Search This Blog

10/07/2013

ઘર આયા મેરા પરદેસી

ઘેર પહોંચ્યો તો માહૌલ ટેન્શનનો હતો. બધા મારી રાહ જોતા હોય, એ તો પહેલી નજરે જણાઈ આવ્યું. ગભરાયેલું તો હરકોઈ હતું. મારે પૂછવું ન પડયું કે, થયું છે શું ?

''અસોક... કોઈ 'દિ નંઇ ને આજે ઘરમાં મોટો ઉંદર ભરાણો છે... આવડો મોટો !''

પહેલાં તો એવું લાગ્યું કે, એ મારી વાત કરી રહી છે અને જીવનભરની દાઝો કાઢવા ઉંદરને પ્રતિકાત્મક બનાવી, ફરિયાદ મારી કરી રહી છે. એ વાત જુદી છે કે, ઑફિસેથી ઘેર આવ્યા પછી અમારા બન્નેના સંબંધો ઉંદર- બિલ્લી જેવા રહ્યા છે. એ ઘરમાં હવાફેર કરવા થોડીવાર માટે નીકળી હોય ત્યારે જ્યાં નાનકડી ગપોલી મળે, ત્યાં હું ઘૂસી જઉં છું ને બને ત્યાં સુધી એની અબખે ચઢતો નથી. ઉંદરને પકડવા હાથમાં પાંજરૂ ખુલ્લું રાખીને ન ફરાય, એ જાણવા છતાં મને પકડવા એ ખુલ્લી થાળી લઈને રૂમે રૂમે ભટકતી હોય. હું એ ખૂણાની ધારમાંથી બધું જોતો હોઉં. ઘાત જતી રહે પછી જ બહાર નીકળું. ભ'ઇ આજકાલ કોઈની સાથે બહુ ઘર જેવા સંબંધો રાખવામાં માલ જ નથી. બધે આપણે જ ખેંચાવું પડે છે. સુઉં કિયો છો ?

''હા પપ્પા... ગમ્મે ઇ કરો, પણ ઉંદરને કાઢો... ઘરમાં છોકરાંવ નાના નાના રિયા... કિયાંક કરડી જાશે તો -'' વહુ બોલી.

''અસોક... આ શહન નથ્થી થાતું, ભ'ઇ સાબ... આપણા ઘરમાં ઉંદરૂં... ???''

''ઉંદર... ? ક્યાંથી આવ્યો ?'' કેમ જાણે ઉંદર મોબાઇલ પર એસ.એમ.એસ. કરીને આવવાનો હોય, એમ મારાથી પૂછાઈ ગયું, એમાં એ ચીડાણી, ''કિયાંથી આઇવો, એની ક્યાં માન્ડો છો... ? આપણે તીયાં તો કેમ જાણે બધાં દિલ્હી ને ગાંધીનગરૂંથી જ આવતા હઇશે...!''

અમે ચોથે માળ રહીએ છીએ. નીચે શાકવાળાની દુકાન છે. બાજુમાં નવા ફ્લૅટ બને છે. એટલે ખોદકામ દરમ્યાન જમીનમાંથી ઉંદર કે સાપ બહાર આવતા હોય છે. પણ વચ્ચેના ત્રણ માળો છોડીને મારા ઘરમાં એ શું કામ આવ્યો, એ ન સમજાયું. આજકાલ તો ઉંદરોના ટેસ્ટો ય ઊંચા જવા લાગ્યા છે ને કાંઈ ! સગાસંબંધીઓ આવતા નથી ને ઉંદરો આવવા માંડયા ? એ લોકો કરતા ઉંદરોમાં અમારી છાપ સારી લાગે છે, એવું આશ્વાસન લીધું.

આ ઉંદર લોકો બહુ સારા માણસો નથી હોતા... આઇ મીન, બહુ સારા ઉંદરો નથી હોતા. ઘરમાં ઘૂસી જાય, એટલે એ લોકો આપણા સૂઈ ગયા પછી ગોદડાં નીચેથી ઘુસીને પગના અંગૂઠા ઉપર હળવે હળવે ફૂંકો મારીને લોહી ચૂસે. ચૂસે એનો ય વાંધો નહિ, પણ એ આપણી જાણ બહાર બધું ચૂસે. આ બહુ સારા સંસ્કાર ન કહેવાય. કહે છે કે, ઉંદર ફૂંકો મારતો હોય એમાં કલા અને વિજ્ઞાન બંને શામેલ હોય છે. એ લોહી ચૂસતો હોય ત્યારે ઊંઘમાં ય આપણું મોઢું હસુ- હસુ થતું હોય છે. મીઠી મજા આવતી જાય છે. કરડીને તરત જ કૃષ્ણની વાંસળી જેવી ઠંડી મજાની ફૂંક મારે... (અશોક દવે, આમાં સરખામણી 'કૃષ્ણની વાંસળી' સાથે ન હોય... એમ કિયો કે, ભરઊંઘમાં પોઢેલી પત્નીના નસકોરામાંથી નીકળતા ધૂમાડા સરીખી ફૂંકો ઉંદર મારે !... કોઈ પંખો ચાલુ કરો !) ઇન શોર્ટ, મને ઉંદરો તદ્દન 'સંસ્કાર-લેસ' લાગ્યા છે.

સોફા ઉપર બધા પગ ઊંચા કરીને બેસી ગયા હતા. નીચે રાખીએ તો ક્યાંક બચકું તોડી લે. અમારા ઘરનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ આમ પાછું પાવરફૂલ. તાબડતોબ નિર્ણય લેવામાં આવ્યો કે, સદરહુ ઉંદરને પકડી લેવો. માત્ર સદરહૂ જ નહિ, જે કોઈ ઉંદર હોય એને પકડી લેવો.

પણ પેપર અઘરું કાઢવામાં આવ્યું હતું. ઉંદરને પકડી તો લેવો, પણ પકડે કોણ ? ઘરની બહાર મારી છાપ એક બહાદૂર નવયુવાનની ખરી, પણ એ તો બહાર ઉંદર પકડવા જવાનું હોય, તો ની વાત છે. ઘરમાં પત્નીનું ચલણ બધા ઉપર છે, તો ઉંદર ઉપર શું કામ ન હોય ? મારી ભાવના એવી ખરી કે, એક વખત પત્ની ઉંદર પકડવા જાય તો ઉંદર અને મારી વચ્ચેનો તફાવત સમજી શકે ! આ તો એક વાત થાય છે !

''ના હોં અસોક... મારાથી ઉંદરૂં- બુંદરૂં નો પકડાય. એક કામ કરો. પોલીસમાં ખબર દઈ દિયો. ઇ લોકો ચૅઇન-ચોરોને પકડી શકતા નથી, પણ ઉંદરો ઉપર એમનો હાથ શારો બેશી ગીયો હોય...ઇ લોકોના ઘરમાં રોજનું થીયું ! પણ મારાથી ઉંદર નો પકડાય. અસોક, એક કામ કરો. હું તમને પકડી રાખીશ... તમે ઉંદરને પકડજો.'' આચાર્ય વિનોબા ભાવેનું સૂત્ર 'વિના સહકાર નહિ ઉદ્ધાર' વાઇફે મારા પૂરતું પચાવ્યું હતું. અંગત રીતે મારૂં કેવું છે કે, મને પહેલેથી જ ઉંદરો ગમતા નથી. આપણો એ સ્વભાવ જ નહિ. યસ. હું પ્લાન ચોક્કસ કરી આપું કે, ઘરમાં પેઠેલા ઉંદરને પકડવાની ૧૩ તરકીબો મારી પાસે છે. પણ જગતમાં આવ્યા પછીની બધી બાબતોમાં સ્વાવલંબી નથી થવાતું.

અલબત્ત, 'ઝાઝા હાથ રળિયામણા' અને આવું હિંદી ફિલ્મનું બીજું ય કોક ગીત હતું. 'સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના... હોઓઓઓ, સાથી હાથ બઢાના.' એ ઘોરણે ઘરના બધા ભેગા મળીને ઉંદર પકડવાનું નક્કી કર્યું.

...અને બધાએ ભેગા મળીને નક્કી એવું કર્યું કે, આ કામ તો પપ્પાને જ ફાવશે.

મને ગમ્યું તો નહિ, પણ આટલા વર્ષો પછી મને કશું ફાવશે, એની ઘરમાં શ્રદ્ધા બેઠી હતી, મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો. મારો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો, એ મને ગમ્યું.

મૂળભૂત રીતે હું પ્લાનિંગનો માણસ. પ્લાન વગર આપણું કશું ન હોય (એકમાત્ર લગ્નને બાદ કરતા !) એટલે મેં વાઇફને કોક સારો દિવસ જોવડાવવાનું કીધું. સાત સૂચનો રજૂ કરતું એક પત્રક બનાવવામાં આવ્યું. ઉંદર કયા રૂમમાં ભરાયો છે, પકડતી વખતે એ સીધો આપણી ઉપર કૂદે, તો ઠેકડા ન મારવા, ઘર આખામાં ધૂમાડો કરી, રૂમો-બુમો બંધ કરી આપણે બહાર નીકળી જવું, એટલે ઉંદરે ય બહાર નીકળી જશે, ઉંદર પકડતી વખતે ઘરમાં થનારી સંભવિત દોડાદોડી દરમ્યાન ઘરનું કોઈ હડબોટિયું ખાઈ જાય તો, 'ડેટોલ' હાથવગું રાખવું, ઉંદર પકડવાનું પાંજરૂં નીચે સબ્જીવાળા પાસેથી માંગી લાવવું અને પકડાઈ ગયા પછી પાછું માંગે તો પાછું આપી દેવું. (ઉંદર સાથે નહિ !... નોર્મલી હિન્દુઓમાં રિવાજ છે કે, કોકનું વાસણ લઈ આવ્યા હોઈએ તો એ ખાલી પાછું ન દેવાય... મહીં કાંઈ ભરીને જ પાછું દેવાય ! જય અંબે.)

અને છેલ્લું.... પકડાઈ ગયેલા ઉંદરને બની શકે તો અડોસપડોસમાં જ કોકના ઘરમાં છાનોમાનો છોડી આવવો. અમારા પડોસમાં પટેલ, જૈન, બ્રાહ્મણ, લુહાણા અને વૈષ્ણવો રહે છે. એ લોકોના ઘરે કંઈક નવું બન્યું હોય તો વધેલું-ઘટેલું આપણા ઘરે મોકલાવે છે. આપણે સામું કાંઈ મોકલાવી શકતા નથી, એનું દુઃખ થાય. પકડેલો ઉંદર એમના ઘરમાં છોડી આવવાથી માનસિક શાંતિ રહે, કે એમના ઘરમાં વધેલી ખાંડવી આપણા ઘેર મોકલી હતી, એ ખાધા પછી આવનારા ૧૪,૦૦૦ વર્ષો સુઘી ખાંડવી વિના ખેંચી કાઢવાની નેમ લીધેલી તો મૌકા ભી હૈ, દસ્તૂર ભી હૈ... રસ્મ ભી હૈ !... હૈ ના ???

બીજા દિવસે મારા કોઈ પ્રયત્ન વગર ઉંદર પાંજરે પૂરાયો. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના ગગનભેદી નારા સાથે અમે હિલ્લોળે ચઢ્યા, ખુશીયો કા કોઈ ઠીકાના નહીં થા...

પણ જીવનના કેટલાક આનંદો ક્ષણભંગૂર હોય છે. આનંદ લાંબુ ટક્યો નહિ, પકડાયેલા ઉંદરને છોડવા કોણે જવું, એ વિષે ઘરમાં નવી બેઠક બોલાવી. કહે છે કે ઉંદર પકડવો સહેલો છે પણ પકડયા પછી એને છોડી આવવો ઘણો અઘરો છે. ઘરની આસપાસના એક-બે કિલોમીટરના અંતરે તો છોડાય જ નહિ. ઘર છોડીને ગયેલા દીકરા ઘરે જ પાછા આવતા હોય છે, એમ એ ગંધ પારખીને આપણા ઘરે જ પાછો આવતો રહે.

વચમાં તો ગાડીમાં ઉંદરો છોડી આવવામાં આપણી માસ્ટરી હતી. હું તો બહારના ઓર્ડરો ઉપરે ય પૂરતું ધ્યાન આપતો. પણ એમાં શું થતું કે, થોડે આગળ જઈને ઉંદર છોડું, એટલે કાં તો ઠેકડો મારીને પાછો ગાડીમાં આવી જાય ને કાં તો વાંહેથી આવતા વાહન નીચે ચગદાઈ જાય. અમારે તો ભ'ઇ જૈનો વચ્ચે રહેવાનું, એટલે ઉંદર હોય કે માણસ... હિંસા ન પોસાય. એટલે, એ ઉપાય લાંબુ ન ચાલ્યો.

બન્યું ત્યારનું અમારું નારણપુરૂં ઉંદરો છોડવા માટે નક્કામું છે. કોઈ કરતા કોઈ પોતાના બંગલાની બહાર આપણો ઉંદર છોડવા જ ન દે. નારણપુરાની પ્રજામાં સહકારની ભાવના જ નથી. 'આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે'ના ધોરણે ઉંદરજીને મારી બાજુની સીટ નીચે બેસાડીને એક પિતા એના વહાલસોયા પુત્રને બાળમંદિરે મૂકવા જતો હોય એમ કંટાળીને હું આગળ ને આગળ જતો ગયો... પણ જ્યાં છોડવા જઉં, ત્યાં કોક ને કોક પકડી પાડે. ભિખારીને 'આગળ જાઓ, બાબા' કહેતા હોય, એમ લોકો મને આગળ જવાની સૂચના આપે.

ઉંદર છોડવા અત્યારે હું નડિયાદ સુધી તો આવી ગયો છું... એવું હશે તો, મુંબઈ પહોંચીને આવતા 'બુધવાર'નો લેખ મોકલાવીશ.

સિક્સર

''બોસ... રોજ હવે ઉત્તરાખંડની હોનારતના સમાચારો જોઈને 'મઝા' નથી આવતી... ચૅનલ બદલો, યાર !''

07/07/2013

ઍનકાઉન્ટર 07-07-2013

* ગુજરાતના વરસાદની વેધશાળાઓએ કરેલી આગાહી ક્યારે સાચી પડશે ?
- એની આગાહી પણ એ લોકો નહિ કરે ત્યારે !
(રમેશ સુતરીયા- ટ્રોવા, મુંબઇ)

* શું રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકશે ?
- આમ તો કુંવારા વડાપ્રધાન સારા ! બોલી તો શકે !!
(અજીત એ. ઠાકોર, પાલનપુર)

* ગામમાં અઢાર વરણ હોવા છતાં યુધ્ધમાં ફકત રાજપુતો જ કેમ લડતા ?
- બાકીની ૧૭-વરણો એ રાજપુતોની પાછળ ખડે પગે ઊભી રહેતી !
(ગાંગજી ચાંચીયા, અમદાવાદ)

* પુનર્જન્મ કયો લેવા ઇચ્છો છો ?
- આવતા જન્મે વાંદરો થવાનો વિચાર છે. લોકો દૂર પણ રહે અને પ્રેમ પણ કરે !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* સાંભળ્યું છે કે, 'ઍન્કાઉન્ટર'માં ઍડ્રેસ અને મોબાઈલ નં. ઉપરાંત સવાલ પૂછનારના ફોટા ય મંગાવવાના છે ?
- ના. વાચકોને સવાલો વાંચીને હસવું આવે, એટલું કાફી છે !
(શબ્બીર તરવાડી, ચલાલા)

* કૉંગ્રેસીઓ ફકત ગુજરાત ઉપર જ કેમ પ્રહારો કરે જાય છે ?
- ઘો મરવાની થાય ત્યારે...
(ધીરેન ડોડિયા, ભાવનગર)

* ઇશ્વર તો સદા ય જાગૃત છે, છતાં મંદિરે જતા ભક્તો ઘંટ કેમ વગાડે છે ?
- હિંદુઓએ આ કામ કરવા જેવું છે. મંદિર પરમ શાંતિનું સ્થળ છે, ઘોંઘાટનું નહિ. ત્યાં બેસીને, આંખો મીંચીને પરમ શંતિનો અનુભવ થવો જોઇએ. ઢોલ-નગારાં- ઘંટથી અન્યને કેટલો ત્રાસ પહોંચે છે, એ હિંદુઓએ જ જોવું જોઈએ. સારા ટ્રસ્ટીઓએ તો મંદિરોમાં ભક્તોને વાત કરવાની પણ છુટ ન આપવી જોએ. પરમેશ્વરના સામિપ્યની ઘેર આટલી શાંતિ ન મળે, માટે માણસ મંદિરમાં આવતો હોય છે, પણ ત્યાં કેવી ધક્કા-મુક્કી, ઘોંઘાટ, ઢોલ-નગારાં...! આમાં તો સ્વયં પ્રભુને 'મનુષ્યપ્રાપ્તિ' કરવી હોય તો ય ન કરી શકે !
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* ઘણા લોકો જમ્યા પછી સોપારી, વરીયાળી કે ધાણાની દાળ ખાય, છતાં એને 'મુખવાસ' કેમ કહે છે ?
- 'મુખસુગંધ' બોલવામાં ફાવે એવું નથી.
(શા. ગોવિંદલલ બી., પુના-મહારાષ્ટ્ર)

* શું નરેન્દ્ર મોદી તમારા લેખો વાંચે છે ?
- You tube પર Narendra Modi on Ashok Dave સર્ચ કરી જુઓ.
(પ્રયાગી એમ. શાહ, અમદાવાદ)



* સાસુઓ ભેગી થઇને બીજાની વહુઓના વખાણો કેમ કરતી હોય છે ?
- આપણા ઘરના પગલૂછણીયા કરતા બાજુવાળીના ઘરના પગલૂછણીયા ઉપર પગ વધુ સારા લૂછાય છે.
(શિવાની/હિમાની વોરા, જોરાવરનગર)

* સંસદમાં તોડફોડ કરનારા સભ્યો ભાષમોમાં પ્રજાને શાંતિ અને ભાઇચારાની અપીલો કરે, એ કેટલું સહ્ય ?
- એ લોકો તોડફોડમાં સ્વાવલંબી છે, ભાઇચારામાં નહિ !

* 'ટૉપલેસ' અને 'હોપલેસ' વચ્ચે શું ફરક ?
- 'ટૉપલેસ' કદી 'હોપલેસ' ના હોય !
(લલિત ઓઝા, જૂનાગઢ)

* ફરી એક વાર વડા પ્રધાન બનવાની અડવાણીની શક્યતા ધૂળમાં મળી ગઇ...!
- માણસે દિવાસ્વપ્નો જોતા પહેલાં પોતાની હૈસીયત, પ્રજા ઉપર પ્રભાવ, છાપ તેમ જ લાયકાત જોઇ લેવી જોઈએ. હાલ પૂરતી તો એમની પાસે એક જ લાયકાત છે કે, ચેહરો બિલકુલ ડૉ. મનમોહનસિંઘને મળતો આવે છે... પાઘડી અને સફેદ દાઢી-મૂઢવાળા અડવાણી ધારી જુઓ... મનમોહનમાં અને અડવાણીમાં કોઇ ફરક નહિ લાગે ! કોઇ પંખો ચાલુ કરો....!
(જવાહર પટેલ, મુંબઈ)

* સંત એમના નામની આગળ ૧૦૦૮-લખાવે છે, એનું શું કારણ ?
- આવું નહિ કરવું જોઇએ. સંત હોય તો મહિમા નામનો નહિ, એમના સદ્કાર્યોનો હોવો જોઇએ.
(શૈલેષદાસ જી. વૈષ્ણવ, અમદાવાદ)

* ભાજપ-કૉંગ્રેસ લડી મરવાને બદલે એક થઇને દેશને વધુ કામમાં ન આવે ?
- ત્યાં એક એકથી ચઢે, એવા બહુ બધા નાલાયકો બેઠા છે.... આપણને તો ઈશ્વરે ય બચાવી શકે એમ નથી !
(રૂપા ચૌહાણ, ઉંદરેલ-દશક્રોઈ)

* રૂપિયાની નોટો ઉપર વર્ષ લખવાનું કારણ શું ?
- એમ પૂછો કે મહાત્મા ગાંધીને બદલે રાહુલ ગાંધીનો ફોટો નહિ છપાવાનું કારણ શું ?
(યોગેશ કૃ. દલાલ, સુરત)

* ડાયાબીટીસ મટાડવાના તમારા લેખે દુનિયાભરના ગુજરાતીઓમાં રચનાત્મક હલચલ મચાવી દીધી છે..
- ભાવનગરના એક દીપકભાઇએ ઘઉં, કલૌંજી, જવ અને ગુંદરના ૧૦૦૦-પૅકેટ બનાવડાવી જરૂરતમંદોને વિના મૂલ્યે વહેંચ્યા છે. અમદાવાદના કેટલાક કરિયાણાવાળા ગાંધીઓ આમાંથી પૈસા બનાવવાને બદલે વિના મૂલ્યે પૅકેટો વિતરણ કરી રહ્યા છે.
(પ્રણાલિ વિક્રમ શાહ, અમદાવાદ)

* પોષાક પરથી માણસ કેવો છે, તે જાણી શકાય ?
- પોષાક સાથે જાણવો વધુ સારો.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* મારી પડોસણ કાયમ એના પતિની જ વાતો કરતી રહે છે. શું સમજવું ?
- એ બિચારીને સારો પડોસી મળ્યો ન કહેવાય !

* સૂર્યનારાયણને લાઇટનું બિલ મોકલીએ, તો કેટલું આવે ?
-રાતનું નહિ મોકલવાનું.
(બિંદુ દોશી, વડોદરા)

* તમે કઇ ચક્કીનો આટો ખાઓ છો, તે ઘમા ઢંગધડા વગરના સવાલોના જવાબો ય સ્માર્ટ આપો છો ?
- મારા જવાબો ઢંગધડા વગરના હોય છે, 'એટલે' આ કૉલમ આજ સુધી ચાલી છે !
(અકસત ઇદ્રીસભાઈ, પાલીતાણા)

* પ્રધાનમંત્રીઓના સૂત્રો : 'આરામ હૈ હરામ-પંડિતજી', 'જય જવાન, જય કિસાન'-શાસ્ત્રીજી... આ મનમોહનજીનું કોઈ સૂત્ર સમજાતું નથી !
- કામ નહિ કરવાનું સૂત્ર... 'ન-કામસૂત્ર'
(કરમી સોઢા, સુરેન્દ્રનગર)

* જુગાર રમવાના ગૂન્હા સબબ પાંડવો-કૌરવોને પોલીસે પકડી લીધા હોત, તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થાત ?
- કહે છે કે, એ પછી તમામ કૌરવો પોલીસખાતામાં જોડાઇ ગયા હતા..!
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

* તમારા લેખોમાં તમે સ્ત્રીઓની ઘણી મજાક ઉડાવો છો, તો ઘરમાં વાઈફ કે બા ખીજાતા નથી ?
- વાઇફને મજાકમાં સમજ પડતી નથી એટલે ખીજાતી નથી.
(અફરોઝબેન રમજાનભાઈ મીરાણી, મહુવા)

* સ્ત્રીનું કયું સ્વરૂપ સૌથી વધુ મહાન હોય છે ?
- એનું સ્ત્રી હોવું જ.
(ખુશ્બુ જોબનપુત્રા, જૂનાગઢ)

05/07/2013

ચિતચોર

ફિલ્મ : 'ચિતચોર' ('૭૬)
નિર્માતા : તારાચંદ બરજાત્યા (રાજશ્રી પ્રોડકશન્સ)
દિગ્દર્શક : બાસુ ચેટર્જી
ગીત-સંગીત : રવિન્દ્ર જૈન
રનિંગ ટાઈમ : ૧૨ રીલ્સ : ૧૦૪ મિનીટ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, ઝરીના વહાબ, વિજયેન્દ્ર ઘાટગે, એ. કે. હંગલ, દીના પાઠક, માસ્ટર રાજુ, પરદેસી, સી. એસ. દૂબે, શૈલ ચતુર્વેદી, પ્રકાશ મીશ્રા, રિતુ કમલ.

ગીતો :
૧. ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા મારા યેસુદાસ
૨. જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના યેસુદાસ-હેમલતા
૩. તૂ જો મેરે સૂર મેં, સૂર મિલા લે, સંગ ગા લે યેસુદાસ-હેમલતા
૪. આજ સે પહેલે આજ સે જ્યાદા ખુશી આજતક યેસુદાસ



યુ–ટ્યુબ પર જોવા માટે ક્લિક કરો:
http://www.youtube.com/watch?v=wgZ0HOQ18wQ&wide=1


મધુપુર નામના ગામડામાં હેડમાસ્તર એ. કે. હંગલ એમને વાત વાતમાં તતડાવતી પત્ની દીના પાઠક અને મોટી ઢાંઢી થવા છતાં નાના છોકરાઓ સાથે આંબલી-પિપળી ને થપ્પો રમતી દીકરી ઝરીના વહાબ સાથે ખુશીથી રહે છે. હૅડમાસ્તરનું મકાન ખાસ્સું મોટું છે ટયુશનો કર્યા વિના માસ્તરો આટલું કમાઈ શકે, એ દુવિધા વાલીઓને આ ફિલ્મ જોયા પછી થશે! છોકરીનું ક્યારે થશે, એની ચિંતામાં મા-બાપ બન્ને તગડા થતા જાય છે. દરમ્યાનમાં મુંબઈમાં રહેતી એમની મોટી દીકરી મીરા (રિતુ કમલ)નો પત્ર આવે છે, જેમાં નાની ઝરીના માટે, જર્મનીથી એન્જિનીયરની ડિગ્રી લઈને આવેલા છોકરા માટે વિચારી જોવાનું લખે છે. એ જમાનામાં મૅરેજ બ્યૂરો તો હતા નહિ, એટલે વકરો એટલો નફો (અને જે ગુમાવવાનું છે, એ સામાવાળાને ગુમાવવાનું છે...!)ના ધોરણે ત્રણે જણા રાજી થઈ જાય છે. એ છોકરો ટ્રેનમાં મધુપુર એની નોકરીના કામે આવવાનો હોય છે, એવો નિર્દેશ પત્રમાં હતો. નિયત તારીખે હંગલ સ્ટેશને પહોંચી જાય છે અને મૂરતીયા અમોલ પાલેકરને ખુશી ખુશી ઘરે લઈ આવે છે ને જમાઈબાબુની ટ્રીટમેન્ટ્સ આપવા માંડે છે. છોકરો-છોકરી પ્રેમમાં પડે છે. ત્યાં ધડાકો થાય છે. રિતુ કમલની બીજી ચિઠ્ઠી આવે છે કે, નોકરીના કારણે પેલો છોકરો (વિજયેન્દ્ર ઘાટગે) હજી હવે મધુપુર આવવા રવાના થયો છે.

હવે લોચા...! બધા લોચા...!!

ઝરીનાના મમ્મી-પાપા હોશકોશ ગૂમાવી દે છે અને છોકરીને મનાઈ ફરમાવી દે છે કે, હવે ખબરદાર જો અમોલ પાલેકર કે કોઈ બી પાલેકરને મળવા ગઈ છે તો! પણ એમ કાંઈ આજકાલ છોકરા માને, ભ'ઈ? આપણા જમાનાની વાત જુદી હતી. વિજયેન્દ્ર પણ આવતા વ્હેંત ઝરીના ઉપર મોહિત થઈ જાય છે અને આ લોકોની સંમતિ લઈને મેરેજની તારીખો ગોતવા માંડે છે. પણ સગાઈની જ ઘડીએ... ?

ધેટ્સ ફાઈન... ફિલ્મ જોવાના હો તો સગાઈની ઘડી તમે જાતે જોઈ લેજો.

યસ, આજકાલની ફિલ્મો બહુ જોતા હશો તો 'ચિતચોર'ની વાર્તા ક્યાંક જોયેલી સાંભળેલી લાગે છે ને? કરૅક્ટ. થોડા વર્ષ પહેલાં ઋત્વિક રોશન, કરિના કપૂર અને અભિષેક બચ્ચનની 'મૈં પ્રેમ કી દીવાની હું' આ જ રાજશ્રી પ્રોડક્શનવાળાઓએ બનાવ્યું હતું. મૂળ વાર્તા સાથે જ!

રાજશ્રી પ્રોડક્શન્સ તમામ ફિલ્મો ફેમિલી સાથે બેસીને જોવી મનપસંદ બનતી. આપણા દેશનું ઘશછ બતાવે છે કે, આપણે અવિભક્ત કુટુંબમાં માનીએ છીએ. આ લોકોની લગભગ તમામ ફિલ્મો ટેન્શન વગર હોય. ક્યાંય કોઈ વિલન નહિ, ફિલ્મની વાર્તામાં પ્રેક્ષકોને ટેન્શન ઊભું થાય એવી કોઈ સનસનાટી નહિ અને અફકોર્સ, સ્વચ્છ ફિલ્મો હોય. મારા-તમારા ઘરમાં બનતી ઘટનાઓ રાજશ્રીની ફિલ્મોમાં બનતી હોય. મોટો દાખલો 'હમ આપ કે હૈ કૌન?' જેમાં લગ્નપ્રસંગનું સાંગોપાંગ વાતાવરણ મૂકી દેવામાં આવ્યું હતું, બિલકુલ નિર્દોષતાથી. અને કોઈ નાના અપવાદને બાદ કરતા એમની તમામ ફિલ્મો આ જ જૉનરમાં બની છે.

રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મોની યાદી જુઓ : આરતી, દોસ્તી, તકદીર, જીવનમૃત્યુ, ઉપહાર, પિયા કા ઘર, ગીત ગાતા ચલ, ચિત્તચોર, દુલ્હન વો હી જો પિયા મન ભાયે, અખીયોં કે ઝરોખોં સે, સુનયના, શિક્ષા, સાવન કો આને દો, મૈંને પ્યાર ક્યું કિયા, હમ આપ કે હૈં કૌન, હમ સાથ સાથ હૈ અને સારાંશ... વચમાં મહેન્દ્ર સંધૂવાળું 'ઍજન્ટ વિનોદ' કેમ બનાવી દીધું, એની તો રાજશ્રીમાં ય કોઈને ખબર નહીં હોય!

અમોલ પાલેકરે ૭૦ના દાયકામાં સનસનાટી મચાવી દીધી હતી. એ તરત સ્વીકૃત થઈ ગયો, એનું કારણ ચોખ્ખું હતું. એ દાયકા સુધી આપણે જોયેલી ફિલ્મોનો હીરો (અથવા વાર્તા) ક્યાંય વાસ્તવિક નહોતા. ઈવન રાજ કપૂરનો 'રાજુ' પણ આપણા સહુ કરતા મોટો હતો. કોઈ કાળે ય આપણે કાંઈ આવારાઓ કે ચારસો-વીસો લાગીએ કાંઈ? (જવાબમાં ના પાડજો...) દેવ આનંદ સિનેમા ઉપર કાળા બજાર કરવા જાય, એ કાંઈ આપણને લગતી વાત નહોતી. દિલીપ કુમાર ફિલ્મે ફિલ્મે પ્રેમોમાં ફૅઈલ જાય, એવું કાંઈ આપણને ફાવે? (જવાબ : સહેજ બી ના ફાવે!)

અમોલ પાલેકર ફાવી ગયો, કારણ કે એ આપણને સીધો સ્પર્શતો હતો. એ કોઈ ઓફિસમાં સામાન્ય કલાર્ક હોય, અથવા નોકરી શોધે રાખતો હોય, એની પ્રેમિકાને મળવા ફફડતો હોય કે બોસને રિઝવવા ગોલમાલો કરતો હોય, જે ક્યાંકને ક્યાંક આપણે કરતા હતા...! (તમારા બધાની તો ખબર નથી, પણ હું આવું આવું નહોતો કરતો...! એટલે રૂપિયા-બુપિયા કમાયા વગર હાસ્યલેખક બનવાના દહાડા આયા...!)

અમોલ પાલેકર તો નિમિત્ત બન્યો, પણ મૂળ તો એ થીયેટરનો કલાકાર હતો. સીધો હીરો બની ગયો નહોતો. મુંબઇની બેન્ક ઓફ ઇન્ડિયામાં એ કલાર્ક હતો. મૂળ કમાલ કરનારાઓ હતા ઋષિકેશ મુકર્જી અને બાસુ ચેટર્જી, જેમણે ફિલ્મો એવી બનાવી જે મધ્યમ વર્ગને સીધી અડતી હોય. (આજે તો કોણ માનવાનું, પણ આપણા જમાનામાં યાદ હોય તો અપર સ્ટોલ્સ રૂ. ૧.૪૦ની અને બાલ્કની રૂ. ૧.૬૦ની અને ફક્ત એ ૨૦ પૈસા બધાને પરવડતા નહોતા. અપર ફૂલ થઈ જાય તો જ બાલ્કની બંધ થાય. હતું કે નહિ એવું?)

એમાં ય આ બન્ને મજેલા દિગ્દર્શકોને મળી ગયો અમોલ પાલેકર, જે બિલકુલ મારા-તમારા કલ્ચરનો માણસ હતો. એ કાંઈ ફિલ્મને અંતે એકસાથે ૧૦-૧૨ ગુન્ડાઓને ફટકારતો નહતો. પહાડ ઉપરથી છલાંગ સીધી ઘોડા ઉપર મારતો નહતો કે હીરોઈનની બાને બચાવવા કોઈ તોતિંગ ગોડાઉનમાં, દરવાજો ખુલ્લો હોય તો ય ઉપરના માળની બારીમાંથી મોટર સાયકલ લઈને ખાબકતો નહતો. એ તો ઈન્સર્ટ કર્યા વિનાના સીધા સાદા આખી બાંયના શર્ટ પહેરે, ઓફિસમાં ખુરશીને બદલે ટેબલ પર ચાની ચુસકી લેતા સ્ટાફ સાથે ક્રિકેટ મૅચની કમૅન્ટરી સાંભળે અને ભરચક રસ્તે હીરોઈનનો પીછો કરતા ગભરાય! અને છતાં આ બધી વાસ્તવલક્ષી ફિલ્મો બતાવાઈ તદ્ન હળવાશથી! એવી હળવાશ કે તમે એને કોમેડી કહીને મજા બગાડી ન નાંખો. આખી ફિલ્મમાં મંદમંદ સતત હસવું આવે રાખે અને આવું તમે ય બીજાને અનેકવાર હસાવતા હો! યાદ કરો, ઋષિકેશ મુકર્જી અને બાસુ ચેટર્જીની એ ફિલ્મો... રજનીગંધા, છોટી સી બાત, ચિતચોર, ગોલમાલ, રંગબિરંગી, નરમગરમ, ઘરૌંદા કે દામાદ.

એમાંય આ ફિલ્મ 'ચિતચોર' સાંગોપાંગ નિરાળી ફિલ્મ બની હતી. હસાવવાનો ક્યાંય આયાસ નહિ, છતાં ય તમે આખી ફિલ્મ દરમ્યાન હળવા રહી શકો. મૂળભૂત રીતે એના સર્જક બાસુ ચેટર્જી સ્વયં હ્યુમરિસ્ટ હતા. કાર્ટુનો બનાવતા, એટલે હ્યુમરનો માલ પહેલેથી મહીં પડેલો હતો. આલ્ફ્રેડ હિચકોક પોતાની તમામ ફિલ્મોમાં એકાદ-બે સેંકડ માટે માંડ ઓળખાય એવી રીતે સ્ક્રીન પર આવી જતા, એમ અહીં બાસુ પણ ફિલ્મના અંત ભાગમાં ઝરીના અમોલની સાથે ટ્રેનમાં બેસી જવા સ્ટેશને જાય છે, ત્યારે એક બારી પાસે ઊંધા ફરીને સફેદ વાળવાળા બાસુ દેખાય છે.

કાબેલ દિગ્દર્શકો બેવકૂફીભરી ભૂલો ય કરતા હોય છે ને સુધારતા ય નથી, એનો એક ઉઘાડો દાખલો 'ચિતચોર'માં જોવા મળ્યો. વિજયેન્દ્ર ઘાટગે અને ઝરીના વહાબ બજારમાંથી ચાલતા નીકળે છે, ત્યારે 'મધુ સાગર' નામના બોર્ડ પાસેથી પસાર થઈ ચૂક્યા બાદ અડધા સંવાદે પાછા ત્યાંથી જ પસાર થાય છે. ઈંગ્લિશમાં આને Goof કહે છે. ઈંગ્લિશ ફિલ્મોમાંથી આવી ગૂફ પકડી પાડવા માટે દુનિયાભરના ઈન્ટરનેટીયાઓ પાવરફૂલ છે અને જે તે ફિલ્મની સાઈટ પર એ ગૂફ મૂકાય પણ છે. આવી બીજી બેદરકારી આઉટડોર શૂટિંગમાં પણ દેખાણી છે. ઝરીના, અમોલ અને વિજયેન્દ્ર પિકનિક પર જાય છે. નોર્મલી આઉટડોર શૂટિંગમાં એકલા સૂર્યપ્રકાશથી કામ થતું નથી. ક્યારેક શૂટિંગ જોયું હોય તો ચાંદીના વરખ જેવા રીફલેક્ટ થતા મોટા ચોરસ બોર્ડથી સૂરજનો પ્રકાશ કલાકારો ઉપર પડે એવા રીફલેક્ટરો મૂકાય, જે સૂરજનો પ્રકાશ આછો કરીને કલાકારો ઉપર ફેંકે, જેથી એમના ચહેરા કે શરીર ઉપરના પડછાયા નીકળી જાય અને દૃશ્ય વિકૃત ન લાગે. અહીં કદાચ ફિલ્મ લો-બજેટની હોવાને કારણે બાસુ દાએ આવું કાંઈ ધ્યાન-બ્યાન રાખ્યું નથી, પરિણામે આ દ્રષ્યમાં ફિલ્મના પાત્રો પ્રકાશ અને પડછાયામાં સમાઈ જવાને કારણે દ્રષ્ય વિકૃત લાગે છે.

અને એથી ય મોટી તકલીફ એ જોઈને પડે છે કે, ફિલ્મનો હીરો શાસ્ત્રીય સંગીત પાછળ પાગલ છે અને વાતવાતમાં હાર્મોનિયમ લઈને બેસી જાય છે. હીરોઈનને સંગીત શીખવવા એ સૂર તો છેડે છે, પણ આખી ફિલ્મમાં એક ક્ષણ માટે પણ હાર્મોનિયમ વાગ્યું નથી.

યસ. ફિલ્મની મોટી ઉપલબ્ધી એનું દિલડોલ સંગીત અને સાત સૂરોના રાજા ડો. કે. જે. યેસુદાસના ચારે ચાર ગીતોએ જમાવટ કરી દીધી છે. આજે આટલા વર્ષો પછી ય, હેમલતા સાથેનું 'જબ દીપ જલે આના, જબ શામ ઢલે જાના...' આપણામાંથી મોટાભાગના સંગીતશોખિનોને કંઠસ્થ છે.

સંગીતકાર રવિન્દ્ર જૈન પ્રજ્ઞાચક્ષુ છે ઉમદા સંગીતકાર છે. ગાયિકા હેમલતાને 'લતા' બનાવવા એમણે અંગત અંગત અંગત રસો ઘણા ઘૂંટયા હતા.

બાય ધ વે, 'ચિતચોર' સિનેમાસ્કોપમાં બનેલી ફિલ્મ હતી. હોલીવુડમાં આવી ફિલ્મો ૫૩માં શરૂ થઈ અને ૬૭માં બંધ થઈ ગઈ. ગુરુદત્તે એની 'કાગઝ કે ફૂલ' આ પદ્ધતિના લૅન્સથી બનાવી હતી. 'સિનેમાસ્કોપ' એટલે એનામોર્ફિક લેન્સથી કેમેરાએ શૂટ કર્યું હોય. એનામોર્ફિક એટલે પરદાના ચારે ય ખૂણા પરના દ્રષ્યો કોઈપણ જગ્યાએથી મોટા લાગે. યાદ હોય તો સામાન્ય સ્ક્રીનમાં લંબ ચોરસ દ્રષ્ય દેખાય, જ્યારે સિનેમાસ્કોપમાં ચારે ય ખૂણા ઉપર નીચે ખેંચાતા દેખાશે.

ફિલ્મની હીરોઈન ઝરીના વહાબ અત્યંત તેજસ્વી એક્ટ્રેસ હતી. એક સમયે તો એ જયા ભાદુરીની સમકક્ષ જણાતી. કમનસીબે, આદિત્ય પંચોલી જેવા પ્લેબોયની છાપ ધરાવતા હીરો સાથે એણે હિંદુ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા. નીતનવી છોકરીઓનો શોખિન આદિત્ય એને મારઝૂડ કરતો, એવા સમાચાર અવારનવાર ફિલ્મી પત્રોમાં ચમકતા રહ્યા છે. એ જ ઝરીનાનો પુત્ર સૂરજ પંચોલી પેલી બદનસીબ જીયા ખાનની આત્મહત્યાના કેસમાં સંડોવાયો છે.

ઝરીના વહાબ એની કોઈ પહેલી ફિલ્મમાં આવી, એ જોઈને રાજ કપૂરે એના દેખાવની ખાસ કરીને લઘરાપણાંની આકરી ટીકા કરી હતી. એનો ઝરીનાએ પોઝિટીવ અર્થ કાઢીને સ્ક્રીન પર સુંદર દેખાવાની શરૂઆત કરી, એનો ફાયદો થયો, એનો આભાર આજ સુધી રાજ કપૂરનો માને છે.

ફિલ્મનો સેકન્ડ હીરો વિજયેન્દ્ર ઘાટગે ક્યાં ખોવાઈ ગયો એની ખબર એટલા માટે નથી કે, એક્ટિંગથી માંડીને દેખાવ-ફેખાવમાં એ કોઈ હીરો-મટીરિયલ હતો પણ નહિ. આ ફિલ્મમાં તો એ જમાનાની ફેશન પ્રમાણે એના માથે વાળનો જથ્થો જોઈને ઊંઘમાં ય બી જવાય એવું છે.

અલબત્ત, કેટલીક વાતો ધ્યાનાકર્ષક પણ બની છે. આપણે ત્યાં ટેબલ-ખુરશી કે બૂફે તો વળી હમણાં આવ્યા... મૂળભૂત રીતે તો આપણે પાટલે બેસીને જમનારા માણસો. હજી મારા જેવાઓ ઘરમાં નીચે જમીન પર બેસીને જ જમે છે. (હૉટલવાળાઓ અલાઉ ન કરે ને...?) આ ફિલ્મમાં એ પરંપરા જળવાતી દેખાઈ છે.

આ ફિલ્મ માટે લખવાનું કારણ અમદાવાદના પાર્થિવ પરીખ બન્યા. એ પણ આ ઋષિકેશ-બાસુ બ્રાન્ડની ફિલ્મોના શોખિન. આવી ફિલ્મો ન તો કમર્શિયલ કહેવાય, ન આર્ટ ફિલ્મો... શશી કપૂરના શબ્દોમાં એને સારી ફિલ્મો કહેવાય. આ કંપની સેક્રેટરીએ સામે ચાલીને મને 'ચિતચોર'ની સીડી પકડાવી દીધી, માટે લખાયું.

03/07/2013

ડાયાબીટીસ - આ હાસ્યલેખ છે

મને ૫૪૮ ડાયાબીટીસ આવ્યો ને મેં એના વિશે લેખ લખ્યો. લોકોએ હસી કાઢ્યો. જે મળ્યો એ ડોકટર હોય, એમ મને આ મહાભયાનક રોગમાં શું કરવું અને શું નહિ કરવાનું, એની લાગણીભરી કડક સૂચનાઓ આપી. તમને અમેરિકાનો વિઝા ન મળ્યો હોય ત્યારે, જે મેહસાણાથી આગળ ગયું નથી, એ ચમનીયું, ''તમને વિઝા કેમ ન મળ્યો અને હવે મળી જ જાય, એના માટે શું કરવું, એની સલાહો આપવા માંડે એમ મને ડાયાબીટીસ થયો ત્યારે, એવા વિદ્વાનો ય સલાહ આપતા હતા જે પોતાના ડાયાબીટીસના કારણે આખા શરીરે ચીમળાઇ ગયા હતા.

'બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું એ મુજથી સમજદાર હોય છે!'

એ પરમેશ્વરની કૃપા અને માં-બાપના આશીર્વાદ હશે કે, સાત દિવસ ઘઉં, જવ, ખાવાનો ગુંદર અને કલૌંજીના ઉપાયે ચમત્કારિક રીતે મારો આટલી ભારે માત્રાનો ડાયાબીટીસ સંપૂર્ણ મટાડી આપ્યો. સ્વાભાવિક છે, આટલો મોટો ચમત્કાર થયો હોય એટલે આપણને મટયો. તો બીજા લાખોને મટશે, એવું શુધ્ધ ભાવનાથી એ બુધવાર પહેલા આ સચોટ ઉપાય વિશે લેખ લખ્યો. મારા ૪૦ વર્ષના લેખનકાળમાં ટોટલ જેટલા ફોન આવ્યા, એ આ એક લેખને કારણે આવ્યા.

સ્પષ્ટ ગુજરાતી ભાષામાં કોઇ હ્યૂમર-ફ્યૂમર વગર સઘળી માહિતી એમાં લખી હતી પૂછનારાઓ, એ લખેલું જ વારંવાર પૂછતા હતા.

''ઘઉં, જવ, ખાવાનો ગુંદર અને કલૌંજી સાથે બીજું કાંઇ લેવાનું? આ બધું રોજરોજ ઉકાળવાનું કે એક જ વખત ઉકાલીને મૂકી દેવાનું? ગાળી લીધા પછી વધેલો મસાલો રાખવાનો કે ફેંકી દેવાનો? તમને ખરેખર મટી ગયો છે?''

સહેજ પણ અકળાયા વિના હરકોઇને શાંતિથી જવાબો આપ્યા. 'ગુજરાત સાચાર'ના ટૅલિફોન-ઑપરેટરો ય થાકયા વિના અવિરત જવાબો આપતા હતા.

યસ. એક સવાલ અકળાવતો હતો, ''અશોક દવે, આ લખ્યું છે એ સાચું છે કે મજાકમાં લખ્યું છે? આઇ મીન.. તમે તો હાસ્યલેખો જેવું કંઇ લખો છો ને...!''

એ ડાઉટ તો પેલો લેખ લખતી વખતે ય હતો કે, લોકો આવી ગંભીર વાતને હસવામાં કાઢી નાંખશે, એટલે એ લેખમાં ક્યાંય પમ નામની ય હળવાશ લીધા વગર ચોખ્ખું લખ્યું હતું કે, આવી જીવન-મરમ સંબંધી વાતમાં કોઇ મજાક ન કરે અને ન સમજી લે, માટે સ્પષ્ટતા કરી હતી કે, આ હાસ્યલેખ નથી.

ઓળખીતા સંબંધીનો ફોન આવ્યો. એમની તમામ વાત, સવાલો અને જવાબો હતા હસતા હેં-હેં-હેં-હેં, મારા એક સંબંધી એવું સમજ્યા કે, આ તો ગંભીર લેખ છે. દાદુ લખે તો આવું જ લકે ને? હેં-હેં-હેં-હેં...''

એક મેં સામું હેં-હેં-હેં-હેં કર્યા વગર બહુ ગંભીરતાથી જણાવ્યું, ''ભાઇ, આવી વાતમાં કોઇ મજાકો ન કરે. તમારા સંબંધીને આજથી જ આ દવા ચાલુ કરાવો.''

''હેં-હેં-હેં-હેં.... આ તમારી પાછી બીજી મજાક...!! હેં-હેં-હેં-હેં, મેં એમને કહી જ દીધું છે, આ તો હાસ્યલેખ હતો, ભ'ઇ! હેં-હેં-હેં-હેં...!!'

આ સાલા કેવા દિવસો આવ્યા હસે મારા કે, હવે લેખના મથાળે લખવું પડશે કે, આ હાસ્યલેખ છે ને આ ગંભીર!

આવા બેવકૂફોને ઝાપટવા અજીતસિંહે નવો દાવ ખેલ્યો. મારા લેખને મજાક સમજી બેઠેલા એક મિત્રએ અજીતસિંહને પૂછ્યું, ''આ અશોક દવેનો લેખ સાચો છે? સાંભળ્યું છે કે, એમને તો કોઇ ૫૪૮ જેટલો ડાયાબીટીસ આયો'તો...! ઘઉં, જવ, કલૌંજી ને ખાવાનો ગુંદર નાંખીને દવા બનાવવાની...?''

''હા, પણ આખી રાત ખાંડની ચાસણીમાં બોળી રાખ્યા પછી બે વાડકા બાસુંદી કે શીખંડ ખાધા પછી મધ સાથે આ દવા લેવાની...!''

''પણ મારે તો ૨૨૦ ડાયાબીટીસ જ છે... મારે આ બધું થોડું ઓછું નહિ લેવાનું?''

''ના, પહેલા તમારે અશોક દવે જેટલો... આઇ મીન, ૫૪૮ સુધી તો હાલનો ડાયાબીટીસ લઇ જ જવો પડે... પછી નીચો આવે! ભ'ઇ, સાધના વિના તો સિધ્ધિ નથી...!''

ઇન ફૅક્ટ, દોષ દર્દીઓનો ય નથી. વિશ્વભરમાં ડાયાબીટીસ કોઇને મટયો હોય, એવું જાણમાં તો નથી. કેટલાક તો છેલ્લા ૨૦-૨૫ વર્ષથી આ મહારોગ લઇને બેઠા છે. મને આટલા (સાત જ દિવસમાં) જડમૂળથી મટી જાય અને એક જવાબદાર અખબારમાં જવાબદાર લેખકે આવું લખ્યું હોય, એટલે નહિ માનવાનું ય કોઇ કારણ નહોતું. હકીકતમાં તો વાચકો રાજી ખૂબ થઇ ગયા હતા ને ફ્રૉમ-ધ-હૉર્સીઝ-માઉથ.... એટલે કે, સીધા ઘોડાના મોંઢે જ આ વાતની ખાત્રી કરવા ફોન ઉપર ફોન કરે જતા હતા. હું ય સમજતો હતો કે, વાચકને ય પ્રોબ્લેમ છે, માટે ફોન કરે છે ને!

તાજ્જુબી તો એ લેખ છપાયાના ૭મા ૮મા દિવસથી શરૂ થવા માંડી કે, જેમને ફાયદો થઇ ગયો, એ ખેલદિલ વાચકોએ મને ફરી પાછા ફોન કરીને આભાર માન્યા. યસ. અત્યાર સુધી અઢાર ફોન તો પૂર્ણ સફળતાના, એટલે કે દવા શરૂ કર્યા પછી ૮મા દિવસે એમનો ડાયાબીટીસ પણ નૉર્મલ આવ્યો, એના આવવા માંડયા, એટલે ખુશી તો થાય!

નિષ્ફળ દર્દીઓનો હજી સુધી તો એકે ય ફોન નથી આવ્યો, પણ ફરી એક સ્પષ્ટતા કરવાની. આ દવા મેં શોધી નથી કે હું વ્યવસાયે કે જાણકારીથી પણ કોઇ ડૉકટર - વૈદ્ય નથી. મને ફાયદો થયો, એ બીજાને પણ થાય, એ ભાવનાથી લેખ લખ્યો હતો. મને આટલો જલ્દી મટી જવાનું એક કારણ મારૂં અંગત હોઇ શકે છે કે, જગતભરના કોઇપણ રોગનો બેહતરીન ઈલાજ આનંદ જ છે. હું બારે માસ આનંદમાં રહું છું. દુશ્મનો મારા લેખો સૌ પ્રથમ વાંચે છે, એટલે અહીં ઑન-રૅકૉર્ડ કહી શકું છું કે, આજ સુધી મેં કદી ગુસ્સો કર્યો નથી. કોઇની ઇર્ષા કરી નથી, નજર સામે ઘરમાં લાખ રૂપિયાનું નુકસાન થઇ જાય તો મારા ચેહરાનો એક હાવભાવ પણ બદલાતો નથી. ટૅન્શન ક્યારે ય કર્યું નથી. મારો કે મારી કોઇ વર્સ્ટ દુશ્મન પણ કહી નહિ શકે કે, આજ સુધી હું એક પણ વખત કોઇની સામે ઊંચા અવાજે બોલ્યો હોઉં કે કોઇનું અપમાન કર્યું હોય! હું સદાય હસતો રહ્યો છું, એટલે ઉંમર ૬૨ની થવા છતાં લોકો પૂછે રાખે છે કે, તારી ઉંમર કેમ દેખાતી નથી?

ડાયાબીટીસની આ દવા અંગે મારી કોઇ વિશેષ જાણકારી કે સલાહ નથી, પણ જે મારો સબ્જૅક્ટ છે, એ વિશે હું શૅર કરીશ કે, ડાયાબીટીસ આ દવાથી મટશે કે નહિ, એ પરમેશ્વરની કૃપા જોઇશે, પણ તમે કાયમ આનંદમાં રહો ને કોઇનું બુરૂં ન ઇચ્છો તો... ડાયાબીટીસ પણ મટી શકે છે!

સિક્સર

જન્મજાત ઘનચક્કર હોય એવા પ્રેક્ષકો માટે ય કહે છે કે, એક ફિલ્મ આવી છે!

30/06/2013

ઍનકાઉન્ટર 30-06-2013

* 'અશોકનો શિલાલેખ' જૂનાગઢમાં કેમ? અમદાવાદમાં કેમ નહિ?
- એ રિસ્ક લેવાય એવું નથી. બાકીની શીલાઓ પહેલી શીલાને મચડી નાંખે એવી છે!
(જયેશ અંતાણી, ભાવનગર)

* ડિમ્પલ કાપડીયાના તમારા પ્રકરણમાં સની દેવલને ખબર પડશે તો?
- આપણે ક્યાં એનો ચાંદલો લેવો છે?
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર)

* જાન લઈને જતા વરરાજાને 'જાનવર' કહેવાય કે નહિ?
- એની 'અણવર'ને ખબર... 'અણઆવડતવાળો વર!'
(દર્શના ધવલ શાહ, વડોદરા)

* મહાન શિવભક્ત રાવણે સીતાજીને 'અશોકવાટીકા'માં બંદી બનાવ્યા પછી ઊંચી આંખ કરીને પણ જોયું નથી. અર્થ?
- બ્રાહ્મણ હોય કે વાટીકા 'અશોક'ની હોય... પરસ્ત્રી સાથે જબરદસ્તી કરે, એને માફ ન કરી શકાય!
(ડૉ. સનત જાની, ખેડબ્રહ્મા)

* યુવતીઓમાં સાડીથી હવે હાફ-પૅન્ટ...? આ બધું ક્યાં અટકશે?
- જુઓ ભ'ઈ... વિકાસના કામોમાં વિરોધો તો થવાના... પણ એથી કાંઈ પ્રગતિ અટકાવી ન શકાય!
(અરવિંદ પંડયા, ભાઈંદર-થાણા)

* દેશમાં વધી રહેલી અરાજકતાને નાથવા ફરજીયાત લશ્કરી તાલીમ જરૂરી નથી લાગતી?
- લશ્કરી તાલીમ...? ગુજરાત સિવાયની વાત કરો, ભ'ઈ!
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* દિલ્હીમાં કમળ ખીલી ઉઠશે એવું લાગે છે ખરું?
- કમળ તો કાદવમાં જ ખીલે ને?
(મુબારક તાજખાન, ભરૂચ)

* આપણો દેશ કાયમ વિકાસશીલ દેશ તરીકે જ ઓળખાશે? ...વિકસિત ક્યારે?
- દિલ કો બહેલાને કે લિયે 'ગાલિબ', યે ખયાલ અચ્છા હૈ!
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* મોરારી બાપૂ, ઓશો અને અમિતાભ બચ્ચન... ત્રણેયમાં વધુ સફળ કોણ છે?
- અફ કૉર્સ, અમિતાભ બચ્ચન.
(કાજલ પૂજારા, રાજકોટ)

* આખરે આ જગતમાંથી આપણે મેળવવાનું શું છે?
- તમારી તો ખબર ન હોય, પણ મારે હજી આ મહિનાનો પગાર મેળવવાનો બાકી છે!
(પ્રેમિલા એન. ત્રિવેદી, જામનગર)

* ખાનગી ટીવી ચેનલો સામે સરકારી દૂરદર્શનો કેમ ચાલતા નથી?
- ચાલે તો છે... કોઈ જોતું કેમ નથી, એમ પૂછો?
(સાધના નાણાવટી, જામનગર)

* સુખ લગ્ન પહેલા આવે છે કે લગ્ન પછી?
- લગ્નને સુખ સાથે શો સંબંધ?
(વિનુભાઈ ભટ્ટ, બાબરા-અમરેલી)

* પુરૂષ સ્ત્રીને તેની બુધ્ધિને બદલે દેખાવથી કેમ માપે છે?
- પુરૂષમાં પોતાનામાં જે ન હોય, તેની અપેક્ષા રાખે !
(ભરત ડી. સાંખલા, ડિસા)

* લવ મૅરેજ કર્યા પછી 'લવ' ગાયબ થઈ જાય ને ફક્ત 'મૅરેજ' જ રહે, એવું શાથી?
- આવું તો નસીબદારોને જ હોય... ઘણીઓને તો આખેઆખા વરો જ ગાયબ થઈ જતા હોય છે...!
(સંગીતા અલ્કેશ પટેલ, દુધવાડા-પાદરા)

* સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન કેમ હોય છે?
- હું તો પુરૂષ છું.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* શું આપણા દેશમાં એકેય માનવતાવાદી રાજકારણી છે જ નહિ?
- રાજકારણને માનવતા સાથે કોઈ સંબંધ...???
(ડૉ. ભાર્ગવી પરાગ પંડયા, રાજકોટ)

* શું તમે ભગવાનના માણસ છો?
- આવું હાળું... ભગવાને ય એકવાર મને પૂછતા હતા...!
(લલિતા ઓઝા, જુનાગઢ)

* રોતા રોતા હસવાનું ને હસતા હસતા રોવાનું... તમને આવો કોઈ અનુભવ?
- સૉરી... હું મનમોહનને ટીવી પર પણ જોતો નથી.
(મસઉદ એફ. લક્ષ્મીધર, મહુવા)

* રાજા, વાજા અને વાંદરા... હવે કોઇ બાકી?
- રાજાઓને આની ખબર ન હોય!
(જી.એચ. પટેલ, અંકલેશ્વર)

* અંગ્રેજી ભાષાનું પાગલપન જોયા પછી શું લાગે છે?
- મને કાંઈ લાગતું નથી, પણ આપણા તોફાની કવિ હરદ્વાર ગોસ્વામીનો શે'ર કામમાં આવે એવો છે :
'એના કરતા તો હે ઈશ્વર, દે મરવાનું,
ગુજરાતીનું ય ગુજરાતી કરવાનું?'
(પી.કે. બિપીન, વસઇ)

* ફિલ્મસ્ટારો એમની જન્મ તારીખ સાથે વર્ષ કેમ નથી લખતા?
- એને માટે સંવાદ લેખક મળતા ન હોય!
(હેમંત સરખેદી, ભાવનગર)

* પ્રભુ શ્રીરામને મૃત્યુ પછી ('રામ બોલો ભ'ઈ રામ') યાદ કરવામાં આવે છે... એ પહેલાના એકે ય શુભ પ્રસંગે કેમ નહિ?
- પ્રભુ શ્રી ગણેશજીમાં તમામ દેવો સમાવિષ્ટ થઈ જાય છે... ને કોઈપણ પ્રસંગે ગણેશજી સર્વ પ્રથમ સ્મરણમાં આવે છે.
(રાજેશ કે. ખાંદલા, સરધાર-રાજકોટ)

* ધીરજના ફળ મીઠા હોય પણ વિલંબના ફળ કેમ ખાટાં હોય?
- વિલંબની ચિંતા સ્ત્રીને વધુ હોય, માટે એને ખાટું ખાવાના મનો થાય છે!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* ગરીબી દૂર કરવા ગરીબોએ ઉત્પાદક ન બનવું જોઈએ?
- એ લોકો ઢેર સારા બાળકો ઉત્પાદન કરીને ગરીબ રહે છે!
(પલક નાણાવટી, ઓખા)

* સ્વર્ગમાં ભગવાન હોય તો નર્કમાં કોણ હોય?
- ગયા પછી મને જણાવો.
(વિનોદ જી. પરમાર, અંકલેશ્વર)

* 'નો લાઈફ વિધાઉટ વાઈફ' કેટલે અંશે સાચું?
- હું વિધાઉટવાળો નથી.
(બિપીન આર. સંઘવી, આણંદ)

28/06/2013

કલ્પના ('૬૦)

ફિલ્મ : કલ્પના ('૬૦)
નિર્માતા : અશોકકુમાર
દિગ્દર્શક : રાખન
સંગીતકાર : ઓ. પી. નૈયર
ગીતકારો : (કોષ્ટક મુજબ)
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ
થીયેટર : ? - (અમદાવાદ)
કલાકારો : અશોકકુમાર, પદ્મિની, રાગિણી, અચલા સચદેવ, બાલમ, સુંદર, પાછી, સરિતા, દેવી, કેશવ રાણા.



ગીતો
૧. ઓ જી સાવન મેં હૂં બેકરાર, સજનવા સે કહે દીજો ... આશા ભોંસલે
૨. ફિર ભી હૈ દિલ બેકરાર, જાયે કહાં મેરી નજર... આશા ભોંસલે
૩. હમ કો સમઝ ન લિજીયે ડાલી ગુલાબ કી... આશા ભોંસલે
૪. અસ્સલામ આલેયકૂમ બાબુ કહો કૈસા હાલ હૈ ?... આશા, સુધા મલ્હોત્રા
૫. એક રંગિન પહેલી હૂં, ખિડકી પે આઉંગી... આશા-રફી
૬. પ્યારા પ્યારા હૈ સમા, સૈયા જાતે હો કહાં... આશા-રફી
૭. નમસ્કાર મહાદેવ કો... તૂ હૈ મેરા પ્રેમદેવતા... રફી-મન્ના ડે
૮. ચલે આઓ ખરીદારો કે હમ ઉલ્ફત લૂટાતે હૈં... આશા ભોંસલે
૯. આના આના અટરીયા પે આના, દેખ લે ચાહે સારા... આશા ભોંસલે
૧૦. બેકસી હદ સે જો ગૂઝર જાયેં, કોઈ અય દિલ જીયે કે... આશા ભોંસલે
ગીત નં. ૧ હસરત જયપુરી, ૨,૫,૭,૮ : કમર જલાલાબાદી, ૩,૪,૬,૯ : રાજા મેંહદી અલીખાન ૧૦ : જાં નિસાર અખ્તર

અશોકકુમાર (અમર) વિધૂર છે ને એની માં (સરિતાદેવી) વિધવા છે. આ ખાનદાનમાં એક વાર વિધવા કે વિધૂર થવાની હોબી કે પરંપરા સદીઓથી ચાલી આવે છે એટલે નવા ઓર્ડરો ઉપર પણ પૂરતું ધ્યાન આપવા માટે એક દીકરી (બેબી ફરીદા)વાળો પિતા અમરબાબુ, બીજી (પદ્મિની)ને ત્રીજી (રાગિણી) નામની યુવાન સ્ત્રીઓ પાસે અરજીઓ મંગાવે છે. અરજી વિધવા બનાવવાની નહિ, લગ્ન માટે કરવાની સૂચના અપાઈ હોય છે, પણ રાગુડી બહુ હુંશીયારી મારતી હતી એટલે અમરબાબુએ એને 'છુટા નથી, આગળ જાઓ' કહીને જે શી ક્રસ્ણ કરી દીધું. આમાં પદ્મિની (ફિલ્મમાં નામ 'કલ્પના') ભરાઈ ગઈ. મૂળ તો એ કોઠાની તવાયફ હતી અને અમરબાબુને ખબર પડી જાય તો વહેલા વિધવા થવું પડે, એટલે 'મૈં કહેના ચાહતી થી... પર તુમને કહેને ન દિયા...'ના દરેક ફિલ્મોમાં આવતા રાબેતા મુજબના બહાના હેઠળ અમરબાબુને ઉલ્લુ બનાવતી રહે છે. સારા ઘરની... આઈ મીન, સારા કોઠાની તવાયફોને આવું શોભે, ભાઈ? આમ તો છાનુંછપનું બધું સમુસુતરું પાર ઉતરી જાત, પણ પદ્મિનીની માં (અચલા સચદેવ) એક જમાનાના રાજઘરાણાની તવાયફ હતી, એ ઠાકૂર સા'બ (એસ.નઝીર) અચાનક આવીને બધો ભાંડો ફોડી નાંખે છે, એમાં બેનનું પિલ્લું વળી જાય છે ને અમરબાબુ વીલે મોંઢેં પાછા વળી જાય છે, પણ પદ્મિનીના રૂપને એ ભૂલી શકતા નથી ને ધોયેલે મૂળે પાછા આવે છે, ત્યારે પદ્મિની ના પાડે છે. એક્ચ્યુઅલી, પદ્મિનીએ અમરબાબુની માં સાથે ગોઠવણ કરેલી હોય છે કે, અમરબાબુ મને નફરત કરે એવી યોજના તરતી મૂકું છું ને કોઠે પાછી જઉં છું. કારણ એટલું કે, આગલા લગ્નથી અમરબાબુને જે પુત્રી હતી. તે મોટી થાય તો લોકો એને તવાયફની દીકરી માનીને બદનામ કરી નાંખે, એટલે આ કલ્પનાડી જુઠ્ઠું બોલીને અમરને મામો બનાવે છે.

અમરબાબુ ય ઓછો નથી, માં પોતાને મધ્યમવર્ગનો કહેવડાવે છે ને આમ પાછો આખી ફિલ્મમાં શૂટ પહેર્યા સિવાય ફરતો નથી. ઘરના બાથરૂમમાંથી બહાર પણ શૂટ પહેરીને નીકળે છે, બોલો...! ને તો ય એની બા ખીજાતી નથી!

આ મિડલકલાસ અમરબાબુ કાશ્મિરથી ટ્રેનમાં ફર્સ્ટ કલાસમાં પાછો મુંબઈ આવે છે. ત્યાં પોતે પેન્ટર હોવાનો દાવો કરી અજાણી યુવતી કલ્પનાના પ્રેમમાં પડતો આવે છે. ટ્રેનમાં રાગિણી મળી જાય છે, તો એની સાથે એવી સ્માર્ટનેસ બતાવે છે કે પેલી એના પ્રેમમાં પડી જાય... ને પેલી પડે ય છે. આજકાલ કોઈનો ભરોસો કરવા જેવો છે, ભ'ઈ?

એક બાજુ કલ્પનાને ફિક્સ ડીપોઝિટમાં મૂકી રાખી છે ને બીજી બાજુ મુંબઈ આવીને કરન્ટ અકાઉન્ટમાં પેલી રાગુને પોતાની ભારત કલા કેન્દ્રમાં ડાન્સ ડાયરેક્ટર તરીકે કેવળ નોકરી જ નથી આપતો. ઘેર લઈ આવીને દીકરી અને બા સાથે ઓળખાણો ય કરાવે છે, એમાં પેલી બન્ને માની જાય છે કે, પચ્ચાસ વરસનો કાકો છેવટે આને તો પરણશે જ! પણ કલ્પના પાછી આવી જાય છે એટલે મોબાઈલના નેટવર્કની જેમ અમરબાબુ કન્યા બદલી નાંખે છે... ને રાગુડીને કહી દે છે, 'ઈસ તરફ કી સભી લાઈનેં વ્યસ્ત હૈ!' તારી ભલી થાય ચમના... 'એક માસુમ કે દિલ સે ખેલને કા તુમ્હેં ક્યા હક્ક થા...?' (એક નહિ... સોરી... દો દો માસુમો...!)

ને તો ય અમરબાબુ ધંધાદારી પ્રિન્સિપાલ તરીકે સારો બિઝનેસ કરી લે છે અને પદ્મિની-રાગિણી બન્ને પાસે એ ડાન્સ કરાવે છે, 'તૂ હૈ મેરા પ્રેમદેવતા, અંતરઘટ તક પ્યાસી હૂં મૈં...'

વાચકો, મેં કોશિષ પૂરી કરી છે કે, ઉપરની વાર્તા સમજતા તમે ગોથાં ખાધે રાખો, કારણ કે ફિલ્મ જોતા જોતા મેં બહુ ખાધા છે ને હું એકલો શું કામ મરું?

હમણાં ધર્મેન્દ્ર અને તેના નિષ્ફળ બેટાઓની ફિલ્મ 'યમલા પગલા દીવાના' આવી છે અને એ ય પાર્ટ-૨. કહે છે કે, તમે કોઈની હત્યા કરવા માંગતા હો ને કરી લીધા પછી જેલમાં જવું ન હોય છતાં તમારો દુશ્મન ઠેકાણે પડી જાય, એવું કરવું હોય તો તમારા ખર્ચે પેલાને બે ટિકીટ 'યમલા પગલા દીવાના'ની ગિફટ તરીકે મોકલી આપો. આખી ફિલ્મ જોયા પછી એ કદાચ ૨૬-મા માળેથી ભૂસકો મારશે અને ઈન્ટરવલમાં બહાર નીકળી ગયો તો ૧૩મા માળેથી ભૂસકો મારશે.

આવી જ દુશ્મનાવટ હે વાચકો, તમે અત્યારે પતાવી શકો છો. તમારે કોઈની ઓખાત બગાડી નાંખવી હોય તો કાં તો એને તમારા ખર્ચે અશોકકુમારની આ ફિલ્મ 'કલ્પના'ની ડીવીડી મોકલી આપો ને કાં તો અશોક દવે લિખિત 'બુધવાની બપોરે', 'એનકાઊન્ટર' અથવા આજની આ કોલમ 'ફિલ્મ ઈન્ડિયા, વાંચવા મજબુર કરો... સાલા પાની ભી નહિ માંગેગા...!'

તો શું 'કલ્પના' એટલી બધી ખરાબ છે? આજના છોકરડાઓમાં એક નવી ફેશન શરૂ થઈ છે. આજની કોઈ ફિલ્મ જોયા પછી આપણે પૂછીએ, 'કેવી લાગી?' એટલે જવાબ મળે, 'એક વાર જોવાય એવી ખરી, હો!'

તારી ભલી થાય ચમના... તો શું બાકીની ફિલ્મો બસ્સો-બસ્સો વાર જોવાય એવી હોય છે?

પણ 'કલ્પના' એટલી બધી ખરાબ ન હોવાનું આખુડું કારણ એનું બેનમૂન સંગીત છે. ઓ પી નૈયરનો રથ સંગીતની રણભૂમિ ઉપર આવે, એટલે ફાસફૂસીયા જ નહિ, સંગીતના નાનામોટા અનેક રાજા-મહારાજાઓ બાજુ પર ખસીને રસ્તો કરી આપે. ગીતો બધા મુહમ્મદ રફી અને આશા ભોંસલેના હોય, એટલે અમથું ય મારા જેવા રફી પ્રેમીઓના તો દસે ય દરવાજે દીવા હોય! શક્ય છે, સંગીતમાં ઓછા ડૂબેલાઓએ 'કલ્પના'ના બધા ગીતો ન સાંભળ્યા હોય. તમામ ગીતો આઉટરાઈટ સારા છે પણ નહિ, પણ આશા ભોંસલેનું 'બેક્સી હદ સે જો ગૂઝર જાયેં, કોઈ અય દિલ જીયે કે મર જાયેં...' ખૂબ કસરતો કરી કરાવીને ગવાયેલું ગીત છે. યાદ તો છે ને પંડિત રામનારાયણની મીઠડી સારંગી? ધૂન તો રાગ દેસ પર આધારિત છે પણ, આ ગીતનું મુખડું સાંભળીએ તો રાગ તિલક કામોદ લાગે... (યાદ કરો, લતાના 'પ્રેમપરબત'ના 'યે નીર કહાં સે બરસે હૈ યે બદરી કહાં સે આઈ હૈ...' અને મુકેશનું પંડિત રવિશંકરની ફિલ્મ 'ગોદાન'નું 'હિયા જરત રહત દિનરૈન, હો રામા જરત રહત દિનરૈન...' (બન્ને તિલક કામોદ) એ જ આશાનું 'ફિર ભી હૈ દિલ બેકરાર...' ઝૂમી ઉઠાવે એવું લહેરાતું ગીત છે, પણ તમને ને મને હજી બીજા બસ્સો વર્ષ યાદ રહી જાય એવું દાદા મન્ના ડે અને રફી સાહેબનું રાગ લલિત ઉપર આધારિત 'તુ હૈ મેરા પ્રેમદેવતા...' કાનની મેહફીલસમું છે. બન્ને સંગીતકારોની ખેલદિલી જુઓ. ઓ પી નૈયરે આ ગીત મદન મોહનની ફિલ્મ 'ચાચા ઝીંદાબાદ'ના રાગ લલિત પર જ આધારિત 'પ્રીતમ દરસ દિખાઓ...'ની અસર ઓપીના પ્રેમદેવતા પર હતી, તો તરત મદન મોહનને ફોન કરીને પરમિશન માંગી લીધી અને મદને આપી ય ખરી. તો વળતા હૂમલા તરીકે મદને ય ફિલ્મ 'દુલ્હન એક રાત કી'ના રફીએ ગાયેલા 'એક હંસિ શામ કો...'માં ટિપીકલ ઓપીની પેટર્ન માટે પરમિશન માંગી.

વચમાં અપ્રસ્તુત છતાં એક કિસ્સો વાંચવા જેવો છે. સંગીતકાર સજ્જાદ હુસેન ભાગ્યે જ કશું ભણેલો હતો, છતાં એની વાતો, એના કટાક્ષો અને જીવન પ્રત્યેની સમજ સાહિત્યિક હતી. લતા મંગેશકરને હિંદી ફિલ્મોની એકમાત્ર સર્વોત્તમ ગાયિકા ગણાવતા સજ્જાદે કહ્યું હતું, ‘Lata sang and others made miserable efforts.' એ જ સજ્જાદને ખબર પડી કે એના મેગ્નમ ઓપસ ગીત 'યે હવા યે રાત યે ચાંદની, તેરી અદા પે નિસાર હૈ...' (તલત મેહમુદ : ફિલ્મ સંગદિલ)ને રાગ દરબારીમાં બનાવ્યું, એની સામે મદનમોહને આ જ રાગ પર ફિલ્મ 'આખરી દાવ'માં મુહમ્મદ રફી પાસે 'તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા, તેરે સામને મેરા હાલ હૈ...' બનાવ્યું, એમાં સજ્જાદને નકલ લાગી. મુંબઈના કોઈ સ્ટેજ પ્રોગ્રામમાં મદન મોહન સ્ટેજ પરથી બકસ્ટેજમાં જતી વખતે સજ્જાદ પાસેથી પસાર થયા, ત્યારે છાતીવઢ ઘા સજ્જાદે માર્યો, 'ક્યા બ્બાત હૈ... આજકાલ પરછાઈયાં ભી ચલને લગી હૈ...?'

જવાબમાં નમ્ર મદન મોહને મારેલી સામી સિક્સર પણ સ્ટેડિયમ કૂદાવીને સીધી બહાર ગઈ. મદને સજ્જાદને સામું પૂછ્યું, 'સજ્જાદ સા'બ, ફિલ્મ ઈન્ડસ્ટ્રી મેં આપ કે સિવા કોઈ ઓર ભી સંગીતકાર હૈ, જીસકી મૈં નકલ ભી કરું...?'

નકલ કરવામાં સ્વયં દાદામોની પણ પાછા પડયા હતા. એ ઍક્ટર હતા ત્યાં સુધી બરોબર હતું... સર્જક થવા ગયા, એમાં માર ખાઈ ગયા. આ અને આવી બીજી ત્રણ ચાર ફિલ્મો (ફિલ્મ 'રાગિણી' પણ ખરી) એમણે પોતે બનાવી. સાલી એક ફિલ્મમાં ઠેકાણું નહિ. આટલો મોટો અક્ટર જ્યારે પોતે ફિલ્મ બનાવે, ત્યારે કંઈક નવું તો જાવા દિયો, કાંઈક ઉત્તમ તો આપે ને? મૂલ્ય અહીં રાજ કપૂરનું માનવું પડે કે, અક્ટર તરીકે તો એ ગ્રેટ હતો જ, પણ સર્જક તરીકે એણે એક પછી એક કેવી ઊંચા ગજાંની ફિલ્મો બનાવી? દિલીપ કુમાર સર્જક બનવાની દિશામાં ગયો જ નહિ અને દેવ આનંદના માથે નાના ભાઈ વિજય આનંદનો હાથ હતો, ત્યાં સુધી સઘળું સર્વોત્તમ હતું, પણ ભાઈ જ્યાં પોતે દિગ્દર્શક બનવા ગયા, ત્યાં માની ન શકાય એટલી ખરાબ ફિલ્મો બનાવી.

યસ, 'કલ્પના'માં એ જમાનાના પ્રેક્ષકો એ વાતે ધૂમધામ ખુશ હશે કે, અશોકકુમારે કાશ્મિરના મનોહર દ્રષ્યો ઝડપ્યા છે. 'બકસમ' શબ્દનો અર્થ અહીં લખાય એવો નથી, પણ પદ્મિની 'બક્સમ' બ્યુટી કહેવાતી. એ જ તો કારણે રાજ કપૂરે તાબડતોબ લપેટી લીધી. રાજ સમય વેડફવાનો સખ્ત વિરોધી હતો. આમે ય, સાઉથની હીરોઈનો 'બક્સમ' બ્યુટી તો હોય જ, એટલે નવા અરજીપત્રકો સ્વીકારવાનો સમય થયો, એટલે પદ્મિનીને VRS આપીને રાજે વૈજ્યંતિમાલાને હંગામી ધોરણે રાખી લીધી. પદ્મિનીએ રાજને છોડયા પછી કોઈ ૪-૫ ફિલ્મોમાં કામ કર્યું પણ કાંઈ જામ્યું નહિ. એટલે અમેરિકા સ્થિર થવાનું નક્કી કર્યું, પણ રાજ કપૂર પાછો આવ્યો... જૂની યાદો તરોતાઝા કરવા અને એની આત્મકથાત્મક ડ્રીમ ફિલ્મ 'મેરા નામ જોકર'માં એને ફરી બોલાવી... ઉપયોગ તો પેલો બક્સમ બ્યુટીનો જ થયો! એ પછી પદ્મિની કાયમ માટે અમેરિકા જતી રહી. દરમ્યાનમાં આ ફિલ્મની સેકન્ડ હીરોઈન અને તેની સગી બેન રાગિણી ગૂજરી ગઈ. રાગિણીએ શશી કપૂર સાથે 'યે દિલ કિસ કો દું?'માં કામ કર્યું હતું. પદ્મિની પણ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ ગૂજરી ગઈ. એ ૧૨ જૂન, ૧૯૩૨માં જન્મી હતી.

એમની ત્રીજી પણ એક બહેન હતી, લલિતા. ત્રણે ય બહેનોએ શાસ્ત્રીય નૃત્યોના જગતમાં 'ત્રાવણકોર સિસ્ટર્સ'ને નામે આખા દેશમાં ધૂમ મચાવી હતી.

26/06/2013

હું ચીફ ગૅસ્ટ બન્યો

'અસોક ભ'ઇ બોલો છો ?'

મને જુઠઠું બોલવાની હૉબી નહિ અને રવિવારે હું જુઠ્ઠું બોલતો નથી, એટલે મેં હા પાડી. ફોન પર એમનો ચહેરો દેખાય નહિ, એટલે પૉસિબલ છે, મેં ભયના માર્યા હા પાડી હોય !

'જુઓ, એક કામ કરો. આ રવિવારે અમારી જ્ઞાતિનું ફંક્સન છે. તમારે ચીફ ગૅસ્ટ બનવાનું છે. તમતારે રીક્સા-બીક્સામાં આઇ જજો. ભાડું પકડાઈ દઇસું.'

મેં ફોન મૂકી દીધો, એટલે સાંજે એ તો ઘેર આવ્યા. એમની સાથે એક બીજો માણસ પણ હતો.

હું કેદારનાથની તાજી તબાહીમાંથી બચીને આવેલો યાત્રાળુ હોઉં, એવી દયાથી મારા ઘરમાં એમણે જોયું. એમની મૂળ અપેક્ષા રેલ્વેનું ગોડાઉન જોવાની હોય ને જોવા મારૂં ઘર મળ્યું હોય, એવા આશ્ચર્યથી પૂછી ય લીધું,

'અહીં રહો છો ?'

'ના. અહીં તો અમે ઘરઘર રમીએ છીએ. અમે તો બહાર કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ ઉપર રહીએ છીએ.' એવું કહેવાનો જોસ્સો તો ચઢ્યો પણ આવી તકલાદી હ્યૂમર આની પાછળ ક્યાં વેડફી નાંખવી, એ હિસાબે હૂં ચૂપ રહ્યો. હું ગુજરાતી હોવાથી મને હજી કોઇનું ગળું દબાવતા આવડતું નથી. મૂળભૂત રીતે, કોઇએ શીખવાડેલું પણ નહિ, એટલે ગળું દબાવવા જઉં, તો પેલાને ગલીપચી થઇ જાય, તો એને તો સાલાને ગમ્મત પડે ને આપણો જીવ જાય... પણ એ બંનેને જોઇને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને ય બંનેના ગળાં દબાવી નાંખવાનું જોમ ઉપડે, એવા લાગતા હતા.

'ત....તમે જ અસોકભ'ઇ ને ? આપણે સવારે વાત થઇ'તી ને ફોન પર... એ હું સુરેસ... સુરેસ સાહ... ચા-બા મૂકો...'

હજી હું કાંઇ રીઍક્ટ થઉં, એ પહેલા એ મારો જન્મજન્માંતરનો દોસ્ત હોય એમ એની સાથે આવેલાને મારો પરીચય આપવા માંડયો, 'આ..પેલા છાપામાં કૉમેડી જેવું લખે છે ને... જૉક્સ ને એવું બધું... બધાને હસાય હસાય કરે છે, એ જોકર આ જ... અસોક દવે, યાર ! બહુ મસ્ત કૉમેડીયન છે... મારી વાઈફ તો એમનું બહુ વાંચે છે..'

અત્યાર સુધી તો આ એકલો જ ડોબો લાગતો હતો... પણ એની વાઇફમાં થોડી બુધ્ધિ-ફૂધ્ધિ હશે, એવો અણસારો મળ્યો.

એ વાત જુદી છે કે, મારી પોતાની વાઇફ મારા લેખો કદી વાંચતી નથી.

આ સુરેશ શાહ ભર બપોરે હાઇ-વે પરના કોઇ ઝાડ નીચે પાણીનું કાળું માટલું મૂક્યું હોય, એવો બેઠી દડીનો માણસ હતો. એના ચેહરા ઉપર કોઇ સપાટ પ્રદેશ દેખાતો નહતો. કપાળ સપાટ હોવું જોઇતું હતું, પણ ત્યાં ઇસ્ત્રી-બિસ્ત્રી ફેરવીને સપાટ કરવાને બદલે એણે કોઇ ૩-૪ જાતના ચાંદલા કર્યા હતા. ગાલ તો માણસને બાય ડીફૉલ્ટ, સપાટ મળ્યા હોય, પણ આના ગાલના ખાડામાં ઝીણકી ઝીણકી બે આખી સોપારીઓ ગોઠવી શકાય એમ હતું. ઈશ્વરની મૂળભૂત ડીઝાઇન પ્રમાણે એની દાઢી આપણા જેવી જ ઊગી હશે, પણ જન્મ્યો ત્યારે એની ફોઇઓ, માસીઓ, મામીઓ કે મમ્મીઓએ (સૉરી...મમ્મીએ) દાઢીનું ચોપકું ખેંચી ખેંચીને એવું લાંબુ કરી નાંખ્યું હશે, કે આજે તમે જુઓ તો, સહજ ભાવે સૌંદર્ય ઊઘડયું હોય ને થેલાના કાણામાંથી બટાકું આવતું હોય, એવી એની દાઢી આખા ચહેરાને લીડ કરતી હતી. બોલતી વખતે સુરીયો ખભાનો એક ઝટકો મારીને વાત શરૂ કરતો હતો.

'અસોક દવે....ઍક્ઝેટ ૪ વાગે હૉલ પર પહોંચી જજો. અમારૂં ઑડિયન્સ સાડા પાંચ સુધીમાં આઇ જસે.'

જેમ મને ગળું દબાવવા ઉપર હજી હાથ બેઠો નથી, એમ કોઇના માથે સ્ટીલનો ગ્લાસ પછાડવાનો ય બહોળો અનુભવ નથી. વાઈફ બબ્બે ગ્લાસ લઇને આવી હતી ને મારૂં મનડું ઉપડયું ય હતું કે, સાલાઓના માથે બંને ગ્લાસ પછાડું, પણ સૃષ્ટીનો નિયમ છે કે, બહાદુરો વિચારકો હોતા નથી ને વિચારકો બહાદુર હોતા નથી. હું તો બેંમાંથી એકે ય કૅટેગરીમાં આવતો નથી, એટલે ગ્લાસ પછાડવાનો પ્રોજૅક્ટ માંડી વાળવો પડયો.

અમથું ય જાણ કર્યા કે પરવાનગી લીધા વિના કોઇ સીધું ઘરે જમા થઇ જાય, એ તો પોસાય નહિ ને ? અને આમે ય, બનાવવો હતો મને ચીફ ગૅસ્ટ, પણ એમનામાં કોઇ ડીસન્સી જેવું હયાત નહોતું, એટલે મેં ગુસ્સીલા મોંઢે કીધું, 'જુઓ ભાઇ, હું ક્યાંય ભાષણ આપવા જતો નથી. ચીફ ગૅસ્ટ બનવાનો તો સવાલ જ નથી. આવજો.'

દરમ્યાનમાં બહાર નીકળેલી દાઢીએ મને નજીકથી ઓળખતા ૩-૪ સંબંધીઓના પત્રો ભલામણ પત્રો આપ્યા, જેમાં રીક્વૅસ્ટ કરવામાં આવી હતી કે, અમારા ખાતર પણ તમે આ આમંત્રણ સ્વીકારશોજી. નામો એવા હતા કે, ના પાડી શકાય એમ હતું નહિ, એટલે મેં ગુસ્સો ગળી જઇને કહ્યું, 'આવીશ તો ખરો.... પણ પુરસ્કાર રૂ. ૧૫,૦૦૦/- ફાવશે ?'

'એટલો બધો નંઇ આલો તો ચાલશે... એં...તમે તારે ૮-૧૦ હજાર આલજો ને...આમ તો અમે કોઇના લેતા નથી, પણ તમે મોટા માણસ છો, એટલે તમારી પાસેથી ૮-૧૦ હજાર લઇસું, મારા ભ'ઇ...વાત પતી ગઇ !'
'આ ૧૫-હજાર મારે તમને આપવાના નથી...તમારે મને આપવાના છે !'

'સેના...?' એટલું બોલીને બાજુમાં ઊભેલી પાર્ટી સામે ચીડથી જોઇને બોલ્યા, 'અલ્યા ભ'ઇ, એક તો તમને ચીફ ગૅસ્ટ તરીકે બોલાઇએ છે....તમારા ગરામાં ફૂલોની મારા પહેરાઈએ છે....પછી અમારે સેના પૈસા આલવાના ?'

ઘરમાં કૂતરો પાળવાનો અહીં ફાયદો થયો હોત...આ લલવાઓની પાછ્ળ છોડી તો મૂકત...! પણ વાઈફને મારાથી એટલું બધું ફાવી ગયું છે કે, કૂતરો પાળવા જ ન દીધો, એના આવા પરિણામ ભોગવવા પડે છે !

એમને કાઢી તો મૂક્યા, પણ ફંકશનમાં જવું ય પડયું...પેલા સંબંધીઓના આગ્રહોને કારણે !

ત્યાં તો આ બંને લલ્લુઓ સિવાય કોઇ મને જોયે ઓળખતું નહોતું, એટલે પહોંચ્યો ત્યારે ચીફ ગૅસ્ટનું સ્વાગત-ફાગત તો દૂરની વાત છે, એમની જ્ઞાતિના પ્રમુખે હું મંડપવાળો હોઉં, એમ આદેશ આપ્યો, 'અલ્યા...કોનું કામ છે ?'

મેં જીભ કચરેલી રાખીને કીધું, 'આજના સમારંભનો હું ચીફ ગૅસ્ટ છું...'

'અરે મહેશ....આ કોઇ ચોથા ચીફ ગૅસ્ટ આયા છે...' એટલું કહીને પ્રમુખશ્રી હું સાંભળી શકું એમ બબડયા : 'હાળું ઑડિયન્સ આટલું આવવાનું નથી ને ચીફ ગૅસ્ટો ચચ્ચાર ભેગા થઇ ગયા....!' પછી ડાયરૅક્ટ મને કીધું, 'જો ભ'ઇ...જે કોઇ તમારું નામ હોય. અહીં ખુરશી પર બેસો. પ્રોગ્રામ શરૂ થયે તમને બોલાઇશું ! ઑડિયન્સ તો કલાકેકમાં આઇ જશે.'

'ઑડિયન્સમાં કોણ છે ?'

'અરે ખાસ કોઇ નહિ.... આ તો અમારી જ્ઞાતિના મંદબુધ્ધિના બાળકો માટે કૉમેડી શો જેવું રાખ્યું છે...કોઇકે વળી કીધું કે, પેલો અશોક દવે છે....એ બહુ હસાવશે....એ જેવું લખે છે, એવું જ ઑડીયન્સ છે, એટલે છોકરાઓ ખુશ થશે.. અને હા ભ'ઇ...તમારૂં નામ શું ?'

સિક્સર

- એક સારા સમાચાર : હવે નૅશનલ જ્યૉગ્રાફિકે પણ ક્રોકોડાઇલ (ક્રૉક્સ) કે ઍલીગૅટર્સને ભારતના 'મગર'નું ઑફિશીયલ નામ આપી દીધું છે. એ લોકો ઇંગ્લિશમાં ય ક્રોક કે ક્રોકોડાઇલને બદલે 'મગર' બોલે છે.

- ઓહ ન્નો...! ગુજ્જુ મમ્માઓ અને ઇંગ્લિશ ટીચરો મુશ્કેલીમાં... 'મગર'નું ઇંગ્લિશ કરવું પડશે !

23/06/2013

ઍનકાઉન્ટર 23-06-2013

તમારી પડોસણો તમને પત્રથી સવાલ પૂછે છે કે રૂબરૂનો આગ્રહ રાખે છે ?
- બેમાંથી એકે ય નહિ...! એ લોકોનો ટેસ્ટ તો ઊંચો છે...!!
(દિલીપ ધંધૂકીયા, અમદાવાદ)

શું કૅટરિના કૈફે સલમાનખાનને ભાઈ બનાવ્યો છે ?
- આમાં આપણું નામ ના આવવું જોઈએ, બસ !
(તાહા કુશલગઢવાલા, દાહોદ)

ભારતની વસ્તી ચીન કરતા વધી જશે તો કેવા હાલ થશે,એ કદી વિચાર્યું છે ?
- મારે મારા પૂરતું વિચારવાનું હતું, તે વિચારી લીધું છે, હવે નવા વિચારો કરતો નથી. સરકારી-સૅટ મુજબ મારે બે જ સંતાનોનો મારો છે.
(યશ ડી. શાહ, અમદાવાદ)

તમે લેખક શોખથી બન્યા કે પાપી પેટ માટે ?
- બીજે ક્યાંય બુદ્ધિ ચાલે એમ નહોતી ને આમાં બુદ્ધિની જરૂર પડે એવું નહોતું!
(મણીબેન પટેલ, ઊંટડી, વલસાડ)

શું આજની મોંઘવારી મધ્યમવર્ગને ખલાસ કરી નાંખશે ?
- કાલે ખબર પડે !
(ધવલ સી. માંડલીયા, અમદાવાદ)

આજે લોકો એકબીજાને સ્વાર્થ વગર બોલાવતા નથી ?
- તમે બોલાવો છો ?
(દિપીકા ચક્રવર્તી, અમદાવાદ)

આજે સ્વબચાવ માટે પિસ્તોલ જોઈતી હોય તો ય એ લોકો સત્તર ધક્કા કેમ ખવડાવે છે ?
- સ્ત્રી છો... પિસ્તોલની શી જરૂર ? જીભ વાપરો... પહેલે ધક્કે એ બધા લાંબા થઈ જશે !
(મીરા કે. સોઢા, સુરેન્દ્રનગર)

રોમિયો તો ઐતિહાસિક પાત્ર હતું, છતાં પોલીસખાતામાં 'અન્ટી રોમિયો સ્કવૉડ કેમ ?'
- આપણી પોલીસ પણ ઐતિહાસિક પાત્ર છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

અગાઉ સ્ત્રીને પગની જૂતી સમજવામાં આવતી હતી.. આજે ?
- માં જગદંબા !
(પૂજા ભાટીયા, વિંછીયા-જસદણ)

ડૉ. મનમોહનને બોલતા કરવાનો કોઈ ઉપાય ?
- સંભળાતું થશે પછી બોલતાય થશે !
(ઓ. વી. સાગર, રાજકોટ)

તમને ગમતું પ્રિય પુસ્તક ક્યું ?
- અશોક દવે લિખિત, જૂનાં ફિલ્મી હીરો-હીરોઈનોની ઓળખ પરેડ કરાવતું, 'હીરો-હીરોઈન'...
(પાર્થ આહ્યા, ગોંડલ)

સિંહ જેવા બાલ ઠાકરે જેવો બીજો એકે ય નેતા આ દેશમાં દેખાતો નથી..!
- હિંદુ હોવાનું ગર્વ એક માત્ર ઠાકરે જાહેરમાં વ્યક્ત કરી શકતા.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

''હું અશોક દવે' ભારતનો વડાપ્રધાન હોઉં તો દેશમાંથી મોંઘવારી અને ભ્રષ્ટાચાર દૂર કરીશ.'' આ જવાબનો સવાલ શું હોઈ શકે ?
- જવાબ મળી ગયા પછી સવાલ પૂછવાની જરૂરત ક્યાં રહે છે ?
(પ્રદ્યુમ્ન સી. પંડયા, અમદાવાદ)

જવાબ વાંચીને 'ઍન્કાઉન્ટર'નો ભોગ બનનારાને પરસેવો છુટી જાય, તો શું સલાહ આપો છો ?
- પંખો ચાલુ કરો.
(પી. આર. સોનપાલ, ભાવનગર)

પ્રથમ દ્રષ્ટિના પ્રેમની જેમ પ્રથમ દ્રષ્ટિનું 'ઍનકાઉન્ટર' ખરૂં ?
- છાનોમાનો માલ ઉઠાવતા દુકાનદારની નજર પડી જાય એ !
(કમલેશ ધોળકીયા, વડોદરા)

કથાકિર્તન દરમ્યાન ફિલ્મી ગીતોની ધૂન પર કહેવાતા ભજનો ઉપર ભક્તોને ડાન્સ કરાવે, એ સાધુસંતોને શું કહેવું ?
- હવે પ્રાર્થના પરમેશ્વરને નહિ... એ સાધુસંતોને કરો કે, ભજનમીશ્રીત બૉલ-ડાન્સીઝ કરાવે તો ભક્તોનું ભલું થાય !
(ડૉ. પ્રદ્યુમ્ન ડી. વ્યાસ, અમદાવાદ)

લાફિંગ ક્લબોમાં કૃત્રિમ હાસ્ય ઊભું કરાવવાના પ્રયોગ અંગે શું માનો છો ?
- દુનિયાભરની લાફિંગ ક્લબોને મારી એક માત્ર નમ્ર અરજ છે... બસ, એક વાર ડૉ. મનમોહનસિંઘને તમારી ક્લબમાં બોલાવો.
(એન. કે. વૈષ્ણવ, ભાવનગર)

કહ્યાગરો કંથ કોને કહેવાય ?
- આનો જવાબ હું મારી વાઇફને પૂછીને આપીશ.
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

'અલ્લાહ મને માફ કરે.. ફરી આવી ભૂલ નહિ કરૂં.' આવું અજમલ કસાબે મરતા પહેલા કહ્યું હતું, શું અર્થ ?
- ઈસ્લામનો આદર કરતા પવિત્ર મુસલમાનો જુદું કહે છે, 'અલ્લાહ પણ કસાબને કદી માફ નહિ કરે !'
(ઝુબૈદા પૂનાવાલા, કડી)

સૂરજ જેવો સૂરજ પણ પશ્ચિમમાં જઈને ડૂબ્યો છે.. છતાં પશ્ચિમની ઘેલછા કેમ ?
- 'ઍનકાઉન્ટર'ના લાખો વાચકો અમેરિકામાં છે.. એ લોકો તરી ચૂકેલાઓ છે.
(મિતેશ આઈ. દોશી, અમદાવાદ)

વારંવાર અડપલાં કરતા પાકિસ્તાન સામે ક્રિકેટ તો શું, કોઈપણ સંબંધ ન રાખવો જોઈએ. સુઉં કિયો છો ?
- એની સામે રમીને મારવાના જલસા પડી જાય છે !
(રશ્મિકાંત એ. શાહ, બિલિમોરા)

સ્ત્રી એ પ્રકૃતિ પછીનું પરમાત્માનું શ્રેષ્ઠ સર્જન છે... તમે શું માનો છો ?
- પરમાત્માથી ય એકાદ ભૂલ તો થાય !
(ભરત ડી. સાંખલા, ડીસા)

ગયા વર્ષના પ્રારંભે તમે કરેલો સંકલ્પ પળાયો છે ખરો ?
- હા. આવતા વર્ષે જ સંકલ્પ કરીશ.
(જગદીશ રસિકલાલ શાહ, રાજકોટ)

ભાજપ અને કોંગ્રેસ અંદરોઅંદર ઝગડે રાખે છે, એમાં પ્રજાનો ફાયદો શું ?
- બેમાંથી એક મરે તો ય બહુ છે !
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

અડવાણીનું પત્તું કપાઈ ગયું..!
- હિંમનગરના સન્માન્નીય હાસ્યલેખક અને કવિ રમેશ પટેલ 'ક્ષ'નો શે'ર વાંચો,
'એક સાંજે ઓરડાને પણ થયું,
કે નિરાંતે આંગણામાં બેસીએ !'
(રેખા શાહ, અમદાવાદ)

ઈ.સ. ૨૦૧૨માં પૃથ્વીનો વિનાશ થવાનો હતો, તે કેમ ન થયો ?
- ભગવાને મનમોહનને પૂછ્યું, 'વિનાશ કરૂં ? હા કે ના માં જવાબ આપો.'
(સેજલ/જાનકી પરમાર, કેશોદ)

21/06/2013

દુલ્હન એક રાત કી

ફિલ્મ : 'દુલ્હન એક રાત કી' ('૬૭)

નિર્માતા : તક્ષશીલા- મુંબઇ
દિગ્દર્શક : ધરમદેવ કશ્યપ
સંગીતકાર : મદન મોહન
ગીતકાર : રાજા મેંહદી અલીખાન
રનિંગ ટાઇમ : ૧૭૦- મિનીટ્સ : ૧૪- રીલ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ)
કલાકારો : નૂતન, ધર્મેન્દ્ર, રહેમાન, કન્હૈયાલાલ, જ્હાની વૉકર, લીલા ચીટણીસ, તબસ્સુમ, મુમતાઝ બેગમ, મલ્લિકા, અમર, હલન, લક્ષ્મી છાયા, પદ્મા, સુજાતા અને નિરંજન શર્મા.

ગીતો
૧. મૈને રંગ લી આજ ચુનરીયા, સજના તેરે રંગ મે..... લતા મંગેશકર
૨. એક હંસિ શામ કો, દિલ મેરા ખો ગયા, પહેલે અપના..... મુહમ્મદ રફી
૩. કઇ દિન સે જી હૈ બેકલ, અય દિલ કી લગન અબ લે ચલ..... લતા મંગેશકર
૪. કિસી કા કુછ ખો ગયા હૈ, જીસ કી યે શય હૈ વો આ કે..... મુહમ્મદ રફી
૫. આપને અપના બનાયા, મેહરબાની આપ કી..... લતા-મહેન્દ્ર કપૂર
૬. હમાર કહા માનો રાજાજી, ઓ રાજાજી..... આશા-ઉષા
૭. સપનોં મેં અગર મેરે, તુમ આઓ તો સો જાયેં..... લતા મંગેશકર
૮. કભી અય હકીકત-એ-મુન્તઝિર, નઝર આ લિબાસે..... લતા-સખીઓ
૯. જીંદગી દુલ્હન હૈ એક રાત કી..... ભૂપેન્દ્ર
૧૦. ઘાયલ હિરનીયા વન મે..... ભૂપેન્દ્ર
(નં.૮ ડા.ઇકબાલની રચના છે. જ્યારે નં.૯ પંડિત ગોપાલપ્રસાદ 'નીરજે' લખ્યું છે.)




ફિલ્મ 'દુલ્હન એક રાત કી'માં હીરો ધર્મેન્દ્રનું નામ 'અશોક' હોય છે. મેં ઘણી તપાસો કરાવી કે, ખૂબ સ્માર્ટ અને હન્ડસમ યુવાનોના નામ 'અશોક' જ કેમ રાખવામાં આવે છે.. (જવાબ એવો મળ્યો કે, કોક અપવાદ તો હોય જ !)

અમદાવાદના ખૂબ સન્માન્નીય ટીવી-કલાકાર પ્રભાકર શુક્લએ 'દુલ્હન એક રાત કી' મદ્રાસના કોઇ થીયેટરમાં જોયું હતું. એ ઊભા હતા, ત્યાં કોક અજાણ્યો મદ્રાસી મળવા આવ્યો. શક્લ-સુરતથી સાઉથ ઇન્ડિયનો સામે બાકીના ઇન્ડિયનો ઓળખાઇ જાય, એ ધોરણે પ્રભાકરને મુંબઇનો ધારીને પેલાએ પૂછ્યું, 'બમ્બઇ...?' શુક્લએ હા પાડી, એમાં પેલાએ કાચી સેકન્ડ બગાડયા વિના પૂછી લીધુ, ''ધર્મેન્દ્ર તેરી મા....?'' (તમિલમાં 'તેરી મા'નો અર્થ થાય ''ઓળખો છો ?'') મદ્રાસી ધર્મેન્દ્રનો દીવાનો હતો, એટલે પહેલી વારમાં પ્રભાકરને સમજ ન પડી, એટલે બીજી, ત્રીજી વાર એ જ પૂછ્યું, ''ધર્મેન્દ્ર તેરી મા...?'' આ કંટાળ્યો. આઘાત પણ લાગ્યો કે, સાલો કોઇ પુરૂષ કોઇની માં કેવી રીતે હોઇ શકે ? ચોથી વાર પેલાએ પૂછ્યું, એટલે કહી દીધુ, ''ધર્મેન્દ્ર મેરી માં...તો હેમા માલિની તેરી માં...!''

ધર્મેન્દ્રના આવા એક ચાહક મુંબઇમાં પણ રહેતા હતા, જેમનું પવિત્ર નામ છે, ''મુહમ્મદ રફી.'' રફી સાહેબે ઑન રૅકૉર્ડ કીધું છે તે મુજબ, એમના સૌથી પ્રિય હીરોમાં નંબર વન શમ્મી કપૂર, બીજા નંબરે અમિતાભ બચ્ચન અને ત્રીજો શમ્મી કપૂર. સંગીતકાર જયકિશન, રફી અને શમ્મી કપૂર દર રવિવારે મુંબઇના ચર્ચગટ પર આવેલી 'ગલૉર્ડ' રેસ્ટરાંમાં નિયમિત બેસતા. જયના મૃત્યુના એકાદ વર્ષ સુધી એ રેસ્ટરાંવાળાએ આ ત્રિપૂટીવાળું ટેબલ Reserved for Jaikishan નામનું બૉર્ડ મારીને રીઝર્વ્ડ રખાવ્યું હતું.

બાય ધ વે, ઇસ્લામમાં સાચો શબ્દ 'મુહમ્મદ' છે, જેની ઘણા મુસલમાનોને પણ ખબર નથી. ફિલ્મોમાં ખોટો ઉચ્ચાર મોહમદ કે મહમદ થાય છે. કાઠીયાવાડી મુસલમાનો તો એનાથી ય આગળ વધીને 'મુહમ્મદ'નો અપભ્રંશ કરીને 'મામદ' કરી નાખ્યું છે. ઉર્દુના માન્ય શબ્દકોષ મુજબ સાચો શબ્દ અને ઉચ્ચાર પણ 'મુહમ્મદ' જ છે. બીજી એક વધારાની માહિતી એ કે, આખી દુનિયામાં સૌથી વધુ, 'મુહમ્મદ' નામવાળા માણસો છે. ધર્મેન્દ્ર મૂળ તો પંજાબી જાટ અને દેહાતી માણસ, ખાસ ભણેલો નહિ. વ્યવહાર- વર્તનમાં પણ અમિતાભ બચ્ચનો કે શશી કપૂરો જેવી ડીસન્સી ન આવે. આવ્યો ત્યારે ખૂબ સીધો માણસ હતો, પણ ફિલ્મ 'ફૂલ ઓર પથ્થર'માં મીના કુમારીએ વારા મુજબ (અથવા રાબેતા મુજબ) ધરમાને ય લપેટમાં લઇ લીધો અને બન્નેનું પ્રેમપ્રકરણ લાંબુ ચાલ્યું. બસ, એ પછી ધર્મો ય મીનાકુમારીના રસ્તે નીકળી પડયો... 'ડૂંગરે ડૂંગરે કાદૂ તારા ડાયરા'ની જેમ સ્ત્રીઓના મામલે ધરમ કંઇક વધુ પડતો 'ધાર્મિક' બની ગયો. એ વાત જૂદી છે કે, ફિલ્મનગરીમાં ક્યો એવો કે એવી હીરો-હીરોઇન છે, જે એકથી સંતોષ પામ્યા હોય ? આપણને ખબર નથી, ત્યાં સુધી જ બધા મહાત્માઓ, બાકી લિસ્ટો લાંબા થાય. એ મામલે મહાન અભિનેત્રી નૂતન સાંગોપાંગ સીધી સ્ત્રી હતી. લફરૂં-બફરૂં તો બહુ દૂરની વાત છે, પણ ફિલ્મ 'દેવી'ના સૅટ પર સંજીવ કુમારને નૂતને બધાની વચ્ચે લાફો મારી દીધો હતો....સંજીવ નિયમિતપણે હવા ફેલાવતો હતો કે નૂતન એના પ્રેમમાં છે. નૂતન આમે ય સ્વિત્ઝરલેન્ડમાં ભણેલી ઉચ્ચ સંસ્કારની સ્ત્રી હતી. સુંદરતામાં મધુબાલા કે નંદા કે આશા પારેખ જેવું ગ્લમરનું તો નામ પણ નહિ, છતાં ય એ કહેવાઇ તો સુંદર જ...કારણ કે હતી સુંદર. આપણી માં જેવી સુંદર, બાકીની હીરોઇનો આપણી સાળીઓ જેવી સુંદર હોય...! આ તો એક વાત થાય છે !

નૂતન, ધર્મેન્દ્ર અને રહેમાનની આ જ ત્રિપૂટી ફિલ્મ ''દિલને ફિર યાદ કિયા''માં રીપિટ થઇ. બાકી નૂતન-ધરમે અગાઉ 'સુરત ઔર સીરત'(૬૨) અને 'બંદિની'('૬૩)માં સાથે કામ કર્યું હતું. એ વાત જુદી છે કે, એ જમાનામાં ધર્મેન્દ્ર દારાસિંઘ જેવો વધારે લાગતો. ધર્મેન્દ્રનો આગ્રહ રહેતો કે, દરેક ફિલ્મમાં તેને એક વાર ઘોડા ઉપર કે જીપમાં બેઠેલો બતાવવો જ. શશી કપૂર દરેક ફિલ્મમાં એક વાર સફેદ કપડાં પહેરે, રાજકુમાર મફલર અથવા સફેદ શુઝ પહેરે. મુમતાઝે એક વખત કેસરી રંગની સાડી કે ડ્રેસ પહેરવો જ પડે. દેવ આનંદ હીરોઇનને ભેટયા વિના મૂકે નહિ અને તે પણ ભેટવાનો એક શાટ દેવના ખભા પાછળથી લેવાનો. રાજ કપૂરની ફિલ્મોમાં જ્યાં એના ભૂતકાળની અંગત વાત આવે ત્યારે બકગ્રાઉન્ડમાં આર.કેનું થીમ મ્યુઝિક વાગે. દિલીપ કુમારે સંવાદ બોલતી વખતે એક વાર તો ગાલે હાથ મૂકવો પડે.

'દુલ્હન એક રાત કી'ફિલ્મ એ સમય પ્રમાણે સમાજને બહુ ગમે એવી વાર્તા લઇને નહોતી આવી, એટલે ન ચાલી. વાર્તા ય વિશ્વવિખ્યાત સાહિત્યકાર ટોમસ હાર્ડીની નવલકથા Tess of the d'Urberville પર આધારિત હતી. એક અંધ પણ કરોડપતિ વિધવા (મુમતાઝ બેગમ)નો દીકરો (રહેમાન)માં ની સેવા કરવા રાખેલી નર્સ (નૂતન) ઉપર બળાત્કાર કરીને એને પ્રસૂતા બનાવીને છોડી દે છે, પેલીને સંતતિ તો થાય છે, પણ બાળક મરી જાય છે. એ પછી એકલી ઉછરતી આ નર્સને પ્રેમી (ધર્મેન્દ્ર) તો મળી જાય છે, પણ પેલો બળાત્કારી અને એનો ભૂતકાળ એનો પીછો છોડતા નથી. છેવટે બધું જે શી ક્રસ્ણ થાય, એ તો અપેક્ષિત હોય! ફિલ્મ કાંઇ બુરી નહોતી... ઑન ધ કાન્ટ્રારી, સારી હતી. પણ આજ સુધી એના લીલા લિસોટા આપણા કાનો ઉપર છોડી ગયું હોય તો એનું કેવું...કેવું...કેવું...મીઠડું સંગીત ! એક પણ ગીત નબળું નહી, એ તો જાવા દિયો પણ એક એક ગીત સીડી લૂછી લૂછીને કબાટમાં સાચવી રાખવા જેવું ! મદન મોહન તો હતો કમનસીબ કે 'વો કૌન થી' સુધી મોટા બૅનરની કોઇ ફિલ્મ કે મોટા હીરોવાળી ફિલ્મો નહિ મળવાથી ફિલ્મો ફ્લૉપ જતી એમાં એ ય હણાઇ જતો ! મદન મોહને કબૂલ પણ કર્યું છે કે, એના સંગીત ઉપર ઓપી નૈયરનો પડછાયો લાંબો હતો. રફીનું, 'એક હંસિ શામ કો, દિલ મેરા ખો ગયા..' ગીત નૈયરની બેઠ્ઠી પૅટર્ન પર બનાવ્યું હોવાની જાણ અને સંમતિ મદને ઓપી પાસેથી લઇ લીધી હતી. ઓપીની પૅટર્ન એટલે એના મોટા ભાગના ગીતોના મુખડા કે અંતરાઓમાં એક એક ઝટકો આવતો રહે. જેમ કે, 'બહોત શુક્રીયા, બડી મેહરબાની...'માં 'કદમ ચૂમ લૂં...'પછી નો ' યા સાંભળો. ઝટકો એ અર્થમાં કે ઓપી કોઇ એક શબ્દ કે પછી દર બીજે-ત્રીજે શબ્દે મોટું વજન મૂકી દેતા.'ઊંડે જબ જબ ઝૂલ્ફે તેરી..'માં હવે સાંભળો, ''...કંવારીયો કા દિલ મચલે'' અથવા ઓ મુઝે દેખકર આપ કા મુસ્કુરાના..'માં શરૂઆતનો 'ઓ...' જ વજનદાર (મૂર્કી જેવો લાગે) બનાવ્યો છે. સૌથી મોટો દાખલો 'તારીફ કરૂં ક્યાં ઉસકી, જીસને તુમ્હેં બનાયા...!'નો છે. એ જ પેટર્ન પર મદન મોહને 'એક હંસિ શામ કો...'માં 'શામ કો...'નો ઝટકો હવે તપાસી લો.

'અયમેરે વતન કે લોગોં...' ખતરે મેં પડી આઝદી'નો ઢાળ અહીં લતાના 'સપનો મેં અગર મેરે...' ગીતના 'બીતી હુઇ વો યાદે, હસતી હુઇ આતી હૈ....'ને મળતો આવે છે. આજની ફિલ્મોમાં આઇટમ-સૉંગ્સને નામે નૃત્યકલાનો બહુ ભારે ધ્વંસ થયો છે. શાસ્ત્રોક્તતા તો બહુ દૂરની વાત છે, પણ આજના ડાન્સીઝમાં બૅઝિક્સ પણ જળવાતા નથી, ત્યારે આપણા જમાનામાં હૅલન કે કક્કુના ડાન્સીઝ યાદ કરીએ ત્યારે એ લોકોની કિંમત સમજાય છે. અહીં બદ્રીપ્રસાદના નૃત્ય-નિર્દેશનમાં હૅલન અને લક્ષ્મી છાયા, તેમ જ સુજાતા અને પદ્માના બે નૃત્યગીતો પર આફ્રીન થવાય એવું છે. 'હમાર કહા માનો રાજાજી...'અને 'કભી અય હકીકત-એ-મુન્તઝીર, નઝર આ લિબાસે-મજાજ મેં, કે હજાર સજદે તડપ રહે હૈં તેરી જબીન-એ-નિયાજ મેં...' એ ડા.ઇકબાલની રચનાને મદન મોહને મધુરી કવ્વાલીના ફૉર્મમાં બનાવી છે. ઇશ્વરને સમર્પિત શબ્દો સરસ છે કે, હંમેશા ઇશ્વર સ્વરૂપે રહેતા ભગવાનને ક્યારેક મનુષ્ય અવતાર લઇને ધરતી પર અવતરવાની વિનંતિ કરવામાં આવી છે કે, હજારો લોકો નમાજ પઢી-સજદા કરીને તારી પ્રતિક્ષા કરી રહ્યા છે.

યસ. હિંદી ફિલ્મોમાં ચિત્રગુપ્ત જેવા યુગલગીતો અન્ય સંગીતકારે જવલ્લે બનાવ્યા છે, તો મદન મોહન યુગલ ગીતોમાં જ માર ખાઇ જતા. મોટા ભાગે એમની ફિલ્મોમાં નિર્માતાઓ પણ યુગલ ગીતો ટળાવતા. અફ કૉર્સ, એનો મતલબ એ નથી કે, મદનના ડયૂઍટસ કોઇ કાળે નબળાં હતા. રાગ છાયાનટ ઉપર આધારિત 'બાદ મુદ્દત કે યે ઘડી આઇ...'(ફિલ્મ જહાનઆરા) તો ફિલ્મોના સર્વોત્તમ યુગલ ગીતો પૈકીનું એક છે. ગાયકો રફી અને સુમન કલ્યાણપુર.

ઓપીની જેમ મદને પણ ''કઇ દિન સે જી હૈ બેકલ...''માં રીધમ-સૅક્શનમાં ઢોલક-તબલાં (પર્કશન્સ)ને બદલે ગીટાર અને પિયાનોનો ઉપયોગ કર્યો છે. આ સ્ટાઇલ મૂળભૂત રીતે સચિનદેવ બર્મને લોકપ્રિય કરી હતી.

બેઠા બેઠા થોડી નવાઇઓ લાગવા દેજો કે, આપણા સમયની દર ત્રીજી હિંદી ફિલ્મમાં હીરો કે હીરોઇન પિયાનો વગાડવા બેસી જાય છે. સાલું...આપણા કોઇના ઘરમાં પિયાનો હોય, એવું જોયું તો નથી. પિયાનો એક એવું વાદ્ય છે, જે શીખતા ૧૫-૨૦ વર્ષો ઓછા પડે અને ફિલ્મોમાં હીરો કે હીરોઇનોની શરૂઆતનું જીવન બતાવ્યું હોય, એમાં ય ક્યાંય એ પિયાનો શીખ્યા હોય, એવું દેખાતું નથી, પણ ફિલ્મમાં પાર્ટી-બાર્ટી આવી, જેમાં હીરો કે હીરોઇનને બરોબરની માં-બેનની 'હંભળાવવાની' હોય ત્યારે આ લોકો પિયાનો વગાડવા બેસી જાય છે ને કાઠીયાવાડની લૉજમાં મહારાજ રોટલી વણતા હોય, એવા હાથે આ લોકો પિયાનો વગાડે છે. અમદાવાદમાં સ્ટેજ-પ્રોગ્રામોમાં રાજશ્રી નામે કલાકાર મધુરો પિયાનો વગાડતી હતી. બીજો કોઇ કલાકાર ધ્યાનમાં નથી.

ફિલ્મની સૅકન્ડ કિક તરીકે રહેમાન છે. ખૂબ પ્રભાવશાળી રહેમાન મને ગમતો. એ કન્વૅન્શનલી હૅન્ડસમ નહતો, પણ ઘેઘૂર અવાજ અને પર્સનાલિટી વિરાટ હોવાને કારણે 'ફિર સુબહ હોગી' જેવી થોડી ફિલ્મોને બાદ કરતા, રહેમાને ય પ્રદીપ કુમારની જેમ મોટા ભાગે ઠાઠમાઠના ઠેકાણાંવાળા કરોડપતિના કિરદારો જ કર્યા છે. પ્રદીપ કુમારને તો ભલે... હાથમાં હીરોઇન પકડી છે કે તલવાર, આપણને કોઇ ફરક ન પડે છતાં પ્રદીપ કુમારે પણ વૈભવી કે અય્યાશી રાજા-બાદશાહોના રોલ ઘણા કર્યા છે. રીયલ લાઇફમાં અફ કાર્સ, એ ઘણો હન્ડસમ હતો. રહેમાન અમદાવાદના દરિયાપુરનો જમાઇ હતો. કમનસીબે-કમાયેલા પૈસા ખાસ તો દારૂમાં વેડફી નાંખ્યા પછી મરતી વખતે ગરીબી એટલી હદે આભડી ગઇ કે, એની પત્નીને રહેમાનની દવા કરાવવા ઠેર-ઠેર હાથ લાંબો કરવો પડયો હતો. મુમતાઝની બહેન મલ્લિકા જ્હૉની વૉકરની સાથે છે. જ્હૉની વૉકરની કામેડી (?) તદ્દન ફાલતું છે. નોકર તરીકે બહુ જૂના જમાનાનો કલાકાર અમર ધર્મેન્દ્રના નોકર તરીકે આવે છે. કૉમેડી તો દિગ્દર્શકે કરી છે, કોઇ નહિ ને કન્હૈયાલાલને કરોડપતિ શેઠિયો બતાવીને. અમુક કલાકારો ભિખારી કે ગરીબોના રોલમાં જ ચાલે. લીલા ચીટણીસ અબજોપતિની વાઇફ તરીકે ચાલે ? એમાં નાના પળશીકર એનો ગોરધન હોય તો તમે ચલાવી લો ? (તમારે જવાબ 'ના'માં આપવાનો છે... સૂચના પૂરી)

કન્હૈયાલાલને શૂટ પહેરાવ્યો હોય એટલે રૂ.૪૭ લાખની નવી 'વૉલ્વો' ગાડી ઉપર કંતાન ઢાંક્યું હોય એવું લાગે ! તમારામાંથી જે દહેરાદૂન, નૈનિતાલ અને મસૂરી જઇ આવ્યું હશે, એમને આ ત્રણે સ્થળો આ ફિલ્મમાં જોવાનો આનંદ ખૂબ આવશે. ફિલ્મના તમામ લૉકેશન્સ આ ત્રણે પ્રવાસધામોના લેવાયા છે. સલીમ-જાવેદ ચોરી કરે અને માલ પોતાના નામે ઠઠાડી દે, એમાં નવાઇ નથી. ફિલ્મ 'શોલે'માં 'મૌસી' (લીલા મિશ્રા) પાસે અમિતાભ બચ્ચન ધર્મેન્દ્ર અને દારૂડિયો, જુગારી, કોઠેબાજ અને ખાનદાન વગરનો બતાવે છે, એ આખી સીકવન્સ જ્હૉની વૉકર અહી ધરમનું સગપણ રદબાતલ કરાવવા ઘેર આવેલા કન્યા (મીના રાય) વાળાઓ પાસે આ જ ચાલ ચાલે છે. નવાઇ એ લાગે છે કે, સલીમે દાવો એવો કર્યો હતો કે, (જુઓ, આ જ કૉલમમાં ફિલ્મ 'શોલે'નો રીવ્યૂ) આ સિક્વન્સ હકીકતમાં એણે જાવેદને જોવા છોકરીવાળા (હની ઇરાની) આવ્યા ત્યારે વાસ્તવમાં બની હતી. ફિલ્મ ટાઇટલ્સમાં અદભૂત પન્સિલ સ્કૅચીસ કોઇ આર્ટિસ્ટે બનાવ્યા છે, પણ નામ નથી. કાગડા બધે કાળા....!