* ગુજરાતીઓ માટે
ઇન્ડિયન ક્રિકેટની હાર–જીત એટલે શું?
– ચાર શબ્દો કાયમ
વપરાય ‘હું તો પહેલેથી કહેતો’તો!’
(પૂનમ દવે, જામનગર)
* સુપ્રીમ કોર્ટે
કેવો ચુકાદો આપ્યો ? વ્યભિચાર ગુનો નથી !
– શાંતિ રાખો. આની
પહેલાં હોમોસેક્સ્યુઆલિટી અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો. હવે વ્યભિચાર માટે... એક
જમાનો આવશે કે, પુરુષો પોતાની ઉપર બળાત્કાર થાય તો ફરિયાદ નહીં કરી શકે !
(જગતનારાયણ મહેતા,
સુરત)
* આમ તો હું 53નો
છું, પણ મારે વધુ યુવાન દેખાવું છે, તો શું કરું ?
– હરવા–ફરવાનું 70
પ્લસના કાકો સાથે રાખો.
(વિનયચંદ્ર વોરા,
મુંબઇ)
* આ વર્ષે ગુજરાત
વરસાદ વિહોણું રહ્યું...!
– શિયાળામાં નિરાંત
! સ્વેટરો કે શોલ કાઢવી નહીં પડે.
(વિભૂતિ શાહ,
અમદાવાદ)
* ઘરમાં કાચના ટુકડા
વેરાય ને વાગી જાય... એનાથી બચવાનો કોઇ ઉપાય ?
– કાચના ટુકડાઓને
બેન્ડ–એઇડથી સાંધવા બેસી જાઓ.
(હિરેન પ્રમુખ પટેલ,
અમદાવાદ)
* મારે અમેરિકા જવું
છે... શું કરવાનું ?
– જવાનું.
(પ્રયાગી
ચંદ્રચુડકર, વડોદરા)
* અમે ત્રણ દોસ્તો
એક જ છોકરીના પ્રેમમાં છીએ. શું થશે ?
– બે બચી જવાના.
(સઘુરામ સાવલિયા,
અમરેલી)
* ઘણાં લોકો પોતે જ
સવાલ પૂછી પોતે જ જવાબ આપે છે... એને શું કહેવાય ?
– ચલો, બીજો
સવાલ...!
(નિકુલ મુકુંદ પાઠક,
જામનગર)
* અમદાવાદમાં
લારીગલ્લા હટાવવાનો અને પાર્કિંગ સીધું કરવાનાં ઝનૂનો ક્યાં ગયાં ?
– બસ. હવે સી. જી.
રોડ પર ટ્રેક્ટરો, ટ્રેઇલરો અને ટ્રેનના ડબ્બાઓ પાર્ક કરવા દેવાની માંગ ઊઠી છે.
(કૌશલ પંકજ વ્યાસ, અમદાવાદ)
* ઘણા લોકોને ડુંગળી
છોલતા આંખમાંથી પાણી નીકળે છે... કોઇ ઉપાય ?
– કોઇની સાથે
લાગણીના આટલા ઊંડા સંબંધો રખાય જ નહીં !
(હેતલ જાની, અમદાવાદ)
* પાકિસ્તાન સાથે વોર ક્યારે ?
– રાહુલને દુ:ખ થાય
એવા સવાલો ન પૂછો.
(વિવક્ષા જરીવાલા,
સુરત)
* મચ્છરો ‘ગુનગુનગુનગુન...જ’
કેમ કરતાં હોય છે ?
– એ લોકો એટલું જ
ભણ્યા હોય છે !
(વૈભવ ભુપેન્દ્ર
દવે, ભાવનગર)
* તમને કયા
પ્રતિષ્ઠિત એવોર્ડની પ્રતીક્ષા છે ?
– એકેય નહીં... એટલા
માટે કે, મને ‘ભારત રત્ન’ પણ મળે, તો એ પછીના લેખોમાં મારૂં સાહિત્ય સુધરી જવાનું
નથી.
(ક્રિષા પંકજ દવે,
સુરેન્દ્રનગર)
* કમ્પ્યુટર–મોબાઇલમાં
‘ઓટો–કરેક્ટ’ની સગવડ હોય છે... આવી સગવડ વાઇફોમાં ન મૂકાવી શકાય ?
– એના માટે હિંમત
જોઇએ... પણ મોબાઇલ આપણા માથે ફટકારવાથી બધું ‘ઓટો કરેક્ટ’ થઇ જશે.
(વિનુભાઇ કડોદરા,
નડિયાદ)
* કોઇ શોપિંગ મોલમાં
જૂની પ્રેમિકા મળી જાય તો શું કરવું ?
– એનું શોપિંગ બિલ
આપણા હાથમાં પકડાવી ન દે, એનું ધ્યાન રાખવું.
(અનવરઅલી ફતેહઅલી
નાસગર, વડોદરા)
* શું 40– પછી
સ્ત્રી પ્રેગનન્ટ થઇ ન શકે ?
– 40– બાળકોની મા થઇ
ગયા પછી આ અપેક્ષા વધુ પડતી કહેવાય.
(કીર્તનલાલ
મથુરાવાલા, સુરત)
* અમદાવાદના બી.આર.ટી.એસ.ના
કોરિડોરમાં હજી લારી–ગલ્લા કેમ મુકાયા નથી ?
– અત્યારે રેલવેના
પાટા માટે વાટાઘાટો ચાલે છે.
(આનંદ પટેલ,
અમદાવાદ)
* અમારી પાળેલી
બિલાડી આખું ડાઇનિંગ–ટેબલ કૂદી જાય છે... ચમત્કાર કહેવાય ને ?
– ચમત્કાર તો તમારું
ડાઇનિંગ–ટેબલ બિલાડી ઉપરથી કૂદી જાય, તો કહેવાય.
(લાવણ્યા અનુભાઇ
શાહ, વડોદરા)
* સૌજન્ય (ડીસન્સી)
એટલે શું ?
– માથાના વાળ ઊભા થઇ
જાય એવી હોરર–સ્ટોરી કોઇ ટાલિયાને ન કહો, એ !
(પલક પંકજ સોની, અમદાવાદ)
* હવે તો મોબાઇલમાં
‘કોન્ફરન્સ–કોલ’ની કેવી સુંદર સગવડ છે ! એકી વખતે અનેક સાથે વાત કરી શકો...
– એ ‘અનેક જણા’ દર
દસમી સેકન્ડે ‘બાય’ બોલતા હોય છે... કોઇ સાંભળતું હોય તો !
(હિતેશ દવે,
ધ્રાંગધ્રા)
* મારી વાઇફ મને
છોડીને જતી રહી છે... બહુ દુ:ખ થાય છે. શું કરવું ?
– અમારે જતી નથી.
(પીયૂષ ધાણેધા,
નડિયાદ)
* અમારા વિસ્તારમાં કૂતરાંઓ
બહુ પાછળ પડે છે... કોઇ ઉપાય ?
– કોઇનામાં આટલા
ઊંડા ઊતરીએ જ નહીં... ઊતરો ત્યારે આવું થાય છે ને ?
(જ્વલંત જે. સોની, અમદાવાદ)
* મલ્ટિપ્લેક્સ
થિયેટરના પોપકોર્ન ખરીદવા બહુ મોંઘા પડે છે...
– બેન્કો લોન આપે
એવી વિચારણા ચાલી રહી છે.
(આદિત્ય એ. ઓઝા, અમદાવાદ)
* શું તમે ઘેર યોગ
કે કસરતો કરો છો ? અમારે કરવાં હોય તો શું સલાહ છે ?
– યોગનાં બે સેશનો
વચ્ચે થોડો ગેપ જરૂર રાખવો... હું 3–4 મહિનાનો રાખું છું.
(પાર્થિવ પરીખ,
અમદાવાદ)
* સાંભળ્યું છે કે,
રોજ દસ ગ્લાસ પાણી પીઓ, તો 20 વર્ષ વધુ જીવો...
–મને 112 તો થયા.
(શ્યામજી ડી. પરમાર,
કલોલ)
No comments:
Post a Comment