Search This Blog

19/09/2015

'મહેલોં કે ખ્વાબ' ('૬૦)

કિશોરકુમાર સાથે પ્રદીપકુમાર...? ટુલીપના ફૂલ સાથે તેલનું પૂમડું...??

ફિલ્મ : 'મહેલોં કે ખ્વાબ' ('૬૦)
નિર્માતા : મધુબાલા
દિગ્દર્શક : મુહાફિઝ હૈદર
સંગીત : એસ. મોહિંદર
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
થીયેટર : ખબર નથી
કલાકારો : મધુબાલા, કિશોરકુમાર, પ્રદીપકુમાર, ચંચલ, પ્રાણ, કે.એન. સિંઘ, સુલોચના ચેટર્જી, લીલા ચીટણીસ, રામ અવતાર, ખટાના, બાલમ, રાશિદ ખાન, પરવિન પૉલ, હારૂન રવિકાંત, ઉમા દત્ત, સતીષ બત્રા, અનુપ શર્મા, કક્કુ અને ઓમપ્રકાશ.

ગીતો
૧. ઈસ દુનિયા મેં સબ સે અચ્છી ચીજ હૈ ક્યા ? આશા-ગીતા દત્ત
૨. યે હૈ જીવન કી રેલ, છક પક છક પક કિશોરકુમાર
૩. ગર તુમ બુરા ન માનો તો મૈં તુમ સે પ્યાર કરું આશા-સુબિર સેન
૪. પિયો પિયો, નજર પિલાતી હૈ જીયો જીયો આશા ભોંસલે
૫. કમલા, રઝીયા યા મીસ મેરી, યા હો કિશોર-આશા-મહેન્દ્ર કપૂર
૬. લો જી બુઝ ગઈ બીજલી પ્યાર કી કિશોર કુમાર
૭. અય જાને જીગર, ઘુટઘુટ કે અગર રાતેં હો બશર કિશોર-આશા
ગીત ૧, ૨, ૩ : રાજા મેંહદીઅલીખાન : ૪, ૫, ૬ આનંદ બક્ષી અને ૭ રાહિલ ગોરખપુરી

મધુબાલા એવું નામ હતું કે એના મૃત્યુના આજે ૪૫ વર્ષ પછી ય એને કંઈ થઈ જાય તો છાતી આપણી ફાટી પડે ! એને તો 'કંઈ' થઈ ગયું હોવાના સમાચારે ય સાંભળવા ન ગમે. (જન્મ તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૯૩૩-દિલ્હી (વેલેન્ટાઈન્સ ડે) અને મૃત્યુ તા. ૨૩ ફેબુ્રઆરી, ૧૯૬૯-મુંબઈ) મને દરેક વાચક માટે આજે ય માન છે કે, બધા જ મધુને અદબપૂર્વક 'મધુભાભી' કહીને બોલાવે છે...! આમ તો એનું સાચું નામ 'મુમતાઝજહાન બેગમ' હતું. મુમતાઝમાંથી એને 'મધુબાલા' નામ આપનાર નિર્માતા-નિર્દેષક કેદાર શર્મા હતા. ઘણા માને છે કે, ન્યુ થીયેટર્સની માલકીન દેવિકા રાણીએ આ નામ આપ્યું હતું. આપણે એ મામલામાં પડવું નથી. તમે બધા એને 'મધુભાભી' કહો છો, એ બરોબર છે. જય અંબે. પણ એ આ ફિલ્મ હતી, જેના શૂટિંગ વખતે એને અચાનક ચક્કર આવ્યા. પડી ગઈ. લોહીની ઊલટી થઈ. હૉસ્પિટલમાં દાખલ કરી પછી ખબર પડી કે એના હૃદયમાં કદી ન પૂરાય એવું કાણું જન્મથી હતું, જે એને બહુ વર્ષો જીવવા નહિ દે. આને પરિણામે, ફિલ્મના અનેક દ્રષ્યો મધુની બહેન ચંચલે એને બદલે આપ્યા છે. શૂટિંગ પૂરું કરવા આ રસ્તો બધા દિગ્દર્શકોને અપનાવવો પડતો હોય છે, કે કોઈ કલાકાર ચાલુ શૂટિંગે ગૂજરી જાય કે ફિલ્મ છોડીને જતો રહે, તો એના ડમીને દૂરના દ્રષ્યોમાં ઊભો રાખીને શૂટિંગ આટોપી લેવાય છે.

મધુબાલાનું ધગધગતું રૂપ એની આસમાની ઊંચાઈઓવાળી એક્ટિંગને ખાઈ ગયું. અભિનેત્રી તરીકે (હિરોઈન તો ખરી જ) એ ચોક્કસપણે નરગીસ, નૂતન કે વૈજ્યંતિમાલાની બરોબરીમાં ઊભી રહી શકે, પણ છોકરી માર ખાઈ ગઈ, એના પિતા અતાઉલ્લાહખાનની આવડત વગરની હુંશિયારીઓથી. પૈસાની લાલચે ડોહાએ આડેધડ અને ફાલતુ ફિલ્મો ય સાઈન કરાવે રાખી. નોબત ત્યાં સુધી આવી કે, એનું રૂપ અને અભિનય એક બાજુએ રહ્યો, પણ ફિલ્મો એવી ફ્લોપ જતી કે, મુંબઈના નિર્માતાઓ અને ઈવન, પ્રેક્ષકોમાં ય મધુબાલાની છાપ 'બોક્સ-ઓફિસ પોઈઝન'ની પડી ગઈ. એની ફિલ્મોમાં કાગડા ઊડતા હોય !

અફ કૉર્સ, આ ફિલ્મો 'મહેલોં કે ખ્વાબ'ની સ્ટારકાસ્ટ જલ્દી ગળે ઉતરે એવી લાગતી તો નથી. દિલીપકુમાર અને પ્રેમનાથથી છુટા પડયા પછી મધુબાલાનું ચક્કર એક સાથે પ્રદીપકુમાર, કિશોરકુમાર અને ભારત ભૂષણ સાથે ચાલતું હતું. શુદ્ધ ચરિત્રના મામલે મધુની જેમ આ ત્રણમાંથી એકેય સીધા નહોતા ને એ ત્રણેય જાણતા હતા કે, મધુ આપણને ત્રણેયને મામુ બનાવે છે. ત્રણેએ મધુપિતા અતાઉલ્લાહખાન પાસે ઓફિશીયલી માંગા નાખ્યા હતા. અતાઉલ્લાહને બસ, એક જ ધૂન ચઢી ગઈ હતી કે, મ્યુનિ.ના વર્ગ-૪ના કર્મચારી સાથે મધુને પરણાવીશ, પણ દિલીપકુમારને તો હરગીઝ નજીક નહિ આવવા દઉં. પેલી જીવલેણ બિમારીના ઓપરેશન માટે લંડન જતા પહેલા અતાઉલ્લાહે કિશોરને પૂછી પણ જોયું, ''તું જાણે છે, એ કદાચ પાછી ન પણ આવે... છતાં તારે એની સાથે લગ્ન કરવા હોય તો ઈસ્લામ કબુલી લે. મધુ તારી છે.'' ને કિશોર મુસલમાન બની ગયો. ફ્લાઈટ ઉપડતા પહેલા કિશોરે અતાઉલ્લાહને કીધેલી એક વાત બહુ ઢીલો પાડતી ગઈ, ''મારે મધુના શરીર સાથે નહિ, આત્મા સાથે લગ્ન કરવાના છે. એ પાછી ન આવે, તો પણ કહેવાશે તો મિસીસ કિશોરકુમાર...!'' એ વાત જુદી છે કે, કિશોરે નામનો જ ઈસ્લામ કબુલ કર્યો હતો, બાકી મધુ સાથેના લગ્ન પછી ય એ ચુસ્ત હિન્દુ બ્રાહ્મણ જ રહ્યો હતો.

એટલે નવાઈ નહિ, આંચકો લાગે કે મધુબાલા તો ઠીક છે. અતાઉલ્લાહે મધુના બંને પ્રેમીઓને એક જ ફિલ્મમાં ભેગા કયા ઈરાદાથી કર્યા હશે ? એ ત્રણેની બાઓ ય ખીજાઈ નહિ હોય ? ફિલ્મમાં સાથે એની બહેન ચંચલ પણ છે. મધુને કોઈ ૭-૮ બહેનો હતી ને બધી હિન્દુઓને પરણી. એકાદ અપવાદ બનતા સુધી છે. જોકે ફિલ્મના પોસ્ટરોમાં ઓમપ્રકાશ કે પ્રાણ છે... પ્રદીપકુમારને નીગ્લેક્ટ કરવામાં આવ્યો છે. મધુબાલાએ એના ફાધરની સાથે 'મધુબાલા પિક્ચર્સ (પ્રા) લિ.,'ના નામથી કંપની શરૂ કરી હતી અને ત્રણ ફિલ્મો ઉતારી હતી. પહેલી '૫૫-માં ફિલ્મ 'નાતા'. એમાં ય સંગીતકાર આ જ (એસ. મોહિંદર) રાખીને હીરો તરીકે રોતડા અભિ ભટ્ટાચાર્યને લીધો હતો. 'ઈસ બેવફા જહાં કા, દસ્તુર હૈ પુરાના...' ઉપરાંત લતાના મુહમ્મદ રફી વગેરે સાથે મળીને આઠેક ગીતો હતા, પણ સરદારજી કોઈ ધૂમ મચાવી શક્યા નહિ, છતાંય આ ફિલ્મમાં એમને રીપિટ કર્યા. કોઈ દમ નહિ. હા, ગીતો એવા સામાન્ય પણ નથી, પણ રેડિયો સીલોન કે વિવિધ ભારતીમાં ગીતો વગાડવા માટે 'ખાસ' શું કરવું જોઈએ, એની ખબર હોવા છતાં અતોઉલ્લો પઠ્ઠો જ નીકળ્યો. એટલે 'નાતા' અને આજની ફિલ્મ 'મહેલોં કે ખ્વાબ'ના ગીતો સારા હોવા છતાં ખુદ આપણે ય સાંભળ્યા નથી.

મધુબાલાએ પ્રોડયુસ કરેલી ત્રીજી ફિલ્મનો તો વર્લ્ડ-રેકોર્ડ છે. આ એક જ ફિલ્મ 'પઠાણ'માં ૯-સંગીતકારો ને સાત ગીતો ! ફકીર મુહમ્મદ, જીમ્મી, અસર, (લાલા અસર સત્તારમાંના એક) શમ્ભુ, દત્તરાજ, રાજભૂષણ, ડેવિડ, શ્યામબાબુ અને બ્રીજભૂષણ (જેની સાથે મધુબાલાની બહેને પરણીને હિન્દુ ધર્મ સ્વીકાર્યો હતો.) આ બધો ગરબડગોટાળો આપણને કાંઈ ખબર પડે એવો નથી કે, આ ફિલ્મ 'પઠાણ મા હિરોઈન તો આપણી મુમતાઝને લીધી હતી, પણ હીરો તરીકે મધુબાલાના ભૂ.પૂ. પ્રેમી (એટલે કે ભૂતપૂર્વ પ્રેમી) પ્રેમનાથને લીધો હતો.

કિશોરકુમાર માટે આપણને આપણી ઉપર દયા આવે કે, એક તો એ બહુ ઓછી ફિલ્મોમાં ગાતો અને એમાંય થોડાક અપવાદોને બાદ કરતા કોઈ સંગીતકાર એની પાસે એવું કામ લઈ ન શક્યો જે ચિરંજીવ રહે. સરદાર મોહિંદરસિંઘે (અટક 'સરના') આમ તો, ફિલ્મ 'શીરીં-ફરહાદ'માં લતા મંગેશકર પાસે ગવડાવેલું. 'ગૂઝરા હુઆ ઝમાના, આતા નહિ દુબારા, હાફીઝ ખુદા તુમ્હારા' (જે ગીત રસ્તામાં સાંભળીને ઝૂમી ઉઠેલી મધુબાલા એટલી હદે ખુશ થઈ ગઈ કે, ગાડી સીધી એસ. મોહિંદરના ઘરે લેવડાવી અને ત્યાં જ પોતાની ફિલ્મ 'નાતા'નું સંગીત આપી દીધું. એસ. મોહિંદરે રાજ કપૂર માટે મુહમ્મદ રફી પાસે પ્લેબેક અપાવીને ફિલ્મ 'પાપી'માં ગવડાવેલું 'તેરા કામ હૈ જલના પરવાને, ચાહે શમ્મા જલે યા ના જલે' સિવાય મૂકેશના ય ફક્ત પાગલ ચાહકોએ જ સાંભળ્યા હોય એવા સારા ખૂબ પ્રિય બે ગીતો ફિલ્મ 'જય ભવાની'માં ગવડાવ્યા હતા. એક સોલો, 'યહાઁ રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે' અને લતા સાથેનું ડયુએટ, 'શમા સે કોઈ કહે દે, કે તેરે રહેતે રહેતે, અંધેરા હો રહા...' (ફિલ્મના ગુજરાતી ક્રિશ્ચિયન હીરો મનહર દેસાઈ ઉપર આ ગીતો ફિલ્માયા હતા.) યસ. રહી પાસે કિશોરકુમાર જેવું યોડેલિંગ આ એસ. મોહિંદરે જ ફિલ્મ 'રીપોર્ટર રાજુ'ના 'ગુસ્સા ફુઝુલ હૈ...' ગીતમાં કરાવ્યું હતું, જે ફીરોઝ ખાન ઉપર ફિલ્માયું હતું. પણ આ ફિલ્મમાં પણ કિશોર હાજરાહુજુર હોવા છતાં સરદારજી એકેય ગીત મશહૂર બનાવી ન શક્યા. અહીં ટ્રેનના એક દ્રષ્યમાં કિશોર સાયગલ/પંકજ મલિકે ગાયેલું 'છુપો ના, છુપો ના છુપો ના, ઓ પ્યારી સજનીયા...' ગુનગુનાવે છે, એ સાંભળ્યા પછી વાત ગળે ઉતરી જાય કે, કિશોરની મીઠાશ કોઈથી કમ નહોતી.

આમ જોવા જઈએ તો મધુની સાથે એના પ્રેમીઓને જ ખુદ અતાઉલ્લાહે હીરો બનાવ્યા, એમ દિલીપકુમાર માટે પ્લેબેક હરદમ મુહમ્મદ રફીનું જ હોય, છતાં ફિલ્મ 'સંગીના'માં રફીને બદલે કિશોરને પોતાના પ્લેબેકમાં લીધો, એનાથી લિસોટો મોટો પડેલો જોવા મળ્યો. પોતાની પ્રેમિકાને પરણી જનાર કિશોર સાથે દિલીપને આમ તો બોલવાના ય સંબંધો નહોતા, પણ કોક વાતે રફી-દિલીપને આડું પડયું, એમાં રફી ઊભા ઊભા જ્વલિત થઈ જાય, એવું દિલીપે કર્યું અને પ્લેબેક કિશોરનું લીધું. એક વખત રફીનો ખરાબ સમય શરૂ થયો, એટલે દગો બધાએ કરવા માંડયો. નહિ તો આટલો વહેલો હાર્ટ-એટેક આવવા જેટલી એમની ઉંમર નહોતી. છેલ્લા દિવસોમાં ઘણી તાણો અનુભવી હશે. ગૂજર્યા ત્યારે ફક્ત ૫૬-વર્ષના હતા. યસ. બધાના ગળામાં તો વાત નહિ ઉતરે, પણ રફી સાહેબ અને કિશોરકુમાર વચ્ચે દુશ્મનોએ ઝગડો કરાવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ બંને વચ્ચે બંને ગૂજર્યા ત્યાં સુધી કોઈ નાનકડી વાતનું ય દુઃખ કે વેરઝેર નહોતા. રફી ગૂજરી ગયા, ત્યારે નજરે જોનારાઓ એટલે સુધી કહે છે કે, રડયા તો બધા હતા... પણ સાચું રડનારા બે જ દેખાતા હતા, એક શમ્મી કપૂર અને બીજો કિશોરકુમાર.

સરપ્રાઈઝીંગલી નહિ, શોકિંગલી... ફિલ્મના ટાઈટલ્સમાં ગાયકોમાં આશા ભોંસલે, ગીતા દત્ત અને સુબિર સેનના નામો છે, પણ કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂરના નામો જ નથી !

ફિલ્મનો દિગ્દર્શક મુહાફિઝ હૈદર આપણા માટે તો નવો હતો. સંવાદો ય એણે લખ્યાં છે. ફિલ્મની શરૂઆત મુંબઈના કમાલ સ્ટુડિયોમાં વાસ્તવિક શૂટિંગથી થાય છે. સ્ટુડિયોનું રોજબરોજનું વાતાવરણ કેવું નિરસ હોય છે અને ફિલ્મી દુનિયાની ચમકદમકથી હીરો-હિરોઈન બનવા આવેલાઓને લીલા ચીટણીસ જાણે પોતાની જ સ્ટોરી કહેતી હોય, એવી સલાહ મધુબાલા અને ચંચલને આપે છે. લીલાબાઈ આ જ સ્ટુડિયોમાં ઘરડી નોકરાણી છે. એ બંને બહેનોને ફિલ્મોથી દૂર રહેવાની સલાહ આપે છે... એક જમાનામાં આ જ સ્ટુડિયોમાં એક હિરોઈન તરીકે એનો દબદબો હતો ને આજે ધિક્કારથી સ્ટુડિયોનો મેનેજર એને, ''એ ય બુઢીયા... ચલ દૂર હટ...!''ની બૂમ પાડીને ધૂત્કારી કાઢે છે. પ્રાણ એ જમાનામાં ચારે બાજુથી જામ્યો હતો. સમજો ને, લગભગ દરેક ચોથી ફિલ્મમાં એ હોય જ. મને એની ચાલ અને પરફેક્ટ સ્ટિચિંગના કપડાં ખૂબ ગમતા. પ્રદીપકુમાર કરતા સારા કપડાં પ્રાણ પહેરતો. આપણે દર વખતે પ્રદીપકુમાર, ભારત ભૂષણ કે વિશ્વજીત અને મનોજકુમારો જેવાને એક્ટર તરીકે સહેજ પણ પસંદ નથી કરતા, પણ પર્સનલ લાઈફમાં એ લોકો ઘણા દેખાવડા અને ખૂબસુરત પર્સનાલિટીવાળા હતા. પ્રદીપકુમારના લમણાં ઉપર સરસ મજાના ખૂણીયા પડતા. આ લોકોને જૂના 'ફિલ્મફેર'ના અંકોમાં રંગીન ફોટાઓમાં જુઓ તો અંજાઈ જવાય એવી પર્સનાલિટી પડતી... બસ, એક્ટિંગમાં ધોધમાર માર ખાઈ ગયા.

અહીં ચોકડી ઊંધી પાડવામાં આવી છે. કિશોરની સાથે હિરોઈન મધુબાલા હોવી જોઈએ, એને બદલે એની સગી બહેન ચંચલને લીધી છે, તો મધુબાલાની સામે હીરો પ્રદીપકુમાર છે.

ઓકે. એ સમયની ઓલમોસ્ટ તમામ ફિલ્મો વાહિયાત હતી, એમ આ પણ હતી છતાંય, કિશોરને કારણે ફિલ્મ જોવી ગમે રાખે છે. વચમાં વચમાં તો ખડખડાટ હસવું ય આવી જાય છે. ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદ ઓમપ્રકાશને ખૌફનાક વાર્તા સંભળાવીને ડરાવે છે, એનો મૂળ સર્જક કિશોર છે. એ આ ફિલ્મની શરૂઆતના ટ્રેન દ્રષ્યમાં પેલા 'તીસરી મંઝિલ'વાળા જાડીયા રામવતારને એવી જ મિમિક્રીવાળી વાર્તા કહીને ડરાવે છે.

બાકી આ ફિલ્મની વાર્તા કહેતા મને જ નહિ, કોઈને આવડે તેમ નથી. આને જો વાર્તા કહેવાતી હોય તો મોહનચોટીને અમિતાભ બચ્ચન કહેવાય. છતાં, વાર્તાના અંશો કહેવાનો હું પ્રયત્ન કરું છું. મને સાચવી લેવો. મધુબાલા અને ચંચલ ગરીબ ઘરની છોકરીઓ મુંબઈના કમાલ સ્ટુડિયોમાં એકસ્ટ્રા તરીકે કામ કરે છે, પણ સપના હિરોઈન બનવાના જુએ છે. ક્યાંકથી એ લોકોને રૃા. ૧૫ હજાર મળી જાય છે. એટલે લહેર કરવા ટ્રેનમાં પઠાણકોટ જાય છે, પણ તે પહેલા મારવાડી સેઠ (ખટાના)ની દુકાનમાંથી કિંમતી ઝવેરાત ચોરી લે છે. ટ્રેનમાં કિશોર મળી જતા ચંચલ એના પ્રેમમાં પડી જાય છે, પણ પ્રાણ અને કે.એન. સિંઘ પણ ટ્રેનમાં છે. ગઠીયો પ્રાણ ઘરેણાવાળી એ બેગ ચોરવાના વલખાં મારે છે ને છુપો પોલીસ ઈન્સ્પેક્ટર વોચ રાખે છે. આ બધા પઠાણકોટમાં ઓમપ્રકાશની હોટેલમાં ઉતરે છે. મધુને કોક સેઠના ડ્રાઈવર પ્રદીપકુમાર સાથે પ્રેમ થઈ જાય છે. (આમાંનું કશું હજી મારા ગળે ઉતરતું નથી... તમારે ઉતર્યું હોય તો, કમ-સે-કમ એક ગુજરાતી ફિલ્મ બનાવવા જેટલા બુદ્ધિમાન તો તમે કહેવાઓ. બસ, પછી વાર્તા પૂરી કરતા પહેલા ચારેય પ્રેમીઓને પૈણાવવા તો પડે ને ?

No comments: