Search This Blog

05/11/2014

શું થયું.....? શું થયું.....?

સ્વસ્તિક ચાર રસ્તે ટોળું ભેગું થઇ ગયું હતું. પહેલા ટોળું દસ-વીસનું હતું, એમાંથી પચાસ ને છેવટે બસ્સો તો હશે. રસ્તો ક્રોસ કરવા જતા હું ય રોકાયો. બધા પગની એડી ઉપર ઊંચા થઇને એક બિલ્ડિંગ તરફ જોતા હતા. મને એમ કે, બિલ્ડિંગ વેચવા-બેચવાનું હશે, કોક કપડાં બદલતું હશે અથવા તો કોઇ હીરોઇન આવી હશે, નહિ તો આટલા બધા લોકો આમ ઊભા ન રહે. મેં ય ઊંચા થઇને જોયું તો ખરૂં, પણ એવું કંઇ દેખાયું નહિ. તડકામાં ઝીણી આંખે જોતા બાજુવાળાને પૂછ્યું, ''શું થયું છે?''

મારૂં તો કોઇ અસ્તિત્વ જ ન હોય, એમ પેલાએ મારી સામે પણ જોયા વગર બેફિકરાઇથી જવાબ આપ્યો, ''કોને ખબર...?''

''કોને ખબર?..... યૂ મીન, તમને ખબર નથી... તો જોવા કેમ ઊભા છો?''

''ખબર તો તમને ય નથી ને? તો ય ઊભા રહી ગયા છો ને? બસ, હું ય-''

એનો જવાબ કાપીને હું થોડો આઘો ખસ્યો. પડીકામાં ખારી સિંગ ખાતા એક જાડીયાને પૂછ્યું, ''શું થયું છે?''

''ખબર નહિ.... કોક મરી ગયું લાગે છે...''

''તમારા સગામાં થાય છે?'' મારાથી પૂછાઇ ગયું. એ કોઇ પણ રીઍકશન આપે એ પહેલા મેં અંદાજ તો બાંધી લીધો હતો કે, એ મને મારશે નહિ તો ગાળો તો બોલશે જ.... બોલ્યો, જે અહીં લખાય એમ નથી.

હું કદી ભયજનક અને સામનો કરી ન શકું, એવા અનુક્રમે સ્થળે અને એવા માણસો સાથે બહુ ઊભો રહેતો નથી. બીજા વીસેક ફૂટ આઘો ખસીને એક પ્રૌઢ મહિલા પાસે જઇને ઊભો રહી ગયો. દેખાવમાં એ બહેન પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મીંયાદાદ જેવા દેખાતા હતા. મારાથી બિલ્ડિંગ તરફ આંગળીને બદલે હાથ લંબાવાઇ ગયો, એમાં તો એમણે મારી હથેળીમાં રૂપિયાનો સિક્કો મૂકીને તિરસ્કારથી કહી દીધું, ''છુટ્ટા નથી.... આગળ જાઓ, બાબા...!''

હું કોક જુદી જ રીતે મૂલવાઇ રહ્યો હતો ને તો ય, આટલું ઊભેલું બેકાર ન જાય, એ માટે વધુ હિમ્મત ભેગી કરીને એક પોલીસવાળાને પૂછી જોયું, ''ઑફિસર... શું થયું છે?'' (કોઇ પણ જમાદારને ખુશ કરવો હોય તો એને 'ઑફિસર' કહો.)

એણે ઘણી નમ્રતાથી જવાબ આપ્યો, ''મને ખબર નથી, સાહેબ.''

બસ. અમદાવાદ અને મુંબઇ વચ્ચે આટલો ફરક. મુંબઇવાળાઓ રોડ પર ગમે તે બનાવ બન્યો હોય...કાચી સેકંડ માટે ય ઊભા ન રહે. લોકલ ટ્રેનમાં એમની નજર સામે કોઇ બહાર ફેંકાઇ જાય, તોય એમના માટે રોજનું છે....જુએ ય નહિં, જ્યારે અમદાવાદના નેહરૂ બ્રીજ ઉપર દર અઠવાડીયે એકાદું દ્રશ્ય હરકોઇને જોવા મળે છે. ટ્રાફિક સડસડાટ જતો હોય ને નેહરૂબ્રીજની ફૂટપાથ પરથી કોઇ નીચે નદીમાં જોવા ઊભું હોય, તો થોડી મિનિટોમાં 'તમે લઇ ગયા ને અમે રહી ગયા'ના ધોરણે ગાડીઓ રોકી રોકીને માણસો ફૂટપાથ પર આવી જશે ને નીચે જોયા પછી કાંઇ ન દેખાય, એટલે એના જેવા જ બાજુવાળાને પૂછશે, ''શું હતું?'' પેલો ય ગરીબ ગાય જેવો થઇને જવાબ આપશે, ''મને ખબર નથી.... હું તો મારી બાના ફૂલ પધરાવવા આયો છું...!''

તારી ભલી થાય ચમના... તું સાલા આખો ઉચકાય એવો નથી, નહિ તો તને પધરાવી દેવો જોઇએ. મૂળ પ્રશ્ન સામાન્ય જ્ઞાનનો હતો કે, ભ'ઇ, શું થયું છે? તને ખબર હોય તો તારે કહેવું જોઇએ, પણ આ તે કાંઇ તારો જવાબ છે, ''મારી બાના ફૂલ પધરાવવા આયો છું...!'' તને કે તારી બાને નદીમાં પધરાવવાની હોય તો અમે કંઇક મદદમાં ય આઇએ.... આ તો એક વાત થાય છે...!

નૉર્મલી, આમ ઊભા રહી જનારાઓના બે કારણો હોય. એક તો, આવા માણસોને દરેક વાતમાં ટાંગ અડાડવાની આદત હોય... બધાનું બધું જાણવા જોઇએ. લેવા-દેવા હોય કે ના હોય ને બીજા.... ''હાળું, આપણું કોઇ ઓળખતું તો નદીમાં પડયું નથી ને?'' એ ચૅક કરવા ઊભા રહી જાય છે. પછી ખબર પડે કે, વાઇફ તો ઘેર સલામત બેઠી છે, એટલે ''પૈસા પડી ગયા...!'' વાળું મોંઢું કરીને-નિરાશ થઇને પાછા ગાડીમાં બેસી જાય.

બધામાં ટાંગ અડાડવાની આદતનો કોઇ અંત નથી. પેલા સ્વસ્તિક ચાર રસ્તાવાળા પ્રસંગ કે નેહરૂ બ્રીજ જેવી ઘટનાઓમાં ખરેખર શું થયું હતું, એની ખબર પણ પડે, પછી કોઇ ઊભું રહે છે? રસ્તે સ્કૂટરવાળો લપસ્યો ને.... કમ-સે-કમ એને ઊભો કરીને બાજુ પર ખસેડવાની મદદ માટે લથબથ લોહીમાં એ આજીજીઓ કરતો હોય, તો જોયા બધા કરશે, પણ હાથ લંબાવીને કોઇ એને બાજુ પર ખસેડવા કે હૉસ્પિટલ લઇ જવાની અદબ જાળવતું નથી. યસ. '૧૦૮'ને ફોન કરી દેવામાં આપણું નામ વચ્ચે આવતું નથી, એટલે એટલા પૂરતા ય ભલા માણસો '૧૦૮'ને ફોન તો કરી દે છે. થૅન્ક ગૉડ, '૧૦૮'વાળાઓ ફોન કરનારનું નામ, સરનામું, બર્થ-સર્ટિફિકેટ કે આવકનો પુરાવો માંગતા નથી, નહિ તો આજથી બબ્બે વર્ષ પહેલા પડેલાઓ હજી લોહીથી લથબથ ત્યાં જ પડયા હોત. આપણી પ્રજા એટલી તો નાલાયક નથી કે, પડેલાને ઊભો ય ન કરે, પણ દેશના વિચિત્ર કાયદાઓ કોઇને આવી સેવા ય કરવા દે એમ નથી. કોઇ પેલા નિઃસહાયને ઊભો કરવા કે હૉસ્પિટલ લઇ જવા તૈયાર થાય ને પોલીસ આવી ગઇ, તો પેલાએ લાઇફની કોઇ જબરદસ્ત ભૂલ કરી નાંખી હોય, એમ ઘટના અંગે એની પૂછપરછો થાય, એને પોલીસ-સ્ટેશને બોલાવવામાં આવે, બોલવામાં 'તપતપ' થઇ ગયો, તો રામ જાણે પોલીસ એની શી વલે કરે?

કબુલ કે, કદાચ પોલીસ આટલી બદી કનડગત હવે નહિ કરતી હોય, પણ નહિ કરે, એની કોને ખબર છે? ખાત્રી ક્યાં છે? માત્ર પોલીસ જ શું કામ, ઈજાગ્રસ્તને કોઇ ભલો માણસ પોતાના ખર્ચે અને જોખમે હૉસ્પિટલ લઇ પણ ગયો, તો હૉસ્પિટલવાળા આવા દેવતાનું ફૂલોથી સ્વાગત કરીને પેપ્સી-બેપ્સી મંગાવતા નથી, પણ ધૂળ કાઢી નાંખે છે. એક તો, ઈમરજન્સીની લાઇનમાં એના આ અજાણ્યા ઈજાગ્રસ્તને લઇને ઊભા રહેવાનું, નર્સો કે સ્ટાફની બેશરમીભરી બેરૂખી સહન કરવાની, નંબર આવે ત્યારે કાગળીયા કરવાના ને પોતાની સહિઓ કરી આપવાની. પેલો ભાનમાં આવે પછી એના ઘરનો ફોન નંબર માંગીને ઘેર ફોન કરવાના, કોઇ આવે નહિ ત્યાં સુધી ચોંટાઇ રહેવાનું. મારા-તમારા જેવાને ફિકર ન હોય, પણ કોઇ લૉઅર મિડલ ક્લાસનો સેવાભાવી હોય તો એણે ચૂકવેલું રીક્ષાભાડું એના માટે તો મોટો ખર્ચો છે, એ ન માંગી શકે, ન પેલાના સગાઓને આવું કંઇ ચૂકવવાનું યાદ આવે!

....અને એમાં ય, સેવાભાવીની જાણ બહાર એ અકસ્માત નહિ, કોઇ ગૂન્હાની ઘટના હોય તો કેવો ફસાઇ જાય? એક તરફ, પોલીસ એની ધૂળ કાઢી નાંખે ને બીજી તરફ, પેલાને મારનારાઓ આને ય ન છોડે.

તો પછી કોઇ શું કામ દોઢું થવા જાય? વર્ષો પહેલા બી.આર. ચોપરાની ખૂબ અસરકારક ફિલ્મ આવી હતી, 'આજ કી આવાઝ' કે સમથિંગ-સમથિંગ' જેવું કોઇ નામ હતું. (સ્મિતા પાટિલ, રાજ બબ્બર અને નાના પાટેકર) જેમાં નજરે ખૂન જોનાર રાજ બબ્બર એક આદર્શ નાગરિકની ફરજ બતાવી પોલીસને જાણ કરવા જતાં, કેવો બર્બાદ થઇ જાય છે, એની એ સુંદર ફિલ્મ હતી.

હકીકતમાં તો, ચાર રસ્તે કે નેહરૂ બ્રીજ પર, ''શું થયું?''ની ખબર પડી જાય, પછી પતલી ગલીથી છટકવાનું હોય, એવી ફરજ આપણો કાયદો પાડે છે. આ લેખ વાંચનારને આમાં કોઇ ગમ્મત કે ભલીવાર નહિ લાગે... ''બૉસ, આ વખતે હસવું-બસવું તો જરા ય ના આયું...!'' પણ ઈશ્વર કરે ને આપણે એક વખત રસ્તા ઉપર લથબથ પડયા હોઇએ ને કોઇ ઊભું કરવા ય ન આવે, ત્યારે બધા હિસાબોની ખબર પડી જાય કે, લોહીની ટશરો કરતા ય આપણી લાચારી અને પ્રજાની બેશરમીનું દુઃખ કેટલું વધારે હોય છે!

દેશમાં ભણેલાગણેલા અબજો લોકો છે... આ મામલે કાયદાનો કાન ખેંચવાનું કોઇને સૂઝતું નહિ હોય?

(અશોક દવે..... તમને સૂઝ્યું ને...? તમે શું કર્યું?)

No comments: