Search This Blog

14/11/2014

ફલાઈટમાં ગુજરાતીઓ

'૬૦-ના દાયકામાં અમારી ઉંમર ધોધમાર હિંદી ફિલ્મો જોવાની હતી. અમદાવાદની રીલિફ, કૃષ્ણ, રીગલ, મોડેલ, સિનેમા-દ-ફ્રાન્સ, અશોક, રૂપમ, અલંકાર, પ્રતાપ, સેન્ટ્રલ, ઈંગ્લિશ ટોકીઝ અને ઘીકાંટા ઉપર તો નશો જ નશો. નોવેલ્ટી, લક્ષ્મી, એલ.એન., લાઈટ હાઉસ, પ્રકાશ અને છેલ્લે મધુરમ... બસ, પતી ગયું. એ જમાનામાં અમારી પાસે ટોકીઝોનો આટલો જ સ્ટોક પડેલો હતો. બહારના પરાંમાં હોય નાનીમોટી ટોકીઝો, પણ કોઈ જઈએ નહિ. ત્યાંના લોકલીયાઓ જાય! આ તમારી રૂપાલી-બુપાલી કે નટરાજ-બટરાજ તો પછી આવી.

આખા અમદાવાદ શહેરમાં આમે ય, હાર્ડલી કોઈ ૨૦-૨૫ જણા પાસે ગાડીઓ હતી. (આજે એક એક એપાર્ટમેન્ટમાં દસ-દસ કે સો-બસ્સો ગાડીઓ હોય છે.) સ્કૂટર છ-છ વર્ષે નોંધાવો ત્યારે માંડ આવે, એટલે એ ય બહુ ઓછાની પાસે. અમારી પાસે સાયકલ...

પણ સાયકલ પર બેસીને સિનેમા જોવા જવું, એ મુંબઈની તાજમહલ હોટેલમાં સ્વિમિંગ-કોસ્ચ્યૂમ પહેરીને જવા જેટલું શરમજનક લાગતું. વળી, ત્યાં પહોંચ્યા પછી લોઅર-સ્ટોલ્સની (એક રૂપીયાવાળી) ટિકીટની તોફાની લાઈનમાં ઊભા રહેવાનું. માથે અઢી રૂપિયાવાળી ટોપી પહેરી રાખવાની, જેથી ઓળખાઈ ન જવાય અને જાલીમ-જમાનાને એવું ન લાગે કે, 'ચંદુભ'ઈનો છોકરો રૂપીયવાળીમાં ઊભો છે ?' એ તો ઠીક, 'રૂપીયાવાળી'માં બેસી ગયા પછી, હજી સ્લાઈડ-શો કે એડવર્ટાઈઝના રીલ્સ ચાલતા હોય, ત્યાં સુધી થીયેટરમાં ઠીકઠીક અજવાળું હોય. મેઇન પિક્ચર શરૂ થાય પછી અંધારૂં થાય, ત્યારે જ સ્વ. મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઈની માફક બન્ને જોડેલા હાથ લટકતા રાખીને સિનેમા-પ્રવેશ કરવાનો. એમાં આપણી ફાવટ ખરી. (કહે છે કે, હિતુભાઈ નહાતી વખતે ય હાથ આવા જોડેલા જ રાખતા... !) માથે ટોપી સાથે શર્ટના કોલર ઊંચા કરી અંધારામાં રૂપીયાવાળીમાં ઘુસવાનું એવી રીતે કે અપર-સ્ટોલ્સમાં બેઠેલું કોક ઓળખીતું જોઈ ન જાય. ઈન્ટરવલ પડવાની એકાદ મિનિટ પહેલા ફિલ્મ છોડી દઈને જમ્પ મારતા મારતા ઉપર બાલ્કનીના ગેટ પર પહોંચી જવાનું. જેવા પ્રેક્ષકો એમાંથી બહાર નીકળે, ત્યારે આપણે ય ટોળાની ભેગાભેગા બહાર નીકળવાનું. સમાજ તરત જ નામ બદલી નાંખે, ''ઓહો... અશોકભાઈ બાલ્કનીમાં ફિલ્મો જુએ છે... ! જરૂર કોઈનું કરી નાંખ્યું લાગે છે !'' (બાય ધ વે, એ જમાનામાં બાલ્કનીના રૂ. ૧.૬૦ હતા... એક રૂપીયો ને ૬૦ પૈસા !)

પણ ભાઈ રે ભાઈ... કોક રાત્રે ફાધર-મધર સાથે સિનેમા જોવાનું થાય, તો એ જમાનામાં ય બહુ મોંઘી ગણાતી રીક્ષામાં બેસીને જવાનું. સિનેમાના ઝાંપે ઉતરતી વખતે એવી ભાવના જોરદાર થાય કે, લોકો આપણને રીક્ષામાંથી ઉતરતા જુએ. ''શું વાત છે... ? અસોક રીક્સામાં ફરતો થઈ ગયો ?''

આપણને ગમ્મે તેવી ભાવના થતી હોય, પણ રીક્ષામાંથી ઉતરતી વખતે અમારા જ કલાસની ભાવના ભટ્ટ સાલી બાજુમાં ઊભી હોય, તો બી એનું ધ્યાન ન પડે ! ઝનૂનો તો એવા ચઢે કે, રીક્ષા પાછી લેવડાઈને ફરીથી ભાવની પાસે જ ઊભી રાખું, પણ એમ કરવામાં એનો ફાધર મને રીક્ષાવાળો સમજી બેસે, તો આપણે પરણ્યા પહેલા વિધૂર થવાના દહાડા આવે. (હવે કોઈ પંખો ચાલુ કરો !)

પણ એ વખતની ક્વોલિટી, નિરોઝ, કે કામા જેવી મોટી હોટલોમાં ભલે જઈ ન શકતા, ઊભા રહેવાનું તો એના ગેટ પાસે જ. જોનારને લાગવું જોઈએ કે, 'દવે સાહેબ તો રોજ તમને અહીં જ મળે.'

આપણે ક્ષણભરનો વૈભવ લેવા ગયા હોઈએ અને કોક આપણને જુએ, એવી લાલચ આજે તો શરમજનક લાગે છે કે, આવા દેખાડા કરવાની જરૂર શી હતી ? પણ ગોરધન ગાડી ચલાવતો હોય ને બાજુમાંથી સડસડાટ કોઈ 'આઉડી' કે 'મર્સીડીઝ' નીકળી જાય તો ગોરૂની વાઈફનું ગોરૂ ઉપરથી માન ઉતરી જાય છે. ''આપણે આ ખટારો હવે ક્યારે કાઢશું... ?''

પણ આજે એરપોર્ટ્સ પર કે ફલાઈટોમાં આપણા લોકોને જોઉં છું, તો શરમ દૂર થતી લાગે છે કે, અમે તો ગરીબ હતા ને રાજી થવા આવો દેખાડો કરતા. પણ જેમની પાસે પૈસો છે, એ લોકો તો આજે ય આવા (રૂપીયાવાળીવાળા) કારનામા કરે છે, પણ ઊલટી રીતે. એમની વાતોમાં, ''હજી ગયા મહિને જ હું સિંગાપુરમાં હતો... ત્યાંની ફાઈવ-સ્ટાર હોટલના સ્વીટ્સ (ડબલ રૂમ) સિવાય તો ઓર્ડિનરી રૂમોમાં ઉતરાય જ નહિ... ! મચ્છરો કઇડે.'' એર ઈન્ડિયાના ઈકનોમી કલાસમાં તો જવાય જ નહિ. એરહોસ્ટેસો ધોળીયાઓની સરખામણીમાં આપણને તો ચણા ય ના આલે. હું તો બિઝનેસ-કલાસમાં જ જતો હોઉં છું.''

તારી ભલી થાય ચમના... તારી બા રોજ હેંડતી હેંડતી મંદિરે જાય છે. ત્યાં દાનની રકમ લખાવવામાં ય ભાવતાલ કરે છે ને ડિસકાઉન્ટો માંગે છે... ને તું ક્યાં મેળનો વિમાનોમાં ફરતો થઈ ગયો ?

આવા નમૂનાઓ ફલાઈટમાં છે, એ સિદ્ધિની જાણ હરકોઈને થવી જોઈએ.

જુઓ. કેવી રીતે !

અમદાવાદીઓને રીક્ષા પકડવા અને ફલાઈટ પકડવામાં ખાસ કોઈ ફરક પડતો નથી. પડે તો એટલો પડે કે, એમને રીક્ષામાં બેસતા કોઈ જોઈ ન જાય ને એરપોર્ટ પર કે ફલાઈટમાં જેટલા ઓળખીતા હોય, એ કમ-સે-કમ એમને જુએ, તો પૈસા વસૂલ ! હજી વાર હોય ત્યારે એરપોર્ટના લાઉન્જમાં કોઈ એવી જગ્યાએ બેસવાનું, જ્યાં બહારથી આવતો હરએક મુસાફર એમને જોઈ શકે. અફ કોર્સ, ફલાઈટનો ગુજ્જુ મુસાફર કાંઈ એસ.ટી. બસના મુસાફર જેવો રૉલો ન હોય કે, જે મળ્યું, એ બધું જુએ રાખે. અહીં તો પોતાને ખૂબ બિઝી બતાવવા ખોળામાં લેપટોપ લઈને બેસવાનું. મશગુલ થઈ જવાનું. જોનારને લાગવું જોઈએ, ''ઓહો... પંડયા સાહેબ હવે ફલાઈટોમાં ફરવા માંડયા... ? એ તો કાયમ બિઝી જ હોય !''

લાઉન્જમાં આવી રીતે બેઠા હો ત્યારે ગમ્મે તે ના હોય... છાનુંમાનું એની સામે જોઈ લેવાનું, પણ સામેથી બોલાવવાનો નહિ... આપણે ફલાઇટમાં જવાના છીએ... છપ્પનના ભાવમાં જવાના નથી. જોઈ લીધા પછી પાછા બિઝી થઈ જવાનું ને એક્સપેક્ટ કરવાનું કે, એ આપણને જુએ પણ એ નહિ જુએ... એરપોર્ટ પર સારૂં સારૂં જોવાનું મૂકીને તમારા જેવા બુંદિયાળને શું કામ જુએ ? પણ સમો એવો બાંધવાનો કે, એ આપણને જુએ. એરપોર્ટો ઉપર આમે ય, નાનકડા રૅક ઉપર બિઝનેસ મેગેઝિનો પડયા હોય છે, જે મફતમાં મળે. ફિલ્મો-બિલ્મોનું મેગેઝિન મળે તો ય નહિ લેવાનું... જોનારને લાગવું જોઈએ કે, 'સાહેબ કોઈ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ લાગે છે.'

બસ. મેગેઝિન ઠોકી લાવીને વાંચતા વાંચતા પેલાની પાસેથી પસાર થવાનું અથવા સ્ત્રી હોય તો અથડાવાનું નહિ. પેલાના કમનસીબે, એ તમને મળવા આવે, તો બોલો ફક્ત ઈંગ્લિશમાં. ફાઇવ-સ્ટાર હોટલ કે એરપોર્ટો ઉપર તમારી ચરોતરની કે કાઠીયાવાડી નહિ ચાલે... (સુરતવાળી તો સહેજ બી નહિ ચાલે!!!)

ફલાઈટમાં દાખલ થતી વખતે એરહોસ્ટેસ સાવ લેવા-દેવા વગરના સ્માઇલો બધાને નવરાત્રીના પ્રસાદની જેમ આપતી રહે છે. આપણે એ પ્રસાદ લેવાનો નહિ. ''ઓહો ઓહો... કેમ છો મંગળાબેન... તમે ઈન્ડિયન એરલાઈન્સમાં જોડાયા ને કંઈ... ?'' એવા અહોભાવો ફલાઈટમાં પહેલી વાર બેસનારો આપે.

આમ ઈંગ્લિશ સરખું ન આવડતું હોય તો પણ એકલું, ''એકસક્યુઝ મી'' તો ગોખી જ મારો. તમારી સીટ સુધી જતા જતા પચ્ચા વખત બોલવાનું આવશે.

શરૂઆત એમના ચડ્ડાથી થાય. આપણા ઘાટીઓ પહેરે એવું ઝભલું (એમની લિન્ગોમાં, ''બ્રાન્ડેડ જર્સી''!) અને નીચે ચડ્ડો પહેરીને ફલાઈટમાં આવવાનું. ફલાઈટ ઉપડતા પહેલા બહેરા-મૂંગાની શાળામાંથી સીધી નોકરી અહીં મળી હોય એવી બોબડી એરહોસ્ટેસો સેફટી અંગે ઊભી ઊભી જે કાંઈ સમજાવતી હોય, એ 'જોવાનું જ' નહિ. આવા અલિપ્ત રહેવાથી ''ઓહ શીટ... અમે તો લાખો વાર ફલાઈટમાં બેસી ચૂક્યા છીએ. અમારે તો આ રોજનું થયું'' એવું સાબિત કરી શકાય. અને ખાસ ધ્યાન રાખો. ફલાઇટો પકડયા પછી બાજુવાળા સાથે એક શબ્દ પણ બોલ્યા છો, તો તમારી માં ના સમ છે. ન બોલાય. આ એસ.ટી.ની બસ નથી, તે ખારી સિંગનું પડીકું ખોલીને બાજુવાળાને સ્માઈલો સાથે ધરાય... ! બાજુવાળો ય તમારી સામું નહિ જુએ. એને ઉઠાડવો હોય તો ભરચક ડૂંગળી ચાવીને ફલાઈટ પકડો. કોઈ નામ નહિ લે.

બસ. મુંબઈ એરપોર્ટ પહોંચ્યા પછી (તમને ય ખબર છે કે, તમને લેવા કોઈ ડ્રાયવર આવ્યો નથી, પણ રેલિંગ પકડીને આવા ડ્રાયવરો તમારા નામના પાટીયાં પકડીને ઊભા હોય છે, એ બધાને ધરાઈ ધરાઈને જોવા ઊભા રહી જવાનું. ચેહરા પર ટેન્શનથી અવારનવાર ઘડીયાળ સામે જોવાનું (ડ્રાયવરની નહિ... આપણી ઘડીયાળ... !)ને એક વાર ડ્રાયવરોની સામે જોવાનું. પાછળથી આવતા પેસેન્જરોને લાગવું જોઈએ કે, ''સાહેબને લેવા ડ્રાયવરો આયા લાગે છે... !''

બહુ નહિ ઊભા રહેવાનું... ડ્રાયવરોને એવું લાગવું ન જોઈએ કે, ''આપણાવાળો અંદર કેવી રીતે ઘુસી ગયો ?''

સિક્સર

સ્વચ્છતા અભિયાન... ? શહેરના માર્ગો ઉપર મ્યુનિસિપાલિટીએ એક પણ જગ્યાએ કચરાનું કૂંડું મૂકાવેલું જોયું ?

No comments: