Search This Blog

21/09/2016

મુહમ્મદ રફીને મળવું છે...

'સાહેબ...મુહમ્મદ રફી સાહેબનું ઘર ક્યાં ? મારે મળવું છે...'

આવી બાતમી માંગનારાનું કાં તો છટકી ગયું હોય ને કાં તો એ કોઈ બીજા મુહમ્મદ રફીને શોધતો હશે... આપણે જેમને પરમેશ્વર માની ચૂક્યા છીએ, એ ધી ગ્રેટ ગાયક રફી તો ના હોય !

પણ સવાલ પૂછનારની ઉંમર જોતા એની મશ્કરી થાય એમ નહોતું કે એના અજ્ઞાાનને માફ કરવું પડે એમ હતું. આવા તોતિંગ મુંબઇ જેવા શહેરમાં એ ઑલરેડી ગૂજરી ચૂકેલા રફી સા'બને મળવા માંગતો હતો, એમનું સરનામું પૂછતો હતો.

એ પાછી મુંબઇગરાઓની ખેલદિલી ખરી કે, કોઈએ એને આવી બેવકૂફી માટે ઉતારી ન પાડયો કે મશ્કરી ય ન કરી. સિત્તેરેક વર્ષની ઉંમરના એક પારસી વડિલે છોકરાના ખભે હાથ મૂકીને વાત્સલ્યથી પૂછ્યું, 'ડીકરા, રફી સા'બનેતો ગુજર પામે ય છટ્ટીસ-વરસ થઇ ગયા... તુ છટ્ટીસ-વરસ મોરો પરીયો...'

આવા જવાબથી એ ખીજાયો પણ નહિ અને નિરાશ પણ ના થયો. હૂડ પર કોણી ટેકવીને બીડી પીતા ટૅક્સીવાળા પાસે જઇને છોકરો બોલ્યો, 'રફી સા'બ કે ઘર લે લો...'

અહીં તો બેશરમ અપમાનની ધારણા હતી કે, ટૅક્સીવાળો પૂરજોશ ખીજાશે કે, 'કંઇ ભાનબાન છે કે નહિ...? ક્યા રફી સા'બ... ? કયા સરનામે જવાનું છે ? ખિસ્સામાં ટૅક્સી ભાડાંના પૈસાબૈસા છે કે હરિઓમ...?'

આ સવાલોમાં સમાયેલી બધી માહિતીઓ ટૅક્સીવાળાએ માંગી લીધી અને ભાડું ગૂમાવવાની નિરાશા સાથે એટલું બબડયો, 'રામ જાણે ક્યાંથી આવા પૅસેન્જરો આવે છે, જે પૅસેન્જર બનતા પહેલા જ સવારી ખાલી કરી નાંખે છે !'

મારે ને તમારે આ છોકરા પાસેથી શીખવું હોય તો એટલું જ કે, એકે ય જગ્યાએ એને સરખો જવાબ ન મળ્યો છતાં એણે હાર માની નહિ. આજે નહિ તો કાલે, રફી સા'બ મળી જશે, એ ચમક એની આંખોમાં મુહમ્મદ રફીના ગીત જેવી ગુનગુનાતી હતી. ઘણાએ એની આ ઈન્કવાયરીને હસી કાઢી, જેમ રાજકોટના તદ્દન યુવાકવિ કુલદીપ કારિયા લખે છે,
'રોડની વચ્ચે પડયું ભાંગી ગયેલું ગામડું,
કોઈ એને સ્પીડબ્રૅકર સમજીને ઠેકી ગયું.'

હા, દાદર સ્ટેશને પહોંચ્યા પછી ત્યાંના લારીવાળા પાસે ચા પીતા બે-ચાર યારદોસ્તોએ મુહમ્મદ રફીમાં નહિ, પણ છોકરામાં રસ લીધો ખરો !

'તને ખબર છે, રફી કોણ છે... આઈ મીન, હતા ?'

'
રફી મળી પણ જાય તો તારે એમનું કામ શું છે ?'

'
ઓ બચ્ચા... તેં એમનું એકે ય ગીત સાંભળ્યું છે ખરૂં... કે આમ જ હાલી નીકળ્યો છે ?'

અને આ લોકો આઘાતથી ઊંધા લટકી જાય એવો જવાબ છોકરાએ આપ્યો, 'સાહેબનું એક ગીત છે, 'કરતા હૈ, એક રાવિ યે દિલસોઝ યે બયાન, રમઝાન કે મહિને હી મશહૂર દાસ્તાં...'' તમે સાંભળ્યું છે ?

હાથની કાણી ઉંચકાઈને સ્ટેચ્યૂ બની ગયેલા ચા ના કપ-રકાબીએ સ્તબ્ધતા લાવી દીધી. આવું કોઈ ગીત રફી સાહેબે ગાયું છે ? છોકરો વાતો રમજાનની કરે છે, એટલે લાગે છે મુસલમાન ! લખનૌ-બખનૌથી આવ્યો લાગે છે... તેહઝીબવાળો છે !

રમજાનના પવિત્ર તહેવારોમાં રોજા રાખનાર યમનદેશના આઠ વર્ષના એક છોકરાએ જાન ગૂમાવ્યો, એની દર્દભરી દાસ્તાન મુહમ્મદ રફીએ ફિલ્મ 'આલમઆરા'માં અલ્લારખા કુરેશીના સંગીતમાં ગાઈ હતી અને સાંભળનાર હિંદુ હોય કે મુસલમાન, રોવડાવી નાંખે એવી એ કથા ભારે કરૂણતાથી રફી સાહેબે ગાઈ હતી.

'ના. હું મુસલમાન નથી, હિંદુ છું. હિંદુ હોવાને મને ગર્વ છે પણ મુહમ્મદ રફી સાહેબને સાંભળ્યા પછી ખાત્રી થઇ કે, રફી સાહેબ કૃષ્ણના ભજનો ગાય કે અલ્લાહની ઈબાદત કરે... સાંભળનારને તો કેવળ સર્વશક્તિમાનના જ દર્શન થાય છે... અલ્લાહ કે ઇશ્વરના નહિ !'

છોકરો આ બધું એના ફાધર-બાધર પાસેથી શીખી લાવ્યો હશે ને અહીં બધી હુંશિયારીઓ મારે છે, એવી ઇન્સલ્ટિંગ કલ્પના કોઇને ન આવી. એમને તો એની નવાઈ પણ ન લાગી કે, છોકરો હિંદુ છે અને રમજાનના ગીત ઉપર આટલો ભક્તિમય કેમ થઇ ગયો ? એ લોકોમાંથી એકેએ આ ગીત સાંભળ્યું તો ન હતું, પણ રફીના અનેક ભજનો એટલા જ ભાવથી સાંભળ્યા હતા અને ભજનને બદલે ભજનના એ ગાયક ઉપર ન્યોછાવર થઇ ગયા હતા.

- ચોલકર, તને તો ખબર છે ને રફી સાહેબ ક્યાં રહેતા હતા...! તો પછી છોકરાને એમના ઘેર લઇ જા ને !
- યસ યસ... આટલી ઈબાદતથી છોકરો 'સાહેબ'ને મળવા માંગે છે તો---
- '
ડૉન્ટ બી સ્ટુપિડ, યાર ! તું જાણે તો છે કે, સાહેબને ગૂજરી ગયે ૩૬-વર્ષ થયા... ત્યાં કોને મળવા આને લઇ જવાનો ?'
- 
અરે, મુહમ્મદ રફીના ઘરમાં કોઈ તો હશે ને ? એમના દીકરા, દીકરી, વહુઓ, જમાઈઓ-
- 
નૉનસૅન્સ... એ લોકો આને મળીને શું કરશે ? આ કાંઈ એ લોકોને મળવા આવ્યો છે ?
- 
ઓ અન્કલ... મારે રફી સાહેબના ઘેર નથી જવું... મારે તો એ જ્યાં આરામ ફરમાવી રહ્યા છે, ત્યાં જવું છે... તમે જોયું હોય તો લઇ જાવ... નહિ તો હું બધું ગોતી કાઢીશ. મારી પાસે ટૅક્સીના પૈસા છે... મને એમના કબ્રસ્તાનનો રસ્તો બતાવી દો, તો થૅન્ક્સ,સર !

છોકરાએ ટૅક્સી પકડી. કબ્રસ્તાન પહોંચ્યો. ત્યાં તો કોણ હોય ? માથું ટેકવા બે-ચાર જણા આવ્યા હશે, એમાંના કોઈને પૂછ્યું. એ લોકો મુહમ્મદ રફીને તો આદરપૂર્વક ઓળખતા હતા, પણ એમને ક્યાં દફનાવ્યા હતા, એની ખબર નહોતી. એકાદ-બે તો લાગણીમાં આવી ગયા કે, છોકરાનો શુક્રીયા કે યાદ અપાવ્યું, રફી સાહેબ અહીં સુતા છે... થોડી વાર રાહ જોઇએ... કોઈ બીજું આવશે, એને પૂછી જોઇશું. છોકરો તો જાણે ભોંય પર પડી ગયેલું કાંઈ શોધતો હોય એમ જમીન ફંફોસતો હતો.

અડધો કલાક પેલા લોકો માટે બહુ હતો. એ તો એ પહેલા જ કંટાળીને જતા રહ્યા. મોડું થતું હશે.

છોકરો માટીના એક ઢગલાની બાજુમાં ઢીંચણ ઉપર હાથ મૂકીને શાંતિથી બેસી રહ્યો હતો. એને જાણે કે કોઈ ઉતાવળ જ નહોતી. કબ્રસ્તાનથી એને કોઈ ખૌફ પણ નહતો. એ ઊંચા ઝાડ ઉપરે ય નહતો જોતો. જોતો ત્યારે એ માટી સામે ભાવ વગરની આંખે જોયા કરતો.

છેવટે દોઢેક કલાક પછી એ ઊભો થયો. કોઈ અજાણી જગ્યાએથી એણે કબ્રસ્તાનની માટી ઉપાડી ને પોતાના માથે નાંખી, 'મુહમ્મદ રફી સા'બ... અમારા ઇશ્વર અને તમારા અલ્લાહમીંયાને એક જ દુવા છે... આવતા જન્મે અમને ગમે તે બનાવજો...પણ તમે તો મુહમ્મદ રફીનો જ અવતાર લઇને જન્મજો... સાહેબ, યમન દેશના આઠ વર્ષના પેલા બાળકની કુરબાની એળે ગઇ નથી. મારા જેવા લાખો બાળકો આપને માટે દુઆ કરે છે કે, દરેક જન્મમાં તમે આપણા ભારત દેશમાં જ જન્મજો. મુહમ્મદ રફી જેવો કોઈ ગાયક થયો નથી અને ભારત જેવો કોઈ દેશ થયો નથી.'

એમ કહીને છોકરાએ જેવું આવડતું હતું એવું અને એટલું લલકાર્યું, 'મૈં યે સોચકર ઉસકે દર સે ઉઠા થા, કે વો રોક લેગી મના લેગી મુઝકો...'

(
મુહમ્મદ રફીના ચાહક હો તો એમના નામનો ઉચ્ચાર ખોટો ન કરો. માન્ય ઉર્દૂ ડિક્શનેરી પ્રમાણે સાચો અને એક માત્ર શબ્દ 'મુહમ્મદ' છે.... મોહમ્મદ, મહમદ, મોહમદ કે મામદ  વગેરે ખોટા ઉચ્ચારો છે.)

સિક્સર
- 
આ સાવ નવી ગાડી લઇને ભાભી ક્યાં ગયા ?
- 
એને યૂ-ટર્ન લેવો હતો... અત્યારે પૂના પહોંચી છે !

No comments: