Search This Blog

16/12/2016

મુગલ-એ-આઝમ ભાગ-૩...

(ગયા અંકથી ચાલુ) 
(૧૮) ફિલ્મ 'મુગલ-એ-આઝમ'નો પ્રીમિયર અમદાવાદના કૃષ્ણ અને નૉવેલ્ટી સિનેમામાં યોજાયો હતો. એ વખતે ટિકીટના ભાવ ૧/- લોઅર સ્ટોલ્સ (જેને લાડમાં 'રૂપીયાવાળી' કહેવાતી !), અપર સ્ટોલ્સના ૧.૪૦, અને બાલ્કનીના ૧.૬૦. (આ ૪૦ કે ૬૦ એટલે શું, એ આજની જનરેશનના છોકરાઓને નહિ સમજાય. વડીલોને પોતાને સમજણ પડતી હોય તો છોકરાઓને સમજાવવા કે, અપર અને બાલ્કની વચ્ચે કેવળ ૦.૨૦ પૈસાનો જ ફરક હોવા છતાં મોટા ભાગના પ્રેક્ષકોને એ ૨૦ પૈસા પોસાતા નહોતા અને અપર ફૂલ થાય તો જ બાલ્કની લેતા... ૨૦ પૈસા માટે બસ્સો રૂપિયાનો જીવ બાળતા ! 

પણ જીવ ત્યારે નહોતો બળતો કે, 'મુગલે-એ-આઝમ'ની ટીકીટો બ્લેકમાં ૧૦૦/- ઉપર વેચાતી આ લખનારે નજરે જોઈ છે. 

(૧૯) છાતી સોંસરવો આઘાત એ વાતે લાગી જાય કે, આટલી મહાન ફિલ્મને ૧૯૬૦ના ફિલ્મફૅર ઍવોર્ડસ ફંકશનમાં 'શ્રેષ્ઠ ફિલ્મ'ને બાદ કરતા બીજા બે અણધાર્યા ઍવોર્ડસ જ મળ્યા. શ્રેષ્ઠ દિગ્દર્શકનો ઍવોર્ડ ફિલ્મ 'પરખ' માટે બિમલ રોયને મળ્યો. બેસ્ટ એકટર માટે રાજ (છલીયા), દિલીપ (કોહિનૂર) અને દેવ (કાલા બાઝાર) ત્રણે નોમિનેટ થયા હતા, પણ મળ્યો દિલિપને કોહિનૂર માટે, મુગલે-આઝમ માટે નહિ. આમાં આઘાત એ વાતનો હતો કે, કોઈ પણ માપદંડથી સર્વોત્તમ અભિનેતાનોએ એવોર્ડ તો પૃથ્વીરાજ કપૂરને જ મળવો જોઇતો હતો, પણ ફિલ્મફૅરના વ્યવસ્થાપકો શ્રેષ્ઠ રોમેન્ટિક હીરોને શોધતા હોય, શ્રેષ્ઠ એકટરને નહિ. હીરોઇનમાં પણ ફિલ્મ 'છલિયા'ની નૂતન અને આ ફિલ્મની મધુબાલાને પાછળ રાખીને ફિલ્મ 'ઘુંઘટ'ની બીના રોયને એવોર્ડ અપાયો. પણ સૌથી અનપેક્ષિત એવોર્ડ શંકર-જયકિશનને ફિલ્મ 'દિલ અપના ઔર પ્રિત પરાઇ'ને મળ્યો, નૌશાદને આ ફિલ્મ માટે નહિ... 

અરે, નૌશાદથી આગળ તો ફિલ્મ 'ચૌદહવીં કા ચાદ' માટે રવિ આગળ હતા. 'દિલ અપના...'ના બેમિસાલ સંગીતને તો કોણ ભૂલી શકે, પણ 'મુગલે-એ-આઝમ'ની સરખામણીમાં એનું સંગીત એવોર્ડ જીતી જાય, એ સમજવું અઘરૂં હતું. યસ. સર્વોત્તમ સંવાદો માટેનો એવોર્ડ ચાર લેખકોમાં વહેંચાયો હતો અને તે ચારેય ય ઉત્તમ જ હતા, ઝીનત અમાનના પિતા અમાન (અમાનુલ્લાહ ખાન), વજાહત મીર્ઝા, કમાલ અમરોહી અને એહસાન રિઝવી. 

આ અમાને ફિલ્મ 'પાકીઝા'ના સંવાદો પણ લખ્યા હતા. ઝીનત અમાનની મા એ પછી કોક જર્મનને પરણી અને ત્યાં જ સેટલ થઇ, પણ ૧૮ની ઉંમરે પહોંચ્યા પછી ઝીનત ઇન્ડિયા પાછી આવી. ફિલ્મ એકટર રઝા મુરાદ ઝીનતનો ફર્સ્ટ કઝિન એટલે કે સગા કાકાનો દીકરો, મતલબ ચરીત્ર અભિનેતા મુરાદ ઝીનીના સગા કાકા થાય. એવી જ રીતે શ્રેષ્ઠ ફોટોગ્રાફી માટે આર.ડી.માથૂરને પુરસ્કાર મળ્યો હતો. 

(૨૦) ફિલ્મની પબ્લિસીટીના એક ફોટામાં કરીમુદ્દીન આસિફ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને બે હાથ જોડીને પ્રણામ કરતા દર્શાવાયા છે. આજના માહૌલ મુજબ તો આ ફોટાને કારણે આસિફ સા'બને ઝનૂની મુશ્કેલીઓમાં આવવું પડયું હોય, પણ એ જમાનામાં હિંદુ-મુસલમાન બન્ને કૌમોમાં સાચી ધર્મનિરપેક્ષતા હતી એટલે કોઈએ વિરોધ નોંધાવ્યો નહિ. શહેનશાહ અકબરને પણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે શ્રીકૃષ્ણની મૂર્તિને પગે લાગતા દર્શાવાયા છે. 

(૨૧) અમિતાભ બચ્ચને રેકોર્ડેડ ઇન્ટર્વ્યૂમાં કીધું છે 'મેં મુગલ-એ-આઝમ' કેટલી વાર જોઈ હશે એ પણ યાદ નથી. સ્કૂલ-કૉલેજના જમાનામાં અનેકવાર જોયા પછી ઈવન આજે પણ જ્યારે ઘેર નવરો પડું ત્યારે ફરીથી જોઇ લઉં છું. 

(૨૨) વાંચવી ખૂબ ગમે અને કાયમ યાદ રહી જાય એવી માહિતી કરિના કપૂરની છે. એણે ૫-૭ વાર તો આ ફિલ્મ જોઈ જ છે, પણ ફિલ્મોમાં આવતા પહેલા હું મારી બહેન કરિશ્મા કપૂર અમારા દાદાજી (રાજ કપૂર)ને પૂછીએ કે, 'એક્ટિંગ શીખવા માટે અમારે કઇ ફિલ્મ જોવી જોઇએ ?' તો એમણે આ ફિલમ પર આંગળી મૂકી.   

(૨૩) ફિલ્મના દરેક પાત્ર પાસે આસિફે જે અંદાજથી અવાજ કઢાવ્યો છે, તેમાં જે તે પાત્ર કરનાર કલાકાર કરતા આસિફનું નકશી કામ વધુ જણાય છે. મધુબાલાનો પ્રત્યેક સંવાદ દર્દથી છલકતો છે. આખી ફિલ્મમાં મધુને ઉમંગ સાથે વાત કરવા મળી નથી. 

'હમારા હિંદુસ્તાન તુમ્હારા દિલ નહિ, જીસમેં એક લૉન્ડી જીસકી મલિકા બને' એવા મહારાણીભર્યા સત્તાવાહી અવાજે પુત્ર સલિમને સંભળાવી દેના જોધાબાઈ (દુર્ગા ખોટે) જ્યારે એ જ સલિમના યુધ્ધક્ષેત્રથી આગમન પર ખુશીયોથી બૌછાર વચ્ચે બન્ને કાન પર હાથ દબાવી દઇને ચહેરો ખુશીઓથી ભરી દઈને એક મહારાણી નહિ, મા ના કંઠમાં દીકરાને યાચનાભર્યા સ્વરે વિનંતી કરતા, 'મેરી તો દોનોં તરફ સે હાર હૈ' ! 'શેખુ, યે ગરીબ બાપ શહેનશાહ અકબર કે ઉસુલોં સે મજબુર હૈ' યાચનાભર્યા સ્વરે કહેનાર એ જ પૃથ્વીરાજ કપૂર જ્યારે પિતા નહિ પણ સત્તાવાહી શહેનશાહ બનીને પોતાના એ જ કઠોર ઉસુલોં સાથે ખલનાયકની ભાંતિ કહી દે છે. ''ખુદા તુમ્હે જલાલે-અકબરી સે મહેરૂમ રખ્ખેં !'' 

આ જ સરખામણી આવી જ લૅજન્ડરી ફિલ્મ 'શોલે'ના કિરદારો સાથે કરો, તો 'શોલે'નું દરેક કૅરેકટર પહેલો સંવાદ ૅજ ટોન અને બોલી (ડાયલેક્ટ)માં બોલે છે, એ પૂરી ફિલ્મમાં એકધારો રહે છે. આ સરખામણીથી 'શોલે' કે અન્ય કોઈ ફિલ્મને સહેજ પણ નીચી બતાવવાનો પ્રયાસ નથી, પણ કંઠ પાસે આવું કામ કે.આસિફ જ લઇ શકે, એ તો બેશક સાબિત થાય છે. અંગત જીવનથી માંડીને ફિલ્મી પરદા ઉપર પુરબહાર સૅક્સી અને ગ્લેમરસ દેખાતી આ ફિલ્મની 'બહાર' એટલે કે કે.આસિફની જ પત્ની નિગાર સુલતાનાએ પણ એક વૅમ્પને છાજે એવો મદભર્યો અવાજ ફિલ્મમાં કાઢ્યો છે. 

(૨૪) આ ફિલ્મ બનતા પૂરા ૧૬ વર્ષ નીકળી ગયા હતા, એનું મૂળ કારણ 'પરફેકશન' માટે આસિફની જીદ અને બીજા નંબરે રોજેરોજ વધતું જતું તોતિંગ બજેટ, જે ફિલ્મ બનવાની હતી ત્યારે ટોટલ ખર્ચ રૂ. ૧૫ લાખ (એ જમાનામાં) અંદાજવામાં આવ્યો હતો અને ૧૬ વર્ષમાં એ આંકડો રૂ. દોઢ કરોડ પાર કરી ગયો હતો. હજી રંગીન ફિલ્મો ભારતમાં પૂરતી કાર્યરત થઇ નહોતી, અલબત્ત, ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સે પણ બહુ રાહો જોઇ હતી ને એ ય થાકી ગયા હોવાથી આસિફને ફિલ્મને એ બે રીલ્સ જ રંગીન બનાવીને સંતોષ માનવો પડયો હતો. પણ આટલા વર્ષો પછી પૂરી ફિલ્મ નવેસરથી પ્રોસેસ કરાવીને રંગીન બનાવવાનો ખર્ચ તો અસલ ફિલ્મથી ય વધી ગયો અને જહે નસીબ... આખો દાવ ઊલટો પડયો. રંગીન થઇને આવેલી બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મ જોવાનો આજની નવી પેઢીને કોઈ મોહ નહતો અને નવેસરથી ફિલ્મ થીયેટરોમાં રજુ કરવા છતાં 'મુગલે-એ-આઝમ' બહુ બુરી રીતે પિટાઈ ગઈ...! 

(૨૫) ફિલ્મમાં અકબર સલિમને જુદા જુદા નામે બોલાવે છે. 

એ પોતે શહેનશાહ તરીકે વાત કરતા હોય ત્યારે પુત્રને 'સલિમ' કહે છે. મહેલની બાંદીઓ (દાસીઓ) કોઈ સંદર્ભમાં વાત કરતી હોય ત્યારે પુત્ર માટે અકબર તુમ્હારે 'સાહેબે આલમ' શબ્દો વાપરે છે, પણ વહાલ કે દર્દથી પુત્ર સાથે વાત કરતા હોય ત્યારે 'શેખુ' કહે છે. મહારાણી ઇમોશનલ થાય ત્યારે સલિમને 'ચંદા' કહીને લાડથી બોલાવે છે. અન્ય દરબારીઓ કે સલીમનો દોસ્ત અને રાજા માનસિંહનો પુત્ર દુર્જન (અજીત) સલિમને શહેનશાહના 'વલી-એહદ' ને નામો બોલાવે છે. અનારકલીનું ઘરનું નામ 'નાદિરા' છે, પણ અકબરી-દરબારમાં ઇલ્કાબરૂપે એને 'અનારકલી' નામ મળ્યું હતું. શહેનશાહ અકબર પોતાને તો શહેનશાહને નામે જ ઓળખે છે, છતાં એમની મહારાણી (દુર્ગા ખોટે), એમનો ભાઈ રાજા માનસિંહ અને ભત્રીજો દુર્જન એમને 'મહાબલી' કહીને બોલાવે છે. દરબારી સંબોધનમાં શહેનશાહ મુહમ્મદ જલાલુદ્દીન અકબર કહેવાય છે. 

(૨૬) દિલીપ કેટલો મહાન અભિનેતા હતો કે, કયો સંવાદ કેવી કોમળતા કે કઠોરતાથી બોલાય, એમાં એના અવાજમાં મીઠાશ કે સખ્તાઇની સીધી ચોટ જેટલી અનારકલી કે અકબરનેવાગે, એટલી જ પણને વાગે. એને અજીત પૂછે છે, 'શેહજાદે, ક્યા ઝખ્મ ધોયે નહિ જાયેંગે ? ત્યારે ખુદ ખય્યામરૂબાઈ બનીને બોલતા હોય, એવી નાજુકાઈ અને મીઠાશથી દિલીપ બોલે છે, 'યે ઝખ્મ નહિ, ફૂલ હૈ દુર્જન... ઔર ફૂલોં કા મૂરઝાના બહાર કી રૂસ્વાઇ હૈ...!' માય ગૉડ... આવી અસર તો કેવળ દિલીપકુમાર જ ઊભી કરી શકે. 

બીજી બાજુ, શેહજાદો હોવા છતાં, એની નજર સામે શહેનશાહના હૂક્મથી એની પ્રેમિકા અનારકલીની ધરપકડ થવા છતાં લાચાર બનીને ઊભા રહી જવા સિવાય એ કાંઈ કરી શક્તો નથી, ત્યારના સંવાદમાં આ બન્ને ગ્રેટ અદાકારોની અવાજ અને હાવભાવ ઉપરનો કાબુ તો જુઓ  :  'અનારકલી કૈદ કર લી ગઈ, ઔર મૈં દેખતા રહા...' જવાબમાં જીલ્લે-ઈલાહી કહે છે,'ઔર તુમ કર ભી ક્યા સકતે થે ?' ત્યારે એક પુત્ર જ નહિ, સામાન્ય માણસના આક્રોશ જેવો અવાજ કાઢી સલિમ કહે છે, 'એક અઝીમુશ્શાન શહેનશાહ કે આગે કોઈ કર ભી ક્યા સકતા હૈ ?' આ લેખ લખનારની દ્રષ્ટિએ પૂરી ફિલ્મના આ સર્વોત્તમ સંવાદો છે. 

(૨૭) ૧૪ વર્ષ રણભૂમિમાં વિતાવીને શેહજાદો એના લાવલશ્કર સાથે સલિમ પાછો ફરે છે, તે દ્રષ્ય મહેલના ઝરૂખામાંથી લેવાયું હોય, એવી ઇફેક્ટ ઊભી કરવામાં આવી છે. દૂરથી લશ્કર હળવે હળવે આવતું દેખાય, એ જગ્યા આસિફને ખૂબ પસંદ પડી ગઈ હતી, પણ ત્યાં વેરાન જમીન ઉપર વીજળીના થાંભલા રોપાયા હતા. મુગલીયા કાળમાં તો વીજળી હતી નહિ, એટલે આસિફે સરકારી ખાતાઓમાં દોડધૂપ કરીને એ થાંભલા હટાવવાના ઓર્ડરો મેળવી લીધા. એ વાત જુદી છે કે, એને માટે આસિફને કામ પતી ગયે એ જ થાંભલા ફરી જડી આપવાનો રાજસ્થાન સરકારને સત્તાવાર ખર્ચો ઉપરાંત સરકારી બાબુઓના ખિસ્સાં તરબતર કરવા પડયા હતા. 

(૨૮) મધુબાલા-દિલીપકુમાર વચ્ચેનો રોમાન્સ આ ફિલ્મની અધવચ્ચે કડવો અને નામશેષ થઇ ગયો હતો. મોટા ભાગની ફિલ્મના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે સંપૂર્ણ અબોલા હતા, સિવાય કે મધુના ચેહરા ઉપર પીંછુ ફેરવવાના ક્લાસિક પ્રેમદ્રષ્યો વખતે મધુબાલાના પિતા અતાઉલ્લાહખાન (જે દિલીપકુમારને સખ્ત નફરત કરતો હતો) ને ખબર ન પડે માટે કે.આસિફે આપણા ગુજરાતી ફિલ્મ પત્રકાર તારકનાથ ગાંધીને અતાઉલ્લાહ સાથે તીનપત્તી રમતા રહીને 'હારવાના' મબલખ પૈસા આપ્યા હતા, જેથી અંદર સ્ટુડિયોમાં ચાલી રહેલા પ્રેમદ્રષ્યોમાં ડોહા ફાચર ન મારે ! 

અલબત્ત, અડધી ફિલ્મે મધુ-દિલીપનો રોમાન્સ ઝેરીલી કડવાશથી તૂટી ગયો એની દાઝ દિલીપ ફિલ્મના નાજુક દ્રષ્યના શૂટિંગ વખતે કાઢી હતી, જેમાં કેદખાનામાંથી મુક્ત થયેલી અનારકલી ઉપર ક્રોધિત ભરાયેલો સલિમ એને સખત હાથે થપ્પડ મારી દે છે, એ થપ્પડ ફિલ્મી ઢબે હવામાં મારી દેવાને બદલે દિલીપે સાચેસાચ મધુના ગાલ ઉપર મારી દીધી હતી. મુંબઇના ગીરગામની અદાલતમાં બી.આર.ચોપરાએ મધુબાલા સામે ફ્રોડના કરેલા કેસમાં દિલીપે ચોપરાની તરફેણમાં જુબાની આપી હતી, જેથી મધુ પણ ખીજાઈ હતી. 

(૨૯) 'પ્યાર કિયા તો ડરના ક્યા...' નૃત્યગીત વખતે શહેનશાહ અકબરની લાલઘુમ આંખો બતાવવા પૃથ્વીરાજ કપૂરે સ્ટુડિયોમાં સગડી મંગાવી આંખમાં મરચાનો ધૂમાડો લીધે રાખ્યો હતો. સોહરાબ મોદીની ૧૯૪૧માં બનેલી ફિલ્મમાં પૃથ્વીરાજને ગ્રીસના એ વખતના મૅસેડોનિયાનો શહેનશાહ સિકંદરનો કિરદાર નિભાવવાનો છે, જેમાં એનો પોષાક ઢીંચણથી ઊંચો હોવાથી એક મસ્ક્યૂલસ મર્દને છાજે એવા એના સાથળો કસાયેલા બતાવવાના હતા, વાસ્તવિક્તાના આગ્રહી પૃથ્વીરાજે ફિલ્મના સ્ટુડિયોમાં જ દોઢસો ઉઠબેસ કરીને સાથળો ફૂલાવ્યા  અને પછી શોટ લેવાયો. 

(૩૦) આસિફે એ વખતે ઇ.સ. ૧૯૬૦માં રજૂ થયેલી આ ફિલ્મે બ્લૅક-એન્ડ-વ્હાઇટના બે રીલ્સ ટેકનિકલર કરાવ્યા હતા. પૈસાના અભાવે એથી આગળ વધી શકાય એમ નહોતું અને 'મુગલ-એ-આઝમ'ને રંગિન શાહકાર બનાવવાનું સપનું એક સપનું રહી ગયું.   

(૩૧) ફિલ્મમાં યુધ્ધના દ્રષ્યો ઇવન આજ સુધીની હિંદી ફિલ્મો માટે એક મિસાલ છે. આસિફે પૈસો ખર્ચ્યો નથી... ઊડાવ્યો છે. તમે લમ્પસમ એટલું ગણીત માંડો કે, યુધ્ધના શૂટિંગ માટે ભારતીય લશ્કરની જયપુર કેવેલરીની ૫૬મી રેજિમેન્ટમાંથી ૮,૦૦૦ ટ્રુપ બોલાવવામાં આવી હતી, તે સાથે ૨૦૦૦ ઊંટો, ૪૦૦-ઘોડાઓ, ૭૫ હાથીઓને યુધ્ધના શૂટિંગમાં ઉતારવાનો મિનિમમ ખર્ચો જ કેટલો આવે ? સૈનિકોના હાથમાં ભાલા-બરછી-તીરકામઠા અને બખ્તર, રોજનું જમવાનું, ઘાસચારો, રહેવાના તંબુઓ, લશ્કરના જવાનો માટે સવારનો તમામ સામાન અને આટલા મોટા રણમાં દર કલાકે પાણીનો છંટકાવ...! અનેક દ્રષ્યોમાં એક સાથે ૧૪ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. 

(૩૨) 'મુગલ-એ-આઝમ' ઉર્દુ ઉપરાંત તમિળ અને ઇંગ્લિશમાં ય બની હતી. તમિળમાં ડબ થયેલી આ ફિલ્મનું નામ 'અકબર' રાખવામાં આવ્યું હતું, પણ ફિલ્મ સદંતર ફ્લોપ થવાથી ઇંગ્લિશ ફિલ્મ માંડી વાળવામાં આવી હતી. 

(૩૩) અગાઉ બે વખત પરણી ચૂકેલા કે.આસિફે દિલીપકુમારનીસગી બહેન અખ્તરમાં ઝોલ નાંખી એની સાથે પરણી ગયો, એનો દિલીપને દાઝી જવાય એવો ઝાટકો લાગ્યો હતો. આસિફ સાથે બોલવાનું બંધ પણ ફિલ્મના ઐતિહાસિક પ્રીમીયરમાં ય દિલીપ ગયો નહોતો. નહિ તો બન્ને જીગરી દોસ્ત હતા. આસિફના મામા એન. નઝીરની પત્ની (એટલે આસિફની સગી મામી)ને ભગાડીને લઇ ગયો, ત્યારે પણ નઝીર પણ દિલીપનો જીગરી દોસ્ત હતો. આ એસ. નઝીરને દિલીપે પોતાની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં નાના મોટા રોલ અપાવ્યા છે. પણ આસિફ તો જૂનો દોસ્ત અને આ એ દિવસો હતા, જ્યારે સુરૈયા-દેવ આનંદનું પ્રેમપ્રકરણ હિંદી ફિલ્મોના મોટા ભાગના મુસલમાન મોટા માથાઓને અકળાવતું હતું, જેમાં નૌશાદ, મેહબૂબ ખાન, કે.આસિફ, દિલીપકુમાર...  બન્નેને તોડવાના આ લોકોના પ્રયત્નો સફળ પણ થયા, પણ આસિફ-અખ્તરની પ્રેમકહાણી બર્દાશ્ત કરી ન શકનાર દિલીપે દેવ-સુરૈયાની જોડી તોડવા કે.આસિફની પાસે એક ફિલ્મ શરૂ કરાવી- સુરૈયા-દિલીપને લઇને ! એમાં પહેલા જ દિવસે સીન એવો રખાયો કે, સુરૈયાના હોઠ પર સાપ કરડે છે, એનું ઝેર ચૂસી લેવા દિલીપ પૂરજોશ મહેનતે લાગી જાય છે અને દર વખતે 'એવું' ઝેર ચૂસ્યા પછી (અગાઉથી નક્કી કર્યા મુજબ આસિફ 'કટ' કહી દે, એટલે પેલો શોટ ફરી લેવો પડે. આવું બે-ત્રણ વાર થતા સુરૈયાને ગંધ આવી ગઈ ને સ્ટુડીયોમાં જ એના પહેલવાન મામાને ફોન કરીને બોલાવ્યા. બધી વાત કરી અને જોનારાઓના કહેવા મુજબ, મામાએ દિલીપને સારી પેઠે ઠમઠોર્યો હતો. ફિલ્મ તો પછી બની જ ક્યાંથી હોય ! હિંદી ફિલ્મોમાં કાસ્ટિંગ-કાઉચની શરૂઆત એ.આર.કારદાર ને દિલીપકુમારે શરૂ કરી હતી. 

(૩૪) આ ફિલ્મશ્રેણીનું જાયન્ટ પુસ્તક બે ભાગમાં બહાર પડી ચૂક્યું છે અને આ ત્રીજો ભાગ તૈયાર થઇ રહ્યો છે. અગાઉ અઢીસો ફિલ્મોના રીવ્યૂ લખ્યા, એમાં આજની ફિલ્મ 'મુગલે-એ-આઝમ'એક જ એવી છે, જેને માટે અહીં ત્રણ હપ્તામાં લખ્યું છે. 

વાચકોને આવી સર્વોત્તમ ફિલ્મ જોવાની અપીલ કરી શકું. આવી ફિલ્મ વર્ષે પાંચ વર્ષે તો જાવા દિયો, બન્યા પછી બીજી એકે ય આવી નથી - સિવાય 'પાકીઝા'. 

જોશો તો... ઓહહોહો... મારા માટે ય તમારૂં માન વધી જશે ! 

No comments: