Search This Blog

01/01/2016

'વિદ્યા' (’૪૮)

દેવ આનંદે શૂટિંગમાં સુરૈયાને નદીમાં ડૂબતી બચાવી, એમાં...

બહે ના કભી નૈન સે નીર,
ઊઠી હો ચાહે દિલ મેં પીર... 

ફિલ્મ : 'વિદ્યા' (’૪૮)
નિર્માતા : પ્રતાપ રાણા
દિગ્દર્શક : ગીરિશ ત્રિવેદી
સંગીત : એસ.ડી. બર્મન
ગીતો : બોક્સ મુજબ
રનિંગ ટાઈમ : ૧૪-રીલ્સ
થીયેટર : લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારા : દેવ આનંદ, સુરૈયા, મદન પુરી, અમીરબાઈ કર્ણાટકી, માયા બેનર્જી, ગુલામ મુહમ્મદ, મુન્શી ખંજર, યશોદાનંદન જોષી, બલદેવ, એસ.પી. મહેન્દ્ર, વાસકર બેબી રંભા. ગીતો 
૧. પ્યાર બનકે મુઝપે કોઈ છા ગયા રે, છા ગયા.... લલિતા દેઉલકર
૨. મેરી મુનિયા કી અખીયન મેં તુ આ જા.... અમીરબાઈ કર્ણાટકી
૩. લાઈ ખુશી કી દુનિયા, હંસતી હુઈ જવાની.... સુરૈયા-મૂકેશ
૪. ઝૂમ રહી ઝૂમ રહી ખુશીયોં કી નાંવ આજ ઝૂમ રહી.... સુરૈયા
૫. ઓ ક્રિષ્ણકન્હાઈ, આશાઓં કી દુનિયા મેં.... અમીરબાઈ કર્ણાટકી
૬. કિસે માલૂમ થા દો દિન મેં સાવન બીત જાયેગા.... સુરૈયા
૭. જીવન જ્યોતિ બુઝતી જાયે, તુઝ બીન.... અમીરબાઈ કર્ણાટકી
૮. બહે ના કભી નૈન સે નીર, ઉઠી હો ચાહે દિલ મેં પીર.... મૂકેશ
૯. કિનારે કિનારે ચલે જાયેંગે, જીવન કી નૈયા કો ખેતે.... સુરૈયા
૧૦. ભગવન તેરે સંસાર કે હૈં ખેલ નિરાલે.... અમીરબાઈ કર્ણાટકી
ગીત નં. ૧ રાજા મહેંદી અલીખાન, ૨, ૪, ૭, ૮, ૯ યશોદાનંદ જોશી,
૩, ૫, ૧૦ અંજૂમ પિલીભીતી, ૬ શાંતિસ્વરૂપ 'મધુકર'

આ ફિલ્મ બનાવી હતી ફિલ્મ 'રજનીગંધા'વાળી વિદ્યા સિન્હાના પપ્પા રાણા પ્રતાપસિંહે - એ બે વર્ષની હતી ત્યારે. માટે ફિલ્મનું નામ 'વિદ્યા' રાખ્યું. તત્સમયના સુવિખ્યાત દિગ્દર્શક મોહન સિન્હાના આ રાણા પ્રતાપ જમાઈ થાય.

પણ દીકરી ઉપર વહાલ ઉભરાઈ આવવાને કારણે જ, આ ફિલ્મનું નામ 'વિદ્યા' રાખી દેવામાં આવ્યું નથી. પૂરી ફિલ્મમાં વિદ્યા એટલે કે, કેળવણી મુખ્ય વિષય રહી છે. સ્વાભાવિક છે, હીરોઈન સુરૈયાનું નામ પણ ફિલ્મમાં 'વિદ્યા' રાખવામાં આવ્યું હોય.

દેવ આનંદ-સુરૈયાનું બહુ ગાજેલું પ્રેમપ્રકરણ તો ગામ આખું જાણે છે, પણ એની શરૂઆત આ ફિલ્મના એક ગીત, 'કિનારે કિનારે ચલે જાયેંગે...'ના નદી-બોટના શૂટિંગમાં થઈ હતી. બરોબર દસેક વર્ષ પછી બીજા એક હિંદુ હીરો-સુનિલ દત્તે મુસલમાન હીરોઈન નરગીસને શૂટિંગ દરમ્યાન આગની લપેટોમાંથી બચાવી લીધી હતી. અહીં પણ હિંદુ આ ગીતના શૂટિંગ વખતે બોટ પલટી ખાઈ જતા ડૂબતી મુસલમાન સુરૈયાને દેવ આનંદે નદીમાં ઝંપલાવીને જાનફેસાની બતાવી હતી. અલબત્ત, સુનિલને એનું ફળ મળ્યું... દેવ-સુરૈયા બસ કોઈ ૫-૬ ફિલ્મો કર્યા પછી હાથ ઘસતા રહી ગયા.

ઈન ફેક્ટ, સુરૈયાએ પોતે આપેલા ઈન્ટરવ્યૂ મુજબ દિલીપ કુમાર, નૌશાદ, મેહબૂબ ખાન, કે. આસિફ, અબ્દુલ રશિદ કારદાર અને અન્ય સુરૈયાની નાની બાદશાહ બેગમને ઉશ્કેરી આવ્યા હતા કે, જો હિંદુ છોકરો મુસલમાનને પરણશે, તો દેશમાં કોમી તોફાનો ફાટી નીકળશે... કિસ્સા ખતમ !

આ એ જમાનાની ફિલ્મ હતી, જ્યાં ફિલ્માંકન કે સંગીત... એકે ય ક્ષેત્રે ટેકનોલોજીનો વિકાસ થયો નહોતો. દાખલા તરીકે, બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં આઉટડોર શૂટિંગ વખતે સૂર્યનો પ્રકાશ અડધા ચેહરાને ચમકાવી અડધાને ઢાંકી ન દે, એટલા માટે ચાંદીના વરખ જેવા મોટા કાર્ડ-બોર્ડ્સનું રીફ્લેક્શન એમની ઉપર ફેંકી પેલો છાંયડો બેલેન્સ કરી શકાતો હતો. આજે તો, જે ગીત મુહમ્મદ રફીએ ગાયું હતું, તે જ ગીત સૂરની કોઈ પણ ભૂલ વિના આલીયો-માલીયો ય કમ્પ્યૂટરની ટેકનોલોજીને કારણે ગાઈ જ શકો. ખુદ તમે આઘાતમાંથી બહાર આવી ન શકો કે, 'ના હોય... હું આટલું સૂરિલું ગાઉં છું...?'

એટલે જ, ૧૯૪૮-માં ઉતરેલી આ ફિલ્મમાં આર્ટ-ડાયરેક્ટર જેવું તો કંઈ હોય નહિ, એટલે ફિલ્મના ઈન્ડોર શૂટિંગમાં બંગલાની દિવાલો પૂંઠા કે કાપડની બનેલી છે, એ તમે ય પકડી પાડી શકો. આર્ટ-ડાયરેક્ટરનું કામ કેવળ સ્ટુડિયોમાં જરૂરત મુજબ, ડ્રૉઈંગ-રૂમ કે મંદિરના સેટ્સ બનાવવાનું જ નથી. કલાકારોના મેક-અપથી માંડીને એમના કોસ્ચ્યુમ્સ ઉપર પણ પહેલી પસંદગી એની હોય છે. હિંદી ફિલ્મોમાં સાઉથની બનેલી ફિલ્મ 'ચંદ્રલેખા'માં ભવ્યાતિભવ્ય સેટ્સ જોવા મળ્યા હતા. જેમાં વિશાળ કદના નગારાઓમાંથી નૃત્યાંગનાઓ બહાર નીકળતી જાય અને મહેલના પટાંગણનો વિરાટ માહૌલ નજરે જોવા મળે. એ પછી 'મુગલ-એ-આઝમ'માં આવો નજારો જોવા મળ્યો, પણ આજ સુધી બનેલી ભારતની કોઈ પણ ફિલ્મના સેટ્સ હજી હમણાં જ આવીને ચત્તાપાટ પછડાઈ ગયેલી સાઉથની જ ફિલ્મ 'બાહુબલિ' જેવા સેટ્સ તો હોલીવુડની ફિલ્મો 'બેનહર' કે 'ધી ટેન કમાન્ડમેન્ટ્સ'માં ય માંડ જોવા મળે. આ ફિલ્મના બીજા ભાગનું ટ્રેલર તમે યૂ-ટયુબ પર જોઈ શકો છો.

યૂ-ટયુબ પર તો આખેઆખી આ ફિલ્મ 'વિદ્યા' ય જોઈ શકો છો. એવી કંટાળાજનકે ય નથી કે બહુ રૂપાળી ય નથી. તેમ છતાં, એ સમયમાં ઉતરતી ફિલ્મોની સરખામણીમાં 'વિદ્યા' જોવી ગમે એવી છે... ખાસ તો, એ વખતે હજી માંડ ૨૫-વર્ષના રૂપાળા અને ડીસન્ટ લાગતા દેવ આનંદને બસ, જોયે જ રાખો એવો મુલાયમ હતો. હજી પેલી ડોકી હલાવી-આંખો ઝીણી કરીને ચાલવા-ફાલવાની મેનરિઝમ્સ આવી નહોતી, એટલે એક 'એક્ટર' તરીકે ય દેવ પ્રભાવશાળી હતો. અવાજ તો મીઠો જન્મથી જ હતો, પણ એની '૭૦ની સાલ પછીની ફિલ્મો જોનારાઓના માનવામાં નહિ આવે કે, દેવ આનંદના મૂળ વાળ તો વાંકડીયા (કર્લી) હતા. બસ, 'ગાઈડ'માં સાધુનો વેષ ધારણ કર્યા પછી એની હેર-સ્ટાઈલ એકાએક બદલાઈ ગઈ ને આપણને વધુ હેન્ડસમ દેવ જોવા મળ્યો. કમનસીબે, એ નાર્સિસિસ્ટ હોવો જોઈએ (એટલે કે, પોતાના જ પ્રેમમાં પડી ગયેલો), પરિણામે જેમ જેમ એને લોકપ્રિયતા મળતી ગઈ, એમ એ વધુ બેવકૂફીભર્યા ચાળા કરવા માંડયો. છેલ્લે છેલ્લે તો માની ન શકાય એવી તમામ ફિલ્મોમાં એણે એવો દાટ વાળ્યો હતો કે, ખુદ એના 'હાય, મર જાઉં' ચાહકો ય નિરાશ થયે જતા હતા. પહેલાનો દેવ આનંદ એણે પોતે ફરી એક વાર જોયો હોત, તો ખબર પડત કે, હિંદી ફિલ્મોના અભણ પ્રેક્ષકોને ય ફિલ્મમાં વાર્તા, અભિનય અને બીજું બધું પ્રમાણસર જોઈએ છે... એકલો ચેહરો જોયે રાખવાના પૈસા તો એના ચાહકોને ય મોંઘા પડે.

આવું અદ્દલોદલ, રાજેન્દ્ર કુમારના કિસ્સામાં થયેલું. '૬૦ના દશકમાં એનો કોઈ સાની નહતો. નિર્માતા-દિગ્દર્શકો કે હીરોઈનોથી માંડીને સંગીતકારો એના રીતસરના ગુલામ બનીને રહેતા. એક પછી એક કોઈ ૧૫-સિલ્વર જ્યુબિલી ફિલ્મો આપવાને કારણે એણે રાજ-દિલીપ-દેવને તો ક્યાંય પાછળ રાખી દીધા હતા. બસ, એ ભૂલી ગયો કે, લોકો એના ધીરગંભીર સ્વરૂપને વધુ ચાહે છે - દિલ એક મંદિર કે મેરે મેહબૂબ બ્રાન્ડના રાજેન્દ્ર કુમારને ! એ અભિમાનમાં ય ખૂબ આવી ગયો હતો ને ખુલ્લેઆમ કહી દેતો, ''આપ યે સબ સમ્હાલિયે... બાકી તો મેરા સ્ટાર-સ્ટેટસ કામ કર જાયેગા.'' કોણ જાણે શમ્મી કપૂર પાસેથી એ શું શીખી લાવ્યો કે, પાછળની બધી ફિલ્મોમાં એણે ય વાંદરાવેડા શરૂ કર્યા. 'ગંવાર', 'આપ આયે બહાર આઈ' કે 'શતરંજ'માં તો એ પાછો કાંઈ નહિ ને જાસૂસ બનીને આવ્યો. લોકોએ એવો ધોઈ નાંખ્યો કે, એ બુરી રીતે નિષ્ફળ ગયો. સુરૈયા-દેવ આનંદની જોડી લોકોએ રાજ-નરગીસની જોડી જેવી દમદાર નહોતી લાગી. મોટા ભાગની ફ્લોપ ફિલ્મો હતી. ફિલ્મ 'વિદ્યા' ય બાકાત નહોતી. કદાચ એક મોટી ભૂલ એ પણ થઈ હતી કે, ફિલ્મમાં દેવ-સુરૈયા સાથે ત્રીજો કે ત્રીજી કોઈ હિટ પર્સનાલિટી નહોતી. બાકીના મુન્શી ખંજર અને ગુલામ મુહમ્મદ (એક્ટર) જેવા સામાન્ય કલાકારો હતા. અમીરબાઈ કર્ણાટકીની એક તો ઉંમર થઈ ગઈ હતી ને એમાં ય અમથો ય એનો કોઈ મોટો ચાહકવર્ગ હતો ય નહિ.

એક અપવાદ સંગીતકાર સચિનદેવ બર્મન પૂરતો હતો... (બંગાળી મૂળ ઉચ્ચાર મુજબ, 'કુમાર શોચિનદેબો વર્મણ') ગીતો મસ્તમધુરા હતા અને અનલાઈક બર્મન દા, તમામ ગીતો સિમ્પલ ધૂનો પર - ઓછામાં ઓછા વાજીંત્રો સાથે બનાવાયા હતા. અમુક ગીતોમાં તો એકલી વોયલિનથી જ કામ ચલાવ્યું છે. ગાયક મૂકેશને તેઓ ભાગ્યે જ પસંદ કરતા, છતાં અહીં એક સોલો અને એક યુગલ-એમ બે ગીતો મૂકેશને કારણે વધુ ઉપડયા છે. મારે રોવા-બોવાનું કોઈ કારણ ન હોય, છતાં ઘણી વાર હું એકલો પડું, ત્યારે મૂકેશનું આ ફિલ્મનું, 'બહે ના કભી નૈન સે નીર, ઉઠી હો ચાહે દિલ મેં પીર...' ગાયે રાખું. હજી સુધી તો કોઈએ કીધું નથી કે, હું સારૂં ગાઉં છું, એટલે હું માથે ય પડતો નથી. નવાઈની વાત એ છે કે, 'ઝૂમ રહી ઝૂમ રહી, ખુશીયોં કી નાંવ આજ ઝૂમ રહી' એ સુરૈયાના પાર્ટી-ગીતમાં દેવ આનંદ પિયાનો વગાડવા બેઠો છે, પણ આખા ગીતમાં એકે ય ઠેકાણે પિયાનોનો 'પિ' ય સંભળાતો નથી. એ જ રીતે, અમીરબાઈના ભજન, 'ઓ ક્રિશ્ણ કન્હાઈ...'માં નૂરજહાંના 'ક્યા મિલ ગયા ભગવાન તુઝે દિલ કો દુઃખા કે, અરમાનોં કી નગરી મેં મેરી આગ લગા કે' ગીતની સીધી છાંટ વર્તાય છે.

ફિલ્મની વાર્તા આવી છે :
ચમારનું કામ કરી વટેમાર્ગુઓના જૂતા સાંધી આપતા બાપ-બેટાને વારેવારે 'ચમાર' હોવાના તાના સાંભળવા પડે છે. એ દીકરા (દેવ આનંદ)ની સાથે સ્કૂલમાં ભણતી સુરૈયા સાથે નાનપણની દોસ્તી મોટા થતા પ્રેમમાં ફેરવાઈ જાય છે, જે સુરૈયાના બાપને ગમતું નથી, પણ એથી ય વધુ જલી જાય છે મદન પુરી, જે દેવનો નાનપણનો દોસ્ત પણ છે. એ સુરૈયાના બાપના કાન ભંભેરણા કરવા ઉપરાંત પોતાની 'ચાલુ' ફ્રેન્ડ (માયા બેનર્જી)ને દેવ આનંદને પ્રેમજાળમાં ફસાવવાનું કામ સોંપે છે. આ બાજુ, મદન પુરી સુરૈયાના દારૂડીયા અને વેશ્યાગમન કરતા રહેતા બાપને ઉશ્કેરીને પોતાના લગ્ન સુરૈયા સાથે ગોઠવીને બધી મિલ્કત હડપ કરી લેવાનો કારસો રચે છે. દેવને એની શાળાના સંચાલક કોંગોમાં માયા બેનર્જી સાથે એક મહિના માટે મોકલે છે ને આ બાજુ સુરૈયાની તબિયત દેવના વિયોગમાં લથડતી જાય છે. આ બાજુ, દેવને પોતાની પ્રેમજાળમાં ફસાવવા માયા પૂરતી મહેનત કરે છે, પણ દેવ એને બહેન બનાવી દે છે ને પેલી બની પણ જાય છે. સુરૈયાની તબિયત ગંભીર બનતા દેવ તાબડતોબ પાછો આવે છે અને મદન પુરીનો ભાંડો ફૂટી જતાં બન્નેના પ્રેમને મંજૂરી મળી જાય છે.

બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનાની મોટા ભાગની ફિલ્મો બકવાસ હોવાનું એક કારણ મને એ દેખાય છે કે, એ દિવસોમાં હીરો-હીરોઈનો અને ખાસ તો, સંગીતકારોના નામ ઉપર ફિલ્મો બનતી. સહુ જાણતા હતા કે, લોકો સારા ગીતો સાંભળવા તો આવવાના જ છે, પરિણામે ફિલ્મની વાર્તા ઉપર કદી ધ્યાન ન અપાયું. હિંદી ફિલ્મો બ્રાન્ડ બની ગઈ હતી. શરૂઆતમાં હીરો-હીરોઈનની છેડછાડ, થોડી કોમેડી (!), પછી વિલનનું આગમન, છેલ્લે થોડું ઢિશુમ-ઢિશુમ અને છેલ્લે વાર્તાનો સુખદ અંત. મોટા ભાગની ફિલ્મો આ જ વર્તુળમાં ફરે રાખતી, પરિણામે સારા સાહિત્યકારો અને નવલકથા લખનારાઓ દેશભરમાં હોવા છતાં એમને કોઈ અડતું નહોતું. હજી કાંઈ બાકી રહી જતું હોય તેમ ચાલુ ફિલ્મે હીરો મન ફાવે એવા ફેરફારો વાર્તામાં કરાવી શકે. એ દ્રષ્ટિએ હાલમાં તો ઘણી સારી ફિલ્મો બને છે... બધી નહિ, પણ તમને ગમી હોય, એનો દાખલો તમે જ આપો ને ! 

No comments: