Search This Blog

17/09/2016

‘આશિયાના’ (’૫૨)

ફિલ્મ : ‘આશિયાના’ (’૫૨)
નિર્માતા : સભરલાલ બ્રધર્સ
દિગ્દર્શક : બી. ત્રિલોચન
સંગીત : મદન મોહન
ગીતકાર : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૫ રીલ્સ : ૧૦૪ મિનિટ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : રાજ કપૂર, નરગીસ, મોહના, રૂપમાલા, રણધીર, શિવરાજ, માસ્ટર રતન, બૅબી સાધના, ઓમ શર્મા, ડી. એસ. દીવાન, કુસુમ, રતન ગૌરાંગ અને ઈફ્તેખાર.
ગીતો:
૧. ઓ મૅડમ, દો સે હો ગયે એક હમ, ના ફાકા...... કિશોર કુમાર – શમશાદ
૨. મૈં પાગલ મેરા મનવા પાગલ, પાગલ મેરી પ્રીત..... તલત મેહમુદ
૩. મેરા કરાર લેજા, મુઝે બેકરાર કર જા, દમ ભર તો પ્યાર..... તલત મેહમુદ
૪. મુખ મોડ ન લેના સાજના, દિલ રો રો કે બેચૈન..... લતા મંગેશકર
૫. મેરે પિયા સે કોઇ જા કે કહે દે જીવન કા સહારા તેરે..... લતા મંગેશકર
૬. તુમ ચાંદ કે સાથ ચલે આઓ, યે રાત સુહાની હો જાયે.... લતા મંગેશકર
૭. મેરા કરાર લેજા, મુઝે બે કરાર કર જા, દમભર તો પ્યાર..... લતા મંગેશકર
૮. સમા હૈ બહાર કા લેલે મજા પ્યાર કા..... લતા મંગેશકર
૯. મૈં ન જાનૂં મેરે દિલ કો યે ક્યા હો ગયા.... લતા મંગેશકર

...અને એ વાતે ય સાચી કે, જૂની ફિલ્મોના આપણને ગમતા ગીતો રેડિયો પર જ સાંભળવા સારા હતા... વિડિયો પર કે આખી ફિલ્મમાં એ ગીતો ‘જોવા’ જાઓ, એમાં ફના થઇ જવું પડે. ખૂબ ગમતું ગીત એ જમાનાની ટેકનિક અને હૂન્નર પ્રમાણે એવું બોદું પિક્ચરાઇઝ થયું હોય કે એ ફિલ્મ જોવાની હઠ ન પકડી હોત તો સારૂં થાત, એવું લાગે. એ જમાનામાં ફિલ્મી ગીતોના ટૅકિંગનું કદાચ મહત્વ જ સમજાયું નહોતું. એટલે શૂટિંગના લાંબા લાંબા શીડ્યુલોમાં હીરો–હીરોઈન કે દિગ્દર્શકને ગીતોનું ટૅકિંગ કરવાનું આવે ત્યારે કોઇ જાતની કલા કે ગીતના માધુર્યનો વિચારબિચાર કર્યા વિના માંડ ૪–૫ શૉટમાં આખું ગીત ‘પતાવી’ દેતા. આર્ટ–ડાયરેક્ટરે સૅટ્સ પણ એવા બનાવ્યા હોય કે વનવગડાંના કે, આપણને નવાઇ લાગે કે સમગ્ર પૃથ્વી પર આવી કોઇ જગ્યા હશે ખરી, જ્યાં એનો પિયો સાંભરે, એટલે હીરોઇન ગીત દુ:ખડાનું ગીત લલકારવા અડધી રાત્રે પહોંચી જાય ? એક તો ફિલ્મ બ્લેક–એન્ડ–વ્હાઇટ ને એમાં ય શૂટિંગ વખતે લાઇટિંગનું કોઇ મહત્વ નહિ, પરિણામે આપણને સૌથી વધુ ગમતા ગીતોનનો આવો ફાલુદા થતો આપણે ય જોઇ ન શકીએ. આપણને એ જમાનામાં કે આજે ય ધરખમ ગમતા કલાકારો ફક્ત ફિલ્મોમાં જોવા પૂરતા સારા લાગે... કોક વખત શૂટિંગ જોવાનો મોકો મળ્યો હશે તો યાદ હશે કે, તમે કેવા બૉર થઇ ગયા’તા... અને ખાસ તો મૅઈક–અપના તોતિંગ થપેડાને કારણે એ જ કલાકારો દીઠાં ય જોવા ન ગમે એવા વિકૃત લાગતા હતાં. નરગીસ તો કેવી નસીબદાર કે, રાજ કપૂર સાથેના ફૂલ–સ્પીડ ઈશ્કો–મુહબ્બતને કારણે રાજ સિવાયની કોઇ ફિલ્મમાં કામ નહિ કરવાનું એલાન કરી બેઠી હતી, (રાજે પોતાના માટે એવા કોઇ બંધનો રાખ્યા નહોતા... ફૉર યૉર ઇન્ફોર્મેશન...!) માટે આવી કોઇ રડીખડી ફિલ્મોમાં જ એ જોવા મળતી અને એ ય ફ્લૉપ ગયેલી ફિલ્મો, સિવાય કે મોટા ભાગની ઐ ફિલ્મોમાં એને લતા મંગેશકરના પ્લેબેકમાં શાશ્વત ગીતો ગાવા મળ્યા હતા.

લતા–મદન મોહનના સહપ્રવાસમાં કેવા ઉત્તમ ગીતો આ ફિલ્મમાં પણ બન્યા છે! પણ એ જ ગીતો આ ફિલ્મમાં જોય પછી બધો ખુમાર ને બધો નશો ઉતરી ગયો... કે, હવે તો આવા મનગમતા વિડીયો પર તો જોવા જ નહિ ! સુઉં કિયો છો

મદન પણ નવોસવો હતો, છતાં ૧૯૪૩માં લશ્કરમાં સૅકન્ડ લેફ્ટનૅન્ટ (અમેરિકન ઉચ્ચાર ‘લ્યૂટેનન્ટ’) તરીકે ભરતી થયેલો સંગીતનો આ રસિયો વહેલો સમજી ગયો કે, લશ્કરમાં બંદૂક ચલાવવી પડે હાર્મોનિયમ નહિ, એટલે ત્રણેક વર્ષ સુધી સરહદો પર પરેડો કર્યા પછી ભાઇ સીધા આકાશવાણીમાં જોડાઈ ગયા અને પિતા રાયબહાદુર ચુનીલાલ બૉમ્બે ટૉકીઝના ભાગીદાર હોવાના નાતે સંગીતકાર ગુલામ હૈદરના હાથ નીચે કરવા મળ્યું. લતા મંગેશકરની સાથે મદન મોહને બે યુગલ ગીતો પણ દિલીપકુમારની ફિલ્મ ‘શહીદ’ માટે ગાયા હતા, ‘પિંજરે મેં બુલબુલ બોલે’, અને ‘મેરા છોટા સા દિલ ડોલે’... ભારતને એક નબળો ગાયક ગુમાવીને તંદુરસ્ત સંગીતકાર મળવાનો હશે, તેથી એ ગીતો ફિલ્મમાં લેવાયા જ નહિ અને એમાં ય, એ વખતે લતા મંગેશકરને ય ભાઇમાં ખાસ કાંઇ શહૂર લાગ્યું નહિ, એટલે મદનને પોતાની પહેલી ફિલ્મ ‘આંખે’(’૫૦) મળી, એમાં લતાએ ન ગાયું, પણ અનિલ બિશ્વાસની બીજીવારની ગાયિકા પત્ની મીના કપૂર પાસે મદને ગવડાવેલું આજ સુધી અદ્ભુત રહેલું ગીત, ‘મોરી અટરીયા પે કાગા બોલે, મેરા જીયા ડોલે, કોઇ આ રહા હૈ’ એ ભારતભરના સંગીતશોખિનોને આળસ મરડતા કરી નાંખ્યા – લતાને પણ ! આ ગીતનું વેસ્ટર્ન–ટચવાળું ઇન્ટ્રોડક્ટરી–મ્યુઝિક કાનને ખૂબ ગમે એવું છે. 

લતાને મુહમ્મદ રફીની માફક કોઇ એવું નહોતું કહેતું કે, રફી ગાતા હોય ત્યારે શમ્મી કપૂર હોય કે દેવ આનંદ કે જ્હૉની વૉકર... આપણને એમ જ લાગે કે, આ ગીત શમ્મીએ પોતે ગાયું છે ! લતાનો અવાજ કોઇ ચોક્કસ હીરોઈન માટે એવો કોઇ ફોટૉકૉપી (વૉઇસકૉપી) નહોતો. છતાં લાગે એવું કે, ‘દિલ એક મંદિર’ના ગીતો મીના કુમારીએ જ ગાયા છે. નૂતન, નંદા કે વહિદા જ નહિ, પૂર્ણપણે ઈંગ્લિશ વાતાવરણમાં ઈંગ્લેન્ડમાં ઉછરેલી સાયરા બાનુ સાથે પણ લતાનો કંઠ હૂબહૂ મળતો આવે, એવું લગતું. ફિલ્મ ‘સાહિબ, બીવી ઔર ગુલામ’માં ‘ભંવરા બડા નાદાન હૈ....’ ગીતને ફિલ્મના પરદા ઉપર કઢંગી રીતે ગાઇને વહિદા રહેમાને બગાડી નાંખ્યું હતું, એવું આશા ભોંસલે ખીજાણી હતી.

હું એક મલ્ટીનેશનલ કંપની પર સારા હોદ્દા પર નોકરી કરતો હતો, ત્યાં એક સામાન્ય સ્થિતિના ક્લાર્ક પગારમાં પૂરૂં ન થાય, એટલે હિમજી હરડેની ખટમીઠી ગોળીઓ ચાર–ચાર રૂપિયામાં વેચવાનો સાઇડ–બિઝનેસ કરતા. સ્ટાફ પણ એમને પૂરો સપૉર્ટ આપતો. સ્ટાફ સપૉર્ટ કરવાની સાથે સાથે એમની ફિલમ પણ બહુ ઉતારતો, એમાં એ ચીઢીયા થઇ ગયા હતા. કાયમની જેમ મેં એમની પાસે બે પૅકેટ લીધા, એમાં તોછડાઈથી મને સંભળાવી દીધું, ‘‘જો ભ’ઇ... હરડે ખાવી હોય તો ખિસ્સામાં છુટ્ટા રાખવાના... કાં તો આઠ રૂપિયા ખુલ્લા આપો ને કાં તો બાકીના બે રૂપિયા આવતા હિસાબમાં વાળી લેવાના.’’ બધાના વચ્ચે મને ખખડાવતો જોઇને સ્ટાફ હસી પડ્યો પણ મારા ગયા પછી બધાએ એને ખખડાવ્યો, ‘‘બુદ્ધિ–ફૂદ્ધિ છે કે નહિ...? આવી રીતે આવા મોટા માણસની સાથે વાત કરાતી હશે ? ઓળખે છે એ કોણ છે ?’’ પહેલા તો એમાં ય બેફિકરાઇથી કહી દીધું, ‘‘જો ભ’ઇ... એ મોટા લાટસા’બ તો નથી ને...? ને હોય તો ય અહીં કેટલા ટકા...? આપણે તો હરડેની ગોળીઓ વેચવામાં રસ... પાર્ટી કોણ છે, એમાં પડવાનું નહિ !’’ પછી સ્ટાફે મારો સરખો પરિચય આપ્યો હશે, એ પછી આખી વાત જ ફરી ગઇ.

‘‘આ તમારા ‘બુધવારની બપોરે’વાળા અશોક દવે નહિ....???... આપણી ગોરીઓ ખઈખઈને લખે છે..’’

એવું કૉમેડિયન રણધીર સાથે થયું હોવું જોઇએ. કિશોરકુમાર આમ તો દેવ આનંદ સિવાય કોઇને પ્લૅબૅક આપતો નહિ પણ આ ફિલ્મમાં મદન મોહને કોઇ નહિ ને રણધીર અને સાઇડ ઍક્ટ્રેસ મોહના સાથે ‘ઓ મૅડમ... કમ કમ’ ગીત ગવડાવ્યું. કહે છે કે, એ પછી રણધીર મુંબઇ આખામાં બધાને કહેતો ફરતો, ‘‘યે તુમ્હારા કિશોર કુમાર... પૂછો, મેરા ગીત ગાને કે બાદ કિતના ઊંચા આ ગયા...!’’

અલબત્ત, આ ફિલ્મના બધા ગીતોનું રૅકૉર્ડિંગ કરનાર સાઉન્ડ–રૅકૉર્ડિસ્ટ ઈશાન ઘોષ એટલે ઓળખ્યો...? દેવ આનંદથી છુટી પડીને સુરૈયા જેના પ્રેમમાં બેહોશ રહેતી, એ આ બંગાળી બાબુ !

પૃથ્વીરાજ કપૂરે ત્રણમાંથી એક ય પુત્રને ફિલ્મોમાં લાવવા પોતાની ઓળખાણ લગાડી નહોતી કે નહોતી એને માટે ફિલ્મો બનાવી. ત્રણે ભાઇઓ કેવળ પોતાના બલબૂતા ઉપર આગળ આવ્યા હતા. અલબત્ત, રાજ કપૂર એવો સંયમ જાળવી શક્યો નહોતો (એ પહેલા વેપારી હતો... પછી કલાકાર !) એણે પોતાના ત્રણેય પુત્રો માટે પહેલી ફિલ્મ બનાવીને ફિલ્મનગરીમાં મૂક્યા. એક રિશીને બાદ કરતા બાકીના બન્ને ખરાબ રીતે પિટાઇ ગયા. આ ફિલ્મોમાં રાજ પોતે પિટાઇ ગયો, એટલી નબળી બની હતી. 

ફિલ્મ આશિયાનાની વાર્તા એટલી નબળી હતી કે, વાચકોને હળવા કરવા માટે આ લેખમાં મારે પેલો હરડેવાળો પ્રસંગ મૂકવો પડ્યો. રાજ–નરગીસનો પ્રેમ જોઇ ન શકતા ખલનાયક ઈફ્તેખારનું રાજ કપૂરથી અનાયાસ ખૂન થઇ જતા એને જૅલ થાય છે અને નરગીસનો (બારે માસ રોતડ) બાપ શિવરાજ દીકરીને બીજે પરણાવી દેવાની ગોઠવણ કરે છે અને રઝળપાટ પછી બન્ને આત્માઓ ભેગા થાય છે, આવી કંઇક વાર્તા જેવું છે. ફિલ્મોના નામ સાથે વાર્તાને કે ફિલ્મને પોતાને ભાગ્યે જ કોઇ સંંબંધ હોય છે. ‘આશિયાના’નો અર્થ થાય માળો. રહેવાનું ઘર. પણ એવો કોઇ પ્રોબ્લેમ આખી ફિલ્મમાં આવતો નથી. તલત મહેમુદે રાજ કપૂર માટે ગાયેલા બે ગીતો મનોહર છે. 

ગઝલોનો બાદશાહ કહેવાતો તલત કમનસીબીનો જ ભોગ બન્યો હતો. એ જમાના પ્રમાણે, મોટા સ્ટાર્સે પોતાના પ્લૅબૅક સિંગરો નક્કી રાખ્યા હતા, દેવ આનંદ માટે મુહમ્મદ રફી/કિશોર, દિલીપ કુમાર માટે મુહમ્મદ રફી અને રાજ કપૂર માટે મૂકેશ. આમાં તલત ક્યાંયનો ન રહ્યો. એમાં ય, ચેહરો મૃદુ અને સોહામણો હતો એટલે ભ’ઇ ફિલ્મોમાં હીરા બનવા બેઠા, એમાં (એના કહેવા મુજબ, એના હરિફોએ હવા ચલાવી કે, ‘તલત મેહમુદ હવે ફક્ત ઍક્ટિંગ જ કરશે... ગીતો ગાય નહિ ! એમાં રહ્યુંસહ્યું બધું ગુમાવ્યું.) 

નહિ તો અસલી ગઝલના જાણકારો આજે ય માને છે કે, ગઝલ ગાયકીમાં તલત મહેમુદને મેંહદી હસન કે ગુલામ અલી પણ ન પહોંચે. સ્વાભાવિક છે, બહુ પ્રસિધ્ધ થયેલા જગજીતસિંઘ કે અન્ય ગાયકો ગઝલના શબ્દો કરતા ગાયકીને વધુ મહત્વ આપતા અને ગઝલના રદીફ–કાફિયા ઉપર જે તાળીઓ મળવી જોઇએ, એ ાેમની ગાયકીને મળતી, તલત શુધ્ધ ગઝલો ગાતો. ફિલ્મસંગીતને શાસ્ત્રોક્ત રીતે સમજનારાઓ તો એમ પણ કહે છે કે, ગઝલની બંદિશોમાં તલત મેહમુદ અને મદન મોહન જેવું કૉમ્બિનૅશન ક્યાંય જોવા નહિ મળે. મદન મોહન ફક્ત બૅઝિક શાસ્ત્રીય સંગીત શીખ્યો હતો, તાલીમબધ્ધ નહિ, છતાં એની ધૂનો માટે એવો કોઇ વર્લ્ડ–ફૅમસ ગવૈયો નથી, જેણે એની કદર કરી ન હોય! બેગમ અખ્તર તો ‘કદર જાને ના, મોરા બાલમ, બેદર્દી જી મોરા બાલમ...’ લતાના સ્વકંઠે સાંભળવા માટે એ માટે અમેરિકાથી (એ જમાનામાં તો કેટલો મોંઘો પડતો) કૉલ કરી લતાને ખૂબ વિનંતીઓ કરીને, એનું ગીત ૬–૭ વાર ફોન પર સાંભળ્યું હતું. 

સંગીત માટે મદન મોહનનું કમિટમેન્ટ કેટલી હદે હતું કે, કોઇ રીહર્સલમાં એકાદ સાજીંદો બરોબર વગાડતો નહતો. બે–ત્રણ વાર કહી જોયું, છતાં પેલાની ભૂલ ન સુધરી, એમાં ઉશ્કેરાયેલા મદને, ‘‘સુર કે સાથ બેઇમાની કરતે હો...?’’ એવું ચિલ્લાઇને સ્ટુડિયોની કાચની બારીમાં પૂરજોશ મુક્કો મારી દીધો. કાચ હાથમાં પેસી ગયા અને ત્રણ મહિના સુધી રૅકૉર્ડિંગ બંધ !

ખુદ આ જ ફિલ્મમાં મદન જાણતો હોવા છતાં કે, રાજ સાહેબનો કેવો પ્રભાવ છે કે, એમના ગીતો માટે મૂકેશ સિવાય બીજા કોઇને લેવાય જ નહિ, છતાં વાત સંગીતની હોય, ત્યાં મદન મોહન શહેનશાહ હતો... એ દરબારમાં બીજો કોઇ સુલતાન ન ચાલે ! અહીં રાજ માટે કેવળ તલત મેહમુદ જ આવ્યો !

No comments: