Search This Blog

13/01/2016

વો કૌન થા...?


'આ જે તમારે બચવાનું છે', બસ એટલું લખેલી ચિઠ્ઠી અમદાવાદના એરપોર્ટ પર કોક છોકરો મને આપી ગયો, એ પછી હું મુંબઈ એરપોર્ટ ઉતર્યો, ત્યાં સુધી હું કેટલો ફફડતો રહ્યો હોઈશ, એનો અંદાજ એ વાતથી આવી જશે કે, વિમાનની નીચેની સીટમાંથી ય કોક ગોળી છોડીને મને મારી નાંખશે અથવા તો મુંબઈ એરપોર્ટની બહાર નીકળતા જ કોક ટેક્સીવાળો મારી ઉપર ગાડી ચલાવી દેશે, એવા ભયથી હું ગળામાં થૂંક પણ ઉતારી નહતો શકતો. ટેક્સી કરતા ય ફાટતી હતી કે, ખુદ ડ્રાયવર જ કાતિલ નીકળ્યો તો ? 'અશોક દવેનો આવો અંજામ...?' ને એમાં ય, એરપોર્ટ પર મને લેવા તો કોઈ ન આવ્યું પણ મારા નામ સાથેના પ્લે-કાર્ડવાળા માણસે મને બોલાવીને કાનમાં કહ્યું, ''આજે તમારે બચવાનું છે.'' આટલું બોલીને કાચી સેકન્ડમાં તો એ ઊડન-છુ થઈ ગયો.

હવે અમદાવાદ ઘેર ફોન કરવામાં વાંધો નહતો. કર્યો, એમાં તો વાઈફે ખૂબ ફફડતા અવાજે કહ્યું, ''અસોક... અસોક, તમે કિયાં છો, ભ'ઈ સા'બ... કોક નખ્ખોદીયાએ મને ફોન કરીને કહ્યું, ''શાહેબને કહેજો મુંબઈમાં શંભાળીને રિયે... આજનો દિ એમને માટે શારો નથી. કોણ છે ઈ પીટિયો ?''

''જો વાઈફ, સાંભળ... તું ગભરાતી નહિ. હું અહીં ગભરાઈ લઉં છું. મને ય આવી ધમકીઓ મળી છે. એ ફોનવાળો બીજું શું કહેતો હતો ?''

''મારા રોયાએ હબડીક કરતો ફોન કાપી નાંયખો... પાછો લેન્ડલાઈન પર કઈરો'તો.....!''

''ઓકે. સાંજની ફ્લાઈટમાં હું પાછો આવું છું, તું બહું ચિંતા ન કરતી...હું...''
''આવામાં ચિંતાયું બવ ને થોડી-થોડી નો હોય, અસોક... ચિંતાયું તો બવ જ થાય. આંઈ તો કાળજાં ચીરાઈ ગીયા છે... અસોક, તમને મરવાની ભલે ચિંતાયું નો થાય, પણ આંઈ બેઠા અમને તો તમારા મરવાની ચિંતાયું તો થાય કે નંઈ ?'' જૂના જમાનાના પ્રાયમસના પમ્પ મારતી વખતે જેવા અવાજો નીકળતા, એવા અવાજો વાઈફના ડૂસકામાંથી સંભળાતા હતા.

એરપોર્ટથી સીપી ટેન્ક સુધી ટેક્સીની સફરમાં હું બબ્બે ઘડીએ સામેથી કે પાછળથી આવતા વાહનો જ નહિ, ડ્રાયવરને ય જોઈ લેતો હતો કે એ તો બેઠો છે કે ચાલુ ગાડીએ મને મૂકીને ઠેકી પડયો છે ! એ વખતે કોઈ વાંક-ગૂનાહ વગર હું મારી જાતને 'ભાઈલોગ કા આદમી' સમજી બેઠો હતો અને આવતી-જતી કોઈ પણ ગાડી અચાનક ઊભી રહી જઈને મારા ઉપર ફાયરિંગ કરશે, એવી બીક પેસી ગઈ હતી. આવા વખતે લાઈફમાં પહેલી વાર મને મન થયું કે, આ લેખકીયો બનીને મેં શું કાંદા કાઢ્યા... (ક્ષમા, જૈન વાચકોએ 'કાંદા'ને બદલે 'ટીંડોળા' વાંચવું : ક્ષમા યાચના પૂરી !) એક ફાલતુ લેખકને બદલે આજે હું મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કે ભારતનો છેવટે વડાપ્રધાને ય થયો હોત તો, સાન્તાક્રૂઝ એરપોર્ટથી સીપી ટેન્ક સુધીનો ટ્રાફિક 'દવે સાહેબ' માટે બંધ કરી દેવાયો હોત, મારી આગળ-પાછળ સીક્યોરિટી કારોનો કાફલો હોત અને એ મેઈન રોડની ગલીઓમાં ટ્રાફિક-જામ સાથે ઊભેલા વાહનોવાળા મને આવડી ને આવડી માઁ-બેનની ચોપડાવતા હોત, તો ય મને એ મંજૂર હોય... આ તો એક વાત થાય છે. અહીં તો ટ્રાફિક-જામવાળા રોડ ઉપર મારી આગળ બૃહદ મુંબઈ નગરપાલિકાની કચરો-એંઠવાડ લઈ જતી સખ્ત ગંધ મારતી ટ્રક હતી... એટલી મારી સીક્યોરિટી !

ધેટ્સ ઓકે... સીપી ટેન્ક પહોંચતા સુધીમાં તો મારે 'બચવા જેવો' કોઈ પણ બનાવ બન્યો નહિ. નાહી-ધોઈને હું બહાર નીકળ્યો, ને અચાનક જોયું તો સામેની ફૂટપાથ ઉપર કાળા ગોગલ્સ પહેરેલી કોઈ યુવતી એક્ઝેક્ટ મને જોતી ઊભી હતી. આમ તો, કોઈ યુવતી મને જોતી ઊભી રહી ગઈ હોય, એવું હજી સુધી તો લાઈફમાં બન્યું નથી. એટલે એ મહિલાની બુદ્ધિ-ફુદ્ધિથી માંડીને ટેસ્ટ માટે ય મનમાં સવાલ ઊભો થયો, પણ તો ય સંતોષ તો થયો કે દેખાવમાં સુંદર છે અને જુએ છે મારી સામે ને સામે જ... એક વિનય-વિવેકભર્યા પુરુષ તરીકે મારી ય ફરજ હતી કે, મારે પણ એની સામે જોયે રાખવું જોઈએ. હું રાહુલજીની માફક, 'સ્ત્રીસશક્તિકરણ'નો ઘણો હિમાયતી છું.

પણ એને એમ સતત જોવામાં એ ખબર પણ પડી કે, એ પોતાની હાથમાં રાખેલી ગરમ શોલ પાછળ કંઈક છુપાવી રહી છે... બસ, અહીં આપણી ફાટી... એ રીવોલ્વર જ હોઈ શકે ને, કારણ કે મારા ભાગ્યવિધાતાએ મને અમદાવાદ એરપોર્ટ પર જ સૂચના આપી દીધી હતી કે, 'મારે આજે બચવાનું છે.'

હું સિક્કાનગર તરફ જરા સ્પીડથી ચાલવા માંડયો. હું બાંડો લાગુ તો ભલે લાગુ, એ પરવાહ કર્યા વિના ત્રાંસી આંખે સામેની ફૂટપાથ પર જોઈ લીધું તો મારાથી સમાંતર અંતર રાખીને પેલી ય મને જોતી જોતી ચાલતી હતી. હવે હું ફૂલટાઈમ ગભરાયો. શોલવાળો એનો હાથ એમ ને એમ જ હતો, અર્થાત્, હું એની શૂટિંગ રેન્જમાં તો હતો જ. રોજ ખીજાતી મારી બા મને અત્યારે બહુ માયામમતાથી યાદ આવવા માંડી.

કબાટમાંથી કડક-કડક આર કરેલો સફેદ સાડલો કાઢતી મારી વાઈફ યાદ આવવા માંડી. વહુને તો સફેદ સાડલા કરતા સફેદ પંજાબી વધુ ગમે છે, એટલે એ, એ પહેરીને બેસશે. ખુરશી ઉપર ફુલ અને અગરબત્તી ચઢાવેલા મારા સ્માઈલવાળા ફોટા નીચે સફેદ લેંઘો-ઝભ્ભો પહેરીને, બેસણામાં આવનાર હરએક ડાઘુ સામે હાથ જોડીને મનમાં 'જે શી ક્રસ્ણ' બોલતો મારો પુત્ર દેખાવા માંડયો. એકાદો ડાઘુ એમ બોલતો પણ સંભળાયો કે, ''પપ્પા તો ગયા... બહુ ખોટું થયું... ઈશ્વરને ગમ્યું તે ખરું... ઠીક છે, મારે એમની પાસેથી રૂ. ૮૦૦/- લેવાના બાકી હતા... તેનો મને થોડો ય રંજ નથી... પણ આવો માણસ હવે બીજો નહિ મળે !''.. (મળતો હોય તો ય, આ ઉંમરે મારો છોકરો થોડો બાપ બદલાવી લાવવાનો હતો ?)

તારી ભલી થાય ચમના... તને તો હું અમદાવાદ પાછો આવીને સીધો કરું છું, પણ એમાં ય ફફડાટ થયો કે, એ તો હું હેમખેમ અમદાવાદ પાછો પહોંચી શકીશ ''તો'' સાલાને સીધો કરીશ ને ? મારે તો આજે બચવાનું છે ને પેલી હજી પ્રાર્થના-સમાજ સુધી મારી સામે ને સામે જ હતી. એના ઘરમાં કોઈ ભાઈ કે બાપ નહિ હોય ? આજકાલ તો રસ્તા ઉપર એકલા પુરુષને નીકળવું ય કેટલું જોખમી બની ગયું છે.

અચાનક મારી બરોબર બાજુમાં એક ધડાકો થયો. મારાથી માત્ર ચાર જ ફૂટ દૂર ફૂલ-સ્પીડે આવતી એક ગાડી થાંભલા સાથે ટકરાઈ. હું ગભરાઈ એટલો ગયો કે હું બચી ગયો છું ને મને કશું થયું નથી, એનો ય ઈલ્મ રહ્યો નહિ. આવું કંઈ થાય તો મુંબઈમાં બે માણસે ય ઊભું ન રહે, જાણે કે કાંઈ બન્યું જ નથી. મને ખબર પડી કે, હું સલામત છું, એટલે ઊંડો શ્વાસ લઈને સામેની ફૂટપાથ પર જોયું તો પેલી ગાયબ હતી.

વધુ ટેન્શન ન થાય, એટલે તાબડતોબ ટેક્સી પકડીને હું ચર્ની રોડ સ્ટેશને પહોંચી ગયો. ટિકીટ-બિકીટ લઈને લોકલ પકડીને ભીડમાં ઘૂસી ગયો. શ્વાસ ન લેવાય એટલી ભીડમાં મારે દરવાજા પાસે અડધા બહાર લટકતા લટકતા કાંદીવલી જવાનું હતું. ત્યાં અચાનક બીજી એક ઘટના બની ગઈ. મારા જ ડબ્બામાંથી બહાર લટકતો એક માણસ ચાલુ ટ્રેને ફેંકાઈ ગયો. મને આમ તો ખબર ન પડત, પણ ડબ્બામાં કોઈ બે-ચાર જણા બોલ્યા, ''અરે, વો આદમી ગીર ગયા...''. સાંભળ્યું બધાએ પણ મુંબઈગરાઓ પાસે માણસની કિંમત કેટલી છે, એ તાત્કાલિક સમજાઈ ગયું. જાણે કશું કાંઈ બન્યું જ નથી, એમ બધા ઉપરનું હેન્ડલ પકડીને સ્વસ્થ ઊભા હતા. ભયનો માર્યો હું ઘડીભર તો એવું સમજી બેઠો કે, ચાલુ ટ્રેને ફેંકાઈ ગયેલો એ માણસ સ્વયં હું જ છું, અને ભલે એ હું નહતો, છતાં (પેલી ધમકી અને આ બનાવોના) ગભરામણમાં એક તબક્કે બોલવામાં નહિ, વિચારવામાં ય હું તોતડાવા માંડયો હતો. પેલા માણસની ધમકી સાચી તો નહિ પડે ને ? મારા ગયા પછી મારા ફેમિલીનું કોણ ?

ભગવાન શિવની કૃપાથી હું એ જ સાંજની ફ્લાઈટ પકડીને (ફ્લાઈટની ટિકીટના પૈસા ભગવાન શિવે નહિ, મેં ખર્ચ્યા હતા... આ તો એક વાત થાય છે !) હું હેમખેમ અમદાવાદ પાછો આવી ગયો. મને લેવા આવેલી વાઈફને બધાની વચ્ચે હું ભેટી પડયો. મારી આંખોમાં પાણી ભરાઈ ગયા હતા. એની આંખોમાં ય હતા કે, 'ચલો, સફેદ સાડલો કાઢવાનો તો ગયો !'

બીજે દિવસે વહેલી સવારે છ વાગે મારા ઘરનો કોલબેલ વાગ્યો. મારો તો આખી રાત જાગ્યા પછી છેલ્લા વીસ વર્ષથી સુવા જવાનો ટાઈમ જ સવારે છ-સાત વાગ્યાનો છે ને બપોરે ત્રણેક વાગે ઉઠું. એટલે, ફિલ્મોના હીરોલોગ આવા તબક્કે મોંઢા પહોળા કરીને ત્યાં ચપટી વગાડતા બગાસાં ખાતા દરવાજો ખોલવા આવતા હોય છે, એવું આપણા ક્રમમાં નહિ, એટલે મેં સ્વસ્થતાપૂર્વક દરવાજો ખોલ્યો. છ ફૂટ ને બે ઈંચ ઊંચો એક યુવાન પરફેક્ટ ડ્રેસિંગમાં વગર સ્માઈલે કે વગર 'સોરી' કીધે મારી સામે ઊભો હતો. એના મસલ્સ એવા સજ્જડ હતા કે, શેઈક-હેન્ડ કર્યા પછી મને અંદાજ આવ્યો કે, પહેલા આ કોઈ હીરોઈનના બાઉન્સર તરીકે કામ કરતો હશે.

''તમે અશોક દવે છો... અને...'' હું અશોક દવે છું કે નહિ, અથવા એનું આ ટાઈમે મારે ત્યાં આવવું મને ગમ્યું છે કે નહિ, એ બધાની ફિકર વગર એણે વાત ચાલુ રાખી, ''કાલે તમને અમદાવાદના એરપોર્ટ પર એક છોકરો કોઈ ચિઠ્ઠી આપી ગયો હતો, જેમાં લખ્યું...''

''ઓઓઓ... ઓ ભ'ઈ, તમે કોકોકો... કોણ છો ? અને આ બધું....'' ત્યાં સુધીમાં વાઈફ પણ બગાસાં ખાતી ખાતી આવી ગઈ હતી. વાઈફ લોકોમાં સવારે બગાસાં ખાવાનું બહું હોય !

''સોરી સર... મને ગઈ કાલનો તમારો આખો ઘટનાક્રમ ખબર છે. તમને ચિઠ્ઠી મોકલનાર હું જ હતો. એરપોર્ટ પર તમને મળેલો ડ્રાયવર મારો માણસ હતો અને પેલી યુવતી પણ મેં જ મોકલેલી હતી... એ-''

''હા, તો પછી ચાલુ ટ્રેનમાંથી ફેંકાઈ ગયેલો માણસ અને કારનો એક્સિડેન્ટ...''

''એ બધાની મને ખબર નથી. મુંબઈ માટે એ રોજનું છે, પણ...''

''ઓહ માય ગોડ... તો તમે છો કોણ ? કરવા શું માંગો છો ? મારી પાછળ કેમ પડી...?''

''સર, ક્ષમા કરજો, જીંદગી કેટલી કિંમતી છે અને આપણે એને કેટલી લાઈટલી લઈએ છીએ, પરિવારની ચિંતા કર્યા વગર... એનું તમને જ્ઞાન અપાવવા જ આ ખેલ ખેલ્યો હતો... યાદ કરો, સર-જી તમે કેવા ગભરાઈ ગયા હતા... અને-''

''માય ફૂટ... આમાં તો ભલભલો ગભરાઈ જાય... પણ તમે છો કોણ ?''

''સર-જી, હું લાઈફ ઈન્શ્યોરન્સનું કામ કરું છું અને આપનો વીમો ઉતરાવવા અને ખાસ તો તમને સમજાવવા કે, જીવન કેટલું કિંમતી...''

હું ગાળ તો બહારે ય નથી બોલતો, એવી ઘરમાં બોલ્યો, મોટી ત્રાડ સાથે...

પણ એની પાસે મેં મારો રૂ. ૭૦ લાખનો વીમો ઉતરાવી લીધો.

સિક્સર
- નિર્ભયા બળાત્કાર કેસમાં અસલી ગુન્હેગાર કેવળ ૧૮ વર્ષની નાની ઉંમરનો હતો. (નાબાલિગ - જુવેનાઈલ), માટે છોડી મૂકાયો...
- સાઉદી અરેબિયા કે અખાતી દેશોમાં આવું કાંઈ બન્યું હોત, તો પેલા હલકટને અદાલત સુધી ય ત્યાંની પ્રજા પહોંચવા ન દેત... ત્યાં જ એ રહેંસાઈ ગયો હોત... ! Justice delayed is justice denied !

No comments: