Search This Blog

07/06/2013

'યાત્રિક' ('૫૨)

ફિલ્મ : 'યાત્રિક' ('૫૨)
નિર્માણ : ન્યુ થીયેટર્સ (કલકત્તા)
દિગ્દર્શક : કાર્તિક ચેટર્જી
સંગીત : પંકજ કુમાર મલિક
ગીતો : પંડિત ભૂષણ-પંડિત મધુર
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : (અમદાવાદ) ખબર નથી.
કલાકારો : અરૂંધતિ મુકર્જી, વસંત ચૌધરી, અભિ ભટ્ટાચાર્ય, મોલિના દેવી, માયા મુકર્જી, તુલસી ચક્રવર્તી, રાજલક્ષ્મી અને મનોરમા.


ગીતો

૧. રામનામ ઘનશ્યામનામ શિવનામ સિમર દિન રાત.... બિરેન પાલ
૨. તુ ઢુંઢતા હૈ જીસકો બસ્તી કે યા બન મેં... ધનંજય ભટ્ટાચાર્ય
૩. દિલવાલે દિલગીર હુઆ ક્યા સોચ રહા હૈ તુ.... ધનંજય ભટ્ટાચાર
૪. જયશિવશંકર ઓમકારા, જયશિવશંકર ઓમકારા... બિરેન પાલ
૫. હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણી... પંકજ મલિક-સાથી
૬. પ્રાતઃ સ્મરામી ભવભીતિ મહર્ત્તિ શાન્તયૈ.... બિરેન પાલ
૭. સાધન કરના ચાહી રે મનવા, પ્રેમ લગાના ચાહી... બિનોતા ચક્રવર્તી
૮. યોઅપા પુષ્પમ વેદ પુષ્પવાન.... પંકજ મલિક-સાથી
૯. ચંદ્રશેખર ચંદ્રશેખર ત્રાહિમામ, ચંદ્રશેખર.... પંકજ મલિક-સાથી
૧૦. અસ્યુસરસ્થાં દિધિ દેવતાત્મા.... પંકજ મલિક-સાથી

યાત્રિક'' એટલે એ જમાનાના-ખાસ કરીને આજે ૭૫-૮૦ની ઉંમરે પહોંચેલા ફિલ્મશોખિનોની બહુ ફેવરિટ ફિલ્મ. ફક્ત 'યાત્રિક'ના જ રસમધુર ગીતોનું સ્મરણ થઇ આવતા આ લોકો ભાવુક બની જાય છે. ગીતો હતા ય એવા. આમે ય, ગુજરાતના જે ઘરોમાં નિયમિત પૂજાપાઠ થાય છે, એ સહુને તો, 'યાત્રિક'ના કેટલાક ગીતો સંસ્કૃત શ્લોકસ્વરૂપે હતા, છતાં સઘળાં કંઠસ્થ! લતા મંગેશકરે ભલે આઠેક હજાર ગીતો ગાયા હોય, એની સામે આ ફિલ્મમાં બિનોતા ચક્રવર્તીનું એક જ ભજન, 'પ્રેમ લગાના ચાહી રે મનવા, સાધન કરના ચાહી...' આ વડિલો તો શું, મારા જેવા હજી અડધી વડિલાઈએ પહોંચેલા માટે પણ પહેલા ખોળાનું છે. સહુ જાણે છે કે, 'યાત્રિક' ફિલ્મ ઝાઝી રસઝરતી નહોતી... ઠીક હતી... નબળી કહી દો, તો આ વડિલો, ''લાય.. લાય તો ક્યાં છે મારી લાકડી...?'' એવા ધાગધાગા સહેજ પણ ન થાય, પણ 'યાત્રિક'ના એક ગીત વિશે ય તમે માંદલું-માંદલું બોલ્યા તો છીંકણીનો આખો ડબ્બો તમારા માથે ઢોળાય ખરો! (મારા ઘરમાં છીંકણી ય નથી ને હું હજી વડિલ પણ થયો નથી, છતાં 'યાત્રિક'ના ગીતોના રક્ષણ માટે છીંકણીનો એકાદ ડબ્બો લઈ આવું ય ખરો!)

'યાત્રિક'ના સંગીતકાર આપણા પંકજ મલિક હતા. એ સમયના સહુ સંગીતશોખિનો માટે એક ફાધર-ફિગર. કેવળ ગાયક-સંગીતકાર તરીકે જ નહિ. વ્યક્તિ તરીકે પણ આપણને રોજ એમના ચરણસ્પર્ષ કરવા જવાનું મન થાય. (હવે એ યોજના પડતી મૂકજો... પંકજબાબુ તદ્દન ''ઉપર'' છે ને ચરણસ્પર્ષ કરવા જવાનું જરા મોંઘું પડે એવું છે...! એમના ફોટા નહિ તો એમના ગીતોનો શબ્દ-સ્પર્ષ કરીને ચલાવી લેજો...!)

સંગીતકાર અને ગાયક પંકજ મલિક કેવા ખાનદાની માણસ કે, જાણવા છતાં કે કલકત્તાના ખૂબ ખ્યાતનામ ગાયકો ધનંજય ભટ્ટાચાર્ય અને બિરેન પાલ બિલકુલ પંકજ મલિક જેવો જ કંઠ ધરાવે છે અને ગાયકીના પૂરા જાણકારો છે, છતાં આ ફિલ્મમાં પંકજ દાએ એ બન્નેને એવા ગીતો ગાવા આપ્યા, જે પોતે ગાયા હોત તો, હતું એના કરતાંય વધુ મોટું નામ એમનું પોતાનું થયું હોત! ઈર્ષા તો બહુ દૂરની વાત છે, નહિ તો એ જ પંકજ દાએ ખુદ સાયગલ માટે કેવી મધુરી ધૂનો બનાવી હતી! સાયગલે ગાયેલા ''અય કાતિબ-એ-તકદીર મુઝે ઇતના બતા દે...'' જેવા ૩-૪ ગીતો તો પોતે પણ ગાયા હતા ને રૅકોર્ડ્સ બનાવી હતી, છતાં આજના ગાયકો જેવી ઈર્ષા-ફિર્ષા કંઈ નહિ! પંકજ મલિકનું નામ પડે તો એમની આખી બાયોગ્રાફી બોલી જાય, એવા એમના ચાહકો ભલે આજે ૭૦-૭૫ વર્ષની ઉંમરે ઘેર બેઠા 'રામનામઘનશ્યામનામ' કરતા હોય, પણ ''યાત્રિક'' માટે એ સહુ પૂરા સૅન્ટિમૅન્ટલ છે. ''યાત્રિક'' વિશે સહેજ પણ આડું બોલો, તો આ ઉંમરે પણ એમના બા ખીજાઈ જાય. એમને એ ભેદની પણ ખબર છે કે, પંકજ મલિક જેવો ડિટ્ટો અવાજ હોવા છતાં ''તુ ઢુંઢતા હૈ જીસકો બસ્તી કે યા કે બન મેં, વો સાંવલા સલૌના રહેતા હૈ તેરે મન મેં' અને ''રામનામ ઘનશ્યામનામ શિવનામ સિમર દિનરાત...'માંથી ધનંજયે કયું ગાયું હતું ને બિરેન પાલે કયું! પરફૅક્ટ કોકિલકંઠી ગાયિકા બિનોતા ચક્રવર્તીનું 'સાધના કરના ચાહી...' એમને કાનનદેવી, સિતારા કાનપુરી, ઉમાશશી કે પારૂલ ઘોષની યાદ અપાવે, એટલે એ જમાના પ્રમાણે બિનોતા માટે ય એમને લતા મંગેશકર જેવો જ આદર. અલબત્ત, પંકજ મલિકના ડાયહાર્ડ ચાહકો માટે ફિલ્મ 'યાત્રિક'નું સર્વોત્તમ ગીત તો 'હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણે...' જ! પૂર્ણતઃ સંસ્કૃત સ્તવન હોવા છતાં સહુને આખું ગીત મોંઢે છે.

ગીતો તો ફિલ્મના નામ અને વાર્તા પ્રમાણે બધા ભજનોની કક્ષાએ મૂકાય, એટલા ઊંચા હતા, છતાં પંકજ બાબુની પોતાની જાહેર અને ખાનગી પર્સનાલિટી એટલી પવિત્ર કે પેલા ૭૦-૭૫ની ઉંમર પહોંચેલા ચાહકોને પંકજ બાબુમાં માતા સરસ્વતિનો પુરૂષ અવતાર દેખાય (અને સંભળાય) છે.

બહુ ઑનેસ્ટલી કહું તો ''યાત્રિક'' એક ફિલ્મ તરીકે ખુશમખુશ થઈ જવાય, એટલી તંદુરસ્ત નહોતી. સીધી ભાષામાં કહીએ તો એ ડૉક્યુમેન્ટરી ટાઈપની ફિલ્મ બની હતી. ઈશ્વરને સમર્પિત ભક્તોનું એક ગ્રૂપ હિમાલય પર્વત ઉપર યાત્રાએ નીકળ્યું છે, તેની આ ફિલ્મમાં કમનસીબે શૂટિંગ હિમાલયમાં કરવાને બદલે મોટા ભાગે સ્ટુડિયોના સૅટ ઉપર થયું હોવાથી ફિલ્મ જોતા એ પવિત્ર ભાવો ઉત્પન્ન થતા નથી, જે એના ગીતો સાંભળીને થાય છે. પ્રોબ્લેમ પૈસાનો હશે કે, આવા વિષયવસ્તુવાળી ફિલ્મને ફિનાન્સ કોણ આપે? છતાં ફિલ્મના કેટલાક દ્રશ્યો હિમાલયના ગઢવાલ જીલ્લામાં શૂટ થયા છે. કેટલુંક શુટિંગ એ વખતે ઉત્તર પ્રદેશ ને આજે ઉત્તરાખંડ કહેવાતા ભાગમાં થયું છે. ઋષિકેશ, દેવપ્રયાગ અને કેદારનાથના જીવંત દ્રશ્યો પણ આ ફિલ્મમાં જોવા મળે છે.

દિગ્દર્શક કાર્તિક ચેટર્જી (ચટ્ટોપાધ્યાય)એ સુવિખ્યાત બંગાળી લેખક પ્રબોધકુમાર સાન્યાલે લખેલી નવલકથા ''મહાપ્રસ્થાનેર પાથેય'' ઉપરથી એ જ નામે બનેલી બંગાળી ફિલ્મનું આ 'યાત્રિક' હિંદી સંસ્કરણ છે. ''રાણી''ના પાત્રમાં હીરોઇન અરૂંધતિ મુકર્જી (મુખોપાધ્યાય), ફિલ્મના હીરો વસંત ચૌધરી , પાગલ બાળબ્રહ્મચારીના પાત્રમાં અભિ ભટ્ટાચાર્ય (એનું 'ભટર્જી' કે 'ભૂટર્જી' થયું નથી.... છે બધા બ્રાહ્મણો જ!) બિમલ રૉયની ફિલ્મ 'પરખ'માં સાધના જે હીરો માટે 'ઓ સજના બરખા બહાર આઈ' ગાય છે, તે વસંત ચૌધરી આ ફિલ્મનો હીરો છે.

ફિલ્મ ૧૯૫૨-માં બની હતી, એ જોતાં તત્સમયનો બંગાળી પહેરવેશ અને રીતરિવાજો ફિલ્મમાં રીફ્લૅક્ટ થાય છે. પુરૂષોના વાળ ખભા સુધી લાંબા અને નીચેની ધારી એકસરખી કાપી નાંખેલી. અટાણે હસવું આવે, પણ કપાળેથી પાછળ જતી બે લટો કાનનું ચક્કર મારીને બહાર આવે, તો કલાકાર કહેવાય, એવી ફેશન ખરી. વસંત ચૌધરી ઍક્ટર તરીકે સારો કે નબળો, એ નિર્ણય પર આવવા જેટલી એની ફિલ્મો જોઈ નથી, પણ એનો અવાજ ખુબસુરત હતો. દેખાવમાં સુંદર ને એમાં ય આ ફિલ્મમાં એને સ્વામી વિવેકાનંદના કપડાં પહેરાવ્યા છે, એટલે વધુ સોહામણો લાગે છે. હીરોઇન અરૂંધતિ મુકર્જી હતી તો દેખાવડી પણ આંખો સહેજ મ્હાલી હતી. અભિનયમાં ખાસ ઠેકાણું એટલા માટે નહિ કે, અમથી ય એ જમાનાની ન્યૂ થીયૅટર્સની ફિલ્મોમાં અભિનય અને સંવાદો નાટકીય ઢબે જ બોલાતા. આજે તો એ ફિલ્મો જોતા ઘણું બધું બનાવટી લાગે!

કીધું ને કે, ફિલ્મ ડૉક્યુમેન્ટરી-લૅવલની બની છે, એના ફાયદામાં યાત્રિકો આપણે બની શકીએ છીએ. બદ્રીવિશાલ, કેદારનાથ, જોશીમઠ કે એવા અન્ય ધામોના ઘેર બેઠા દર્શન તો થઈ શકે છે! '૫૨-ની સાલની ગંગા કેવી ચોખ્ખી અને પવિત્ર લાગે છે? સાવ આજના જેવી નહિ!!

ફિલ્મ કંટાળાજનક છે. ઘટનાઓ નથી બનતી. વાર્તા જ નથી ને એમાં ય દિગ્દર્શક કાર્તિક ચેટર્જી નવાસવા હોવા જોઈએ એટલે ફિલ્મમાં જે કાંઈ નામની વાર્તા છે, એ ય ઢંગથી કહેતા નથી આવડી. હું હમણાં વૈષ્ણોદેવી જઈ આવ્યો ને ઉપર સુધી તો હૅલીકોપ્ટરમાં બેઠો હતો, એટલે આવી યાત્રાઓમાં કેવા દુઃખો પડે છે, એનું મને જ્ઞાન નથી, પણ ફિલ્મ 'યાત્રિક' જોતા જોતા અણસાર આવે છે કે, કેવી કઠિન હોય છે પગપાળા યાત્રાઓ! હાથમાં લાકડી સાથે પર્વતોના ઉતાર-ચઢાવ ને થાક વગેરેનો મામલો હાથમાં લેતા ઢીંચણનો ચૂરો થઈ જાય છે. વીજળી તો એ જમાનામાં હતી નહિ, એટલે ઊંચા પહાડોના રાત્રિ-મુકામો પર અંધારા જ અંધારા... કોડીયા કે ફાનસમાંથી અજવાળાં પ્રગટાવવાના. અત્યારે જેને ડોલી કહે છે, તે જમાનામાં વૃધ્ધ અને અશક્ત યાત્રીઓ માટે 'કન્ડી' મળતી. કન્ડી નેતરના ટોપલા જેવી હતી, જેમાં બેસો એટલે મજૂર પોતાના ખભા ઉપર ઊંચકીને યાત્રા કરાવે! એક પ્રશ્ન ચોક્કસ થાય કે, જીવનમાં આવી એક યાત્રા કરવાથી પૂણ્ય મળતું હોય તો રોજે રોજ પોતાના ખભે આપણને ઊચકીને પહાડ ચઢનારાઓ ગરીબના ગરીબ જ કેમ? એમના નામે ઢગલાબંધ પૂણ્યો કેમ જમા થતા નથી ? જો કે, હું તો માનસરોવરની યાત્રા કરી આવેલાઓની ખૂબ પ્રશંસા કરૂં છું કે, ઘોડા કે ડોલીમાં બેસીને યાત્રા કરવાની હોવા છતાં કેટલા કષ્ટે કૈલાશ-માનસરોવરના દર્શન થાય છે!

ફિલ્મના કલાકારો આપણે બહુ ઓળખીએ એવા નથી. અભિને તમે ઓળખો. અભિ ભટ્ટાચાર્ય કાયમ ગૂડી-ગૂડી રોલમાં જ હિંદી ફિલ્મોમાં જોવા મળ્યા છે. સાવ છેલ્લે તો '૭૬-માં અમિતાભ બચ્ચન અને રેખાવાળી ફિલ્મ ''દો અન્જાને''માં એ જોવા મળ્યા હતા. યાદ હોય તો ''રૂક જાના નહિ. તુ કભી હાર કે...'' ગીતની ફિલ્મ 'ઈમ્તિહાન'માં એ તનૂજાના પ્રોફેસર પિતાનો રોલ કરે છે. સૌથી વધુ એ યાદ રહ્યા ફિલ્મ ''જાગૃતિ'' અને એના ગીતોને કારણે. ''હમ લાયે હૈં તુફાન સે કિશ્તી નીકાલ કે, ઇસ દેશ કો રખના મેરે બચ્ચોં સમ્હાલ કે...''

આ જ ફિલ્મની સાથે સાથે ભારતભરના સિનેમાઘરોમાં બીજી એક મૂળ બંગાળીમાંથી હિંદીમાં ઉતરેલી ફિલ્મ 'રત્નદીપ' રજુ થઈ હતી. હીરોઇન મંજુ ડે અને હીરો એ.ગુપ્તા તેમજ પહાડી સાન્યાલને બાદ કરતા 'યાત્રિક' જ કલાકારોમાં એમાં હતા, પણ રૉબિના ચેટર્જીનું સંગીત ઘણું પ્રશંસનીય બન્યું હતું. ખાસ તો, જ્યુતિકા રૉયે ભાગ્યે જ કોઇ ફિલ્મમાં ગાયું છે અને બહાર પણ જે કાંઈ ગાયું છે, તે જ્યાદાતર મીરાંબાઈના ભજનો. ફિલ્મ 'રત્નદીપ'માં જ્યુતિકા રોયનું ''મૈં તો રામરતન ધન પાયો...'' અને ''પ્રીત કિયે દુઃખ હોય, યે જાને સબ કોય...'' એ જમાનાના ચાહકો હજી શોધે છે. અલબત્ત, 'રત્નદીપ'ના તો તમામ ગીતો શ્રવણીય હતા. વ્યવસ્થા થાય તો આ ફિલ્મના ગીતો મેળવી લેવા જેવા છે. ગીતાદત્ત, સંધ્યારાની અને તલત મહેમુદના આરપાર ગીતો હતા એ ફિલ્મમાં. બાય ધ વે, તલત મેહમુદ તો મૂળ કલકત્તામાં 'તપન કુમાર'ને નામે બંગાળી ગીતો ગાતો ગાયક હતો. હિંદી ફિલ્મોમાં એનું નામ થવા છતાં બંગાલમાં એનો કરિશ્મા ઊંચો રહેતો હતો. ન્યુ થીયેટર્સના જ મજેલા દિગ્દર્શક દેવકી બૉઝે આ ફિલ્મ જો કે, કલકત્તાના 'ચિત્રમાયા' થીયેટર્સ માટે નિર્દેષિત કરી હતી.

ઓહ, સાયગલ-પંકજ સિવાય પણ કેવા સુરીલા ગાયકો હતા એ જમાનામાં! ઉમાશશીના ગાયેલા પ્રેમનગર મેં બનાઉંગી ઘર મેં તજ કે સબ સંસાર...' તો શમ્મી કપૂરની ફિલ્મ 'પ્રોફેસર'માં શમ્મી કપૂરના એકતરફા પ્રેમમાં ઘાયલ થયેલી લલિતા પવાર અરીસાની સામે તૈયાર થતા થતા, માથામાં ગુલાબ નાંખતી આ ગીત ગાય છે, એ યાદ રહ્યું છે? ઉમાશશીએ સાયગલ-કે.સી.ડે. સાથે ગાયેલ 'દુનિયા રંગરંગીલી બાબા...' અને ''મૈં મન કી બાત બતાઉં...'' કેવા રૅકોર્ડ-બ્રેકિંગ ગીતો હતા...! જો કે, ઉમાશશીનો બીજો ય એક રૅકોર્ડ હતો... વાસ્તવ જીવનમાં એ ૯-બાળકોની માતા બની હતી. એના પતિ ગુરૂસદાય દેવ સોલિસિટર હતા.

એવી એ સમયની ગાયિકા સિતારા કાનપુરી હતી, જેનું ફિલ્મ 'મન કી જીત'નું 'નગરી મેરી કબ તક યું હી બર્બાદ રહેગી...' તો ઘર ઘરમાં કંઠસ્થ હતું. મૂકેશના ચાહકોને માફ ન કરી શકાય જો સિતારા કાનપુરી સાથે ફિલ્મ 'પગડી' માટે ગાયેલું 'એક તીર ચલાનેવાલે ને દિલ લૂટ લિયા હાય લૂંટ લિયા...' ન સાંભળ્યું હોય! 'યાત્રિક'માં એક જ પણ કાનને પાર્ટી આપી દે એવું સુંદર ભજન 'સાધન કરના ચાહી રે મનવા...' ગાનાર બિનોતા ચક્રવર્તી તો હમણાં જ અમદાવાદ આવી ગયા.

ેજેમના ગીતો એ 'યાત્રિક'ને અમર બનાવી દીધું તે ગાયક ધનંજય ભટ્ટાચાર્યનો એક રેકોર્ડ આજ સુધી ભારતનો કોઈ ગાયક તોડી શક્યો નથી. '૩૦-ના દાયકામાં બનેલી ફિલ્મ 'ઈન્દ્રસભા'માં ૬૯-ગીતો હતા, એ સહુ જાણે છે, પણ એકલા ધનંજયે એક જ ફિલ્મમાં ૨૩-ગીતો ગાયા હતા, એની ભાગ્યે જ કોઈને જાણકારી છે. ફિલ્મ હતી, 'સાધક રામપ્રસાદ'. 'યાત્રિક' સિવાય તો બહુ ગણીગાંઠી ફિલ્મોમાં એમણે ગાયું છે, જેમાં પંકજ બાબુના સંગીતમાં બનેલી ફિલ્મ 'કસ્તુરી'માં ધનંજયે 'કાહે હુઆ નાદાન' અને રાયચંદ બોરાલબાબુની ફિલ્મ 'શ્રી ચૈતન્ય મહાપ્રભુ'માં 'હરિ હરિ બોલ...', 'બંદ હુએ હૈં દ્વાર' અને 'વો ગોકૂલ કા ગ્વાલા' એમ ત્રણ ગીતો હતા.

બિરેન પાલે આ ફિલ્મમાં બે ગીતો ગાવા ઉપરાંત સંગીતમાં પંકજ બાબુને મદદનીશનું કામ કર્યું છે.

(સીડી સૌજન્ય : ચુંદુભાઇ બારદાનવાલા- જામનગર)

No comments: