Search This Blog

28/12/2016

નવી ગાડી લઇએ ત્યારે.....

હિંદુ રિવાજ મુજબ, નવું વાહન આવે એટલે ગૃહલક્ષ્મી કંકુ-ચોખાની થાળી લઇ પૂજા કરે, જેથી ઇશ્વરની કૃપા હંમેશા રહે અને આનાથી ય વધુ મોટી અને મોંઘી ગાડીઓ આવતી રહે.... ભલે છેક બસ સુધીની ગાડીની જરૂરત નહિ....! આગલા દિવસથી જ ઘરમાં ઉત્સાહ મ્હાતો નહતો કે, નવી ગાડી... અને એ ય પહેલી ગાડી આવી રહી છે. સીમુના પપ્પા સ્કૂટર અથડાવીને... આઇ મીન, ચલાવી ચલાવીને થાકી ગયા, વૃધ્ધ થઇ ગયા. હવે ફેમિલી સાથે ગાડી લઇને જ્યાં જવું હોય ત્યાં જવાશે.

આમ તો ઇચ્છા બાના ઘરે જવાની જ થાય અને સોસાયટીને નાકે જ બાનું ઘર છે....અને ગાડી લઇને બાને ઘેર જઇએ તો બિચારી આ ઉંમરે રાજી થાય કે, મીનુને ત્યાં મોટી ઉંમરે પારણું બંધાયું... આઇ મીન, એવા બે-ત્રણ પારણાં તો તમારાં ભ'ઇએ બાંધી આલ્યા, પણ આ ઉંમરે હવે આ બિચારીને પારણાં કરતા ગાડી જોવી વધારે ગમે કે, 'આપણી મીનુ ગાડી લઇને આઇ છે !'

જો કે, હું તો પાછલી સીટમાં ડ્રાઇવરની ઑપોઝીટ દિશામાં જ બેસવાની ! મોટા ઘરની વહુઓ કાંઇ જાતે ગાડાં ન ચલાવે... ઘર નથી ચલાવી શકતી ત્યાં ગાડીની ક્યાં માંડો છો ? અત્યાર સુધી તો એમના ઍક્ટિવા પર બેસીને બાના ઘેર જતા મને મૂઇને એવી તો શરમ આવે કે,

આના કરતા તો બાના ઘેર ચાલીને જવું સારૂં. વળી સ્કૂટર-ફૂટર ઉપર આપણું બૉડી હોય એના કરતા જરી વધુ દેખાય... તમારા ભ'ઇનું ના દેખાય... આપણા લીધે બિચારા ઢંકાઇ જાય ! માટે જ આલી ફેરા નક્કી કર્યું છે કે, નવી ગાડી આવશે તો હું તો પાછલી સીટ પર જ બેસીશ ને ગાડી એ ચલાવે. વ્યવહારમાં જે થતું હોય એ થાય ! પાછલી સીટમાં આપણું હૅવી  બૉડી તો ના દેખાય !

હા જી નવું નવું છે, એટલે એમને-આઇ મીન, ગોટી (ગૌતમ)ને તો ડ્રાયવિંગ આવડે નહિ એટલે મેં 'કુ....કંપનીનો માણસ જ ગાડી ઘેર મૂકી જાય. પછી પૂજા-બૂજા કરીને, નજર-બજર ઉતારીને ગોટીને ડ્રાયવિંગ શીખવાડીશું... આઇ મીન, શીખવાનું કહીશું.

પ્રોબ્લેમ એ ખરો કે, સોસાયટીમાં કાંઇ બધા રાજી ન થાય ગાડી આપણે ત્યાં આવવાની હોય એટલે ! ઘણીઓની આંખો ફાટી ગઇ હોય. એ બધીઓ તો જલી મરે, એટલે જ ગાડી આવે ત્યારે પૂજા કરાવવા મહારાજ આવે, એ વખતે પૂજા લાઉડ-સ્પીકરમાં કરાવવાનું ગોટીને કહી રાખ્યું હતું. એને આવું બધું ન ગમે, પણ મારે ય સોસાયટીના વ્યવહારોમાં ધ્યાન તો રાખવું પડે ને ?

ભારતભરમાં ગાડી બનાવનારી કંપનીઓ કહો ન કહો, પણ ગમ્મે તેમ કરીને ગ્રાહકને બઝાડે તો છે વ્હાઇટ કલરની ગાડીઓ જ ! વ્હાઇટમાં રાત્રે એક્સિડેન્ટ ઓછા થાય, સામેવાળાને કાળી કરતા આપણી સફેદ ગાડી પહેલી દેખાય, ને એવા બીજા આઠ-દસ બહાના બતાવીને આપણને વેચે તો વ્હાઇટ ગાડી જ !  રોડ ઉપર ૯૮ ટકા  સફેદ ગાડીઓ જોવા મળે છે ને!

અને કારણ સહેજે ખબર નથી પણ ભારતભરમાં હજી 'કાર' શબ્દ જ આવ્યો નથી, 'ગાડી' જ બોલવાનું ! મર્સીડીઝ લઇને આવ્યા હોઇએ કે સાયકલવાળો ચાની લારીએ સાયકલને સ્ટેન્ડ ઉપર ચઢાવીને અડધી પીવા ઊભો હોય તો ય ચાવાળાને, 'આપણી ગાડીનું ધ્યાન રાખજે, 'ઇ !' કહે.

બરોબર સાડા બાર ને પાંચે ગાડી લઇને પેલો આવ્યો. શું કરવાની આ ટાઇમે ગાડી લઇને આવે તો ? આખી સોસાયટીમાં કોઇ જોનારૂં ય ન હોય ! પેલાને પાછો ય ન મોકલાય. એમાં મહારાજ તો ટાઇમસર આવી ગયા હતા, પણ લાઉડ-સ્પીકર ચાલુ જ થતું નહોતું. કહે છે, કોઇક વાયર-બાયર ચોંટતો નહતો. આમતો મેં ગોટીને કીધું ય ખરૂં કે, 'વખત છે ને, માઇક ચાલુ ન થાય તો ગોરમહારાજને કહી રાખો કે, મોટા ઘાંટા પાડીને શ્લોકો બોલે... આખી સોસાયટીમાં સંભળાવવા  જોઇએ. આપણે પૈસા પૂરા આપ્યા છે.'

બાપુજીને કીધું નહોતું, એનો મતલબ એ તો નહિ કે, એમને એટલી ય ખબર ન પડે કે, નવી ગાડીનું શુભ-મુહુર્ત ગાડીના બૉનેટ ઉપર ધમ્મ કરતું નારીયેળ પછાડીને ન કરાય. નારીયેળ જમીન ઉપર ફોડવાનું હોય ! સફેદ બૉનેટ ઉપર આ મોટ્ટો ગોબો પાડી દીધો.

હું તો આ નાનકડું એક્ટિવું આયેલું, ત્યારે ય પ્રાર્થના કરતી હતી કે, ઘરમાં ગોબો કે લિસોટા પાડજો પ્રભુ... અરે, જરૂર પડે તો બા-બાપુજી ઉપર લિસોટા પાડજો... હું બહુ મોટા મનની છું, પણ ગાડી ઉપર એકે ય ડાઘો ના પાડતા માતાજી  !  છાતી ચીરાઇ જાય છે.

સીમુને ડ્રાયવિંગ-લાયસન્સ તો મળી ગયું હતું, એટલે પૂજા કરીને નવી ગાડીમાં શ્રી સમર્થેશ્વર મહાદેવના મંદિરે આંટો મારવા જઇ આવીએ, એવું નક્કી તો થયું અને બાપુજી ઊભા ઊભા કંટાળ્યા હતા, એટલે એ ઉપર જતા રહે (એટલે કે ઘરમાં ઉપર જતા રહે) એના  કરતા સીમુને કીધું, 'બટા, જલ્દી ગાડી લઇ લો ને ચલો સમર્થેશ્વર...!' પણ આટલું સાંભળીને બટો જરા વધારે પડતા ઉત્સાહમાં આવી ગયો અને ગાડી સ્ટાર્ટ કરીને પાર્કિંગના થાંભલાને ઘસાઇને આ મોટો લિસોટો પાડયો.

સાલું, ઈન્ડિયામાં લોકુંને ગાડીયું વાપરતા જ નો આવડે !... ફ્લેટના પાર્કિંગમાં આટલા બધા થાંભલા નંખાતા હશે ? સીમુને ગાડી બહાર કાઢતા બે-ચાર વખત રીવર્સમાં લેવી પડી, એમાં ઉપરના ત્રીજા માળેથી કોકે વળી દાળ-શાકનો એંઠવાડ સીધો ગાડી ઉપર નાંખ્યો. રામ જાણે કયા શુકનમાં ગાઈડ આઇ'તી...! એ...હા... આજે જ ગોટીનો હેપી-બર્થ ડે છે... સાલા, હેપી-બર્થ-ડેઓ આવા હોય ?

અમે સરસ રીતે ગાડીમાં ગોઠવાઇ ગયા. બાને હજી નવું-નવું અને બિચારાએ ગાડી-બાડી ક્યાંથી જોઇ હોય, એટલે બારીની બહાર બહુ જોયે રાખે. આવું ના કરાય. બાપુજીની કન્ટિન્યુઅસ ઉધરસોએ આખો મૂડ મારી નાંખ્યો... ગાડીના ભંગારનો અવાજ આવે છે કે, એમના ખોંખારાઓ ગર્જે છે, એની તો વટેમાર્ગુઓને ય ખબર નહોતી પડતી, પણ એવા ખોંખારા બંધ કરાવવા એમ કાંઇ કોઇના  ગળાં થોડા દબાવી નંખાય છે ? આ તો એક વાત થાય છે !!

સોસાયટીમાંથી બહાર નીકળ્યા પછી યાદ આવ્યુંકે, ગાડી કેટલાની આઇ, એ તો સોસાયટીમાં હજી કોઇને કીધું જ નથી ! આમ તો, સાડા પાંચની આઇ અને બધું મળીને છમાં પડી, પણ મેં ગોટીને કહી રાખ્યું'તું કે, ગામમાં તો સાડા તેર લાખની જ કહેવાની ! ગોટી મને ડાયરેક્ટ તો કહી ન શક્યો પણ ડોહાને આંખ મારીને એણે કાનમાં કીધું હતું કે, 'સાડા તેર લાખ તો લોકો ફેમિલી  સાથેની કિંમત સમજશે...!'

અમદાવાદમાં સૌથી મોટો ત્રાસ હોય તો રીક્ષાવાળાઓનો... એટલી ય અક્કલ ન મળે કે, કોક નવી ગાડી લઇને નીકળ્યું હોય તો,રજા રાખીને બે દહાડા ઘરમાં રહીએ ! આ તો સીધા ઉપર પડતા જ આવે. આ મોટો ઘસરકો પાડી દીધો... સીમુએ પેલાની રીક્ષા ઉપર ! મારે એને સમજાવવો પડયો કે, દિ' જોઇને ઘરની બહાર નીકળતો હો તો...?'એમ તો આપણી ગાડીને ય લિસોટો પડયો, પણ ગાડી છે તો લિસોટા તો પડે ! આજે ૮૫ની થઇ પણ મારી સાસુ હજી એકે ય લિસોટા વગરની  કોરીધાકોડ છે... જૂનું મૉડેલ છે...!

બરોબર ચાર રસ્તે પોલીસવાળાએ ઊભા રાખ્યા, ''બૅલ્ટ કેમ નથી બાંધ્યો ?'' તારી ભલી થાય ચમના, ઝભ્ભા-લેંઘા ઉપર કોઇ બૅલ્ટો બાંધતું હશે ? બાપુજી ય ખીજાઇ ગયા કે, અમે લોકો કોઇના રીસેપ્શનમાં થોડા જઇએ છીએ તે બૅલ્ટ-ફૅલ્ટ પહેરીને જઇએ ? ઠીક, એ તો પછી ખુલાસો થયો કે, બૅલ્ટ એટલે એ સીટ-બૅલ્ટની વાત કરતો હતો. હંહ... અમારો ગોટી તો આટલા વર્ષોથી ઍક્ટિવા ચલાવે છે... કોઇ 'દિ એણે સીટ-બૅલ્ટ બાંધ્યો નથી ! ગાડીમાં બેઠા એટલે પટ્ટા બાંધવાના...? નવરાઓ નવા નવા ફિતુરો કાઢે છે...!

એ તો ભલું થજો ભોળા મહાદેવજીનું કે, સમર્થેશ્વરમાં જ આપણા બે-ચાર ઓળખીતા મળી ગયા ને અમને ગાડીમાંથી ઉતરતા ય જોયા, એમાં અડધા પૈસા તો વસૂલ્લ...? એક જણ તો દોઢ ડાહીનો નીકળ્યો ને પૂછ્યું, ''વાહ... નવી ગાડી છે...? કોની છે ?'' ગોટીએ એને માહિતી પૂરી આપી કે, ''આજે જ નવી છોડાઇ છે... સાડા તેર લાખમાં પડી !'' તો ય વળી પૂછે, ''હપ્તેથી લીધી...?''

એમ તો એક-બે જણાએ સાચા વખાણ કર્યા કે, ગૌતમભાઇ (એટલે કે, ગોટી)એ આખી જીંદગી મેહનત બહુ કરી છે, એનું આ ફળ છે, પણ જતા જતા એકબીજાના કાનમાં બોલ્યા કે, ''...નક્કી કોઇ મોટાનું કરી નાંખ્યું લાગે છે... ગોટિયો ગાંધીનગરમાં જ પડયો પાથર્યો રહે છે... નહિ તો, આવાના નસીબમાં આવી ૧૩-૧૪ લાખની ગાડી ક્યાંથી હોય ?''

બધાનો મૂડ ઉતરી ગયો. ઘેર પાછા આવીને ગાડી જેમતેમ પાર્ક કરીને મૂકી દીધી ને સવારે જોયુંતો આખી રાત એના ઉપર કૂતરાં બેઠા રહ્યા હતા... અને હવે સોસાયટીમાં પાર્ક કરેલી કોઇ પણ ગાડી ઉપર લોકોએ દાનપૂણ્યમાં નાંખેલી વાસી રોટલીના ટુકડાં પડયા રહે... ઠેકતી વખતે કાચ ઉપર કૂતરાંના પંજાના કાપાં પડી જાય, ગાડીના માથે ગોબાં પડી જાય, મારીને કાઢી મૂકો તો પાછા તરત બેસી જાય.... કહે છે કે, ચોખ્ખાઇ એમને ય ગમે છે. જમીન પર ગમે ત્યાં બેસી જવું એના કરતા સાડા તેર લાખની પથારીમાં તો આપણે ય નથી સૂતાં.... સુંઉ કિયો છો ?

મોદી સાહેબના 'ઘર ઘર શૌચાલય'ના પ્રોગ્રામને બસ... કૂતરાં નથી માનતા !

સિક્સર
-
મે નૉટબંધી માટે કેમ કાંઇ ન લખ્યું ?
-
નૉટબંધીએ ઘેરઘેર 'બુધવારની બપોરે'ને ય પાછળ મૂકી દે, એવા લાખો હાસ્યલેખકો આપી દીધા છે.

No comments: