Search This Blog

16/10/2016

ઍનકાઉન્ટર : 16-10-2016

* કહેવાય છે કે, સિંહોના ટોળા ન હોય, પણ આજકાલ તો સિંહો ય ટોળામાં નીકળવા માંડયા છે ને, કાંઈ...?
- રામ જાણે ક્યાંથી કોણ ખબર આપી દે છે...? અમે ઘરની બહાર સહેજ અમથા નીકળ્યા નથી ને... ગામમાં વાત પહોંચી જ જાય છે!
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* વૈજ્ઞાનિકોએ 'નેનો'ની શોધ કરી... પણ પહેલા મરઘી કે ઇંડું? એનો જવાબ...?
- ઑમલેટની લારીવાળાને જરા પૂછી તો જુઓ... મરઘી નહિ તો છેવટે 'નેનો' વિશે એ જાણતો હશે!
(રિયા પટેલ, હિંમતનગર)

* 'એન્કાઉન્ટર'માં દસમી વખત સવાલ પૂછ્યો... હવે ક્યારે છપાશે?
-અગીયારમી વખતે.
(પિયુષ બી. સોલંકી, ઉપલેટા)

* મોદી સરકારને બે વર્ષ પૂરા થઈ ગયા. તમને શું લાગે છે, હવેના ત્રણ વર્ષમાં એ શું કરશે
- પહેલા બે વર્ષમાં જે કર્યું એ! પાકિસ્તાનને નવી ચેતવણી!
(યશ ચડોત્રા, રાજકોટ)

* પપ્પા કહે છે, ન્યુસપેપરમાં નામ આવે એવું કંઈક કર...! શું કરું?
- ઓકે... તો તમે તમારું પોતાનું સમજ્યા હતા...! એમનું નામ જ ઊડાડી દીધું?
(સતીષ સરધારા, ભૂરખીયા-લાઠી)

* તમારી 'ઍનકાઉન્ટર' કૉલમની બાજુમાં જાહેર ખબર..?
- ધેટ્સ ફાઈન! જા.ખ. આપનારને ખબર છે કે, ક્યાં મૂકીશું તો વધારે વંચાશે!
(મેધાવી મેહતા, સુરત)

* ગઝલ સમ્રાટ અશોક... ઓકે, પણ તમારા પત્નીને ફાયદો શું?
-જસ્ટ... એક આવડા અમથા લગ્ન કરી લેવાથી એને આખો શાહિ-પરિવાર વાપરવા મળ્યો ને?
(દિલીપ ભાણજીભાઈ બારૈયા, ભાવનગર)

* આગામી ચૂંટણીમાં મોદીનું શું થશે?
- બસ. આ સવાલ એમને થશે.
(યોગેશ મેહતા, ઉપલેટા)

* હવાઈદળમાં ત્રણ મહિલા પાયલોટ જોડાઈ... બાકી અહીં તો એમના કાર-ડ્રાયવિંગના વાંધા છે!
- હવાઈદળમાં વાંધો ન આવે...! ત્યાં વિમાન રીવર્સમાં લેવાનું હોતું નથી.
(હૅન્કિન મેહતા, ડોમ્બિવલી)

* વડિલ અને વકીલ વચ્ચે શું તફાવત?
- વડિલોને સાચું બોલી નાંખવાની ચિંતા હોતી નથી!
(ઠાકોર વી. બારીયા, વડોદરા)

* દુઃખી માણસને 'શોકગ્રસ્ત' કહેવાય તો સુખીને 'અશોકગ્રસ્ત' કેમ નહિ?
- આ જવાબ 'અશોકઅશોકગ્રસ્ત'ને આપવો ન પડે માટે!
(વૈભવ અંધારીયા, ભાવનગર)

* 'અશોકના શિલાલેખો' સાથે અશોકનું 'એનકાઉન્ટર' કોતરાવાનું શરૂ થયું છે?
- અહીં ઈમેઈલથી સવાલો પૂછાય છે... પેલામાં લોકો પથરા મારીને સવાલો પૂછશે!
(ડૉ. કિરીટ કુબાવત, અમદાવાદ)

* ભારતને એનએસજીમાં સભ્યપદ મળવું જોઈએ કે નહિ?
- હઓ...!
(નીરજ ખંભાયતા, જામકંડોરણા)

* ગ્રાહકમાં ભગવાન જોતા વેપારીઓ કેટલા?
- ગ્રાહકમાં ગ્રાહક જ જોનાર સફળ થાય છે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* તમારા ઘરમાં તમારી કેવી ઈમ્પ્રેશન છે? ઢીલા-પોચા કે કડક?
- મને વચમાં બોલવાની આદત નથી.
(ડૉ. સતીષ નાયક, વલસાડ)

* અહીં ધોળીયાઓના દેશમાં હું દેવી ભાગવત લઈને આવ્યો છું, તેનું શું કરું?
- ત્યાં ધોળી દેવીઓ હોય...!
(બાલેન્દુ વૈદ્ય, નોર્થ કેરોલાઈના-અમેરિકા)

* એક સામાન્ય નાગરિકે દેશ માટે શું કરવું જોઈએ?
- જ્યાં નજર પડે ત્યાં તિરંગાને પ્રણામ કરવા જોઈએ.
(સોહમ ચૌહાણ, જૂનાગઢ)

* બીજા બધાના તો ઠીક છે... બાબા રામદેવના અચ્છે દિન ચોક્કસ આવી ગયા... સુઉં કિયો છો?
- એ માણસ મફતનું નથી ખાતો... જે કાંઈ લે છે, એનું વળતર પરફેક્ટ આપે છે.
(પ્રશાંત સોની, લીમડી-દાહોજ જીલ્લો)

* તમને કપિલ શર્માનો શો જોવો ગમે છે?
- ખૂબ્બ જ. પણ ધી બેસ્ટ તો 'તારક મેહતા કા ઊલટા ચશ્મા' જ !
(વિપુલ મકવાના, સિદસર)

* તમારી દ્રષ્ટિએ રહેવા માટે બેસ્ટ શહેર કયું?
- જ્યાં સડક ઉપર કોઈ થૂંકતું ન હોય, વાહન રસ્તા વચ્ચે પાર્ક થયેલા ન હોય ને જ્યાંની સ્ત્રીઓ માથામાં ખચાખચ તેલો ઢોળતી ન હોય!!
(યશ બી. ઓડેદરા, ધોરાજી)

* ડૂબતો માણસ તણખલું પકડે તો તરતો માણસ શું પકડે?
- એના સ્વિમિંગ-કૉસ્ચ્યૂમનું નાડું.
(ધવલ જે. સોની, ગોધરા)

* મહાદેવજીને દૂધ પિવડાવવા કરતા કોઈ ભૂખ્યાને એ દૂધ પિવડાવાય તો?
- આજથી તમારે મને મહાદેવજી નહિ સમજવાનો... ભૂખ્યો સમજવાનો!
(હરિત વ્યાસ, જામનગર)

* તમને ગુજરાતી હોવાનું કેટલું ગૌરવ છે?
- જેટલું ભારતીય હોવાનું ગૌરવ છે...
(કિર્તી કુબડીયા, મુંબઈ)

* ૧૯૭૧-માં જનરલ યાહ્યાખાનના પાકિસ્તાનને આપણા સ્વ. ઈન્દિરા ગાંધીએ શરમજનક હાર આપીને ભારતનું નામ રોશન કર્યું હતું... મોદી પાસે એવી રોશનીની આશા રખાય?
- અફ કોર્સ! પોતે શું ચીજ છે, એ બતાવી આપવાનો આ એક તો મોકો એમની પાસે આવ્યો છે. બહાના બહુ થયા ચૂપ રહેવાના! હવે તો કાંઈ નક્કર કરી બતાવશે ને?
(જ્યોતિ ગી. ઠક્કર, વડોદરા)

No comments: