Search This Blog

25/03/2015

તમને સ્ત્રીઓ સાથે શૅઇક-હૅન્ડ કરતા આવડે?

'અશોક... તું પુરૂષ તો છે ને...?' છાતીની આરપાર નીકળી જાય એવો સવાલ મને એક અભિનેત્રીએ હાથ મિલાવતા પૂછ્યો.

એ અભિનેત્રીએ એના ઘેર મને કૉફી પીવા બોલાવ્યો હતો. હું મારી પત્ની સાથે એના ઘેર ગયો. ખુશ થઇને આવકારવા મારી સાથે 'શૅક-હૅન્ડ' કરવા એણે હાથ લંબાવ્યો. જવાબમાં મેં જે રીતે હાથ મિલાવ્યો, એ જોઇને ઉપરનો સવાલ એણે મને પૂછ્યો.

આપણે ગુજરાતી પુરૂષોનું કેવું છે કે, પરસ્ત્રીઓ સાથે હાથ મિલાવવામાં સાવ નહિ જેવો હાથ મિલાવી ચાર આંગળા તો માંડ અડાડીએ... સાથે વાઇફ ન હોય ત્યારે! આ એક મર્યાદા પણ છે. સ્ત્રીને એવું ન લાગવું જોઇએ કે આપણો હાથ આસક્તિનો છે, માટે બની શકે ત્યાં સુધી એક સજ્જનની છાપ પાડવા કોશિષ કરીએ છીએ. ભરચક લિફ્ટ જેવું કે, બાજુમાં કોઇ સ્ત્રી ઊભી હોય તો પુરૂષ બરફમાં કડક કડક થીજી ગયો હોય એવો સંકોચાઇને ઊભો રહી જાય છે, જેથી પેલી ઉપર છાપ ખરાબ ન પડે. પુરૂષો આવું શૅક-હૅન્ડમાં ય કરતા હોય છે. સ્ત્રી સામે ચાલીને હાથ મિલાવતી હોય તો ય આપણે ચાર આંગળાનો નાનકડો અમથો સ્પર્શ જ કરીએ.

''અરે, સુંદર સ્ત્રી તારી સાથે આટલો વૉર્મ હાથ મિલાવી રહી છે ને તું શેનો તાજા જન્મેલા બાળક જેવો કોમળ હાથ મિલાવે છે..? હાથ મિલાવ તો પૂરજોશ મિલાવ.... મને ય લાગવું જોઇએ કે કોક મર્દ સાથે શૅક-હૅન્ડ કર્યા છે...!'' અભિનેત્રીએ વહાલથી મને આલિંગન (hug) કરતા કહ્યું.

એ શૅક-હૅન્ડ કે એ આલિંગનમાં ખુદ મારી પત્નીને પણ કાંઇ વાંધાજનક ન લાગ્યું કારણ કે, વાંધાજનક કશું હતું નહિ. મને આ આખી થીયરી (પ્રૅક્ટિકલ સાથે) ગળે ઉતરી ગઇ, કે સ્ત્રી હોય તેથી શું થઇ ગયું? આપણો ભાવ ચોખ્ખો હોય તો વહાલથી ભેટવામાં શું વાંધો છે?

ફ્રૅન્કલી કહું, તો મને 'નમસ્તે' કે ભારતીય પરંપરા મુજબ હાથ જોડીને કોઇને મળવાનું બહુ ચાંપલાશભર્યું લાગે છે. એ આપણને મળવા આવ્યો છે કે મૅરેજ કરવા, એનો અંદાજ ન આવે. મારા જામનગરની ભાષામાં કહું તો આવા વિવેકમાં 'વાયડાઇ' લાગે છે. કોઇને મળો અને મળવાનો આનંદ થતો હોય તો સીધેસીધા હાથ મિલાવો, પણ એ મિલાવવામાં ઔપચારિકતા (ફૉર્માલિટી)ની મિલાવટ હોય છે, એટલે સરવાળે ખબર નથી પડતી કે, આપણે કે એણે હાથ શું કામ મિલાવ્યા? એમાં ય 'નમસ્તે' જેવો દંભ બીજો કોઇ નથી લાગતો. મને તો એ થોડું સ્ત્રૈણ્ય પણ લાગે છે. પાછું 'નમસ્તે' કરી લીધા પછી લેવા-દેવા વગરનું સ્માઇલ આપવાનું હોય છે. એકલું નમસ્તે કરો, એમાં તો પેલો આપણી પાસેથી બાકીના પૈસા પાછા લેવા આવ્યો હોય એવું લાગે! કારણ વગરનો વિવેક અને વિવેક વગરનું કારણ અપમાનથી ઓછા નથી. તમને અનુભવ હશે તો, દોસ્તો સાથે ડ્રિન્ક્સ લેવા બેઠા હો, એમાં એક એવો નીકળે, જેને ડ્રિન્ક્સની ઑફર કરીએ એટલે અચાનક એનામાં સંસ્કાર પ્રગટવા માંડે. દાંત દેખાય નહિ એવા ફિક્કા સ્માઇલ સાથે - આપણે તો સાલા ગુંડા-મવાલીઓ હોઇએ ને પોતે બહુ સંસ્કારી હોય એવા વિનમ્રભાવે ઈન્કાર કરશે, ''નહિ નહિ... આપ પીઓ... હું તો જન્મથી જ આ દ્રવ્યથી દૂર રહ્યો છું... મને આવા શાહી શોખો પોસાતા નથી.'' કેમ જાણે આપણે તો વસીયતનામું લખ્યા પછી પીવા બેઠા હોઇએ...

એ વખતે એના હાવભાવ જુઓ તો એમ થાય કે, આ માણસ ફક્ત દારૂ જ નહિ, પત્તા, સ્ત્રીઓ સટ્ટો કે આખા જીવનકાળ દરમ્યાન કોઇની સાથે નાની ઝગડી ય નહિ કરી હોય. આપણે એને માટે આવું શુધ્ધ-શુધ્ધ વિચારતા હોઇએ ને સામે એનું ઝીણકું-ઝીણકું હસવાનું એવા ભાવનું હોય કે, આપણને માં-બાપોએ તો કેવા ખરાબ સંસ્કારો આપ્યા હશે, એવું એ સાબિત કરવા માંગતો હશે.

તારી ભલી થાય ચમના... ગુજરાતમાં સુશિક્ષિત અને સાધનસંપન્ન પરિવારોમાં હવે તો એવું ઘર ભાગ્યે જ મળે છે, જેના ઘરમાં ડ્રિન્ક્સ ન લેવાતું હોય. (ચલો હું દસ-વીસ ટકા ઓછા કરી આપું છું કે, વીસેક ટકા ઘરો એવા હશે જ્યાં મહિને-દહાડે ડ્રિન્ક્સ નહિ લેવાતું હોય કે ઘરનું કોઇ 'પીતું' ન હોય!)

કદી ય નહિ પીનારાઓ એવું માનતા હોય છે કે, જે લોકો પીએ છે, એ બધા પીધા પછી હિંદી ફિલ્મોના ગુંડાઓની જેમ લવારી, બદતમીઝી કે મારામારીઓ કરતા હશે, એમની જીભો થોથવાતી હશે કે ભીંત સાથે ભટકાતા હશે અને એવા લોકોનો વિશ્વાસ ન થાય. દારૂ પીવો કોઇ કાળે ય ગર્વ લેવાની ઘટના તો નથી જ, પણ સમજ્યા-સાણ્યા વગર પીનારાઓને લોકો બદનામ કરે. એ એમની બેવકૂફી છે. જગતભરના અનેક મહાપુરૂષો ડ્રિન્ક્સ લે છે કે લેતા હતા. હું જો મહાન બનવાનો હોઇશ, તો હું ય લઇશ.... પણ જો આ બુધ્ધિ વગરનું કામ હોય તો અડધું જગત બેવકૂફ સાબિત થાય.

વાસ્તવમાં ગુજરાતીઓ પાક્કા બિઝનૅસમૅનો છે. કેટલું પીવું, બીજાને કેટલું અને ''શું કામ'' પીવડાવવું, એની એમને બીજા કરતા વધારે ખબર છે. દારૂ સમજો ને... ઑલમોસ્ટ ઘરઘરમાં પીવાય છે, છતાં આજ સુધી હિંદી ફિલ્મોમાં બતાવે છે, એવા કેટલા દારૂડીયાઓને તમે જોયા? રમી, બ્રિજ કે તીનપત્તી જેવા માઇલ્ડ શોખથી સ્ટેટસ-સિમ્બૉલ સાથે ગુજરાતીઓ પીવે છે.

બસ, એ જ ઢબથી ગુજરાતી છોકરીઓ પુરૂષો સાથે પ્રેમથી હાથ મિલાવે છે, એમાં ક્યાંય સ્પર્શ કે દ્રષ્ટિ ખરાબ હોતી નથી. પણ છોકરીને શું ખબર પડવાની હતી, એ ઈરાદાથી કોઇ પુરૂષ એ શૅક-હૅન્ડનો ગલત મતલબ કાઢવા જાય તો આ જ ગુજ્જુ છોકરીઓ થપ્પડ મારી દેતા ય અચકાય એવી નથી, પીંછા ફેલાવીને કળા કરતો મોર આગળથી જ સારો લાગે... પાછળથી નાગો લાગે! ગરીબ ભિખારણ કે સુંદર શાકવાળી પણ પોતાની સામે નજર બગાડીને બેઠેલા પુરૂષને કાચી સેકન્ડમાં માપી લે છે. ત્યાં ભણેલો અને સુંદર સ્ત્રીઓ કોઇ પુરૂષ સાથે ખેલદિલીથી હાથ મિલાવે ને પેલાની નજર લપસે તો અંજામ પેલાએ બહુ શરમજનક ભોગવવો પડે છે.

એ વાત પાછી જુદી છે કે, આપણે લોકો મળીએ છીએ, એમાં વ્યક્ત કેટલા થઇએ છીએ? સામે વાળી વ્યક્તિને મળતી વખતે હૃદયમાં ગરમાવો ને ઊમળકો કેટલો આવે છે, એ વાતે સાલા આપણે ય જબરદસ્ત બનાવટ કરતા હોઇએ છીએ. કોઇ ઉમળકો નહિ, દરેકની સાથે એક જ શરૂઆત, ''કેમ દેખાતા નથી?'' અને છુટા પડતી વખતે, ''બસ ત્યારે... મળીએ છીએ.. ક્યારેક ઘેર આવો.'' બીજા લોકો તો જાવા દિયો, ખુદ આપણામાં ય આ, ''ઘરે આવો''વાળી વાતમાં કોઇ ગરમાવો કે સચ્ચાઇ હોતી નથી. થોડા બદમાશ થઇ ગયા છીએ આપણે ય...! કોઇના ઘેર જવાનો કે કોઇને આપણે ત્યા બોલાવવાનો ભાવ રહ્યો નથી, તો પછી જેટલી ક્ષણો માટે રસ્તા ઉપર કે શૉપિંગ-મૉલમાં મળો, ત્યારે પૂરજોશ તો મળો-હૃદયપૂર્વક! છુટા પડયા પછી તમે પેલાને કે પેલીને યાદ રહી જવા જોઇએ કે, ''કમાલનો મસ્ત માણસ છે આ!'' અપની કહાની છોડ જા, કુછ તો નિશાની છોડ જા, મૌસમ બીતા જાય.... હોઓઓઓ'. એક વાર મળી લીધા પછી જીંદગીભર તમે એને યાદ ન આવો, તો ખામી તમારી છે.

અને આ કામ 'શૅક-હૅન્ડ' કે આલિંગન કરી આપે છે. કસીને હાથ મિલાવવાથી બન્ને શરીરો વચ્ચે કંઇક તો આપ-લે થાય છે... કદાચ એ લાગણી કહેવાતી હોય, સ્ફૂર્તિ હોઇ શકે... એક નવા સંબંધની શરૂઆત હોઇ શકે, અંત કદી નહિ. ઈન ફૅક્ટ, લોકો હાથ મિલાવવાનું નહિ, એકબીજાને ચાહવાનું ભૂલી ગયા છે. મારા ફાધરના હું ચરણસ્પર્શ કરતો ને એ મારા ખભે કેવળ હાથ મૂકે, એમાં તો જાણે એમનું સમગ્ર અસ્તિત્વ મારામાં સમાઇ જવાનો એહસાસ થતો. કહે છે કે, સમગ્ર જીવનમાં સ્ત્રી માતા બને અને પોતાના બાળકના માથે હાથ ફેરવે, એનાથી વધુ સારો સ્પર્શ એ પત્ની બનીને એના પતિને ય કરી શકતી નથી. તો બીજી બાજુ, બસની ભીડમાં કોઇ લફંગો કોઇ યુવતીની કોણી અડાડતો રહે, એનાથી વધુ ગંદો સ્પર્શ એ લફંગો ય બીજે ક્યાંય કરી શકતો નથી.

મેં ભાગ્યે જ આલિંગનો કર્યા છે. કરવા નહોતા એવું નહિ... ઈન્ડિયામાં કોઇ કરતું નથી માટે. આલિંગન કોઇ સ્ત્રી સાથે જ નહિ, આપણે ત્યાં પુરૂષો પણ પુરૂષો સાથે કરતા નથી. ફિલ્મનગરીમાં એ દસ્તુર હજી ચાલ્યો આવ્યો છે. યસ. ગુજરાતીઓને એકબીજાને ભેટતા જોવા હોય તો અડધી રાત્રે ઈન્ટરનૅશનલ ઍરપૉર્ટ જઇ આવો... સાચી લાગણીના એ આલિંગનો હોય છે... છુટા પાડતા પહેલા બન્ને એકબીજાને એવું કશું આપતા જાય છે કે, પેલો બે મહિને પાછો આવે તો ય એનું આપણને ભેટવું યાદ રહી જાય છે.

(આ લેખ વાંચીને ઉમળકો બહુ ઉપડયો હોય તો, સહુએ લાઇનમાં આવવું, આમાં વન-બાય-વન જ આવવું પડે. એક સામટા બધાએ મને ભેટી પડવું નહિ. સૂચના પૂરી.)

સિક્સર
જગતમાં આપણે એકલા જ સ્ટુપિડ નથી... બીજે બધે તો આપણા ય.... પડયા હોય છે, એ જોઇને ધોધમાર હસવું હોય, 'યૂ ટયુબ' પર The Great Fails જોવાનું શરૂ કરી દો.

No comments: