Search This Blog

02/09/2016

'બેદર્દ ઝમાના ક્યા જાને ?' ('૫૯)

ફિલ્મ : 'બેદર્દ ઝમાના ક્યા જાને ?' ('૫૯)
નિર્માતા  :  સુભાષ દેસાઈ - મનમોહન દેસાઈ
દિગ્દર્શક  :  સુભાષ દેસાઈ
સંગીતકાર  :  કલ્યાણજી વીરજી
ગીતકાર  :   ભરત વ્યાસ
રનિંગ ટાઇમ  :  ૧૪ રીલ્સ
કલાકારો  :  અશોકકુમાર, નિરૂપા રૉય, પ્રાણ, જબિન જલિલ, સુદેશકુમાર, અમીરબાઈ કર્ણાટકી, શેખ, રત્નમાલા, હૅલન, ઇફ્તેખાર, માસ્ટર ચીકુ


ગીતો
૧. ટાઇટલ સોન્ગ મુહમ્મદ - રફી
૨. મૈં યહાં, તું કહા, મેરા દિલ તુઝે પુકારે - લતા- રફી
૩. દૂર કહીં તુ ચલ, દિલ રહા હૈ મચલ  - લતા- રફી
૪.  નૈના હૈ જાદુભરે, હો ગોરી તોરે - મૂકેશ
૫. કૈદ મેં હૈ બુલબુલ સૈયાદ મુસ્કુરાયે - લતા મંગેશકર
૬. ક્યૂં મિલે તુમ હમ, બેવફા ઓ સનમ - લતા રફી
૭. ઊંચી એડીવાલોંને કટેકટે બાલોં ને - ગીતા- રફી

મારા જામનગરમાં ત્યારે થિયેટરોનો દબદબો હતો. શહેર નાનું પણ ફિલ્મી જાહોજલાલી તગડી. વસ્તીના પ્રમાણમાં સિનેમાઘરોની સંખ્યા સારા પ્રમાણમાં. અનુપમ, જયશ્રી, દીપક, શત્રુશલ્ય, દિગ્વિજય... એકાદુ હજી રહી જતું હોય તો અહીં જગ્યા કરીને તમે લખી નાખજો.

આમે ય, આખા શહેર માટે (લાખોટા) તળાવની પાળ સિવાય ફરવાનું બીજું કોઈ સ્થળ પણ ન મળે. લોકોને નવરા પડે બીજે જાય ક્યાં, એટલે આટલા મોટા તળાવમાં આપઘાત કરવા આવનારા એસ.ટી.ની બસ પકડીને અમદાવાદ આવે, પણ લાખોટામાં ન ઝંપલાવે... તરત કોઈ બહાર કાઢી લે, કારણ કે આખું શહેર (અમારી ભાષામાં) તીયાંનું તીયાં ગુડાણું હોય !

સમર-વૅકેશનમાં મામાને ત્યાં અમે જઈએ. મારો કઝિન નીરૂ પણ ફિલ્મોનો શોખિન, એટલે આ વખતે દિગ્વિજયમાં અશોકકુમાર- પ્રાણની ફિલ્મ 'બેદર્દ ઝમાના ક્યા જાને' જોવા અમે બે ભાઈઓ ગયા. (એ વખતે જામનગરની ટૉકિઝોમાં ઇન્ટરવલ પછીના પિક્ચરની ટિકિટો બહાર આવેલા પ્રેક્ષકો વેચી દે- કિફાયતી ભાવમાં, પણ અમે આખી આખી ટિકિટો લઈને ગયા.

મારી ઉંમર ફક્ત સાત વર્ષની, એટલે અડધે સુધી તો વાંધો ન આવ્યો, પણ ઇન્ટરવલ પહેલાં હીરોઇન નિરૂપા રૉય આપઘાત કરવા રેલવેના પાટે પાટે ચાલતી હોય છે, તે મારાથી ન જોવાણું ! ને એમાં ય, કોક નાની બાળકી (જે મોટી થઈને જબિન જલિલ બને છે.) નિરૂપા રૉયથી પહેલા રેલની પટરીયાનું બુકિંગ કરાવીને બેઠી હોય છે. આ બાજુ ટ્રેન આવે છે ને ભાઆ'ય ભાઆ'ય મારાથી તો ન જોવાણું.

ધ્રૂસકે ધ્રૂસકે રડતો હું ચાલુ ફિલ્મે બહાર નીકળી ગયો. (સિનેમાની બહાર રેલવેના પાટા ન હોવાથી નીરૂને ધરપત હતી કે, અશોક (એટલે કે હું) નિરૂપાને પગલે તો નહિ જાઉં. 'એટલે કે હું' લખવાનું કારણ એ કે, ફિલ્મના હીરોનું નામ અશોકકુમાર હતું, ફિલ્મમાં પણ એનું નામ 'અશોક' હતું, એટલે દિગ્વિજય ટોકિઝની બહાર રડતો રડતો હું અશોક પાન હાઉસના ઓટલે બેસી રહ્યો. (આ બતાવે છે કે, સંસારનું છેલ્લું સર્વોત્તમ નામ બસ.. એ વખતે પડી ગયું એ પડી ગયું !)

ફિલ્મ જોઈને બહાર આવેલા નીરૂને મેં નીરૂભાભીના (આઇ મીન, નિરૂપા રૉયના) સમાચાર પૂછી લીધા કે, એ સલામત છે ને ? અમે લોકો લાગણીવાળા બહુ !...

બસ. એ પછી આ ગયા અઠવાડિયે આ ફિલ્મ મેં આખી મેં જોઈ.. એટલે કે ૫૬ વર્ષ પછી. ત્યારે રીયલાઇઝ થયું કે સાત તો સાત વર્ષની ઉંમરે ય ફાલતુ ફિલ્મો ઓળખતા મને કેવું આવડી ગયું હતું ! આમે ય, ફિલ્મ મનમોહન દેસાઈના ખાનદાનમાંથી આવતી હતી, એટલે મોટી અપેક્ષાઓ રાખવાની નહોતી.

વિધુર અને ધનવાન બૅરિસ્ટર અશોકકુમાર મુંબઈમાં એના એક પુત્ર અને સાળી (અમીરબાઈ કર્ણાટકી) સાથે વૈભવી જીવન જીવે છે. એક દિવસ પોતાની કારમાં ઘેર પાછા ફરતા એ રસ્તે રઝળતી વાર્તા જેવી કમલા (નિરૂપા રૉય) સાથે એક્સિડૅન્ટ કરી બેસે છે અને કમલા પોતાના ઘેર લાવે છે. પોતાના નાના બાળક રમેશ ને કમલા ગમી જવાથી અશોક કમલા સાથે લગ્ન કરી લે છે. થોડા વખતમાં કમલા ફરી પ્રેગનન્ટ બને છે.

શહેરનો ધનિક છતાં લુખ્ખો સફેદ ગુન્ડો પ્રાણ અશોકની સાળીને ફોડી લઈને સાળી દ્વારા નાના રમેશને ઝેર પીવડાવી દે છે અને ઇલ્ઝામ કમલા ઉપર આવતા અશોક તેને કાઢી મૂકે છે. પ્રાણે એક જમાનામાં નિરૂપા ઉપર બળાત્કારનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. કમલાને થયેલા પુત્રનો કબ્જો અશોક લઈ લે છે અને તેને મોહનને (સુદેશ કુમાર)ને નામે ઉછેરી એડવોકેટ બનાવે છે, જે કમલાની પાલક પુત્રી રાધા (જબિન જલિલ)ના પ્રેમમાં પડે છે. અલબત્ત, મોહનનું માંગુ લઈને અશોક કમલા પાસે જાય છે પછી ડ્રામાબાજી શરુ થાય છે ને ફિલ્મ સુખાન્ત સાથે સમાપ્ત થાય છે.

અશોકકુમાર જેવો ગ્રેટ એક્ટર આ ફિલ્મનો હીરો હોવા છતાં દિગ્દર્શક એમની પાસેથી એક્ટિંગના નામે કશું કઢાવી શક્યા નથી. સાવ સામાન્ય કિરદાર છે. દાદામોનીનો. એ જમાનામાં દાદા કાં તો શૂટ પહેરીને મકાનના ધાબેય ફરતા હોય ને કાં તો બુશશર્ટ પહેરીને. બુશશર્ટ એટલે ઇન્સર્ટ કર્યા વિનાનું ખૂલતું શર્ટ અને બાંયો ફિટોફીટ બીડેલી.

નિરૂપા રૉય એ જમાનામાં આમ તો ધાર્મિક ફિલ્મોની સતી હતી. કોક વાર હવાફેર માટે આવી સામાજિક ફિલ્મોમાં ય ચાન્સ મળી જતો. પણ ઘણી નબળી એક્ટ્રેસ ! રોના-ધોના તો એના ગોરધન પાસેથી શીખીને આવી હશે, એટલે એ તો એની લાઇફની છેલ્લી ફિલ્મ સુધી ચાલુ રાખ્યું. યસ. ફિલ્મમાં જોવો- સાંભળવો માણવો ગમે એવો પ્રાણ છે.

આખી ફિલ્મમાં એકનો એક શુટ પહેરી રાખતો હોય એવું લાગે.. પણ અશોકકુમાર આટલો નજીકનો દોસ્ત હોવા છતાં પ્રાણ શેના માટે એને બર્બાદ કરી નાખે છે એ ખબર પડતી નથી. અશોક પણ ભણેલોગણેલો બેરિસ્ટર હોવા છતાં ૨૫-૨૫ કે ૩૦- ૩૦ વર્ષ સુધી પ્રાણની નાલાયકીઓ સમજી ન શકે ? પ્રાણ એની ઉપર બળાત્કારની કોશિષ કરી ચૂકેલો હલકો માણસ છે, એવું નિરૂપા એના વરજી અશોકને કઈ કમાણી ઉપર કહેતી જ નથી ?

જબિન જલિલનું નામ આજની પેઢીએ ન સાંભળ્યું હોય, પણ સાઇડી તો સાઇડી... એના જમાનામાં એનું નામ નોંધપાત્ર હતું. દેખાવ કે સુંદરતામાં બેન માર ખાઈ ગયેલા, એટલે આમ તો સાઇડી તરીકે ય બહુ ન ચાલ્યા.

૧ એપ્રિલ, ૧૯૩૬ના રોજ દિલ્હીમાં જન્મેલી જબિન અશોક કાક નામના બિઝનેસમેનને પરણી છે અને એનો 'દ્વિજ' નામનો પુત્ર હિંદી ફિલ્મોમાં ૨૦૦૮માં આવેલી પહેલી ફિલ્મ 'પહેલી નજર કા પ્યાર'ના હીરો હતો. પર્સનલ લાઇફમાં આજે ય બહુ હસમુખી અને ખેલદિલ જબીનને પોતાના જમાનાની યાદો વાગોળવા પૂછ્યું તો હસતા હસતા કહે, 'ઐસા કુછ હૈ હી નહિ..

કોઈ યાદ કરને જૈસા હો તો મૈં બતાઉં...!' મનોજકુમાર સાથે શરુઆતની ફિલ્મોનો ઉલ્લેખ પૂછવામાં આવ્યો તો જબિન કહે, 'હાં... લેકીન ઉન કે ઇન્ટરવ્યૂ વગૈરહ મેં કભી વો મેરા જીક્ર તક નહિ કરતે... કરના ચાહિયે, ના ?'

હિંદુ સાથે લગ્ન કર્યા પછી જબિને પોતાનો ઇસ્લામ ચાલુ રાખ્યો, પણ એના કાશ્મીરી બ્રાહ્મણ પંડિત વરજી અશોક કાક પાસે તે મઝહબ બદલવાની માગણી કરી નથી. એ બન્નેનો દિકરો પણ હિંદુ ધર્મ પાળે છે. જબિન કહે છે, એ પોતે ધર્માંતરણની વિરુદ્ધ છે.

વિરોધની જ વાત નીકળી છે તો, આ ફિલ્મનો સૅકન્ડ હીરો સુદેશકુમાર રામ જાણે કેમ, પણ મને ક્યારેય ગમ્યો નથી. એણે ગમે તે ફિલ્મમાં રોલ કર્યો હોય, એક હીરો તરીકે મને એ સ્ત્રૈણ્ય વધારે લાગ્યો છે. ફિલ્મ 'સારંગા'ના મૂકેશના બે અદ્ભુત ગીતો એ લઈ ગયો હતો, એમાં મૂકેશ કરતા મારો જીવ વધારે બળ્યો હતો. સહેજ પણ જીવ ન બળે એવું કામ આ વખતે સંગીતકાર કલ્યાણજીએ કરી બતાવ્યું છે.

એવી ભાગ્યે જ ફિલ્મો એમની આવી છે જેમ સળંગ બધા ગીતો સુપરહીટ ગયા હોય. અહીં કેવી સુંદર અને કર્ણપ્રિય તરજો કલ્યાણજીભાઈએ બનાવી છે ! નવાઈ અથવા નવાઈ શબ્દો કાઢી નાખો 'વિક્રમ'ની વાત એ છે કે, મુહમ્મદ રફીએ ગાયેલા આ ફિલ્મના ટાઇટલ-સોન્ગમાં એક અજાણ્યો વિક્રમ બની ગયો છે.

કોઈ ગીતના પ્રારંભમાં હાઇ-પિચ (તારસપ્તક)માં સાખી ગવાય (જેમ કે અહીં રફીએ 'લકડી જલી કોયલા ભયી...' ગાયું છે.) એ ભારતભરના કોઈ પણ ગીતમાં એક જ સાખી હોય જેમ કે રફીના જ 'વતન પે જો ફીદા હોગા, અમર વો નૌજવાં હોગા...' ગીતના પ્રારંભે રફી 'હિમાલા કી બુલંદી સે, સુનો આવાઝ હૈ આઇ...' સાખી ગાય છે.

આ ફિલ્મનું ટાઇટલ સોન્ગ એકમાત્ર વિક્રમ છે જેમાં એક જ ગીતમાં ત્રણ ત્રણ સાખીઓ ગવાઈ છે. એ વખતે એકલા સંગીતકાર બનેલા કલ્યાણજીભાઈના નાનાભાઈ આણંદજી અહીં આસિસ્ટન્ટ છે અને એમની સાથે બીજા આસિસ્ટંટ છે, સંગીતકાર લક્ષ્મીકાંત (પ્યારેલાલ...વાળા) એ છાંટ તો તરત જોવા આઇ મીન... સાંભળવા મળી જાય છે, જ્યારે ફિલ્મના બૅકગ્રાઉન્ડ મ્યુઝિકના એક દ્રષ્યમાં જ્યારે જબિનને મુકવા સુદેશકુમાર આવે છે, ત્યારે મૅન્ડોલિન પર લક્ષ્મીકાંતનો એક ટુકડો 'નઝર ન લગ જાયે, કિસી કી રાહો મેં, છુપાકે રખ લું આ...'

એ વર્ષો પછી આવેલી માલા સિન્હા- વિશ્વજીતની ફિલ્મ 'નાઇટ ઇન લંડન'નું ટાઇટલ સોન્ગ બન્યું હતું. બીજી એક રૅરિટી એ પણ દેખાઈ કે, 'કલ્યાણજી- આણંદજીના સમગ્ર ગીતમાં તમને ગીતાદત્તનો કંઠ ભાગ્યે જ સાંભળવા મળે એ અહીં ઊંચી એડીવાલે ને કટે કટે બાલોં ને...' મુહમ્મદ રફી સાથે યુગલ- સ્વરમાં સાંભળવા મળે છે.

બાકી તો ગર્વ લેવા જેવું લાગતું હોય તો એ વાતે લઈ શકાય ખરું કે, આખી ફિલ્મ 'બેદર્દ જમાના ક્યા જાને ?' મોટા ભાગના ગુજરાતીઓથી બની છે. નિર્માતા, દિગ્દર્શક, સંગીતકાર, હીરોઇન... અને ફિલ્મના ટાઇટલ્સ વાંચો તો બીજા અનેક ગુજરાતી નામો મળે. (સૉરી... હું વળી રાજ ઠાકરેની માફક ગુજરાતી ફુજરાતીમાં ક્યાં પડયો... ? મારે ખરેખર તો ગૌરવ લેવડાવવું જોઈતું હતું આ બધામાંથી કેટલા બ્રાહ્મણો છે, પટેલો છે, જૈનો કે દલિતો છે... ગુજરાતી હોવાનું ગૌરવ... ?

સોરી, છૂટા નથી... આગળ જાઓ!

1 comment:

babulal mange said...

ભાઇ....ભા..ઇ હું પણ જામનગર નો છ