Search This Blog

06/02/2015

'વલ્લાહ ક્યા બાત હૈ ?' ('૬૨)

ફિલ્મ : 'વલ્લાહ ક્યા બાત હૈ ?' ('૬૨)
નિર્માતા : દિગ્દર્શક : હરિ વાલીયા
સંગીત : રોશન
ગીતકાર : આનંદ બક્ષી- પ્રેમ ધવન
રનિંગ ટાઇમ : ૧૪- રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : શમ્મી કપૂર, બીના રૉય, નિશી, મુમતાઝ, અભિ ભટ્ટાચાર્ય, કે.એન.સિંઘ, મોહન ચોટી, ડૅઇઝી ઇરાની, બજર બટ્ટુ, રાજા, નૂર દેવાસી, એસ.મોહિન્દર, રાજન કપૂર, મૂલચંદ, જાનકી દાસ, મૂન્શી મનક્કા, નાગપાલ, અનંત આપ્ટે.



ગીતો
૧. ખનકે તો ખનકે ક્યું ખનકે જબ રાત કો ચમકે તારે.... - આશા- રફી
૨. ગમ-એ-હસ્તિ સે બસ બેગાના હોતા, ખુદાયા કાશ મૈં.... - મુહમ્મદ-રફી
૩. એક તો સૂરત પ્યારી ઔર ઉપર સે યે નાઝ.... - આશા-રફી
૪. મેહફીલ મેં જો આયે તુમ જાદુ સા છા ગયા.... - આશા ભોંસલે
૫. ઓહો યારો હુસ્ન કી યે ઇશ્ક સે પહેલી મુલાકાત હૈ.... - મુહમ્મદ રફી
૬. તેરી મેરી એક ઝીંદગી, આ કે મિલ જા રે મિતવા.... - આશા ભોંસલે
૭. હમસે ભી તો તનિક સરકાર બાતાં કર લો જી.... - મુહમ્મદ રફી
૮. કાંટો કે સાયે મેં ફૂલો કા ઘર હૈ, ફૂલો કે ઘર પે જો.... - મન્ના ડે

'વલ્લાહ ક્યા બાત હૈ ?' નામની ફિલ્મ આ દુનિયામાં આવી હતી કે નહિ, એ સવાલે ઊભો કરવા જેવો નથી, પણ સંગીતકાર રોશનલાલ નાગરથે આ ફિલ્મના સંગીતમાં ખાસ તો રફી સાહેબ પાસે એક ગીત ગવડાવીને બહુ મોટા મિર માર્યા હતા, 'ગમ-એ-હસ્તિ સે બેગાના હોતા, ખુદાયા કાશ મૈં...' એની વાત કરવા જેવી છે. (મોટા ભાગના આજ સુધી એવું જ સમજતા રહ્યાં કે, ''ખુદા આકાશ મેં, દીવાના હોતા...'' અરે જીયો મેરે લાલ... ઠેઠ ઉપર આકાશમાં દીવાના થવા માટે કોરા કાગળ ઉપર કોઇ અરજી શું કામ કરે? ગાંડાથવા માટે અહી પુષ્કળ જગ્યા છે. ગીતકારો બે છે, પણ બાકીના તમામ ગીતો પ્રેમ ધવને લખ્યા હતા... ફક્ત એકલું આ જ આનંદ બક્ષીએ લખ્યું હતું, જેનો કહેવાનો મતલબ એ થતો હતો કે, ''હે ભગવાન, જો હું પાગલ હોત તો, આ જીવનના ગમોથી બેખબર તો હોત !''

આપણે સ્કૂલમાં હતા, ત્યારથી રફી સાહેબના આ ગીતમાં ના પાડવા છતાં આપણે પાગલ થઇ જતા હતા, એક તો ગીતની મધુરતાથી અને બીજું... કાચી ગોટલી જેવી ફુટફુટ થતી જુવાનીના પ્રારંભમાં પ્રેમમાં નિઃષ્ફળતા- બિશ્ફળતા તો હોય જ ને ? એટલે ગીત જાણે આપણા માટે જ ગવાયું હોય, એવું લાગે. રોશન હંમેશા અંડરરૅટેડ સંગીતકાર રહ્યા. રાગ યમનના આ બાદશાહ મૌસીકારે ભલે સાતત્ય (Continuity) વગર, ફિલ્મોમાં સંગીત આપ્યું, પણ જે સારૂં વધ્યું, એ સઘળું એ જમાનાના સારા સંગીતકારોની બરોબરીનું... ને ક્યારેક તો એમનાથી ય ઉપરવાળું હતું.

સંગીતનો અસલી જમાનો તો આપણે લોકો જ જીવી ગયા છીએ. આજના સંગીતનો કોઇ ઉલ્લેખ પણ નથી કરવો, પણ '૪૬-થી '૬૬ સુધીના બે દશકમાં મિનિમમ ૧૨ સંગીતકારો એવા આવ્યા. જેમણે અદ્ભૂત મેલડીસભર ગીતો બનાવીને યા તો આ બન્ને દાયકાઓનું સર્જન કર્યું, યા તો આ બે દાયકાઓ એવા મધુરા હતા, જેમાં એ લોકોએ કામ કર્યું. એમાં શંકર-જયકિશન, સી.રામચંદ્ર, નૌશાદ, સચિનદેવ બર્મન, મદન મોહન, ઓપી નૈયર, સલિલ ચૌધરી, રોશન, હેમંત કુમાર, રવિ, જયદેવ અને વસંત દેસાઇ. આ લોકોએ '૪૬ થી '૬૬ના દાયકાઓને સંગીતની એ ઊંચાઇઓ ઉપર લઇ ગયા. જેની ટોચ આજે ૫૦ વર્ષ પછી પણ આપણા ઘરની બાલ્કનીમાંથી મસ્તમધુરી દેખાય છે. રોશન પણ આમ જોવા જઇએ તો મદન મોહનની માફક થોડો અભાગીયો... સંગીત સુંદર પણ ફિલ્મ ચાલે નહિ, એટલે આ બન્નેને કોઇ ક્રેડિટ જ ન મળે, ના કોઇ મોટા હીરો કે મોટા નિર્માતાની ફિલ્મો.

યોગાનુયોગ, આ જ ફિલ્મના નિર્માતા- દિગ્દર્શક હરિ વાલીયાને ઘેર જ અચાનક રોશનનું પ્રાણપંખેરૂં ઊડી ગયું. (હરિએ શમ્મી કપૂરને લઇને ફિલ્મ 'લાટ સાહેબ' પણ બનાવી હતી. એની બસ, આ બે જ ફિલ્મો) રોશન અત્યંત ભોળો માણસ, તે એટલે સુધી કે પોતાના ઉપરે ય ખુશ થઇ જાય. ભગવાને એમને ત્રણ હાથ આપ્યા હતા. બે હાર્મોનિયમની પેટી ઉપર મૂકવા માટે અને ત્રીજો વ્હિસ્કીનો ગ્લાસ પકડવા માટે. આ ત્રણ યારદોસ્તો વગર કોઇએ રોશનને જોયો નથી. પેટી વગાડતા વગાડતા જો કોઇ બેનમૂન ધૂન હાથે... આઇ મીન, ગળે લાગી ગઇ, તો ચઢેલા નશે ઉપર જોઇને યારદોસ્તોને ખડખડાટ હસતા હસતા કહે, ''દેખો, ઉપરવાલે કો ભી આદતેં અપને જૈસી હી હૈ...'' એમાં ખૂબ હસવે ચઢ્યા પછી હરિ વાલીયાના ઘેર જ ઍટેક આવ્યો અને રોશનલાલ નાગરથ ગૂજરી ગયા.

મદન મોહનને ગઝલના બાદશાહ કહેવાય છે, પણ એ તો જેણે રોશનની ગઝલો યાદ ન આવતી હોય એ બધા હા-એ-હા- કરે. મદન મોહન બાદશાહ અફ કોર્સ, પણ ગઝલો માટે રોશનને પણ શહેનશાહ કહેવા પડે. કવ્વાલીમાં તો એનાથી ઉપર ઇકબાલ કુરેશી પણ નહિ. રહસ્ય એક જ સમજાણું નથી કે, આ ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ'ના આશા-રફીનું યુગલ ગીત, 'ખનકે તો ખનકે યૂં ખનકે જબ રાત કો ચમકે તારે, તેરા કંગના...' રોશને ઓપી નૈયરની એટલે હદ સુધી બેઠી નકલ કરી છે કે, ઓપીના ખાસ માનિતા પાવા પણ ઓપી-સ્ટાઇલથી જ વગાડયા છે. ઓપીના ગીતો એના ઝટકા માટે જાણિતા હતા, એવા ઝટકાય (...તે...રા...કંગના, હોય) રોશનલાલે આશા-રફી પાસે ગવડાવ્યા છે.

ફિલ્મનો હીરો ડૅશિંગ હૅન્ડસમ શમ્મી કપૂર હતો. હવે આ કૉલમને કારણે આટલી બધી ફિલ્મો રીપિટમાં જોયા પછી, એક વાત કૉમન નજરે ચઢે છે કે, હીરો કોઇ બી હો, ફિલ્મમાં ગીત ગાતી વખતે એની તમામ ફિલ્મોના તમામ ગીતોમાં હાવભાવ, અદાઓ, હલનચલન...એકના એક જ ! દાખલા તરીકે રાજેન્દ્ર કુમાર કે દિલીપ કુમારના કરૂણ ગીતો યાદ કરો, દેવ આનંદ કે રાજ કપૂરના રૉમેન્ટિક ગીતો યાદ કરો... એક પણ અપવાદ વિના તમામે તમામ હીરાઓના હાવભાવ જે પહેલા ગીતમાં જોવા મળે, એ અઠયાવીસમાં ગીતમાં કે બસ્સો ત્રેંતાળીસમાં ગીતમાં... કોઇ ફરક નહિ.

ત્રણે કપૂરો માટે એ કબુલવું પડશે કે, ત્રણેએ કહી એકબીજાની નકલ કરી નથી. યસ. આજના હીરોલોગ માટે કહેવું પડે કે, લગભગ બધા એકની એક ટ્રેડિશનમાંથી બહાર આવ્યા છે. કંઇક નવું અથવા નૅચરલ એ લોકો લાવી શક્યા છે.

ફિલ્મની હીરોઇન બીના રોય 'મિન્શીપાલટી' પ્રેમનાથની પત્ની હતી. બહુ રિબાઇ બિચારી. માનવું અઘરૂં પડે પણ પ્રેમનાથના ત્રાસથી આ ભલી સ્ત્રી સાચા અર્થમાં પાગલ થઇને મરી. પેલો ઘરમાં પૂરા કપડાં કાઢીને ઢીંચ ઢીંચ કરીને જૂની પ્રેમિકાઓ કામિની કૌશલ અને મધુબાલાને માં-બહેનની ગંદી ગાળો બોલીને દિવસ પસાર કરે. પત્ની બીનાને તો એ ગણકારતો ય નહિ. વૅસ્ટર્ન રેલ્વેના સ્ટોર-કન્ટ્રોલરના અત્યંત સંસ્કારી અને શિક્ષિત પરિવારની આ છોકરી લખનૌની ઇસાબેલા કૉલેજમાં (ઇન્ટરમીડિયેટમાં) ભણતી, ત્યારે ફિલ્મ 'ગાઇડ'માં વહિદાના પતિ બનતા કિશોર સાહુએ અખબારોમાં આપેલી જાહેરખબર મુજબ, એમની આગામી ફિલ્મ 'કાલી ઘટા' માટે હીરોઇન જોઇતી હતી. બીનાએ અરજી કરી અને તરત પાસ થઇ ગઇ. નસીબ કેવું કે, એ પછી તરત જ દેશભરમાં ધૂમ મચાવનારી ફિલ્મ 'અનારકલી'ની એ હીરોઇન બની. વચમાં સાંઢ જેવો પતિ પ્રેમનાથ મળ્યો, છતાં બીના રોયને નામે ઘણી જાણિતી ફિલ્મો છે : શોલે, ગૌહર, ઔરત,સંગમ (ઓ... કાલી ઘટા ઘિર આઇ રે...), મરિન ડ્રાઇવ (અબ વો કરમ કરે કે સિતમ, મૈં નશે મેં હૂં- રફી) કાલી ઘટા (ઇલ્લે બેલી, લાઇલ્લા ઇલ્લે બેલી), દુર્ગેશ નંદિની (કહાં લે ચલે હો, બતા દો મુસાફિર) ચંદ્રકાંતા (મૈને ચાંદ ઔર સિતારો કી તમન્ના કિ થી), તલાશ, ગોલકોન્ડા કા કૈદી, ચંગેઝ ખાં (મુહબ્બત ઝીંદા રહેતી હૈ, મુહબ્બત મર નહિ સકતી), ઇન્સાનીયત, સરદાર (સ્વ. ગાયક જગમોહન 'સુરસાગર'ના સંગીતની ફિલ્મ) 'ઘૂંઘટ (લાગે ના મોરા જીયા, સજના નહિ આયે) અને ક્યાંથી ભૂલાય ફિલ્મ 'તાજમહલ'?

ફિલ્મ 'વલ્લાહ ક્યા બાત હૈ'માં બહુ પડવા જેવું એટલા માટે નથી કે, એક તો એ જમાનાની બ્લૅક-ઍન્ડ- વ્હાઇટ ફિલ્મ ને એમાં ય પોણી ફિલ્મ રાત્રીના અંધકારમાં ઉતારી છે. વાર્તામાં ય કોઇ ભલીવાર નહિ. શમ્મી કપૂર હંમેશની મુજબ ગરીબોનો બેલી (ક્યો હીરો નથી હોતો...?) એણે સાડા ત્રણ કલાક સુધી દેશના સૌથી મોટા ગુંડા કે.એન.સિંઘ સાથે લડતા રહેવાનું એના કોઇ વાંકગૂનાહ વગર મને જરા ય નહતો ગમતો એ અભિ ભટ્ટાચાર્ય પાછો આ ફિલ્મમાં 'અશોક' નામ રાખીને આવે છે. (તારી ભલી થાય ચમના... એટલે કે હરિયા... આને માટે તને 'અશોક' સિવાય બીજું કોઇ નામ મળતું નહોતું ?) આમ તો એ ય, મનમોહનકૃષ્ણની ઝેરોક્સ જેવો હતો... ( એક આડવાત : 'ઝેરોક્સ' નામનો કોઇ શબ્દ જ નથી. એ તો કંપનીનું નામ છે. આપણે કોઇ કાગળની ઝૅરોક્સ કઢાવીએ, એ અજ્ઞાન છે... 'ફોટો-કૉપી' કઢાવી, એમ કહેવાય. ચલો, મેં લખેલું સુધારી લો !) કારણ કે, આ ય મનમોહનની જેમ એક સેકન્ડમાં ચેહરા ઉપર ૨૮- લાખ હાવભાવો લાવી શકતો... પેલાના ૨૮-લાખ બીજા !

મુમતાઝ હજી નવી નવી આવી હોવાથી આ ફિલ્મમાં માલા કેળાવાળીના ફાલતુ રોલમાં છે. મોહન ચોટી કદી ય લીડ-કોમેડિયન બની ન શક્યો. સિપ્પીનું 'શોલે' આવ્યું ન હોત, તો જગદીપની ય નોંધ લેવાઇ ન હોત, કરૂણતા એ છે કે, હાસ્યની સિચ્યૂએશન કે સંવાદો લખનારા સાચ્ચે જ કોઇ લેખકો ફિલ્મોમાં નહોતા, એટલે એ જમાના કે આ જમાનાના સારા સારા કૉમેડીયનો પાસે ફિલ્મોવાળા બેવકૂફીઓ અને ઢંગધડા વગરની કૉમેડી કરાવતા.

યસ. કેટલાક લેખોમાં હું ચાલુ ફિલ્મ વખતે અમદાવાદ શહેરના અન્ય થીયેટરોમાં કઇ કઇ ફિલ્મો ચાલતી હતી, એ લખું એ વાચકોને ઘણું ગમે છે, એનું કારણ એ છે કે, આપણા એ જમાનામાં આખા શહેરમાં જ જે ૧૫- ૧૭ થીયેટરો હતા, એમાં થતું એવું કે, આમાં ટિકીટ ન મળે, તો બાજુના થીયેટરમાં બેસી જતા. દરમ્યાનમાં ઑલમોસ્ટ બધા થીયેટરો પાસેથી પસાર થવાનું થાય, એટલે આજે ય સહુને એ તો યાદ છે જ કે, '૬૨ની સાલમાં 'વલ્લાહ ક્યા બાત હૈ' રીગલમાં આવ્યું, (એની પહેલા દારાસિંઘની સૌથી પહેલી ફિલ્મ 'કિંગકોંગ' રીગલમાં આવ્યું હતું.) ત્યારે રીલીફમાં અશોક કુમાર- મીના કુમારી- પ્રદીપ કુમારવાળું 'આરતી' ચાલતું હતું. કૃષ્ણમાં 'અનપઢ', લાઇટ હાઉસમાં દેવ આનંદ-સાધનાનું 'અસલી-નકલી', બનતા સુધી મોડેલમાં દેવ આનંદનું જ 'બાત એક રાત કી' નોવેલ્ટીમાં મીનાકુમારી- સુનિલ દત્તનું 'મૈં ચૂપ રહુંગી', એલ.એન.માં આઇ.એસ. જોહરનું 'મેં શાદી કરને ચલા', પ્રકાશમાં શશી કપૂર-નંદાનું 'મેંહદી લગી મેરે હાથ' અને રૂપમમાં અશોક કુમાર- વહિદા રહેમાન- પ્રદીપ કુમારનું 'રાખી' આવ્યું હતું.

આ ફિલ્મના ટાઇટલ્સમાં એક જમાનાના ફાલતું ગીતકાર નૂર દેવાસી અને ૮-૧૦ ફિલ્મોમાં ઝગારો મારી ગયેલા સંગીતકાર એસ.મોહિન્દરના નામો આ ફિલ્મના કલાકારો તરીકે છે, એ હું ઓળખી શક્યો નથી. પણ મૂળ નામ મોહિન્દરસિંઘ સરનાએ ૧૯૫૦-માં પોતાની પહેલી ફિલ્મ 'નીલી' (દેવ આનંદ-સૂરૈયા) નું એકે ય ગીત હિટ કરાવી ન શકનાર આ સરદારજીએ ત્રણ વર્ષ પછી રાજ કપૂરને મુહમ્મદ રફીનું પ્લેબેક અપાવી, 'તેરા કામ હૈ જલના પરવાને, ચાહે શમ્મા જલે યા ના જલે'થી પોતાના નામની જાહેરાત કરી દીધી. નવાઇની વાત એ હતી કે, આટઆટલા મશહૂર સંગીતકારો બજારમાં હોવા છતાં, મધુબાલાએ પોતે પ્રોડયુસ કરેલી ફિલ્મ 'નાતા'નું સંગીત એસ.મોહિન્દરને આપ્યું અને એમાં લતા મંગેશકરના ૯માંથી ત્રણેક ગીતો આહલાદક બનાવ્યા, 'ઇસ બેવફા જહાં કા દસ્તુર હૈ પુરાના', 'દેખતે દેખતે જલ ગયા આશિયાના' અને 'લગન લગી હૈ સજન મિલન કી' (આવા અર્થસભર શબ્દો પંડિત દીનાનાથ મધોકે લખ્યા હતા.) 'શીરી- ફરહાદ'નું લતાનું ગીત તો બધાને ખબર છે, 'ગૂઝરા હુઆ જમાના, આતા નહિ દૂબારા, હાફીઝ ખુદા તુમ્હારા' અને શકીલાવાળી ફિલ્મ 'ખૂસસૂરત ધોખા'માં મૂકેશના બે ગીતો જામ્યા હતા, 'કિસી કા દિલ ચૂરા લેના, બડી પ્યારી શરારત હૈ' અને 'યે જવાની યે હંસિ રાત ખુદા ખૈર કરે...' અને અફ કોર્સ, લતા મંગેશકરના ડાયહાર્ડ ફૅન હો તો જ સાંભળ્યું હોય, એવું ફિલ્મ 'પિકનિક'નું ગીત, 'બાલમવા, બોલો ના બોલોના બોલો ના, મૈં તો દૂર ખડી...' ઝમીં કે તારેમાં મુહમ્મદ રફી- કોરસનું એક ગીત હજી યાદ છે, જે અનવર જુસેન અને ડૅઝી- હની ઇરાની ઉપર ફિલ્માયું હતું, ''ઓ મેરે પ્યારોં ઝમીન કે તારો જાના તુમ્હે હૈ કહા'', પણ મારી પસંદના મૂકેશના ટૉપ-૨૫ ગીતોમાંથી બે તો આ સરદારજીની ફિલ્મ 'જય ભવાની'ના છે. (હિરો ગુજરાતી મનહર દેસાઇ), 'યહાં રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે' અને લતા સાથેનું 'શમ્મા સે કોઇ કહે દે, કે તેરે રહેતે રહેતે, અંધેરા હો રહા...'

હરીફરીને 'વલ્લાહ ક્યા બાત હૈ' પર આવવું જ હોય, તો શમ્મી કપૂરના ચાહકો ય નિરાશ થાય એવી ફાલતું ફિલ્મ હતી આ.

(સી.ડી. સૌજન્ય : ભરત દવે- સુરત)

No comments: