Search This Blog

05/07/2013

ચિતચોર

ફિલ્મ : 'ચિતચોર' ('૭૬)
નિર્માતા : તારાચંદ બરજાત્યા (રાજશ્રી પ્રોડકશન્સ)
દિગ્દર્શક : બાસુ ચેટર્જી
ગીત-સંગીત : રવિન્દ્ર જૈન
રનિંગ ટાઈમ : ૧૨ રીલ્સ : ૧૦૪ મિનીટ્સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, ઝરીના વહાબ, વિજયેન્દ્ર ઘાટગે, એ. કે. હંગલ, દીના પાઠક, માસ્ટર રાજુ, પરદેસી, સી. એસ. દૂબે, શૈલ ચતુર્વેદી, પ્રકાશ મીશ્રા, રિતુ કમલ.

ગીતો :
૧. ગોરી તેરા ગાંવ બડા પ્યારા, મૈં તો ગયા મારા યેસુદાસ
૨. જબ દીપ જલે આના, જબ શામ ઢલે આના યેસુદાસ-હેમલતા
૩. તૂ જો મેરે સૂર મેં, સૂર મિલા લે, સંગ ગા લે યેસુદાસ-હેમલતા
૪. આજ સે પહેલે આજ સે જ્યાદા ખુશી આજતક યેસુદાસ



યુ–ટ્યુબ પર જોવા માટે ક્લિક કરો:
http://www.youtube.com/watch?v=wgZ0HOQ18wQ&wide=1


મધુપુર નામના ગામડામાં હેડમાસ્તર એ. કે. હંગલ એમને વાત વાતમાં તતડાવતી પત્ની દીના પાઠક અને મોટી ઢાંઢી થવા છતાં નાના છોકરાઓ સાથે આંબલી-પિપળી ને થપ્પો રમતી દીકરી ઝરીના વહાબ સાથે ખુશીથી રહે છે. હૅડમાસ્તરનું મકાન ખાસ્સું મોટું છે ટયુશનો કર્યા વિના માસ્તરો આટલું કમાઈ શકે, એ દુવિધા વાલીઓને આ ફિલ્મ જોયા પછી થશે! છોકરીનું ક્યારે થશે, એની ચિંતામાં મા-બાપ બન્ને તગડા થતા જાય છે. દરમ્યાનમાં મુંબઈમાં રહેતી એમની મોટી દીકરી મીરા (રિતુ કમલ)નો પત્ર આવે છે, જેમાં નાની ઝરીના માટે, જર્મનીથી એન્જિનીયરની ડિગ્રી લઈને આવેલા છોકરા માટે વિચારી જોવાનું લખે છે. એ જમાનામાં મૅરેજ બ્યૂરો તો હતા નહિ, એટલે વકરો એટલો નફો (અને જે ગુમાવવાનું છે, એ સામાવાળાને ગુમાવવાનું છે...!)ના ધોરણે ત્રણે જણા રાજી થઈ જાય છે. એ છોકરો ટ્રેનમાં મધુપુર એની નોકરીના કામે આવવાનો હોય છે, એવો નિર્દેશ પત્રમાં હતો. નિયત તારીખે હંગલ સ્ટેશને પહોંચી જાય છે અને મૂરતીયા અમોલ પાલેકરને ખુશી ખુશી ઘરે લઈ આવે છે ને જમાઈબાબુની ટ્રીટમેન્ટ્સ આપવા માંડે છે. છોકરો-છોકરી પ્રેમમાં પડે છે. ત્યાં ધડાકો થાય છે. રિતુ કમલની બીજી ચિઠ્ઠી આવે છે કે, નોકરીના કારણે પેલો છોકરો (વિજયેન્દ્ર ઘાટગે) હજી હવે મધુપુર આવવા રવાના થયો છે.

હવે લોચા...! બધા લોચા...!!

ઝરીનાના મમ્મી-પાપા હોશકોશ ગૂમાવી દે છે અને છોકરીને મનાઈ ફરમાવી દે છે કે, હવે ખબરદાર જો અમોલ પાલેકર કે કોઈ બી પાલેકરને મળવા ગઈ છે તો! પણ એમ કાંઈ આજકાલ છોકરા માને, ભ'ઈ? આપણા જમાનાની વાત જુદી હતી. વિજયેન્દ્ર પણ આવતા વ્હેંત ઝરીના ઉપર મોહિત થઈ જાય છે અને આ લોકોની સંમતિ લઈને મેરેજની તારીખો ગોતવા માંડે છે. પણ સગાઈની જ ઘડીએ... ?

ધેટ્સ ફાઈન... ફિલ્મ જોવાના હો તો સગાઈની ઘડી તમે જાતે જોઈ લેજો.

યસ, આજકાલની ફિલ્મો બહુ જોતા હશો તો 'ચિતચોર'ની વાર્તા ક્યાંક જોયેલી સાંભળેલી લાગે છે ને? કરૅક્ટ. થોડા વર્ષ પહેલાં ઋત્વિક રોશન, કરિના કપૂર અને અભિષેક બચ્ચનની 'મૈં પ્રેમ કી દીવાની હું' આ જ રાજશ્રી પ્રોડક્શનવાળાઓએ બનાવ્યું હતું. મૂળ વાર્તા સાથે જ!

રાજશ્રી પ્રોડક્શન્સ તમામ ફિલ્મો ફેમિલી સાથે બેસીને જોવી મનપસંદ બનતી. આપણા દેશનું ઘશછ બતાવે છે કે, આપણે અવિભક્ત કુટુંબમાં માનીએ છીએ. આ લોકોની લગભગ તમામ ફિલ્મો ટેન્શન વગર હોય. ક્યાંય કોઈ વિલન નહિ, ફિલ્મની વાર્તામાં પ્રેક્ષકોને ટેન્શન ઊભું થાય એવી કોઈ સનસનાટી નહિ અને અફકોર્સ, સ્વચ્છ ફિલ્મો હોય. મારા-તમારા ઘરમાં બનતી ઘટનાઓ રાજશ્રીની ફિલ્મોમાં બનતી હોય. મોટો દાખલો 'હમ આપ કે હૈ કૌન?' જેમાં લગ્નપ્રસંગનું સાંગોપાંગ વાતાવરણ મૂકી દેવામાં આવ્યું હતું, બિલકુલ નિર્દોષતાથી. અને કોઈ નાના અપવાદને બાદ કરતા એમની તમામ ફિલ્મો આ જ જૉનરમાં બની છે.

રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મોની યાદી જુઓ : આરતી, દોસ્તી, તકદીર, જીવનમૃત્યુ, ઉપહાર, પિયા કા ઘર, ગીત ગાતા ચલ, ચિત્તચોર, દુલ્હન વો હી જો પિયા મન ભાયે, અખીયોં કે ઝરોખોં સે, સુનયના, શિક્ષા, સાવન કો આને દો, મૈંને પ્યાર ક્યું કિયા, હમ આપ કે હૈં કૌન, હમ સાથ સાથ હૈ અને સારાંશ... વચમાં મહેન્દ્ર સંધૂવાળું 'ઍજન્ટ વિનોદ' કેમ બનાવી દીધું, એની તો રાજશ્રીમાં ય કોઈને ખબર નહીં હોય!

અમોલ પાલેકરે ૭૦ના દાયકામાં સનસનાટી મચાવી દીધી હતી. એ તરત સ્વીકૃત થઈ ગયો, એનું કારણ ચોખ્ખું હતું. એ દાયકા સુધી આપણે જોયેલી ફિલ્મોનો હીરો (અથવા વાર્તા) ક્યાંય વાસ્તવિક નહોતા. ઈવન રાજ કપૂરનો 'રાજુ' પણ આપણા સહુ કરતા મોટો હતો. કોઈ કાળે ય આપણે કાંઈ આવારાઓ કે ચારસો-વીસો લાગીએ કાંઈ? (જવાબમાં ના પાડજો...) દેવ આનંદ સિનેમા ઉપર કાળા બજાર કરવા જાય, એ કાંઈ આપણને લગતી વાત નહોતી. દિલીપ કુમાર ફિલ્મે ફિલ્મે પ્રેમોમાં ફૅઈલ જાય, એવું કાંઈ આપણને ફાવે? (જવાબ : સહેજ બી ના ફાવે!)

અમોલ પાલેકર ફાવી ગયો, કારણ કે એ આપણને સીધો સ્પર્શતો હતો. એ કોઈ ઓફિસમાં સામાન્ય કલાર્ક હોય, અથવા નોકરી શોધે રાખતો હોય, એની પ્રેમિકાને મળવા ફફડતો હોય કે બોસને રિઝવવા ગોલમાલો કરતો હોય, જે ક્યાંકને ક્યાંક આપણે કરતા હતા...! (તમારા બધાની તો ખબર નથી, પણ હું આવું આવું નહોતો કરતો...! એટલે રૂપિયા-બુપિયા કમાયા વગર હાસ્યલેખક બનવાના દહાડા આયા...!)

અમોલ પાલેકર તો નિમિત્ત બન્યો, પણ મૂળ તો એ થીયેટરનો કલાકાર હતો. સીધો હીરો બની ગયો નહોતો. મુંબઇની બેન્ક ઓફ ઇન્ડિયામાં એ કલાર્ક હતો. મૂળ કમાલ કરનારાઓ હતા ઋષિકેશ મુકર્જી અને બાસુ ચેટર્જી, જેમણે ફિલ્મો એવી બનાવી જે મધ્યમ વર્ગને સીધી અડતી હોય. (આજે તો કોણ માનવાનું, પણ આપણા જમાનામાં યાદ હોય તો અપર સ્ટોલ્સ રૂ. ૧.૪૦ની અને બાલ્કની રૂ. ૧.૬૦ની અને ફક્ત એ ૨૦ પૈસા બધાને પરવડતા નહોતા. અપર ફૂલ થઈ જાય તો જ બાલ્કની બંધ થાય. હતું કે નહિ એવું?)

એમાં ય આ બન્ને મજેલા દિગ્દર્શકોને મળી ગયો અમોલ પાલેકર, જે બિલકુલ મારા-તમારા કલ્ચરનો માણસ હતો. એ કાંઈ ફિલ્મને અંતે એકસાથે ૧૦-૧૨ ગુન્ડાઓને ફટકારતો નહતો. પહાડ ઉપરથી છલાંગ સીધી ઘોડા ઉપર મારતો નહતો કે હીરોઈનની બાને બચાવવા કોઈ તોતિંગ ગોડાઉનમાં, દરવાજો ખુલ્લો હોય તો ય ઉપરના માળની બારીમાંથી મોટર સાયકલ લઈને ખાબકતો નહતો. એ તો ઈન્સર્ટ કર્યા વિનાના સીધા સાદા આખી બાંયના શર્ટ પહેરે, ઓફિસમાં ખુરશીને બદલે ટેબલ પર ચાની ચુસકી લેતા સ્ટાફ સાથે ક્રિકેટ મૅચની કમૅન્ટરી સાંભળે અને ભરચક રસ્તે હીરોઈનનો પીછો કરતા ગભરાય! અને છતાં આ બધી વાસ્તવલક્ષી ફિલ્મો બતાવાઈ તદ્ન હળવાશથી! એવી હળવાશ કે તમે એને કોમેડી કહીને મજા બગાડી ન નાંખો. આખી ફિલ્મમાં મંદમંદ સતત હસવું આવે રાખે અને આવું તમે ય બીજાને અનેકવાર હસાવતા હો! યાદ કરો, ઋષિકેશ મુકર્જી અને બાસુ ચેટર્જીની એ ફિલ્મો... રજનીગંધા, છોટી સી બાત, ચિતચોર, ગોલમાલ, રંગબિરંગી, નરમગરમ, ઘરૌંદા કે દામાદ.

એમાંય આ ફિલ્મ 'ચિતચોર' સાંગોપાંગ નિરાળી ફિલ્મ બની હતી. હસાવવાનો ક્યાંય આયાસ નહિ, છતાં ય તમે આખી ફિલ્મ દરમ્યાન હળવા રહી શકો. મૂળભૂત રીતે એના સર્જક બાસુ ચેટર્જી સ્વયં હ્યુમરિસ્ટ હતા. કાર્ટુનો બનાવતા, એટલે હ્યુમરનો માલ પહેલેથી મહીં પડેલો હતો. આલ્ફ્રેડ હિચકોક પોતાની તમામ ફિલ્મોમાં એકાદ-બે સેંકડ માટે માંડ ઓળખાય એવી રીતે સ્ક્રીન પર આવી જતા, એમ અહીં બાસુ પણ ફિલ્મના અંત ભાગમાં ઝરીના અમોલની સાથે ટ્રેનમાં બેસી જવા સ્ટેશને જાય છે, ત્યારે એક બારી પાસે ઊંધા ફરીને સફેદ વાળવાળા બાસુ દેખાય છે.

કાબેલ દિગ્દર્શકો બેવકૂફીભરી ભૂલો ય કરતા હોય છે ને સુધારતા ય નથી, એનો એક ઉઘાડો દાખલો 'ચિતચોર'માં જોવા મળ્યો. વિજયેન્દ્ર ઘાટગે અને ઝરીના વહાબ બજારમાંથી ચાલતા નીકળે છે, ત્યારે 'મધુ સાગર' નામના બોર્ડ પાસેથી પસાર થઈ ચૂક્યા બાદ અડધા સંવાદે પાછા ત્યાંથી જ પસાર થાય છે. ઈંગ્લિશમાં આને Goof કહે છે. ઈંગ્લિશ ફિલ્મોમાંથી આવી ગૂફ પકડી પાડવા માટે દુનિયાભરના ઈન્ટરનેટીયાઓ પાવરફૂલ છે અને જે તે ફિલ્મની સાઈટ પર એ ગૂફ મૂકાય પણ છે. આવી બીજી બેદરકારી આઉટડોર શૂટિંગમાં પણ દેખાણી છે. ઝરીના, અમોલ અને વિજયેન્દ્ર પિકનિક પર જાય છે. નોર્મલી આઉટડોર શૂટિંગમાં એકલા સૂર્યપ્રકાશથી કામ થતું નથી. ક્યારેક શૂટિંગ જોયું હોય તો ચાંદીના વરખ જેવા રીફલેક્ટ થતા મોટા ચોરસ બોર્ડથી સૂરજનો પ્રકાશ કલાકારો ઉપર પડે એવા રીફલેક્ટરો મૂકાય, જે સૂરજનો પ્રકાશ આછો કરીને કલાકારો ઉપર ફેંકે, જેથી એમના ચહેરા કે શરીર ઉપરના પડછાયા નીકળી જાય અને દૃશ્ય વિકૃત ન લાગે. અહીં કદાચ ફિલ્મ લો-બજેટની હોવાને કારણે બાસુ દાએ આવું કાંઈ ધ્યાન-બ્યાન રાખ્યું નથી, પરિણામે આ દ્રષ્યમાં ફિલ્મના પાત્રો પ્રકાશ અને પડછાયામાં સમાઈ જવાને કારણે દ્રષ્ય વિકૃત લાગે છે.

અને એથી ય મોટી તકલીફ એ જોઈને પડે છે કે, ફિલ્મનો હીરો શાસ્ત્રીય સંગીત પાછળ પાગલ છે અને વાતવાતમાં હાર્મોનિયમ લઈને બેસી જાય છે. હીરોઈનને સંગીત શીખવવા એ સૂર તો છેડે છે, પણ આખી ફિલ્મમાં એક ક્ષણ માટે પણ હાર્મોનિયમ વાગ્યું નથી.

યસ. ફિલ્મની મોટી ઉપલબ્ધી એનું દિલડોલ સંગીત અને સાત સૂરોના રાજા ડો. કે. જે. યેસુદાસના ચારે ચાર ગીતોએ જમાવટ કરી દીધી છે. આજે આટલા વર્ષો પછી ય, હેમલતા સાથેનું 'જબ દીપ જલે આના, જબ શામ ઢલે જાના...' આપણામાંથી મોટાભાગના સંગીતશોખિનોને કંઠસ્થ છે.

સંગીતકાર રવિન્દ્ર જૈન પ્રજ્ઞાચક્ષુ છે ઉમદા સંગીતકાર છે. ગાયિકા હેમલતાને 'લતા' બનાવવા એમણે અંગત અંગત અંગત રસો ઘણા ઘૂંટયા હતા.

બાય ધ વે, 'ચિતચોર' સિનેમાસ્કોપમાં બનેલી ફિલ્મ હતી. હોલીવુડમાં આવી ફિલ્મો ૫૩માં શરૂ થઈ અને ૬૭માં બંધ થઈ ગઈ. ગુરુદત્તે એની 'કાગઝ કે ફૂલ' આ પદ્ધતિના લૅન્સથી બનાવી હતી. 'સિનેમાસ્કોપ' એટલે એનામોર્ફિક લેન્સથી કેમેરાએ શૂટ કર્યું હોય. એનામોર્ફિક એટલે પરદાના ચારે ય ખૂણા પરના દ્રષ્યો કોઈપણ જગ્યાએથી મોટા લાગે. યાદ હોય તો સામાન્ય સ્ક્રીનમાં લંબ ચોરસ દ્રષ્ય દેખાય, જ્યારે સિનેમાસ્કોપમાં ચારે ય ખૂણા ઉપર નીચે ખેંચાતા દેખાશે.

ફિલ્મની હીરોઈન ઝરીના વહાબ અત્યંત તેજસ્વી એક્ટ્રેસ હતી. એક સમયે તો એ જયા ભાદુરીની સમકક્ષ જણાતી. કમનસીબે, આદિત્ય પંચોલી જેવા પ્લેબોયની છાપ ધરાવતા હીરો સાથે એણે હિંદુ ધર્મ અંગીકાર કરીને લગ્ન કર્યા. નીતનવી છોકરીઓનો શોખિન આદિત્ય એને મારઝૂડ કરતો, એવા સમાચાર અવારનવાર ફિલ્મી પત્રોમાં ચમકતા રહ્યા છે. એ જ ઝરીનાનો પુત્ર સૂરજ પંચોલી પેલી બદનસીબ જીયા ખાનની આત્મહત્યાના કેસમાં સંડોવાયો છે.

ઝરીના વહાબ એની કોઈ પહેલી ફિલ્મમાં આવી, એ જોઈને રાજ કપૂરે એના દેખાવની ખાસ કરીને લઘરાપણાંની આકરી ટીકા કરી હતી. એનો ઝરીનાએ પોઝિટીવ અર્થ કાઢીને સ્ક્રીન પર સુંદર દેખાવાની શરૂઆત કરી, એનો ફાયદો થયો, એનો આભાર આજ સુધી રાજ કપૂરનો માને છે.

ફિલ્મનો સેકન્ડ હીરો વિજયેન્દ્ર ઘાટગે ક્યાં ખોવાઈ ગયો એની ખબર એટલા માટે નથી કે, એક્ટિંગથી માંડીને દેખાવ-ફેખાવમાં એ કોઈ હીરો-મટીરિયલ હતો પણ નહિ. આ ફિલ્મમાં તો એ જમાનાની ફેશન પ્રમાણે એના માથે વાળનો જથ્થો જોઈને ઊંઘમાં ય બી જવાય એવું છે.

અલબત્ત, કેટલીક વાતો ધ્યાનાકર્ષક પણ બની છે. આપણે ત્યાં ટેબલ-ખુરશી કે બૂફે તો વળી હમણાં આવ્યા... મૂળભૂત રીતે તો આપણે પાટલે બેસીને જમનારા માણસો. હજી મારા જેવાઓ ઘરમાં નીચે જમીન પર બેસીને જ જમે છે. (હૉટલવાળાઓ અલાઉ ન કરે ને...?) આ ફિલ્મમાં એ પરંપરા જળવાતી દેખાઈ છે.

આ ફિલ્મ માટે લખવાનું કારણ અમદાવાદના પાર્થિવ પરીખ બન્યા. એ પણ આ ઋષિકેશ-બાસુ બ્રાન્ડની ફિલ્મોના શોખિન. આવી ફિલ્મો ન તો કમર્શિયલ કહેવાય, ન આર્ટ ફિલ્મો... શશી કપૂરના શબ્દોમાં એને સારી ફિલ્મો કહેવાય. આ કંપની સેક્રેટરીએ સામે ચાલીને મને 'ચિતચોર'ની સીડી પકડાવી દીધી, માટે લખાયું.

No comments: