Search This Blog

05/06/2013

આ લેખ ફિક્સ થયેલો છે

આપણે ઘરમાં ફૅમિલી-મૅમ્બર્સ સાથે બે ઘડી ગમ્મત ખાતર તીનપત્તી રમવા બેઠા હોઇએ અને પોલીસ આવી જાય તો, પછીની દસમી મિનિટે આખું ફૅમિલી બહાર ઊભેલી બ્લ્યૂ રંગની લોખંડની જાળીવાળી પોલીસવૅનમાં બારીની બહાર જોયે રાખતું બેઠું હોય...! પોલીસ બધાને પકડીને લઇ જાય. સોફા પર બેઠી બેઠી માળા ફેરવતી આપણી બા ય પોલીસવૅનમાં બેઠી હોય. પોલીસો અચાનક આવી જાય, એટલે આપણને એમ કે, ઘડીક હવાફેર ખાતર આપણી સાથે પત્તાં રમવા આવ્યા લાગે છે, પણ એ તો આપણને પકડવા આવ્યા હોય છે. ભારતીય સંસ્કૃતિ તો કહે છે, ''મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ....હોઓઓઓ''.... એટલે ભાવુક બનીને એમના સ્વાગતમાં ગળગળા થઇ જઇએ ને એ લોકો સામા ભાવુક બનવાને બદલે આપણને દબડાવે, ''ચલો, પોલીસ સ્ટેશન...!'' આજકાલ સાલા માણસોના કાંઇ ભરોસા છે ? એક જ મિનિટમાં આપણી છાપ તો જુગારીઓની થઇ ગઇ ને ?... આપણે ગૂન્હેગાર થઇ ગયા...!

ક્રૂરતા ય કેવી ? વૅનમાં બેઠા પછી આ લોકો અંદર પત્તાં રમવા દેતા નથી...! બાપાનું રાજ છે....??? આપણે તો, જેને ઘેર પત્તાંની બેઠક હોય, એ લોકો ચા-નાસ્તા ય કરાવે, આદુ નાંખેલું લિંબુનું શરબત પીવડાવે, એસી ચાલુ રાખે, ને સગવડ હોય તો સારા ઘરના માણસો હવે તો બિયર પણ પીવડાવે છે. પોલીસવૅનમાં એવું કાંઇ આપતા નથી. પોલીસોમાં એવા વિવેક-વિનયો ન હોય.

તો ભલું હો જો, શહેરની ટીવી-ચૅનલોવાળાનું કે, પોલીસવૅનમાં બેસતા આપણું લાઇવ-ટૅલીકાસ્ટ કરતા નથી. આજુબાજુવાળા ભેગા થઇ ગયા હોય ને ભીડની વચ્ચેથી આપણને હાથ બાંધીને લઇ જતા હોય ત્યારે ટીવી-કૅમેરા સામે સ્માઇલો આપવાના હોય છે. બધા ગૂન્હેગારો આપતા હોય છે. મને તો જો કે, મોંઢા ઉપર કપડું ઢાંકીને પોલીસવૅનમાં બેસવાનો જરા ય અનુભવ નથી. કહે છે કે, એવા કપડે તો ફોટા ય સારા નથી આવતા ! આપણા જેવાને તો ખોટા અભિમાનો હોય નહિ, એટલે કાલ ઉઠીને આપણાં મોંઢા ઉપર કપડું પોલીસે ઢાંક્યું હોય તો ય, ખસેડીને ટીવીવાળાઓ સામે સ્માઇલ આપીએ.

કહે છે કે, પોલીસવાળા ડયૂટી પર સ્માઈલો નથી આપતા. આ લોકોની લાઈફોમાં સ્માઈલો જેવું હોતું ય નથી. એમનાથી ઉપરના ઑફિસરોને સલામ મારવાની હોય, ગુન્હેગારોને મારતા મારતા કાંઇ સ્માઈલો ના અલાય. લાંચ જીવનભર ઓછી જ પડે, એટલે જંગી હોય તો ય એ સ્વીકારતી વખતે કાંઇ હસી પડવાનું ન હોય...ને આ બાજુ ઘેર પહોંચ્યા પછી તો વાઈફો ય મહિલા પોલીસ જેવી લાગતી હોય, એટલે એની સામે શું વાવટા હસે ?

કહે છે કે, વૅનમાં બેઠા પછી બાજુમાં બેઠેલા પોલીસ પાસે બીડી માંગવાની હોય છે. આ લોકો પાસે બીજું કશું હોય બી નહિ ! ભલે આપણે બીડી પીતા ન હોઇએ, પણ માંગવી સારી...બીડી એની પાસે હશે તો આપશે, પણ ના હોય તો આપણાથી એને ના કહેવાય કે, ''જાઓ જમાદાર....સામેની દુકાનેથી બે ઝૂડી સંભાજી બીડી લઈ આવો.'' સંબંધો આમ વધે. હાથ આપણે લંબાવવો પડે. ભલે બીડી માટેનો હોય !

વાઇફ પહેલેથી મને કહેતી હતી કે, પોલીસમાં ઓળખાણો રાખો. સંઘર્યો સાપ પણ કામમાં આવે.

મેં પ્રયત્નો તો કર્યા હતા કે, એકાદો પોલીસવાળો ઓળખતો હોય તો કોક 'દિ કામમાં આવે....આઇ મીન, આમ ક્યાંયથી બૉતલ-ફોતલ ના મળતી હોય તો આ લોકો લાઇ આલે...! આ તો એક વાત થાય છે !

તો ય બાજુમાં બેઠેલી વાઇફે મને કોણી મારતા આગળ વધવાનો ઇશારો કર્યો. થૅન્ક ગૉડ, 'આગળ વધવાનો' ઈશારો પોલીસવાળો નહતો સમજ્યો. મેં બીજી બાજુ બેઠેલા જમાદારને સ્માઈલ આપ્યું. મને એ ખબર કે, પોલીસવાળા પાસેથી કશું લેવાય નહિ...અપાય ખરૂં ! જોયું તો ખબર પડી કે, એ તો જન્મ્યો ત્યારે ય નહોતો હસ્યો. પણ આપણો સ્વભાવ કે, કોઇ સંબંધ રાખવા ન માંગતું હોય તો ય આપણે રાખવા. આની સાથે ક્યાં જન્મજન્માંતરના સંબંધો રાખવા છે !

''કઇ બાજુના....?'' મેં પૂછ્યું.

જવાબમાં હું તો જાણે કોઇ ગૂન્હેગાર હોઉં, એવા મોંઢે મને કહે, ''ગાયકવાડની હવેલી પોલીસ સ્ટેશનના....!''

તારી ભલી થાય ચમના...હું તારા ગામનું પૂછું છું ને તું મને તારા કામનું બતાવે છે ? તારી બાએ તને આવા સંસ્કારો આલ્યા છે ? તો ય...આપણે ખોટું નહિ લગાડવાનું. વાઇફના ફાધર ગૂજરી જતા પહેલા કહેતા ગયા હતા કે, પોલીસવાળા સામે કદી સાચું ન બોલવું ને વાઇફ સામે કદી ખોટું ન બોલવું. એમને બન્ને ક્ષેત્રોનો બહોળો અનુભવ ! એ સોનેરી સલાહ ધ્યાનમાં રાખીને જમાદારે મને પૂછ્યું, ''તમે કઇ બાજુના....?'' એટલે મેં કીધું, ''અમે મુખ્ય મંત્રી બાજુના...!''

એમાં એ ચમક્યો. બીજો સવાલ જ ન પૂછ્યો. પણ હવે આટલા નજીક આવી જ ગયા છીએ, પછી સંબંધ કાંઇ અધૂરો મૂકાય છે ? મેં પૂછ્યું, ''મુઝે યહાં કીસ લિયે લાયા ગયા હૈ...?''

એ ચમક્યો, પણ એને બધી ખબર ન હોય કે, હિંદી ફિલ્મોનો હીરો પહેલીવાર પકડાય, ત્યારે આ જ સવાલ પૂછતો હોય છે. અમારે હીરાલોકોને પોલીસવૅનમાં બેસાડ્યા છતાં ય પૂછવું તો પડે કે, ''મુઝે યહાં ક્યું લાયા ગયા હૈ...મૈં બેકસૂર હું...છોડ દો મુઝે...છોડ દો મુઝે...''

આ સ્થાનિક પ્રવાસમાં મારી સાથે આખું ફૅમિલી બેઠું હોવા છતાં ગાડીમાં મારૂં કોઇ માન નહોતું. હું તો પત્તા રમતાં પકડાયો છું કે, ખિસ્સા કાતરતા, એના ભેદની જમાદારને ખબર લાગતી નહોતી. મને પૂછ્યું, ''કેટલા વરસોથી આ ધંધામાં છો ?''

''ધંધો...? યૂ મીન...ક્યાં ધંધાની વાત કરો છો ?'' હું નર્વસ થવા માંડયો હતો.

''ક્યા, તે વળી આ જુગારખાનાના....!''

મેં ઢીલા થઇને કહી દીધું, ''જુઓ જમાદાર....પત્તા અમારો ખાનદાની ધંધો નથી. અમે તો વર્ષે-બે વર્ષે એકાદવાર ઘરના ને ઘરના જ સભ્યો રૂપિયે પૉઇન્ટથી સાદી તીનપત્તી રમીએ છીએ...બે ઘડી ગમ્મત, યૂ નો...! આ ફલૅટ અમે તીનપત્તીની કમાણીમાંથી નથી લીધો. હમલોગ મેહનતકશ ઈન્સાન હૈં....(અમુક વખતે હિંદીમાં બોલીએ તો જરા 'પો' પડે !)

''એ બધું તો કસ્ટડીમાં ચાર-પાંચ ડંડા પડશે, એટલે ખબર પડશે...!'' મને એની આવી વાત ન ગમી. આમાં તો છોકરૂં બી જાય ! .....'પી' થઇ જાય !

એ મારો નાનો ભાઈ હોય, એવા વાત્સલ્યથી એના ખભે હાથ મૂકીને મેં પૂછ્યું, ''શું પત્તા રમવા ગૂન્હો છે ? કાયદો તો ગૂન્હો ગણે છે, પણ ગૂન્હાની સમજ શું છે ? સાદી સમજ મુજબ, તમારા કોઇ કૃત્યથી કોઇને નુકસાન પહોંચ્યું હોય, એ બેશક ગૂન્હો કહેવાય. હું ઘેર બેઠો દારૂ પીતો હોઉં, (ભલે પરમિટ વગર....!) તો મેં કોઇને ક્યું નુકસાન પહોંચાડયું કહેવાય ? કમ ઑન....ઘરની બહાર નીકળીને લવારા કે બદતમીઝી કરૂં, તો ચોક્કસ ગૂન્હો કહેવાય. પણ પત્તાં મારા પૈસાથી રમું છું, આજુબાજુવાળાઓને, દેશને, મારા ફૅમિલીને કે મારી જાતને પણ કોઇ નુકસાન પહોંચાડતો નથી. તો ગૂન્હો ક્યા આધારે બન્યો ? મોડી રાત સુધી મારા ઘરમાં મોટા મ્યુઝિકે ડાન્સ-પાર્ટી ચલાવું તો બેશક પડોસીઓ હેરાન થાય ને એ ગૂન્હો બને છે, પણ પત્તાં રમવામાં ક્યું નુકસાન સમાજને થયું ?....અને અમે અહીં ઘરમાં બે ઘડી રમવા બેઠા ને રામ જાણે અમે કાંઇ કેટલાય ખૂનો કરી નાંખ્યા હોય, એમ તું અમને પકડવા આવ્યો ?''

એ મારા પ્રવચન દરમ્યાન મૂંઝાવા માંડયો. મારાથી કોઇ મૂંઝાય, એ મને બહુ ગમે. એ જરીક ઢીલો પડવા માંડયો, પછી હું તાનમાં આવી ગયો. હવે મારા અવાજમાં પ્રભાવ આવવા માંડયો હતો. મેં કીધું,

''પત્તાં રમવામાં ગૂન્હો ગણાતો હોય તો ક્લબોમાં રમી રમાય છે, એ નકરો જુગાર છે, છતાં ત્યાં કેમ કોઇ ગૂન્હો બનતો નથી ? એ લોકો એમ કહે છે કે, 'રમી' a game of skill છે અને તીનપત્તી a game of chance છે, માટે જુગાર બને છે. 'સ્કીલ'વાળી ગૅઇમમાં બુધ્ધિ વાપરવી પડે છે, જ્યારે 'ચાન્સ'વાળી તીનપત્તીમાં બુધ્ધિ-ફૂધ્ધિ તો કેમ જાણે વાપરવી જ નહિ પડતી હોય...! 'રમી'માં 'ચાન્સ'ની જરૂર નહિ પડતી હોય ? માત્ર બુધ્ધિ જ વાપરવાની હોય તો દેશના સૌથી વધુ બુધ્ધિમાન પુરવાર થયેલા અંબાણી કે અદાણીઓ એમના રોજના ધંધા-ફંધા પડતા મૂકીને રમીઓ રમવા ન બેસી જાય ? આ બધી લમણાફોડમાં શું કામ પડે ?'' જમાદારના હાવભાવ પરથી એવું લાગતું હતું કે, એ મારાથી નકરો બોર થઇ રહ્યો છે અને કંટાળીને રસ્તામાં જ ઉતારી દેશે, પણ એવું ન બન્યું એટલે મારામાં વધુ હિંમત આવી.

(ગતાંકથી ચાલુ) ''જુઓ ભાઇ, જે કાંઇ તમારૂં નામ હોય...પણ ગૂન્હાની કાયદાકીય સમજ પણ એવી તો હશે ને કે, જે કૃત્યથી અન્યને નુકસાન પહોંચે, તે સજાને પાત્ર થાય. તો પછી IPL ની ક્રિકેટ ટુર્નામૅન્ટમાં ફિક્સિંગ થાય કે ન થાય એનાથી આખા દેશમાં કોને નુકસાન થાય છે ? ટીવી પર મૅચો જોનારાઓને ક્યાં ખબર છે કે, ફલાણી મૅચ ફિક્સ થયેલી છે કે સ્પૉટ ફિક્સિંગ થયેલ છે ? ક્રિસ ગૅઇલના ૧૭૫-રનની રમત જોતી વખતે જે આનંદ આ ગૅઇમે આપ્યો છે, એ દિલ્હીના બળાત્કારની રાબેતા મુજબની ઘટનાઓ આપે છે ? ખિસ્સામાં હાથ રાખીને ફેરફૂદરડીઓ ફરે રાખતા મનમોહન કે અડવાણીઓ કેટલા ફિક્સિંગમાં સંડોવાયા છે, એ પુરવાર થાય તો મને ને તમને બધાને ભરચક નુકસાન થાય છે, પણ આઇપીઍલમાં અબજોના ફિક્સિંગ થાય તેમાં આપણે તો ક્રિકેટ જોનારાઓ છીએ, સટ્ટો રમનારાઓ નહિ, તો પછી આપણને શું નુકસાન થયું ? ભલે ને, મૅચ ફિક્સ થયેલી છે !''

એણે કશીક બૂમ ડ્રાયવરને મારી. પોલીસવૅન ઊભી રહી ગઇ. અમે ચમક્યા. મને એમ કે, ગાડી ઊભી રાખીને મને મારશે, એને બદલે હાથ એણે જોડયા, ''મને કહે, ''ભૂદેવ....આપ ઘરે પધારો....આપ જ્ઞાની છો. અમારી મોટી ભૂલ કે આપની ધરપકડ કરી...ભૂલચૂક લેવીદેવી.''

સિક્સર
- સાધુઓની સેક્સ-લીલાઓ ઉઘાડી પડયા પછી, ભક્તો આવતા ઓછા નહીં થાય ?

- જંગી સંખ્યામાં ભક્તો વધશે. એમને ય લાલચ રહે કે, વધ્યો-ઘટયો ''પ્રસાદ'' આપણને ય મળશે.

No comments: