Search This Blog

10/07/2013

ઘર આયા મેરા પરદેસી

ઘેર પહોંચ્યો તો માહૌલ ટેન્શનનો હતો. બધા મારી રાહ જોતા હોય, એ તો પહેલી નજરે જણાઈ આવ્યું. ગભરાયેલું તો હરકોઈ હતું. મારે પૂછવું ન પડયું કે, થયું છે શું ?

''અસોક... કોઈ 'દિ નંઇ ને આજે ઘરમાં મોટો ઉંદર ભરાણો છે... આવડો મોટો !''

પહેલાં તો એવું લાગ્યું કે, એ મારી વાત કરી રહી છે અને જીવનભરની દાઝો કાઢવા ઉંદરને પ્રતિકાત્મક બનાવી, ફરિયાદ મારી કરી રહી છે. એ વાત જુદી છે કે, ઑફિસેથી ઘેર આવ્યા પછી અમારા બન્નેના સંબંધો ઉંદર- બિલ્લી જેવા રહ્યા છે. એ ઘરમાં હવાફેર કરવા થોડીવાર માટે નીકળી હોય ત્યારે જ્યાં નાનકડી ગપોલી મળે, ત્યાં હું ઘૂસી જઉં છું ને બને ત્યાં સુધી એની અબખે ચઢતો નથી. ઉંદરને પકડવા હાથમાં પાંજરૂ ખુલ્લું રાખીને ન ફરાય, એ જાણવા છતાં મને પકડવા એ ખુલ્લી થાળી લઈને રૂમે રૂમે ભટકતી હોય. હું એ ખૂણાની ધારમાંથી બધું જોતો હોઉં. ઘાત જતી રહે પછી જ બહાર નીકળું. ભ'ઇ આજકાલ કોઈની સાથે બહુ ઘર જેવા સંબંધો રાખવામાં માલ જ નથી. બધે આપણે જ ખેંચાવું પડે છે. સુઉં કિયો છો ?

''હા પપ્પા... ગમ્મે ઇ કરો, પણ ઉંદરને કાઢો... ઘરમાં છોકરાંવ નાના નાના રિયા... કિયાંક કરડી જાશે તો -'' વહુ બોલી.

''અસોક... આ શહન નથ્થી થાતું, ભ'ઇ સાબ... આપણા ઘરમાં ઉંદરૂં... ???''

''ઉંદર... ? ક્યાંથી આવ્યો ?'' કેમ જાણે ઉંદર મોબાઇલ પર એસ.એમ.એસ. કરીને આવવાનો હોય, એમ મારાથી પૂછાઈ ગયું, એમાં એ ચીડાણી, ''કિયાંથી આઇવો, એની ક્યાં માન્ડો છો... ? આપણે તીયાં તો કેમ જાણે બધાં દિલ્હી ને ગાંધીનગરૂંથી જ આવતા હઇશે...!''

અમે ચોથે માળ રહીએ છીએ. નીચે શાકવાળાની દુકાન છે. બાજુમાં નવા ફ્લૅટ બને છે. એટલે ખોદકામ દરમ્યાન જમીનમાંથી ઉંદર કે સાપ બહાર આવતા હોય છે. પણ વચ્ચેના ત્રણ માળો છોડીને મારા ઘરમાં એ શું કામ આવ્યો, એ ન સમજાયું. આજકાલ તો ઉંદરોના ટેસ્ટો ય ઊંચા જવા લાગ્યા છે ને કાંઈ ! સગાસંબંધીઓ આવતા નથી ને ઉંદરો આવવા માંડયા ? એ લોકો કરતા ઉંદરોમાં અમારી છાપ સારી લાગે છે, એવું આશ્વાસન લીધું.

આ ઉંદર લોકો બહુ સારા માણસો નથી હોતા... આઇ મીન, બહુ સારા ઉંદરો નથી હોતા. ઘરમાં ઘૂસી જાય, એટલે એ લોકો આપણા સૂઈ ગયા પછી ગોદડાં નીચેથી ઘુસીને પગના અંગૂઠા ઉપર હળવે હળવે ફૂંકો મારીને લોહી ચૂસે. ચૂસે એનો ય વાંધો નહિ, પણ એ આપણી જાણ બહાર બધું ચૂસે. આ બહુ સારા સંસ્કાર ન કહેવાય. કહે છે કે, ઉંદર ફૂંકો મારતો હોય એમાં કલા અને વિજ્ઞાન બંને શામેલ હોય છે. એ લોહી ચૂસતો હોય ત્યારે ઊંઘમાં ય આપણું મોઢું હસુ- હસુ થતું હોય છે. મીઠી મજા આવતી જાય છે. કરડીને તરત જ કૃષ્ણની વાંસળી જેવી ઠંડી મજાની ફૂંક મારે... (અશોક દવે, આમાં સરખામણી 'કૃષ્ણની વાંસળી' સાથે ન હોય... એમ કિયો કે, ભરઊંઘમાં પોઢેલી પત્નીના નસકોરામાંથી નીકળતા ધૂમાડા સરીખી ફૂંકો ઉંદર મારે !... કોઈ પંખો ચાલુ કરો !) ઇન શોર્ટ, મને ઉંદરો તદ્દન 'સંસ્કાર-લેસ' લાગ્યા છે.

સોફા ઉપર બધા પગ ઊંચા કરીને બેસી ગયા હતા. નીચે રાખીએ તો ક્યાંક બચકું તોડી લે. અમારા ઘરનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ આમ પાછું પાવરફૂલ. તાબડતોબ નિર્ણય લેવામાં આવ્યો કે, સદરહુ ઉંદરને પકડી લેવો. માત્ર સદરહૂ જ નહિ, જે કોઈ ઉંદર હોય એને પકડી લેવો.

પણ પેપર અઘરું કાઢવામાં આવ્યું હતું. ઉંદરને પકડી તો લેવો, પણ પકડે કોણ ? ઘરની બહાર મારી છાપ એક બહાદૂર નવયુવાનની ખરી, પણ એ તો બહાર ઉંદર પકડવા જવાનું હોય, તો ની વાત છે. ઘરમાં પત્નીનું ચલણ બધા ઉપર છે, તો ઉંદર ઉપર શું કામ ન હોય ? મારી ભાવના એવી ખરી કે, એક વખત પત્ની ઉંદર પકડવા જાય તો ઉંદર અને મારી વચ્ચેનો તફાવત સમજી શકે ! આ તો એક વાત થાય છે !

''ના હોં અસોક... મારાથી ઉંદરૂં- બુંદરૂં નો પકડાય. એક કામ કરો. પોલીસમાં ખબર દઈ દિયો. ઇ લોકો ચૅઇન-ચોરોને પકડી શકતા નથી, પણ ઉંદરો ઉપર એમનો હાથ શારો બેશી ગીયો હોય...ઇ લોકોના ઘરમાં રોજનું થીયું ! પણ મારાથી ઉંદર નો પકડાય. અસોક, એક કામ કરો. હું તમને પકડી રાખીશ... તમે ઉંદરને પકડજો.'' આચાર્ય વિનોબા ભાવેનું સૂત્ર 'વિના સહકાર નહિ ઉદ્ધાર' વાઇફે મારા પૂરતું પચાવ્યું હતું. અંગત રીતે મારૂં કેવું છે કે, મને પહેલેથી જ ઉંદરો ગમતા નથી. આપણો એ સ્વભાવ જ નહિ. યસ. હું પ્લાન ચોક્કસ કરી આપું કે, ઘરમાં પેઠેલા ઉંદરને પકડવાની ૧૩ તરકીબો મારી પાસે છે. પણ જગતમાં આવ્યા પછીની બધી બાબતોમાં સ્વાવલંબી નથી થવાતું.

અલબત્ત, 'ઝાઝા હાથ રળિયામણા' અને આવું હિંદી ફિલ્મનું બીજું ય કોક ગીત હતું. 'સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોજ ઉઠાના... હોઓઓઓ, સાથી હાથ બઢાના.' એ ઘોરણે ઘરના બધા ભેગા મળીને ઉંદર પકડવાનું નક્કી કર્યું.

...અને બધાએ ભેગા મળીને નક્કી એવું કર્યું કે, આ કામ તો પપ્પાને જ ફાવશે.

મને ગમ્યું તો નહિ, પણ આટલા વર્ષો પછી મને કશું ફાવશે, એની ઘરમાં શ્રદ્ધા બેઠી હતી, મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો. મારો રાજ્યાભિષેક થઈ રહ્યો હતો, એ મને ગમ્યું.

મૂળભૂત રીતે હું પ્લાનિંગનો માણસ. પ્લાન વગર આપણું કશું ન હોય (એકમાત્ર લગ્નને બાદ કરતા !) એટલે મેં વાઇફને કોક સારો દિવસ જોવડાવવાનું કીધું. સાત સૂચનો રજૂ કરતું એક પત્રક બનાવવામાં આવ્યું. ઉંદર કયા રૂમમાં ભરાયો છે, પકડતી વખતે એ સીધો આપણી ઉપર કૂદે, તો ઠેકડા ન મારવા, ઘર આખામાં ધૂમાડો કરી, રૂમો-બુમો બંધ કરી આપણે બહાર નીકળી જવું, એટલે ઉંદરે ય બહાર નીકળી જશે, ઉંદર પકડતી વખતે ઘરમાં થનારી સંભવિત દોડાદોડી દરમ્યાન ઘરનું કોઈ હડબોટિયું ખાઈ જાય તો, 'ડેટોલ' હાથવગું રાખવું, ઉંદર પકડવાનું પાંજરૂં નીચે સબ્જીવાળા પાસેથી માંગી લાવવું અને પકડાઈ ગયા પછી પાછું માંગે તો પાછું આપી દેવું. (ઉંદર સાથે નહિ !... નોર્મલી હિન્દુઓમાં રિવાજ છે કે, કોકનું વાસણ લઈ આવ્યા હોઈએ તો એ ખાલી પાછું ન દેવાય... મહીં કાંઈ ભરીને જ પાછું દેવાય ! જય અંબે.)

અને છેલ્લું.... પકડાઈ ગયેલા ઉંદરને બની શકે તો અડોસપડોસમાં જ કોકના ઘરમાં છાનોમાનો છોડી આવવો. અમારા પડોસમાં પટેલ, જૈન, બ્રાહ્મણ, લુહાણા અને વૈષ્ણવો રહે છે. એ લોકોના ઘરે કંઈક નવું બન્યું હોય તો વધેલું-ઘટેલું આપણા ઘરે મોકલાવે છે. આપણે સામું કાંઈ મોકલાવી શકતા નથી, એનું દુઃખ થાય. પકડેલો ઉંદર એમના ઘરમાં છોડી આવવાથી માનસિક શાંતિ રહે, કે એમના ઘરમાં વધેલી ખાંડવી આપણા ઘેર મોકલી હતી, એ ખાધા પછી આવનારા ૧૪,૦૦૦ વર્ષો સુઘી ખાંડવી વિના ખેંચી કાઢવાની નેમ લીધેલી તો મૌકા ભી હૈ, દસ્તૂર ભી હૈ... રસ્મ ભી હૈ !... હૈ ના ???

બીજા દિવસે મારા કોઈ પ્રયત્ન વગર ઉંદર પાંજરે પૂરાયો. 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી'ના ગગનભેદી નારા સાથે અમે હિલ્લોળે ચઢ્યા, ખુશીયો કા કોઈ ઠીકાના નહીં થા...

પણ જીવનના કેટલાક આનંદો ક્ષણભંગૂર હોય છે. આનંદ લાંબુ ટક્યો નહિ, પકડાયેલા ઉંદરને છોડવા કોણે જવું, એ વિષે ઘરમાં નવી બેઠક બોલાવી. કહે છે કે ઉંદર પકડવો સહેલો છે પણ પકડયા પછી એને છોડી આવવો ઘણો અઘરો છે. ઘરની આસપાસના એક-બે કિલોમીટરના અંતરે તો છોડાય જ નહિ. ઘર છોડીને ગયેલા દીકરા ઘરે જ પાછા આવતા હોય છે, એમ એ ગંધ પારખીને આપણા ઘરે જ પાછો આવતો રહે.

વચમાં તો ગાડીમાં ઉંદરો છોડી આવવામાં આપણી માસ્ટરી હતી. હું તો બહારના ઓર્ડરો ઉપરે ય પૂરતું ધ્યાન આપતો. પણ એમાં શું થતું કે, થોડે આગળ જઈને ઉંદર છોડું, એટલે કાં તો ઠેકડો મારીને પાછો ગાડીમાં આવી જાય ને કાં તો વાંહેથી આવતા વાહન નીચે ચગદાઈ જાય. અમારે તો ભ'ઇ જૈનો વચ્ચે રહેવાનું, એટલે ઉંદર હોય કે માણસ... હિંસા ન પોસાય. એટલે, એ ઉપાય લાંબુ ન ચાલ્યો.

બન્યું ત્યારનું અમારું નારણપુરૂં ઉંદરો છોડવા માટે નક્કામું છે. કોઈ કરતા કોઈ પોતાના બંગલાની બહાર આપણો ઉંદર છોડવા જ ન દે. નારણપુરાની પ્રજામાં સહકારની ભાવના જ નથી. 'આશિક કા જનાઝા હૈ બડી ધૂમ સે નીકલે'ના ધોરણે ઉંદરજીને મારી બાજુની સીટ નીચે બેસાડીને એક પિતા એના વહાલસોયા પુત્રને બાળમંદિરે મૂકવા જતો હોય એમ કંટાળીને હું આગળ ને આગળ જતો ગયો... પણ જ્યાં છોડવા જઉં, ત્યાં કોક ને કોક પકડી પાડે. ભિખારીને 'આગળ જાઓ, બાબા' કહેતા હોય, એમ લોકો મને આગળ જવાની સૂચના આપે.

ઉંદર છોડવા અત્યારે હું નડિયાદ સુધી તો આવી ગયો છું... એવું હશે તો, મુંબઈ પહોંચીને આવતા 'બુધવાર'નો લેખ મોકલાવીશ.

સિક્સર

''બોસ... રોજ હવે ઉત્તરાખંડની હોનારતના સમાચારો જોઈને 'મઝા' નથી આવતી... ચૅનલ બદલો, યાર !''

No comments: