Search This Blog

19/12/2016

ઍનકાઉન્ટર : 18-12-2016

* નેતાઓના ઘેર ઈન્કમટેક્સની રેડ કદી પડતી નથી. સુઉં કિયો છો ?
-
પડતી હોત તો એ નેતા ન હોત !
(
ધવલ જે.સોની, ગોધરા)

* કર્મના સિદ્ધાંતમાં માનો છો ?
-
હા, પણ માન્યા પછી શું કરવાનું હોય, તેની ખબર નથી !
(
જયેશ અંતાણી, ભાવનગર)

* યુ.પી.ની અદાલતે ૯૫-વર્ષની ઉંમરના કાકાને જનમટીપની સજા સંભળાવી. આપ સુંઉ કિયો છો ?
-
હુકમ કી તામિલ હો...
(
મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* પતંગનું આકાશમાં ઊડવાનું કારણ શું ?
-
ટીવીમાં ય ઊડે છે.
(
હિરેન લાઠીદડીયા, તળાજા)

* ઈન્ડિયન આર્મી અને પાકિસ્તાની આર્મી વચ્ચે તફાવત શું ?
-
પાકિસ્તાન આર્મીને સામેથી આવતી ગોળીઓનો જ ખૌફ રહે છે, પાછળથી આવતી ગોળીઓનો નહિ !
(
સુનિલ એન. રાવલ, સુરત)

* 'એનકાઉન્ટર' કોલમ ક્યારેક આડી, ક્યારેક સીધી, ક્યારેક ઊભી... કેમ એક જગ્યા ફિક્સ નથી ?
-
આ બધી કસરતોમાં વાચકોને એકે ય વાર આડા, સીધા, વાંકા, ત્રાંસા કે ઊભા થઈ જવું પડયું છે ?
(
સુરેશ ભાટીયા, મુંબઈ)

* તમને એક એનકાઉન્ટર કરતા કેટલો સમય લાગે ?
-
'એનકાઉન્ટર' નહોતું, એ સમજાવવામાં વર્ષો નીકળી જાય છે !
(
જીયા સંજયભાઈ અંધારીયા, ભાવનગર)

* તમારી પાસે આટલું બધું ફિલ્મી જ્ઞાન ક્યાંથી આવ્યું ?
-
ફિલ્મ 'જવેલ થીફ'માં દેવ આનંદ એની મા ને કિમતી હાર બતાવીને કહે છે ને, ''સબ ચોરી કા માલ હૈ...''
(
શૈવાંશી શૈવ, વડોદરા)

* મેં ૫-૭ વાર પ્રશ્નો પૂછ્યા, પણ સમજાતું નથી કે મારા સવાલો સીલેક્ટ કેમ થતા નથી... કે સમજાતા નથી ?
-
વાચકો ઘણા વખતથી આ સ્ટાઇલ ઉપાડી લાવ્યા છે. પણ એમાં નુકસાન તમને છે. સવાલ તો પૂછાયો નથી !
(
ધવલ અનડકટ, રાજકોટ)

* સાક્ષી અને સિંધૂ જેવી બેટીઓએ ભારતનું નાક રાખ્યું, પણ બેટાઓ શું કરે છે ?
-
એ દરેક બેટાને ફાળે આવેલી જે તે રાજ્યની સ્પોટર્સ-બોડી વિશે જાણશો, તો આવી નારાજગી નહિ રહે !
(
ડૉ. નીલેશ ત્રિપાઠી, અમદાવાદ)

* ભારત માતાની સાચી 'જય' ક્યારે બોલાશે ?
-
એ તો સદીઓ પહેલાથી બોલાતી આવી છે ને સદીઓ પૂરી થયા પછી ય બોલાતી રહેશે, બોલો 'જયહિંદ'.
(
પ્રફૂલ્લ જે. બારોટ, બાબરા-અમરેલી)

* અમદાવાદના ઈસનપુરમાં તળાવ છે, પણ વિકાસ ન થયો. વસ્ત્રાલમાં તળાવ નથી, ત્યાં ખોદીને તળાવ બનાવે છે. આને વિકાસ થયો કે ભ્રષ્ટાચાર ?
-
ઈસનપુરવાળું તળાવ ખસેડીને વસ્ત્રાલ લઈ જવાય, તો કોઈ ઉકેલ આવે એમ છે ?
(
સની કાચવાલા, અમદાવાદ)

* અત્યારે વિદ્યાર્થી શિક્ષકની ઈજ્જત કેમ નથી કરતો ?
-
સારા શિક્ષકોને આ સવાલ નડતો નથી.
(
ફૈઝલ નેદરીયા, ગાંધીનગર)

* ગુલામનબી આઝાદ કે દિગ્વિજયસિંઘ જેવા અમીચંદો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?
-
એ પોસિબલ નથી. મોટા ભાગની ટીવી-ચેનલો કોંગ્રેસ, ભાજપ કે ઈવન શિવસેનાને વેચાયેલી હોય છે.
(
ઠાકોરભાઈ દેસાઈ, ગણદેવી)

* શ્રાવણ મહિનો આવતા જ લોકોને પત્તાં ટીચવાના ધખારા કેમ ઉપડતા હશે ?
-
લે... એટલું ય ના ઊપડે... ?
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* હાલના મંત્રીમંડળમાં તમને ક્યું નામ વધારે ગમે છે ?
-
શ્રી રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલ... એ જ એક દિવસ ભારતના વડાપ્રધાન બનશે.
(
મુકેશ પડસાળા, અમદાવાદ)

* આપણે બ્રિટીશરાજમાં હાલની ભ્રષ્ટ સરકાર કરતા વધુ સુખી હતા, એ તમે સ્વીકારો છો?
-
સહેજ પણ નહિ ! રાજ કપૂરે સરસ કીધૂ હતું, 'લાખ લુભાયે મહલ પરાયે, અપના ઘર ફિર અપના ઘર હૈ...'
 (
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* મહિલાઓ શા માટે પોતાની સાચી ઉંમર છુપાવે છે ?
-
જે પોતાને ભરચક યુવાન માનતી હોય, એણે ઉંમર છુપાવવી પડતી નથી.
(
દીપક પંડયા, બિલિમોરા)

* 'ઓશો' વિશે શું માનો છો ?
-
એમણે કીધેલી એક પણ વાત કોઈને પણ ન ગમે, એવું શક્ય નથી... પણ એમની વાતો વ્યાવહારિક જીવનમાં ઉતારવી ય શક્ય નહોતી.
(
હિરેન મેંદાપરા, સુરત)

* સિર્ફ પાનવાલા પૂછે છે, 'સાહેબ, ચૂના લગાઉં... ?' બીજા પૂછ્યા વિના ચૂનો લગાવી જાય છે. એમ કેમ ?
-
તમે ઘણા ઊંચા સ્થાને પહોંચ્યા હો, ત્યારે તમને ચૂનો લગાવનારા મળે... બાકી તો બીજાને બસ, માખણ લગાવનારા જ મળે !
(
રોહિન્ટન બોધાનવાલા, મુંબઈ)

* મલ્ટિ-સ્ટોરી બિલ્ડિંગોમાં અગ્નિશામકો રાખવામાં આવે છે, પણ શું એ ઘરની આગ બુઝાવી શકે ?
-
અગ્નિશામક તો જાવા દિયો... એક વાર વાઇફ ઉપર બેગોન-સ્પ્રે તો છાંટી જોજો !
(
નૈષધ અંતાણી, ભૂજ-કચ્છ)

* મારા સવાલના જવાબો નહિ આપવાની કઈ સજા તમને જોઈએ ?
-
આપ્યો એનું ઈનામ શું ?
(
રાધિકા મયૂર ઢોલા, ભાવનગર)
(માની નથી શકાતું કે, પોતાના સવાલો છપાય નહિ, એનું એક માત્ર કારણ પોતાનું નામ, સરનામું કે મોબાઇલ નંબર નહિ લખવાનું હોવા છતાં, રોજના સરેરાશ પચાસ વાચકોના ઈ-મેઈલ રદ કરવા પડે છે, ને તો ય એ વાચકો વિગતો પૂરી લખતા નથી.)

No comments: