Search This Blog

04/01/2016

ઍનકાઉન્ટર : 03-01-2016

* ૧૦૦-જોકર મરે ત્યારે એક હાસ્યકલાકાર પેદા થાય, સાચું ?
- એ ધોરણે મારે તો હજી પેદા થવાનું જ બાકી છે.

* પટેલોને અનામત અંગે આપનો અભિપ્રાય શું છે ?
- આપી દો ને, ભ'ઈ ! 'નગરશેઠનો વંડો, જે આવે એ મંડો.'
(પાર્થ દેલવાડીયા, સુરત) અને (કૅપ્ટન પી.કે.સી. પાંડે, વડોદરા)

* કસાબના મૌત પાછળ સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા...હવે ?
- એમ તો સલમાનને બચાવવા ય સરકારે કાંઇ પૈસા સામે જોયું નથી.
(મધુકર મહેતા, વિસનગર)

* પૃથ્વીરાજ ચૌહાણે શાહબુદ્દીન ઘોરીને ૧૭-યુદ્ધોમાં હરાવવા છતાં જીવતો જવા દીધો હતો, પણ ૧૮-મી વખત ઘોરી જીત્યો, તો પૃથ્વીરાજની આંખો ફોડી નાંખી.
- ભૂલ પૃથ્વીરાજની કહેવાય. ભગવદ-ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું, 'યુદ્ધના મેદાનમાં તારૂં કર્તવ્ય છે, દુશ્મનનો સંહાર કરવો.' આમાં તો ગીતા પૃથ્વીરાજ નહિ, ઘોરી વાંચીને આવ્યો હશે, એવું લાગે છે.
(સાધના નાણાવટી, જામનગર)

* પહેલા જૈનો, હવે પટેલો....! શું અનામત માંગવાનો વારો બ્રાહ્મણોનો છે ?
- પુરાણકાળમાં બ્રાહ્મણોને યાચક કહેવાતા...જુઓ હવે....યાચકો બદલાયા છે !
(જીતેન્દ્ર હમીરાણી, વડોદરા)

* ધરતી આપણી માતા કહેવાય, છતાં લોકો એની ઉપર પાન-ગુટખાની પિચકારીઓ કેમ મારે છે ?
- એ જ ધરતીના અન્ય પુત્રો ઊભા ઊભા જોયે રાખે છે, માટે !
(જયેશ અંતાણી, ભાવનગર)

* દુનિયાભરના લોકો અમેરિકા આવીને અમેરિકાના દેશભક્તો બની જાય છે, પણ ભારતમાં રહેતા ભારતીયોને ભારત માટે કેમ એટલી ભક્તિ નથી ?
- ભારત જેટલી ભક્તિ તો દુનિયાના કોઇ દેશમાં થતી નથી.... ફક્ત પોતાના ધર્મની ભક્તિ !.... દેશ જાય ભાડમાં!!
(ફાલ્ગુન વૈદ્ય, ઇલિનૉય, અમેરિકા)

* શું ટાયગર મેમણને મારવો ન જોઇએ ?
- ભારતમાં 'ટાયગર' બચાવોનું અભિયાન ચાલે છે.
(નીલેશ પટ્ટણી પાટડી)

* નામ માટે કરોડો રૂપિયા ખર્ચીને સન્યાસ લેનારાઓ દેશ માટે કેમ કાંઇ વાપરતા નથી?
- એકાદ વર્ષની જ વાર છે. પૂરા દેશમાં ISIS ફરી વળશે, ત્યારે ધર્મો કોઇ કામમાં નહિ આવે...એક માત્ર ભારત-માતાનો ધર્મ પાળો, તો દુશ્મનને હટાવાશે.
(પિયુષ સોની, અમદાવાદ)

* 'ઍનકાઉન્ટર'માં સવાલોની પસંદગીમાં અનામત-પ્રથા ખરી ?
- 'ઍનકાઉન્ટર' રાજા-બાદશાહોનું નગર છે, ભિખારીઓનું નહિ !
(ચિંતન પી. વ્યાસ, ધોરાજી)

* તમારી દ્રષ્ટિએ તાજમહલ ખરીદાય કે નવો બનાવાય ?
- હપ્તો કેટલાનો આવે છે, એ જોવું પડે.
સાગર એચ. ખેની, સુરત)

* દિવસે દિવસે બગડી રહેલા સમાજને સુધારી કઇ રીતે શકાય ?
- દેશભરમાં તમામ ધર્મો ઉપર આવનારા ફક્ત બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવો જોઇએ.
(નિલય શાહ, રાજકોટ)

* સૌરાષ્ટ્ર સૂનું સૂનું લાગે છે...એકાદ દુલા ભાયા કાગ કે મેઘાણીનું ફરી અવતરણ....?
- હાઆઆ...શ ! મારા ગયા પછી કોક મારા માટે ય આવો સવાલ પૂછશે....!!!
(નરેશ સાબલપુરા, સુરત)

* તમને કોઇ હિંદી ફિલ્મમાં કામ કરવાનું મળે તો સ્વીકારો ખરા ?
- હીરો ચારે બાજુ ઢગલે ઢગલે પિટાય છે...આજકાલ ધૂળજીઓ મળતા નથી. હીરો જેટલા પૈસા મળતા હોય તો, ધૂળજી બનવાની અપણી તૈયારી ખરી.
(ભાર્ગવ મોરડીયા, પીટા-બોટાદ)

* હવે નરેન્દ્ર મોદી ય મનમોહનસિંઘ થઇ ગયા છે. સુઉં કિયો છો ?
- બાલ-દાઢીના રંગ પૂરતું બરોબર છે, બાકી મોદી પાઘડી નથી પહેરતા.
(અંજલિ જાની, સિહોર-ભાવનગર)

* માણસોને ઓળખી શકે, એવો કોઇ કૉર્સ ખરો ?
- આનો જવાબ કોઇ જાનવર આપી શકે...મને કેમ પૂછ્યું ?
(અર્છના યાદવ, અમદાવાદ)

* સાંભળ્યું છે કે, તમારી પાસે 'ફેરારી' કાર છે !
- તમારામાં આવું સુંદર સુંદર સાંભળવાનું હોય ?
(રોનક મૅકવાન, ધર્મજ)

* લૅડીઝની કિટ્ટી-પાર્ટી હોય, તો જૅન્ટ્સની ?
- એ કિટ્ટીઓના ખર્ચા લૅડીઝોનો કોણ બાપ આલવાનો છે ?
(દેવાંગ આચાર્ય, અમદાવાદ)

* આટલી શોધો, છતાં માથે વાળ ઊગાડવાની દવા કેમ નહિ ?
- શોધાઇ છે...પણ એ દવા માથે નહિ, કાનમાં વાળ ઊગાડવામાં ફાયદેમંદ જણાઇ છે.
(દર્શન સુતરીયા, ભાવનગર)

* આપણા મંત્રીઓની માનવતા શ્રીમંતોના દુઃખો જોઇને કેમ જાગી ઉઠતી હશે ?
- બધા મંત્રીઓ શ્રીમંત બની શકે છે...બધા શ્રીમંતો મંત્રી બની શકતા નથી...એ લોકો મંત્રીઓને ભાડે રાખે છે.
(પરેશ અંતાણી, રાજકોટ)

* ભગવાને ય વિચારતા હશે ને કે, મેં બનાવેલા માનવીઓ આજે મને બનાવે છે..?
- અરે બૉસ....તમને ખબર નથી. આપણા ભગવાનો ય હજારો વખત આપણને મામુ બનાવે છે.
(વ્રજેશ કે. પટેલ, ગોધરા)

* તમે ચૂંટણીમાં ઊભા રહો, તો પાર્ટીનું ચિહ્ન શું રાખો ?
- બ'ઇની ઝાલર !
(કૃણાલ પંડયા, વડોદરા)

* તમને નથી લાગતું કે, કાશ્મિરમાં પાકિસ્તાનના ઝંડા ફરકાવનારાઓને ફાંસીએ લટકાવી દેવા જોઇએ ?
- એક અગ્રણી કહેતા હતા, ''એક જ વાર મશિનગનથી એ બધાને ઊડાડી મૂકો.... બીજા કલાકથી બધા ઝંડા ફરકતા બંધ થઇ જશે.''
(આર્કેશ જોશી, સાઉદી અરેબીયા)

* પાણી-પુરીની લારીઓ ઉપર છોકરીઓ કેમ ઊમટે છે ?
- કારણ કે, એમાંની એકે ય ને ખબર હોતી નથી કે, પાણી-પુરીનું પાણી જલદ ઍસિડથી બનાવાય છે.
(નયના માંકડ, માધાપર-કચ્છ)

* તમારા સાસુને બચકું ભરી લેવાની વાતથી તમારા વાઇફ નારાજ થતા નથી ?
- આ રણકાર મારા દીકરાની વાઇફે એની સાસુ માટે કર્યો હતો....આપણું નામ નહિ દેવાનું !
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* ડિમ્પલના લગ્ન થયા ત્યારે હું નાનો હતો, નહિ તો 'કાકા' રખડી જાત ને ડિમ્પલ આજે સાઉથ કોરિયા રહેતી હોત !
- બાબાભ'ઇ...પહેલાં લાળીયું બાંધતા શીખો....ચડ્ડીની જગ્યાએ ન પહેરાય !
(નરેન્દ્ર મિસ્ત્રી, સૉલ, સાઉથ કોરિયા)

No comments: