Search This Blog

19/11/2014

અમદાવાદની મૅચ અને છોકરીઓ ટીવી પર...

હવે મન મૂકીને મેચ જોવી હોય તો રૂબરૂ જોવા નહિ જવું.. ટીવી પર જોઈ લેવાની. એ લોકો અમદાવાદની સૌથી સુંદર છોકરીઓ ટીવી પર બતાવતા હતા... સ-ત-ત, એમાંટીવી પર ક્રિકેટ જોવા જ બેઠેલા (એવું તે કોણ સ્ટુપિડ હોય... ? આ તો એક વાત થાય છે....!) શોખિનોનું વળી નસીબ કે, વચ્ચે ટાઇમોઝ મળે તો ક્રિકેટ પણ બતાવતા હતા. ભ'ઇ, એ વાત તો સાચી છે કે, ઇન્ડિયાના અનેક શહેરોમાં ક્રિકેટ રમાય છે, પણ અમદાવાદ જેવી સુંદર સ્ત્રીઓ હજી સુધી તો એકે ય શહેરમાં જોવા મળી નથી. ટીવીના કેમેરામેનો ય ઘરના દુઃખી હોવા જોઈએ કારણ કે, શોધી શોધીને ૫૦ હજાર પ્રેક્ષકોમાંથી સૌથી વધુ સુંદર ચહેરા જ ફોકસ કરતા હતા, પણ બાજુમાં પેલીનો ગોરધન કે બોય-ફ્રેન્ડ બેઠો હોય, એનો તો એક કાન પણ ટીવીમાં ન દેખાઈ જાય, એની ભારે ચીવટ રાખી હતી. કહે છે કે, આવા દ્રષ્યો ઝડપવામાં ચોકસાઈ બહુ રાખવી પડે. માંડ આપણી આંખો સેટ થઈ હોય ને... ભલે કેમેરામેનની ભૂલથી કોઈ દાંત ખોતરતો ડોહો ટીવીમાં બતાવાઈ જાય, તો આપણે તો મહિના સુધી દંતમંજન મોકૂફ રાખવું પડે ને ? કોઈ પંખો ચાલુ કરો.

એક સવાલ થાય કે, જેનો જેનો ફોટો ટીવી પર દેખાય, એ બધી છોકરીઓ પહેલા મૂંગી હોય ને જેવી એને ખબર પડે કે કેમેરા એની સામે છે, એટલે રસ્તા ઉપરથી રૂપિયાની નોટ મળી હોય, એવી ખુશમખુશ થઈને ખભા ઉલાળતી ચીચીયારીઓ પાડવા માંડતી. ક્રિકેટ સાથે એમને લેનાદેની ઘણી હતી. કારણ કે, શ્રીલંકાવાળો બેટ્સમેન ચોગ્ગો મારે કે આપણાવાળો આઉટ થાય તો ય એ ચીસાચીસથી ટીવી ઉપર શોરબકોર મચાવી દેતી હતી. કહે છે કે, ટીવી દ્વારા મેચને બદલે સુંદર છોકરીઓમાં ધ્યાન પરોવવાની શરૂઆત, એક જમાનામાં દુબાઈ- શારજાહની મેચો વખતે ઇંગ્લિશ કમેન્ટેટર હેનરી બ્લોફેલ્ડે કરી હતી. ડોહો છોકરીઓના કાનના બુટિયા બતાવવાના નામે ઉપડયો હતો, કેમ જાણે આપણે લારીઓમાં બુટિયાં જોયા જ ન હોય ! બુટિયું બતાવે એટલે ચેહરો જોવો જ પડે ! આપણે બુટિયા જોવા આટલા મોંઘા ભાવના ટીવી ખરીદ્યા હશે ?

ટીવી પર દેખાવવું મને ય ખૂબ ગમે. એ વાત જુદી છે કે, કોઈ મને ટીવી પર દેખાડતું નથી. નહિ તો, કેમેરા સામે ખડખડાટ મોંઢે હસતા હસતા હાથ હલાવતા મને ફાઇન આવડે છે. મારી બાજુમાં કોક હોવું જોઈએ તો મારો ફોટો સારો આવે છે. એકવાર ટીવી પર આવી જવાનો ફાયદો એ છે કે, હજારો ઓળખીતાઓ આપણને જુએ છે ને પાછા બીજે દહાડે 'વોટ્સઅપ' પણ કરે, 'એ કાલે તમને ટીવી પર જોયા હતા...!' હાઆઆ...શ...! મનને એવી શાંતિ મળે કે, આપણે દેખાઈ ગયા. સપનું પૂરું થયું. આગળનું પછી જોઈશું- વિચારીશું. મને યાદ છે કે ચારરસ્તાની ભીડમાં હું ય ઉભો હતો અને ટીવીવાળા એ ભીડની મૂવી ઉતારતા હતા. ટોળાના જે ભાગ તરફ કેમેરા ફરે, એટલે બધા હસતા હસતા હાથ ઊંચો કરીને હલાવે, એમ આપણે ય હાથ હલાવ્યો. આમ હું ખાસ કાંઈ હસતો નથી, પણ ટીવીમાં હસીએ તો જરા સારું લાગે. 'વોટ્સએપ' તો ફ્રી થાય છે, એટલે નામો શોધી શોધીને મિનિમમ હજારેક જણાને મેસેજ મોકલાવી દીધા કે, 'આવતીકાલના ન્યૂસ જોજો... હું ટીવીમાંં દેખાવાનો છું.''

નિર્દોષભાવે એમાંના ૯૮ ટકા દોસ્તો એવું સમજ્યા કે, 'ખુશ્બુ ગુજરાત કી'માં હવે અમિતાભ બચ્ચનના બદલે મને લેવાયો હશે. આપણી પાસે ય એમ તો હજારો જાતની ખુશ્બુઓ પડી છે, એની બધાને ખબર ! અને આમ પાછું, માહિતી ખાતામાં બે- ચાર જણા આપણને ઓળખે ખરા, એટલે દોસ્તોને ય ખબર કે, આની ઓળખાણો મોટી મોટી છે. એ લોકો ય રાહ જોઈને ટીવી સામે બેઠેલા...

પણ ન્યુસમાં જોયું તો ચાર રસ્તા પરની એ ભીડમાં હું તો ક્યાંય દેખાયો નહતો. આખા સ્ક્રીન પર નાની નાની કીડીઓ ચોંટી હોય, એટલા નાના મોઢા અમારા બધાના દેખાતા હતા. મને ખબર કે હું પાનવાળાના ગલ્લાની નીચે, સાયકલો પડી હતી, એની પાસે કોઈ સો- બસ્સો માણસોની વચ્ચે એક સજ્જન દેખાતા ભાઇની બાજુમાં ઊભો હતો. આપણું ધ્યાન એ ખૂણા ઉપર જ, પણ દોસ્તોને એ ખૂણો થોડો ખબર પડે ?

આવી નિષ્ફળતા પછી તરત જ એ દોસ્તોના ફોનો આવવા માંડે, એ છાતી ચીરીને બરડાની આરપાર નીકળી જનારા હોય, 'દાદુ, તમે તો ક્યાંય દેખાયા જ નહિ ! અમને તો એમ કે, તમે જ મેઇન હશો. ખાદીનો ઝભ્ભો- બભ્બો પહેરીને તમે 'ખુશ્બુ ગુજરાત કી' ફેલાવતા દેખાશો... કટ થઈ ગયું ?'

તારી ભલી થાય ચમના... આવું પૂછે એટલે દ્રષ્ય કટ થઈ નથી જતું... હૈયું કટ થઈ જતું હોય છે ! લોકોનું કેવું છે કે, આપણે દેખાણા હોત તો કોઈ ફોન ન કરત, પણ આવો કચરો થયા પછી દર ત્રીજી સેકન્ડે ફોન આવે, 'દાદુ તમને તો બઉ શોધ્યા... બઉ શોધ્યા... ? ક્યાંય દેખાયા નહિ. સાલુ, આખું ટીવી ઉખાડીને કાચ- બાચ ખોલીને નવેસરથી ફિટ કરી દીધું, પણ તમે ક્યાંય ન દેખાયા....!'

સાલાઓ બળતામાં 'પેપ્સી' ઉમેરે છે ને ? કેમ કે જાણે આપણને ખબર નહિ હોય કે, અમે નહોતા જ દેખાયા. પણ અમારા કાઠિયાવાડની એક જૂની કહેવત. 'હું તો મરૂં પણ તને રાંડ કરૂં' (રાંડ એટલે વિધવા) એટલે આપણા હૈયાને જરી ટાઢક વળે, એ ઇરાદાથી અમદાવાદની મેચ પત્યા પછી, મેં એક દોસ્તને કીધું, 'પરીયા, તારા મિસિસ ટીવી પર મેચમાં દેખાયા હતા.. તને બહુ ગોત્યો... તું જરાક આઘોપાછો થયો'તો... ?? તું નહોતો દેખાતો ? ભાભી ફાઇન લાગતા'તા...!'

ખીજાયો. મને કહે, 'ટીવી જરા પહોળું કરાયું હોત તો હું દેખાત....! સાલા, મારી વાઇફને જ બતાય બતાય કરતા'તા...હાથ તો હું ય હલાવતો'તો, પણ મને એકે ય વાર બતાડયો નહિ...!' (આ દ્રષ્ટિએ, ટીવી કેમેરામેનો કેટલા બુદ્ધિમાન કહેવાય... ? દે તાલ્લી !)

પરીયો હાઇટ બોડીમાં આપણને મારે એવો છે, એટલે હું બોલ્યો નહિ કે, સાલા વગર ટીવીએ પણ જોવા જેવી તો તારી વાઇફ જ છે... તું અડધા ગામને નડી રહ્યો છું...! તારા મેરેજમાં ફોટા હું પાડતો હોત તો રામ કસમ... તારો એકે ય ફોટો આવવા ન દેત...બધા તારી વાઇફના જ પાડત !''

સુનિલ ગાવસકરે એ મેચની કોમેન્ટ્રીમાં ખાસ કીધું હતું કે, 'મેચ અમદાવાદમાં હોય એટલે 'પ્રિડોમિનન્ટલી' (એનો ખાસ શબ્દ) સ્ટેડિયમ ખીચોખીચ જ હોય...!' એની વાત સાચી છે.દેશ આખો પૈસો તો ગુજરાતીઓના કારણે કમાય છે. સાચું પૂછો તો, ગુજરાતીઓ (પુરૂષો પણ) દેખાવમાં આખા ભારતના બધા રાજ્યોના પુરુષોથી ચઢે એવા છે. એક તો પૈસો પુષ્કળ આપ્યો છે ને એમાં ય પોતે કપડાં કૅરી કરી શકે છે, કેવો મેઇક-અપ વધુ સારો લાગશે, એનું પરફેક્ટ નાલેજ છે. દેશમાં નવી ગાડી પહેલી લેનાર ગુજરાતી જ હોય. દુનિયાભરના હિલ-સ્ટેશનો ઉપર એ દેશનો કોઈ માણસ હોય કે ન હોય, ગુજરાતી તો હોય જ ! હું તો ભારત આખું ફર્યો છું પણ બહાર નીકળ્યા પછી દેખાવ કે ડીસન્સીનો મામલો હોય, ગુજરાતીઓને કોઈ બીટ કરી શકે એમ નથી. (બહારના લોકો 'ગુજરાતી'ને બદલે આપણને 'ગુજ્જુ' કહે છે, એનો મને જરા ય વાંધો નથી. રાજસ્થાનીઓને 'રાજુ' કહે, બંગાલીઓને 'બંગુ' કહે કે મરાઠીઓને સાવ ખોટી રીતે 'ઘાટી' કહે, એમાં મારો વિરોધ ખરો.) અમદાવાદની એ મેચ યાદ કરો તો મેચનું વાતાવરણ જલસામાં ફેરવી નાખવાનું કે આખી મેચ સ્ફૂર્તિવાળી બનાવી દેવાનું તો કોઈ ગુજરાતીઓ પાસેથી શીખે. વહેલી સવારના ઘેરથી નીકળ્યા પછી, હઈડ હઈડ થતા મેચ જોવા છ- સાત કલાક બેસી રહેવાનું ને આવી અનર્જી ટકાવી રાખવાની... માય માય, ગુજરાતીઓને જ સિદ્ધહસ્ત છે. અપવાદો તો બધે હોય, પણ જનરલી સ્પીકિંગ... આઇ એમ રાઇટ ! સુઉં કિયો છો?

અમદાવાદની મેચમાં ફખ્રની વાત તો એ હતી કે અમદાવાદીઓ પોતાની દુકાનના પાટીયાં- બાટીયાં લઈ જવાને બદલે ભારતીય તિરંગો લઈને મેચ જોવા ગયા હતા અને ખૂબ હોંશપૂર્વક લહેરાવતા હતા. આપણે સાવ આશા મૂકી દીધી હતી કે, ગુજરાતના યુવાનોમાં દેશદાઝ જેવું કાંઈ છે જ નહિ, એવું નથી. બુદ્ધિમાન અમદાવાદી છોકરાઓ ખૂબ જાણે છે કે, આ મેચ આખી દુનિયામાં લાઇવ ટેલીકાસ્ટ થઈ રહી છે, એ જોતાં ભારતનો ગૌરવવંતો તિરંગો સેંકડોની સંખ્યામાં લહેરાતો દેખાય, એટલે જગતભરમાં આપણા દેશનું ગૌરવ દેખાય. અમદાવાદના એ યુવાનોનો દેશપ્રેમ જોયા પછી ઘેર બેઠા આપણે ખુશ થઈએ કે, હવે ચીનાઓ કે પાકિસ્તાનીઓ આવશે તો એમની પાછળ લાત મારીને ભગાડવામાં આપણી પાસે યુવાનોનો સ્ટોક ઓછો નથી.

મારા ચાલુ જન્મના લખ્ખણો પરથી આવતો જન્મ તો ભગવાન મને માણસ બનાવે એવું લાગતું નથી, પણ એને પ્રાર્થના કે, આવતા જનમમાં મને ભલે કાગડાનો અવતાર આપો, પણ એ કાગડો ગુજરાતી હોવો જોઈએ..! સાલું, ગુજરાતીમાં તો, 'કાકાકાકાકા' ય કોયલ કરતા વધુ મીઠું લાગે !

સિક્સર

- હજી ગઈ કાલ સુધી તો ઓકે હતા... આઇ મીન, સૅન્સિબલ વાતો કરતા હતા... અચાનક અસ્થિર મગજના કેવી રીતે થઈ ગયા ?
- કંઈ નહિ...એ તો ભૂલથી શાહરૂખખાનનું 'હેપી ન્યૂ યર' જોવાઈ ગયું !

No comments: