ચા-કૉફી પીતી વખતે
મારૂં શર્ટ ન બગડે, એવું બન્યું નથી. કહે છે કે, ચા પીતી વખતે કપ અને હોઠ વચ્ચે પડતી એક ખીણ સાચવી
લેવાની હોય છે. મેં સમાજમાં બહુ બધાનું સાચવ્યું છે, પણ આ
ખીણ ઘ્યાનમાં નથી રહેતી, એમાં ચાનો લિસોટો શર્ટ પર ઉતરી આવે છે.
લિસોટાઓનું કોઇ ગણીત કે ડીઝાઇન ન હોય. એ લોકો કવિઓ જેવા મનસ્વી હોય. ગમે ત્યાં પડે
અને ગમે તેવી રીતે પડે.
મને ચમચી પકડતા બહુ
સરસ આવડે છે, છતાં દહીંવડાંનું ડબકું મ્હોંને બદલે સીઘું શર્ટ
પર જ કેમ પડે છે, એ વાત હું મારી આત્મકથામાં ય લખવાનો નથી. બા
ખીજાય. મારા હાથમાં નાસ્તાની ડિશ આપતા જ એ હકીને કહી દે છે, ‘‘આને ગળે લાળીયું બાંધો.... નવું શર્ટ છે...
બગાડશે...’’
શર્ટ બગડવાની
દુનિયાના આગેવાનો કહે છે,
બહુ મોટા વિચારકો, ચિંતકો
અને વિદ્વાનો સાથે આવું થવું સ્વાભાવિક છે. વાળંદો સાથે આવું થતું નથી. એ લોકોને
વિચારી વિચારીને કામ કરવાનું નથી હોતું. કહે છે કે, ચાલુ
કામે જો આ લોકો વિચારો ઉપર ચઢી જાય તો ઘરાક મરવાનો થાય છે.
મારો બીજો ય એક
પ્રોબ્લેમ છે. કોઇના ઘેર ‘આવજો... આવજો’ કરી
લીધા પછી, એમના દરવાજાની બહાર નીકળવાનું હોય છે. હું પાછો
વળીને સીધો ભીંતમાં ભટકાઉં છું. ઘણા લોકોમાં અક્કલ હોતી નથી. દરવાજાની બાજુમાં કદી
ભીંતો રખાવાય જ નહિ. મેહમાનોના માથા ભટકાય. અલબત્ત, મારા
માટે ભીંતોમાં આમ ધુસી જવું, ઑલમોસ્ટ કાયમનું છે.
હું ઊભો થવા જઉં, ત્યારે ઉપરની બારી કે કબાટનું ખુલ્લું રહી ગયેલું
બારણું મારા માથે ભટકાય જ. અરે, વાત જાવા દિયો...
ભટકાયા પછી એની માં ને... તમ્મર તો એવા કાળમુખા આવી જાય કે, બઘું ભમતું-ભમતું લાગે. એવી કળ ચઢી ગઇ હોય કે, ચક્કર આવીને હમણાં પડી જઇશ, એવા ભયો લાગવા માંડે છે, પણ પૈસા સૌજન્યના છે ને? આટલા દુઃખાવા વચ્ચે પણ મોંઢું વડાપ્રધાન જેવું
હસતું રાખીને, ‘‘કંઇ નથી થયું... કંઇ નથી થયું...!’’ એવું બે વાર બોલવું પડે છે ને તો ય એ લોકો પૂછે જ, ‘‘શું થયું...? શું
થયું...?’’
તારી ભલી થાય
ચમના... તારી નજર સામે ભોડું ભટકાયું છે, ભમ્મ
કરતો અવાજ આયો છે, તમ્મરો મને ચઢ્યા છે, ફાવતું નથી તો ય ઊંધો હાથ હું મારા માથામાં
કચ્ચીને દબાવીને ઊભો છું,
છતાં ય પૂછશ.... ‘‘શું
થયું...?’’ અને એ ય બબ્બે વાર?
મારા બેઘ્યાનપણાને
લઇને, ધ..મ્મ દઇને બંધ થયેલા ગાડીના દરવાજામાં આજ સુધી
૨૪ વખત મારી આંગળી ભરાઇ ગઇ છે. મેં કેવી ચીસો પાડી હશે, તેનો એ લોકોને ખ્યાલ નહિ હોય? પણ તો ય પૂછે, ‘‘શું
થયું...?’’ આપણી સાલી છેલ્લી દાઢ દેખાતી હોય, એટલી સાઇઝમાં મોંઢું ફાડીને દેકારો બોલાવતાં હોઇએ
ને બરોબરની જમાવટ થઇ ગઇ હોય ત્યારે પૂછવાનું શું કે, શું
થયું? વિજ્ઞાન તો એવું કહે છે કે, આ તબક્કો ભારોભાર વેદનાનો અને ચીસોનો હોય છે.
તમ્મર આવી જાય છે, ત્યારે કોગળા કરતી વખતે જે અવાજો કાઢીએ છીએ, એવા અવાજો કાઢવા સિવાય અન્ય કોઇ પણ પ્રકારના
સવાલોના જવાબ આપવા માનવી સમર્થ હોતો નથી. આસમાન તરફ ઊંચું મોંઢુ રાખીને ચીસો પાડતી
વખતે હાથના ઈશારાથી પણ કહી ન શકે કે, કોઇએ
વગર પૂછે ગાડીનો દરવાજો બંધ કરી દીધો, એમાં
આંગળી આવી ગઇ.
કોડાની નજર સામે
બઘું બન્યું હોવા છતાં,
‘‘શું થયું?’’નો તો
માંડ જવાબ આપ્યો હોય, ત્યાં ધો.૧૦માં બે વખત ફૅઇલ થયેલી એની વાઇફ પૂછે, ‘‘આ કેવી રીતે થયું?’’
સાલો એનો જવાબ આપવા
કરતા, ગાડીના બીજા દરવાજામાં બીજી આંગળી ભરાવી દેવી
સસ્તી પડે. ‘‘કોઇ બરફ લાવો... બરફ ઘસો... અશોકભાઇ... ગાડીમાં
બરફે ય નથી રાખતા...?’’ વાંદરીને કેવી રીતે સમજાવવી કે, હું લેખક છું, બરફના
ગોળાની લારીવાળો નહિ, તે ગાડીમાં બરફની પાટો લઇને ફરૂં.
મારી છેલ્લી
લાક્ષણિકતા તો ન કહેવાય, ન રહેવાય એવી છે. ઘણાને થતું હોય છે આવું... નથી
થતું? ઘેરથી ઉતાવળમાં નીકળ્યા હો, એટલે ભૂલમાં પૅન્ટની ઝીપર બંધ કરવાનું બરાક ઓબામા
ય ભૂલી જાય છે. (ત્યાં તો,
ઈન્ટરનૅટ પર આ બઘું ફોટા સાથે આવે!) ભલે, આપણને કંઇ ફોટા પડાવવાનો શોખ નહિ, પણ અગાઉ મને મળી ચૂકેલા ઓળખીતાઓ બીજી વાર મળે, ત્યારે ભૂલ્યા વગર મારી ઝીપર સામે પહેલા જોઇ લે
છે ને બંધ જુએ, ત્યારે પૂર્ણ સંતોષની લાગણી સાથે તેઓ ફિક્કું હસી
લે છે. કોઇ એ નથી વિચારતું કે, જેને આ ભોગવવાનું
આવ્યું છે, એની રેવડી કેવી દાણાદાર થઇ જાય? એક તો સાલી પહેલી પચ્ચીસ મિનીટ સુધી આપણને પોતાને
ખબર ન હોય કે, કયો લોચો મારીને આવ્યા છીએ. આસપાસની પ્રજા આપણી
સામે ને નીચે જોઇને રોજ કરતા વધારે હસે, ત્યારે
ભડકી જવાય કે, કેવો લોચો વાગી ગયો છે! છતાંય સમય સાચવી લઇને, પડી ગયેલા મોંઢે બધાને સ્માઈલો સાથે જવાબો
આલવાના. આપણને ખબર પડે, એટલે ‘જંગ
જીત્યો રે મારો કાણીયો...’ના ગગનભેદી નારાઓ સાથે, ખુશ થઇને પાર્ટીમાં બધાની સામે ‘જય હો.... જય હો’ના નારા
સાથે હાથ ઊંચા કરી શકાતા નથી. આવું થયા પછી ભલભલાને દરવાજો દેખાતો નથી કે, કઇ બાજુથી ભાગવાનું છે! કોઇ શું જાણે, કેવા ગભરાઇ જવાય છે? શું કરવું, તેનો
તાબડતોબ ઉપાય મળતો નથી ને એવી અવસ્થામાં ય આડું જોઇને લોકો હસે રાખે છે... ‘કોઇ ગમ ગુસાર હોતા, કોઇ
ચારાસાઝ હોતા...!’ આવી જ કોઇ અવસ્થામાં લપટાયા પછી મિર્ઝા ગાલિબે
આવું લખ્યું હશે કે, આવું કંઇ થાય ત્યારે દોસ્તો ઉપદેશો આલવાને બદલે, આપણા દુઃખમાં ભાગ પડાવે કે કોઇ ઉપાય બતાવે.
જો કે પર્સનલી આવા
મામલે હું ગાલિબને સપોર્ટ નથી કરતો. આવું ઝીપરવાળું થયા પછી કોઇ દુઃખમાં ભાગ કઇ
રીતે પડાવે? ઈન ફૅક્ટ, આ આખો
મામલો જ એવો છે કે, કોઇ આપણા માટે એનો જાન આપી દે, પણ આમાં કરી કાંઇ ન શકે. કેટલાક પાપો જ એવા હોય
છે કે, જેના ફળો આપણે એકલાએ ગળચવાના હોય છે. અફ કૉર્સ, આમાં એક અપવાદ હતો, પ્રભુ
શ્રીકૃષ્ણનો, જેમણે ઉપર બાલ્કનીમાં બેઠા બેઠા દ્રૌપદીના ચીર
પૂર્યા હતા. પણ આવી ઈમરજન્સીમાં તો સ્વયં સાક્ષાત પ્રભુ પણ ઉપરથી પાટલૂનની ચૅઇનો
ના પૂરાવે. એ બહુ બહુ તો એટલો ઉપદેશ આપી શકે કે, कर्मणयेवाधिकारस्ते
मा
फलेषु
कदाचन।...’ એટલે કે, ફળની
આશા રાખ્યા વિના તું તારૂં કર્મ કરે રાખ.
વાહ, કેવો સચોટ ઉપાય! આવું કાંઇ થયું હોય ત્યારે
આડીઅવળી બીજી પચાસ ફિકરો કરવાને બદલે, હવે
અહીંથી છટકવા માટે શું કરવાનું છે, તેની
ચિંતા કરવાની હોય. ઈશ્વરે દાંત આલ્યા છે, તો
ચવાણું ય આલી દેશે, એમ દરજીએ પાટલૂન પહેરાયું છે, તો બીજી ચૅઇન પણ નાંખી આલશે, એવી શ્રઘ્ધા શા માટે ગૂમાવવી જોઇએ...? આ તો એક વાત થાય છે.
પણ ગાલિબની એ વાત
સાથે હું સહમત કે, આવું કંઇ થયું હોય તો દોસ્તોએ ઘટનાસ્થળે ઉપદેશો
ના આલવા જોઇએ કે, ‘‘આવા પાટલૂનો સિવડાવાય જ નહિ...! ઘેરથી બઘ્ધી તપાસ
કર્યા પછી જ બહાર નીકળવું જોઇએ.... જો ભ’ઇ, હું તો આવી પાર્ટીમાં આવું, ત્યારે ગાડીમાં એક વધારાનું પાટલૂન લેતો જ
આવું... ભ’ઇ, વખત છે
ને, આપણે નહિ તો બીજાને જરૂર પડે...!’’
મારા પ્રકૃતિગત
ઉપરોક્ત લક્ષણોની તમને પેટછૂટી વાત કરી, એમાં
વાચકો શું શીખ્યા? એ જ કે, માથા
ભટકાય, ભીંતમાં ધુસી જવાય કે બારણામાં આંગળી ભરાઈ જાય, એ તમામ લક્ષણો મારા જેવા સેંકડો સંસારીઓને
ઉલ્લુના પઠ્ઠા સાબિત કરે છે. આમ પાછા બીજી હજારો વાતે અમે બહુ સ્માર્ટ હોઇએ. (મને
ઝાડ પર ચઢી જતા સરસ આવડે છે. હું ટટ્ટાર ઊભો રહીને પાણી-પુરી ખાઇ શકું છું.
અમદાવાદમાં રહેવા છતાં, એક પણ ગાળ બોલ્યા વિના ગાડી ચલાવી શકું છું.)
પણ લોકોને તો ન
જોવાનું પહેલું દેખાય છે. ઉલ્લુનો પઠ્ઠો હોવું કોઇ આદર્શ વ્યવસ્થા નથી, પણ હોય છે બધા. અહીં મારા જેવા લક્ષણોવાળા પઠ્ઠા
હોય કે ઉપરની યાદીમાં શામેલ ન હોય, એવી
સેંકડો હરકતો કરતા ઉલ્લુઓ હોય, જે અજાણતામાં એકની
એક ભૂલ અનેકવાર કરે રાખે,
પણ એનો કોઇ ઉપાય ન હોય. હોય તો ય, મૂળ સ્ટોરીમાં કોઇ ફેરફાર ન થાય. (૧) રોજ ઑફિસ
જતા પહેલા ગાડીની ચાવી ક્યાંક આડીઅવળી મૂકાઇ જાય. (૨) પોતાને ચાર્જ ન લાગે, એટલે ફક્ત મીસ-કૉલ જોડીને ફોન મૂકી દેવાની બદમાશી
પૈસાપાત્ર અને સારા ઘરના લોકોમાં વધારે છે. મીસ-કૉલ જોઇને ‘પેલો સામે કરવાનો જ છે ને... કરશે એ તો!’ ને પેલાનો ફોન આવે ત્યારે કહેવાનું, ‘‘તમને બહુ ફોન જોડ્યા, પણ લાગે જ નહિ!’’ (ઉપરના
વાક્યમાં ‘બદમાશી’ શબ્દ
સુધારીને, ‘નફ્ફટાઇ’ રાખવો.)
(૩) કેટલાક ખુરશીમાં બેઠા બેઠા ઘેર દરજી બેસાડ્યો હોય એમ સિવવાના સંચાની જેમ પગ
હલાવે રાખે છે. વાતના વિષય મુજબ એની સ્પીડમાં વધઘટ થતી હોય. કોક ચોંકાવનારી વાત
નીકળે તો અચાનક પગ બંધ... પાછું નૉર્મલ થાય એટલે ઓરિજીનલ સ્પીડ પકડી લે. (૪) એકવાર
રીમોટ-કન્ટ્રોલ દબાવવા છતાં ચૅનલ બદલાતી ન હોય, ત્યારે
ભણેલા-ગણેલા માણસો પણ કચ્ચી કચ્ચીને અંગૂઠો દબાવી, ભગવાન
સામે અગરબત્તી ફેરવતા હોય એમ રીમોટનો ઊંચું-નીચું કરે રાખે છે. (બાય ધ વે, રીમોટ એક જ એવું સાધન છે, જેમાં અંગૂઠા સિવાય એકે ય આંગળીનો કશામાં ઉપયોગ
થતો નથી...!... ‘‘લાયા બાપૂ....... લાયા હોં!!’’) ...અને (૫) ઉલ્લૂના પઠ્ઠા આવા લેખો લખતા તો હોય, પણ દર બુધવારે વિધાઉટ ફૅઇલ... બેવકૂફ બનવા
છતાં.....
સિક્સર
- પાકિસ્તાનના એક ગામમાં મરી જાય એવા બાળકનો જન્મ
થયો. માં-બાપ ગરીબ. કોઇકે કહ્યું, ‘‘આને ખાઇ-પીને તગડો
બનાવવો હોય, સાવ મફતમાં... તો એને આતંકવાદી બનાવીને ઈન્ડિયા
મોકલી દો. દુઆ કરો એને ફાંસીની સજા થાય...! ત્યાં આપણાં ‘‘કોંગ્રેસ-મામા’’ એનો વાળ
વાંકો નહિ થવા દે. કોઇ પણ ઇન્ડિયન કરતા બહુ ઠાઠથી લાંબુ જીવશે.’’
No comments:
Post a Comment