Search This Blog

19/10/2018

યાદ છે, ઘોડાગાડી


જલસા પડતા અમદાવાદની ઘોડાગાડીમાં બેસવાના ! અમદાવાદના સી.જી.રોડ જેવા ભરચક બાળપણમાં ઘોડાગાડીની બાજુમાં બેસવાનો જામો કાંઈ ઓર જ પડતો હતો. ઇંગ્લેન્ડના ઘનઘોર જંગલો વચ્ચે આવેલા શાહી બ્રિટિશ મહેલમાંથી જાદુગર જેવી લાંબી કાળી હેટ પહેરીને કાઉન્ટ ડ્રેક્યુલા એની આલિશાન ચાર ઘોડાવાળી બગીમાં ઘોડાઓને ચાબુક ફટકારતો નીકળે, એવો વટ અમારો ચડ્ડીખમીસમાં પડતો અથવા અમે એવું માનતા. ઘોડાગાડાળો એના ઘોડાને ચાબુક ફટકારે. એ જોવાની થ્રિલ ઉપડતી અને ખભો હલાવીને કહેતાં, ‘કાકા, એક ચાબુક મને ફટકારવા દોને !એ નહોતી ખબર કે ગાડીવાળો ચાબુક ફટકારે, ઐ તો નામની અવાજ કરવા પૂરતી હોય. ઘોડાને સાચેસાચ ઝૂડી નાંખવા માટે નહીં. મને તો છેક સુધી વિશ્વાસ હતો કે, ઘોડો કદી સામી ચાબુક નહીં ફટકારે. એ જોર ઉપર જોર ચડતું.

પણ ડ્રેક્યુલા બનવાના ધખારા તો એની ફિલ્મ ‘ધ હોરર ઓફ ડ્રેક્યુલા’ જોઇ, એમાં જ ઊતરી ગયા. નહોતો જોયો ત્યાં સુધી ડ્રેક્યુલો મને કોઇ મંદિરના ગાદીપતિ મહારાજ જેવો લાગતો. મહારાજો કપાળ પર તિલક કરે અને ડ્રેક્યુલા બે હોઠના ખૂણામાંથી લોહીના રેગાડા કાઢે. જોયા પછી ખબર પડી કે, એ કાંઇ સારો માણસ નહોતો. વચલા બે દાંતને બાદ કરીને સાઇડના બે મોટા રાક્ષસી દાંત વડે હાળો બચકાં ભરી લેતો અને ગળા ઉપર બે કાણાં પાડીને મહીંથી લોહીઓ પીતો, પણ ડ્રેક્યુલાના કાણાંમાંથી લોહી નીકળે, ગુજરાતી વાઇફોના ગોરધનોના કપાળમાંથી નીકળે. કોઈના લોહીઓ પીવા નહીં, ડ્રેક્યુલા જેવી શાનદાર ઘોડાવાળી બગી ચલાવવા મળે, એ ડ્રીમ રહેતું, પણ એની અસલિયત જાણ્યા પછી ડ્રેક્યુલા બનવાનાં સપનાં ત્યાં જ પડતાં મૂકીને ઘોડાગાડીવાળા બનવાનાં સપનાં શરૂ કર્યાં. ક તો કોઈ સરસેનાપતિ નગરની લટાર મારવા નીકળ્યા હોય, એવો ગર્વ થાય અને ઘોડાને ચાબુક મારવા મળે. એનો સટાક કરતો અવાજ અમારું સંગીત હતું. સ્કૂલે ઘોડે ચઢીને, આઇ મીન સાઇકલ પર ચઢીને જવાના એ ઉંમરમાંય અમારા વિચારો રજવાડી હતા. ભલે ચલાવતા સાયકલ, પણ મારા વિચારો શાહી હતા. ઘોડાગાડી તો ડ્રેક્યુલાવાળી જ ! આજે ય દુનિયાભરનો એકેય ગુજરાતી એની સાઇકલને ‘સાઇકલ’ નહીં, ‘ગાડી’ કહે છે. સ્કૂલનો પટાવાળોય સાઇકલ પર આવે, માસ્તરો ય સાઇકલ પર આવે ને અમે... તો પછી ફરક શું ? ફાધરને ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધેલું કે, ‘મને અપાવવી હોય તો ઘોડાગાડી અપાવો, સાઇકલ–ફાઇકલ નહીં !

ચાબુક જેવો અવાજ મધરને સંભળાયેલો, ફાધરે અમને એક સટ્ટાક કરતી ચોડી દીધેલી એનો, પણ એમાં વાંક ફાધરનો હતો. એ એવું સમજેલા કે, ભણીગણીને હું ઘોડાગાડીવાળો બનવા માંગું છું. ‘લાલ દરવાજા બે રૂપિયા, મણિનગર ચાર રૂપિયા’ની બૂમો પાડીને સવારી બોલાવતો ગાડીવાન ! હકીકતમાં ફાધર સમજી શકેલા નહીં કે, ‘અમે તો ચાર ઘોડાવાળી શાહી બગી લેવા માંગીએ છીએ, ચાર પંક્ચરવાળી સાઇકલ નહીં !’

ઘોડાગાડીનો આકાર કોરી નદીના કિનારે કોક ગરીબની ઝૂંપડી જેવો લાગે, પણ શહેરના રસ્તાઓ ઉપર આવી ગયા પછી દુબઇની સડકો પર કોઈ માલેતુજાર આરબશાહી ‘બુગાટી’ લઇને નીકળ્યો હોય એવો જામો પડે. એટલિસ્ટ, રસ્તે પસાર થતી જોવામાં !

અલબત્ત, ઘોડાગાડીઓ આખા ગુજરાતમાં હતી, પણ અમદાવાદની ઘોડાગાડીની તોલે એકે ય ન આવે. અમદાવાદવાળીની વિશિષ્ટતા એની મનલુભાવન ડિઝાઇનમાં હતી. ઝવેરી પાસે વીંટી ખરીદો એમાં કેવું રૂપકડું બોક્સ આવે ! એવા બોક્સથી બનેલી ગાડી. (ઘણી વાર તો વીંટી કરતાં બોક્સ વધારે સારું લાગતું, પણ એ આંગળીમાં પહેરાય નહીં, એટલે વીંટીથી ચલાવી લેતા.) ચારે બાજુએ બારીઓ જ બારીઓ ને છેલ્લે થોડી જગ્યા વધતી હોય, ત્યાં ઘોડાગાડીનો દરવાજો, પણ બેઠાં પછી ચારે બાજુથી બંધ, લંડનથી વાઇસરોય બેસવા આવ્યા હોય, એમ ઘોડાગાડીવાળો નીચે ઊતરીને ગાડીની પાછળનો દરવાજો બે–ચાર મુઠ્ઠી પછાડીને બંધ કરી જાય, સ્ટોપર મારી આપે, ગ્રાહકના આદર–સત્કાર માટે નહીં, પેસેન્જરો ગબડી ન પડે એ માટે. કારણ એ બોક્સ જેવી ગાડી આગળથી ઊંચી અને પાછળથી નમેલી રહેતી. દરવાજો ખુલ્લો રહી ગયો હોય તો પાછળવાળા પેસેન્જરો ક્યારે અને ક્યાં ગબડી પડ્યા એની ઘોડાને કે ગાડીવાળાને ખબર ન પડે. એ હિસાબે દરવાજો ટાઇટ બંધ થતો. પાછળ દરવાજા પાસે બેઠેલા બે પેસેન્જરો એમના ફાધરની હોટેલના સોફા પર બેઠા હોય એવા ઠાઠથી બેસતાં, પણ એની સામેવાળા ‘હમણાં એમની ઉપર પડશે,’ એવા ઝૂકેલા અને ભયના માર્યા બેઠાં હતા.

એ વખતે શહેર અમદાવાદમાં ગાડી (કાર)ની સખ્યા નામ પૂરતી હતી. રિક્ષામાં ફક્ત બે જ પેસેન્જર લેવાની છૂટ હતી. ટેક્સીઓ અમદાવાદનું કામ નહીં. બહુ બહુ તો એરપોર્ટ જવા માટે વપરાય. એ ય ભદ્રકાળીના મંદિર સામે માંડ ત્રણ–ચાર ઊભી હોય. વખાના માર્યા આપણે ટેક્સી ભાડે કરવા જઇએ, તો ટેક્સી ખરીદવા આવ્યા હોઇશું, એવો પેલો રાજી થાય ને લેવાદેવા વગરનું હિન્દી બોલે, ‘આઓ સા’બ... જાના કહાં હૈ ?’ એને ય ખબર હોયકે એરપોર્ટના પેસેન્જર છે, એટલે ‘ચીરીને’ ભાડું માંગે. એ વખતની બેન્કોમાં ટેક્સીભાડું ચૂકવવા લોન મળતી નહીં. ઘરઘરની પસંદ કેવળ લાલ બસ હતી. જેને આજે એ.એમ.ટી.એસ. કહે છે. એક આનો (છ પૈસા) ટિકિટ ને તોય નહોતી પોસાતી, બોલો ! આ બાજુ આપણે પેટ્રોલના ભાવવધારાની રાડું નાખીએ છીએ.

ઘોડાગાડી મોંઘી બહુ પડતી, કારણ કે એમાં ચાર પ્લસ વન સવારી આવે. નાના છોકરાને ગાડીવાનની બાજુમાં બેસાડી દેવાનો. મહીં કેટલા પેસેન્જરો લેવાના છે, એનો માપદંડ ઘોડો ઊંચો થઈને લટકી પડે છે કે નહીં, એ હતો. ઘોડો ભડકે નહીં, એટલે એની બંને આંખો ઢંકાય, એવાં ચામડાના ચશ્માં પહેરાવતાં. લોકો એમ માનતા કે, આજુબાજુએ ટ્રાફિક જોઇને એ ભડકે નહીં માટે પહેરાવતા હશે. વાસ્તવમાં, ઘોડોય આખરે પુરુષ છે. ચાલુ સવારીએ એની નજર ‘હખણી’ રહે, એ માટેના ‘ચશ્માં’ હતાં.

મારા જામનગરની જેમ, કાઠિયાવાડની ઘોડાગાડીઓ તદ્દન જુદી. આખી ખુલ્લી અને વચમાં પાર્ટિશન. (ફિલ્મ ‘શોલે’માં બસંતીની ઘોડાગાડી જેવી)  પણ એમાં ઘોડાની તબિયત બરાબર ન રહેતી હોય કે પાછળ બેઠેલા વધારે પડતાં તંદુરસ્ત હોય, એ લોકોના બેસતાની સાથે ઘોડો ચારે પગે હવામાં અધ્ધર જતાં કોમિક દ્રશ્યો રોજના હતાં. ઘોડાને ધરતી પર પાછો લાવવા માટે ગાડીવાળો આગળ જઇને વાંસડા ઉપર કૂદકો મારીને લટકે, ત્યારે વજન બેલેન્સ થાય. જન્નત ધરતી પર ઊતરી આવ્યા પછી ગાડીવાળો ખિજાય, ઘોડા ઉપર નહીં, પેસેન્જરો ઉપર. ‘આવડાં મોટાં પેટો બનાઇવાં છે ? થોડી ઘોડાનીય દયા ખાતા હો તો !’

આજે આવિ શાહી સવારીઓને પચાસ વર્ષ થઇ ગયાં. એટલિસ્ટ, શહેરમાં તો કકોઇ દેખાતી નથી. જે દેખાય છે તે વયોવૃદ્ધ અને નિવૃત્ત ઘોડાઓ ગાર્ડનના બાંકડે બેઠેલા. એમની વાડી ઘેર પડી છે, જે એમનાં શાહી સંતાનો અને શાહી વહુઓ વાપરે છે, પણ અસલી શહેનશાહોને તો લાકડીના ટેકે ટેકે ઠબૂક ઠબૂક ગાર્ડનના બાંકડે આવીને બીજા અશક્ત ઘોડોઓ સાથે આખરી સવારની રાહો જોવાની છે.

સિક્સર
ઇલેક્ટ્રિનિક્સની કોઇ પણ ચીજ ખરીદો – ટીવી, મોબાઇલ, કમ્પ્યુટર, લેપટોપ ! લઇ લીધાં પછીની ૧૫ મિનિટમાં જ માર્કેટમાં તદ્દન નવું મોડેલ આવી જાય છે ને ખરીદીનો પસ્તાવો થાય છે.
આવા પસ્તાવા તાજેતાજી કન્ય (કે વર) પસંદ કરી લીધા પછી ય થાય છે !

No comments: