Search This Blog

26/11/2014

હું મૉડેલ બન્યો!

આખો રૂમ આખું ફિલ્મ શૂટિંગવાળાઓથી ભરચક છે. મોટી મોટી લાઈટો, મોટો કૅમેરા, જમીન પર સાપોલીયાની માફક ફેલાયેલા લાઈટના દોરડાં, મેઈક-અપવાળો, સાઉન્ડ ટૅકનિશિયનો, હાથમાં સ્ક્રીપ્ટ લઈને ફરતી કોઈ મોડર્ન છોકરી અને એક ડાયરેક્ટર.

(એક સ્પષ્ટતા : હાથમાં ઝાડુ સાથે ફોટા પડાવવા મારે સફાઈ-સપ્તાહમાં ભાગ લેવાનો નહતો...આ તો વાચકોનું મારા ઉપરથી માન ઉતરી ન જાય, માટે સ્પષ્ટતા કરી. વધુ સ્પષ્ટતાઓ માટે અમારા આગામી અંકો જોતા રહો. આપના ફેરીયાને અત્યારથી જ કહી દો. : સ્પષ્ટતા પૂરી.)

આજે તો મને ટીવી-ઍડ માટે મોડેલ બનાવાયો હતો. મારી પાસે ભરચક ડેટ્સ પડી હતી, તે મેં 'કુ કૂ... મૉડેલિંગ કરી નાંખીએ. કહે છે કે, ડાબી બાજુથી મારા ફોટા અને ફિલમ સારી આવે છે. અન્ય મોડેલો જેવા મારા હાઈટ-બૉડી તો છે જ... (ચેહરાની વાત અત્યારે નહિ... મને મજાકમસ્તી પસંદ નથી.) એટલે શૂટિંગ-શર્ટિંગ, દાઢી કરવાની બ્લૅડો, શૂઝ-સ્લિપર, શેવિંગ-ક્રીમ કે હાથ-રૂમાલની ઍડમાં હું જામું એવો છું. પણ અમારા આ ફીલ્ડમાં ઋત્વિક રોશન, શાહરૂખ કે રણવીર કપૂરોની હરિફાઈ બહુ... આપણને આગળ જ ન આવવા દે. નહિ તો મોટર-બાઈકની ઍડ કરવી હોય તો સાંજે ઑફિસ છુટયા પછી આવો... સ્ટૅન્ડ પર ચઢાવેલી બાઈક ઉપર એક પગ ઉપર ચઢાવીને, કાળા ગૉગલ્સમાં સ્માઇલ વગર મેં અનેક ફોટા પડાવ્યા છે. તમે રજનીકાંતને ભૂલી જાઓ, સાહેબ!

પણ પહેલા જ ઘાએ, મારે બાથરૂમમાં ઊભા રહીને મૉડેલિંગ કરવાનું હતું. વાઇફે તો ચિંતા ય વ્યક્ત કરી કે, ''જરા પૂછી લેજો... તમારે પ્લમ્બર-બમ્બરનું મોડેલિંગ તો નથી કરવાનું ને?'' મેં એને શાંત પાડવા કીધું ય ખરૂં કે, ''દર વખતે લોકો મારા દેખાવ ઉપરથી કાંઈ નિર્ણયો ન લે.'' મને કહેવામાં આવ્યું હતું કે, ''નૉર્મલી... શૅમ્પૂ, હેર-ડાઈ કે સાબુની ગોટીઓના મૉડેલિંગમાં અમો લોકો ભરયુવાન અને હૅન્ડસમ ચહેરાઓ લઈએ છીએ. આ વખતની ઍડ એવી છે કે, વર્ષોથી જે ડોહો નહાતો-ધોતો ન હોય, એ જો અમારો સાબુ વાપરે તો રોજ નહાતો ધોતો થઈ જાય. આમાં તમે ફિટ આવતા'તા... તો, વ્હાય નૉટ ટુ ટ્રાય ઈટ આઉટ....???''

તારી ભલી થાય ચમના... હું રોજ નહાઉં છું. પણ રોજ નહિ નહાતો હોઉં, એમ તું માની કેવી રીતે લઈ શકે? આઇ પ્રોટેસ્ટ...!

આવું મેં કીધું નહિ. મૉડેલિંગનો કોન્ટ્રાક્ટ હાથમાંથી જાય. મને મળ્યા/જોયા પછી એ લોકોને મારામાં એવું કંઈક લાગ્યું હશે, કે આ નહાતો-ધોતો લાગતો નથી, માટે મારી પાસે મૉડેલિંગ માટે આવ્યા હશે ને? આપણામાં ટેલેન્ટ તો ખરી!

ઈન્ટરવ્યૂ દરમ્યાન મને પહેલો સવાલ પૂછાયો હતો, ''તમને નહાવાનો અનુભવ ખરો? આઇ મીન... આ પહેલા ક્યારેય નહાયા છો?''

સિલી લાગે એવા સવાલો એને પૂછતા નહોતા આવડયા. એને પૂછવું હતું કે, અગાઉ મેં કોઈ નહાવા બેઠેલા કે ઊભેલા મૉડેલ તરીકે કામ કર્યું છે? બાકી નહાવામાં તો મારો હાથ વર્ષોથી બેઠેલો છે. હું બન્ને હાથે નહાઈ શકું છું. સિટી વગાડતા નહાવામાં આપણો કોઈ સાની નહિ. નહાતા નહાતા મોંઢામાં પાણી ભરીને બાથરૂમની દિવાલ ઉપર પિચકારી મારી શકું છું. એક રૅકોર્ડ તો આપણા નામે છે કે, એક વાર તો ડોલ/બાલદી નહિ, ફક્ત એક ટમ્બ્લર પાણીમાં મેં આખું નહાવાનું પતાવ્યું હતું. છાંટી લેવાનું. બહુ ઓછાને ખબર હશે કે, નહાવું એ કળા છે, આર્ટ છે, પેલું આજકાલ શું ચગ્યું છે...? હા, એક 'યોગા' છે. પાણીની કરકસર છે... ઍન્ડ માઇન્ડ યૂ, સર...! હું ડોલમાંથી ટમ્બ્લર માથા ઉપર ઉલાળીને, શૉવર નીચે, નદીના કિનારે, ફૂવારાઓમાં કે પછી કપડાં પહેરીને પણ નહાયો છું. મને જરા ય અભિમાન નહિ. આપણને નહાવાનો અનુભવ કેટલો, એવું એનાથી પૂછાય કેમ?

આપણને પાછો બહુ અનુભવ નહિ એટલે મેં પૂછી જોયું, ''બાથરૂમમાં નહાવાના દ્રષ્યમાં મારે મૅઇક-અપ શું કામ કરવો પડે?''

''સર... નહાતી વખતે બાથરૂમમાં ઢોળાનાર પાણી કાળા રંગનું ન આવે માટે! ઘણીવાર કૅમેરો ચામડીનો રંગ પણ પકડી લેતો હોય છે.''

ફિલ્મો બહુ જોયેલી એટલે એ લોકોને એવું ન લાગે કે, આ સાવ નવો છે, એટલે મેં પ્રોફેશનલ મૉડેલની માફક પૂછ્યું, ''બાથરૂમમાં દાખલ થતી વખતે મારે પગની લાત મારીને દરવાજો તોડીને નહાવા જવાનું છે કે...?''

એમણે મને શાંતીથી સમજાવ્યો કે, આપણે કૌમી રમખાણોનું શૂટિંગ નથી કરતા... નહાવાનું કરીએ છીએ. તમારે સિસોટી વગાડતા વગાડતા ગળે ટુવાલ ભરાવીને બાથરૂમમાં દાખલ થવાનું છે. એક વાર છત તરફ ઊંચે જોઈને બાથરૂમનો દરવાજો બંધ કરવાનો ને-''

''ઍક્સક્યૂઝ મી... છત પર જોવાનું કારણ શું? ઓકે, ફાઈન... છત પર ગરોળી-બરોળી ચીપકી ન હોય માટે ને?''

''સર-જી, છત તરફ એટલે જોવાનું કે, બાથરૂમમાં દાખલ થયા પછી માણસની પહેલી નજર છત તરફ જ જાય... ત્યાં ઊભા ઊભા કોઈ બાજુવાળીની ખીડકીમાં જોતું ન હોય...!''

''ઓકે ઓકે... ધૅટ્સ ફાઈન... પણ... પણ અહીંથી દરવાજો બંધ કરી દઉં તો તમે લોકો મારું શૂટિંગ કેવી રીતે કરશો?''

મારી મર્યાદા જાળવવા એ લોકો કોઈ મોટેથી તો ન હસ્યું, પણ મને કહે, ''તમે એની ચિંતા ન કરો. આ કોઈ રીયલ બાથરૂમ નથી... સ્ટુડિયોનો સૅટ છે. અહીં તો...'' એમ કહીને ડાયરૅક્ટરે મને બધી ગતિવિધિઓ સમજાવી. હું તો બસ, 'યા-યા' કરતો રહ્યો. આ ધંધામાં ઘણીવાર ઈંગ્લિશ બોલવું પડતું હોય છે. એ લોકોને એવું ન લાગવું જોઈએ કે, આ પહેલી વારનો છે... સુઉં કિયો છો?

ભલે શૂટિંગ હજી શરૂ થયું નહોતું, પણ બે કલાક થઈ જવા છતાં હજી કોઈ મારો ઑટોગ્રાફ લેવા આવ્યું નહોતું. હું તો પૅન પણ ઘરેથી લઈને ગયો હતો. કારણ કે, ચાલુ શૂટિંગે ફૅન્સ-લોકો હેરાન કરે, એ પસંદ નથી. અહીં તો એમાં ય પ્રોબ્લેમ થવાનો હતો કે, મારી સાથે ફોટા પડાવવા માંગતા ચાહકો સાથે મારે નહાવાની ચડ્ડી પહેરીને જ ફોટા પડાવી શકાય એમ હતું... ને એ ય ભીના બદને! જો કે, લુચ્ચા ચાહકોનો કોઈ ભરોસો નહિ... એ લોકો તો એમે ય કહી બેસે કે, ''અમે ય અશોકજીની જેમ ભીના બદને સ્વિમિંગ-કૉસ્ચ્યૂમ પહેરીને એમની સાથે ફોટા પડાવીશું...''

તમારામાંથી કોઈએ શૂટિંગ જોયું હોય તો ખ્યાલ હશે, એમાં સાલી વારો બહુ થાય છે. એક શૉટ લઈ લીધા પછી બીજો આવતા બે કલાકે ય નીકળી જાય. ભૂલ ગમે તેનાથી થાય, આમાં તો રીટૅઇક્સ પણ બહુ લેવા પડે એટલે કે, એક શૉટ ખોટો થયો તો એનો એ જ બીજી પચ્ચી વખતે ય લેવો પડે. આ કોઈ શૂટિંગ-શર્ટિંગનું શુટિંગ હોત તો શૂટો પહેરીને ખૂણામાં બેસી રહેવાય પણ, અહીં તો દ્રષ્ય સાબુની ગોટીનું હતું ને નહાવાનું હતું, એટલે ભીના શરીરે કેવળ ચડ્ડામાં તો માણસ કેટલા કલાક બેસી રહી શકે? પણ મૉડેલિંગમાં હું પૈસા સામે નથી જોતો... કલા સામે જોઉં છું, એટલે ચૂપચાપ બેસી રહ્યો. આજ કાલ સારા મૉડેલો મળે છે ક્યાં? આ તો એક વાત થાય છે!

''તમારે શૉવર નીચે ઊભા રહેવાનું છે. આખું શરીર પાણીથી ભીનું હશે. તમારી આંખમાં ય પાણી ગયું હશે, એટલે સાબુની ગોટી બંધ આંખે શોધવા તમારે હાથ ફેલાવીને ફાંફા મારવાના...'' ડાયરૅક્ટરે મને સૂચના આપી. એ વાત જુદી છે કે, મહીં ગયા પછી સાબુના ગોટા શોધવા બેસું, એના કરતા બહારથી જ સાબુ લઈને જ અંદર કેમ ન જવું? બા તો આવી બાબતોમાં બહુ ચોક્કસ. મને કદી હાથમાં સાબુ આપ્યા વગર જવા જ ન દે... ખીજાય! પણ આપણે બોલીએ તો, કે'છે, 'બોલે છે', એટલે સૂચના પ્રમાણે હું બાથરૂમમાં દાખલ થયો. મને તો ખબર હતી કે, સાબુવાળો ખૂણો ક્યાં છે, પણ ઍક્ટિંગ કોનું નામ? મેં જાણે ગોટી જોઈ જ નથી, એમ ફિલ્મ 'દીદાર'ના દિલીપકુમારની જેમ અંધ બનીને દાખલ થયો.

''સર-જી, આપ ભદ્રકાળીના મંદિરે ઊભેલા ભિક્ષુક નહિ, અબજોપતિ માલેતુજાર છો... જરા વટથી દાખલ થાઓ.''

આમ મારી દલિલ વ્યાજબી હતી કે, માલેતુજારો કાંઈ જાતે નહાતા ન હોય... એમને નવડાવવા તો ધોળી રશિયન, ચાયનીઝ કે જાપનીઝ છોકરીઓ આવતી હોય... આ તો કોઈ લુખ્ખો નહાવા પડયો હોય, એવું લાગે.

ડાયરૅક્ટરે મારાવાળું ટમ્બ્લર પોતાના માથામાં પછાડીને કહ્યું, ''હું ખાલી બાથરૂમે નહાવાના દ્રષ્યો ઝડપીશ પણ આ ભાઈ સાથે તો જીંદગીમાં કામ નહિ કરૂં...!''

આપણે શું? એક સારો મૉડેલ એણે ગુમાવ્યો. આપણી પાસે તો હાથમાં ઝાડુ લઈને રિવરફ્રન્ટ વાળતા મૉડેલનો કૉન્ટ્રાક્ટ છે જ!

સિક્સર

મને ખૂબ હસાવી ગયેલી ખટારા પાછળની શાયરીઓ :
- ''રામયુગ મેં દૂધ મિલા, કૃષ્ણ યુગ મેં ઘી, ઈસ યુગ મેં દારૂ મિલા, ખૂબ દબાકર પી.'' (૨) લટક મત, પટક દૂંગી. (૩) ધીરે ચલેગા તો બારબાર મિલેંગે, તેજ ચલેગા તો હરિદ્વાર મિલેંગે.

No comments: