Search This Blog

14/06/2013

અમિતાભ... અમિતાભ... અમિતાભ બચ્ચનની 'ઝંજીર'

ફિલ્મ : 'ઝંજીર' ('૭૩)
નિર્માતા-દિગ્દર્શક : પ્રકાશ મેહરા
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતો : ગુલશન બાવરા
વાર્તા : સલીમ-જાવેદ
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ : ૧૪૬ મિનીટ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકરો : અમિતાભ બચ્ચન, જયા ભાદુરી, પ્રાણ, અજીત, બિંદુ, ઈફ્તેખાર, ઓમપ્રકાશ, કેષ્ટો મુકર્જી, રણધીર, એમ.રાજન, પૂર્ણિમા, નંદિતા ઠાકૂર, સત્યેન કપ્પૂ, આશાલતા વાબગાંવકર, યુનુસ પરવેઝ, રામ સેઠી, ગુલશન બાવરા, સંજના, અમૃત પાલ, ભૂષણ તિવારી, જાવેદ ખાન, રણવીર રાજ, કૃષ્ણ ધવન, ડી. કે. સપ્રૂ, રામમોહન, મૅકમોહન અને ગોગા કપૂર.

ગીતો
૧. ચક્કુ છુરીયાં તેજ કરા લો - આશા ભોંસલે
૨. બના કે ક્યું બિગાડા નસીબા - લતા મંગેશકર
૩. યારી હૈ ઈમાન મેરા યાર મેરી જિંદગી - મન્ના ડે
૪. દિલજલોં કા દિલ જલા કે - આશા ભોંસલે
૫. દીવાનેં હૈં દીવાનોં કો ના ઘર ચાહિયે - લતા-રફી
(ગીત નં. ૪ પ્રકાશ મેહરાએ લખ્યું હતું)




''બસ અનવર... બહોત હો ચૂકા... અબ નહિ સહા જતા...!''

મુંબઈ સેન્ટ્રલ પર અલ્હાબાદ જતી ટ્રેનના કોચ પાસે ઊભેલા અમિતાભ બચ્ચન માટે કોમેડીયન મેહમુદના સગા ભાઈ અને ફિલ્મ 'બૉમ્બે ટુ ગોવા'માં જે બસનો ડ્રાયવર બને છે તે અનવરઅલી ટ્રાય પૂરો કરતો હતો કે અમિત રોકાઈ જાય ને પોતાના વિચાર બદલે. થોડી ધીરજ રાખવાનો મામલો હતો. એકાદ સારી ફિલ્મ મળી જશે તો આ માણસમાં સુપર સ્ટાર બનવાની હૈસિયત અને કાબેલિયત તો છે જ! ઘેરથી નીકળતા પહેલા મેહમુદે પણ સમજાવ્યો હતો બચ્ચનને કે, અલ્હાબાદ પાછો ન જા. ક્યાંથી માને બચ્ચન? 'સાત હિંદુસ્તાની', 'પ્યાર કી કહાની', 'બંસી-બિરજુ'ને એવી બીજી ૩-૪ ફ્લોપ ફિલ્મોને કારણે બચ્ચન બાબુને પોતાને ય ફિલ્મોમાંથી રસ ઊડી ગયો હતો અને બોરીયા-બિસ્તરા લઈને સાચા અર્થમાં મુંબઈ સેન્ટ્રલ પર અલ્હાબાદ પોતાને 'ગાંવ' જવા ટ્રેનની રાહ જોઈને ઊભો હતા. દોસ્તો એટલા માટે કે, ડૉ. હરિવંશરાય 'બચ્ચન' જેવા મહાન સાહિત્યકારનો આ સુપુત્ર આમ તો એની (સીખ્ખ... સરદારજી) મમ્મી તેજી બચ્ચનની ખાસ સખી સ્વ. ઈંદિરા ગાંધીની ખ્વાજા એહમદ અબ્બાસ ઉપર લખેલી ભલામણ ચિઠ્ઠી લઈને મુંબઈ આવ્યો હતો ને એ જ ગ્રાઉન્ડ ઉપર એને 'સાત હિંદુસ્તાની' મળી હતી.

પણ બધે તો એકની એક ચિઠ્ઠી ચાલે નહિ ને? મુંબઈમાં ઘર નહોતું કે કોઈ ઓળખતું નહોતું એટલે 'સાત હિંદુસ્તાની' પૈકીનો બીજો હિંદુસ્તાની મેહમુદનો આ ભાઈ અનવરઅલી હતો, એણે બચ્ચનને પોતાને ઘેર રહેવા સમજાવ્યો અને જ ત્યાં રહેતો હતો.

અચાનક ફિલ્મો જેવું જ રેલ્વે સ્ટેશન પર હકીકતમાં થયું. બચ્ચનનો કોઈ દોસ્ત હાંફળો-ફાંફળો થતો દોડતો આવ્યો. બચ્ચનને તાબડતોબ પ્રકાશ મેહરાએે એમની ફિલ્મ 'ઝંજીર' માટે મળવા બોલાવ્યો હતો...!

... બસ, મુંબઈ રેલ્વે સ્ટેશન પર જ ભારતના સર્વોચ્ચ સુપર સ્ટારનો જન્મ થઈ ગયો...! હવે ફિલ્મ 'ઝંજીર'નો હીરો અમિતાભ બચ્ચન હતો.

નસીબ પણ કેવા કેવા ખેલ રચાવે છે, એ તો જુઓ...!

દેવ આનંદને એ વાતે વાંકુ પડયું કે, ફિલ્મ 'ઝંજીર'ના હીરોનો રોલ સારો છે, પણ હીરોને એકે ય ગીત જ ગાવાનું નથી, એટલે એણે ના પાડી. દિલીપ કુમારને આ ફિલ્મનો નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મેહરા થોડા નાના ગજાંનો લાગ્યો. ધર્મેન્દ્ર પાસે શૂટિંગ માટે સમય ન નીકળ્યો. જીતેન્દ્ર પાસે ય તારીખો નહોતી. છેવટે કોઈ નહિ ને નવિન નિશ્ચલને ય બોલાવી જોયો તો, એ પોલીસના રોલમાં પોતે નહિ જામે, એવું બહાનું કાઢીને આવ્યો જ નહિ... અને આપણો 'જાની...' રાજકુમારે તો બહુ વિચિત્ર જવાબ આપીને પ્રકાશ મેહરાને પાછા કાઢ્યા હતા, 'જાની... હમેં આપકી શકલ પસંદ નહિ, તો આપ કે સાથ ફિલ્મ કૈસે કરેંગે...?'

પણ હિંદુસ્તાનના આજ સુધીના સર્વોત્તમ ઍક્ટરનો જન્મ આ બધાની 'નાઓ' ઉપર થવાનો હતો... ફિલ્મ બનાવવામાંથી જ રસ ઊડી ગયેલો હોવાથી પ્રકાશ મેહરાને હવે આ ફિલ્મ બને-ના-બને... કોઈ રસ રહ્યો નહતો, છતાં સ્ક્રીપ્ટ સારી હતી, એટલે ન છુટકે નવાસવા અને અત્યાર સુધીની બધી ફિલ્મોમાં ભોપાળું કરી ચૂકેલા અમિતાભ નામના બચ્ચનને લેવામાં આવ્યો. બચ્ચનને સાવ મામૂલી રકમ લઈને હીરો બનવાનું મંજુર હતું... અલ્હાબાદ કૅન્સલ, મુંબઈ ઈન!

અમિતાભ બચ્ચન હિંદી ફિલ્મોમાં આવ્યો, તે ભારતમાં બનેલી કોઈપણ ક્ષેત્રની ખૂબ મોટી ઘટના છે... માત્ર ફિલ્મો પૂરતી નહિ. સમજદારો એને સદીના એક મહામાનવના રૂપમાં જુએ છે. 'કૌન બનેગા કરોડપતિ' બીજાઓએ પણ કરી બતાવ્યું ને બધા હાસ્યાસ્પદ સાબિત થયા. સ્ત્રીઓને સાચું સન્માન તો આ માણસ (ફિલ્મોનો હોવા છતાં) આપી શકે છે, એ તમે આ ટીવી - સીરિયલમાં ય જોયું હશે.

વર્ષો પહેલા પામેલા બૉર્ડેસ નામની અત્યંત ખૂબસુરત મૂળ ભારતીય, પણ ઈંગ્લૅન્ડના એક સંસદ સભ્ય કૉલિન મોયનિહાન સાથે (૧૯૮૯) સૅક્સ કૌભાંડમાં જોરશોરથી પબ્લિસિટી મેળવી ગયેલી પામેલા કૉલ-ગર્લ હતી ને કાયમ ઈંગ્લૅન્ડમાં રહેલી આ છોકરી હવે ગોવામાં અંજુના બીચ પર આવેલા 'હાઈડઅવે' રૉ-હાઉસીસમાં રહે છે અને યોગના કલાસ ચલાવે છે.

આ પામેલા થોડા વર્ષો પહેલા ઈંગ્લૅન્ડથી એક ફૅશન મૅગેઝીનના ફોટોગ્રાફર તરીકે છુપીછુપી આવી હતી અને મુંબઈની એક ફાઈવ-સ્ટાર હૉટેલમાં ઉતરી હતી. મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખબર પડી, એમ આપણા અનેક હીરો એનો સંપર્ક કરવા (શેને માટે, એની તમને ખબર નથી પડતી?) વલખાં મારવા માંડયાં ને ખુદ પામેલાના શબ્દોમાં કહીએ તો, દરેક હીરો એની સાથે સુવા માંગતો હતો... એક માત્ર મિસ્ટર બચ્ચને એને કોઈ મહત્વ આપ્યું નહોતું. એ ઈન્ટરવ્યૂ અને ફોટો-સૅશન કરવા તો અમિતાભનો જ આવી હતી અને શૂટિંગ પણ બચ્ચનના 'પ્રતિક્ષા' બંગલામાં રાખ્યું હતું. પામેલા કહે છે, 'મિસ્ટર બચ્ચનને મેં 'હેલ્લો' કહીને બોલાવ્યા, એનો ઔપચારિક જવાબ આપ્યા સિવાય મારી સામું ય જોયું નથી. એમનું કામ પત્યું, એટલે સીધા ઉપર પોતાના રૂમમાં જતા રહ્યા. આ માણસની ડીસન્સી જુઓ, સંયમ જુઓ ને પોતાના નામ પ્રત્યેનો આદર જુઓ. જે સ્ત્રીની પાછળ મુંબઈના કરોડપતિઓ અને ફિલ્મી હીરો આદુ ખાઈને પડયા હોય, એને એ કોઈ મહત્વ આપતો નથી. બિઝનૅસ પૂરતો જ મતલબ.

પણ નામ થયા પહેલા બચ્ચને પણ એ જ નામ બનાવવા ઘણી ગોઠવણો કરી હતી. જે મળતી, એ ફિલ્મોમાં કોઈ પણ ભોગે હિટ થવા માટે અમિતાભ બચ્ચને પણ ઓછા કાવાદાવાઓ નહોતા કર્યા. મનોજ કુમારે એના ઑફિશિયલ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એની ફિલ્મ 'રોટી, કપડાં ઔર મકાન'માં પ્રીમિયર વખતે અમિતાભનો ભાઈ અજીતાભ મનોજકુમારના ઘેર ગયો હતો અને પ્રીમિયર શોની ઘણી ટીકીટો માંગી હતી. મનોજ કહે છે, 'મને નવાઈ લાગતી કે સિનેમાના હૉલમાં જ્યારે અમિતાભ સ્ક્રીન પર આવે ત્યારે હૉલના ચોક્કસ ખૂણામાંથી તાળીઓ અને ચીચીયારીઓ જંગી પ્રમાણમાં સંભળાતી. એ ખૂણાની જ ટિકીટો મેં અજીતાભને આપી હતી. પોતે આમ પ્રજામાં કેટલો લોકપ્રિય છે, તે સાબિત કરવાનો આ છીછરો પણ મહત્વનો આઈડિયો હતો...!'

આ અસલી 'ઝંજીર' બની હતી..... હશે કોઈ એકાદ કરોડમાં, પણ સુપરહિટ ગઈ એટલે બધું મળીને રૂ. ૬ કરોડ કમાઈ લાવી. આજે એ જ 'ઝંજીર'ની રીમૅક બની રહી છે ને પ્રકાશ મેહરાનો છોકરો જ બનાવે છે, ત્યારે એકલી પ્રિયંકા ચોપરાને જયા ભાદુરી એટલે કે ચક્કુ-છુરીયાંવાળો રોલ કરવાના પૂરા રૂ.  ૯ કરોડ મળ્યા છે, જે આજની કોઈપણ હીરોઈનને મળતી રકમ કરતા ઘણી મોટી છે.

'ઝંજીર' ફક્ત બચ્ચન માટે જ નહિ, એની સાથે સંકળાયેલા કે સહેજ પણ નહિ સંકળાયેલા અનેક લોકો માટે બહુ કામની ફિલ્મ બની ગઈ. એવું નહોતું કે, હિંદી ફિલ્મોનો પહેલો 'ઍન્ગ્રી યંગ મૅન' આ ફિલ્મથી આવ્યો. એની પહેલા આ જ બચ્ચનને ઋષિકેષ મુકર્જીએ એમની ફિલ્મ 'નમકહરામ', 'બેમિસાલ' કે 'આનંદ'માં ઍન્ગ્રી યંગમૅન જ બનાવ્યો હતો. અરે, બહુ દૂર જાઓ તો પોતાની ફિલ્મો 'પ્યાસા' કે 'કાગઝ કે ફૂલ'નો હીરો ગુરુદત્ત પણ ઍન્ગ્રી જ હતો ને?

જયા ભાદુરી સાથે તો આ જ ફિલ્મથી પ્રેમના પુષ્પો ખીલી ઉઠયા હતા, એટલે એને ય 'ઝંજીર' ફળી. (બચ્ચનને કદાચ 'નડી' કહેવાય... કર્ટસી, બહેન રેખા!!!)

આ ફિલ્મમાં ધરમપાલ તેજાનો રોલ કરનાર અજીત રાતોરાત ખલનાયકોનો સુપર સ્ટાર બની ગયો. એના નામે મોના ડાર્લિંગવાળી હજારો જૉક્સ બજારમાં ફરતી થઈ. સંવાદ બોલવાની એની આગવી સ્ટાઈલ હતી. 'ઝંજીર'માં બહારથી ફોન કરીને બચ્ચન કહે છે, 'તેજા, મૈં (જેલ સે) બાહર આ ગયા હૂં...!' જવાબમાં અજીત ઠંડે કલેજે કહે છે, 'કહો તો ફિર અંદર કરવા દૂં...?' માર્કેટ જામતું ગયું એમ અમિતાભના કાયમી વફાદરો પ્રાણ, ઓમપ્રકાશ, સત્યેન કપ્પૂ, મૅકમોહનને એ પછી અમિતાભની આવનારી લગભગ બધી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. અજીતનું મૂળ નામ 'હમીદઅલી ખાન' હતું. 'નાસ્તિક', 'બડા ભાઈ', 'ઢોલક', 'ઓપેરા હાઉસ', 'ટાવર હાઉસ', 'બર્મા રોડ', 'મરિન ડ્રાઈવ' જેવી ફિલ્મોમાં એ હીરો હતો. મુકેશનું 'મુફ્ત હુએ બદનામ, કિસી કે હાય દિલ કો લગા કે' ફિલ્મ 'બારાત'માં એના મોંઢે પડદા ઉપર ગવાયું હતું. ખુદ પ્રકાશ મેહરા પણ 'ઝંજીર' પહેલા સામાન્ય દિગ્દર્શક કહેવાતો. પણ આની સફળતા પછી એનામાં ય અનેક ક્વૉલિટીઓ ફૂટી નીકળી અને અમિતાભ બચ્ચનની શ્રેષ્ઠ પાંચ ફિલ્મોમાં જેને મૂકી શકાય, એ 'શરાબી' પણ પ્રકાશે જ બનાવી હતી.

'ઝંજીર'ની વાર્તા સલિમ-જાવેદે વિદેશી ફિલ્મોમાંથી ઉઠાવેલી હતી. એ બધી ફિલ્મોમાં એવું જ કરતા, એવું બન્નેએ કબુલ્યું છે. અહીં, નાનપણમાં પોતાના માં-બાપનું ખૂન કરતા અજીતને નાનો બચ્ચન જોઈ જાય છે અને મોટા થતા સુધીમાં બદલે કી આગમાં એ ભભૂકતો રહે છે અને છેવટે બદલો લઈને રહે છે. વાર્તામાં નવું અથવા પહેલી વાર કહેવાયેલું કશું નહોતું, પણ ફિલ્મની માવજત ઊંચા ગજાંની હતી. ખાસ કરીને, સદાબહાર પ્રાણસાહેબે આ ફિલ્મમાં અફઘાનિસ્તાનના પઠાણ 'શેરખાન'નો રોલ જીવિત કરી બતાવ્યો હતો. પ્રાણ સાહેબ તો ૯૦ પ્લસની ઉંમરે પહોંચ્યા છે, પણ ફિલ્મોમાં ભાગ્યે જ કોઈ સાથે સંબંધ રાખે છે, સિવાય મિસ્ટર બચ્ચન, જેણે પ્રાણસાહેબની બાયોગ્રાફીનું વિમોચન પણ કર્યું હતું.

'ઝંજીર'ના આજે અન્ય ભૂલાઇ ગયેલા ચેહરાઓમાં એમ. રાજન (ફિલ્મમાં એના પિતાનો રોલ કરે છે)' ધર્મેન્દ્ર-માલાસિન્હાવાળી ફિલ્મ 'જબ યાદ કીસિ કી આતી હૈ'માં સૅકન્ડ હીરો બને છે. બચ્ચનની માં બનતી પૂર્ણમાં મુસલમાન હતી અને આજના જાણિતા હીરો ઇમરાન હાશમીની દાદી થાય. જેની વાર્તા ઉપરથી રાજેશ ખન્નાની 'કટી પતંગ' બની હતી તે શંકર-જયકિશનની મૂળ ફિલ્મ 'પૂજા'માં એ હીરોઇન હતી- ભારત ભૂષણની સામે. રફી સાહેબનું ગીત, ''ચલ ચલ રે મુસાફિર ચલ, તૂ ઇસ દુનિયા સે ચલ' આ ફિલ્મનું હતું. પૂર્ણિમાની અન્ય ફિલ્મો 'પરબત', 'બાગી-સિપાહી', 'બાદલ' 'ઐરત' (બધી શંકર- જયકિશનની) 'સગાઇ', 'ગૌના', 'રાજધાન', 'સલોની', 'મહમાન', 'શગૂફા', 'માલકીન', 'જોગન' અને 'સંસ્કાર' હતી. એની સૌથી પહેલી ફિલ્મ 'રાધેશ્યામ' ગુજરાતીમાં હતી અને પહેલી હિંદી ફિલ્મ 'નિર્મલ' હતી. સ્નેહલ ભાટકરે રફી-મૂકેશનું અલભ્ય ગીત 'બાત તો કુછ ભી નહિ', દિલ હૈ કિ ભર આયા હૈ' પૂર્ણિમાની ફિલ્મ 'ઠેસ'નું હતું... મૂળ લખનૌની પૂર્ણિમા તા.૩ માર્ચ, ૧૯૩૨ના રોજ જન્મી હતી.

ફિલ્મ '૭૩માં બની હતી અને એ જમાનામાં ગાડીઓ ફિયાટ કે ઍમ્બેસેડર સિવાય ભાગ્યે જ જોવા મળતી. યાદ રહ્યું હોય તો પેલી બટકી સ્ટાન્ડર્ડ હૅરલ્ડ નવી નવી આવી ત્યારે આકર્ષણ બની હતી, પણ ઠબ્બુ કાર નીકળી. 'ઝંજીર'માં ય આ ત્રણ ગાડીઓ વધુ જોવા મળે છે.

વિધિની વિચિત્રતા જુઓ. સંગીતની દુનિયામાં ભાગ્યે જ ઉજળું નામ બને એવું સંગીત કલ્યાણજી-આણંદજી આપતા. અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારની તો કેટલી બધી ફિલ્મો એમને મળતી, છતાં એકે ય ફિલ્મના સંગીતમાં કોઈ ઠેકાણું હતું? આમ બધી રીતે હિટ પુરવાર થયેલી ફિલ્મ 'ઝંજીર'નું એક માત્ર નબળું પાસું એનું સંગીત હતું. મન્ના ડેનું 'યારી હૈ ઈમાન મેરા યાર મેરી જીંદગી...' પણ સાંભળ્યા મુજબ, કોઈ અરબી ધૂનની સીધી ઉઠાંતરી હતી. એક તો લતા મંગેશકર સાથે વર્ષોથી ઝગડી ચૂક્યા હતા ને એમાં ય મુહમ્મદ રફી સાથે ય વાર્તા પૂરી થઈ ગઈ.

ખય્યામની જેમ એમનો આગ્રહ હતો કે, 'કલ્યાણજી-આણંદજી નાઈટ'માં રફી સાહેબ ગાવા આવે. એ ત્રણે સંગીતકારોને રફી સાહેબનો સીધો જવાબ હતો કે, 'આપના સંગીતમાં મારા એવા કોઈ હિટ ગીતો નથી કે સ્ટેજ પર ગાઉં ને પબ્લિક બહુ ખુશ થાય...!'

મેં પૂરા ૪૦ વર્ષ પછી આ ફિલ્મ જોઈને આજે ય કોઈ નવી સુંદર ફિલ્મ જોતો હોઉં, એટલી ગમી.

No comments: