Search This Blog

03/02/2010

ઢોકળાંનું ધીંગાણું

અમૃતા પ્રિતમે લખ્યું હતું :

એક દર્દ હતું- જેને સિગારેટની જેમ મેં ચૂપચાપ પીઘું છે.

કોઠારી સાહેબને ત્યાં ડિનરમાં મારે આ જ વાત જરા જુદી રીતે વિચારવાની આવી.

એક ઢોકળું હતું - જેને મેં રબ્બરના ટાયરની જેમ ચૂપચાપ ચાવ્યું છે.

ઢોકળાં કોઠારીસાહેબની વાઇફે બનાવ્યા હતા.

રણમાં ભટકતા મુસાફરને કદી આવનાર વાવાઝોડાંની ખબર પડતી નથી તેમ, કોઠારીના ડાયનિંગ-ટેબલ પર ભટકતા અમારા દવે-ખાનદાનના આત્માઓને પણ રસોડામાંથી આવનારા પ્રચંડ અને વિનાશક ખાદ્યપદાર્થોની કોઈ અગમચેતી નહોતી. ડિશો તો એમણે ઘણી બનાવી હતી, પણ એમાંથી ખાવાને પાત્ર કઇ કઇ છે, એની બાતમી અમારી પાસે નહિ !

પણ ઢોકાળાં અગ્રેસર હતા. ૭૦ની સાલમાં જેને હું અમદાવાદની સર્વોત્તમ સુંદરી સમજીને પ્રેમ કરવા માંડ્યો હતો, તે કાન્તાડી એક દિવસ નજીક આવી ત્યારે ખબર પડી કે, એના દાંતમાં પાયોરિયા થયો છે ને મોંઢું પંચાણું માઇલ સુધી ગંધાય છે. તે દિવસથી સમજી ગયો હતો કે, બહારથી જે દેખાય છે, તે સત્ય નથી હોતું અને અંદરથી સાલું આપણાંથી જોવાય નહિ, એવું આ ઢોકાળાંનું થયું. ડિશમાં મનોહર-મનોહર લાગતા એ ઢોકળાંના દીકરાઓ સ્વાદમાં કેવા હશે, તે કાન્તાડીવાળા કીસ્સા પછી મેં ધારવાનું ય માંડી વાળ્યું હતું.

કો.કુ. એટલે કે કોઠારી-કુટુંબમાંથી કોઇએ પોતાની ડિશમાં ઢોકળાં લીધા નહોતા, તે અમારા વડે જોવાયું. એમના ઢોકળાંનો ઉપયોગ લગ્નમાં વરરાજાના બરડા ઉપર પીઠી ચોળવા માટે હળદરને બદલે કરવામાં આવે, તો દેખાવમાં વરરાજો ભલે પોચો-પોચો લાગે, પણ કમ-સે-કમ પીળો પીળો તો લાગે ! કોઠીનો (એટલે કે, કોઠારીની વાઇફનો) પાછો આગ્રહ બહુ-ઢોકળાં ખૂટાડવાનો. એક તો એ લોકોની કિચનમાંથી ડાયનિંગ-ટૅબલ સુધી પીરસવા આવવાની પઘ્ધતિ મને ન ગમી. પીરસવાને બદલે એ લોકો, કબડ્ડીના પાટાને અડવા આવતા હોય, એવું છુછુછુછુ કરતા આવે. હું એમનો નવો નોંધાયેલો દિયેર થતો હોઉં, એમ પહેલું ઢોકળું એમણે સીઘું મારા મોંઢામાં ખોસ્યું, ‘આ ચાખી જુઓ... અને પછી લખજો. તમારી બુધવારની બપોરમાં ! .... એમ કહીને હાથ એમણે મારા મોંઢામાંથી નૈતિકતાના ધોરણે પણ કાઢી લેવો જોઈએ-ન કાઢ્યો.

સાલો વાંચકોને સહેજ બી વિચાર આવે છે કે, સ્વાદમાં એમનું ઢોકળું આવું હોય, તો કદાવર હાથ કેવો હશે ?

માઇક્રોવૅવ-ઑવનમાં જુતું મૂક્યું હોય, એમ મારા મોંઢામાં એમનું ઢોકળું પડ્યું. મને દૂર દૂરના પહાડો પર, ઘૂળની ડમરીઓ વચ્ચે કોઇ મંદિરના ઘંટારવો સંભળાવા લાગ્યા. (જેને આયુર્વેદની ભાષામાં ખાટા ઘચરકા કહેવાય !) વિશ્વના કોઈપણ ખાદ્યપદાર્થમાં સ્વાદ નામની એક સગવડ મૂકવામાં આવે છે, જે અહીં ગાયબ હતી. મારા સજળ નયનો સામેની ભીંત ઉપર સ્થિર થઇ ગયા હતા. મોંઢામાં ઢોકળું ખોસતી વેળાએ, અસહ્ય પીડાથી બચવા પ્રસૂતા નારી કચ્ચીકચ્ચીને ઓશિકાનો ગલેફ પકડી રાખે, એમ મેં ડાયનિંગ-ટેબલની ધાર પર લટકતું ટૅબલ-ક્લોથ પકડી રાખ્યું હતું. આપણે ત્યાં હિંદુઓમાં મરતા માણસના મોંઢામાં ગંગાજળ રેડવામાં આવે છે, એને બદલે આમનું ઢોકળું મૂકો, તો પેલો હડફ કરતો હેડકી સાથે બેઠો થઇ જાય ! મને યાદ છે, ઢોકળું મોંઢામાં ગયા પછી મારા ગળામાંથી કોઇ ન સમાય તેવા અવાજો એની મેળે નીકળે જતા હતા. ખોદકામના સ્થળે ૪૦-૫૦ ફૂટનાં ઊંડા ખાડામાં આજકાલ છોકરૂં પડી જતું હોય છે, તેમ મારા ગળામાં આમનું ઢોકળું પડી ગયું હોય એમ, બરોબર ગયું કે નહિ, એ તપાસવા બીજી ડિશ લઇ આવી, ‘આ તો પૂરા કરવાના જ છે, હોં અશોકભાઈ... !

મને સ્વ. ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવી, ‘જે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો તે જ સમાધિ યોગ’. કવિને ય કોઇ આવા ઢોકળાં ખવડાઇ ગયું હશે, તો જ આપણને આવી અણમોલ રચના મળે છે. કોઠી આવા ઢોકળાં રસોઇની કોઇ પાઠશાળામાં નહિ, પ્રયોગશાળામાં બનાવતા શીખી હશે, એવો ખૌફ મને જુતું ચાવતા પેઠો. એનો ગોરધન મંદ મંદ ચેહરે મારી સામે જોઇને મુસ્કુરાતો હતો. એના બંને હાથની કોણીઓ ડાયનિંગ-ટૅબલના કાચ ઉપર અડીને, ઉપર આવેલું એનું ડોકું ઝાલી રાખતી હોય, એવું લાગતું હતું. શિયાળાની બપોરના સૂરજના કિરણો કાચની બારીમાંથી એના માસુમ ચેહરા ઉપર પડે, એ જોઇને નાનું છોકરૂં ય કહી શકે કે, આ માણસે એની જીંદગીમાં એકપણ વખત એની વાઇફે બનાવેલું ઢોકળું નહિ ખાઘું હોય ! ખાઘું હોય તો સાલા કિરણો ય, ‘પાર્ટી નોટ અવૅલૅબલની નોંધ મારીને પાછા જતા રહે !

મને મારી બાજુમાં બેઠેલા મારા ફૅમિલી-મૅમ્બરોનો વિચાર આવ્યો. એ લોકોનું શું થશે ? વાઇફ આખો મામલો સમજી જઇને, કિચનની લાદી ઉપર પોતું મારતી હોય, એમ મારા બરડા ઉપર હળવો-હળવો હાથ ફેરવતી હતી, કેમ જાણે કહેતી ન હોય,

નાથ... આપ ચિંતા નો કરો. ઘરે જઈને આનાથી વઘુ સારા ઢોકાળાં ફ્રીજમાં કાલના પઇડાં છે, તે ખવડાવીશ.

મને જગતભરના ઢોકળાં ઉપરથી ચિત્ત ઉતરી ગયું. કોઠારી-સમાજનો આગ્રહ ઓછો થતો નહોતો. પણ એટલી નોંધ લેવાઇ કે, મને સદરહૂ ઢોકળાં ભાવ્યા લાગતા નથી. કોઠારીએ તરત કોઠીને કહ્યું, ‘તું રહેવા દે. અત્યારે નહિ ખાવા હોય.. એક કામ કર. કેસરોલમાં ભરી આપ... ઘેર જઇને ખાશે એ તો.....! શ્રીકૃષ્ણ દ્રૌપદીના ચીર પૂરતા હોય, એવી મને લાગણી થઇ. કોઠારીના માથામાં મને મોરપિચ્છ ઊગતું દેખાયું. હોઠ પર થૂંક વગરની વાંસળી લટકતી હોય ને શરીર પર પીળાં પીતામ્બર ઝૂલતા હોય, એવો કોઠારો મને વહાલો લાગતો હતો. ફિલ્મોમાં, લોખંડની વખારના થાંભલે બાંધેલી હીરોઇનને છોડાવવા ઉપરના માળની બારીમાંથી મોટર-સાયકલનો જમ્પ મારીને હીરો નીચે ખાબકે, એમ કોઠારો મને ઢોકળાંના ધીંગાણામાંથી બચાવવા આવી પૂગ્યો હતો. જુગજુગ જીવો, મારા વીરા.... તને પરભુ બીજા સો પુત્રો આપે.. તને માં અંબાની આણ...! મેં હૃદયપૂર્વકની આવડે તે બધી પ્રાર્થનાઓ કરી નાંખી.

અન્ય પદાર્થો તો પછી ન ખવાયા. મુહબ્બત રંગ લાયેગી, જનાબ આહિસ્તા.. આહિસ્તાની જેમ, પહેલા ઘાણમાં પેટમાં ગયેલું ઢોકળું કેવા કેવા રંગ લાવશે, તેની મને ફિકર હતી. પ્રેમાળ સ્વભાવની વાઇફે કેસરોલમાં ઢોકળાં ભરી લીધા. દોઢેક કીલો હોવા જોઈએ.

નાથ... સ્વામી, આપ શેની યાદી બનાવી રહ્યા છો ? આમ તો, જીવનના આવા કપરાં સમયે આપ કદી લેખ લખવા બેસતા નથી.. અહો ! વાઇફ પણ હમણાંથી બે-ત્રણ કવિ-સંમેલનોમાં જઇ આવી છે, ત્યારથી ઘરમાં ય આવી અહો અને કહોવાળી ભાષા બોલતી થઇ ગઇ છે. મારે તો પેલા ઢોકળાં ખવઇ ગયા પછી જીભ તોતડાવા માંડી હતી અને હું નઠારી ગાળો બોલતો થઇ ગયો હતો. પણ તોતડાવાને કારણે કોઇ ગાળ આખી ન બોલાય-અડધી બોલાઇ ગયા પછી વચમાં તોતડાઇ જવાને કારણે મોટો પૉઝ આવે-દાંત વચ્ચેથી હવા નીકળે, એટલે મને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવતો.

જો. અહીં બેસ મારી પાસે. અત્યાર સુધીમાં બઘું મળીને આપણાં આઠ સગાઓએ આપણું જીવતર ઘૂળ કરી નાંખ્યું છે. છોકરાને મોકલ અને સુંદર પૅકિંગ કરેલા બાઉલમાં આ બધા ઢોકળાં એ આઠેય ફૅમિલીઓમાં મોકલી દે... નીચે લખવાનું, ‘એક નાચીઝને આપકો યે નાયાબ તોહફા મોકલ્યા હૈ--- મોકલ્યા નહિ, ભેજા હૈ, લખજે.... ઉસે કુબુલ ફરમાયેં.. ઢોકળે ખાઇયે ઔર હમેં યાદ કીજીયે !

 પછી કલાકે વાઇફનો મોબાઇલ રણઝણ્યો. સાંભળતા સાંભળતા વચમાં સિસોટીઓ જેવી ચીસો પાડતી એ, ‘હાય હાય.. નો હોય.. ઓ માં... અરે જલાબાપા... સુઉં કિયો છો ? ઇ કેવી રીતે થીયું ? .. હા, હજી ઇ તો બેઠા છે... એવું બઘું બોલવા માંડી.

ફોન મૂકીને તરત આવી. અસોક... ગજ્જબ થઇ ગીયો. કોઠારીભાયને તીયાંથી ભાભીનો ફોન હતો. કિયે કે, ભૂલમાં ધિયાન નો રિયું ને ઢોકળામાં... ચણાના લોટની હારે હારે પીરો-પીરો વૉસિંગ-પાવડર નંખાઇ ગીયોતો... ! હાય હાય, તમને કાંય થાતું તો નથ્થી ને..?’

મેં કહ્યું, ‘હવે બસ.. પેલા આઠ ફૅમિલીઓને હવે બધા ઢોકળાં મોકલી દે.

સિક્સર
આ વખતનું ઍનકાઉન્ટર બહુ સારૂં હતું. અજીતસિંહ બાપુએ સમ્રાટને કીઘું. સમ્રાટે જરા છોભીલા પડી જઇને કહ્યું,
સૉરી અન્કલ... મેં વાંચ્યું નથી.
મેં ય ક્યાં વાચ્યું છે ?’

No comments: