Search This Blog

14/12/2016

પોતાનું પુસ્તક દોસ્તોને ભેટ આપતા બેવકૂફ લેખકની વાર્તા

શાસ્ત્રોમાં કીધું છે કે, જ્યારે કોઈ બુધ્ધિ વગરનો કવિ-લેખક પોતાનું નવું પુસ્તક યારદોસ્તોને ગિફ્ટમાં આપે છે, ત્યારે એ બુધ્ધિની સાથે પૈસા વગરનો પણ થઇ જાય છે. ભેટ આપેલું એ પુસ્તક વાંચવાનો ખર્ચો અને અન્ય ખાધાખોરાકી પણ સાથે આપ્યા ન હોવાથી ઘણા લાંબા સમય માટે એ લેખક યારદોસ્તો વગરનો પણ થઇ જાય છે.

એ જ દોસ્તો ફ્રીજ-ટીવી કે રેલ્વેના પાટા વેચવાના ધંધા કરતા હોય ને માર્કેટમાં નવા પાટા બહાર પાડે, ત્યારે આવા લેખકીયા-કવિયા દોસ્તોને શું એક એક પાટો સ્મૃતિભેટ તરીકે આપે છે ? આ જ અમારા લેખક-કવિઓ નવરા પડયા નથી ને બગલથેલામાંથી દારૂગોળાની માફક પોતાનું તાજું પુસ્તક કાઢીને દોસ્તોને ભેટ આપે છે, સ્માઇલ સાથે ! એ આશાએ કે, આજ નહિ તો કાલ, એ પોતે નહિ તો એના ગ્રાન્ડ-ચિલ્ડ્રન અથવા એની ફૅક્ટરીના કામદારો... એનું પુસ્તક વાંચશે.

આમાં એ સ્માઇલો કઇ કમાણી ઉપર આપે છે, તેની ખબર પડતી નથી. એ સ્માઇલ પાછું દયામણું હોય છે, યાચકનું હોય છે અને કદી પાછું ન આવે એવું બદમાશીયું હોય છે. ''સર-જી, પુસ્તક આપું છું, પૈસા લેતો નથી ને વાઇફને કીધું નથી... પણ આપ કમ-સે-કમ પુસ્તક વાંચજો ખરા... વાંચ્યા પછી સાવ ભંગારના પેટનું કહેશો તો ય વાંધો નથી.

ગિફ્ટમાં પુસ્તકો આપીને ભલભલા કવિ-લેખકો હલવઇ ગયા છે. એમની જ નહિ, એમના દોસ્તોની માર્કેટ વૅલ્યૂ અને વૉટ્સઍપ-વૅલ્યૂ ઉપર બૂરી અસર પડે છે.

જગતભરના કવિ-લેખકો પાસે, સમાજને આપવા માટે પોતાના પુસ્તક સિવાય કાંઇ હોતું નથી માટે જ, આજ સુધી એક ય કવિ-લેખકના ઘરમાં કોઇ નાનકડી ચોરી પણ થઇ હોવાનું ક્યાંય સાંભળ્યું ? કહે છે કે, ચોર લોકોના ટેસ્ટ ઊંચા હોય ! ગમે તેવા લેખકના ખિસ્સામાં હાથ બી ના નાંખે.

એક કવિએ એક ભિખારીનું ખિસ્સું કાપ્યું, એ જોઇ ગયેલા ટ્રાફિક-પોલીસે કવિને મુશાયરાના સ્ટેજ પર બોલાવતો હોય, એવા સ્માઇલો સાથે ગરમ શૉલ ઓઢાડીને બોલાવ્યો. ભિક્ષુક દૂર ઊભો ઊભો સઘળું જોતો હતો. એક જમાનામાં એ પોતે પણ શાયર હતો. દોસ્તોને પોતાના કાવ્યસંગ્રહો ફ્રી-ગિફ્ટમાં આપી આપીને આજે એ ભિખારી થઇ ગયો હતો. પોલીસે આંખોમાં ઝળહળીયા સાથે કોઇ જુએ નહિ એમ રૂ. ૧૦૦/-ની નોટ આપી, કવિના ખભે હાથ પંપાળતા કીધું, 'પહેલા સામેની લારી ઉપર વડા-પાઉં જેવું કાંઇ ખાઇ લો, કવિરાજ...!... પછી 'દીવાન-એ-ખાસ' અહીં જ ગોઠવીએ છીએ... થોડો છાંટો-પાણી ય કરી લેશું..'

કવિએ મુશાયરાની દાદ મળતી હોય એવા ઉત્સાહથી બોલી નાંખ્યું, 'ક્યા બ્બાત હૈ... દુબારા.. દુબારા... ક્યા બ્બાત હૈ !'

વળતા હૂમલા તરીકે સૌજન્ય ખાતર કવિએ પોતાનો ગઝલસંગ્રહ એ પોલીસને ગિફ્ટમાં આપ્યા. આમાં આખી વાત ફરી ગઇ. એક તો, કવિની ભૂખનોખ્યાલ રાખીને પોલીસવાળાએ રૂ. ૧૦૦/-ની નોટ વડાપાઉં ખાવા આપી, એ ઉપકારને બદલે કવિ વિવેક-વિનયનો વિચાર કર્યા વિના પોતાનો કાવ્યસંગ્રહ ફટકારે છે, એ પોલીસવાળાથી સહન ન થયું.

... એ ભોળાનો ગુસ્સો વ્યાજબી હતો કે, વળતા હૂમલા તરીકે શું એણે પોતે પકડેલા વાહનચાલકોની ડાયરી કવિને વાંચવા આપી હતી ? એનામાં એવા સંસ્કારો જ નહિ !

ગુજરાતી સાહિત્યમાં કવિઓ જેટલી અને જેવી બેકારી કોઇ ક્ષેત્રમાં નથી. એ લોકો નવરા પડયા પડયા તરડાયે રાખે છે, એમાં વધુ ને વધુ ગઝલો લખાતી જાય છે, એના કરતા એ બધાને ટ્રાફિક-પોલીસમાં નોકરા આપી દેવા જોઇએ. વાહનના ગૂન્હા-સબબ પકડાયેલા આરોપી પાસેથી રૂ. દોઢસો-બસોનો દંડ વસૂલ કરવાને બદલે પોલીસવાળા રચિત કાવ્યરચના ફરજીયાત ઘટનાસ્થળે જ સાંભળવાની સજા આમ ભલે વધુ પડતી આકરી પડશે, પણ ગૂન્હાઓ ચોક્કસપણે બંધ થઇ જશે. આવા ટૉર્ચરિંગ દ્વારા મળતી દંડની રકમને કવિનો પુરસ્કાર બનાવી ઘટનાસ્થળે જ એ ચૂકવી દેવાથી ન્યાય સિધ્ધ થશે અને કવિતાસાહિત્ય બળવત્તર બનશે.

મહાન બાણાવળી વીર અર્જુન દિલ્હીના ફિરોઝશા કોટલાના ગ્રાઉન્ડ ઉપર મહાભારતનું યુધ્ધ રમવા ગયો, અને પોતાનો રથ કુરૂક્ષેત્રની ગમે તે ગલીમાં પાર્ક કરી દીધો, એમાં શ્રીકૃષ્ણ પાસે ૧૮-અધ્યાયની ભગવત-ગીતા સાંભળવાના દહાડા આવ્યા. અર્જુન બાણાવળીને બદલે કવિ કે ગઝલકાર હોત, તો આટલા જંગી ખર્ચાઓને બદલે, કૌરવો ઉપર છુટ્ટી ફેંકેલી સો-બસો કવિતાઓ કે ગઝલોના મારાએ યુધ્ધ જીતાડી આપ્યું હોત !

ફિલ્મ 'શોલે'માં ગબ્બરસિંઘના અડ્ડામાં જય અને વીરૂ કોઇ દારૂગોળા અને પિસ્તોલથી ત્રાટકતા નથી, છુટ્ટી કવિતા, નાનકડા શે'રો, લઘુકાવ્યો અને ૧૯ શે'રોની લાંબી લાંબી ગઝલો ગૂંચળું વાળી વાળીને ડાકુઓ ઉપર ઝીંકે છે, એમાં નાસભાગ થઇ જાય છે. ગબ્બર મરાય છે અને ઠાકૂરસા'બનો વિજય થાય છે, પણ મૂળ કમાલ પેલા બે કવિઓની !

આ બાજુ, આપણો લેખક કોઈ ઓળખી ન જાય માટે સ્પાઇડરમૅનના વેશમાં એના દોસ્તના ઘરમાં અંધારી રાત્રે છાપો મારવા નીકળ્યો હતો. જેને જેને પોતાનું પુસ્તક ભેટ આપ્યું હતું, એ બધાના નામ-સરનામા લેખકને કંઠસ્થ હતા. એને યાદ આવ્યું. હમણાં જ બહાર પડેલું એનું રૂ. ૧,૬૦૦/-ની કિંમતનું પુસ્તક એણે ૪૦-૪૨ દોસ્તોને ભેટમાં આપ્યું હતું, (જે લેખકને પણ પૈસા ખર્ચીને ખરીદવું પડે છે) પણ સૌજન્ય ખાતર એમાંના એક પણ દોસ્તે પુસ્તક કેવું લાગ્યું-એ તો જાવા દિયો, કોઇએ વાંચ્યું કે નહિ, એટલો ય પ્રતિભાવ આપ્યો નહતો. અલબત્ત, એનો ઇરાદો એના દોસ્તોના ઘરમાં ચૉરી કે ખૂન કરવાનો નહતો, પણ પોતે ભેટ આપેલા પુસ્તકની એના દોસ્તોના ઘરમાં શી હાલત થઇ છે, એ વંચાય છે કે એના ઉપર અત્યાચારો થાય છે, એ જોવું હતું. નહિ સહન થાય તો પુસ્તક છાનુંમાનું પાછું પણ લઇ આવવું, એ ઇરાદો પણ હતો.

પણ એ એકલો ખૌફથી ડરેલો નહોતો, જે દોસ્તોને પુસ્તક ભેટમાં આપ્યું હતું એ બધા ય ડરના માર્યા આનાથી દૂર ભાગતા હતા કે, 'સાલો પુછશે, 'બૉસ, મારૂં પુસ્તક વાંચ્યું...?' તો એ પણ યાદ નહિ આવે કે, 'આણે મને કયું અને કોનું પુસ્તક ગિફ્ટમાં આપ્યું હતું !.... ગઇ વખતે તો લિનનના ઝભ્ભાનું કાપડ આપ્યું હતું... એ તો વાપરવાના કામમાં ય આયું'તું... પણ ગૉડ નૉઝ, આ વખતે તો કોઇ ચોપડી-બોપડી જેવું જ આલ્યું'તું...!'

છેવટે ફિલ્મ 'નીલકમલ'માં, પોતાની વહાલસોયી દીકરી વહિદા રહેમાનના સાસરે બલરાજ સાહની દીકરી દુ:ખી તો નથી ને. એ જોવા જાય છે અને હેબતાઇ જાય છે, એમ પોતાના ભેટ આપેલાં એ પુસ્તકનું આખરે શું થયું, એ જાણવા હતાશ લેખક એણે એના પુસ્તકની કબર ઉપર ફૂલ ચઢાવવા જાય છે. અંધારી રાત્રે ગુપ્તવેશપલટો કરીને દોસ્તના ઘરની બહારની દિવાલ પર ચોંટાડેલી સીમૅન્ટની પાઇપ પકડી જીવસટોસટના ખેલો કરતો કરતો એ ઘરમાં દાખલ થાય છે, એ સમયે કહે છે કે, બહાર અંધારી રાતના તમરાં સિસોટીઓ વગાડતા બંધ થઈ જાય છે (આપણે આનું પુસ્તક વાંચવું ન પડે એ બીકમાં) ચંદ્રનું અજવાળું ઝીરોના બલ્બ જેવું થઇ જાય છે.

અગાઉ કદી પણ આવો ખતરનાક સ્ટન્ટ કર્યો ન હોવાથી લેખકને આવા ફફડાટમાં એકી લાગે તો ય છૂટકારો મેળવી શકતો નથી (એ તબક્કે આગળ શું થાય છે, એ જણાવવાથી સાહિત્યિક મર્યાદાભંગ થતો હોવાથી અહીં જણાવતો નથી.) તમે લેખકની પ્રતિબધ્ધતા જુઓ, સાહેબ... પુસ્તકનું જે થવું હોય એ થાય, સાહિત્યના ધોરણો સાફસુથરા રહેવા જોઇએ ! : સાહિત્યના ગૌરવની વાત પૂરી)

મનમાં ફાટતી હોવા છતાં, અંધારામાં દોસ્તના ઘરમાં ઘુસેલા લેખકને ખબર છે કે, પુસ્તકો ઘરના બે સ્થળોએ વંચાતાહોય છે, એક ટૉઇલેટમાં અને બીજું રાત્રે સૂતી વખતે છાતી ઉપર ! કોઇ માળીયે ચઢીને કે રસોડામાં નથી વાંચતું. અંધારામાં એને ટૉઇલેટ શોધવું અઘરૂં તો પડે છે અને શોધાઇ ગયા પછી ઘરનું કોઇ એ વખતે જ અંદર ગયું હોય તો...?

આમાં દરવાજો ખખડાવાય નહિ ! લેખક બિચારાને હવે ખ્યાલ આવે છે કે, જે સાહિત્યનું સર્જન થયું હોય, ત્યાં જ એ વંચાતું હોય છે... કેવળ સર્જક અને શિકાર બદલાય છે, એટલું જ ! એને યાદ આવે છે કે, પંદરસો-બે હજારનીકિંમતનું પોતાનું આ નવું પુસ્તક એણે ચાળીસેક દોસ્તોને વગર વાંકે ગિફ્ટમાં આપ્યું હતું, એ લોકો પછી બદલો લીધા વિના રહે ? વાંચ્યા પછી ભલે ને એને કેજરીવાલના પેટનું કહી દે, પણ કમસેકમ વાંચે તો ખરા !

લેખકને ખાટી હેડકીઓ એટલે આવે છે કે, એ ચાળીસમાંનો એકે ય દોસ્ત કવિ કે લેખક હોતો નથી, જેથી એ લોકો ઉપર વળતો હૂમલો કરી શકાય. એમાંનો એકે ય દોસ્ત કવિ હોત તો, સાલાને બીજા કવિ કે લેખકનો લૅટેસ્ટ સંગ્રહ ગિફ્ટમાં આપત, જેથી જીંદગીભર એ તડપતો રહે ! '...ઐસા ક્યા ગૂનાહ કિયા કે લૂટ ગયે, હો લૂટ ગયે હોઓઓ...!'

એ ભોળીયો બિચારો એ પણ જાણતો હતો કે, આવી તો બીજી ચાળીસ અંધારી રાતોએ ચાળીસ દોસ્તોને ઘેર આમ જ ઘુસવાનું છે, પોતાના ભેટ આપેલા પુસ્તકને પાછું લઇ આવવા ! અગાઉના અનુભવો હશે પણ બાળકો વગર નદીએ ક્યાંક કાગળની હોડી-હોડી જેવું રમતા હોય તો આને પહેલો ફડકો પેસી જાય છે કે, છોકરાઓએે મારા પુસ્તકની હોડીઓ તો નહિ બનાવી હોય ને ! પણ ધ્રાંગધ્રા અને હળવદ બાજુના પૅપર-વિજ્ઞાાનીઓ એવું માને છે કે, કાગળની હોડી તો સારા કાગળમાંથી બને !

એણે અંધારા ડ્રૉઇંગ-રૂમમાં ટૉર્ચ વડે પ્રકાશ ફેંકવાનું મુનાસિબ ન માન્યું. એ જાણતો હતો કે, ડ્રૉઇંગ-રૂમના શો-કૅસોમાં લોકો પોતાની આબરૂ વધે અને બધા જોઇ શકે એવી ઈમ્પ્રેસિવ પુસ્તકો મૂકતા હોય છે, એટલે  મારૂં તો જ ન હોય !

એણે ઘટનાસ્થળે જ ઊભા ઊભા મલકાતું અને અલકાતું એક દિવાસ્વપ્ન જોયું કે, આના ડ્રૉઇંગ-રૂમના શો-કૅસમાં મારૂં પુસ્તક તો નહિ હોય ને ? પણ ત્યાં જ એને કવિ અનિલ ચાવડાનો તોખાર શે'ર યાદ આવ્યો :
'
આંખો ઉપર ચશ્મા ઉપર દ્રષ્યો ઉપર ઘટના ઉપર બીજું પણ કંઇ ઘણું બધું છે,
'ઘણું બધું છે' કહી દીધાની ઘણી બધી ય ભ્રમણા ઉપર બીજું પણ કંઇ ઘણું બધું છે'

જો કે, આવું વિશફૂલ-થિન્કિંગ કરવા બદલ એને પોતાના ઉપરે ય ગુસ્સો આવ્યો કે, કોઇ જાણીજોઇને આવું પુસ્તક શો-કૅસમાં મૂકીને પોતાનો ડ્રૉઇંગ-રૂમ બગાડતું હશે ? તાબડતોબ એણે અગમનિગમની વાટ પકડી, એટલે કે બાથરૂમની દિશા પકડી. ઘણીવાર જાતકો નહાવામાં બહુ મજા ન આવે તો મહીં બેઠા બેઠા ૨૦-૨૫ પાનાં વાંચી લેતા હોય છે, તો પૉસિબલ છે, મારૂં અડધું વંચાયેલું અને આખું પલળેલું પુસ્તક આ લોકોના બાથરૂમમાંથી મળી આવે !

દોસ્તના ફેમિલી-મેમ્બર્સ પોતપોતાના બેડરૂમોમાં સુતા હતા. હવે એક કિચન તપાસવાનું બાકી હતું કે, છેલ્લી વીસેક-મિનીટની સઘન તપાસ પછી કાંઇ મળ્યું તો નહિ, પણ ભૂખ તો લાગી છે. એના ચેહરા ઉપર સ્માઇલની એક નાનકડી કટકી આવી ગઇ કે, પોતે લેખક હોવા છતાં હજી ય ભૂખો લાગે છે ! જેમ્સ બૉન્ડ હૉલેન્ડના કોઇ અણુ-રીએક્ટર પ્લાન્ટમાં ઘુસતો હોય એમ આ ભોળીયો કિચનમાં ઘુસ્યો. કિચનમાં એગ્સ-બેગ્સ હોય તો ઑમલેટ બનાવી લેવાય... સાથે એકાદ પ્લેટ બ્રેડ-બટરની હોય, પછી ભૂખ્યા લેખકને જોઇએ શું ?

એણે સહેજ પણ અવાજ ન થાય, એ રીતે ફ્રીજ ખોલ્યું. ખુલ્યું તો નહિ, પણ ખેંચાઇને થોડું આગળ આવ્યું. એક બાજુ નમતું હતું. ખેંચ્યું તો વધારે ખેંચાયું... ઓહ માય ગૉડ... અચાનક નીચે નજર પડી તો ફ્રીજના ત્રણ પાયા ઓકે હતા પણ ચોથો ડગુમગુ હતો, એટલે આ લોકોએ ટેકા માટે આનું પુસ્તક  ચોથા પાયામાં નીચે મૂકી દીધું હતું.

દેવી-દેવતાઓ આકાશમાં રહેતા હશે, એમ માનીને બાથરૂમની બારીમાંથી એણે ઊંચે આકાશમાં જોઇ પ્રાર્થના કરી, ''હે ઈશ્વર... હવે મરી જઇશ પણ મારૂં નવું એકે ય પુસ્તક કોઇ દોસ્ત-ફોસ્તને ભેટ નહિ આપું...''

સિક્સર
હવે દરેકના વૉટ્સઍપમાં બિલકુલ ફ્રી 'વિડીયો-કૉલિંગ' આવી ગયું છે અર્થાત જેની સાથે વાત કરો છો, એનો ચેહરો પણ જોઇ શકાય છે અર્થાત... હવે વૉટ્સઍપ ઉપર કારમો કન્ટ્રોલ આવશે... આજ સુધી તો સાલી ખબર નહોતી કે, સામોવાળો કે સામેવાળીનું ડાચું કેવું છે...!

No comments: