Search This Blog

20/01/2016

મોરબી હવે રાજકોટને ય હંફાવશે !

મહાન માણસોની એમના જન્મથી જ પસંદગી ઊંચી હોય છે. જન્મવા માટે મેં વિશ્વના સર્વોત્તમ નગર 'જામનગર'ને પસંદ કર્યું. એક જમાનામાં 'સૌરાષ્ટ્રનું પેરિસ' કહેવાતા આ નગરને કારણે... હાલમાં હળવદ, પડધરી કે કૂકરવાડા બાજુના મહાન નગર-વૈજ્ઞાનિકો 'પેરિસ'ને ફ્રાન્સના 'જામનગર' તરીકે ઓળખવા માંડયા છે. પેરિસ અને જામનગરના કેટલાક સૌજન્યશીલ લોકો આનો પૂરો યશ મારા જન્મને આપવા માંગે છે, પણ મને કોઈ સામેથી માન આપે એ ન ગમે... હું ય ગુજરાતી સાહિત્યકારો વચ્ચે ઉછર્યો છું, એટલે જોઇતું હોય ત્યાં માનપાન સામેથી 'પડાવી લેવામાં' મને આનંદ આવે છે.

પણ વતન મારૂં મોરબી. વતનથી મોટો પ્રદેશ તો કોઈ હોતો નથી. ને તો ય કમનસીબે, મારે મોરબી જવાનું માંડ એકાદ-બે વાર થયું છે. ૧૯૫૮-માં કાચી ઉંમરે જોયેલા મોરબીનો ગ્રીન ચોક અને જ્યાં મારૂં થોડું ઘણું વેકેશનીયું બાળપણ ગયું છે, તે 'બક્ષી શેરી' સિવાય કાંઈ યાદ આવતું નહોતું. એકલે હાથે અને એકલે પગે પહેલી વાર બે પૈડાંની સાયકલ ચલાવતા મોરબીમાં શીખ્યો હતો. અફ કોર્સ, ઉપયોગ બન્ને હાથો અને પગોનો કર્યો હતો, પરંતુ મને સાયકલ શીખવાડનાર 'ભાઈજી' (મોટા કાકા) એ કહેવાનું ભૂલી ગયા હતા કે, સાયકલની બ્રેક ક્યાં હોય છે. પરિણામે, ગ્રીન ચોકને અડીને આવતા ઢાળવાળા રસ્તે હું જે ઊપડયો, એ ઊપડયો... સાયકલ રોકવાની આવી ત્યારે કેમ જાણે હું સાયકલ નહિ, દેશ ચલાવવાનો હોય, એવો ગભરાઈ ગયો... કહે છે કે, જે વડિલના બે પગોની વચ્ચે મેં પૂરજોશ સાયકલ ભરાવી દીધી, એ પૂરા ૭૨-કલાક જીવિત રહ્યા હતા.

એ પછી કોઈ એક સંસ્થાએ પ્રવચન આપવા મને મોરબી બોલાવ્યો હતો, ત્યાંના 'કહેવાતા' ટાઉન હોલમાં. જ્યાં મારે સ્ટેજ ઉપરથી નહિ, નીચેથી બોલવાનું હતું. એ લોકોએ પહેલેથી મને કીધું નહોતું કે, મોરબી લેક્ચર દેવા આવો છો, તો અમદાવાદથી ઓડિયન્સ પણ સાથે લેતા આવજો. પરિણામે, મને બોલાવનાર બે (બનતા સુધી ત્રણ) આયોજકો પૈકી મને સાંભળવા બેસનાર આખા હોલમાં એક જ હતા. બાકીના બન્ને વ્યવસ્થામાં રોકાયા હતા. ઓડિયન્સ આવ્યું જ નહોતું, પછી કઈ વ્યવસ્થામાં એ બીઝી હતા, એ તો પછીથી ખબર પડી કે, આમંત્રિત વક્તાને પાછા મોકલવા માટે ટેક્સી મળતી નહોતી, એટલે એ લોકો એસ.ટી.બસ ડેપોમાં ઓળખાણો લગાવવામાં બીઝી હતા. જે ત્રીજા અને આખરી આયોજક મને સાંભળવા આખા હોલમાં એક માત્ર શ્રોતાના રોલમાં બેઠા હતા, એ પ્રોગ્રામની વ્યવસ્થા છેલ્લા બબ્બે મહિનાથી સખત દોડધામ કરતા હોવાને કારણે થાકી ગયા હતા અને બાકીની ઊંઘ ત્યાં જ પૂરી કરી.

પણ ગ્રાહકનો સંતોષ, એ જ મારો મુદ્રાલેખ હોવાથી, મને યાદ છે, મેં પૂરા બે કલાક લેક્ચર આપ્યું હતું. હું બોલતો હોઉં ત્યારે વચમાં કોઈ ઊભું થાય કે બોલે, તે સહેજ પણ પસંદ ન હોવાથી, લાઇફ-ટાઇમનો આ એક માત્ર મોકો મને મોરબીએ આપ્યો હોવાથી, આ વખતે તો હું ઝાલ્યો રહું એમ નહોતો. બોલતો ગયો રે... ! પણ હમણાં દસેક દિવસ પહેલા મોરબી જવાનું થયું, તો હેરત પામી ગયો કે, 'આ તો એક-બે વર્ષમાં રાજકોટને ય પાછળ રાખી દે, એમાંનો આકાર લઈ રહ્યું છે. આજે તો માની ન શકાય એટલી ખૂબસુરત શકલ મોરબીની બદલાઈ ગઈ છે. એક જમાનામાં, નળીયા, ઘડીયા(ળ) અને તળીયા (ટાઇલ્સ)ને કારણે દેશભરમાં મશહૂર થયેલું મોરબી આજે તળીયાના સામ્રાજ્યમાં આખા ભારતમાં નંબર-વનને સ્થાને છે. (આખા વિશ્વમાં ત્રીજું) અહીં જેવો સીરેમિક-ઉદ્યોગ અન્ય ક્યાંય વિકસ્યો નથી. (સીરેમિક એટલે ઘરમાં વપરાતા ટાઇલ્સ કે વોશ-બેસિન જેવા સાધનો બનાવતો ઉદ્યોગ)'

યસ. વોલ-ક્લોક્સ એટલે કે ભીંતની ઘડિયાળોનો ય એક જમાનો હતો મોરબીનો, જે કાળક્રમે ધસ્ત થતો જાય છે. કારણ કદાચ એ હોય કે, આજકાલ ઘડિયાળ બધાની પાસે છે... સમય કોઈની પાસે નથી !

પણ મોરબીને રાજકોટની લગોલગ મૂકવાનું એક મોટું કારણ અહીંના ધાંયધાંય જુવાની ધરાવતા યુવાનો છે. દોઢ કરોડની કારમાં ફરતો યુવાન ૧૦૦૦-કરોડની સીરેમિક ઈન્ડસ્ટ્રીનો માલિક હોય તો પણ, ફેક્ટરીમાં બાર-બાર કલાક કામ કરે, એ તો ઠીક... ફેક્ટરીમાં ફ્યૂઝ ઊડી ગયો હોય કે કોઈ પણ નાની મોટી મશિનરી બગડી ગઈ હોય, ત્યારે એને રીપેર કરવા જાપાન કે કોરિયાથી એન્જીનીયર આવે ત્યાં સુધી રાહ જોવી ન પડે... એ પોતે કારિગરો કરતા ય વધુ જાણકાર હોય... આમે ય, હિંદુ પરંપરામાં કીધેલું છે કે, શિષ્યને કદાપિ ગુરૂ કરતા વધુ બળવાન બનવા ન દેવાય.

એમ તો, મોરબી માટે કટાક્ષમાં કહેવાય છે, કે અહીંની પ્રજાને ધંધા અને પૈસા કમાવવા સિવાય બીજો કોઈ રસ નથી, એટલે મોરબીનો ધાર્યો વિકાસ થઈ રહ્યો નથી. બરોબર રાજકોટ જેવું... કે, અબજોપતિઓની સંખ્યા અને શક્તિને ધોરણે ગણવા જઈએ, તો રાજકોટ અમદાવાદ કરતાં ય ઘણું આગળ નીકળી જાય એમ છે, પણ સૃષ્ટિના અંત સુધી એ અમદાવાદની બરોબરી નહિ કરી શકે.

કારણ સીધું છે. આખું રાજકોટ બપોરે ૧૨ થી ૪ બંધ એટલે બંધ જ. બધા બજારો કે ધંધાઓ આ ટાઇમે બંધ જ. સાંભળ્યું છે કે, રાજકોટમાં જન્મેલું એકે ય બાળક બપોરે ૧૨ થી ૪માં જન્મ્યું નથી. પતિ-પત્ની વચ્ચે બપોરે ૧૨ થી ૪ સુધીનો પ્રેમ આખા વિશ્વમાં બીજે ક્યાંય નથી. ધંધો ગીયો એની... !

પણ એ જ મોરબીમાં યુવાનોનો જે નવો ફાલ ઉતર્યો છે, તે પ્રણામયોગ્ય છે. માત્ર પુસ્તકો ખરીદવાના શોખિન (ખરીદીને પાછો વાંચવાનો ય શોખ ખરો, બોલો !) એક યુવા ઉદ્યોગપતિએ પોતાના ૪-હજાર પુસ્તકો મોરબીની પ્રજા માટે તદ્દન વિના મૂલ્યે મૂકી દીધા. તો એમના અન્ય સાથીઓએ ગાંઠના પૈસા ખર્ચીને મોરબીમાં સાહિત્ય, સંગીત, નાટક કે ફિલ્મી ગીતોના (આપણે ત્યાં રોજ બબ્બે ચચ્ચાર હોય છે, જે મોરબીમાં આખા વર્ષમાં ય નહિ !)નો ય ઉદભવ થાય, એ માટે દર વર્ષે 'મોરબી યુવા જ્ઞાનોત્સવ' લખલૂટ પૈસા ખર્ચીને ગોઠવે છે. એમાં ગુજરાતના પ્રસિદ્ધ વક્તાઓને બોલાવીને મોરબીને સાહિત્યસમૃદ્ધ કરે છે... (એમ તો કોક વાર એ લોકો ય ગોથું ખાઈ જાય, એ તો... મને ય બોલાવ્યો'તો!) અને આ બધાની પાછળ ધ્યેય પણ કેવો પવિત્ર કે, આખા મોરબીમાં એક નાનકડો ય બગીચો નથી, જ્યાં બાળકો રમી શકે કે પરિવારો સાંજ વિતાવી શકે. આ યુવાનોએ હવે મોરબીની શોભા વધારે એવો બગીચો બનાવવાની ઠાની છે અને બનાવીને રહેશે.

શોભા વધારવાની વાત હોય તો મોરબીના રાજમાતા વિજય કૂંવર બા લખલૂટ ખર્ચે ત્યાંનો વિશ્વપ્રસિદ્ધ વાઘમંદિર (ત્યાંની પ્રજા એને 'મણિમંદિર પેલેસ' તરીકે ય ઓળખે છે.) રેનોવેટ કરાવી રહ્યા છે. (અમે રાજામહારાજાઓ એકબીજાને ખાસ ન ઓળખીએ... આ તો એક વાત થાય છે !) મોરબીના મહારાજા સાહેબે એ જમાનામાં ૧૦૦ કી.મી.ની રેલ્વે લાઈન અને પાકા રસ્તાઓ બનાવ્યા હતા... વિકાસની વાતો કર્યા વગર ! પ્રવાસનો શોખ ન પણ હોય, તો એક વખત બે અદ્ભુત સ્થાપત્યો જોવા દરેક વાચકે એક વખત મારૂં મોરબી જોવું જોઈએ... એક તો આ મણિમંદિર પેલેસ અને બીજો, આ રાજઘરાણાનો જ વિશ્વવિખ્યાત 'ઝૂલતો પૂલ.' ભારતમાં બીજો એક માત્ર ઝૂલતો પૂલ ઋષિકેશમાં છે, પણ એના ઝૂલવાનો ખાસ કોઈ અનુભવ થતો નથી, જ્યારે મોરબીના ઝૂલતા પૂલ ઉપર ચાર માણસો જતા હોય, તો ય ઝૂલે છે... અમદાવાદ જેવા શહેરોમાં ચાર માણસો લઈ જતા હોય, તો ઉપર ઠાઠડીમાં બંધાયેલો ય ધ્રૂજતો હોય... કોઈ પંખો ચાલુ કરો !

યસ. આખા ગુજરાતમાં ક્યાંય 'નાટય-મ્યુઝીયમ' નથી, જે અહીં છે. સર લખધીરસિંહજી ઠાકોરના જમાનામાં થતા દેશી નાટકો કે ભવાઈ-રામલીલામાં વપરાતી ચીજવસ્તુઓનું અહીં મ્યુઝીયમ છે. (મારા જામનગરમાં, મરવાનું મન થાય એવું વિશ્વપ્રસિદ્ધ સ્મશાન છે... લો બોલો. આ કાઠીયાવાડીઓને ક્યાંય પહોંચાય ? તારી ભલી થાય ચમના... સ્મશાનને ય શણગાર ?)

મોરબી ત્રણ વખત સ્મશાનભેગું થતું બચીને જાતમેહનતથી (એટલે, સરકારોની મદદ વિના) ફરી પાછું ફીનિક્સ પંખીની માફક બેઠું થયું છે. નહિ તો વિધ્વંસક પૂર હોનારત, '૯૮નું વિરાટ વાવાઝોડું અને ઇ.સ. ૨૦૦૧-નો ભૂકંપ તો મોરબીને ખતમ કરવાની હઠ લઈને જ આવ્યો હતો.

આવું મોરબી મારૂં વતન છે અને જન્મસ્થળ જામનગર છે, એનાથી મોટું ગૌરવ ક્યું હોઈ શકે ? હું ફૂલ-ટાઈમ અસહિષ્ણુ હોઉં, તો ય નહિ !

સિક્સર
- મોરબીના બહુ ફાંકા મારો છો... ત્યાં આજ સુધી એકે ય લેખક પેદા થયો ?
- સોરી, ફાલતુ લેખક જામનગરમાં પેદા થયો છે... અહીં તો વતન માટે અભિમાન લેતો લેખક બેશક પેદા થયો છે.

No comments: