Search This Blog

01/02/2015

'ઍનકાઉન્ટર' : 01-02-2015

* મારે એક બિલ્ડિંગ ઉપર જઇને આપઘાત કરવો છે, પણ એ બિલ્ડિંગને સીડી જ નથી, તો મારે શું કરવું?
- લિફટ પકડી લો...
(કરસન ભરવાડ, કરમસદ)

* આપણા દેશમાં સૌથી મોટા દુશ્મનો કોણ? ત્રાસવાદીઓ કે ધર્મગુરૂઓ?
- આ બન્નેને સપોર્ટ કરનારાઓ.
(જીગર પટેલ, મેહસાણા)

* આપણા દેશમાં કરોડો દેવતાઓ છે, જ્યારે પશ્ચિમના દેશોમાં એક જ ઈશ્વર, છતાં આપણે બધાથી પાછળ કેમ?
- અભણ લોકો ઉપર કાં તો જુલ્મી રાજ કરે ને કાં ધર્મગુરૂઓ. આપણે ત્યાં તો એકલા હનુમાનજીઓ જ ૧૯૦૦ પ્રકારના છે.
(કિશોર પરમાર, કુડાસણ)

* રાહુલ ગાંધી તમને એમના અંગત સલાહકાર બનાવે તો કઇ સલાહ આપો?
- તમારો મારા માટેનો અભિપ્રાય બહુ નબળો નીકળ્યો.
(પ્રવીણ સુથાર, ઉનાવા-ઊંઝા)

* તમે સવાલ સાથે સરનામું પણ માંગો છો, તો ઘરે તો આવો!
- તો પછી તમે રહેવા ક્યાં જશો?
(તીર્થ પટેલ, આણંદ)

* પહેલા સિનેમાની સફળતા રજત જયંતિ ઉપર મપાતી... હવે રૃા. ૧૦૦-૨૦૦ કરોડની ક્લબોમાં મપાય છે...
- રજત જયંતીવાળીઓ હરકોઇને યાદ છે. ૧૦૦ કરોડવાળી બીજે મહિને ભૂલાઇ જાય છે.
(મૂકેશ ડી. ઠક્કર, રાજકોટ)

* બાળકને જન્મ આપવાને બદલે અનાથ આશ્રમમાંથી દત્તક લઇને મોટું કરવું ન જોઇએ?
- તમે એમ કરજો.
(જોગેશ ઘેલાણી, ધ્રાંગધ્રા)

* સ્વચ્છ ભારત અંગે આપનો અભિપ્રાય.
- પોસિબલ નથી !
(મનોજ પંચાલ, મુંબઇ)

* 'બૉસ ઇઝ ઑલવૅયઝ રાઇટ'. તમે સહમત છો?
- કાલથી ટાઇમસર આવવાનું રાખો.
(જયેશ અંતાણી, ભાવનગર)

* 'ઍનકાઉન્ટર'ના જવાબો આપવા તમે ક્યાં બેસો છો? ઘેર કે ઑફિસે?
- ખુરશી ઉપર.
(રાકેશ એન. મોદી, મેહસાણા)

* જો તમને પ્રધનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી મળવા આવે તો એમને શું ગિફ્ટ આપો?
- એક કવર... જેમાં લખ્યું હશે, ''પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ ક્યારે આપવાનો છે?''
(ડૉ. આકાશ ગેડીયા, ખંભાળીયા)

* દાદુ, દૂધ અને ચા ગરમ કરતા ઊભરાઇ જાય છે, પણ પાણી કેમ ઊભરાઇ જતું નથી?
- કોકનો એવો સ્વભાવ...!
(રૉયલ રાઠોડ, વડોદરા)

* રાહુલ ક્યારેય મોટા થશે ખરો?
- 'બાલચમચો' કોણ પીવડાવે છે, એના ઉપર બધો આધાર છે.
(કમલેશ ગોસ્વામી, રાજુલા સિટી)

* કૉલેજમાં મારે કોઇ ગર્લફ્રેન્ડ બનાવવી છે. કોઇ સલાહ?
- એના બૉયફ્રેન્ડ કરતા વધુ સ્માર્ટ બની બતાવો.
(મિતુલ ઘેડીયા, અમદાવાદ)

* 'બુધવારની બપોરે'માં ગત તા. ૭મી જાન્યુ. ૨૦૧૫નો તમારો લેખ 'ચલો ગીત ગાઓ' આજ સુધીનો સર્વોત્તમ અને ખડખડાટ હસાવનારો લેખ હતો... તમે બધા લેખો આવું હસાવનારા ન લખી શકો?
- ઉત્તમ સર્જનો કેવળ ઈશ્વરની કૃપાથી થાય છે, એમાં સર્જકનો કસબ નામનો જ હોય છે.
(મોહિની યક્ષ મેહતા, વડોદરા)

* તમને કોઇ પ્રેતાત્માનો સાક્ષાત્કાર થાય તો તમે શું કરો?
- એ મને એનો સગો ભાઇ સમજીને મળવા નથી આવ્યો ને, એટલી તપાસ કરી લઉં.
(શ્વેતા જોશી, વડોદરા)

* આપણે જેને પ્રેમ કરતા હોઇએ, એનો ભાવ કેમ વધી જતો હશે?
- તમારે સસ્તામાં શું કામ પડવું જોઇએ? તમારી પ્રેમિકા, 'બહારોં કો ભી નાઝ જીસ ફૂલ પર થા, વો હી ફૂલ હમને ચૂના ગુલસિતાં સે..' બ્રાન્ડનો હોવો જોઇએ.
(રામ ઓડેદરા, પોરબંદર)

* 'લવ મૅરેજ' અને 'ઍરેન્જ્ડ મૅરેજ'... વધારે પ્રોફિટ શેમાં છે?
- તમે લગ્ન કરવા નીકળ્યા છો કે, ભંગારનો સામાન લેવા?
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* 'હસવું' અને 'રડવું' એક સાથે ક્યારે આવે?
- પત્ની સાથે નીકળ્યા હો ને દૂરથી પ્રેમિકા આવતી દેખાય ત્યારે.
(ભરત પાવશીયા, સુરત)

* અશોકજી, 'નિર્ણય ન લેવો' એ પણ એક નિર્ણય જ છે ને?
- દરેક બેરકૂફને લગ્ન પહેલા આ સમસ્યા સતાવતી હોય છે.
(સોનુ શર્મા, રાજકોટ)

* તમારે ઘણા ફાલતુ સવાલોના જવાબ આપવા પડે છે... લોકસભામાં તમને બહુ સહેલું પડે!
- હું જે કરૂં છું, તે કોઇ પણ પરણેલો માણસ કરી શકે!
(સંજય દવે, શેઠવડાલા-જામજોધપુર)

* મોબાઇલ આવ્યા પછી લોકો પાસે બહાનાં વધી ગયા છે... સુઉં કિયો છો?
- વાત એથી જરા ઊલટી છે... હવે બહાનેબાજોને મોબાઇલને કારણે આસાનીથી પકડી શકાય છે.
(હર્ષદ ગામેતી, આદિપુર-કચ્છ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલની જેમ જવાબો પણ રીપિટ થાય ખરા?
- 'ઍનકાઉન્ટર' જે રેગ્યુલર વાંચતું હોય, એને ખબર પડે.
(દીપ્તિ દવે, અમદાવાદ)

* 'સ્વચ્છ ભારત અભિયાન'ને અનુલક્ષીને તમે નાગરિકોને શું સંદેશો આપશો?
- મારા અમદાવાદના મૅયર, મ્યુનિ. કમિશનર કે કૉર્પોરેટરો ખુદ મોદીની અપીલ સાંભળતા નથી ને એક નાનકડું ડબલું ય ક્યાંય મૂકાવ્યું નથી, ત્યાં મારો સંદેશો કચરા ટોપલીમાં નાંખવાનું ડબલું ય મળે એમ નથી... જય હો!
(હાર્દિક એમ. પારેખ, ભાવનગર)

* વિરાટ કોહલી સચિનનું સ્થાન લઇ શકે?
- સચિનનું સ્થાન અંજલી તેન્ડુલકરે લઇ લીધું છે.
(જય એમ. રાજ, સારસા-આણંદ)

* માણસ અને પશુ વચ્ચે શું ફરક?
- જાતે તપાસી લો.
(કિશન પટેલ, વડાલા-ખેડા)

No comments: