Search This Blog

05/02/2015

નવી ગાડી પર લિસોટો

એણે મનોમન કબૂલ કર્યું કે, આટલો આનંદ ઘરમાં પહેલી વાર એની પત્ની પરણીને આવી, ત્યારે ય નહોતો થયો, જેટલો આજે નવી ગાડી આવી, એનો થાય છે. એ એટલો બધો ખુશ હતો કે, ગાડી પરથી નજર અને ચહેરા પરથી મુસ્કાન હટતી નહોતી. લાઈફમાં પહેલી વાર ઘરમાં ગાડી આવી હતી. આખો પરિવાર નવી ગાડી જોવા ઘરની બહાર આવી ગયો હતો. શિલ્પી-એની પત્ની હસતા મોંઢે માથું ઓઢીને હાથમાં કંકુ-ચોખાનો થાળ લઇને આવી હતી. બ્રાન્ડ-ન્યુ કાર ઉપર કંકુના લાલ લાલ ડાઘા પડશે, એ વિચારવું રાજુને ગમ્યું નહિ. પણ હિંદુઓમાં રિવાજ છે કે, ઘરમાં જે કાંઇ નવું આવે (ભલે પછી એ નવો ધૂળજી હોય) તો પહેલા એની પૂજા કરવી, એટલે કાંઇ બોલાયું નહિ.

પૂજા-બૂજા પતી ગઇ. રાજુએ ધોધમાર હિલોળા સાથે ભરાય એટલા ફૅમિલી-મૅમ્બર્સને ગાડીમાં ખોસી દીધા, 'ચાલો....નવી ગાડીમાં પહેલો આંટો મારી આવીએ...જલ્દી કરો, 'સમર્થેશ્વર મહાદેવના દર્શન કરી ઘેર પાછા આવવાનો રૂટ ગોખી નાંખ્યો, જેથી નવી ગાડીમાં ખોટું પેટ્રોલ ન બળે. (ઈન્ડિયામાં root એટલે કે 'રૂટ' બોલાય છે, અમેરિકામાં 'રાઉટ' (route) ઉચ્ચાર થાય છે.) ગાડીમાં બેઠા પછી ય રાજુ ગાડીની અંદરના એકેએક અવયવને મુગ્ધતાથી જોતો હતો, 'માય ગૉડ...કેવી કેવી ટૅકનોલૉજી આઇ ગઇ છે...આ લોકો સ્ટીયરિંગ પણ કેવા પરફૅક્ટ ગોળ બનાવે છે...આહ...ક્યા બાત હૈ ?'

...પણ ગુજરાતીઓ નવી ગાડી લે, એટલે પહેલો વિચાર 'ગાડીને કોઇ લિસોટો તો નહિ પડે ને ?' એનો આવે. રાજુને ચીઢ એ વાતની જ હતી કે, અમદાવાદના લોકોમાં ટ્રાફિક-સૅન્સ જેવું કાંઇ છે જ નહિ... સાલા નવી ગાડીને ય અડાડી દે...! ગાડી સ્ટાર્ટ કરી, ત્યાં એને એના સ્કૂટરના દિવસો યાદ આવ્યા. પહેલી કિકે સ્ટાર્ડ થાય એવા સ્કૂટરો એ જમાનામાં ય 'બહોત ખૂબ' કહેવાતા, જ્યારે ગાડીઓમાં તો, 'આ ચાવી મારી...ને આ સ્ટાર્ટ !'

'બા...પ્લીઝ તમે છીંકણી સુંઘીને હાથ ગાડીની સીટ પર નહિ લૂછતા...ચીકુ..છીંક ખાતી વખતે હાથ મ્હોં પાસે રાખવાના... ગાડીમાં છીંકના ડાઘા ન પડે.. શિલ્પી, તને ના પાડી'તી કે, માથામાં તેલ ન નાંખતી...પાછળ સીટ ઉપર ધાબું---તું ઓઢીને બેસ, બાપલા....ઓઢીને બેસ...!' પ્રામાણિક રાજુની પોતાના શૂઝ ઉપરે ય નજર પડી. થોડી ધૂળ તો હતી... દરવાજો ખોલીને બંને પગ ખંખેરી નાંખ્યા ને પાછા અંદર લઇ લીધા. ગાડી હજી કમ્પાઉન્ડમાં હતી, ત્યાં ઉપરથી કોક કબુતરૂં સીધું ગાડીના કાચ ઉપર ચરક્યું.... 'તારી માનું....હાળું કબુતરૂં...!' એનો જીવ કપાઇ ગયો. એ તરત ગાડીમાંથી બહાર નીકળ્યો, 'ગાભો ક્યાં છે...?' એ ઑલમોસ્ટ ચીલ્લાયો જ, 'ગાભો ક્યાં છે ?'

એ તો શિલ્પીએ ના પાડી કે, કબુતરાની ચરકને ગાભાથી સાફ કરવા જઇએ તો આઆઆઆ.... મોટો લિસોટો પડે....કાં તો એને સુકાઇ જવા દેવો જોઈએ ને કાં તો પાણીનો સ્પ્રે મારીને સાફ કરવો જોઈએ.'

રાજુનો જીવ કપાઇ ગયો. હાળા કબુતરાં...એ ન જુએ કે આપણે નવી ગાડી લઇને નીકળ્યા છીએ. પાર્કિંગમાંથી પાણીનું ડબલું ભરી લાવીને એણે ડાઘો સાફ તો કર્યો, પણ મહીં બેઠેલા બધા આંખ મારી મારીને હસતા હતા...પાછળના કાચ ઉપર બીજું કબુતરૂં ચરક્યું હતું.

ગાડી મેઇન રોડને જોડાઇ અને રાજુ નર્વસ થઇ ગયો. ટ્રાફિક જામમાં એની ચારેબાજુ ગાડીઓ જ ગાડીઓ...વચ્ચે જગ્યા વધતી હોય, ત્યાં બાઇકોવાળા ઘુસ્યા. હજી તો નવી ગાડી ફેરવવાનો જોસ્સો ય બહાર નીકળ્યો નહોતો ને ગાડી ટ્રાફિકમાં એણે ઘણી કાબેલિયતથી આજુબાજુના વાહનોથી પોતાની ગાડી સલામત રાખી. દશે દિશાઓમાં પોતાની ગાડીથી અન્ય વાહનોનું ૩-૪ ફૂટ અંતર રહે, જેથી કોઇ ઘસી ન જાય. ત્યાં તો, આવનારી ચોથી મિનિટે જ પ્રાણત્યાગ કરવાની હોય, એવા ગરીબડા મોંઢે એક ભિખારણે કાચ બહારથી 'કંઇ આલો ને, સેંઠ... તમારા બાલબચ્ચા સુખી રહે.'

આવા ગરમ લ્હાય જેવા તબક્કામાં રાજુ પાસે કાંઇ મંગાય ? આપણે બહાર ઊભા હોઇએ તો આપણે ય પાઇ-પૈસો ન માંગીએ, ત્યાં આ તો ભિખારણ... અકળાયેલા રાજુને બંધ કાચમાંથી પડાય એટલો મોટો ઘાંટો પાડીને ભિખારણને તતડાઇ નાંખી. પેલી તો રાજીયાની ય માં થાય એવી હતી. ભીખને બદલે હળહળતું અપમાન જોઇને એ કાચ ઉપર રીતસરની થૂંકી, '...નખ્ખોદ જાય તારૂં ને તારી ગાડીનું મૂવા...' નામના શ્રાપ સાથે. લંકા બાળતા હનુમાનજીને જોઇને રાવણ જેવો ભડક્યો હતો, એવો અહીં રાજીયો ભડક્યો, 'તારી તો...' એમ બોલીને કારનો દરવાજો ખોલવા ગયો, તો ચારે બાજુથી એકે ય દરવાજો ખોલાય એટલી જગ્યા નહોતી. આજુબાજુ બધે ચક્કાજામ. ગુજરાતીઓ અકળાય ત્યારે માં-બેનની ગાળ બહુ બોલે, પણ અહીં તો ગાડીમાં માં મોજુદ હતી, એટલે રાજીયો ગાળ ગળી ગયો. મનુષ્ય-જીવનમાં ધુંઆફૂઆવાળા આલમમાં જ્યારે બહાર નીકળું-નીકળું કરતી ગાળ સંજોગો જોઇને ગળી જવી પડતી હોય, ત્યારે બેચેની બહુ લાગે, પોતાની લાચારી ઉપર ગુસ્સો બહુ આવે, જાત પર નફરતો બહુ થાય... ને મરાય નહિ એવા આપઘાતના વિચારો ત્યાં ને ત્યાં આવવા માંડે. સુઉ કિયો છો ?

ને અચાનક ટ્રાફિક ખસ્યો. તમને બધાને ખબર હશે કે, જામ થયેલો ટ્રાફિક અચાનક ખસે, એટલે બધા બાઘા બનીને હુડુડુડુ ગાડી ચલાવવા માંડે છે. એમાં જરૂરી નથી કે બધાને માપસર આવડે. રાજુની પાછળની ગાડીવાળી કોઇ સુંદર સ્ત્રીનો પોતાની ગાડી ઉપર કાબુ ન રહ્યો ને, 'ધડ્ડીઇઇ...મ.' નામના ખૌફનાક અવાજો સાથે રાજુની ગાડી પાછળ ઠોકી દીધી. આમ રાજુ દુનિયાભરની સુંદર સ્ત્રીઓના તમામ ગૂનાહો માફ કરવા બેતાબ હોય, પણ આજે સીન નોખો હતો. કોક ગોદો વાગી જવાથી નર્સનું ઈન્જેકશન દર્દીના બાંવડાને બદલે ગાલમાં ઘુસી ગયું હોય ને દર્દી કેવી, 'વોય માડી રે... 'નામની કાતિલ ચીસ પાડી ઉઠે, એમ રાજીયાએ સુપર-ચીસ પાડી, 'સાલી જોતી નથી.... તારી---'

પાછળનું દ્રષ્ય ધાર્યા કરતા ઊલટું નીકળ્યું. ગાડીવાળી મહીં બેઠી બેઠી પસ્તાવાથી રાજુની સામે હાથ જોડતી માફી માંગી રહી હતી. ખલાસ...એક તો સ્ત્રી સુંદર...અને ઉપરથી માફી માંગે....બહોત નાઈન્સાફી હોગી...! દૂધનો ઊભરો શાંત પડે એમ રાજીયાનો ગુસ્સો શાંત પડી ગયો. ચેહરા ઉપર પેલું પરાણે આવતું સ્માઇલે ય આવી ગયું. ટ્રાફિકનો પ્રવાહ ચાલુ થઇ ચૂક્યો હતો એટલે નીચે ઉતરીને જોવાય એમ નહોતું કે ગાડી કેટલી ઠોકાઇ છે ! પણ ગાડીવાળી મનમાં વસી ગઇ હતી. રાજુને એનું અદ્ભુત-અદ્ભુત સ્માઇલ યાદ રહી ગયું. '....હાય રામ... બીજી વાર ક્યારે ગાડી ઠોકવા આવશે ?' ગાડી પાછળથી ઠોકાઇ હતી, પણ દર્દ દિલમાં ઉપડયું હતું. એમ પાછું અમદાવાદ નાનું છે...છોટી સી યે દુનિયા, પહેચાને રાસ્તે હૈં, તુમ કભી તો મિલોગે, કહીં તો મિલોગે... તો પૂછેંગે હાલ, હોઓઓઓ...'

પછી તો ઘેર આવતા સુધી ખાસ કોઇ મોટી ઘટના નોંધાઇ નહિ. બસ, સોસાયટીમાં પાછા વળતી વખતે સોસાયટીનો જ એક છોકરો આવીને બાઇક સાથે સીધો રાજુની કારને ટકરાયો... જય અંબે જય અંબે...!

ગાડી તો બધું રીપેર-ફીપૅર થઇને અઠવાડીયા પછી આવી ગઇ, પણ રાજુએ સોસાયટીના વૉચમેનની જેમ કમ્પાઉન્ડમાં સુવાનું નક્કી કરવું પડે એમ હતું. રાતભર કૂતરાઓ ગાડીના છાપરે સુઇ જવા ટેવાયેલા હોય છે ને આ મોટો ગોબો પાડી દે છે, પથ્થર મારીને કે હઇડ-હઇડ કરીને સુતેલાં કૂતરાંને ભગાડો, તો એટલામાં ક્યાંક આંટો મારીને પાછા ગાડી ઉપર સુઇ જાય..જગતની તો ખબર નથી, પણ ભારતભરમાં ગાડી ઉપરથી કૂતરાં હટાવવાનો કોઇ હલ નથી.

દુનિયાભરની સ્ત્રીઓનું કાર-ડ્રાઇવિંગ કેટલું બેવકૂફીભર્યું હોય છે, એના સેંકડો રમુજી કિસ્સા 'યૂ-ટયૂબ' પર જોતો હોવા છતાં રાજુએ શિલ્પીને પણ આ નવીનક્કોર ગાડી ચાલવવા આપી. ધોધમાર હસવું હોય તો 'યૂ-ટયૂબ'માં women drivers જોવા માંડો ! સમજ એ વાતની પડતી નથી કે, હજારમાંથી આઠસો ગાડીઓ સ્ત્રીઓ જ ઠોકતી હોવા છતાં કયાંય કોઈ સ્ત્રી-ડ્રાયવરને વાગ્યું હોય એવું સાંભળ્યું છે ? છાપાંના છેલ્લા પાને આવતા બેસણાંની જાહેર ખબરોમાં મરવાનું કારણ લખવામાં આવે તો દેશના ૯૮-ટકા ગોરધનો મલકાતાં મોંઢે આરામથી ઘેર બેઠા હોત ને રોજ જેલમાં મોકલવા માટેનું ઘર કા ખાનાવાળું ટીફિન બંધાવી લીધું હોત !

આપણા શહેરમાં તમે 'ફેરારી' લાવો કે 'લૅમ્બર્ગિની', સાંજ સુધીમાં એની ઉપર એક લિસોટો ન પડે, તો મારી ગાડીમાં દસ લિટર પેટ્રોલ ભરાવી આપવાની તમને છુટ. બેશુમાર વધતો જતો ટ્રાફિક, પપ્પાના પૈસે ધૂમધામ બાઇક ચલાવતા નબીરાઓ, અવસર મળે તો આપણી ગાડીની નીચેથી ય રીક્ષા કાઢી લે, એવી રાક્ષાવાળાઓ, નવીનક્કોર ગાડી જોઇને એના કાચ ઉપર પાનની પિચકારી મારી દેનાર વિકૃતો, એક વાર નવી ગાડી વાઇફને ચલાવવા આપવાની બેવકૂફીઓ તેમ જ, ફાધરનું કિંગડમ હોય એમ ગાડીના છાપરા ઉપર આરામથી ઊંઘ ખેંચી કાઢતા કૂતરાઓ... લિસોટા વગરની ગાડી પૉસિબલ નથી.

સિક્સર
 
બહુ વખત પછી જોયેલી માસ્ટર પીસ ફિલ્મ 'બેબી'માં અક્ષય કુમાર રીમાન્ડ પર લીધેલા સુશાંતસિંઘને બધી પૂછપરછ પતી ગયા પછી પણ છેલ્લે છેલ્લે થપ્પડ મારે છે. ચોંકેલો સુશાંત પૂછે છે, 'યે ક્યું મારા...?'
 
જવાબમાં અક્ષય કહે છે, 'આદત હૈ...'.

No comments: