ફિલ્મ : 'કોહરા' ('૬૪)
નિર્માતા-સંગીતકાર : હેમંતકુમાર
દિગ્દર્શક : બિરેન નાગ
રનિંગ ટાઇમ : ૧૬ રીલ્સ : ૧૫૩ મિનિટ
થીયેટર : લક્ષ્મી(અમદાવાદ)
કલાકારો : વહિદા રહેમાન, વિશ્વજીત, લલિતા પવાર, મનમોહન કષ્ણ, અભિ ભટ્ટાચાર્ય, મદનપુરી, બદ્રીપ્રસાદ, તરૂણ બોઝ, ચાંદ ઉસ્માની, અસિત સેન, સમર રોય, દેવકિશન, બેગમ શૌક્ત કૈફી, મનોહર ગીર, લક્ષ્મી છાયા, સચિન શંકર, શમશેરસિંઘ, પ્રકાશ અને થેલ્મા
ગીતો
૧. ઓ બેકરાર દિલ, હો ચૂકા હૈ મુઝ કો આંસુઓ સે પ્યાર - લતા મંગેશકર
૨. યે નયન ડરે ડરે, યે જામ ભરે ભરે, જરા પીને દો... - હેમંતકુમાર
૩. રાહ બની ખુદ મંઝિલ, પીછે રહ ગઈ મુશ્કીલ, સાથ જો - હેમંતકુમાર
૪. ઝૂમઝૂમ ઢલતી રાત, લેકે ચલી મુઝે અપને સાથ - લતા મંગેશકર
૫. કાહે બજાઈ તુને પાપી, બાંસુરીયા, તન મે લગે ચિંગારી - આશા-મહેન્દ્ર કપૂર.(છેલ્લું ગીત ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું.)
એક નવાઈ લાગે કે, એ જમાનાના હીરો- હીરોઇનોએ અનેક પ્રેમકથાઓવાળી ફિલ્મોમાં પ્રેમીઓ તરીકે સાથે એવું સુંદર કામ કર્યું હોય કે, એ સમયની ઉંમર પ્રમાણે આપણે માની ગયા હોઈએ કે, વાસ્તવિક જીવનમાં ય આ બન્ને પ્રેમીઓ હશે. એમાં ય રાજ- નરગીસ, દિલીપ- મધુબાલા કે દેવઆનંદ, સુરૈયાની સચ્ચી સ્ટોરીઓ આપણી સામે હતી. શક્ય છે કે, એમાંના અમુક પ્રેમ (કે પ્રેમોમાં) હોય બી ખરા ને આપણે જાણતા ન હોઈએ અથવા તો જે જાણતા હોઈએ, એ સાચું ન હોય, પણ પ્રેમ-ફ્રેમ બાજુ પર જાવા દિયો, એ ફિલ્મ પત્યા પછી એ બન્ને વચ્ચે નામના ય સંબંધો ન હોય (કોઈ ઝઘડા કે અણબનાવ વગર...!) તો આઘાત લાગે. જેમ કે સ્વ. મહિપાલે મને એમના બોમ્બે ક્રિકેટ એસો.ની સામે આવેલા વિજય મહલના ફ્લેટમાં દોઢેક કલાક સુધી આપેલી મુલાકાતમાં ચોંકાવી દીધો હતો કે, ફિલ્મ 'નવરંગ'માં સંધ્યા સાથેની એમની અમર પ્રેમકથા જોયા અને અનહદ માણ્યા પછી તો મનમાં ચોક્કસ બેસી ગયું હતું કે, ફિલ્મ ભલે '૫૯માં પૂરી થઈ, પણ એ બન્ને વચ્ચે કેવા પવિત્ર અને મધુર સંબંધો છેક સુધી રહ્યા હશે ?
મધુરા સંબંધો... ? માય ફૂટ ! મહિપાલે કરેલા ઘટસ્ફોટ પછી ખબર પડી કે, ''એ તો ફિલ્મ પતી... એટલે વક્ત ગયા, બાત ગઈ...! મૈં ઔર સંધ્યા ફિર કભી મિલે તક નહીં !''
એવું જ વિશ્વજીત અને વહિદા રહેમાનને જોઈને થાય કે, બન્નેએ એકબીજા સાથે કેવી સુંદર ફિલ્મો શેર કરી છે... બન્ને વચ્ચે દોસ્તી તો આજીવન હશે ને ?
સહેજ પણ નહિ. વક્ત ગયા, બાત ગઈ ! એ તો પછી લોજીક સમજાણું કે, ફિલ્મો ય એક બિઝનેસ છે. એમાં કામ કરનારાઓ વચ્ચે પ્રોફેશનલ સંબંધો જ હોય, પર્સનલ નહિ ! આપણે નોકરી- ધંધો કરીએ છીએ. સ્ટાફના અનેક સાથે ઘર જેવા (કે ઓફિસ જેવા) સંબંધો બંધાયા હોય, પણ આજે શું ?... આજે માય ફૂટ !
પણ દર્શક તરીકે ફિલ્મો સાથેનો આપણો સંબંધ 'માય ફૂટ' નથી હોતો. ક્યારેક કોઈ ફિલ્મના ગીતો સાથે કે આખેઆખી ફિલ્મ સાથે આપણે ય ઘર જેવા સંબંધો બંધાઈ જાય છે, એમાંની મારા માટે એક એટલે આ 'કોહરા'.
'કોહરા' કોઈ ગ્રેટ ફિલ્મ નહોતી, પણ હું એના ચારેય ગીતો ઉપર આજે ય 'રાહુલ રાહુલ' થઈ જાઉ છું. વહિદા જેટલી સુંદર અન ગ્રેસફૂલ આ ફિલ્મમાં લાગે છે, એટલી મને 'ગાઇડ' કે 'દિલ દિયા દર્દ લિયા'માં ય નથી લાગી. એનો અર્થ તમારે એ પણ કાઢવાનો કે, સમગ્ર કરિયરમાં વહિદા આ બન્ને ફિલ્મોમાં કેવી ચાર્મિંગ લાગતી હતીને તો ય, 'કોહરા' જેટલી અને જેવી અપીલ મને અન્ય કોઈ ફિલ્મમાં નથી લાગી. માર્શલ બ્રગાન્ઝાની અદ્ભુત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી જોયા પછી બે હાથ જોડીને આભાર માનવો પડે કે, 'થૅન્ક ગોડ, આ ફિલ્મ રંગીન નહોતી બની...!' એક દ્રષ્ય તો મને હજી ય યાદ છે કે, ફિલ્મના હેમંત દાના ગીત, 'રાહ બની ખુદ મંઝિલ, પીછે રહ ગઈ મુશ્કીલ...'ના ત્રીજા અંતરાના ઇન્ટરલ્યૂડ મ્યુઝિક વખતે મહાબળેશ્વરની સડકો ઉપર ખુલ્લી કારમાં જતા વહિદા- વિશ્વજીતને માર્શલના કેમેરાએ ઊલટાવી નાખ્યા હતા (જે એ વખતની ટેકનોલોજીમાં સરસ કામ થયું કહેવાય.) મતલબ કેમેરા આખો ઊલટો થઈ જાય છે, એમાં અમદાવાદની લક્ષ્મી ટોકીઝના પ્રેક્ષકો ગુસ્સે થઈને સિસોટી મારવા માંડયા હતા...''અબે ફિલીમ કી પટ્ટી સીધી કર... ઊલટી હો ગઈ હૈ...!'' પછી એ જ રનિંગ કેમેરામાં માર્શલે કેમેરા સીધો કરી બતાવ્યો, ત્યારે હસતા મોંઢે પ્રેક્ષકો ઉલ્લુ બન્યાનો આનંદ લેતા હતા અને હજી ય માનવામાં નથી આવતું કે, આવા ભવ્ય સેટ્સ મેં બીજી કોઈ ફિલ્મમાં જોયા છે ? ભવ્યતાની વાત આવે એટલે 'મુગલ-એ-આઝમ' કે 'પાકીઝા'ના સેટ્સની યાદ આવે પણ પરેલના રાજકમલ સ્ટુડિયોમાં આર્ટ- ડાયરેક્ટરે (મને નામની ખબર નથી) વિશાળ હવેલીના જે સેટ્સ બનાવ્યા છે, તે જોતાં પહેલી બીક એ લાગે કે, એક બાજુ આખી ફિલ્મનો ખર્ચો હશે ને બીજી બાજુ ફક્ત આ સેટ્સનો ખર્ચો ! ગાયક- સંગીતકાર હેમંતકુમારે પોતે ઉતારેલી આ ફિલ્મ હતી, એટલે ખાલી સેટ્સમાં જ ભરપુર નિચોવાઈ ગયા હશે. અહીં ખૂબ મોટી હવેલીના આલીશાન રૂમો અને કોરીડોર એકબીજા સાથે સળંગ ખાસ્સી લંબાઈથી જોડાયેલા છે ને તમામનું ઇન્ટરીયર- ડેકોરેશન પણ ખર્ચાળ અને મનોરમ્ય છે. કમ-સે-કમ, મેં તો આટલા વિશાળ સેટ્સ અન્ય કોઈ ફિલ્મમાં નથી જોયા. વિશ્વજીતે હજી હમણાં કોક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, એ વખતે 'કોહરા' બની રહી હતી, ત્યારે એના સેટ્સ જોવા ફિલ્મ ઉદ્યોગના મોટા ભાગના ઊંચે લોગ પરેલ- રાજકમલ સ્ટુડિયો ખાસ આવતા. વિશ્વજીતની પહેલી પત્નીનો આખો બેડરૂમ સફેદ બનાવાયો હતો.
મેં કીધું ને, ફિલ્મ કોઈ ગ્રેટ નહોતી, ભલે હિચકૉકની ફિલ્મ 'રૅબેકા' ઉપરથી બનાવાઈ છે. વાર્તામાં લોજીક શોધ્યું મળે એમ નથી. 'આવું કેમ ?' અથવા 'આવું તે કાંઈ હોતું હશે ?' એવા સવાલો હર ઘડી ઉઠતા રહે, તો વાંક તમારો નહિ, ડાયરેક્ટરનો છે.
ડાયરેક્ટર બિરેન નાગે આ જ હેમંત દા માટે અત્યંત સફળ સસ્પેન્સ ફિલ્મ 'બીસ સાલ બાદ' બનાવી, એના ઇનામરૂપે આ બીજી ફિલ્મ પણ દિગ્દર્શિત કરવા મળી. અલબત્ત, બિરેન દાને અગાઉ 'ચૌદહવી કા ચાંદ', 'સી.આઇ.ડી.' અને 'સાહિબ, બીવી ઔર ગુલામ'માં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકેનો અનુભવ અહીં કામમાં આવ્યો. (કાંઈ ધ્યાનમાં આવ્યું... ? બિરેન દાની બધી ફિલ્મોની હીરોઇન એક જ હતી...!) આ ફિલ્મ 'કોહરા' Daphane Du Maurier (ઉચ્ચાર : ડૅફને ડુ મૉરિયે... જેવું વંચાય છે, એવું 'મોરિયર' નહિ !) નામના સાહિત્યકારે ઠેઠ ૧૯૩૮માં લખેલી નૉવેલ 'રૅબેકા' ઉપરથી ધી ગ્રેટ થ્રીલર- માસ્ટર આલ્ફ્રેડ હિચકૉકે એ જ નામથી પેલું શું કહે છે... યસ, 'સોલ્લિડ' ફિલ્મ (૧૯૪૦) બનાવી હતી, (જેના હીરો હતા સર લૉરેન્સ ઓલિવીયર અને હીરોઇન જોઆન ફૉન્ટેઇન) એના ઉપરથી આ લોકોએ 'કોહરા' ઉતાર્યું. નકલમાં અક્કલ નહિ, એ ધોરણે ફિલ્મમાં વિશ્વજીતે સર લોરેન્સ ઓલિવિયર જેવી પેન્સિલ-કટ મૂછો રાખી છે, પણ આખી ફિલ્મમાં એણે કપાળ ઉપર ભાભી જેવી લટ શેના માટે રાખી છે, એ તો એ જાણે !
હેમંત દા ગાયક- સંગીતકાર ઉપરાંત ફિલ્મો બનાવતા હતા. બીસ સાલ બાદ, કોહરા, ફરાર, રાહગીર, બીબી ઔર મકાન અને ખામોશી, એમાં ચારના હીરો તો વિશ્વજીત હતા. મહારાષ્ટ્રીયનોની જેમ બંગાળીઓ પણ પોતાના રાજ્યને પ્રેમ કરનારી પ્રજા...સાવ ગુજરાતીઓ જેવું નહિ કે, ગુજરાતી હોવાનું કોઈ ગૌરવ કે ગર્વ જ નહિ. આટલા બધા લોકો હિંદી ફિલ્મોમાં નામ કમાયા... કોઈએ ગુજરાતી હોવાનું ગર્વ અનુભવ્યું હોય, એ તો જાવા દિયો, પોતે ગુજરાતી છે, એવું કહેતાં ય કોઈ ફિલ્મ કલાકારને સાંભળ્યો નથી. ફિલ્મ લોકો તો દૂરની વાત છે... આપણા એરપોર્ટ્સ કે ફાઇવ સ્ટાર લેવલની હોટલોમાં ગુજરાતીઓને જોજો... સાલા ઇંગ્લિશ સિવાય તો ઉધરસો ય નહિ ખાય... ને એ ય સાચું ઇંગ્લિશ બોલતા હોય તો ચલાવી લો જી... પણ... પણ બંગાળી કે મરાઠી નિર્માતા- દિગ્દર્શકોની ફિલ્મો જોઈ જુઓ... બને ત્યાં સુધી એમના જ લોકોને લેવાની હઠ. અત્યારે કટાક્ષ પૂરતું એમ કહી દેવાય કે, ગુજરાતીઓ ભારતીય છે... પ્રાંતવાદી નહિ !
વિશ્વજીત હિંદી ફિલ્મોમાં આવ્યો, તે પહેલાં બંગાળમાં બહુ પૂજાતો હતો. ત્યાં તેનું મોટું નામ હતું. ગુરૂદત્તે એની ફિલ્મ 'સાહિબ, બીવી ઔર ગુલામ'ના હીરો માટે વિશ્વજીતને પસંદ કર્યો હતો, પણ બંગાળીઓએ એને ચઢાવ્યો કે, પછી અહીંથી તારું નામ ભૂંસાઈ જશે... ભ'ઇ આવ્યા જ નહિ, એટલે ગુરૂદત્તે શશી કપૂરને હિરો બનાવ્યો, પણ એક સેકંડ માટે ય ક્યારે પણ મોડા નહિ પડતા શશી કપૂરને કમનસીબે એ જ દિવસે મુંબઈનો ટ્રાફિક મારી ગયો, ને શુટિંગ માટે મોડો પડયો, એમાં છંછેડાયેલા ગુરૂદત્તે એને કાઢી મૂક્યો. વિશ્વજીત સોહામણો ખૂબ હતો. એક્ટિંગ- ફેક્ટિંગ છોડો, પણ ભારત ભૂષણ, પ્રદીપ કુમાર કે એવી એ જમાનાની બીજી બે- ચાર નોટો હતી ખૂબ સોહામણી અને એક્ટિંગ સાથે કોઈ લેવાદેવા પણ નહિ... અને છતાં ય એ બધી નોટો ચાલી. એક કારણ એ પણ હોઈ શકે કે, એ લોકોને એવી ફિલ્મ માટે પસંદ કરવામાં આવતા, જેમાં વાર્તા હીરોઇન આધારિત હોય !
'કોહરા' આજે ય એના મધુરા ગીતો માટે યાદ કરાય છે. કોઈકે રાનુ મુખર્જીને પૂછ્યું હતું કે, 'તારા પપ્પા તારી દ્રષ્ટિએ ગાયક તરીકે ઉત્તમ કે સંગીતકાર તરીકે ?' તો એણે બેમાંથી કયો એક જવાબ આપ્યો હતો, તે મારી સ્મૃતિમાં તો નથી, પણ એનો જવાબ કે કોઈનો જવાબ જાણવાની યે જરૂરતે નથી. આપણને તો હેમંત દા બન્ને એકાઉન્ટ્સમાં ગમે જ ! નાભિમાંથી નીકળતો બેઇઝ-વોઇસ યાદ કરો, 'યે નયન ડરે ડરે...' છતાં કંઠની મૃદુતા પંકજ મલિકની જેમ બરકરાર. લતા મંગેશકરે સુંદર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે, હેમંત દાનો અવાજ એટલે કોઈ ટેકરી ઉપરના મંદિરમાંથી પૂજારી ગાતો હોય, એવું આપણને સંભળાય.' તો બીજી બાજુ, સંગીતકાર તરીકે ય હેમંતકુમારને દોઢે ઇંચે ય આઘા મૂકી શકાય એમ નથી. આ જ ફિલ્મમાં લતાનું, 'ઓ બેકરાર દિલ, હો ચૂકા હૈ મુઝકો આંસુઓ સે પ્યાર...'માં હેમંતની વૉયલિન યાદ કરો. દરિયાની નાનકડી લહેરો તોફાન મસ્તીમાં ઝૂમતી હોય એવી વૉયલીન આ ગીતમાં વાગી છે, તો લતાના જ બીજા ગીત, 'ઝુમઝુમ ઢલતી રાત...'માં સંગીત થ્રીલર-બ્રાન્ડનું ય ઊભું કર્યું જ છે ને ! ટૂંકમાં, કોઈ ઝઘડા નહિ ચાહિયે... હેમંત દા ગાયક અને સંગીતકાર... બન્નેમાં આપણા માટે પૂજનીય જ !
ફિલ્મમાં તો ત્રણ પાત્રો જ મુખ્ય છે, વહિદા, લલિતા પવાર અને વિશ્વજીત. લલિતાએ ઋષિકેશ મુકર્જીની ફિલ્મોની જેમ અહીં કોઈ ગ્રેટ એક્ટિંગ નથી કરી (એવો રોલ નથી મળ્યો), છતાં ફિલ્મના કેન્દ્રસ્થાને એ છે. બાકી તો હું એક રોતડા મનમોહનકૃષ્ણથી અકળાઈ જઉં છું, ત્યાં અહીં અદાલતમાં એની સાથે એનો ય બાપ થાય એવો બીજો રોતડો અભિ ભટ્ટાચાર્ય છે, એટલે મારી તો મા અંબાજીની વધુ એક યાત્રા પાકી... ? એમાં ય કદી જોવી ય ન ગમે, છતાં એક જમાનામાં કિશોરકુમારની હીરોઈન બની ચૂકેલી ચાંદ ઉસ્માની ('પિયા પિયા પિયા મો રા જીયા પુકારે...' ફિલ્મ 'બાપ રે બાપ'.....કિશોરે જાહેરમાં એમ કીધું હતું કે, ''ચાંદ ઉસ્માનીનું માથું જુઓથી ભરચક છે!'') અહીં ઇશ્વરનો આભાર કે નાનકડા રોલમાં જ છે, પણ જેને કદાચ જોવી ગમત, એ વિશ્વજીતની પ્રથમ પત્ની બનતી છોકરીનો આખી ફિલ્મમાં ચેહરો જ બતાવાયો નથી, એ કોઇ એંગ્લો- ઇન્ડિયન છોકરી 'થેલમા' હતી. ઋષિદાની મોટા ભાગની ફિલ્મોમાં રસોઈવાળા મહારાજના રોલમાં આવતો વૃદ્ધ દેવકિશન અહીં થોડા ઓછા બુઢ્ઢાના રોલમાં મહારાજ જ બને છે એનો અવાજ મીઠો હતો. ફિલ્મ 'આનંદ'માં આ દેવકિશન અમિતાભ બચ્ચનનો રસોઈયો બને છે. મદન પુરી અને બંગાળીઓની લગભગ બધી ફિલ્મોમાં ખાસ દેખાતો ચરિત્ર અભિનેતા તરૂણ બોઝ (ફિલ્મ 'ગુમનામ'નો 'દાઢીવાલા ખૂની') અહીં ગાન્ડાના રોલમાં છે.
શબાના આઝમીની મમ્મી શૌકત કૈફી અહીં એક દ્રશ્યમાં (ગાંડાની માં) આવે છે.
બાય ધ વે, કોહરા એટલે ધૂમ્મસ અને એ જ અર્થની બીજી ફિલ્મ આપણે જોઈ ચૂક્યા છીએ, બી. આર. ચોપરાની ફિલ્મ 'ધૂન્દ'. એ વાત જુદી છે કે, બેમાંથી એકે ય ફિલ્મમાં અસલી ધુમ્મસ કયા દ્રષ્યમાં હતું, એ તો ઉપર પ્રભુ શ્રી રામ અને નીચે જે તે ફિલ્મના દિગ્દર્શક જાણે.
ફિલ્મ 'કોહરા' અમદાવાદના ઘીકાંટા પરના ટ્વિન-થીયેટર પૈકી લક્ષ્મી (બીજું એલ.એન.)માં આવ્યું હતું. અહીં વિશ્વજીતનું સાયરા બાનુ સાથેનું 'એપ્રિલ ફૂલ' ઉતર્યા પછી 'કોહરા'નો નંબર લાગ્યો. 'એલ.એન.'માં એ જ વિશ્વજીત સાથે નંદાનું 'કૈસે કહું' ચાલે. પ્રકાશમાં સુપ્રિયા ચૌધરી- ધર્મેન્દ્રનું 'આપ કી પરછાંઈયા' ત્યાં માલા સિન્હા- ભારત ભૂષણનું 'જહાન આરા' ઉતર્યા પછી આવ્યું હતું. કૃષ્ણમાં સાયરા- રાજેન્દ્રનું 'આઇ મિલન કી બેલા', અશોકમાં પ્રદીપકુમાર અન લીલા નાયડુ (જેની તસ્વીર જર્મનીના વિખ્યાત મેગેઝિન 'ધ વૉગ'ના મુખપૃષ્ઠ પર, વિશ્વના સર્વોત્તમ ચહેરા તરીકે છપાઈ હતી.)ની ફિલ્મ 'બાગી', નોવેલ્ટીમાં બી. સરોજાદેવી- સુનિલ દત્તનું 'બેટી બેટે', રૂપમમાં અશોકકુમાર- મીના- પ્રદીપકુમારનું 'ચિત્રલેખા', લાઇટ હાઉસમાં 'દૂર ગગન કી છાંવ મેં', અલંકારમાં મીના- સુનિલનું 'ગઝલ' આવ્યું હતું.
No comments:
Post a Comment