Search This Blog

08/10/2018

એન્કાઉન્ટર : 07-10-2018


* આજ સુધી તમે સાંભળેલું સર્વોત્તમ ગીત કયું?
– આપણું રાષ્ટ્રગીત.
(આકાશ આર. અગ્રવાલ, અમદાવાદ)

* છૂટાછેડા લઇ ચૂકેલો ગોરધન ઘરની રસોઇ કેટલી વારમાં બનાવી શકે ?
– હવે એને એ ચિંતા ન હોય...! હવે તો બહારના ઓર્ડરો ઉપર પૂરતું ધ્યાન આપી શકતો હોય.
(ડો. અશ્વિન હી. પટેલ, કેટ્સકીલ–ન્યૂયોર્ક)

* ફિલ્મ ‘એક દૂજે કે લિયે’ જેવી હિટ ફિલ્મ ફરી કેમ નથી આવતી ?
– સુપ્રીમ કોર્ટના બદલાયેલા કાયદા મુજબ, ફિલ્મની વાર્તામાં ફેરફાર કરવો પડે. કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીને બદલે, કમલ હાસન અને કરણ જોહર લાવવા પડે.
(નીતા જયનેન જહા, અમદાવાદ)

* સમોસા અને સમોસીને બાળક આવ્યું, એનું નામ શું પડ્યું હશે ?
– સાવ છોલો નહીં. ‘સમોસી’ તો આજ તક સમોસાને ય મળી નથી. બચ્ચા કહાં સે આયા...?
(રૂપાંગ શાહ, અમદાવાદ)

* કોઇને બ્રેડ–બટર ફળે, કોઇને પાણી–પૂરી ફળે... તમને શું ફળ્યું છે?
– ચોળાફળી.
(પાર્થિવ પરીખ, અમદાવાદ)

* મકાઇનો નાનકડો દાણો એની મમ્મીને શું પૂછતો હોય ?
– મમ્મી, ‘પોપ’ કોર્ન ક્યાં ગયા ?
(દીપેન ભટ્ટ, ભરૂચ)

* અશોકભાઇ, જેટ–પ્લેન જેવો તોતિંગ અવાજ કોણ કાઢી શકે ?
– બીજું જેટ–પ્લેન.
(હિતા કેયુર શાહ, વડોદરા)

* યુ.પી.નો કોઇ ભૈયો રિક્ષા ચલાવતો હોય, એને શું કહેવાય ?
– રિક્ષાવાળો.
(હિમાંશુ દોશી, સુરત)

* હમણાં હમણાંથી રાહુલ ગાંધીએ પોતાની સ્પીચ ઉપર સારો કાબૂ મેળવ્યો લાગે છે !
– એક આંખ પર પણ...!
(ડો. કપિ રમેશ શાહ, અમદાવાદ)
* સાસરાવાળા અને ઠાસરાવાળા વચ્ચે શું ફરક
– ઠાસરાવાળા તો ગમે ત્યારે આવે, એ ગમે.
(મેહમૂદ અનવરભાઇ, ઠાસરા)

* તમે લખવાની હિંમત કરી હતી કે, અમિતાભ બચ્ચન જેવો સન્માનનીય કલાકાર, પાચક ચૂર્ણ અને માથામાં નાખવાના તેલ જેવી પ્રોડક્ટ્સ માટે મોડેલિંગ કરીને પોતાની પ્રતિષ્ઠા ગુમાવી રહ્યો છે !
– હવે સાંભળ્યું છે કે, એ ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ બ્રાન્ડની પ્રોડક્ટ્સ માટે ય મોડેલિંગ કરશે.
(મહાદેવ રામકૃષ્ણ દવે, ભુજ)

* અમદાવાદમાં ટ્રાફિક અને મ્યુનિ. વાળાઓએ શરૂશરૂમાં જોર બતાવ્યું... પાછું હતું એવું ને એવું થઇ ગયું...!
– આ બતાવે છે કે, રાજકારણીઓ અને વેપારી મહાજનોના હાથ કેટલા લાંબા છે !
(એલ. એસ. વીરા, અમદાવાદ)

* આજ સુધી તમે કરેલી સર્વશ્રેષ્ઠ અને સૌથી ફાલતુ ખરીદીઓ કઇ ?
– વગર દહેજ–ડાઉરીએ કેવળ સવા રૂપિયામાં સસુરજીએ એમની દીકરી મારી સાથે પરણાવી હતી...
એ શ્રેષ્ઠ ખરીદી અને આજે એમની એ જ પ્રોડક્ટ કરોડોના હિસાબે મોંઘી પડી રહી છે.
(વિવક્ષા જયેશ જરીવાલા, સુરત)

* આ ‘અશોક’ તો હજારો વર્ષ પુરાણું નામ થઇ ગયું... કંઇક નવું લાવો ને !
– ‘રાહુલ’ નામ મને ખૂબ ગમે છે. રાહુલ ભગવાન બુદ્ધના પુત્ર હતા. પછી ખબર પડી કે, ‘અશોક’ તો એનાથીય જૂનું નામ છે... મે’કુ... રે’વા દો, તારે...!
(જન્મેજય વોહરા, રાજકોટ)

* શરીરનો કયો ભાગ ગુમાવવાથી કોઇ નુકસાન થતું નથી?
– આમ તો સીધો જવાબ છે, માથાના વાળ... પણ હવે એ બધો માલ ખાલી થવા આવ્યો છે, એમાં નુકસાન જ નુકસાન છે.
(પારુલ દીપક મહેતા, અમદાવાદ)

* ટી.વી. પર આવતી સૌ  થી વધુ ઘૃણાજનક જાહેરખબર કઇ લાગે છે ?
– ઇંગ્લેન્ડ સામે ઇન્ડિયા ટેસ્ટ સીરિઝ બૂરી રીતે હારી ગયું, એના કરતાં હેમા માલિનીના અશુદ્ધ પાણીએ બોર કરી કરીને બહુ નવડાવ્યા...!

* ભૂલમાં તમારાથી કોઇને ખોટો ‘વોટ્સએપ’ મોકલાઇ ગયો છે ?
– હા, ફક્ત એક જ વાર, મારા તમામ મિત્રોને મેસેજ મોકલ્યો હતો... ‘મને કોઇ વોટ્સએપ’ મોકલવો નહી...
... ને આજ સુધી રોજના સરેરાશ 500–મેસેજો આવે જાય છે.
(વનરાજસિંહ આડોદરા, ભરૂચ)

* સ્ટેજ ઉપર અચાનક તમે શરમાઇ જાઓ, એવો કોઇ બનાવ કદી બન્યો છે ?
– શ્રોતાઓ શરમાઈ ગયાના હજારેક દાખલા છે.
(કૃતાર્થ પરમાર, મોટી જીવડી)

* તમને ડાન્સ કરવો ગમે છે ? ડાન્સ કરવામાં તમારી રેગ્યુલર સ્ટાઇલ કઇં ?
– ને આવડતો નથી, પણ ‘બોલ ડાન્સ, મારી દ્રષ્ટિએ સૌથી ‘કલ્ચર્ડ’ સ્ટાઇલ છે.’
(મીના રમેશ દવે, જામનગર)

* અશોકભાઈ, તમારા જીવનનું એવું કયું રહસ્ય છે, જે હજી સુધી કોઇ જાણતું નથી ?
– એ જ કે... આજ સુધી હું ચાલી કેવી રીતે ગયો ?
(પ્રદીપ ઠાકોર, અમદાવાદ)

* તમને ભૂતપ્રેતની બીક લાગે છે ખરી ?
– અમારે લોકોને અંદરોઅંદર એવા કોઇ વેરઝેર ન હોય.
(રોનક શાહ, અમદાવાદ)

* તમારા Wi-Fiનો પાસવર્ડ શું છે ?
– મને તો મારી Wifeના પાસવર્ડની ય ખબર નથી. ‘કેમ મોડું થયું ?’ એ એનો પાસવર્ડ હશે.
(લીલાવતી શિણોલ, અમદાવાદ)

* તમારી જિંદગીનું છેલ્લું કામ પહેલીવાર ક્યારે અને કયું કર્યું હતું ?
– હમણાં એક શોના ઓડિયન્સને પૂછ્યું હતું, ‘તમારી દ્રષ્ટિએ દેશ પહેલો કે ધર્મ પહેલો ?’ જવાબમાં 700ના ઓડિયન્સમાંથી કોઇ ચાર–પાંચ શ્રોતાઓએ દેશ માટે હાથ ઊંચો કર્યો હતો.

No comments: