Search This Blog

27/04/2011

આપણો ખબર કાઢુ સમાજ

આપણા દેશના મહાન ખબરકાઢુ શ્રી.અશોક દવેજીએ દર્દીની ખબર પૂછવા જનારાઓ વિશે ઊંડા ચિંતનો કર્યા પછી મગજમાં ન ઉતરે એવા તારણો શોધી કાઢ્‌યા છે અને સલામત ખબર કાઢવી કોને કહેવાય, તેનું હસતા મોંઢે માર્ગદર્શન આપ્યું છે.
  
(૧) ઘણાં લોકો ખબર કાઢવાને બદલે દર્દીને કાઢી જવાનો હોય, એવી રીતે ખબર કાઢવા જાય છે. દર્દી હૉસ્પિટલમાં કે એના ઘરમાં લાંબો થઈને પડ્યો હોય, એ એના પાપે પડ્યો છે ને એ જ લાગનો છે, એવા મનોભાવોથી ખબર કાઢવા જવું ન જોઈએ. મનમાં ભાવો એવા હોવા જોઈએ કે, આ ઉપડશે ત્યારે દિવસ રજાનો હસે કે ધંધાનો ટાઈમ બગડશે? એ બચી જશે તો આપણા જૂનાં લેવાના બાકી ય પાછા આવશે. હૉસ્પિટલમાં દર્દી કે એના સગાં-બગાંને એકપણ સવાલ પૂછવાને બદલે અંધારામાં ડૉક્ટરને લઈ જઇને પૂછી લેવું જોઈએ કે, ‘‘હજી આ કેટલા દહાડા ખેંચે એવું છે...? અમારે કોઇ કામધંધા હોય કે નહિ...?’’

આવે વખતે કેટલાક અનપ્રોફેશનલ ડૉક્ટરો બાફી મારે છે કે, ‘‘...બાબુભાઈને સાંજે રજા આપવાની છે... એમને કાંઇ નથી થયુ... જસ્ટ રૂટિન ચૅક-અપ માટે દાખલ કર્યાતા...!’’ સારા ખબરકાઢુઓએ આવા જવાબ પછી રહી-સહી આશા મૂકી દેવી જોઈએ.

ઘ્યાન રાખો. ડૉક્ટરના જવાબથી મોંઢું તમારૂં પડી જવું ન જોઈએ. સંતો-મહાત્માઓએ કીઘું જ છે કે, ‘લાખો નિરાશામાં એક આશા છુપાયેલી છે.અર્થાત્‌, બાબુડીયો આજે ઘેર જાય છે... પછી ક્યાં જવાનો છે?

(૨) કેટલાક વઘુ પડતા આશાવાદીઓ દર્દીની ખબર કાઢવા ટાઈમ ન બગડે એટલે, પહેલેથી જ સફેદ કપડાં પહેરીને જાય છે, તે સારૂં ન કહેવાય. દવે સાહેબ એમ પણ નથી કહેતા કે, આવે માઠે પ્રસંગે સ્ટેજ પર ગાયકો પહેરી લાવે છે તેવા રંગીન ચળકતાં શૂટ અને લાલ બૂટ પહેરીને જવું જોઈએ. પણ સફેદ કપડાં ન પહેરવા જોઈએ. સફેદ કપડાં જોઇને દર્દીને પહેલો ઘચરકો કાચી સેકંડમાં આવી જાય છે. પટેલ, બ્રહ્મક્ષત્રીય અને જૈન સ્ત્રીઓમાં તો કડક-કડક બગલાની પાંખ જેવી સફેદ સાડીઓ પહેરીને બેસણાંમાં જવાની સ્ટાઈલો શરૂ થઈ છે. ઊભી મૂકો તો ટટ્ટાર ઊભી રહે, તેવી સાડીઓ તો બેસણાંની જાન છે, પણ જાન હૉસ્પિટલમાં કે દર્દીના રૂમમાં સારી ન લાગે. શું ઉતાવળ છે, માતાઓ! આજે નહિ તો કાલે, ચાન્સ મળવાનો જ છે. સફેદને બદલે લૅટેસ્ટ ફેશનના ડ્રેસ પહેરીને પણ ન જવું જોઈએ. ધાબે મૂકવામાં આવેલી પાણીની કાળા રંગની ટાંકીની સાઈઝના આખેઆખા બબ્બે ઢગરા હોય, એવી સ્ત્રીઓ પણ હવે તો જીન્સ પહેરવા માંડી છે. તારી ભલી થાય જમના... ખબર કાઢવા જતી વખતે આવા ગાભાં ન પહેરાય... પેલો પડ્યો છે, એની બા ખીજાશે.

(૩) દર્દીના પલંગ પાસે અદબ વાળીને ઊભા રહ્યા પછી મોંઢું પડેલું રાખવું કે, મૂંગા ઊભા રહેવું, એ સભ્યતાની નિશાની નથી. પેલો હજી ગયો નથી, તે તમે આમ ઊભા રહો છો! હકીકતમાં તમારી ઉપસ્થિતિનો દર્દીને ફાયદો થવો જોઈએ. કાંઇક બોલો, વાતો કરો, જૉક્સ કહો, મોંઢાં હસતા રાખો તો પેલો જરી નૉર્મલ થાય. આપણે ત્યાં તો સાલાઓ રાહ જોઈને ઊભા હોય કે, માલતીબેન એમના કોઇ સગાની સ્ટોરી પૂરી કરે, પછી હું મારા સંબંધીની શરૂ કરૂં કે, ‘‘ઇ... અમારા કોકીબેનની કીડની આમ જ ફૅઈલ થઈ ગઇ હતી...!’’

(૪) કેટલીક નર્સો ભલે હૉસ્પિટલને લીધે ચાલતી હશે, પણ મોટાભાગની હૉસ્પિટલો નર્સોને લીધે ચાલે છે, એ વાત સાચી પણ હોય તો ય, ખબર કાઢવા આવ્યા છો, તો નર્સોને જો જો ન કરો. તમારા સગામાં થતી હોય તો બરોબર છે. હવે તો લૅડી-ડૉક્ટરો ય દેખાવમાં સારી આવવા માંડી છે. સાવ પહેલા જેવું નથી.

(૫) અહીં ય ખાલી હાથે ન જવાય, એવા વિવેકને કારણે કેટલાક નારીયેળ લેતા જાય છે. નારીયેળના પાણી કરતા ગંગાજળ લઇ જવું સસ્તું પડે. બજારમાં દસ-દસ રૂપિયે લિટર મળે છે.

(૬) પેલો હજી જીવતો હોવા છતાં, એની બા ત્યાંની ત્યાં ગાયત્રી, શ્રી કૃષ્ણ શરણમ મમઃ કે નવકાર મંત્રો શરૂ કરી દે છે. ભલે ઈશ્વરનું સ્મરણ તો ગમે ત્યારે થાય, પણ પેલાને આવો ગભરાવી મારવો ન જોઈએ કે, હવે એના આંટા આઈ ગયા છે. આમાં પાછું સરઘસમાં જોડાવાનું હોય એમ, ખબરકાઢુઓ સ્પે.રૂમમાં જ પલાંઠા વાળીને, એ ઘૂનમાં તાળીઓ પાડતા પાડતા જોડાય છે. દર્દીના રૂમમાં ભલે તમે તીન-પત્તી રમવા ન બેસો, પણ ભજન-કીર્તનની ય કોઇ જરૂર હમણાં નથી. એવું હશે તો પછી કહેવડાવીશું.

(૭) સ્વાભાવિક છે, પેલાને દાખલ કર્યો છે તો બેઠો બેઠો એકાદ ડચકું ખાય બી ખરો, એમાં ગભરાઈને દોડાદોડી કરવાની ન હોય. હેડકી અને ડચકાં વચ્ચેનો ફેર સમજો. હેડકી બધાને અવારનવાર આવતી હોય ને નસીબ હોય તો ડચકું મોટે ભાગે છેલ્લીવારનું હોય, પણ દરેક ડચકે દોડાદોડી ના કરવી. દર્દી જરાક અમથો ઘચરકો ય ખાય, તો ઉપસ્થિત મહિલાઓ પેલાની છાતીએ ઝડપ-ઝડપથી બામ ઘસવા માંડે છે. દરેક વખતે બામનો લબ્દો એટલો મોટો લીધો હોય કે, પેલો બિમારીને કારણે નહિ, બામ બળવાને કારણે રાડું નાંખવા માંડે છે, એમાં પાછા આ લોકો વધારે ઉશ્કેરાય છે કે, ‘‘હવે કોઈ દીવો-બીવો હળગાવો...! ઘેરથી જ હું કેતીતી કે, લઇ લો... લઇ લો... પણ કોણ સાંભળે મારૂં...?’’ ઈન ફૅક્ટ, ડચકાં-પઘ્ધતિમાં હવે તો ઘણા ફેરફારો થયા છે. કેટલાક ડચકાં તો નકરા પ્રેમના હોય છે. આપણા ઘરમાં ડોહા સામેવાળી બાલ્કનીમાં જોઈ જોઈને ટાઈમસર ડચકાં ખાય છે, એમાં સંદેશ પ્રેમનો હોય છે, અવસાન નોંધનો નહિ.

(૮) હાર્ટ-ઍટેકવાળા દર્દીના ખાટલે પહોંચ્યા પછી કદી પણ આવી ચૂકેલા ઍટેકોની સંખ્યા ન પૂછાય. ઘણા તો ફક્ત બે જ ગણવામાં રૂમની છત પર જોઇને આંગળીના વેઢા પર એક અને બે ગણે છે અને ત્રીજે મૂંઝાઇને અટકી જાય છે. આમ અટકવું ન જોઈએ. ન ફાવતું હોય તો બે પછી, તઈણ, ચાર, પાંચ, છ... એમ બે ચાર દર્દીઓના ઍટેકો ભેગા કરીને ગણવા જોઈએ, પણ તમે એની નજર સામે આમ ગણવા બેસો એમાં પેલાને છેલ્લો ય આઇ જાય..!

(૯) હાથ-પગ ભાંગીને પડેલા દર્દીના અંગો પ્લાસ્ટરમાં લપેટાયેલા હોય છે. ઘણાને તો પ્લાસ્ટર બાંઘ્યુંછે કે, એ મહીં ધૂસ્યો છે, તે ઝટ જાણી શકાતું નથી. પણ અહીં વિનય-વિવેક જોઇશે. દર્દીના ખાટલે બેસીને, એક હાથ આપણા કાને દબાવીને દર્દીના પ્લાસ્ટરવાળા પગ પર કોણી ટેકવીને મસ્તીથી બેસવું ન જોઈએ. તમે હૉસ્પિટલમાં આવ્યા છો, મુન્નીબાઈના મુજરામાં નહિ. તમારા એક ઝાટકે પેલાની બૂમ નાભીમાંથી શરૂ થાય, તે છત ફાડીને ઉપર જાય. શેર બજાર અને કાપડ-માર્કેટને વરેલા કેટલાક ખબરકાઢુઓ કોઇના હાથે પાટો જોઈને પહેલા એ પૂછી લે છે, ‘‘બૉસ... કઈ મિલનું કાપડ છે...? ...પહેલા કીઘું હોત તો કૂપનમાંથી આખો તાકો અલાવત...!’’

તારી ભલી થાય ચમના... પેલાને આખેઆખો પાટામાં વીંટીને ઘેર લઇ જવાનો નથી. હમણાં તાકો ના બગાડ. એને કાઢી જવાનો હશે ત્યારે આટલું કાપડ જોઇશે.

(૧૦) દર્દીને ઘેર લાવી દીધા પછી ખબર કાઢવા જવામાં ઘણું કૌશલ્ય સમાયું છે. આવ્યા પછી ઘણા તો જમાવટ કરી દેતા હોય છે. ‘‘ઓહ ભાભીજી... ભાભીજી... વર્ષો થઈ ગયા તમારા હાથનો વઘારેલો ભાત ખાધે...! ક્યા બ્બાત હૈ, ક્યા બ્બાત હૈ... અને જુઓ, આ ભૂપલો પડ્યો છે, એને મગના પાણી સિવાય હમણાં કાંઇ આલતા નહિ...! ...અને... મને ખાંડની ના છે, એટલે મારી ચામાં એકલું ગ્લુકોઝ નાંખજો..! ...ભૂપલા યાદ છે ને, આપણે વ્હિસ્કી પણ ગ્લુકૉઝના પાણીમાં પીતાતા...???’’

દર્દી તો ઠીક, ઘરવાળા ફફડતા હોય કે આ લોકો રહેવા આયા છે કે, ખબર કાઢવા? અજીતસિંહના શબ્દોમાં, આપણા ખબરકાઢુ સમાજના અગ્રણી અશોકજી માને છે કે, સારા ખબરકાઢુઓએ તો એ ઘરમાં પાણી પણ ન માંગવું જોઇએ. ઘરની સ્ત્રી ખબરકાઢુઓના ટોળેટોળાથી હેબતાઈ ગઈ હોય છે. ખાટલે ડોહો પડે, પણ માંદુ આખું ઘર પડે.... મેહમાનોની આગતાસ્વાગતામાં. તમારૂં આવવું દર્દીને ગમતું હોય તો બેશક પહોંચી જાઓ, પણ માત્ર વ્યવહાર સાચવવા અને ઈ... ના જઈએ તો ખોટા લાગે ને મોંઢા ચઢી જાય... સંબંધો બગડે... એટલે જવું પડે’, માટે ન જાઓ, કોઇ સંબંધો બગડતા નથી.... તમારા જવાથી બધાની તબિયત બગડે એના કરતા સંબંધો બગડે, એમાં કુટુંબ કલ્યાણ છે... સુઉં કિયો છો?

દવેજી ભારપૂર્વક માને છે કે, આજના વ્યસ્ત સમાજમાં, ખબર કાઢવાના શોખને વ્યવસાયનું સ્વરૂપ આપવું જોઈએ. બધા નવરા ન હોય ને બધે પહોંચી ય ન વળાય. ખાટલે પડનારાઓને તો કાયમનું થયું. આપણે બીજા કામધંધા હોય કે નહિ? ગુજરાતમાં એક ખબરકાઢુ સમાજની રચના થવી જોઈએ. કોઈ બિમારની ખબર કાઢવા જવું હોય તો ફાયર-બ્રિગેડ કે ૧૦૮-ની જેમ આ સમાજને તમારે ફક્ત જાણ કરી દેવાની. દર્દી કેટલું ખેંચે એવો છે, એનો સહેજ અંદાજ આપી દેવાનો, જેથી પ્રાયોરિટી આપવાની ખબર પડે. અમારા અગ્રણીઓ પહોંચી જશે. જો વ્યવહાર પૂરતું સ્ત્રીઓને પણ સાથે લઇ જવાની હોય તો તેનો ચાર્જ અલગ થશે-સ્થાનિક કરવેરા અલગ. ગુલદસ્તો કે દોરી બાંધીને નારીયેળો લઈ જવાના હોય તો ચાર્જ અલગ લેવામાં આવશે. (ખબર કાઢવા ગયા પછી, દર્દીને ઉથલો મારે તો સંસ્થાની કોઇ જવાબદારી રહેશે નહિ.) ખબર કાઢવી અમારા હાથમાં છે, પણ દર્દીને કાઢી જવો તમારા હાથમાં છે. આ સંદર્ભમાં પાછળથી કોઈ તકરાર ચાલશે નહિ. અલબત્ત, બહારના ઑર્ડરો ઉપર પૂરતું ઘ્યાન આપવામાં આવશે. ગ્રાહકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે.

સિક્સર
- લાઈફમાં બસ, એક જ વખત બરફ બનાવતી ફૅક્ટરી જોઇ આવે અને ગટરથી ય કેવા ગંદા પાણીમાંથી બરફ બને છે, એ જોયા પછી લારી પર બરફના ગોળા ખાનાર બચી કેમ જાય છે?
- એ લોકો શરદ પવારની ખાંડ પણ પચાવી ગયા છે, ત્યાં...!

No comments: