Search This Blog

09/10/2016

ઍનકાઉન્ટર : 09-10-2016

* 'એનકાઉન્ટર'માં જવાબ મેળવવા શું કરવું જોઈએ
- સવાલ પૂછવો જોઈએ. 
(મહેશ ધાબલીયા, મુંબઈ અને જયેશ સંઘવી, અમદાવાદ) 

આજકાલ અખબારોમાં જાહેર ખબરોમાંથી સમાચાર શોધવાનું બહુ અઘરૂં થઈ ગયું છે...શું કરવું
- તે એમ કહોને, તમે સમાચાર વાંચવા છાપું ખરીદો છો...! 
(કૌશિક એસ. શાહ, ભાવનગર) 

ભારતમાં વસ્તીવધારો રોકવા શું કરવું જોઈએ
- પડોશી દેશોમાંથી કંઈક શીખવું જોઈએ. 
(પરીન્દા પટેલ, લાડોલ-વીજાપુર) 

શબ્દોનું એનકાઉન્ટર કરવા સવાલ તમારો અને જવાબ અમારો, એવું ન થઈ શકે
- ચલો પૂછું છું... બોલો શું થઈ શકે
(ડો. ગાયત્રી કુંભાણી, બાબરા-અમરેલી) 

બિહારનું શિક્ષણ તો આટલું સારૂં છે, છતાં લાલુનો છોકરો દસમું ય પાસ કેમ કરી ન શક્યો
- દસમા સુધી બિહારનું શિક્ષણ સારૂં છે. 
(ડૉ. હેમંત રાઠવા, વલ્લભ વિદ્યાનગર) 

રેસ્ટરાંમાં પિરસાતી થાળી અને ઘેર પિરસાતી થાળી વચ્ચે શું તફાવત છે
- બાજુવાળાના ઘરમાં શું પિરસાયું છે, તે જોવાનો ચાન્સ ઘરે મળતો નથી ! 
(અતુલ નગીનદાસ કોઠારી, અમદાવાદ) 

દેશના વિકાસમાં તમે કઈ રીતે મદદરૂપ થઈ રહ્યા છો
- ચૂપ રહીને. 
(પ્રબોધરાય જાની, વસાઈ-ડાભલા) 

ફિલ્મ ઈન્ડિયામાં તમે અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતા કહો છો, પણ 'એનકાઉન્ટર'માં ઈરફાન ખાન કેમ
- ઈરફાન ખાન પણ સર્વોત્તમ જ છે...યસ, અમિતાભ જેટલું કામ કરી બતાવવાનું તો બધાને બાકી છે ! 
(ડૉ. રાકેશ પટેલ, કરમસદ) 

કેજરીવાલનું એક જ કામ છે. સવાર પડે ને મોદીને ટિવટર પર ગાળો આપવાનું ! સુઉં કિયો છો
- વાંક કેજરીવાલનો નથી. જેને ને તેને પબ્લિસિટી આપવામાં ટાઈમપાસ કરતા મીડિયાનો છે. 
(અંકુર મિસ્ત્રી, અજરાઇ-નવસારી) 

સત્તા પર આવ્યા પછી ભાજપ હિંદુઓ અને હિંદુત્વને ભૂલી ગઈ હોય એવું લાગે છે
- ઘણા હિમ્મતવાળા છો. હિંદુ શબ્દ આટલી આસાનીથી બોલી નાંખવાનો
(જીતેન દાવડા, ભાટીયા-દ્વારકા) 

મારે લગ્ન કરવા છે. મુહુર્ત જોવડાવું કે ચાલે...
- બાબાભાઈ, આમાં સીધી જતિનભાઈની સલાહ લેવાય, મારી નહિ ! 
(બ્રિજ જતિનભાઈ પટેલ, પાટણ) 

સ્વચ્છ ભારતમાં તમારૂં કેટલું યોગદાન છે
- બસ. હવે હું પણ ભારત સ્વચ્છ રાખવાની અપીલો કરૂં છું. 
(ભરત બી. શાહ, વડોદરા) 

આધુનિક રામાયણ કેવું હશે
- એ તો બાઇન્ડિંગ ને પ્રિન્ટીંગ જોયા પછી ખબર પડે ! 
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ) 

તમે કોઈપણ સવાલનો જવાબ આટલા સહજભાવે કેવી રીતે આપી શકો છો
- જૂઠ્ઠું બોલવાની બેશુમાર ટેવ...! 
(લલિત ગૌદાણી, મુંબઈ) 

ભારત... કોંગ્રેસ મુક્ત ક્યારે
- એકએક-બબ્બે દહાડે કોઈ હસાવતું રહે, એ તમને ગમતું નથી
(જીજ્ઞેશ ધણખરા, સિડસર-વર્તેજ) 

હું આખી દુનિયા પર રાજ કરવા માંગુ છું. તમે મારા મંત્રી બનશો
- બોલો બાબાભ', બાલચિત્રકથાઓ બહુ વાંચો છો ને
(પિયુષ જોશી, સુરત) 

લાઈફમાં કાયમ હેપી રહેવા શું કરવું
- કોઈને ય નફરત કરીને એને હીરો બનાવી ન દો. તમારી તો નફરતે ય આસમાની બુલંદીના ભાવની હોવી જોઈએ...! 
(હિમાની કનોજીયા, મહેમદાવાદ) 

અગાઉના મારા સવાલમાં તમે મારી અટક દોશીને બદલે 'દોષી' લખી હતી. શું તમે મને ગુનેગાર સમજો છો
- હવે તો હું દોષી થયો ને
(મિસ કેની દોશી, હિમ્મતનગર) 

આપણા દેશની બેકારી ઘટાડવાનો કોઈ ઉપાય ખરો
- મારી  આ ત્રણ કોલમો ચાલે છે, ત્યાં સુધી ઉપાયો શોધવાની જરૂર નથી. 
(ભૂમિ ઠાકોર, અમદાવાદ) 

કોઈ પૂછે કે, તબિયત-પાણી કેમના છે ? તો શું જવાબ આપવો ? તબિયતનું તો સમજ્યા, પણ પાણીનું
- તમારી તબિયતના સમાચાર આપી દઈને, એમના પાણીની ખબર પૂછો. 
(કૃપા સેવક, વડોદરા) 

ગુજરાતીમાં ટાઈપ કરવું અઘરૂં પડે છે, તો અંગ્રેજીમાં એનકાઉન્ટર ચાલુ ન થઈ શકે
- ચાલુ તો બ્રૅઇલ-લિપિમાં ય થઈ શકે... પેલામાં તો મારે પાછું ગુજરાતી કરીને આપવાનું નહિ
(જયેન્દ્ર વી. ઠાકર, વડોદરા) 

આ દેશમાં રહેવું નથી ને વિદેશ જવા મળતું નથી, તો શું કરવું
- વિદેશના કાગડા ધોળા નથી હોતા ! 
(મનન પટેલ, આણંદ) 

બહાર જતી વખતે તૈયાર થવામાં પત્ની જ વધુ ટાઈમ લે છે... શું કરવું
- તૈયાર થયેલી એક પત્ની જુદી જ રાખો. 
(હાર્દિક ડબગર, મહેસાણા) 

સવાલ સાથે હું સરનામું ન મોકલું, તો શું વાંધો
- ઉપલેટાથી દર રવિવારે રૂબરૂ આવવાનું રાખો. 
(પિયુષ બી. સોલંકી, ઉપલેટા) 

* 'અચ્છે દિન આ ગયે', સુઉં કિયો છો
- પ્રસૂતિગૃહોમાં લટકાવવાના  બોર્ડ આ લોકોએ દેશભરમાં લગાવ્યા છે...! 

(શૈલેષ પટેલ, અમદાવાદ) 

No comments: