Search This Blog

09/06/2013

ઍનકાઉન્ટર 09-06-2013

* આંખ માટે ચશ્મા, કાન માટે મશીન, દાંત માટે ચોકઠું.. પણ મગજ માટે શું ?
- આંખ, કાન અને દાંત ગયા પછી મગજની જરૂરત પડતી નથી.
(કવિતા કપિલ સોતા, મુંબઈ)

* કર્ણાટકમાં વકીલોએ પોલીસ પર પથ્થરમારો કર્યો...
- રીવૉલ્વર ન હોય તો શું કરે બિચારા ?
(જે. એમ. સોની, અમદાવાદ)

* દીવો પ્રગટાવવાથી ભગવાન પ્રસન્ન થાય ખરા ?
- બપોરે ૧૨થી ૪ મારો સુવાનો ટાઈમ છે.
(ઋષિ વૈષ્ણવ, જામનગર)

* શિક્ષક પહેલા ભણાવે છે ને પછી કસોટી લે છે.. જીંદગીમાં ઊલટું કેમ ?
- જીંદગીઓ ટયુશન-ફીઓ નથી લેતી !
(સુરેશ પી. મહેતા, વડોદરા)

* મમતા, માયા અને જયા (લલિતા)ની બૅન્ડ, બાજા ને બારાત ક્યારે નીકળશે ?
- શું કામ પણ બેન.. મુંબઈમાં બેઠા બેઠા (હજી નહિ થયેલા) ત્રણ નિર્દોષ પતિઓને હણી નાંખવા માંગો છો ?
(ફિઝ્ઝા આરસીવાલા, મુંબઈ)

* ટૅનિસ ખેલાડીઓના કપડાં ઊંચા-નીચા હોય છે, તેવા જ ફોટા કેમ છપાય છે ?
- તમારૂં ય ધ્યાન પૂરાં કપડાં ઉપર ગયું ને ?
(મીના નાણાવટી, રાજકોટ)

* સુંદરતાને બુદ્ધિ સાથે કેટલો સંબંધ ?
- હું તો ફક્ત બુદ્ધિમાન જ છું...!
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* અમિતાભ બચ્ચન પાસેથી શું શીખવા જેવું છે ?
- ડીસન્સી.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* પત્નીના મૉંઢે સવા મણનું તાળું હોય તો શું કરવું ?
- મોંઢું ખોલાવીને એમાં ભરપુર તેલ રેડવું... વાઈફ અથવા તાળું, બેમાંથી એક કામમાં આવતું થઈ જશે !
(સૈયદ અકબરઅલી, ઈલોલ)

* ટાલીયાઓ ભાગ્યે જ નિર્ધન હોય છે, તેનું શું કારણ ?
- તેલ, કાંસકો, હૅર-કટરના કરોડો રૂપિયા બચી ના જાય ?
(ખુશ્બુ માલવ મારૂ, સુરત)

* ઑફિસના બૉસ અને આપણી વચ્ચે ટાઈમનો હંમેશા તફાવત કેમ રહેતો હોય છે ?
- એમને ઑફિસ ચલાવવાની હોય છે ને તમારે બૉસ ચલાવી લેવાનો હોય છે !
(અલી અસગર સાઈગર, માંડવી-કચ્છ)

* જગતનું સૌથી મોટું જૂઠ ક્યું ?
- સત્ય.
(એ. એ. માડકીયા, જામનગર)

* વિધવાના ઘર પાસે જ વિધૂર રહેતો હોય તો શું કરવું ?
- એને બીજી વાર વિધવા બનવાનો મોકો ન અપાય !
(મહેન્દ્ર પરમાર, રાજકોટ)

* મને રોજ સવારે કૅટરીના અને કરિનાના સપના આવે છે.. જાગીને જોઉં તો કામવાળી દેખાય છે.. મતલબ ?
- કામવાળીને પૂછી જોવું પડે કે, એને સપનામાં કોણ દેખાય છે ? એ. કે. હંગલ, જીવન કે ડૉ. લાગુ..!
(મધુકર પી. માંકડ, જામનગર)

* સાંભળ્યું છે કે, 'વેદ'થી ઊંધા ચાલે એ 'દવે'... તમે સુઉં કિયો છો ?
- ઊંધા ચાલતા હશે, ઊંધા પડતા નથી.
(જ્યોત્સના રોહિત ભટ્ટ, દાંતીવાડા)

* પદવીદાન સમારંભોમાં કાળા ડગલાં કેમ પહેરાવવામાં આવે છે ?
- ધોળું ધોળું બધું પૂરૂં થયું... હવે કાળું કરવાનો સમય આવી ગયો !
(ધીમંત ભાવસાર, બડોલી)

* સુરતમાં આટલી બધી ગાળો બોલાતી હોવાનું કારણ શું ?
- એની માં ને.. ઉફ... મને ખબર નથી !
(ભરત ડી. સાંખલા, ડીસા)

* આપના જેવા સફળ હાસ્ય લેખક બનવા કઈ લાયકાત જોઈએ ?
- હરિફો પણ ઉત્તમ લખે છે, એવી ભાવના સ્વાભાવિક હોવી જોઈએ.
(નિલેશ શાહ, ભાયંદર-થાણા)

* હવે ડિમ્પલ કાપડીયાને બદલે વિદ્યા બાલનને ચાન્સ આપવા જેવો નથી લાગતો ?
- એક ભારતીય પુરૂષ એક ભવમાં કદી બીજો ભવ કરતો નથી, વત્સ !
(અજય વ્યાસ, બિલખા)

* તમને રીવૉલ્વરનું લાયસન્સ મળે તો નિશાના પર કોણ હશે ?
- ગોળીઓનો ખર્ચો કોણ આપે છે, એના પર બધો આધાર છે !
(દિપક આશરા, ગાંધીનગર)

* યુવાપેઢી ઉપર 'ફૅસબુક'ની અસર વધારે પડતી નથી લાગતી ?
- અમારા ઉપર 'પાસબુક'ની અસર વધારે લાગે છે !
(પ્રણાલિ અંજારીયા, ભાવનગર)

* વધારે પડતી દાદાગીરી કરતા પતિનું શું કરવું ?
- પતિગીરી પડતી મૂકીને બિચારાને દાદાગીરી કરવાના દહાડા આવ્યા હોય, તો દાદીઓએ...આઇ મીન, વાઈફોએ સુધરવું જોઈએ !
(મયૂરી ભાવેશ વોરા, જોરાવરનગર)

* જ્યાં 'જડતા' હોય ત્યાં ઈશ્વર જડતા નથી. સાચું ?
- ઈશ્વરની વધુ પડતી ભક્તિ ય વાસના જ છે !
(બબુ દફતરી, રાજકોટ)

* આપની સૌથી મોટી સિદ્ધિ કઈ ?
- દુશ્મનોનો કદી બદલો લીધો નથી.
(મયંક સુથાર, સુરત)

* અવકાશમાં સ્પૅસ-સ્ટેશન થયા પછી ત્યાં રહેવા કોને મોકલવા જોઈએ ?
- દુનિયાભરની સાસુઓને !
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

* શોકસભામાં જ મરનારના વખાણ કેમ થાય છે ?
- ...ટાઇમ પાસ !
(જયેશ અંતાણી, ભાવનગર)

* મારા પતિ ઊંઘમાં બહુ ચાલે છે. શું કરવું ?
- એમને જાગતા બે ઘડી બેસવા દો.
(શ્વેતા પટેલ, અમદાવાદ)

No comments: