Search This Blog

26/06/2013

હું ચીફ ગૅસ્ટ બન્યો

'અસોક ભ'ઇ બોલો છો ?'

મને જુઠઠું બોલવાની હૉબી નહિ અને રવિવારે હું જુઠ્ઠું બોલતો નથી, એટલે મેં હા પાડી. ફોન પર એમનો ચહેરો દેખાય નહિ, એટલે પૉસિબલ છે, મેં ભયના માર્યા હા પાડી હોય !

'જુઓ, એક કામ કરો. આ રવિવારે અમારી જ્ઞાતિનું ફંક્સન છે. તમારે ચીફ ગૅસ્ટ બનવાનું છે. તમતારે રીક્સા-બીક્સામાં આઇ જજો. ભાડું પકડાઈ દઇસું.'

મેં ફોન મૂકી દીધો, એટલે સાંજે એ તો ઘેર આવ્યા. એમની સાથે એક બીજો માણસ પણ હતો.

હું કેદારનાથની તાજી તબાહીમાંથી બચીને આવેલો યાત્રાળુ હોઉં, એવી દયાથી મારા ઘરમાં એમણે જોયું. એમની મૂળ અપેક્ષા રેલ્વેનું ગોડાઉન જોવાની હોય ને જોવા મારૂં ઘર મળ્યું હોય, એવા આશ્ચર્યથી પૂછી ય લીધું,

'અહીં રહો છો ?'

'ના. અહીં તો અમે ઘરઘર રમીએ છીએ. અમે તો બહાર કમ્પાઉન્ડમાં આવેલા ઝાડ ઉપર રહીએ છીએ.' એવું કહેવાનો જોસ્સો તો ચઢ્યો પણ આવી તકલાદી હ્યૂમર આની પાછળ ક્યાં વેડફી નાંખવી, એ હિસાબે હૂં ચૂપ રહ્યો. હું ગુજરાતી હોવાથી મને હજી કોઇનું ગળું દબાવતા આવડતું નથી. મૂળભૂત રીતે, કોઇએ શીખવાડેલું પણ નહિ, એટલે ગળું દબાવવા જઉં, તો પેલાને ગલીપચી થઇ જાય, તો એને તો સાલાને ગમ્મત પડે ને આપણો જીવ જાય... પણ એ બંનેને જોઇને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને ય બંનેના ગળાં દબાવી નાંખવાનું જોમ ઉપડે, એવા લાગતા હતા.

'ત....તમે જ અસોકભ'ઇ ને ? આપણે સવારે વાત થઇ'તી ને ફોન પર... એ હું સુરેસ... સુરેસ સાહ... ચા-બા મૂકો...'

હજી હું કાંઇ રીઍક્ટ થઉં, એ પહેલા એ મારો જન્મજન્માંતરનો દોસ્ત હોય એમ એની સાથે આવેલાને મારો પરીચય આપવા માંડયો, 'આ..પેલા છાપામાં કૉમેડી જેવું લખે છે ને... જૉક્સ ને એવું બધું... બધાને હસાય હસાય કરે છે, એ જોકર આ જ... અસોક દવે, યાર ! બહુ મસ્ત કૉમેડીયન છે... મારી વાઈફ તો એમનું બહુ વાંચે છે..'

અત્યાર સુધી તો આ એકલો જ ડોબો લાગતો હતો... પણ એની વાઇફમાં થોડી બુધ્ધિ-ફૂધ્ધિ હશે, એવો અણસારો મળ્યો.

એ વાત જુદી છે કે, મારી પોતાની વાઇફ મારા લેખો કદી વાંચતી નથી.

આ સુરેશ શાહ ભર બપોરે હાઇ-વે પરના કોઇ ઝાડ નીચે પાણીનું કાળું માટલું મૂક્યું હોય, એવો બેઠી દડીનો માણસ હતો. એના ચેહરા ઉપર કોઇ સપાટ પ્રદેશ દેખાતો નહતો. કપાળ સપાટ હોવું જોઇતું હતું, પણ ત્યાં ઇસ્ત્રી-બિસ્ત્રી ફેરવીને સપાટ કરવાને બદલે એણે કોઇ ૩-૪ જાતના ચાંદલા કર્યા હતા. ગાલ તો માણસને બાય ડીફૉલ્ટ, સપાટ મળ્યા હોય, પણ આના ગાલના ખાડામાં ઝીણકી ઝીણકી બે આખી સોપારીઓ ગોઠવી શકાય એમ હતું. ઈશ્વરની મૂળભૂત ડીઝાઇન પ્રમાણે એની દાઢી આપણા જેવી જ ઊગી હશે, પણ જન્મ્યો ત્યારે એની ફોઇઓ, માસીઓ, મામીઓ કે મમ્મીઓએ (સૉરી...મમ્મીએ) દાઢીનું ચોપકું ખેંચી ખેંચીને એવું લાંબુ કરી નાંખ્યું હશે, કે આજે તમે જુઓ તો, સહજ ભાવે સૌંદર્ય ઊઘડયું હોય ને થેલાના કાણામાંથી બટાકું આવતું હોય, એવી એની દાઢી આખા ચહેરાને લીડ કરતી હતી. બોલતી વખતે સુરીયો ખભાનો એક ઝટકો મારીને વાત શરૂ કરતો હતો.

'અસોક દવે....ઍક્ઝેટ ૪ વાગે હૉલ પર પહોંચી જજો. અમારૂં ઑડિયન્સ સાડા પાંચ સુધીમાં આઇ જસે.'

જેમ મને ગળું દબાવવા ઉપર હજી હાથ બેઠો નથી, એમ કોઇના માથે સ્ટીલનો ગ્લાસ પછાડવાનો ય બહોળો અનુભવ નથી. વાઈફ બબ્બે ગ્લાસ લઇને આવી હતી ને મારૂં મનડું ઉપડયું ય હતું કે, સાલાઓના માથે બંને ગ્લાસ પછાડું, પણ સૃષ્ટીનો નિયમ છે કે, બહાદુરો વિચારકો હોતા નથી ને વિચારકો બહાદુર હોતા નથી. હું તો બેંમાંથી એકે ય કૅટેગરીમાં આવતો નથી, એટલે ગ્લાસ પછાડવાનો પ્રોજૅક્ટ માંડી વાળવો પડયો.

અમથું ય જાણ કર્યા કે પરવાનગી લીધા વિના કોઇ સીધું ઘરે જમા થઇ જાય, એ તો પોસાય નહિ ને ? અને આમે ય, બનાવવો હતો મને ચીફ ગૅસ્ટ, પણ એમનામાં કોઇ ડીસન્સી જેવું હયાત નહોતું, એટલે મેં ગુસ્સીલા મોંઢે કીધું, 'જુઓ ભાઇ, હું ક્યાંય ભાષણ આપવા જતો નથી. ચીફ ગૅસ્ટ બનવાનો તો સવાલ જ નથી. આવજો.'

દરમ્યાનમાં બહાર નીકળેલી દાઢીએ મને નજીકથી ઓળખતા ૩-૪ સંબંધીઓના પત્રો ભલામણ પત્રો આપ્યા, જેમાં રીક્વૅસ્ટ કરવામાં આવી હતી કે, અમારા ખાતર પણ તમે આ આમંત્રણ સ્વીકારશોજી. નામો એવા હતા કે, ના પાડી શકાય એમ હતું નહિ, એટલે મેં ગુસ્સો ગળી જઇને કહ્યું, 'આવીશ તો ખરો.... પણ પુરસ્કાર રૂ. ૧૫,૦૦૦/- ફાવશે ?'

'એટલો બધો નંઇ આલો તો ચાલશે... એં...તમે તારે ૮-૧૦ હજાર આલજો ને...આમ તો અમે કોઇના લેતા નથી, પણ તમે મોટા માણસ છો, એટલે તમારી પાસેથી ૮-૧૦ હજાર લઇસું, મારા ભ'ઇ...વાત પતી ગઇ !'
'આ ૧૫-હજાર મારે તમને આપવાના નથી...તમારે મને આપવાના છે !'

'સેના...?' એટલું બોલીને બાજુમાં ઊભેલી પાર્ટી સામે ચીડથી જોઇને બોલ્યા, 'અલ્યા ભ'ઇ, એક તો તમને ચીફ ગૅસ્ટ તરીકે બોલાઇએ છે....તમારા ગરામાં ફૂલોની મારા પહેરાઈએ છે....પછી અમારે સેના પૈસા આલવાના ?'

ઘરમાં કૂતરો પાળવાનો અહીં ફાયદો થયો હોત...આ લલવાઓની પાછ્ળ છોડી તો મૂકત...! પણ વાઈફને મારાથી એટલું બધું ફાવી ગયું છે કે, કૂતરો પાળવા જ ન દીધો, એના આવા પરિણામ ભોગવવા પડે છે !

એમને કાઢી તો મૂક્યા, પણ ફંકશનમાં જવું ય પડયું...પેલા સંબંધીઓના આગ્રહોને કારણે !

ત્યાં તો આ બંને લલ્લુઓ સિવાય કોઇ મને જોયે ઓળખતું નહોતું, એટલે પહોંચ્યો ત્યારે ચીફ ગૅસ્ટનું સ્વાગત-ફાગત તો દૂરની વાત છે, એમની જ્ઞાતિના પ્રમુખે હું મંડપવાળો હોઉં, એમ આદેશ આપ્યો, 'અલ્યા...કોનું કામ છે ?'

મેં જીભ કચરેલી રાખીને કીધું, 'આજના સમારંભનો હું ચીફ ગૅસ્ટ છું...'

'અરે મહેશ....આ કોઇ ચોથા ચીફ ગૅસ્ટ આયા છે...' એટલું કહીને પ્રમુખશ્રી હું સાંભળી શકું એમ બબડયા : 'હાળું ઑડિયન્સ આટલું આવવાનું નથી ને ચીફ ગૅસ્ટો ચચ્ચાર ભેગા થઇ ગયા....!' પછી ડાયરૅક્ટ મને કીધું, 'જો ભ'ઇ...જે કોઇ તમારું નામ હોય. અહીં ખુરશી પર બેસો. પ્રોગ્રામ શરૂ થયે તમને બોલાઇશું ! ઑડિયન્સ તો કલાકેકમાં આઇ જશે.'

'ઑડિયન્સમાં કોણ છે ?'

'અરે ખાસ કોઇ નહિ.... આ તો અમારી જ્ઞાતિના મંદબુધ્ધિના બાળકો માટે કૉમેડી શો જેવું રાખ્યું છે...કોઇકે વળી કીધું કે, પેલો અશોક દવે છે....એ બહુ હસાવશે....એ જેવું લખે છે, એવું જ ઑડીયન્સ છે, એટલે છોકરાઓ ખુશ થશે.. અને હા ભ'ઇ...તમારૂં નામ શું ?'

સિક્સર

- એક સારા સમાચાર : હવે નૅશનલ જ્યૉગ્રાફિકે પણ ક્રોકોડાઇલ (ક્રૉક્સ) કે ઍલીગૅટર્સને ભારતના 'મગર'નું ઑફિશીયલ નામ આપી દીધું છે. એ લોકો ઇંગ્લિશમાં ય ક્રોક કે ક્રોકોડાઇલને બદલે 'મગર' બોલે છે.

- ઓહ ન્નો...! ગુજ્જુ મમ્માઓ અને ઇંગ્લિશ ટીચરો મુશ્કેલીમાં... 'મગર'નું ઇંગ્લિશ કરવું પડશે !

No comments: