Search This Blog

07/09/2016

વરસાદને બદલે વાંદરા આયા...!

ઘરમાં વાંદરા ઘુસી ન આવે, એના માટે કોઇ ઉપાય શોધવા મારૂં ઘર આખું ઘાંઘુ થઇ ગયું છે. કોઇ ઉપાય મળે તો એ જ ઉપાય મેહમાનો માટે ય વાપરી શકાય પણ હવે તો પહેલા જેવા મેહમાનો, પહેલા જેવા દરવાજા કે પહેલા જેવા ઢેખાળા ય ક્યાં થાય છે ? થાય છે તો પહેલા જેવા વાંદરા થાય છે ને એમાં કોઇ ફેર પડયો નથી.

હવે તો 'સૅલ્ફી' શોધવા જેટલું સાયન્સ આગળ વધી ગયું છતાં એકે ય વાંદરો ચડ્ડી પહેરતો જોયો નથી. એ લોકો તો એના એ જ રહેવાના ! (અને વળતા હૂમલા તરીકે, આપણને એમના જેવું થતા આવડે નહિ !.... સુઉં કિયો છો ?) 

ઑફિસે હજી માંડ પહોંચ્યો હોઉં ને ઘેરથી ફોન આવે એટલે સમજી જઉં કે, વળી પાછા વાંદરા આવ્યા છે ! આવે એનો ય વાંધો નહિ કે, આપણામાં તો કહ્યું છે કે, 'મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...' પણ આ લોકો તો સીધા ડ્રૉઇંગ-રૂમમાં ઘુસીને દેકારો મચાવી દે અને જંગી તોડફોડ પછી આપણે તો નવા ટીવીઓ કેટલા લાવીએ ? એ લોકો 'સ્વચ્છતા અભિયાનમાં' જોડાયા ન હોવાથી, સોફા ઉપર જે કાંઇ પાથરીને ગયા હોય, એ બધું આપણાથી થોડું વિદ્યા બાલનને બતાવવા જવાય છે ? આ તો એક વાત થાય છે ! પહેલા તો અમે પ્લાસ્ટિકની જાળી આખા ઘરની ફરતે નંખાવી દીધી, જે નૉર્મલી કબુતરોને ભગાવવા વપરાય છે. એમાં તો, વાંદરાઓ જાળી ઊંચી કરી કરીને ઘુસવા માંડયા ! પહેલા એકલા વાંદરા જ આવતા હતા... હવે કબુતરો ય આવે છે !

''અસોક... યાદ છે, ખેતરૂંમાં પંખીડાવને ભગાડવા માણહ જેવા કપડાં પે'રાવીને ચાડીયા ઊભા કઇરાં હોય...! ઇ જોયને પંખીઓ એમ શમજે કે, આંઇ કોક માણહ ઊભું છે અટલે ઇ નો આવે...! આપણે ય બાલ્કનીમાં આવો એક ચાડીયો મૂકાવી દઇં, તો વાંદરાંવ નો આવે ને...?''
''હા, પણ તારા ભ'ઇઓ તો આવે ને ? એ લોકો દૂરથી ચાડીયો જુએ કે મને જુએ, એમાં કોઇ ફરક ન લાગે ને ઉપરથી એમ સમજે કે, અસ્સોક કુમાર ઘરે છે... આપણી તો વાટ લાગી જાય ને ?''


''ઈ વાતે ય શાચી ! મારા ભાયુંને ચાડીયામાં કે વાંઇદરાવમાં બવ ફરક લાગતો નથી... નંઇ તો મને પૈણાવી હોત તમારી હારે ?''

''હવે મૂળ વાત કર ને ! વાંદરા ન આવે, એનો કોઇ ઉપાય સૂઝે છે ?''

''હં-અઅઅઅ...! બહારના કમાડ ઉપર પાટીયું મારી દઇં કે, ''શાહેબ ઘરમાં નથી !''

''આવા પાટીયાં વાંદરા વાંચવાના હતા....? અને વાંચે તો ય એ લોકો મને 'સાહેબ' માનવાના છે ? વાત કરે છે તે !''

''અરે વાંઇદરાવ નો વાંચે, પણ બીજા મે'માનો તો વાંચે ને ? આપણને ઇ બેમાંથી એકમાં તો છુટકારો મળે !''

મેહમાનો અને વાંદરાઓ વચ્ચેનો એક ફરક મને ખબર હતી કે, મેહમાન લાફો ન મારે, પણ વાંદરા તડતડતડ તમાચા મારીને જતા રહે ! આપણે સામા મારીને સાબિત શું કરવાનું ? અને મારવા જઇએ તો એનો ગાલ હાથમાં ય ન આવે, એવું અદભુત ફૂટવર્ક એ લોકોનું હોય છે. આપણે તો હજી હાથ ઉગામ્યો હોય, ત્યાં કાચી સેકન્ડમાં આઘા ખસી જાય. મને ખબર છે કે, આપણે બાલ્કનીમાં બેઠેલા વાંદરાને પ્રેમપૂર્વક હસતા મોઢે કેળું આપીએ, તો ય એ થપ્પડ પહેલી મારે અને કેળું પછી લે ! 'કોઇ આપણા એક ગાલે લાફો મારેતો બીજો ધરવો' એ સિધ્ધાંત વાંદરાનો લાફો ખાધા પછી ન ચાલે. નહિ તો હું લાફાથી પતાવું એવો છું...? સામું બચકું ન ભરી લઉં ? પણ આપણને એમ કે, કોણ સંબંધો બગાડે ! અને આમેય વાંદરાઓ દાઝીલા હોય છે. આજનું વેર એ વર્ષો સુધી ન ભૂલે ! યાદ હોય તો, નાગણ માટે દંતકથા એવી છે કે, તમે કોઇ નાગને મારી નાંખો, એટલે એની મૃત આંખોમાં તમારો ફોટો આવી જાય છે અને એના હસબન્ડ (નાગ)ની લાશ પાસે નાગણ આવીને પેલાની આંખોમાં તમારો ફોટો જોઇ લે છે અને પછી એ તમને શોધતી ફરવા માંડે અને મળો એટલે ડસ્યા વિના છોડે નહિ. લો કલ્લો બાત...! ને એમ કાંઇ નાગણને સ્ત્રી સાથે સરખાવી હશે ? સુજ્ઞ પુરૂષોએ તો કીધું જ છે, 'જેવાની સાથે તેવા ન થવાય.' આપણે કોકના સારા પ્રસંગે-બસંગે ગયા હોઇએ ને આ લોકો ય ત્યાં પહોંચી ગયા હોય તો પહેલી થપ્પડ આપણને મારી જાય ! ઉપસ્થિત જનસમુદાયમાં વાતો કેવી ઉપડે કે, આમને હવે વાંદરાઓ સાથે ય નથી બનતું ? લોકોના મોંઢે તાળાં થોડાં મરાય છે ?

જો કે, પુરૂષોનું એટલું સારૂં કહેવાય કે, આગળના કોઇ પણ જન્મનો બદલો લેવા, કોઇ પાર્ટી કે શૉપિંગ-મૉલમાં ઊભેલી અજાણી પણ સુંદર સ્ત્રીને બચકું ભરી આવતો નથી... એ યાદ આવવા છતાં કે, 'આજથી ૧૯-મા જન્મ પહેલા આ સ્ત્રીએ મારી વાઇફના માથામાં તપેલી પછાડી હતી... હવે આજે મારો વારો છે. એના ગાલે હું બચ્ચી ભરીને જ ઝંપીશ...!' એવા વેરવળામણાં આપણાં પુરૂષોમાં કદી ન હોય, મારા ભાઇ... કદી ન હોય ! (...ને, એમાં જ રહી જઇએ છીએ...! સુઉં કિયો છો ?)

આજનો તાતો પ્રશ્ન વાંદરાને સામું બચકું ભરવાનો નથી, એ લોકોને આપણા ઘરમાં આવતા રોકવાનો છે. એ તો બધા ભરાઇ ગયા છે કે, પાર્કિંગમાં મૂકેલી તમારી ગાડી ઉપર, 'ફાધરનું કિંગડમ' હોય એમ કૂતરાઓ તો લંબાવીને આખી રાત ખેંચી કાઢે છે.

એ લોકોને તો સ્વચ્છતા અભિયાનો ય ના નડે, એટલે કારના છાપરા ઉપર એમના અંગત અભિયાનો પાથર્યા હોય. ઘરની છતો ઉપર ગરોળીઓ ચીપકી હોય, એ હાળી આખી રાત ઊંઘવા ન દે. ગાય લોકો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવીને પોદળાં મૂકીને માખીઓ બોલાવતી જાય, ને આપણે ચૂપ ! આર.ટી.ઓ.વાળા ગાડી કે સ્કૂટર ચલાવવાનું લાયસન્સ આપવા માટે, ત્યાં ને ત્યાં-એમના કમ્પાઉન્ડમાં જ આંટો મરાવે છે, એને બદલે પાનકોર નાકા કે સી.જી. રોડ પર ભ'ઇને (સૉરી, ખાસ તો 'બહેનજીને') ગાડી ચલાવતા/રીવર્સ લેતા આવડે છે કે નહિ, એ પપ્પાનું એટલે કે જે તે બળધીયાનું રાજ હોય એમ વી.એસ. હૉસ્પિટલની સડકો ઉપર ગોઠવાઇ જતી ગાયો વચ્ચેથી સ્કૂટર કે ગાડી કાઢી બતાવે, એને જ આર.ટી.ઓ.એ ડ્રાયવિંગ-લાયસન્સ આપવું જોઇએ... બાકી સરકસમાં મૌતના કૂવામાં સામસામી મોટર-સાયકલો ફેરવવામાં વચમાં એક ગાય મૂકી બતાવે ને પછી કરતબ બતાવ, ભાઇ !

ઘણા વાચકોને પ્રશ્ન થતો હશે કે, ટ્રાફિકના પ્રોબ્લેમ્સ માટે આટઆટલું લખાય છે, એ બધું જે તે શહેરના ટ્રાફિક-પોલીસ કમિશ્નર વાંચતા હશે ખરા ?

જવાબ 'હા'માં ય છે અને 'ના'માં ય છે !

'હા'માં એટલા માટે કે, આવી મોટી જવાબદાર વ્યક્તિ કે તેમના ડીપાર્ટમેન્ટ વિશે છાપામાં કાંઇ પણ લખાયું હોય, એ બધું એમનું ડીપાર્ટમેન્ટ એમના ટેબલ પર રોજ મૂકી દે. વાંચવું-ન વાંચવું, સાહેબની મરજી ! સીધો અર્થ એ નીકળે કે, આટઆટલું લખવા છતાં, એક નાનકડું એક્શન ન લેવાય, એનો મતલબ એ થયો કે, 'સાહેબે વાંચ્યું છે જ'...!

અને 'ના'માં એટલા માટે કે, આજ સુધી હજારો પોલીસ-કમિશ્નરો આવી ગયા અને ટ્રાફિકની લાખો ફરિયાદો એમની પાસે આવી ગઇ... માત્ર ''એક''નો નિકાલ થતો ક્યાંય સાંભળ્યો ? આમાં સાહેબનો શું વાંક...? ફરિયાદ આંખે ચઢી કે કાને પડી હોય તો એનો નિકાલ આવે !

સ્વયં અમે ય આજ સુધી ક્યાં, વાંદરાઓનો નિકાલ કરી શક્યા છીએ ? પોલીસ-કમિશ્નર અને અમારી વચ્ચે આટલું જ સામ્ય... એમને ગાયો નથી નડતી અને અમને વાંદરા નથી નડતા..
વાંક ગમે તેનો કાઢો, વાંદરા બહુ આવતા હોવાની રાડારાડ અમે આખા ગામમાં કરતા રહીએ, એમાં સ્થાનિક મેહમાનો અમારા ઘરે આવતા બંધ થઇ ગયા. એ લોકોને પોતાની છાપની પડી તો હોય ને !

''ઓહોહો... અશોકભાઇને ઘેર તો વાંદરા બહુ આવે... તમે ક્યારે જઇ આવ્યા ?''

હવે હું જ કહું છું... અમને વાંદરા નથી નડતા !

આપણા વિચારો વરસાદ જેવા છે કે વાંદરા જેવા, એ તય કરવું કઠિન છે. આ ત્રણે એક ઠેકાણે ઝંપીને બેસે નહિ... અને ધાર્યા તો ત્રણેમાંથી એકે ય આવે નહિ !

સિક્સર
- રિયો ઑલિમ્પિકમાં કોઇ પણ રમત સાથે કોઇ લેવાદેવા ન હોય, એવા સરકારી બાબુઓ બિઝનૅસ-ક્લાસની ફ્લાઇટ્સમાં ગયા... અને બીજી બાજુ, ભારતની મહિલા હૉકી ટીમની ખેલાડીઓએ ભારત પાછા આવ્યા પછી રેલ્વેમાં ટ્રેનના છાપરા ઉપર બેસીને પ્રવાસો કરવા પડયા...!
- ઓકે. હવે પછીની ઑલિમ્પિકમાં કોઇ ગૅમના કોઇ ખેલાડીને નહિ મોકલાય... કેવળ સરકારી બાબુઓ જ જશે.

No comments: