એવું હું મનમાં બોલ્યો હતો, બાકી દરવાજો ખોલીને બહાર જ આવી ગયો. મને ખોટા અભિમાનો નહિ.

લાયસન્સ જોવા ઉપરાંત એણે અન્ય પૂછપરછો પણ વિનયપૂર્વક કરી.

''ખેર, પર્સનલી તમે જે કોઈ હો સાહેબ... પણ દેખાવ ઉપરથી તો ભણેલા-ગણેલા લાગો છો... ચાલુ ગાડીએ મોબાઈલ વાપરવો, એ બહુ મોટો ગુન્હો બને છે, એ તો જાણતા હશો ને ?''

અચાનક વાઈફે બૂમ મારીને મને એનો મોબાઈલ આપ્યો, ''અસોક... લિયો લિયો... મેં પરમાર સાહેબને ફોન લગાઈડો છે... સાહેબ, પરમાર સાહેબને તો આપ ઓળખતા જ હશો... અમારા વિસ્તારના સુપરીન્ટેન્ડેન્ટ સાહેબ છે... લિયો,આપ જ વાત કરો...''

મેં ગુસ્સે થઈને છતાં બોલ્યા વિના ફોન સ્વિચ-ઓફ કરી નાંખ્યો ને એની સામે (જાહેરમાં) પહેલી વાર આંખો કાઢી (ખાનગીમાં એકેય વાર નહિ !) ચૂપ રહેવાનું કીધું.

''તમારા જેવા ભણેલા અને સારા ઘરના માણસો જ કાયદાનું પાલન નહિ કરે,તો બીજા પાસેથી પોલીસ શું અપેક્ષા રાખે ?'' મારૂં નામ-સરનામું નોંધી, સારો એવો દંડ ફટકારીને જવા દીધા.

''દાદુ... તમને તો કાંઈ પોલીસે પકડયા-બકડયા'તા ને, કાંઈ ?''

''અઅઅઅ... હેં ? કોણે કીધું ? ... આઈ મીન, એવું તો કાંઈ...''

''અરે કોણે કીધું, શું ? મારી વાઈફે કીધું ત્યારે ખબર પડી કે, ગઈ કાલે એ લોકોની કિટ્ટી-પાર્ટીમાં ભાભી- આઈ મીન, તમારા વાઈફે તમારી મસ્ત મિમિક્રી કરી બતાવી હતી કે, પોલીસે ઊભા રાખ્યા પછી તમે કેવા ફફડતા'તા... હાહાહાહા... વાહ દાદુ... ભાભી તો કહેતા'તા કે, તમારી તો જીભે ય તોતડાવા માંડી હતી - પોલીસને જોઈને ! '' જે વાત ઘરમાં ને ઘરમાં જ નહિ, ગાડીમાં ને ગાડીમાં જ રાખવાની હતી, તે આવી આ આખા ગામમાં જઈને કહી આવી હતી અને એ ય ફખ્ર સાથે !''

''અરે બોસ... એક્ઝેક્ટ કયા ચાર રસ્તે તમને પકડેલા ? તમારી ગાડીની દિશા કઈ હતી ?... આઈ મીન, પૂર્વથી પશ્ચિમ એટલે કે, રોડ ઉપર સીધેસીધા જતા'તા ને... ? ન જ જવાય... અમારા વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ તો... ગાડી તમારે થોડી આડી ચલાવવી પડે ! બાય ધ વે, ભાભી તમારી લેફ્ટમાં બેઠા હતા કે રાઈટમાં ?''

''લેફ્ટમાં...! રાઈટમાં-ગાડીની બહાર તો ખુરશી મુકાવીને એને બેસાડાય નહિ ને !'' મેં જરા ગીન્નાઈને કીધું.

''પાપા, કોઈ પરમાર સાહેબનો ફોન હતો. તમને પોલીસ સ્ટેશને બોલાયા છે... કંઈ નારાજ હોય એવું લાગ્યું. કહેતા'તા કે, એક તો ગુન્હો કરો અને ઉપરથી આવા કામ માટે મારૂં નામ વટાવી ખાઓ છો ?''

''અસોક... હવે પાણીડાં મૂકો કે, જીવસું, તીયાં સુધી ચાલુ ગાડીએ કોઈ 'દિ મોબાઈલું નંઈ વાપરીએ...'' વાઈફે દુ:ખી કંઠે કીધું.

''કેમ ? મોબાઈલને બદલે ચાલુ ગાડીએ ઈસ્ત્રી વાપરવી છે ?''

''ના... આપણા કાપડીયાકાકાનું આખું ફેમિલી ગાડીમાં મહુડીથી આવતું'તું... ગાડી સ્વેતાભાભી હલાવતા'તા, તે મેં 'કુ... લાય મોબાઈલ કરૂં... કઈરો, એમાં ભાભીનું ધિયાન નો રિયું ને આખું ફેમિલી હાઈ-વે પર ઝાડ હારે ભટકાણું, સ્વેતાભાભીના સરીર ઉપર છ ફેક્ચરૂં થીયાં ને બાકીના બધાને એકએક-બબ્બે તો હાચા...! ઈ તો કિયો કે બધાં બચી ગીયા... પણ આજથી ચાલુ ગાડીએ કોઈ'દિ મોબાઈલું નંઈ વાપરીએ...''

સિક્સર
આપણી માનસિકતા અને રાષ્ટ્રીયતા તો જુઓ... ૨૨ વર્ષે આપણી ક્રિકેટ ટીમ શ્રીલંકામાં ટેસ્ટ-સીરિઝ જીતીને આવી છે, એનો જશ્ન મનાવવા કરતા આપણને ઈંદ્રાણીમાં વધુ રસ પડે છે...!

1 comment:

priyanka said...

sixer srilanka sudhi pahochi gai !! are Aasam ma aavela pur ke Manipur ma thayela riots pan koi ne nathi dekhata