Search This Blog

01/03/2015

ઍનકાઉન્ટર : 01-03-2015

* ટાયગર બચાવો, પર્યાવરણ બચાવો, બેટી બચાવો... આપ શેમાં માનો છો ?
- ''ગોરધન બચાવો''
(પૂર્ણા રાજન ત્રિવેદી,સુરત/ પ્રવિણ ઓઝા, સુરત)

* સમાજને તમારો શું સંદેશ છે ?
- મારા જીવનને મારો સંદેશ ગણવું નહિ.
(પ્રિયમ ઉપાધ્યાય, ભાવનગર)

* એક કરતા બે ભલા... સાચી વાત?
- લગ્ન સિવાયના તમામ વિષયોમાં સાચી વાત.
(રેખા ગઢીયા, રાજકોટ)

* આજકાલ ધર્માંતરણના કિસ્સા વધુ બનવા માંડયા છે... શું કારણ ?
- બેવકૂફ છોકરીઓને સુધારી શકાય નહિ.
(રાકેશ સદરાણી, જૂનાગઢ)

* મારે લાયક કોઈ છોકરી હોય તો બતાવશો ?
- પછી હું શું જોઈશ ?
(ચેતન પંચાલ, અમદાવાદ)

* ધી મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ ભારતને સોંપવા અંગે તમારું શું માનવું છે ?
- આપણા નેતાઓ એટલા દેશભક્ત નથી. એકવાર દાઉદ પકડાઈ પણ ગયો, તો એને છોડાવવા ભારતના કોક વિમાનનું અપહરણ થશે, ફરી વખત ક્યાંક બોમ્બ- બ્લાસ્ટ થશે... ને પાછો છોડી મૂકવો પડશે.
(ધર્મેશ વિશ્નાણી, ખંભાત)

* ભેળસેળ વિનાની કોઈ ચીજ ખરી?
- મા.
(કિશોર આચાર્ય, અમદાવાદ)

* વધુ અભ્યાસ માટે વિદેશ જવાનો ક્રેઝ ચાલ્યો છે. આપનું શું માનવું છે ?
- દેશભક્તિની બધી વાતો સાચી, પણ એ ય હકીકત સ્વીકારવી પડે કે ત્યાંના શિક્ષણ કે નોકરીમાં અહીં જેટલા ભ્રષ્ટાચારનો સામનો કરવો પડતો નથી.
(ભૂમિ શાહ, વડોદરા)

* 'હાઉ ડુ યૂ ડુ ?'નો શાબ્દિક અર્થ શું થાય ?
- તમારી ઉંમરના દોસ્તોને પૂછજો.
(નિકુંજ સિસોદીયા,ફત્તેહપુરા- દાહોદ)

* સગાઈ અને લગ્ન વચ્ચેની લાઇફને 'ગોલ્ડન' લાઇફ કહેવાય છે, તો લગ્ન પછીની લાઇફને... ?
- એ તો લગ્ન પછી જેની પાસે લાઇફ જેવું કંઈ રહ્યું હોય, એને ખબર !
(અંક્તિ પઢીયાર, વડોદરા)

* તમે જમ્મુ-કાશ્મિરના મુખ્યમંત્રી બનો તો પહેલું કામ કયું કરો ?
- જે એક ભારતીયે કરવું જોઈએ. કાશ્મિરી પંડિતોના પુનર્વસનનું.
(વિશાલ પટેલ, રૂપાલ કંપા- હિંમતનગર)

* હું ધો. ૧૨ સાયન્સમાં પાસ થઈ જઉં, એ માટે શું કરવું ?
- પપ્પાને કહો, ગાંધીનગરમાં કોન્ટેક્ટ્સ વધારે.
(કરણ ગઢિયા, કેશોદ)

* રામલીલા, બજરંગલીલા અને હવે?
- રાહુલીલા.
(હરેશ લાલવાણી, વણાકબોરી થર્મલ)

* અંગ્રેજોથી માંડીને આતંકવાદીઓ... બધા ભારત તરફ જ કેમ ખેંચાય છે ?
- એ લોકો જાણે છે કે, ભારતમાં ૧૨૫ કરોડ ધર્મપ્રેમીઓ છે, દેશપ્રેમી એકે ય નહિ. અત્યારે સમય એવો છે કે, પ્રત્યેક ધર્મગુરૂઓ, ફિલ્મ કે ક્રિકેટના સુપરસ્ટારોએ ધર્મ કે ભગવાનને બાજુ પર મૂકી ફક્ત રાષ્ટ્ર માટેનું ઝનૂન ઉભરે, એવા જ પ્રવચનો કરવા જોઈએ. કોઈ એક ધર્મગુરૂ પણ દેશપ્રેમ છલકાવે, તો રાતોરાત હીરો બની જાય ! દેશના યુવાનોમાં દેશભક્તિ કમ નથી... બસ, એક સાચો લીડર જોઈએ.
(મેરૂ સતાપરા, અસલાલી)

* એક રૂપિયાની નોટ પાછી આવવાની છે...
- ચલો ગણવા માંડો... એક રૂપિયામાં શું શું આવે ?
(જીજ્ઞોશ પટેલ, સેદરડા- મહુવા)

* પૈસા હોય ત્યાં સુધી જ લોકો બોલાવે... પૈસા ખતમ પછી કોઈ ન બોલાવે, એવું કેમ ?
- બસ, એવું એમ જ...!
(નિકુલ આર. પટેલ)

* તમને જવાબ ન આવડતો હોય એવો સવાલ કયો ?
- ''કેમ, આજે પણ મોડા આવ્યા...?''
(ગોરધન લગધીર, નવી પનવેલ)

* તમારા પત્નીએ એમના 'વોટ્સ એપ'માં પણ તમારું નામ 'અશોક' જ લખ્યું છે ?
- ના. ''હિટલર.''
(કૌશામ્બી જી. પરીખ, અમદાવાદ)

* તમારે હાસ્યલેખકોને એકબીજા સાથે સંબંધો કેવા છે ?
- કોમી રમખાણો વખતે હિંદુ- મુસલમાનો વચ્ચે તો... તો ય સારા સંબંધો હોય છે.
(પ્રણાલિ પિયુષ ત્રિવેદી, અમદાવાદ)

* 'ફાઇન્ડિંગ ફેની' જોયા પછી ડિમ્પલ કાપડિયા માટે તમારો મત બદલાયો ખરો ?
- અમે આર્ય પુરુષ છીએ... જરૂર પડે સ્ત્રી બદલી નાંખીએ... મત નહિ !
(સાગર કગથરા, અમદાવાદ)

* તમારી સફળતાનું રહસ્ય ?
- લોકો મારી સુંદરતાનું રહસ્ય પૂછે છે... સફળતાનું પૂછનારા તમે પહેલા નીકળ્યા... બન્નેનો જવાબ 'ચરણજીતના ગંજી- બનિયાન.'
(પિયુષ ભટાસણા, ટંકારા-મોરબી)

* તમે ડો. મનમોહનસિંઘને મળો તો પહેલો સવાલ શું પૂછો ?
- સવાલ પૂછવો પડે, એટલા મહત્ત્વના એ નથી.
(રાજેશ ગોહિલ, ગારીયાધાર)

* ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપમાં સાથે લઈ જવા પત્નીની છૂટ આપી છે, ગર્લ- ફ્રેન્ડની કેમ નહિ ?
- તમારા કરતા એમનો જીવ વધારે બળે છે... એક- એક પત્ની કે એક એક ગર્લ-ફ્રેન્ડની જ છૂટ મળી છે.
(પરેશ અંતાણી, રાજકોટ)

* સ્વિસ બેન્કમાં તમારા કેટલા ?
- હવે તો અબજો ડોલર્સ પડયા હોય તો ય ચિંતા નથી... સરકાર એને ય જોક માને છે...
(મુસ્તુફા કુત્બુદ્દીનભાઈ દાહોદવાલા, અમદાવાદ)

* હિટલરની મૂછ જોઈને કોઈ કોમેડિયનને જોતા હોઈએ, એવું લાગે છે... તમે શું માનો છો ?
- સર રિચર્ડ એટનબરોનું 'ગાંધી' જોયા પછી, તે વખતના નેતાઓ અસલી ગાંધી બેન કિંગ્સ્લીને સમજવા માંડયા હતા, એમ ધી ગ્રેટ ચાર્લી ચેપ્લિનને હિટલરમાં જોયા પછી અસલી હિટલરને લોકો કોમેડિયન માનવા માંડયા હતા.
(નસરૂદ્દીન પિરાણી, તળાજા- ભાવનગર)

* આજકાલની ફિલ્મો જોઈને તમને કેવું લાગે છે ?
- અક્ષયકુમારની ફિલ્મ 'બેબી' છેલ્લા દસ વર્ષમાં મેં જોયેલી સર્વોત્તમ ફિલ્મ છે. બધા ભારતીયોએ જોવી જોઈએ.
(શશિકાંત દેસાલે, સુરત)

No comments: