Search This Blog

06/04/2011

‘ભાઈ’ને શ્રઘ્ધાંજલિ, સાહિત્યકારની ભાષામાં

અંડર વર્લ્ડના ડોન અખ્તર ચપાટીની શોકસભા ગોઠવાઈ છે. સભાની શરૂઆત ખોટા ઉચ્ચારો સાથેના શ્વ્લોકથી થાય છે. એ પછી તરત જ ઉપસ્થિત સભાગણમાંથી સેંકડોની સંખ્યામાં હવામાં ગોળીબારો કરીને સદગતને શ્રઘ્ધાંજલિ આપવામાં આવે છે. શોકસભાના પ્રમુખશ્રી બંદૂકની અણીએ શ્રોતાઓને ઊભા કરી, બે મિનીટનું મૌન પાળવાનો આદેશ આપે છે. પાંચમી લાઈનમાં જમણી બાજુથી બીજો ડાધુ ઊભો નથી થતો, એને ઘટનાસ્થળે જ સીક્યોરિટીવાળા બંદૂકને ભડાકે ઉડાડી દે છે. અન્ય સભાઓની જેમ, અહીં કોઈ સન્નાટો છવાઈ જતો નથી. મરનારની બાજુની સીટવાળો લાશને જોતો જોતો સેલફોન પર પોતાની વાત ચાલુ રાખે છે. અલબત્ત, તાજી લાશની શોકસભાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, એવી માઈક પરથી જાહેરાત થાય છે. સીધી વાત છે કે, ભાઈલોગોને કાંઈ માઈક ઉપરથી કે નીચેથી પ્રવચનો કરતા ના આવડે. એ લોકો કાંઈ વાંચતા-ફાચતા ના હોય, તો ય એટલી ખબર હોય કે, ગુજરાતભરમાં સારામાં સારા ભાષણો ગુજરાતી સાહિત્યવાળાઓ કરી શકે છે, તો ભાઈને શ્રઘ્ધાંજલિ આપવા એમને બોલાવો. એ લોકોને બોલાવવાનો એક ફાયદો એ કે, ગુજરાતી આવડતું હોય, એ શ્રોતાઓ ય એમના ભાષણો સમજી શકવાના નથી. લટકામાં, શોકસભા ભાઈમાટેની હોય પણ સાહિત્યકાર વક્તો સ્પીચનો ૯૦ ટકા ભાગ એના પોતાના માટે અનામત રાખે છે ને સમય અને શ્રોતાઓ બચ્યા હોય તો બાકીનું સદગત માટે બોલે છે. વળી, કેટલીય ના પાડીએ, તો પણ લેખકો ભાષણ કરવાના પૈસા સામેથી આપી જાય છે. કેટલાક કવિઓ તો એમનું અપહરણ થાય તો ભાઈ લોગોને પૈસા ચૂકવવા માટે સહકારી બેન્કોમાં લોનની અરજી કરી ચૂક્યા છે.


મંચ પર સદગત ભાઈના ક્લરિંગ ફોટા પર ફૂલમાળા ચઢાવવામાં આવી છે. ભાઈના બે હોઠની વચ્ચે સિગારેટ છે. પોતાની રીવોલ્વર પોતાના ગાલને અડાડીને ભાઈએ ફોટો પડાવ્યો હતો, તે જોઈને સાહિત્યકારશ્રીને યાદ આવ્યું કે, તેમના ગાલે બોલપેન અડાડેલા ફોટા ઘરમાં પડેલા છે. એક ક્ષણ એમને ધ્રૂજાવી ગઈ કે, આજે હું બરોબર નહિ બોલું તો આવી ફૂલમાળા મારા ફોટા ઉપર ચઢેલી હશે...! 

કાંડા પર સોનાની ચેઈનો, છાતીના બટન ખુલ્લા, આંખ પર ગોગલ્સ અને હાથમાં બબ્બે મોબાઈલ ફોન્સ સાથે ભાઈલોગ શોકસભામાં બેઠા છે. ઘણા છાતીના વાળ ખંજવાળે છે. ભાઈના જવાથી સહુના મોંઢા ઉપર શોકને બદલે ગુસ્સો છલોછલ દેખાય છે... બદલા... બદલા... બદલાનું ઝનૂન એમના નાકમાંથી બહાર નીકળું-નીકળું કરે છે. ભાઈકો ટપકાને વાલે કો ઝીંદા નહિ છોડેંગે... (એ તો કોઈકે કીઘું કે, ભાઈ તો હાર્ટ-એટેકથી કુદરતી મૌતે મર્યા છે... કોઈએ ઉડાડી દીધા નથી. એક-બે જણે તો રીવોલ્વરમાં ગોળી ભરતા પૂછ્‌યું ય ખરૂં, ‘‘યે સાલી કુદરત કૌન હૈ... ? કહાં રહેતી હૈ? ઉસકા બાપ કૌન હૈ...? અભી ઉડા દેતે હૈં, સાલી કો... !’’ બે-ચાર વૃદ્ધ ભાઈઓએ એમને શાંત પાડી બઘું સમજાવ્યું, ત્યારે તેઓ શાંત પડ્યા. અભૂતપૂર્વ પોલીસ-બંદોબસ્ત સાથે સભાની શરૂઆત થાય છે. દીપ પ્રગટાવવા માટે માચિસ નથી મળતી, તો પ્રમુખશ્રી ખિસ્સામાંથી રીવોલ્વર કાઢીને દિવેટને ભડાકે દે છે ને તાળીઓના ગડગડાટ સાથે દીપ ઝળહળી ઉઠે છે. અલબત્ત, ભડાકા પછી સાહિત્યકારશ્રીના પગ નીચે પાણી ઢોળાયું હોવાનું જણાય છે. 

લેખકશ્રીએ ભગવદ-ગીતાના શ્વ્લોક સાથે પ્રારંભ કર્યો, ‘‘નૈનમ છિન્દન્તી શસ્ત્રાણી...’’ ત્યાં જ એક ગોળી એમના કાન પાસેથી છુઉઉઉઉ...મ્મ કરતી નીકળી ગઈ. ‘‘અબે, ગાલી મત દે... જો બોલના હૈ, ઠીક બોલ...’’ એટલું બોલીને પહેલી હરોળમાં બેઠેલા સલીમ લંગડાએ લેખકને સાનમાં સમજાવી દીધા. 

લેખકશ્રીએ ઘણા કરૂણ મોંઢે વક્તવ્યની શરૂઆત કરી. 

‘‘...સન ૭૬-માં હું ભાઈને પહેલીવાર મુંબઈના ભીંડીબારમાં મળ્યો... અને આ રીતે ભાવકોને ગુજરાતના પ્રથમ ભાઈમળે છે. પહેલું ખિસ્સું કેવી રીતે કાતરવું, એની સલાહ તેઓશ્રીએ મારી પાસે માંગી, ત્યારે હું ફીક્કું હસી પડ્યો હતો, પણ છેવટે મેં જ સલાહ આપી. મને સ્મરણમાં છે કે, મેં કહ્યું, ‘‘ખૂબ સાધના કરો. સાથી કાતરૂઓની કલાનો અભ્યાસ કરો. ઉમાશંકરને વાંચો... ખ્યાલ આવશે કે શબ્દ અને ખિસ્સા વચ્ચે ફરક ફક્ત પૈસાનો હોય છે. મને યાદ છે, સલાહના સમાપનમાં ભાઈને મેં કહ્યું હતું કે, ભાવકનું ખિસ્સું કાતરતા પહેલા પૂર્વાભ્યાસ પણ કરી લો કે, મહીં પૈસા છે કે નહિ... !’’ અલબત્ત, મને તો બહુ પછીથી ખબર પડી કે, ‘ભાઈએ પહેલું ખિસ્સું મારૂં જ કાતરી નાંખું હતું...! અલબત્ત, મારી સલાહનો અંતિમ હિસ્સો નહિ માનવાને કારણે મારા ખિસ્સામાં ભાઈનો ફક્ત ખાલી હાથ જ આવ્યો હતો. ભાઈના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા ચણા એમના હાથમાં આવ્યાતા ખરા.’’ 

ત્યાર પછી સન ૭૭ની સાલનો મંગળ પ્રારંભ થાય છે. ભાઈ પોતાની યશસ્વી કારકિર્દીના મહુરતમાં એક નિર્દોષ યુવાનના લમણામાં ગોળી મારીને...’’ કાચી સેકંડમાં તો હવામાં એકસામટી ૩૦-૪૦ ગોળીઓ ધણધણી ઉઠે છે, એટલે વક્તા પોતાની ભૂલ સુધારી લે છે, ‘‘... ક્ષમા કરજો, હત્યા નિર્દોષ યુવાનની નહિ... મર્યો એ માદરપાટ તો પોતાના પાપે મર્યો અને બહુ હરામી હતો. ભાઈએ તો સમાજમાં શુદ્ધ ન્યાયનો દાખલો બેસાડ્યો છે. ભગવાન તેઓશ્રીના આત્માને શાંતિ આપે. આટલું કહીને હું બેસી જવા માંગુ છું.’’ 

પહેલી લાઈનમાં બેઠેલા ભાઈઓને સમજાવવા પડ્યા કે, શોકસભાના પ્રવચનો પછી તાળીઓ પાડવાની ન હોય... બા ખીજાય... એટલે એ લોકોએ ભડાકા કર્યા. 

પોલીસને પણ શોકસભામાં બોલવાનું આમંત્રણ હતું. પો.સ.ઈ. સિન્હા સાહેબ બહુ કડક માણસ. દેશમાંથી ગુંડાગર્દી ખતમ કરવા તેઓ કટિબદ્ધ હતા. પણ તેઓ ગુન્હેગારોને સત્ય, અહિંસા અને નીતિના માર્ગે ચાલવાની સલાહ આપતા અને આ સલાહ આપવામાં તેઓ ગુન્હેગારો પાસેથી બહુ મામુલી ચાર્જ લેતા. એમના જ ખાતાનો કોઈ પોલીસવાળો કોઈ ૪-૫ કરોડની લાંચમાં પકડાયો ત્યારે સિન્હા સાહેબ, ‘‘હંહ... બેવકૂફ...’’ કહીને હસી પડ્યા હતા. 

પ્રવચન શરૂ કરતા પહેલા સિન્હા સાહેબે આગળની હરોળમાં બેઠેલા કેટલાક મેહમાનો સામે સરસ સ્માઈલ આપ્યું હતું, પણ આવા સ્માઈલો આલવામાં એમને કદી અભિમાન ન થાય... રોજેરોજ શું અભિમાનો કરવા

‘‘હેલ્લો એવરીબડી, ભાઈના જવાથી મને બહુ દુઃખ થયું છે. પહેલીવાર તેઓશ્રી જ્યારે મારા એનકાઉન્ટરથી બચી ગયા, ત્યારે મને પોલીસખાતામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ભાઈએ મને બોલાવ્યો. નામ ભાઈનું રાખીને કોક બીજાને એનકાઉન્ટરમાં ઉપાડી લેવાની સૂચના આપી... આજે મને કહેતા ફખ્ર થાય છે કે, ભાઈના આશિર્વાદથી મને નોકરીમાં પાછો લેવાયો. ભાઈના જવાથી આજે મને ચિંતા એ જ થાય છે કે, હવે હું સસ્પેન્ડ થઈશ, તો મને કોણ બચાવશે?... આ તો એક વાત થાય છે...!’’ 

જયહિંદ. 

ઝાંપે ઊભા ઊભા આવો... નમસ્તેના અભિવાદન સાથે, ડાધુઓ ઉપર ગુલાબજળ છાંટીને સત્કારવાથી માંડીને શોકસભામાં આભારવિધિની શરૂઆત ભાઈલોગથી શરૂ કરવામાં આવી. બ્લેક-ગોગલ્સ પહેરેલા સંસ્થાના સેક્રેટરી ભાઈ આભારવિધી કરવા ઝાંપેથી ફેરારી-કારમાં બેસીને સ્ટેજ સુધી આવ્યા. સ્ટેજ ઉપર ગાડી ચઢે એમ નહોતી, એટલે ભાઈ બે-ચાર ગાળો બોલ્યા. પણ પહેલા સ્ટેન-ગન લઈને એમના બે કમાન્ડો સ્ટેજ પર ચઢ્‌યા. સબ સલામત હૈનો ઇશારો થયો, એટલે ભાઈ ઉપર ગયા. રીવોલ્વરની માફક હાથમાં માઈક પકડ્યું અને બોલ્યા

‘‘સબ ભાઈલોગ, મવાલીલોગ ઔર પુલીસ કે કૂત્તે લોગ... રઝાક ખીચડી કા આપ સબ કો સલામ. 

અબ... દેખો, અપૂન કો બોલના-ફોલના નહિ આતા... એ કાલે ટાયર-ટ્યૂબ... સીધી તરહા સે બેઠ, વર્ના કાન કે નીચે ઐસી ખીંચ કે મારૂંગા કે તેરી આનેવાલી સાત પુર્શ્તેં બહેરી પૈદા હોગી... ચલ હવા આને દે... ! 

હાં, તો અપૂન બોલા કે... દેખ ભાઇ, જો ટપ્પક ગયા, વો સાલા ટપ્પક ગયા... ઉસકે લિયે ઇતની સારી ભીડ ક્યા જમા કરને કી... અભી ધંધે કા ટેમ હે, ભાઇ... ચલો ભીડ મત કરો... ફૂટ્ટા...સ!’’ 

હવામાં ગોળીબારોની રમઝટથી વાતાવરણ શોકમય થઈ જાય છે... સ્વર્ગસ્થ ભાઈને એ જ સાચી શ્રઘ્ધાંજલિ. 

સિક્સર
- ૨૮-વર્ષ પછી ભારત ક્રિકેટનો વર્લ્ડ-કપ જીત્યું. કારણ... ?

- દરેક ટીમમાં ક્રિકેટરો હતા... ફક્ત ભારતની ટીમમાં જ ભગવાન હતા... સચિન તેંડુલકર. 

No comments: